ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

1] ચાલો ત્યારે આજે જે સફર પાછલી બારીએ’થી શરૂ થઇ હતી એ ઉત્તરે થઈને વાયવ્યે પુરી થઇ! જોવા હતા થોડાક જ ક્લાસિક્સ અને આખરે હિચકોક 21 મુવીઝ પર માંડ માંડ માન્યા! આજે 4 મુવીઝની વાતો માંડી છે અને 4 ફિલ્મોની વાતો માંડી વાળી છે. [ Foreign Correspondent , Saboteur , Suspicion , The Wrong Man ]

2] યસ , IMDb 250ના ઇતિહાસમાં સૌથી વધુ એન્ટ્રી સાથે [ 13 ટાઇટલ્સ ~ વર્તમાન વત્તા પૂર્વે ] આલ્ફ્રેડ હિચકોક પહેલા નંબર પર છે અને આ જ વાતે મને ધક્કો માર્યો , તેમની એ બધી ક્લાસિક્સ જોવાનો કે જે ન જાણે હું કે’દિવસે જોઈ શકવાનો હતો! આ સાથે જ તેમની હાલમાં આ લિસ્ટમાં રહેલ 7 મુવીઝ વત્તા પૂર્વે રહેલ 6 મુવીઝ જોવાઈ છે અને મહત્તમની મુવીઝની વાતો પણ મેં બ્લોગ પર આવરી લીધી છે.

3] આવી રીતે જ આ નોંધનીય લિસ્ટ’માં બીજા ડિરેક્ટર્સ છે કે જેમની મુવીઝ પણ મૂડ’ની મૂડી જમા થાય ત્યારે હું ખર્ચી નાખવાનો છું , નામ છે : નોલાન [ 7+1 ] , સ્ટેન્લી કુબ્રિક [ 7+ 3 ] , સ્કોર્સીસ [ 7 + 1 ] , બીલી વાઇલ્ડર [ 6+3 ] , મિયાઝાકી [ 6 ] , સ્પીલબર્ગ [ 6+5 ]

4] આ બધા જ ડિરેક્ટર્સની ઘણી મુવીઝ હું ઓલરેડી જોઈ ચુક્યો છું અને ઘણી સમયની કાં તો મારી નિયત ખોરી હોવાને લીધે જોઈ શકાયા નથી! પણ હવે આવનારા સમયમાં IMDb 250 ક્લાસિક્સ જ જોવાવાની હોય આજે નહિ તો કાલે મંઝિલ પર પહોંચાશે જ , ત્યાં સુધી સફર જ મારી હમસફર

5] તો આજે વાંચો હિચકોકના એ ફેન્ટાસ્ટિક ફોર મુવીઝ ઉર્ફે ચડિયાતા ચાર મુવીઝ , કે જેણે હિચકોકને ‘ હિચકોક ધ લીજેન્ડ ‘ બનાવ્યા! આ મુવીઝ વિના હિચકોક સમયના પટ્ટ પર પોતાનો અડીખમ વાવટો આજ સુધી ખોડી ન રાખી શક્યા હોત અને આ ચારેય ફિલ્મો 5 વર્ષના ગાળામાં જ ઉપરાછાપરી બની છે કે જેમાંની ત્રણ ફિલ્મો તો સળંગ ત્રણ વર્ષોમાં જ હેટ્રિકની જેમ ત્રાટકી છે! જી હા , આજે જે મુવીઝની વાત માંડી છે તેમાની કોઈને કોઈ મુવી સિનેફાઇલ્સ ઉર્ફે મુવિગોર ઉર્ફે સિનેરસિયાઓએ જોઈ જ હશે! એ ચાર ચિત્રપટ છે : ઊંચી મેડી’ના ઊંચા મોલ , ઉત્તરે વાયવ્ય થઈને , વિહંગ અને ચસકેલ ! 🙂


Previous Installments

Hitchhiking with Hitchcock : 2 ~ IMDb 250

Hitchhiking with Hitchcock : 1 ~ IMDb 250


વિઝ્યુઅલી આ પોસ્ટને વધુ માણવા,

મોબાઈલ પર ડેસ્કટોપ મોડમાં

અથવા ડેસ્કટોપ પર વાઈડ સ્ક્રીનમાં

વાંચવા વિનંતી.


Vertigo , 1958

શરૂઆત જ થાય છે – ચૂકવાથી,પડવાથી અને પડ્યા જ જતા જવાથી! જ્હોન ફર્ગ્યુસન ( James Stewart : હિચકોકનાં બે ફેવરિટ એક્ટર્સમાનો એક : 4 ફિલ્મો હિચકોક સાથે ~ Rope , Vertigo , Rear Window , The Man Who Knew Too Much ) , કે જે પોલીસ ડિટેક્ટિવ હોય છે – એક્રોફોબિયાથી પીડિત હોય છે , મતલબ કે ઊંચાઈથી તેને ડર લાગે છે અને તેને કારણે ચક્કર આવવા, માથું ભમવાથી લઈને સાનભાન ગુમાવી દીધાની સ્થિતિમાં તે આવી પડે છે , એટલે કે સરવાળે વર્ટીગો! શરૂઆતે જ ઘટતી એક દુર્ઘટનાને કારણે તે નિવૃત થઇ ચુક્યો હોય છે પણ કોલેજકાળના એક મિત્રના વિચિત્ર કિસ્સા અને વણનોતરી વ્યથાને કારણે તે સ્વતંત્રપણે એ કેસ પોતાના હાથમાં લે છે અને શરૂઆત થાય છે પતનની!

વાત એમ હતી કે જ્હોન’નો મિત્ર એવો ગેવિન એક ધનાઢ્ય સ્ત્રીને પરણ્યો હતો અને તેણીનો કૌટુંબિક વ્યવસાય પણ તે કુશળતાપૂર્વક ચલાવી રહ્યો હતો પણ વાત એ ન્હોતી કે તેઓ બંને એકબીજાથી ખુશ ન્હોતા પણ એ હતી કે ગેવિન’ની પત્ની મેડેલિન ( મુંજી , મોહક ને માયાળુ લાગતી Kim Novak ) થોડા સમયથી કાંઈક વિચિત્ર વર્તન કરવા લાગી હતી! ગેવિન’ના કહ્યા પ્રમાણે તેણીમાં તેની ગ્રેટ ગ્રાન્ડમધરની સ્પિરિટ ઘણીવાર આવી જતી હતી કે જે દુઃખદાયી લગ્નના થોડા જ સમયમાં ભરજુવાનીમાં બાળકના વિરહમાં આપઘાત કરીને મરણને શરણ થઇ હતી! અને હવે મેડેલિન પણ ટ્રાન્સની એ અવસ્થામાં સ્યુસાઈડલ ટેન્ડેન્સીનો ભોગ બનવાને આરે હતી! ગેવિન’ના કહ્યા મુજબ જો જ્હોન પોતાની આ વાતની એક આખરીવાર પુષ્ટિ કરી આપે તો પછી પોતે તેણીને કોઈ સારા મનોચિકિત્સકને બતાવવા તૈયાર હતો અને નાછૂટકે જ્હોન તૈયાર થાય છે એક એવા રહસ્યના કુંડાળામાં પગ મુકવા કે જે કેન્દ્ર તરફ ધસતું જ જતું હતું!

હવે પહેલી વાત એ કે , આ મૂવીની મારે વાત શરૂ કેમ કરવી? કોઈ કહેશે કે શરૂ તો કરી દીધી! ભાવ શું ખાવ છો? પણ ના વાત એ નથી , એમ અહિંયા ઝટ્ટ દઈને વાતમાં વાર્તા પકડાય એમ નથી! મારે થોડુંક તો સ્પોઈલર સહિત વાત કરવી જ પડશે અને છતાંયે તમને જે તે સમયે મુવી જોવાયે રસભંગ નહિ થાય તેની ખાતરી મારી. તો તમારા જોખમે વાત શરૂ કરું તો…જ્હોન, મેડીલીનનો પીછો કરવાનું શરૂ કરે છે અને જેમ ગેવીને કહ્યું હતું એમ અકળ ઘટનાક્રમની શરૂઆત થાય છે – પહેલા તો ફૂલોનો એક બુકે લઈ મેડેલિન એક અજાણ્યા ગ્રેવસ્ટોન સમક્ષ ઉભી ઉભી કાંઈક જોયા જ રાખે છે અને ત્યારબાદ એક મ્યુઝિયમમાં એક પેઈંટીગ સમક્ષ બેઠી તાકતી જ રહે છે [ રોજિંદો ક્રમ ] અને એકદા, ગોલ્ડન ગેટ બ્રિજ બાજુ હરતી ફરતી અચાનક એક દિવસ પાણીમાં પડતું મેલી દે છે! ઓ તેરી… જ્હોન પણ વાંહોવાંહ્ય કૂદીને તેણીને બચાવી પોતાની ઘરે લાવે છે અને શરૂઆત થાય છે એક અકળ આકર્ષણની…

જાણેકે રહસ્યનું એક અજાણ્યું આકર્ષણ હોય છે અને આકર્ષણમાં કોઈ રહસ્યનું પોત! અને એમાં ભળી ઉદાસીની ઘેરી ઘટા , જે બંનેને કોઈ અજાણ્યા વિસામે લઈ આવવાની હતી કે જેના માટે આખરે એ શબ્દો જ ફરીફરીને પડઘાવાના હતા... Too Late! કથાનકના મધ્યાન્તરે જ મેડેલિનનું મૃત્યુ થાય છે અને જ્હોન પોતાના વર્ટીગોને કારણે જ તેણીને બચાવી શકતો નથી અને ગિલ્ટમાં ને ગિલ્ટમાં ઓલમોસ્ટ સાનભાન ગુમાવી બેસે છે! પણ ત્યાં જ એક વર્ષ બાદ તેનો ભેંટો અદ્દલ મેડેલિન જેવી જ દેખાતી યુવતી જુડી સાથે થાય છે અને ઘડીક તો એ છક્ક થઇ જાય છે પણ વળી હોંશ સંભાળતા તેની સાથે પરિચય કેળવે છે કે જે બાદમાં પ્રણય સુધી પણ પહોંચે છે અને ફરી એક અજાણ્યા કાતિલાના રહસ્યની ખીણો સળવળવાની શરૂઆત થાય છે કે જયાં ઊંચાઈની સાપેક્ષે પતનની ઘટનાઓના પગથિયાં ઘડાઈ ચુક્યા હતા!

ઓલમોસ્ટ 99% ફિલ્મ પુરી થયે પણ તમને કાંઈ નવાઈ નહીં લાગે અને બધાનો સરળ ખુલાસો પણ મળતો રહેશે , ઉલ્ટાનું ક્યારેક તો એવું ય લાગે કે આવું તો ઘણી મેલોડ્રામેટિક બૉલીવુડ મૂવીઝમાં જોઈ ચુક્યા છીએ & ધેર કમ્સ એન્ડધ એન્ડ ! એ આખરી બે મિનિટ્સ જ પતનથી પાતક તરફ વિસ્તરે છે અને આંખો સમક્ષ ફરીફરીને એ દ્રશ્ય ભજવાતું જ રહે છે! બે અલગ ઘટનાક્રમમાં બે અલગ પાત્રો સાથે એ જ ઘટનાક્રમ પુનરાવર્તન પામે છે કે જ્યાં પ્રેમ / પતન / પીડા ને પશ્ચાતાપનો ઘેરો સંતાપ દઝાડયે જ રાખે છે! જાણેઅજાણે સંજોગોના હાથમાં પ્રમુખ પાત્રો કઠપૂતળી માફક નાચ્યાં કરે છે , રાચ્યા કરે છે! સતત એ પ્રખ્યાત સંવાદ યાદ આવે છે : Only one is a wanderer; two together are always going somewhere! સતત બંને બીજો મોકો ઝંખે છે પણ મિસ્ટેક / મિઝરી / મેડનેસનો મિસ્ટીરિયસ ત્રિકોણ જે ખોડાય ગયો છે , તેનું શું કરવું? ગિલ્ટ ફેક્ટર અહિંયા સતત કથાનકને એક નવા ગિલ્ટ તરફ ઢસડે જાય છે કે જ્યા મળીમળીને ખોવાતું રહેતું શમણું પહેલા પ્હોરે ઉછરતું દુઃસ્વપ્ન બની જાય છે! ઘડીક તો લાગે કે બંને પાત્રોમાંથી કોની પીડા મોટી? કોણે વધુ સહન કર્યું હશે? કોની વાર્તા પુરી થઈ અને કોણ અંત પહેલા જ અટવાઈ ગયું? હિચકોકની કદાચ મેં જોયેલી આ પહેલી ફિલ્મ હશે કે જ્યા એક ચિત્કાર છે , માંહ્યલાનું ચીરહરણ છે કે જ્યાં રહસ્ય તો તેલ લેવા ગયું પણ આ ટ્રેજેડીની ધારનું શું કરવું , એ એક યક્ષપ્રશ્ન બની રહે છે!

અને આ સઘળું કમાલના સાઈટ & સાઉન્ડના ક્લાસિક કોમ્બો થકી હિચકોકે સ્ક્રીન પર સટીક ચીતરી બતાવ્યું છે કે જ્યા સતત એક ઝંખનાના ઝાંઝવા ઝળહળે છે અને ઉદાસીનો ઓછાયો ઓસરતો જ નથી! છલનાદુઃસ્વપ્નઅપેક્ષાપીડા અને પશ્ચાતાપકોરો સ્વાર્થ અને ગુસ્સો આ બધું હિચકોકે અલગ અલગ કલર પેટર્ન અને બેકગ્રાઉન્ડમાં જે રીતે ઉપસાવ્યું છે કે તમે ખેંચાઈ જાઓ! સતત એ અલગાવભર્યો હૉન્ટિંગ સ્કોર તમને ઉચ્ચક જીવે રાખ્યા કરે ( 7 થી 8 ફિલ્મોમાં હિચકોકનાં માનીતા કમ્પોઝર એવા જાણીતા Bernard Herrmann ) અને Robert Burksની સિનેમેટોગ્રાફી હેઠે તમને એ મિરર શોટ્સ , ગોલ્ડન ગેટ બ્રિજ , નિતાંત ચાલ્યા જતા રસ્તાની ભેગું ભેરાતું આકાશ કે સ્પેનિશ મિશનનો એ બેલટાવર કૈક અકળ રીતે ચિત્તમાં ધરબાઈ જશે! સાથોસાથ ફિલ્મની શરૂઆતે આવતી ચહેરાની ભાગોળે આવતા નંબરીંગ કે પછી જ્હોનના ઘેરાતા દુઃસ્વપ્નોમાં રિયાલિટી પ્લસ ગ્રાફિક્સની કમાલ જુઓ તો રહસ્યનો આથો ઔર ઘેરો બને ,કે જે સરવાળે હિચકોકની ફિલ્મો શા માટે કૈક અલગ જ પરિમાણમાં શ્વસતી હોય એનું પ્રમાણ આપે. એકમાત્ર વાત મને ખટકી , તે એ હતી કે જ્હોનની ક્લોઝ ફ્રેન્ડ એવી ‘મીજ’નું કેરેક્ટર થોડું ઉણુઅધૂરું રહી ગયું! બાકી રહ્યો કેમિયો , તો એ તો સડસડાટ પસાર થતા રાહદારીની જેમ પસાર થઇ ગયો!

IMDb Top 250 Highest Rank : 21

Current IMDb Status : 91

> > Me : 8.5 / 10 <


Psycho , 1960

મેરિયન ( Janet Leigh ) એક કાચી ક્ષણે ઓફિસમાંથી મોટી રોકડ લઈ નાસી છૂટે છે , કારણ એક જ કે એ પૈસા તે તેના ડિવોર્સી પ્રેમીને આપી એ બંનેની લાઈફ સેટ કરવા માંગતી હતી! પણ સતત ખુદથી લઈને લોકોની શંકાસ્પદ નજરો સુધી તેને એક જ વાતનું રહીરહીને ભાન થતું હતું કે ખોટું થઇ ગયું! પણ જયારે તેને ફાઈનલી એ વાત સમજાય છે કે ચાલો ખુદની ભૂલ સુધારી લઈએ ત્યારે તે સાચે જ ફસાઈ ચુકી હતી! એ રાતે જબરદસ્ત વરસાદમાં તે એક સાવ ખાલી ને ભેંકાર મોટેલમાં રાતવાસો કરે છે કે જ્યાં તેની મુલાકાત સાવ સીધાસાદા નોર્મન ( Anthony Perkins ) સાથે થાય છે કે જે પોતાની કર્કશ ને ડિમાન્ડિંગ માં સાથે રહેતો હોય છે અને આ મોટેલ ચલાવતો હોય છે! ( આગળ મારે થોડા સ્પોઈલર સાથે જ વાત કરવી પડશે , તો અહિંયાથી મિત્રો આપની જવાબદારીએ આગળ વાંચજો. )

નોર્મન સાથેની અકળ અને વ્યાકુળ વાતચીત બાદ મેરિયન પોતાના રૂમમાં જઈને બાથરૂમમાં શાવર લેવા જાય છે અને ત્યાં જ પાછળથી એક આકૃતિ ઉપસે છે કે જે મેરિયનને ન્હાતી જ લોહીથી નવડાવી દે છે! એ હતી નોર્મનની સાઇકોપાથ એવી કર્કશ માં! સટ્ટ દઈને જે પહેલી પોણીએક કલાક સુધી કથાનકની મુખ્ય નાયિકાનું ભાગતું-ફરતું-અટવાતું-બચતું-બચાવતું નેરેટિવ ચાલ્યું હતું, તેમાંથી ફટ્ટ દઈને નોર્મન અને તેની વણદીઠી માં પર કથાનક પોતાનો કાતિલાના રૂખ બદલે છે! આ બાજુ એક પ્રાઇવેટ ઇન્વેસ્ટીગેટર અને બાદમાં મેરિયનની બેન લીલા ( Vera Miles ) અને મેરિયનનો પ્રેમી સેમ ( John Gavin ) મેરિયનને શોધવા નીકળી પડે છે અને આખરે આ જ મોટેલમાં આવીને અટકે છે , ને એક એવું રહસ્ય જાણે છે કે રીતસર છળી ઉઠે છે!

અત્યંત ટાઈટ બજેટમાં બનેલ સાઈકો, કે જેને હિચકોકની કારકિર્દીનું સરટોચનું શિખર ગણવામાં આવે છે , જયારે રિલીઝ થયેલું ત્યારે કોઈને પણ અંદાજો ન્હોતો કે આ મુવી આજથી 60 વર્ષ બાદ પણ એટલું જ પ્રભાવી બની રહેવાનું છે! ટેક્નિકલર ફિલ્મોના યુગની એ શરૂઆત હતી પણ હિચકોકે ધરાહાર આ મુવી બ્લેક&વ્હાઈટમાં બનાવ્યું અને એ નોઇર’ના ઇતિહાસમાં અમર બની ગયું. અહીં મુવીના બંને મુખ્ય પાત્રો એવા મેરિયન અને નોર્મનને જોડતી કડી છે , જાતને એક છલાવા’માં કેદ કરવીખુદનું નસીબ ખુદ જ ગોટાળે ચડાવવું અને આખરે આ કેદમાંથી છૂટવું કે બસ એમાં જ ખુશ રહેવું! બંને પાત્રો એક રીતે ભાગી છૂટ્યા છે અને છતાં કેદ છે! ક્યારેક કાચી ક્ષણે જે રસ્તો કોતરાયો હતો ત્યાં ભૂલા પડેલા આ બંન્નેવ જયારે એકબીજાને સરનામું પૂછે છે ત્યારે મળતું સત્ય ઘડીક તો સન્નાટો પાથરી દે છે અને સન્નાટાના પણ એક પડઘા હોય છે કે જે સંભળાયે બહેર મારી જવાય છે!

શૂન્યમનસ્કતા , ખાલી મોટેલ , અનરાધાર વરસી રાતે ચાંદાના અજવાળામાં વાદળોની હાજરી છતાં ભેંકાર ભાસતું આકાશ અને એ કોરી આંખોની સાથે સ્ટફ્ડ પક્ષીઓ જાણે વિરોધાભાસનું એક તરછોડાયેલ જગત ઉભું કરે છે કે જ્યાં ફરીફરીને એકલા પડવાનો શ્રાપ શ્વસે છે અને આ બધું સિમ્પલ અને મિનિમલ રીતે ડિઝાઇન થયું હોવા છતાં એક સટીક સણકો ઉઠતો જ રહે છે કે જ્યાં સતત કોઈ દ્રશ્ય ચાલતું હોય અને કાંઈ ઘટતું ન હોય અથવા તો આગળ શું થવાનું છે જાણતા હોવા છતાં તમે સીટ પરથી હલી પણ ન શકો! સતત એક માહૌલ તમારી આસપાસ ડર , રહસ્ય અને જાણતા હોવા છતાં અજાણ્યા બની રહેવાના શાપનો એક ગાળિયો કસતુ રહે છે. એ ગોથિક હાઉસ અને તેમાં ફિલ્માવાયેલા ક્લાસિક એવા ટોપ & ફ્રન્ટ શોટ્સ ઘડીક ધબકારો ચુકાવી દે! ( અને કેટલાય આલાતરીન ક્લોઝ-અપ્સ અને પોઇન્ટ ઓફ વ્યુ (POV) શોટ્સનું તો પૂછવું જ શું! )

વર્લ્ડ ફેમસ એવો એ શાવર સીન જ ભલે ક્યાંક ને ક્યાંક જોવાઈ/ચર્ચાય ચુક્યો હોય છતાં પણ અહિંયા ફરીફરીને ભીના રૂંવાડા ઉભા કરી દે એમ છે! ( 30 સેકન્ડમાં પથરાયેલો અને 35 શોટ્સમાં એડિટ થયેલો – પહેલા મૂંગો અને બાદમાં Bernard Herrmann’ના બહેતરીન સ્કોરથી ધરાહાર લથપથતો બનેલ ) દરેક દુર્ઘટનાની આગળ બોલાતા સંવાદો સતત તમને ધકેલતા રહે છે ( મુખ્યત્વે તો મેરિયન અને નોર્મન વચ્ચેના ડાયલોગ્સ , નોર્મન અને તેની માં વચ્ચે ઘટતી ખેંચતાણ તો ભુલાય જ કેમ? ) નૈતિકતા-અપરાધભાવ -આક્રોશ-નિઃસહાયતા-વ્યક્તિત્ત્વની વ્યથા સારુંયે કથાનક ઘડે છે, કે જ્યાં નોર્મન કહે છે કે ” દુઃખને ખરીદી લેવું જોઈએ‘થી લઈને ‘A boy’s best friend is his mother.’ જયારે આખિરમાં ઉકેલાય છે ત્યારે અરેરાટી બોલી જાય છે.

આખરે અંતમાં આવતા સાઈકોલોજિકલ ખુલાસા અંગે ફિલ્મી રસિયાઓમાં રીતસર બઘડાટી બોલી ગઈ હતી ,કે કોઈ એમ કહે એ જરૂરી હતું તો કોઈ એમ કહે કે તેને સમજાવવાની જરૂર ન હતી અને એમ કરીને તેમણે ફિલ્મને ઘણી સરળ કરી નાખી! અને છેક આખરે જયારે એ માખી’વાળું દ્રશ્ય આવે છે કે જ્યા એ મેલો મલકાટ પ્રકટે છે ત્યારે ખબર પડે છે કે ખરી દુર્ઘટના તો હવે ઘટી છે! સારાયે કથાનકમાં માત્ર કાચની પેલે પાર આરપાર દેખાતા હિચકોકની ઝાંખી અને વળતી જ ક્ષણે તેની દીકરીનો પણ એક નાનો શો રોલ જ થોડો જીવમાં હળવાશ ફૂંકે છે!

IMDb Top 250 Highest Rank : 14

Current IMDb Status : 40

> > Me : 8.5 to 9 / 10 <


The Birds , 1963

વાતમાંથી વાર્તા કાંઈક આમ બને છે , મેલેની ડેનિયલ્સ ( રુઆબદાર ને પોપટિયા અવાજની માલકીન એવી Tippi Hedren ) એક પાર્ટટાઈમ લોયર કમ એકલવાયી જિંદગીમાં કંટાળી ગયેલી માત્ર પિતા સાથે રહેતી અતિધનાઢ્ય યૌવના હોય છે કે જે એક અણધારી ને મનધારી મુલાકાતમાં બર્ડ સ્ટોર’માં લવબર્ડસ’ના સંદર્ભે મિચ બ્રેનર ( Rod Taylor ) તરફ આકર્ષાઈ જાય છે અને બાદમાં તેને સરપ્રાઈઝ’રૂપે લવબર્ડ્સ આપવા શહેરથી 60 માઈલ દૂર એક દરિયાઈ સ્મોલ ટાઉન ‘બોડેગા બે‘ પણ પહોંચી જાય છે કે જ્યાં નિયતિ આ બંને ટુ-બી લવબર્ડ્સની લિટરલી પથારી ફેરવી નાખવાની હતી! શરૂઆતની ઓલમોસ્ટ અડધી કલાક આ બંને પ્રમુખ પાત્રોની સ્ટોરી સેટ કરવામાં ક્યાં વહી જાય છે , તેનો ખ્યાલ જ ન રહે એટલી ઇઝી , ઇન્ટરેસ્ટીંગલી અને ચાર્મીંગ રીતે આલેખાઈ છે પણ ત્યાં જ ‘ગલ સે ગલતી‘ વાળો ટ્વીસ્ટ આવે છે! [ સી-ગલ , યુ સી! ] હજુ પણ કાંઈ ખાસ ઘટતું નથી અને ઓલમોસ્ટ 50 મિનિટ બાદ એક સી-ગલ ધડામનારુ મેલેની જ્યાં રહેતી હોય છે એ ઘરના મુખ્ય દરવાજે આવી અથડાઈ મરે છે!

જાણેકે આ બેઉ દસ્તક આવનારી આફતનો અણસાર હતો કેમકે વળતા જ દિવસે મિચ’ની નાની બહેન કેથી’ની બર્થડે પાર્ટી’માં પક્ષીઓનું ટોળું રીતસર નાના બાળકો પર તૂટી પડે છે અને અફરાતફરી બોલી જાય છે! અને ત્યારબાદ પણ તુરંત જ એક અણધાર્યો હુમલો આવી ચડે છે. પણ શું કામ? શું છે આ બધું? પક્ષીઓ કાંઈ આવું થોડું કરી શકે? અને એ પણ આવા પ્લાનિંગથી? કાંઈ જ જવાબ મળતો નથી , ઉલટાનું જે લોકો આ ઘટનાથી અજાણ છે તેઓ માનવા તૈયાર નથી અને જે માને છે તે આ આને અંધશ્રદ્ધા અથવા તો માનવજાતના વિનાશ સાથે સાંકળી લઈને ઔર દહેશત ઉભી કરે છે!

પણ એક વાત તો હતી કે જ્યારથી મેલેની આ ટાઉનમાં આવી હતી ત્યારથી જ આ બધું શરૂ થયું હતું અને પહેલા ત્રણ હુમલાઓ પણ તેના ઉપર અને તેની સાથે જ સંકળાયેલા હતા! કે પછી, આ પેલી લવબર્ડસની જોડી સાથે સંકળાયેલ કોઈ રહસ્ય હતું? કે પછી ઉદાસ / આશંકિત એવી મિચ’ની મમ્મી કોઈ રહસ્ય સંઘરી બેઠી હતી? કે પછી કોઈ સુપરનેચરલ ફોર્સ આળસ મરડી ઉભું થયું હતું? શું હતું આખરે અને ફરી પાછું શું કામ?

શંકાથી આશંકા સુધી વિસ્તરતું , ત્રાટકતુ અને વળતી જ પળે તાકતું રહેતું આ કથાનક ક્યાં દોરી જવાનું હતું? કશો જ ખ્યાલ ન્હોતો – ન પાત્રોને કે ન મને! અને આ જ મેઈન એલિમેન્ટ મુવીને એક કલાસ આપે છે, એક ધાર પર ખોડી રાખે છે [ આગે સ્પોઈલર હૈ , કૃપયા સાવધાન રહે! ] યસ , આ મૂવીનું ડ્રાઈવીંગ ફોર્સ છે તેની અનિશ્ચિતતા , તેનું અકારણ હોવું ~ અને જે ઘટના અજાણી ને અણધારી હોય છે તેનાથી માણસજાત કેટલી ફફડી ઉઠે છે તે તમે કે મેં ક્યાં નથી અનુભવ્યું! અને આ જ વાત છેક અંત સુધી વિસ્તરે છે કે જ્યાં એક વળાંક આવી ઉભો રહે છે અને એ વળાંકે પહોંચતા ખ્યાલ આવે છે કે આ તો વળાંક પહેલાનો વળાંક હતો – બેંગ!

જી હા , કથાનકમાં આવું શીદ ને થાય છે તેનો કશો જ ફોડ જ નથી પડાયો , કોઈ ખુલાસો નહિ – બસ ટેરર’ની ટેરિફિક ટેલ & એન્ડલેસ મિસ્ટ્રી! અને આ બધા વચ્ચે પણ સતત એક જકડી રાખે એવો ડ્રામા ચાલ્યે જ રાખે છે : મેલેની , મિચ’ની ઓવરપઝેસિવ બટ કાઈન્ડ મમ્મી અને મિચ’ની એક્સ-ગર્લફ્રેન્ડ એવી ‘એની’ વચ્ચે! અહિંયા આમ બધું સરળ છે પણ સતત શંકાગ્રસ્ત ભેજથી લથપથ લૂણો આંખે ઉડીને વળગતો જ રહે છે. એક જ ઘટના જે ધીમી લાગતી હતી , તે ઘડીકમાં જ ધીંગી લાગવા લાગે છે. કોઈના પર અતિઆધારિત રહેવાથી લઈને સગવડિયા જુઠના પ્રેક્ટિકલ જોકથી લઈને એક અદ્રશ્ય કેદમાં રહેવા સુધીની બધી જ અંડરકરંટ થીમને એક ટેરર વેરવિખેર કરી નાખે છે!

એ રીતે આ મુવી જબરું બન્યું છે કે તમારી સ્મૃતિપટ્ટ પર વર્ષો સુધી છવાયેલું રહે. મુખ્ય યાદગાર દ્રશ્યોમાં : જયારે મેલેની કેથી’ની સ્કૂલે બહાર બેઠી તેની રાહ જોતી હોય છે ત્યારે ધીરેધીરે કાગડાઓનો જે જમાવડો જામે છે કે ઘડીક તો કાં કાં કરવાનું ભૂલી જાઓ! ( લિટરલી ચિલિંગ ) , તે દ્રશ્ય બાદ જ થોડીવારમાં એક કાફેટેરિયા’માં મેલેની અને એક વૃદ્ધ મહિલા પક્ષીવિદ વચ્ચેની અસહમતી અને તુરંત બાદ જ ઘટનાનું દુર્ઘટનામાં ફેરવાતું જોવું! ( તે પક્ષીવિદ સીધો ઇન્કાર જ કરે છે કે આવું બની જ ન શકે , જો આવું થાય તો માણસજાત બચી જ ન શકે! ) અને ક્લાયમેક્સમાં મિચ’ના ઘરે જબરદસ્ત હુમલો અને મેલેની’નું ફફડાટનો અવાજ સાંભળયે ઉપલા માળે ફફડતા એકલું જવું! અને આખરે પક્ષીઓના મહેરામણનો લાસ્ટ શોટ! [ એ સાલ , વિઝ્યુઅલ ઇફેક્ટ માટે આ મુવીને ઓસ્કર નોમિનેશન મળેલું ] હજી આજે પણ તમે એ પક્ષીઓના દ્રશ્ય જુઓ તો લાગે કે શું શોટ્સ છે! એ સમયે 2 લાખ ડોલરથી વધુ બજેટ સાથે મિકેનિકલ બર્ડસ વત્તા સાચુકલા પક્ષીઓ વત્તા હેન્ડ મુવમેન્ટ થકી આ સઘળો માહૌલ, જે ઉભો થયો હતો કે મોજ પડી જાય! એક પરફેક્ટ વિકેન્ડ વોચ. પણ આ બધી બઘડાટી વચ્ચે હિચકોક તો એય ને બબ્બે કુકુરિયાં ફેરવે છે , ભૈસાબ 🙂

IMDb Top 250 Highest Rank : 153

Current IMDb Status : Not on the list.

> > Me : 8 to 8.5 / 10 <


North by Northwest , 1959

રોજર થોર્નહીલ ( Cary Grant : હિચકોકનો બીજો ફેવરિટ એક્ટર : 4 ફિલ્મો હિચકોક સાથે ~ Suspicion , Notorious , To Catch a Thief , North by Northwest  ) એક ‘થિંક થીન’ વિચારધારાનો એડવર્ટાઇઝિંગ એક્ઝિક્યુટિવ વત્તા ડબલ ડિવોર્સી વત્તા ‘મા‘ સાથે હજુ પણ ટીનેજરની જેમ નોંકઝોંક કરતો વરણાગી વાંઢો હતો કે જે એની બોરિંગ ( તેની પૂર્વપત્નીઓ મુજબ ) લાઈફમાં વધુ ને વધુ બોરડમ ઉમેરી રહ્યો હતો! પણ એકદા જિંદગીએ તેને હડફેટે લીધો અને કોઈ અંડરકવર એજન્ટના ભ્રમમાં તેને કિડનેપ કરી લેવાયો અને બાદમાં તેના પર ચોરીથી લઈને મર્ડર સુધીના આરોપો પણ લાગ્યા, હવે તે ન ઘરનો કે ન ઘાટનો રહ્યો!

યસ, આ સઘળો ડ્રામા પહેલી અડધી કલાકમાં જ એવી સિફ્તથી શીરાના કોળીયાની જેમ લસરક કરતો ગળે ઉતરે છે કે તમને એને સલવાયેલો જોઈને ઉલટાની મોજ પડે! [ યસ, કેરેક્ટર જ એવું છે કે ટ્રેજેડીમાં ય કોમેડીના અમીછાંટણા ઉડેલા લાગે! ] ફરી એ જ મિસ્ટેકન આઇડેન્ટિટીની થીમ અને નિર્દોષ સાબિત થવા બસ/કેબ/ટ્રેન/પ્લેનમાં હયડહયડ થવાની ક્લાયમેક્સ સુધીની દોડમદોડ ,અદ્દલ હિચકોકના એ નોઇર ક્લાસિક The 39 Steps’ની યાદ અપાવે! [ ક્યારેક તો એવું લાગે કે કથાનકમાં થોડી ગંભીરતા અને વધુ એક્શન હોય તો હિચકોકે બોન્ડ મુવીઝ બનાવી હોય એવું જ લાગે! આઇલા, હિચકોકે બોન્ડ સિરીઝની કોઈ મુવીઝ બનાવી હોત તો? ]

હિચકોકની પહેલી 3 મોસ્ટ એન્જોયેબલ ફિલ્મોની યાદી બનાવો તો આ મુવી તમને એમાં જોવા મળે જ ,એટલું એ હળવું ને મોજેદરિયા બન્યું છે ~ સતત કથાનકમાં વળતી ઘડીએ કોઈ ટ્વીસ્ટ ભલે પેટમાં આંટી ન પાડી દે પણ મોજના પતંગિયાઓ જરૂરથી ઉડાડતા કરી મૂકે , એની ખાતરી! અને આ બધું પાછું રોજિંદી માથાકૂટથી , મા-દીકરાની નોંકઝોંક [ મસ્ત પણ નાના ને અધૂરા રોલમાં Jessie Royce Landis : To Catch a Thief’માં પણ અલ્લડ ‘મા’ બનેલી એ જ યાર! ] , ટ્રેનમાં અજાણી ખાતૂન સાથે અદાયગી અને વિલન લોગ સાથેની પકડદાવમાં ભૂગોળની કોણીએ ગોળ લગાવી ગોળગોળ ફેરવતા અલમસ્ત રીતે ઝીલાયું છે.

પુરા કથાનકને ત્રણ વસ્તુએ એઝ યુઝઅલ પોતાના ટચ વડે ટચવુડ બનાવ્યું છે : કરિઝમેટિક કેરેકટર્સ સેટઅપ , રમતિયાળ બેકગ્રાઉન્ડ સ્કોર અને સતત બદલાતી પશ્ચાદભૂ’માં ઉઝિંગ ચેઝ! મૂંઝાતો ને મૂંઝવતો – ‘વન’ ને વગડામાં વિહરતો – ક્વોટના કામણ વેરી સ્ક્રીનપ્લેમાં એક ચાર્મ ઉમેરતો રોજર થોર્નહીલ હોય કે અણિયાળી આંખો વડે આરપાર ઉતરી જતી રહસ્યમયી બ્લોન્ડ ઇવ કેન્ડલ હોય [ ઉફયુમ્મા ને અણિયાળી એવી Eva Marie Saint ]

જયારે તેમના બેકગ્રાઉન્ડમાં એલિટ UN બિલ્ડીંગથી લઈને ભવ્ય 20th સેન્ચ્યુરી લિમિટેડ ટ્રેન તથા અફાટ વાગડ’માં દૂર સંભળાતી પ્લેનની ઝણઝણાટી અને આખિરમાં જાજરમાન એવા માઉન્ટ રશમોર’ના એ ફેન્ટાસ્ટિક ફોર ફેસિસ ઉમેરાય છે ત્યારે એક સ્ટાઈલિશ યેટ સિમ્પલ ટાઈમલેસ ક્લાસિક કોને કહેવાય , એ ખ્યાલ આવે છે. [ UN બિલ્ડિંગનો એ ટોપવ્યુ એસ્કેપ શોટ અને અફાટ વાગડમાં એ સન્નાટો ગજબ ઝીલાયો છે! ] સાથે જ સતત સિલી હ્યુમર પ્લસ બ્લેકહ્યુમરનો અંડરકરંટ વહેતો જ રહે છે. ~ ખાસ તો ઓક્શન’નો એ સિમ્પલ લાફ રાયોટ સીન – બીજાઓની ટેક્સી ઝુંટવી લેવી , 7 પાર્કિંગ ટિકિટ્સ , થોર્નહિલની મા’નો કેમિયો અને ઇવ કેન્ડલ સાથેની ટ્રેનમાં ફ્લર્ટિંગ સતત એક મલકાટ વિખેરતા રહે છે. ]

કેટલાક ચબરાકિયાં ક્વોટ્સ જોઈએ તો… Roger Thornhill : In the world of advertising, there’s no such thing as a lie. There’s only expedient exaggeration.

Roger : What’s wrong with men like me? Eve : They don’t believe in marriage. Roger : I’ve been married twice. Eve : See what I mean?

Roger : … it’s something about my face! Eve : It’s a nice face.
Roger : You think so? Eve : I wouldn’t say it if I didn’t.
Roger : Oh, you’re that type. Eve : What type? Roger : Honest!

અરે હિચકોકનો કેમિયો તો રહી જ ગયો! ના રેહિચકોક ખુદ બસ ચુકી ગયા! 😀

IMDb Top 250 Highest Rank : 14

     Current IMDb Status : 96

         > > Me : 8.5 / 10 <