ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , ,


1] સૌપ્રથમ તો થોડીક અજ્ઞાન’ની કબુલાત . . . ગ્રંથાગાર જેવું કોઈ સ્થળ અને નાનકભાઈ જેવા કોઈ સજ્જન હતા , તે વિષે હું અનહદ અજાણ હતો અને જયારે જાણ પણ થઇ , તે કેવા પ્રસંગે !!!

2] જિંદગીભર એ અફસોસ રહેવાનો કે આવા કોઈ પુસ્તક’તીર્થ અને નાનકભાઈ જેવા સંત વ્યક્તિના દર્શન વિના જ અધૂરું રહી જવાયું . પુસ્તકો’નું એ જગત કેવું રહ્યું હશે અને આંગળી ચિંધ્યા માત્ર’નો સંતોષ લેતા એ ઓલિયા વ્યક્તિનું સ્મિત કેવું રહ્યું હશે !?

3] નવનીત સમર્પણ’માં આ લેખ નહિ નહિ ને ચાર’થી પાંચ વાર વાંચ્યો અને બ્લોગ પર વહેંચવાની બળકટ ઈચ્છા ઉદભવી , પણ થોડા સંકોચ અને ઝાઝી બધી વિસ્મૃતિ’ને કારણે આટલા મહિનાઓ વીતી ગયા [ સપ્ટેમ્બર , 2014 ] પણ ત્યારબાદ જયારે કેટલીક બુક્સ ગોઠવતો હતો ત્યારે ફરીથી આ લેખ વાંચવામાં આવ્યો અને ફરી એ જ આશ્ચર્ય’થી આખો લેખ એક બેઠકે વંચાઈ ગયો ! અને ત્યારબાદ થોડી જ વારમાં આ લેખ’નાં લેખક શ્રી સંજય શ્રીપાદ ભાવે‘ની મંજુરી માંગતો ઈમેઈલ પણ લખાઈ ગયો અને વળતા દિવસે જ તેમની મંજુરી પણ મળી ગઈ [ સંજયભાઈ’નો આવા સુંદર લેખ દ્વારા અદભુત એવા નાનકભાઈ અને તેમની પ્રવૃત્તિ વિષે પરિચય કરાવવા બદલ ખુબ ખુબ આભાર .  ]


સાભાર નોંધ : પ્રસ્તુત લેખ નવનીત સમર્પણ’નાં સપ્ટેમ્બર 2014’નાં અંકમાંથી કોઈ પણ પ્રકારના ફેરફાર વિના લેખક’શ્રી સંજય શ્રીપાદ ભાવે’ની મંજુરીથી લેવાયો છે .


નોંધ : આખરી ક્ષણો સુધી નાનકભાઈ અને ગ્રંથાગાર’નાં કોઈ ફોટોઝ મળી શક્યા નથી , માટે મારા બ્લોગીંગ’ના ઈતિહાસમાં પહેલી વાર કોઈ પોસ્ટ કે શેરીંગ ચિત્રો વગર પબ્લીશ થઇ રહી છે . પાછળ’થી જો સંબંધિત જગ્યાએથી પરવાનગી મળશે તો ચિત્રો ઉમેરીશ .

UPDATE [ 14/08/2015 ] : પોસ્ટ પબ્લિશ થઇ ગયા બાદ પણ ખાંખાખોળા’નાં પ્રતાપે ડો.અશ્વિનભાઈ’નાં જ બ્લોગ પરથી નાનકભાઈ’ની તસ્વીરો મળી શકી કે જે તેમની પરવાનગી’થી પોસ્ટ’માં ઉમેરીને અપડેટ કરું છું . જે તે તસ્વીર પર ક્લિક કરવાથી અશ્વિનભાઈ’ની મૂળ પોસ્ટ પર પહોંચાશે . ડો.અશ્વિનભાઈ’નો ખુબ જ આભાર 🙂


અમદાવાદમાં ‘ ગ્રંથાગાર ‘ નામનો પુસ્તકભંડાર છત્રીસ વર્ષ પુણ્યના વેપાર તરીકે ચલાવનારા ગ્રંથજ્ઞ નાનક ઝવેરચંદ મેઘાણી‘નું 20મી જુલાઈ’એ અમદાવાદમાં તેમના નિવાસસ્થાને 82 વર્ષની વયે અવસાન થયું . નાનકભાઈ પ્રબુદ્ધ અને પ્રેમાળ , વ્યાસંગી અને વિરાગી ગ્રંથવિક્રેતા હતા . તેમના પિતાએ ‘ કલમ અને કિતાબ ‘માં પુસ્તકભંડારની મહત્તા બતાવતી એક નોંધમાં લખ્યું છે : ” બુકસેલર તો પોતાના શહેરનો જ્ઞાનમાળી બની શકે . ” નાનકભાઈની ચિરવિદાયનાં બરાબર અગિયાર મહિના અને વીસ દિવસ પૂર્વે વિરામ લેનાર ‘ગ્રંથાગાર’ વાંચનપ્રેમીઓના ઉદ્યાન સમો હતો . તેને પુસ્તકોની દુકાન કહેતા જીવ ચાલતો નહોતો . તે પુસ્તકભંડાર હતો , પુસ્તકસ્થાનક હતું . તેના બીલ પર છાપેલું સૂત્ર હતું – ‘ અલ્પાચમન જ્ઞાનોદધિ કેરું . ‘

1a

ગ્રંથાગાર તેના છેલ્લા સાતેક વર્ષ આશ્રમ માર્ગ પર ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રાંગણમાં હતો . એ તેની ચોથી જગ્યા હતી . અનેક પુસ્તકપ્રેમીઓના મનમાં જે ‘ ગ્રંથાગાર ‘ છે તે અત્યારના સી.જી.રોડ પર નવરંગપુરા માર્કેટની સામેની બાજુના ચાર રસ્તાના ખૂણે આવેલા એક બંગલામાં 1977થી દોઢ દાયકા સુધી સવારે આઠથી રાત્રે આઠ સુધી ચાલુ રહેતો પુસ્તકભંડાર . તેના પહેલા દોઢ દાયકો નાનકભાઈએ રાજકોટમાં ‘ સાહિત્યમિલાપ ‘ નામે પુસ્તકોની દુકાન ચલાવી . વર્ષો ગયા , સ્થળો બદલાયા , શહેરનો મિજાજ બદલાયો , મિલકતના ભાવ વધ્યા . વ્યવસાયના ધંધા પણ વધ્યા – પણ ગ્રંથાગારનું સત્વ અક્ષુણ્ણ રહ્યું . આ પુસ્તકભંડાર’નો વિચાર કરતા મહાન ચિતારા વિન્સેન્ટ વાન ઘોગ’નાં શબ્દો યાદ આવે : I think i still have in my heart someday to paint a bookshop with the front yellow and pink in the evening , like a light in the midst of darkness

‘ ગ્રંથાગાર ‘ લોકપ્રિય , લલિત કે કેવળ પ્રચલિત પુસ્તકો ઓછા પસંદ કરતો . સાહિત્ય પરિષદના વર્ષોમાં લલિત પુસ્તકો આવતા થયા , પણ અગ્રતાક્રમે તો અર્થશાસ્ત્ર , તત્વજ્ઞાન , ભાષાવિજ્ઞાન , સમાજવિદ્યા , સાહિત્યશાસ્ત્ર જેવા વિષયો પરના આકરગ્રંથો , સંશોધનપુસ્તકો અને સંદર્ભગ્રંથો જ રહ્યા . સી.જી.રોડ પરના સુવર્ણકાળમાં અમદાવાદમાં સમૃદ્ધ ગ્રંથાલયો ધરાવતી સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને શ્રી હરીવલ્લભદસ અને કાળીદાસ આર્ટસ કોલેજ સહીત સંખ્યાબંધ કોલેજો સાથે નાનકભાઈને ગ્રંથવ્યવહાર હતો . અમદાવાદ ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ એસોસિયેશન , ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ , ઈસરો , નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડીઝાઇન , પી.આર.એલ જેવી આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓને પુસ્તકો પુરા પાડનારામાં નાનકભાઈ પણ હતા .

‘ ગ્રંથાગાર ‘માં વાંચકને ઠીક આરામથી બેસવાની વ્યવસ્થા મળતી . અહી આવનાર વ્યક્તિ ગ્રાહક ઓછા અને વાંચક વધુ રહેતા . તે ગમે તેટલા કલાક બેસીને પુસ્તકો જોઈ શકતા , ઉથલાવી શકતા , વાંચી શકતા , નોંધો કરી શકતા . ગ્રાહક પુસ્તક ખરીદવાને બદલે તેનો આ રીતે ઉપયોગ કરે તેમાં નાનકભાઈને વધુ ઉપલબ્ધી જણાતી . નાનકભાઈ અને તેમના ‘ દીકરી કે નાની બહેન જેવા ‘ સાથી હંસાબહેન પટેલ વાંચકોને લગભગ થનગનાટથી પુસ્તકો બતાવતા . પહેલી વખત જનાર વ્યક્તિને પણ ઘણી વાર કાઠીયાવાડી મહેમાનીની ઝલક મળતી . હંમેશના મુલાકાતીને પરોણાગત હંમેશા માણવા મળતી . તેમાં ચા , ચવાણું , ચીકી , હંસાબહેને શોધેલા જાતભાતના બિસ્કીટ , ઉનાળામાં શરબત કે આઈસક્રીમ ( લાંબો સમય બેસનારને બંને ) મળતા .

નાનકભાઈ અને હંસાબહેન પટેલ

નાનકભાઈ અને હંસાબહેન પટેલ

વાંચકો ગ્રંથાલયમાં આવતા હોય તેમ ગ્રંથાગાર’માં આવે . આટલા બધા સમય-સગવડ-સરભરા ગ્રંથાગારે બે-ત્રણ વાર પુરા પાડ્યા પછી વાંચક પુસ્તક ખરીદવાને બદલે ત્યાં જ વાંચીને પૂરું કરવાનું પસંદ કરે ! એમ ન થાય તોય ઘણું કરીને ખરીદે નહિ . તે વાંચવા માટે ઘરે લઇ જાય . નાનકભાઈ કોઈ નોંધ કે ચિઠ્ઠી વિના તે આપે . ગ્રાહક-વાચક ખરીદે તો ખરીદે , પૈસા હપ્તાવારેય ચુકવે . નાનકભાઈ પુસ્તકો બતાવવા , વાંચવા આપવામાં અને દુર્લભ પુસ્તકો મગાવી આપવામાં જેટલા અધીરા હોય એના કરતા પૈસા લેવામાં વધારે ઉદાસીન હોય . પોતાના નહિ પણ સંસ્થાના ખરચે પુસ્તક-શોખ પુરા કરનારા કેટલાક ઘરાકો ફટાફટ ત્રીસ-ચાલીસ પુસ્તકોનો ઢગલો નાનકભાઈના ટેબલ પર ખડકીને સંસ્થામાં મોકલી દેવાનું કહીને ચાલ્યા જાય . પછી એપ્રુવલ મેમો , ડીલીવરી , ચેક ઉઘરાણી બધું ગ્રંથાગારનાં બે પૈડા સમાં હંસાબહેન અને સુરેશભાઈ ગાયકવાડ કરે . હંસાબહેન વિના ગ્રંથાગાર’ની કલ્પના ન થઇ શકે . વ્યવસાય-કુશળતા અને સ્નેહનું કંઈક અદભુત મિશ્રણ એમનામાં હતું . તેમના વિના ‘ ગ્રંથાગાર ‘ ગ્રંથાલય બની જાત અને ટૂંકા ગાળામાં અટકી જાત . નવા પુસ્તકો બતાવવાનો નાનકભાઈ અને હંસાબહેનનો હરખ સરખો , ફેર માત્ર વ્યવહારભાનનો જ . હંસાબહેન પુસ્તકોની ભાળ પણ રાખે અને ગ્રાહકની પસંદગી પણ જાણે . ‘ ગ્રંથાગાર ‘નું એક ભુલાયેલું પાત્ર તે ગાયકવાડભાઈ . આ સેવકે શહેર આખામાં સાઈકલ પર ફરીને ‘ ગ્રંથાગાર ‘નાં પુસ્તકોની આપ-લેનાં , પોસ્ટ અને પાર્સલના , કેટલાક વાંચકોને પુસ્તકો ઘરે પહોંચાડવાના કામ વર્ષો લગી મૂંગે મોઢે મન દઈને કર્યા .

લગભગ બધાની સાથે ગ્રંથાગાર’નો વ્યવહાર લગભગ બધી વખત એવી રીતે ચાલે કે જાણે નાનકભાઈએ ધંધો નહિ પણ ધર્માંદું કરવા દુકાન કરી હોય ! નાનકભાઈનાં આ પુણ્યના વેપારમાં , ન માનવામાં આવે તેવા કિસ્સા , તેનાં ગ્રાહકો ( ખરું કહેતા તો વાંચકો ) પાસેથી જાણવા મળે છે . ગુજરાતીના જાણીતા વિવેચક-અધ્યાપક અજય રાવલ એક હૃદયસ્પર્શી સંભારણું વર્ણવે છે : ગોધરાકાંડને પગલે ગુજરાતભરમાં કોમી રમખાણો થયા ત્યારે અજય સંતરામપુરની કોલેજમાં હતા . તેમનું ઘર તેમની ગેરહાજરી દરમ્યાન સળગાવી દેવામાં આવ્યું . ઘરમાં હજારથી વધુ પુસ્તકો હતા . સમય જતા એમણે એ પુસ્તકો ફરીથી વસાવવાની શરૂઆત કરી . એક દિવસ મિત્ર સાથે અમદાવાદ આવીને ગુજરાત યુનીવર્સીટી પાસેના એક બંગલામાં પહેલા માળે આવેલા ‘ ગ્રંથાગાર ‘માંથી પુસ્તકો ખરીદ્યા , પૈસા ચૂકવ્યા અને પુસ્તકભંડાર’નો દાદરો ઉતરીને નીચે પહોંચ્યા . એટલામાં નાનકભાઈને અજયના મિત્ર થકી સંતરામપુરની ખબર પડી , તરત જ નાનકભાઈ નીચે દોડ્યા અને અજયને બધા પૈસા પાછા આપી દીધા ! નાટ્યવિદ હસમુખ બારાડી સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં અંગ્રેજી સાહિત્ય સાથે ભણતા , પુસ્તકો ખરીદવા પરવડતા નહિ . એટલે નાનકભાઈની રાજકોટની દુકાનમાં જઈને કલાકો વાંચ્યા કરે . થોડા દિવસ પછી નાનકભાઈ તેમને અંગ્રેજી સાહિત્યના નવાનકોર પુસ્તકો ઘરે લઈ જવા આપવા લાગ્યા .

પત્રકાર હર્ષવદન ત્રિવેદી તો નાનકભાઈનાં ટીફીનમાંથી જમી જતા . એમ.એસ.યુનીવર્સીટીના ભાષાવિજ્ઞાની બાબુ સુથાર તેમના મિત્ર . આ બંને  તત્વજ્ઞાનનાં દુર્લભ પુસ્તકો તેમની સંસ્થાના ધિરાણ મંડળીઓમાંથી પૈસા લઈને ખરીદતા . એક વખત તેમણે ઘણી મોટી રકમના પુસ્તકો ખરીદીને તરત જ તેના પૈસા નાનકભાઈ સામે ધર્યા . હર્ષવદન યાદ કરે છે : ‘ નાનકભાઈ લગભગ ગળગળા થઇ ગયા . એ કહે એટલા બધા પૈસા તમારી પાસેથી હું એકસામટા લઇ જ ન શકું . કટકે કટકે આપજો . ‘ બહોળો વાચકવર્ગ ધરાવતા કટારલેખક જય વસાવડા સાથે રાજકોટથી ફોન પર વાત કરી : નાનકભાઈ અને કુસુમબેન મારી સામે દુકાન છુટ્ટી મૂકી દેતા . નાસ્તાનો કોન પણ મંગાવતા . આપણા ઘરમાં બેઠાબેઠા વાંચતા હોઈએ તેવું લાગે . આ ઉપરાંત જોઈએ એટલા પુસ્તકો ઘરે લઇ જવા માટે પણ આપતા . ‘

આઉટલુક સાપ્તાહિક’નાં સીનીયર અસોસીયેટ એડિટર એસ.બી.ઇશ્વરન ઈ-મેઈલમાં લખે છે : ‘ ગ્રંથાગારમાંથી મેં ખરીદેલું પહેલું પુસ્તક એટલે નોર્ટન એન્થોલોજી ઓફ પોએટ્રી ‘ . મેં એ પુસ્તકની જરૂર અંગે હર્ષવદનને જણાવેલું . એટલે તેણે નાનકભાઈ સાથે ફોન પર ટૂંકી વાત કરી . કલાકમાં તો ‘ ઇન્ડીયન એક્સપ્રેસ ‘ની મારી એ વખતની ઓફિસમાં પુસ્તક આવી ગયું . એ પુસ્તકના પૈસા આપવા હું ગ્રંથાગાર ગયો એ મારી પહેલી મુલાકાત હતી . તે પછી હંમેશા જવાનો ક્રમ થઇ ગયો . નાનકભાઈના દીકરી અને અમેરિકાના ઓહાયોમાં આવેલી એક હોસ્પિટલમાં જીરેન્ટોલોજી વિભાગના વડા તબીબ શેણીબહેન લખે છે : ‘ પુસ્તકો તેમજ વાંચન માટેનો મારો પ્રેમ , અને પુસ્તકોનો મહિમા એ મારા બાપુ પાસેથી મળેલી સહુથી મોટી દેણ અને સહુથી મોટો વારસો છે . બાપુની દુકાન એ મારું બીજું ઘર હતું અને ત્યાં પુસ્તકો વાંચવા કે પુસ્તકો વિશેની વાતો સાંભળતા વીતેલા કલાકોના કલાકો મારા બાળપણના સહુથી સુખદ સંભારણા છે .

ગ્રંથાગાર’માં વિદેશી પ્રકાશકોનાં કેટલોગ અને કસાટા આઈસક્રીમ’નો આનંદ માણી ચુકેલા અને દિલ્હીના ‘ ગવર્નન્સ ટુડે ‘ પખવાડીકનાં એક્ઝીક્યુટીવ એડિટર આશિષ મહેતા દિલ્હીથી ઈ-મેઈલમાં લખે છે : એક વાર મે એક રસપ્રદ પુસ્તક જોયું , પણ એ મને પોસાય તેવું ન હતું . મારી દુવિધા પામીને નાનકભાઈએ તરત કહ્યું , ‘ તમે એકાદ અઠવાડિયા માટે લઇ જાઓ , વાંચીને પાછું આપજો . ‘ આશિષ આગળ લખે છે : ‘ આમ તો બુકસેલર આવું કહે એ તો હું ધારુંય નહિ . પણ નાનકભાઈની વાત કરતા આ ઘટના અચૂક યાદ આવે . નાનકભાઈ એ વખતે મારી સામે મલકાયા અને ખુલાસો આપતા કહ્યું , ‘ અમે અમારી રોજીરોટીનું ધ્યાન તો રાખ્યું જ છે ‘ એમનો મતલબ એ હતો કે આ માત્ર ધંધો નથી . હું દિલ્હી અને અમદાવાદમાં પુસ્તકોની ઘણી દુકાનોમાં જાઉં છું . પણ ગ્રંથાગાર મને ક્યારેય પુસ્તકોની દુકાન લાગતી નથી અને નાનકભાઈ દુકાનવાળા લાગતા નથી . એની પાછળનું કારણ એ કે નાનકભાઈ નોખા છે . તે પુસ્તકોને ચાહે છે . તેમના માટે એમના અને તમારા પુસ્તકપ્રેમ કરતા નફો વધારે મહત્વનો નથી . ‘

શેણીબહેન લખે છે , ‘ બાપુ કહે છે કે એ પુસ્તકપ્રેમી અને પુસ્તકપ્રસારક છે . મને લાગે છે કે એ ગ્રંથવિક્રેતા કરતા વિદ્યાવ્યાસંગી – ‘ એકેડેમીશિયન ‘ વધારે છે અને એમણે પૈસો તો ક્યારેય બનાવ્યો જ નથી ! ‘ ગ્રંથાગારનાં અનેક લાભાર્થીઓ મહેન્દ્રભાઈની જેમ સારા પુસ્તકો મોટા વાંચકવર્ગ સુધી પહોંચાડવાનો ભેખ લઈને બેઠા છે . જોકે આ બે પુસ્તકપ્રસારકો વચ્ચેનો ભેદ પુસ્તક સંગ્રાહક અને ગુજરાત સરકારના એક વિભાગના નાયબ સચિવ તરીકે તાજેતરમાં નિવૃત થયેલા લાલુભા ચૌહાણ બતાવે છે : ‘ મહેન્દ્રભાઈ આદર્શવાદી અને વ્યવહારુ બંને છે . નાનકભાઈ નર્યા આદર્શવાદી છે . તેમનામાં પૈસા ભેગા નહિ કરવાની વૈરાગ્યવૃતિ છે . તે સમાજ પાસેથી થોડું લઈને ઘણું આપનારા માણસોમાંનાં છે .

ગુજરાત યુનીવર્સીટીનાં રાજ્યશાસ્ત્ર વિભાગના પૂર્વ અધ્યાપક યોગેન્દ્ર માંકડનાં શબ્દો છે : ‘ પુસ્તકો એમ ને એમ વાંચવા આપવા , પૈસા ન માંગવા , યાદ ન કરાવવું , આવું બધું પુસ્તકવિક્રેતા’માં ભાગ્યે જ હોય ! ‘ નાનકભાઈનાં શાળા-કોલેજના મિત્ર અને અમદાવાદની બી.જે.મેડીકલ કોલેજના શરીરશાસ્ત્ર વિભાગના પૂર્વ વડા બચુભાઈ કુલકર્ણી કહે છે કે ‘ નાનક પુસ્તકભંડાર ધંધા તરીકે નહિ પણ હોબી ‘ તરીકે ચલાવે છે . દિલ્હી યુનીવર્સીટી’નાં ગુજરાતી વિભાગના પૂર્વ અધ્યક્ષ ભારતીબહેન ઝવેરી’એ ફોન પર કહેલા શબ્દો છે : ‘ નાનકભાઈને સેલ્સમેન થતા , આર્થિક લાભ જોતા આવડ્યું જ નહિ   દુર્લભ અને મુલ્યવાન પુસ્તકો વેંચાવાના હોય કે ન વેંચાવાના હોય , પણ નાનકભાઈ એની પાછળ ઇન્વેસ્ટમેન્ટ કરે છે . ‘ એલ.ડી.સ્કુલ ઓફ ઇન્ડોલોજી’માં તત્વજ્ઞાન’નાં માનદ અધ્યાપક પ્રશાંત દવે કહે છે : નાનકભાઈ સારા પુસ્તકો વેંચવા કરતા વંચાવવા માટે પુસ્તકભંડાર ચલાવે છે . એમનું ગાડું કેવી રીતે ચાલે છે એ એક કોયડો છે . ‘ ઉત્તમ સંપાદક , પ્રકાશક , વાચક અને ભાવનગરમાં ‘ પ્રસાર ‘ નામની પુસ્તકોની સુંદર દુકાન ચલાવતા જયંત મેઘાણી તેમના મોટા ભાઈમાં પુરેપુરી શ્રધ્ધા અને વિશ્વાસથી કહે છે : ‘ કમાણી એવું તો નાનકભાઈ કરે જ નહિને !

કમાણી ગુમાવવાનું એક મોટું કારણ કદાચ નાનકભાઈનો દસ ટકા વળતરનો સિધ્ધાંત હતો . તે સ્વચ્છ વ્યવસાયનાં ધોરણ તરીકે દેશ-દુનિયામાં સ્વીકૃત છે . એને નાનકભાઈએ આજીવન આચરણમાં મુક્યો હતો . પુસ્તકો દસ રૂપિયાના ખરીદો કે દસ હજારના , વ્યક્તિગત ખરીદો કે સંસ્થા માટે ખરીદો , વળતર દસ ટકા જ . આ સદાચાર ગ્રંથવ્યવહારના એક મોટા હિસ્સા’માં ફેલાયેલા દુરાચારમાં ક્યાંથી ટકે ? કેટલીક મોભાદાર સંસ્થાઓનાં ઉપરીઓ કે ગ્રંથપાલો કે બંનેની મથરાવટી બીજા બધા વ્યવહારોની જેમ ગ્રંથવ્યવહારમાંય મેલી થવા લાગી . વિદ્યાર્થી વિદ્યાર્થીએ પૈસા બનાવનારા કેટલાક પ્રિન્સીપાલો અને પુસ્તકે પુસ્તકે પૈસો બનાવનારા કેટલાક ગ્રંથપાલો નાનકભાઈ સાથે વધુ વળતર માટે નિર્લજ્જ સોદાબાજી કરવા લાગ્યા . નાનકભાઈ લાખોનો ધંધો ગુમાવવા લાગ્યા . નફો તો દુર રહ્યો , ટકી રહેવાનાય પ્રશ્નો ઉભા થવા લાગ્યા . ગ્રંથાગાર’ની જગ્યા કઈ અમસ્તી નથી બદલાતી રહી ! ‘ ગ્રંથાગાર ‘માંથી વર્ષોથી પુસ્તકો વસાવનારા જાણીતા બૌદ્ધિક અચ્યુત યાજ્ઞિકને મતે નાનકભાઈની મુશ્કેલીનું કારણ માત્ર ભ્રષ્ટાચાર નથી . આપણે ત્યાં સાંસ્કૃતિક , સાહિત્યિક , વિદ્યાકીય ક્ષેત્રે નાદારી આવી છે ; યુનીવર્સીટીઓની પડતી થઇ છે , વાંચન નામની પ્રવૃત્તિ લુપ્ત થતી રહી છે આ બધી બાબતોની અસર નાનકભાઈ જેવા પુસ્તકવિક્રેતા પર પડે છે એમ અચ્યુતભાઈનું માનવું છે .

નાનકભાઈની કમાણી રૂપિયા નહિ પણ લોકોનો સ્નેહ અને સદભાવ . નાનકભાઈ અને તેમના જોડીયાભાઈ મસ્તાનભાઈને સોળમું વર્ષ બેઠું તે 18 ડીસેમ્બર , 1946નાં દિવસનાં પત્રમાં પિતાજીએ તેમને લખ્યું : ‘ રીતભાત , સદાચાર અને બુધ્ધી’ની સુગંધ પ્રસરાવજો . ‘ પિતાની ઈચ્છા પૂરી કરવામાં તેમનો ‘ જીકો ‘ ક્યાય ઉણો ન ઉતર્યો . નાનકભાઈ વિષે લખવા માટે જેમના સંપર્ક કર્યા તે સહુએ ભારે ઉમળકાથી તેમના વિષે માંડીને વાત કરી – ચોપડીઓની એક દુકાનવાળા વિષે નહિ , પણ એક લાગણીભીના માણસ વિષે વાત કરી . યોગેન્દ્રભાઈએ સાચું જ કહ્યું હતું કે ‘ નાનકભાઈને વ્યવસાયિક સંબંધો કરતા વ્યક્તિગત સંબંધો વધુ મુલ્યવાન લાગે છે . ‘ દિલ્હી યુનીવર્સીટીનાં ગુજરાતી વિભાગના પૂર્વ અધ્યક્ષ ભારતીબહેન ઝવેરી ‘ મેઘાણીભાઈની જેમ સામા માણસને આદરથી સાંભળનારા ‘ , આપણી પ્રગતિથી રાજી થનારા , ખુબ સારા મિત્ર એવા નાનકભાઈને યાદ કરે છે . ભાવનગર યુનીવર્સીટીનાં પૂર્વ કુલપતિ અને તત્વજ્ઞાનનાં અધ્યાપક રસેન્દ્ર પંડ્યા , મુંબઈની વિલ્સન કોલેજની છાત્રાલયનાં તેમના મિત્ર નાનકભાઈને યાદ કરે છે : ‘ નોન-અર્બન , સાદા , ભોળા , ભલા , મકકમ , સ્મોલ ટાઉન મેન વિથ ફાઈન ટેસ્ટ્સ ‘ . નાનકભાઈ ગણિત અને ભૌતિકશાસ્ત્ર સાથે સ્નાતક થયેલા . બીજાની તકલીફ સમજવાની વૃતિ સહિતની નાનકભાઈની સંસ્કારિતાને લાલુભા વર્ણવે છે . પ્રશાંતભાઈ તેમની ‘ ઔપચારિકતા વિનાની લાગણીશીલતાની ‘ વાત કરે છે . તેમની જેમ બચુભાઈ પણ , નાનકભાઈની બીમારીની ખબર કાઢવા માટે અચૂક આવીને બેસે છે એ વાતને સંભારે છે . વળી કહે છે : ‘ નાનકમાં દોસ્તી કેળવવાની ઈશ્વરદત્ત દેણ છે . એ એટલું હેત રાખે કે આપણને એમ થાય કે આપણે તેમની સાથેના સંબંધોમાં કાચા પડીએ છીએ . કોઈનું દુ:ખ જોઇને એમની આંખોમાં પાણી આવી જાય . ‘

આવી લાગણીવશતા મેઘાણીબંધુઓની ખાસિયત છે . બીજી ખાસિયત તે પુસ્તકપ્રેમ . નાનકભાઈ કહે છે : ‘ એમને બધાને પુસ્તકો બહુ ગમતા , પણ  ઘણાબધા પુસ્તકો વસાવવાનું તો ક્યાંથી પોસાય ? એટલે પુસ્તકો વચ્ચે રહેવા માટે મહેન્દ્રભાઈએ ભાવનગરમાં ‘ લોકમિલાપ ‘ શરુ કર્યું  . ‘ શબદનો સોદાગર ‘ નામે પ્રસિદ્ધ થયેલા ઝવેરચંદ મેઘાણી પરના અધ્યયનગ્રંથમાં નાનકભાઈ અને તેમના મોટા બહેન ઇન્દુબહેનની કનુભાઈ જાનીએ લીધેલી મુલાકાત વાંચવા મળે છે . તેમાં નાનકભાઈ કહે છે : ‘ પુસ્તકો લખવા માટેની શક્તિ વારસામાં નથી મળી મને . મહેન્દ્રભાઈ અને વિનોદભાઈ લખે . પણ પુસ્તકો માટેનો પ્રેમ મને વારસામાં મળ્યો હશે એટલે જ અંતરમાં છૂપો પડ્યો હશે , એટલે અંતે બહાર આવ્યો . ભણતો હતો ત્યારથી જ મિલાપ’માં કામ કરતો હતો . પછી પુસ્તકોનું કરતો ગયો એટલે ધીરે ધીરે લત લાગી ગઈ એવી કે તે છોડી ન શક્યો . મહેન્દ્રભાઈ સાથે પાંચ-છ વર્ષ કામ કર્યું . 1961થી સ્વતંત્ર કામ કરું છું . 1961થી 1977 રાજકોટમાંસાહિત્યમિલાપ ‘ની નાનકડી દુકાન ચલાવી . 1977થી અમદાવાદમાં જ છું .

રીડર્સ ડાયજેસ્ટ’નાં નમુના પર મહેન્દ્રભાઈએ ગુજરાતમાં ચલાવેલા ‘ મિલાપ ‘ માસિકમાં નાનકભાઈએ છ વર્ષ મુખ્યત્વે અનુવાદક અને સંક્ષેપકાર તરીકે સહકાર આપ્યો . એ જ દિવસોમાં ચીનનો ટૂંકો પ્રવાસ પણ કર્યો . રાજકોટની દુકાન થકી અમરેલી , ઉપલેટા , જુનાગઢ જેવા કસબાના ગ્રંથાલયો સમૃદ્ધ થયા . નાનકભાઈના પત્ની અને સમાજશાસ્ત્રના પૂર્વ અધ્યાપક કુસુમબહેન દુકાનમાં ઘણો સમય આપતા . એ યાદ કરે છે કે દુકાન સવારથી મોડી રાત સુધી ચાલુ હોય , જાણે કોઈ સમય જ નહિ . રાત્રે જમીને ચાલવા નીકળનારા પણ આંટો મારી જાય . એમ.એ.નાં વર્ગો એ વખતે બહારગામના વિદ્યાર્થીઓ માટે ખાસ શનિવાર-રવિવારે ચાલતા . એટલે એ વર્ગોના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો માટે રવિવારેય દુકાન ચાલુ હોય . કેટલાક વિદ્યાર્થીઓ પુસ્તકમાંથી નોંધ કરી લે , કેટલાક લાંબા સમય સુધી વાંચતા હોય . સાતમી-આઠમી સદીમાં ઇસ્લામિક સંસ્કૃતિના સુવર્ણકાળમાં અરબસ્તાનમાં આવું હતું . ત્યાના પુસ્તકભંડારો માટે ‘ બુકશોપ સ્કુલ્સ ‘ એવો શબ્દપ્રયોગ છે .

3a

નાનકભાઈ : પત્રકારત્વ’નાં કેટલાક વિદ્યાર્થીઓ સાથે

નાનકભાઈ સૌરાષ્ટ્રની કોલેજોમાં પુસ્તકો કે બુકજેકેટ્સ ભરેલા થેલા ઉપાડીને જતા . અમદાવાદ આવ્યા પછી કેટલાય વર્ષો સંસ્થાઓમાં સાઇકલ પર જવાનું રાખ્યું . એસ.ટી. બસમાં બેસીને આણંદ , નડિયાદ , વિદ્યાનગર જેવા મુકામે જાય . જોકે કેટલાક વર્ષો પછી એમ લાગ્યું કે આમ ફરી ફરીને સારા પુસ્તકો બતાવવાનો , તેના વિષે વાત કરવામાં તેમનો હેતુ સરતો નથી અને ગેરસમજ વધુ થાય છે . એટલે ‘ પુસ્તકના અને વ્યવસાયનાં ગૌરવ માટે ‘ થઈને સંસ્થાઓના ઉંબરા ઘસવાનું તેમણે બંધ કર્યું . અલબત્ત બાકીની મહેનત તો ચાલુ જ રહી . દર મહીને એક અઠવાડિયું દિલ્હીમાં વીતે . ત્યાંના ડીલર્સની દુકાનોના ઘોડા પર ચઢી ચઢીને નાનકભાઈ એકેક પુસ્તક જુએ , સુચીઓ-કેટેલોગ્સ , ગ્રંથાવલોકનો અને ઘણું કરીને પુસ્તકો જ વાંચે . દુનિયાભરનાં પુસ્તકોના પરખંદા , અંગ્રેજીમાં પાવરધા , ઉત્તમ અંગ્રેજીમાં પત્રો ટાઈપ કરીને વાચકો – પ્રકાશકોને મોકલનારા એવા આ બુક્સેલરની સાદગી અને નમ્રતા સામેવાળા માણસને અચૂક ગેરસમજ કરાવે . દિલ્હીના વિશ્વપુસ્તક મેળે ટેબ્લેટ કે કિન્ડલ સાથે પુસ્તકના મહત્વ અંગે ઇંગ્લીશમાં ટીશફીશ કરતા માર્કેટિંગ એક્ઝીક્યુટીવ મળે છે, તે વખતે જાતમહેનત અને ઈમાનદારી સાથે પુસ્તકવેચાણને મિશન ગણનારા નાનકભાઈ યાદ આવે છે . શેણીબહેન લખે છે : ‘ બાપુ જયારે પુસ્તકોની વચ્ચે પુસ્તકો વિષે વાતો કરતા હોય ત્યારે તે સહુથી ખુશ હોય . મને બરાબર યાદ છે કે ગ્રંથાગાર’નાં એકેક પુસ્તક વિષે બાપુને બરાબર ખબર હોય . તેમાંથી દરેક તેમણે વાંચ્યું હોય . પુસ્તકના માત્ર લખાણની જ નહિ પણ નિર્માણની પણ ચકાસણી કરીને તેને ગ્રંથાગારમાં સ્થાન આપ્યું હોય . ‘ પુસ્તકની મહેનતપૂર્વકની પરખ એ નાનકભાઈની ખાસિયત . રસેન્દ્રભાઈ કહે છે : ‘ પુસ્તકનું નામ જોઇને કહી શકે કે તે પુસ્તક કેવું છે . તે પુસ્તક વિષે ગહન ચર્ચા કરી શકે . એક વિષય પરના જુદા જુદા પુસ્તકો વચ્ચેનો તફાવત બતાવી શકે . એમના મગજમાં હંમેશા પુસ્તકો જ ચાલતા હોય .

બજારમાં ક્યાય ન ચાલતા હોય એવા પુસ્તકો પણ નાનકભાઈ રાખે . કેટલાક પુસ્તકો ડીલરોને ત્યાં જોયા પછી ‘ રહેવાય જ નહિ ‘ એટલે મંગાવી લે અને પછી એના માટે ગ્રાહક શોધે . વળી પાછા સમજાવે : ‘ આપણે અહી પુસ્તકો વેંચવા ઓછા બેઠા છીએ ? આપણો હેતુ તો લોકોને સારા પુસ્તકો બતાવવાનો , એ જોવા માટે તેમને અહી આવતા કરવાનો છે . ‘ નાના ગામના બુકસેલર પુસ્તકો ખરીદવા આવ્યા હોય તો પોતાને મળતા પચીસ ટકામાંથી વીસ ટકા આપી દે , જેથી કરીને સારું પુસ્તક એ જગ્યાએ પહોંચે . ઘણી વખત પુસ્તકો પહોંચાડવાનું ખર્ચ પણ ગ્રંથાગાર ભોગવે . પાર્સલના તો શું , પુસ્તકનાય પૈસા નહિ આપનારાની સંખ્યા નજીવી નહોતી . કદાચ એટલે જ નાનકભાઈનાં એક વખતના ખાસ મિત્ર કવિ મકરંદ દવેએ લખ્યું : ‘ નાનક ઇસ સંસારમે કભી ન કરીએ ઢીલ / પુસ્તક પીછે ભેજીએ પહલે ધરીએ બિલ .

નાનક-મકરંદની મૈત્રી જેટલી જ ઓછી જાણીતી વાત એટલે સ્વામી આનંદનો નાનકભાઈ માટેનો સ્નેહ . નાનકભાઈ પર સ્વામી એવા આફરીન હતા કે તેમને કૌસાની લઇ જવા માંગતા હતા એટલુ જ નહિ , પણ પોતાના લખાણોના પુસ્તકો ન કરવા ઈચ્છતા સ્વામી , નાનકભાઈ પ્રકાશન કરવાના હોય તો પુસ્તકો માટે રાજી હતા . નાનકભાઈએ પ્રકાશન પર પણ હાથ અજમાવી જોયો . ‘ પરિમાણ પ્રકાશન ‘ના નામે બંગાળીમાંથી અનુવાદના ત્રણ પુસ્તકો બહાર પાડ્યા . તેમાંથી ક્ષિતિમોહન સેનનાં લખાણોના સાતસો પાનાંના પુસ્તકમાં નાનકભાઈની પ્રકાશક તરીકેની સૂઝ જોવા મળે છે . નાનકભાઈએ કેટલાક નિબંધો પણ લખ્યા હતા . તેના વિષયો હતા – આતિથ્ય , કસ્તુરીમૃગ , બારી , માં , માનવતા , વાત , વિસામો વગેરે . કેટલીક જગ્યાએ દિગીશ મહેતાના નિબંધોનું સ્મરણ કરાવતા આ નિબંધો આકાશવાણીના ‘ અમૃતવાણી ‘ કાર્યક્રમમાં વંચાયા હતા . નાનકભાઈ તેમના નકશીદાર કેલીગ્રાફિક અક્ષરોમાં મુક્તકો પણ લખતા . દીકરીની પરીક્ષા , કોઈકની વર્ષગાંઠ , સ્નેહીજને બનાવેલી સરસ વાનગી જેવા નિમિત્તે આ મુક્તકો લખાયા હતા . જોકે આવા પ્રાસંગિક મુક્તકો સિવાયનું પણ એક બહુ સુંદર છે : ‘ ખ્વાઇશ તો લખવાની બેસુમાર હતી એને ( શો ગમાર ) / લીટી હજી ના પા લખી / આવી પહોંચી પાલખી . ‘ પોતાના લખાણો વિષે નીચો અભિપ્રાય અને લેખનપ્રવૃત્તિ માટેના બહુ ઊંચા ધોરણને કારણે નાનકભાઈએ સર્જનાત્મક લખાણ નહિ કર્યું હોય તેમ લાગે છે . ‘ તળાવડીને આરેનામે બોર્નીયા’ની જંગલોની બાળલોકકથાઓનો તેમણે મહેન્દ્રભાઈની સાથે અનુવાદ કર્યો હતો . છપ્પન વર્ષ પહેલાના આ મજાના પુસ્તકની ‘ લોકમિલાપ ‘ની નવી આવૃત્તિ નાનકભાઈએ જોઈ અને પછી ચાર દિવસે એમણે વિદાય લીધી .

નાનકભાઈ એવા વિરલ પુસ્તકવિક્રેતાઓમાંથી એક હતા કે જેમનું કેટલાક ગ્રાહકોના જીવનમાં પ્રદાન હોય . એ એવા વેપારી હતા કે જેની વાત ગ્રાહક ભાગ્યે જ એક વેપારી તરીકે કરે . કેટલાકના ઋણસ્વીકાર અને સંભારણા જોઈએ : ‘ મારા જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવામાં એમની પાસેથી મળેલા પુસ્તકોનો ખુબ મોટો ફાળો છે . . કશુંક જાણ્યું તેની સંતૃપ્તિમાં એમનું પ્રદાન અનન્ય છે . ( પ્રશાંત દવે ) , ‘ હું એમનો એક યુવાન મિત્ર . મારો એમના માટેનો આદર શાળા કે કોલેજના આપણા પ્રિય શિક્ષક માટે જ હોય છે તેવા . આપણને એ ગમતા હોય તેમાં કોઈ પણ દબાણ વિના તેમની સાથે વાત કરવાની મુક્તિનો આનંદ પણ ભળેલો હોય છે . ( એસ.બી.ઇશ્વરન ) , ‘ એંશી’નાં દાયકામાં એ અમને તત્વજ્ઞાનનાં આધુનિક પ્રવાહો પરના એવા દુર્લભ પુસ્તકો મેળવી આપતા કે એ ચમત્કાર જ લાગે . ( હર્ષવર્ધન ત્રિવેદી ) , ‘ ગ્રંથાલય વિજ્ઞાનમાં કહ્યું છે તે પ્રમાણે એ પણ માને છે કે દરેક વાંચકને એનું પુસ્તક મળવું જોઈએ ‘ ( ભારતીબહેન ઝવેરી ) , ‘ એ મને પુસ્તકો જ નહિ પણ ગુજરાતના લોકો , તેમની ખાણીપીણી , અને મારા સંશોધન વિષય એવા ગુજરાતના ઈતિહાસ અંગે પણ મુલ્યવાન માહિતી આપતા . મને એમને ત્યાં ઘર જેવું લાગતું ‘ ( જાપાનની ટોક્યો યુનીવર્સીટીમાં ડીપાર્ટમેન્ટ ઓફ એરિયા સ્ટડીઝનાં અધ્યક્ષ ) .

ઓગણીસમી સદીના ઈંગ્લેન્ડના વડાપ્રધાન વિલયમ ગ્લેડસ્ટને કહ્યું છે : ” The Greatest Public Benefactor is the man distributing Good Books ” આ ઉક્તિની સાર્થકતા નાનકભાઈનાં કામમાં જોવા મળે છે   વ્યક્તિઓ , સંસ્થાઓ અને સરવાળે સમજ તેમ જ સમાજ માટે એક પુસ્તકવિક્રેતા કેવો ફાળો આપી શકે તેનો ખ્યાલ આવે છે . અચ્યુતભાઈ કહે છે : ‘ ગુજરાત વિષે ગુજરાતી અને અંગ્રેજી એવા બે વાણીજગત ( ડીસ્કોર્સ ) છે  . તેમની વચ્ચે એક સેતુ , એક સંબંધસૂત્ર નાનક અને જયંત મેઘાણી દ્વારા સધાય છે ‘ ઓક્સફર્ડ’ની બેલીયલ કોલેજમાં સ્કોલર તરીકે ભણેલા રસેન્દ્રભાઈ કહે છે : ‘ ઓક્સફર્ડ’નાં બ્લેકવેલ જેવી સેવા અહી મળે છે .  Nanakbhai is the best person in the tradition of the bookseller . ‘

વ્યવસાય નિમિત્તે ઇંગ્લેન્ડ અને ફ્રાંસમાં રહેલા હર્ષવર્ધન કહે છે : ‘ તમે પુસ્તકનું નામ આપો અને નાનકભાઈ ખુશ થાય . તમારા માટે બધું કરી છૂટે . એ બાબતે પેરિસના બુકસેલર્સ નાનકભાઈની યાદ અપાવતા . પુસ્તકવેચાણનાં આંતરરાષ્ટ્રીય માપદંડોને તે પોતાની રીતે અનુસરતા . ‘ હર્ષવદન બીજી એક બાબતમાં પણ ‘ ગ્રંથાગાર ‘ને યુરોપના કેટલાક ગ્રંથભંડારોની હરોળનો ગણાવે છે – પુસ્તકભંડાર એટલે મળવાનું સ્થાન . આશિષ મહેતા લખે છે : ‘ પછીના વર્ષોમાં તો હું કેવળ નાનકભાઈને મળવા ગ્રંથાગારમાં જતો . ત્યાં મારા જેવા બીજાય હોય . એટલે જેને હું ઘણા દિવસે મળ્યો ન હોઉં તેના સમાચાર મને ગ્રંથાગારમાંથી મળે , અને કેટલીકવાર તો માણસ પોતે જ ત્યાં મળી આવે ! દિલ્હી યુનીવર્સીટીના પૂર્વ કુલપતિ ઉપેન્દ્ર બક્ષી જયારે જયારે અમદાવાદ આવે ત્યારે પહેલા પૂછે ‘ ગ્રંથાગાર જવાનું શું છે ? ‘ આ વાત તેમના મોટા ભાઈ અને તત્વજ્ઞાનના અગ્રણી અધ્યાપક મધુસુદન બક્ષી પાસેથી જાણવા મળી . અનેક ક્ષેત્રના પુસ્તકપ્રેમીઓ પોતાની દુકાને આવે , બેઠકો કરે તે નાનકભાઈને ગમે તેટલું જ નહિ , જરૂરીય લાગે . ‘ ગ્રંથાગાર ‘માં જેમની વર્ષોથી અવરજવર હોય તેવા સાહિત્યકારો , ચિત્રકારો , સ્થપતિઓ , અર્થશાસ્ત્રીઓ , વૈજ્ઞાનિકો , ચિંતકો , કર્મશીલો  બહુ જ લાંબી થાય .

નાનકભાઈ સાથે : ઉર્વીશભાઈ કોઠારી , અશ્વિનકુમાર , શ્રીરામ દહાડે , સંજયભાઈ ભાવે અને હંસાબહેન પટેલ

નાનકભાઈ સાથે : ઉર્વીશભાઈ કોઠારી , અશ્વિનકુમાર , શ્રીરામ દહાડે , સંજયભાઈ ભાવે અને હંસાબહેન પટેલ

યોગેન્દ્ર માંકડ કહે છે : ‘ અહી આવો , ચર્ચા કરો , નાસ્તો કરાવીશ , ચર્ચામાં ભાગ લઈશ , મારી દુકાનમાં એક એકેડેમિક કોર્નર હોય . . . આવું આપણને ક્યાંથી મળે ? ‘ આવું પહેલેથી જ છે તે પેરિસના ‘ શેકસપિયર એન્ડ કંપની ‘ નામના જગવિખ્યાત પુસ્તકભંડારમાં . નિરંજન ભગતે અભ્યાસલેખોની પુસ્તકશ્રેણી ‘ સ્વધ્યાયલોક ‘નાં ત્રીજા ભાગમાં આ કિતાબઘર વિશે લેખ કર્યો છે . તેમાં તેના માલિક વિષે જે લખ્યું છે તે નાનકભાઈને પણ ઠીક લાગુ પડે છે : ‘ જ્યોર્જ વ્હીટમેન તો છેક અને છેવટે અને નછુટકે જ વિક્રેતા . એ વ્યવસાયે ભલે વિક્રેતા પણ સ્વભાવે તો એ પુસ્તકપ્રેમી ગ્રંથાલયી જ . ઉદરનિર્વાહ અર્થે જેટલો ગ્રંથવિક્રીય અનિવાર્ય હોય તેટલો પણ ક્યારેક તો ન થાય . કોઈ ઝટપટ પુસ્તક ખરીદે ને પટપટ એમની દુકાનમાંથી ચાલ્યો જાય એ એમને અસહ્ય . પણ કોઈ પુસ્તકપ્રેમી એમની દુકાનમાં પુસ્તકો જોયા જ કરે , જોયા જ કરે એ એમને અતિપ્રિય . એમને જેટલું પુસ્તક વેંચવું પ્રિય નહિ તેટલું ધીરવું પ્રિય . . . એમણે આન્દ્રે માર્લો’ને એક પત્રમાં લખ્યું હતું : ‘ હું પુસ્તકોને મૈત્રી માટેનું સાધન માનું છું . વિક્રય માટેની વસ્તુ નહિ . અમરત્વ જેમને વર્યું હોય તેવી ચીજવસ્તુઓ વેંચવાને હું રાજી નથી .

‘ શેકસપિયર એન્ડ કંપની ‘ પુસ્તકભંડાર પુસ્તકો , સિનેમા અને દસ્તાવેજી ફિલ્મોમાં સ્થાન પામ્યો છે . આઠેક વર્ષ પહેલા જેરેમી મર્સર નામના કેનેડીયન લેખકે આ પુસ્તકભંડારના સ્મરણો ‘ Time Was Soft There ‘ નામના પુસ્તકમાં લખ્યા છે અને તેમાં વ્હીટમેનના જીવનને વણી લીધું છે . નાનકભાઈ અને ગ્રંથાગાર પણ પુસ્તકનો વિષય હતા . થોમસ કાર્લાઈલે એ મતલબનું લખ્યું છે કે દસ રાજાઓના ઈતિહાસ કરતા એક બુકસેલરનો ઈતિહાસ મુલ્યવાન છે . ઓગણીસમી સદીના આ બ્રિટીશ ચિંતક જે કહે તે ભલે , પણ નાનકભાઈની બાબતમાં વાચક-પત્રકાર ઇશ્વરન’ની વાત સાચી લાગે છે : ‘ કાચથી મઢેલી અને રંગબેરંગી બુકશોપ્સ’નાં ધંધાએ ‘ ગ્રંથાગાર ‘ જેવા પુસ્તકભંડારો અને નાનકભાઈ જેવા માણસોને બરાબર ભીંસમાં લીધા . ‘ ગ્રંથાગાર’નાં વિરામ વિશેના એક અંગ્રેજી લેખનું છેલ્લું વાક્ય હતું – ” The City without a Bool-place like ‘ Granthagaar ‘ appears slightly less civilized to me . ” , એટલે કે ગ્રંથાગાર જેવા પુસ્તક સ્થાનક વિનાના શહેરમાં મને સંસ્કારિતા અને સંસ્કૃતિની કૈક ઉણપ હોય તેવું જણાય છે . ‘ ગ્રંથાગાર ‘ વિરામ પામ્યા બાદ ઉભો થયેલો ખાલીપો નાનકભાઈની વિદાય પછી વધુ ઘેરો લાગે છે .


 ઉર્વીશભાઈ કોઠારીના બ્લોગ પર નાનકભાઈ અને ગ્રંથાગાર’ની સ્મૃતિઓ વહેંચતો સુંદર લેખ

 ડો.અશ્વિનકુમાર’નાં બ્લોગ પર નાનકભાઈ અને ગ્રંથાગાર’ની સ્મૃતિઓ વહેંચતો સુંદર લેખ