ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , ,


1) આજથી છ વર્ષ પહેલા એ મુવી જોવામાં આવ્યું હતું, નામ હતું : “લાઈક સમવન ઈન લવ” અને એ ધીમી ધારની વર્ષા તરબતર કરી ગઈ. એ સૃષ્ટિ રચી હતી; ઇરાનિયન ડિરેક્ટર એવા અબ્બાસ કિઆરોસ્તામીએ. મારા માટે ઘણાખરા અંશે સાવ અજાણ્યું નામ! એ સમયે તો ઘણા પાકટ ડિરેક્ટર અને આ એમની પાકેલી ફિલ્મ, પણ થયું કે હજુ આવી કોઈ એમની ફિલ્મો જોવા મળી જાય કે જ્યાં સમય રીતસર એક નાનકડા ઝરણાની જેમ શાંત પણ હોય અને થોડોઘણો ખળખળ પણ કરતો હોય…

Abbas Kiarostami

2) સામાન્ય લાગતી વાતમાંથી વાર્તા ક્યારે ઘડાઈ ગઈ હોય એ જાણે ખબર જ ના રહે, એવા વિષયવસ્તુ વાળી થીમ આમેય મારી મોસ્ટ ફેવરિટ રહી છે અને પછી તો ટેવવશાત ખાંખાખોળા કરતા એમના નામે ચડેલી ઘણીખરી વર્લ્ડ સિનેમા હાથવગી કરી લીધી, અને હવે આજે 2020માં એનો ( ખરું જોતા તો મારો ) નિવેડો આવ્યો!

3) અને શું ખીલ્યા છે, કિઆરોસ્તામીકાકા તેમની જૂની ફિલ્મોમાં…કે શું કહું? હવે વધુ ન ખેંચતા, સીધા એમની મુવીઝમાં ધુમકો મારીએ તથા એમના અને એમની ફિલ્મમેકિંગની પ્રોસેસ વિશે આવતી પોસ્ટમાં બીજા ત્રણ મુવીઝ સાથે નિરાંતે ગોષ્ઠી માંડીએ તો કેવુંક રહે?


Where Is the Friend’s House? , 1987

 

ફિલ્મની શરૂઆત થાય છે, ક્લાસરૂમના એક બંધ દરવાજાથી કે જે બંધ નથી થતો , જાણેકે બારણા પાછળ આવતા છોકરાઓના કલબલાટથી એ ધણધણતો રહે છે! પણ ત્યાં જ શિસ્તરૂપી શિક્ષક આવી ચડે છે અને બારણું,બેંચ અને બાળકો જળકમલવત થઇ જાય છે! શિક્ષક તેના કડક અને શિસ્તપ્રિય વલણ માટે બાળકોમાં કુખ્યાત છે અને એમાં જ આજે એક બચ્ચાનો વારો પડી ગયો કેમકે તે લેસન તો કરી આવ્યો હતો પણ છુટ્ટા પેઈજમાં, નોટબુકમાં નહીં! અને શિક્ષકે નોટબુક શું કામ જરૂરીથી અતિજરૂરી છે એ સમજાવતા ને લટકામાં ધમકાવતા આખરી ચેતાવણી સ્વરૂપે કહી દીધું કે; નોટબુક નહીં તો સ્કૂલમાં પ્રવેશ નહિ!

દ્રશ્ય બદલાય છે; પેલું બાળક ( Mohamed Reda Nematzadeh / મો.રેદા ) અને તેનો મિત્ર ( Ahmed / અહેમદ ) સ્કૂલની અકળામણથી છૂટીને ભાગતા હોય છે ત્યાં તે પડી જાય છે અને બેગ પણ વિખેરાઈ જાય છે અને આ બધી જ નાનકડી અફરાતફરીમાં મો. રેદા’ની નોટબુક ભૂલથી અહેમદ પાસે આવી જાય છે અને જયારે અહેમદને ઘરે આવતા તેની જાણ થાય છે ત્યારે તે ઘડીક ડરી જાય છે કે કાલે નોટબુક અને તેમાંનું લેસન નહિ હોય તો શિક્ષક પોતાના દોસ્તને સ્કૂલમાંથી કાઢી મુકશે! અને તે રીતસર ચિંતામાં સરી પડી દોસ્તને તેની નોટબુક કોઈપણ ભોગે પહોંચાડવાની પેરવી કરે છે અને શરૂ થાય છે; દોસ્તના અજાણ્યા ઘરને શોધવાની કવાયત કમ કવિતાનુમી કરિઝમેટિક કથા.

ક્યારેક જયારે સરનામું નથી હોતું ત્યારે જ સફરની શરૂઆત થતી હોય છે. જાણે એક ધૂન ચડી જાય છે, ને આંખો સતત તાગતી રહે છે – શોધતી રહે છે. અહિંયા પણ ‘અહેમદ’ મમ્મીની વાત અવગણીને સાવ અજાણ્યા વિસ્તારમાં દોસ્તના વણદીઠ્યા ઘરને શોધવા રીતસર દોટ મૂકે છે. અને એ દરમ્યાન જ આપણી સમક્ષ એક બાળકની અચરજભરી નજરે એક નોખું જ જગત ઉઘડતું જતું જાય છે. આ મુવીમાં કોઈ કોઈને સાંભળતું જ નથી અથવા તો કહો કે કોઈ અહેમદને સાંભળતું નથી! ટીચર / મમ્મી / દાદી / દાદા / નવો કારીગર / જુના કારીગર દાદા , કોઈપણ નહિ ! મમ્મી સાંભળે છે પણ સાંભળવા માંગતી નથી કારણકે તેણીને આ વાત એટલી મહત્વની લાગતી નથી. દાદા એ વાતે પાઠ ભણાવવાના મૂડમાં છે કે અહેમદ પહેલીવારમાં જ પોતાના બોલાવ્યે આવ્યો કેમ નહીં? અને એક જ વારમાં તેમની વાત ( કમ હુકમ ) કેમ ન માન્યો? { ખરેખર, એ એક જ દ્રશ્યમાં કે જ્યાં એક બીજા વયોવૃદ્ધ દાદાને પૂછે છે કે તમે આમ કેમ કર્યું? અને જવાબમાં જયારે દાદા પોતાની શિસ્ત કેળવવાની જે ઘેલસફ્ફી ઘેલછા વિશે વિસ્તરે છે, એ મુદ્દો જુઓ તો ખ્યાલ આવે કે કંઈકેટલાયે વડીલ/વયોવૃદ્ધોના જીવન આમ જ એળે નહીં ગયા હોય! }

તો નવો કારીગર તો તેને સાંભળતો પણ નથી અને ક્યારેક તેની સામે નજર સુધ્ધા પણ કરતો નથી! અને જુના કારીગર દાદાએ તેને સાંભળ્યો પણ ખરો અને રસ્તો ચિંધાડવા ભેગા પણ આવ્યા પણ માત્ર ને માત્ર એ બહાને પોતાની વાત કમ વ્યથા કમ વારતા સંભળાવવા જ ! જાણેકે બાળકને આપણે ક્યારેય ગંભીરતાથી લેતા જ નથી, એનું સજ્જડ નિરૂપણ અહિંયા થયું છે! ખરેખર તો બાળકનું એક સહજ સત્ય હોય છે કે જેમાં કોઈ પ્રકારની ભેળસેળ હોતી નથી , વિશ્વાસ કરવાની એક કુદરતી રીત હોય છે અને તેના માટે જરૂરી શું છે?, તેની એક સીધી ને સટ્ટ વ્યાખ્યા હોય છે. ~ બસ બીજી કોઈ આડીઅવળી વાત નહીં.

અને આ બધી જ કવાયત કમ કમઠાણ કમ કહાનીમાં ડિરેક્ટર અબ્બાસ કિઆરોસ્તામીએ એટલી સહજતાથી પ્રાણ ફૂંક્યો છે કે એક સાવ સામાન્ય વાત કેમ આટલી સટીક વાર્તા બની શકી એનું જ અચરજ થયા કરે! સાવ ઓછા , સામાન્ય ને રિપીટ થતા રહેતા સંવાદો અને કોરાકટ્ટ પરિસરની આસપાસ પણ દ્રશ્યે દ્રશ્યે જે ફ્રેમ્સ બની છે કે તમે તેમાં ઓગળી જાઓ. જેમકે; અહેમદ જયારે દોટ મુકતો મુકતો ઝીગઝેગ કેડી પર નાની ટેકરી ચડતો જાય છે તે સમયાતીત દ્રશ્ય ; કે પછી કારીગર દાદા સાથે અંધારી ગલીઓમાં ધીમે ધીમે ચાલતો અને વળતા ઉતાવળે એ જ ગલીઓમાં પ્રકાશની અવનવી ભાતમાંથી સોંસરવો દોડતો-અટકતો એ દ્રશ્ય ( કે જે તેની મનોવ્યથા દર્શાવે છે. )

; કે પછી બારી/બારણાંની કોઈ એક બાજુએ ડોકાતો / તાકતો માસુમ આંખોંથી ખોજ ચલાવતો ચહેરો હોય એ દ્રશ્ય ; કે પછી લેસન કરવા સમયેનું જોરદાર પવન સાથે ખુલી પડતા બારણાં અને તેની આરપાર મમ્મીને કપડાં વીણતી જોવાનું અનિમેષ દ્રશ્ય ; કે પછી નોટબુકમાંથી નીકળતું નિસ્વાર્થ મદદનું ફૂલરુપી દ્રશ્ય હોય…. એકેએક ફ્રેમ્સ અને તેનું સેટિંગ અહિંયા હાડ સોંસરવું ઉતરી જાય છે. આસપાસના પરિસર, પાડોશ અને પર્યાવરણને ડિરેકટરે જે પ્રશાંતપણે ગૂઢ છતાં પણ અત્યંત સામાન્ય ને જીવંત રીતે ઝીલ્યું છે કે મુવી પત્યે પણ તમને એ મકાનોની બાંધણી , પથ્થરના એ પગથીયાઓ , કાચી કેડીઓ , શેરી-ગલીઓ , લોક અને લોકમાનસિક્તા નજર સમક્ષ તગતગયા રાખે.

Dir: Abbas Kiarostami

સ્થાનીક અને નોન-પ્રોફેશનલ એક્ટર્સથી સજ્જ, ઉત્તરી ઇરાનના Koker નામક નાનકડા ગ્રામ્યવિસ્તારમાં બનેલું આ મુવી Koker Trilogyનો પહેલો મણકો છે; કે જેને ડિરેક્ટર ખુદ Trilogy ગણતા નથી પણ ફેન્સ અને ક્રિટીક તેને એ નામે જ વર્ષોથી ઓળખે છે. [ કિઆરોસ્તામીના મતે કોકેર ટ્રાયોલોજી એટલે And Life Goes On વત્તા Through the Olive Trees વત્તા 1997માં આવેલી Taste of Cherry; કે જેઓ જીવનની સાર્થકતાની થીમને સાકાર કરે છે. ] સમાજના નીરસ નિયમો , પથ્થર જેવી પ્રથાઓ અને સ્થાપિત એવા કૃત્રિમ સત્યની સામે એક બાળકનું સહજ સત્ય અને નિઃસ્વાર્થ નિસ્બત કેવી રીતે એક વાતને વ્હેણમાં ઝબોળીને વાર્તામાં પલટાવે છે; એ જોવા માટેનું ઉત્તમોત્તમ મુવી એટલે આ મુવી , ” ભેરુ માટે બન્યો હું ભોમિયો ” 🙂

IMDb : 8.1  | Rotten Tomatoes : 100%

> > Me : 8.5 to 9  < <


 

And Life Goes On , 1992

 

પહેલું દ્રશ્ય : ટોલનાકેથી સડસડાટ ગાડીઓ વહી રહી છે, અને કોઈ થોડીવાર પણ રોકાઈ જાય તો પાછળ ટ્રાફિક વત્તા હોર્ન કિકિયારીઓ બોલાવે છે! અને આવામાં એક ગાડીમાં હંકારી રહેલા બાપ-દીકરો પેલા બુથ પર બેઠેલા વ્યક્તિને આગળના કેટલાક બંધ રસ્તાઓ વિશે પૂછતાછ કરે છે અને પેલાનો ઉતાવળો જવાબ અને પાછળથી હોર્નના હણહણાટ શરૂ થઇ જાય છે અને એ સાથે જ એ દ્રશ્ય કૈક એવી રીતે બ્લેન્ક થઇ જાય છે કે સહસા ખબર પડે કે; અત્યાર સુધી કેમેરો બુથની અંદરથી ગાડીઓનું શૂટ નહીં પણ તેનાથી ય આગળ બુથની પેલી બાજુએથી ગાડીઓ વત્તા બુથ એ બંનેનું શૂટિંગ કરી રહ્યો હતો! આમ દ્રશ્ય તો ઠીક પણ ખુદ ફ્રેમ પણ કોઈ ઔર જ દ્રશ્યનો ભાગ બની રહી હતી!

કારમાં બેઠેલ આ વ્યક્તિ બીજું ઔર કોઈ નહીં , પણ ડિરેક્ટર કિઆરોસ્તામીના પાત્ર તરીકે કોઈ ઔર જ પાત્ર હતું; મતલબ કે ડિરેક્ટરના પાત્રમાં ડિરેક્ટર!  બંને બાપ-દીકરો તહેરાનથી એ સ્થળ પર જઈ રહ્યા હોય છે કે જ્યાં હમણાં ચાર પાંચ દિવસો પહેલા જ અત્યંત વિનાશક ભૂકંપ આવ્યો હતો ( Manjil–Rudbar earthquake , 1990 ) ને 40થી 50 હજાર માણસો હોમાઈ ગયા હતા અને તેનાથી બમણા ઘાયલ થયા હતા! આ એ જ વિસ્તાર હતો કે જ્યાં ડિરેક્ટર કિઆરોસ્તામીની હમણાં જ ઉપર ચર્ચેલી ફિલ્મ ” Where Is the Friend’s House? ” ફિલ્માવાયેલી હતી.Koker અને Poshteh વિસ્તાર…અને તેમાંનો મુખ્ય બાળ કલાકાર Babek AhmedPour પણ આ હોનારતમાં આહત થયો હશે કે કેમ, તેની જ રાહમાં ડિરેક્ટર ખુદ તે બાજુએ નીકળી પડ્યા હતા. અને ત્યાંથી જ સફર , કથા અને જીવનની શરૂઆત થાય છે.

ફિલ્મ એ રીતે ત્રણ ભાગમાં વહેંચાયેલી હું અનુભવી શક્યો, એક ; કે જ્યાં બાપ-દીકરો જરીપુરાણી કારમાં સફર દરમ્યાન વાતો કરે છે, આસપાસનો માહૌલ જુએ છે અને પૂછતાં પૂછતાં રખડતા આખડતા આખરે એ વિસ્તારની નજીક પહોંચે છે. આ ભાગમાં ડિરેક્ટરની આંખમાં એ ફિલ્મ સમયેની સ્મૃતિઓ બાઝેલી છે અને ચિત્ત તો પહેલેથી જ ત્યાં પહોંચી ગયું હોઈ બસ એક અજંપો હવાને વધુ બોઝિલ બનાવતો રહે છે , પણ વહેતી હવા અને દીકરો તેને સતત હળવો રાખે છે. ઘડીક દીકરો તેને એ ફિલ્મ વિશે , તો ઘડીક આસપાસની ફેક્ટરીઝ અને તે શું કામ ભૂકંપમાં ન પડી તેના અચરજ વિશે તો ઘડીક પેલા બાળકલાકારો ભૂકંપ આવ્યો હશે ત્યારે ત્યાં ન હોઈને- ફૂટબોલ મેચ જોવા ચાલ્યા ગયા હોવાનું ધારીને તેમનું ક્ષેમકુશળ ઈચ્છતો રહે છે. તો વળી રસ્તામાં ગાડી અટકાવીને જયારે તે “પીપી” કરવા થોડે દૂર અહિંયાથી ત્યાં ને ત્યાંથી પણે દોડધામ કરીને બાદમાં એક ‘ખડમાકડી’ પકડીને લાવે છે અને તેનો ઉછેર કરીને તેને બાદમાં સ્થળાંતર કરવાનો પ્લાન પણ ઘડે છે!; એ બાળસહજ ચેષ્ટાઓ જુઓ તો લાગે કે હોનારત બાળકોની નિર્દોષ અને નિખાલસ દુનિયાથી જોજનો દૂર રહેતી હશે!

પણ પછી એક ટનલ આવે છે અને બાળક આંખો મીંચી જાય છે ત્યારે બીજા દ્રશ્યનો ઉઘાડ શરૂ થાય છે. દ્રશ્ય બીજું : કે જ્યાં ઉઘાડા આભ ને ફાટેલી ધરતી નીચે એક ઈજાગ્રસ્ત બાળક ડાળીઓ વચ્ચે બનાવેલ હિંચકામાં રોઈ રહ્યું હોય છે અને ઘડીક અટકેલા ડિરેક્ટર ત્યાં જઈને તેને થપથપાવતા હિંચકો નાખીને શાંત કરવાનો પ્રયત્ન કરે છે. દૂર તેની મા ઇંધણ માટે લાકડા વીણતી હોય છે અને એ દ્રશ્ય ખળભળાવી જાય છે. હવે ભૂકંપગ્રસ્ત વિસ્તારમાંથી થઈને ગાડી હંકારતી જાય છે અને એ કાટમાળના એ રીઅલ ફૂટેજ ઘડીક તો દંગ કરી દે છે! રાહદારીઓથી પૂછપરછ અને અજાણ્યો રસ્તો એક વારતા ઘડતો જાય છે અને ગરમ કોલ્ડડ્રીંકને ગટગટાવતો બાળક એક કુતુહલભરી નજરે આ સઘળું નીરખ્યા કરે છે!

કથાનકના ત્રીજા મુખ્ય દ્રશ્યની શરૂઆત ત્યારે થાય છે ; જયારે ડિરેક્ટરને પૂર્વેની એ મુવીનો પહેલો પરિચિત ચહેરો મળે છે – એક પ્રૌઢ ~ ‘ મિસ્ટર રુહી ‘ અને તેઓ તેમની સાથે કારમાં બેસીને કથાની ડોર સંભાળે છે અને અહિંયા જ અદભુત લૉંગ ટેઈક શોટમાં ઝિગઝેગ ને ચડાણવાળા ડ્રાઈવ-રૂટ્સમાં તેમનો ફિલ્મમાં કલા પ્રત્યે અને જીવનમાં આવેલ હોનારત તથા તેમાં ખુદાની ભૂમિકા વિશે એક સુદીર્ઘ ને સુંદર સંવાદ રચાય છે. આગળ જતા ડિરેક્ટર મિ.રૂહી’ના ઘરે અટકે છે ને પોરો ખાતા ખાતા ચોપાસ નજર માંડે છે અને મુવીનો આ જ હિસ્સો સમગ્ર કથાનકને એક ઊંચાઈ અને ગરિમા બક્ષીને તેનું શિર્ષક સિધ્ધ કરે છે કે ; જિંદગી તો ચાલતી જ રહેશે! અહિંયા હરકોઈએ કોઈને કોઈ સ્વજન તો ગુમાવ્યું જ છે. – કોઈનો જુવાન દીકરો તો કોઈના નાના નાના બાળ હતા ન હતા થઇ ગયા છે!

એ દરમ્યાન જ વહેતા નળમાંથી આવતું ઝરણાનું પાણી , કાટમાળમાંથી મળેલ અતૂટ લેમ્પ , કૂકડાની કસમયેની બાંગ , હેલીકોપ્ટર્સની ધણધણાટી , પરિવાર ગુમાવી ચૂકેલું નવપરણિત યુગલ , વૃદ્ધ વિધવા , સેંકડો મોઢે થતી દફનક્રિયા વચ્ચે ડિરેક્ટરનો દીકરો અને કપડાં ધોતી એક બાઈ કે જેની પાંચેક વર્ષની દીકરી આ હોનારતમાં ખપી ચુકી હોય છે;ની વચ્ચે સામાન્ય ને સહજ વાતચીતમાં જીવનના કૈક અનમોલ પાઠ શીખવા મળે છે.

બબ્બે જિજ્ઞાસુ આંખોને [ ડિરેક્ટર અને દીકરો ] અહિંયા સતત જીજીવિષાથી ધબકતું જીવન જ નજરે ચડે છે. બાળક તેના કાને પડેલ સંવાદ , સ્કૂલમાનો પાઠ અને થોડીક પોતાને આવડે એવી વાતોથી પેલી બાઈને અજબ સાંત્વના આપે એ દ્રશ્ય જુઓ તો આંખનો ખૂણો ભીનો થયાનું નજરમાં આવે. Few crakes dont matter‘ના સ્વગત સંવાદથી લઈને હચમચી ગયેલ ઘરની બાલ્કનીમાં આવતીકાલની આશ’માં છોડવાને એક નવોઢા પાણી પાઈ રહી છે; એ જુઓ તો લાગે કે જિંદગી ભલે ખોરંભે ચડી ગઈ હોય તો પણ ખોટવાઈ તો નથી જ! સ્તબ્ધ કરતા પણ સ્થિર કરી દે એવી આ ક્ષણો જુઓ તો ગ્રામ્યજીવનના ધબકારની લયનો ચમકાર જ નજરે ચડે!

ફિલ્મનું મેઈન પોસ્ટર બની ગયેલ એ પેઇન્ટિંગ કે જે મહત્તમ ઈરાની ખેડૂતોના ઘરમાં ટીંગાયેલુ નજરે પડતું; એ હરેક ઈરાની ખેડૂતનું સ્વપ્ન સમાન પ્રતીક હતું કે એક દિવસ આપણે આવી નિરાંત અને ઠસ્સો હશે! પણ બાદમાં ભૂકંપે મચાવેલી તબાહી થકી એ જ ગ્રામવાસીઓના સ્વપ્ન અને સત્ય ધરાશાયી થયા હોવાની ( ફાટેલી ) નિશાની બની ચુકી હતી! અને માટે જ કિઆરોસ્તામીએ પેઈંટીંગને મુખ્ય પોસ્ટર બનાવી; તેની નીચે લખ્યું કે – ” The Earth Moved, We Didn’t !’”

આ કોઈ રેસ્ક્યુ કે લોસ્ટ & ફાઉન્ડ ટાઈપનું ડ્રામેટાઇઝડ મુવી નથી , કે નથી અહિંયા કોઈ બોલકો સંદેશ કે ગહન ગૂઢતા , કે ન તો આ કોઈ ડોક્યુમેન્ટરી છે! આ એટલું સાહજિક કથન છે કે ઘડીક તો કોઈ મુવી જોઈ રહ્યાનું ભાન જ ન રહે અને જાણે રસ્તો તથા અવનવા વળાંકે અજાણી કથની કહેતા રાહગીર કોઈ નવો જ ધૂળીયો મારગ ચિંધાડે! એ સમયમાં ડેશબોર્ડ પર ફિટ કરેલા કેમેરા અને ટાંચા સાધનો વડે પણ કિઆરોસ્તામીએ જે કૃતિ કંડારી બતાવી છે કે આફરીન પોકારી ઉઠો! તૂટેલા ગોખમાં ખંડિત મૂર્તિથી લઈને ધારે ધારે આવતા વળાંકોની પૃષ્ઠભૂમિ પરથી નજર જ ન હટે! ફરી મિ. રુહી’ના શબ્દો પડઘાય કે; Well, to continue being alive is also an art. i suppose it’s the most sublime art of all. મૃત્યુ અને વિનાશની પરે જીજીવિષાથી તરબતર જીવનકેન્દ્રી આવી કૃતિ પાસે ભલભલા ઝલઝલા ટૂંકા પડે!

ડિરેક્ટર અબ્બાસ કિઆરોસ્તામીને આ રોડટ્રીપ / ફિલ્મના મૂળ તત્વ અને કાર્યના પ્રકાર વિશે જયારે પૂછ્યું કે શું તે હકીકત છે કે કાલ્પનિક ? જિવાયેલ જીવન છે કે સ્વપ્ન? ત્યારે તેમણે કહ્યું હતું કે : The perception of reality is such a complex and nuanced phenomenon that we cannot really give a definitive answer to this question. The best of all positions undoubtedly consists of being ceaselessly in motion between dream and reality: This is a place of ideal life, my space of preference. My attitude is to refuse all convictions of reality, it is to sit between the two chairs of the real and the dream, to stay in motion and alive. My perception of reality is always the source, the mobilizing force that pushes me to make movies. The real always has a power of fiction and of poetry that excites me and stimulates my creativity. This is the way I stay always faithful to reality…It is a constant rule that animates all my films.

IMDb : 7.9 Rotten Tomatoes : 100%

>> Me : 8.5 to 9 <<


 

Through the Olive Trees , 1994

 

વાતમાંથી વારતા ને વારતાની વાર્તા વડે બનતી વાર્તામાંથી ફરી ગૂંથાતી વારતા, એટલે કરામાતી કિઆરોસ્તામીનું આ નવલું નઝરાણું Through the Olive Trees! ઓકે; તો પહેલા એક બાળક માટે જે અત્યંત અગત્યનું કામ હતું, મિત્રના અજાણ્યા ઠેકાણે નોટબુકને ઠેકાણે પાડવાનું, એ પરથી જે ફિલ્મ બની એ હતી Where Is the Friend’s Home? (House?). પછી ભૂકંપને પગલે એ બે બાળકો કે જેઓએ એ ફિલ્મમાં પ્રમુખ ભૂમિકા ભજવી હતી તેના અને એ વિસ્તારના હાલહવાલ જાણવા ડિરેક્ટર નીકળી પડે છે, એ પરથી બની  And Life Goes On. અને હવે આ બીજી ફિલ્મમાં સર્જકને બે એવા પાત્રો મળે છે કે જેમની પાછી પોતાની એક અલગ જ કહાની હતી, અને ડિરેક્ટર ફરી એ ફાંટે ફંટાયા અને પહોંચી ગયા ફરી એક નવા જ ભાવજગતમાં! મતલબ કે એક વમળમાંથી ઘૂંટાઈને વાર્તા વ્હેણમાં વહી પડી.

And Life Goes On‘ના ફિલ્માંકન સમયે વાર્તામાં ડિરેક્ટર કિઆરોસ્તામીનું પાત્ર મિ.રુહીના ઘર આગળ જયારે થોડીવાર થોભે છે ત્યારે થોડીક ક્ષણો માટે મળતું એક નવપરિણીત યુગલનું એક દ્રશ્ય ક્યારે તેની નાની શી છાપ છોડીને ઓગળી જાય કે તમને ખ્યાલ પણ ન રહે, પણ એ જ સામાન્ય દ્રશ્ય ફિલ્માવવા સમયે કૈક અકળ બની રહ્યું હતું। ટેઈક પર ટેઈક લેવાઈ રહ્યા હતા પણ બંને પાત્રો જાણે એકબીજાથી રિસાયેલા અને જાણતા છતાં અજાણતા બની રહ્યા હતા. વાતમાં વારતા એમ હતી કે Hossein ( પતિનું પાત્ર ભજવતો યુવક ) ઘરબાર વિનાનો એક અભણ કડિયો હતો અને તે એકદા Tahereh’ને ( પત્નીનું પાત્ર ભજવતી યુવતી ) શાંત મુદ્રામાં અભ્યાસ કરતા એક જગ્યાએ જોઈ જાય છે અને પહેલી જ નજરમાં આકર્ષાઈ જાય છે અને ઉતાવળે તેણીની અમ્મી પાસે લગ્નનો પ્રસ્તાવ મૂકી દે છે! પણ Taherehની અમ્મી તેને એમ કહીને ટાળી દે છે કે તે અભણ અને ઘરવિહોણો છે. એ અરસામાં જ પેલો ભયાવહ ભૂકંપ આવે છે અને Taherehના પરિવારમાં તેને અને તેણીની દાદીને છોડતા બાકી સર્વે પરિવારજનો માર્યા જાય છે! ફરી ઉતાવળો Hossein તેણીની દાદી પાસે એ પ્રસ્તાવ લઈને જાય છે અને દાદી પણ તેને નકારતા થોડા આકરો થઇ ઉઠી બે શબ્દો બોલી જાય છે! ( અને વળતા Hosseinથી પણ થોડુંઘણું બોલાઈ જાય છે!અને પછી શરૂ થાય છે, એ આશિકના મનામણાં ને મથામણની વાર્તા…

સૌ પહેલા તો આ ડોક્યું-ફિક્શન ફિલ્મ વિશે વિચારીએ તો વિચારે ચડી જવાય! ઘડીક એ કોઈ ડોક્યુમેન્ટરી લાગે, તો ઘડીક ફિક્શનલ ડ્રામા લાગે તો ઘડીક કોઈ સરરિઆલીઝમનું ઝમઝમ વહેતુ ઝરણું દીસે! ફેક્ટ,ફિક્શન અને ડ્રામેટિક ડોક્યુમેન્ટરીની ભેળ અહિંયા એ હદે મિક્સ થઇ છે કે ડિરેક્ટરની થોટ-પ્રોસેસ પર માન થઇ આવે. અને પાછું અહિંયા ત્રણ ત્રણ કિઆરોસ્તામી ભેગા થયા છે; એક તો કેમેરાની પાછળ અસલી , બીજા આ મુવીમાં And Life Goes On મુવીને શૂટ કરી રહેલા ડિરેક્ટર કિઆરોસ્તામી તરીકે Mohamad Ali Keshavarz અને ત્રીજા And Life Goes On મુવીમાંના ડિરેક્ટર કિઆરોસ્તામીનું પાત્ર ભજવતા Farhad Kheradmand ! અને આ ત્રણેય કિઆરોસ્તામી ભેગા મળીને ફોર્થ વોલનો ભુક્કો બોલાવી દે છે! 🙂

પણ એ વાત મુકો કોરાણે; કિઆરોસ્તામીની જે સ્ટાઇલ રહી છે કે જ્યાં અડધો પ્લોટ હોય અને અડધો પોઇન્ટ હોય, એની વાત માંડીએ તો અહિંયા એ બે પ્રમુખ પાત્રો Hossein અને Taherehનું અદભુત ઘડામણ થયું છે. આ બંને પાત્રોની બે અલગ અલગ દુનિયા અહિંયા ઘડીક ‘ઓફ ધ શૂટ‘ અને ઘડીક ‘ઓન ધ શૂટ‘ સ્વીચ થતી રહી છે. Hossein સતત ખંત અને અનહદ ધીરજથી Taherehને ચુપકે ચુપકે બે દ્રશ્યોની વચ્ચે મનાવતો જ રહે છે પણ પેલી એક પળ માટે પણ તેની સામે નથી જોતી! ઘડીક લાગે કે તેણી અત્યંત નારાજ હશે તો ઘડીક લાગે કે ઇરાનના એ સમયમાં કે જ્યાં ફિલ્મોમાં પણ કોઈ મહિલાને પ્રણયના વિષયે ખુલીને વ્યક્ત ન થવા દેવાતી હોય ત્યાં અહિંયા તેણી કેવી રીતે પોતાના મનની મૂંઝવણ વ્યક્ત કરી શકશે?

અને આ જ પાતળી આશાના તાણેવાણે Hossein તેણીનો કેડો છોડતો જ નથી. ” કે તું મને બસ હા કે ના કહી દે , અથવા તો તું એટલું પણ ન કહી શકતી હોય તો બસ નોટબુકનું પાનું ઉથલાવી દે , કે પછી પાછળ વળીને મને કૈક ઈશારો દે…” પરણીને ખુશ રહીને Taherehને ખુશ રાખવા માંગતો Hosseinનો એ પ્રણયથી છલકતો માસુમ ચહેરો કે પસ્તાવાભર્યો એ પીછો નિહાળો તો કોઈ ભક્ત ઈશ્વરને તેની હજાર નિષ્ફ્ળ પ્રાર્થનાઓ પછી પણ નિરાશ થયા વિના વિનવતો હોય એવો જણાય! અભણ આંખો અને ભણેલી પણ ચોરાતી નજર વચ્ચે સતત એક તાણરુપી તંતુ વાર્તાને તૂટવા નથી દેતો.

નાની નાજુક ને નગણ્ય છતાં પણ જબરદસ્ત એવી ઓથેન્ટિકેટ યેટ મિસ્ટિકલ મેજેસ્ટીક મોમેન્ટ્સ અહિંયા ટેકરી પરના પેલા ઝિગઝેગ રોડ પર છુટાછવાયા ઉગી નીકળેલા જંગલી ફૂલોની જેમ વેરાયેલી પડી છે. બે પ્રમુખ પાત્રોની નોંકઝોંક ભરી આ પ્રણયગાથામાં પણ બીજા ઘણા મહત્વના પાત્રોની આવનજાવન આ કથાનકને મૂળ થીમથી ભટકાવ્યા વિના ઔર ઘેરી બનાવતી જાય છે.

જેમકે; ખુદ કિઆરોસ્તામીનું પાત્ર ભજવતા Mohamad Ali Keshavarz અહિંયા Hossein સાથે જિંદગીએ આપેલ બીજી તક’ની વાત કરતા હોય કે પછી શૂટ વચ્ચે શૂટિંગ જોવા આવેલા બાળકો સાથે નિરાંતે ગોષ્ઠી માંડી બેસતા હોય કે પછી 50 વર્ષના વૈવાહિક જીવન બાદ ભૂકંપમાં પત્ની ગુમાવેલ રસોઈયા સાથે તેની જિંદગીના બાકી રહેલ સમય વિશે ખુદ કૈક નવો દ્રષ્ટિકોણ પામતા હોય કે પછી ટ્રકમાં અજાણી સ્થાનિક સ્ત્રીઓ સાથે જે-તે મુદ્દે પરિચિત થતા હોય કે પછી બીજા નંબરના કિઆરોસ્તામી સાથે માત્ર શુધ્ધ હવાથી જ નથી જીવાતું’ની વાતો વચ્ચે વાદી’માં Echo’ના વડા તળતા હોય! એ હરેક ફ્રેમ્સમાં નોનલિનિયર નેરેટીવ્સમાં મૂળ ડિરેક્ટર ‘અબ્બાસ કિઆરોસ્તામી’એ ચોથી દીવાલની પાળીએ બેસી સ્વયંને જ એક પાત્ર તરીકે અજબનું મૂલવ્યું છે! ~ હેટ્સ ઓફ.

અને સાથે જ એક મક્કમ કાસ્ટિંગ ડિરેક્ટર પ્લસ પ્રોડક્શન મેનેજર તરીકે મિસિસ. શિવા કે પછી પહેલી મુવીમાં કડક શિક્ષક બનતો રીઅલ લાઇફનો આર્ટથી અળગો ટીચર કે પછી આસિસ્ટંટ તરીકે ભાવિ પ્રતિભા એવા ખુદ જાફર પનાહી કે પછી છોકરી સામે તોતડાતો યુવક કે પછી ગ્રામ્યવિસ્તારમાં ગાડીઓ પાછળ દોડતા સદાબહાર બાળકો કે પછી પહેલી મુવીના જ હવે તરુણ થઇ ગયેલા એ બે લીડ બાળકલાકારો જુઓ તો સતત એ ઘમાસાણભર્યો માહૌલ પોતીકો લાગવા માંડે!

કપાતા રોડની સાથે કારના ફ્રંટ ગ્લાસમાંથી રનિંગ કોમેન્ટ્રી વત્તા બારીએથી ડોકાતા પાત્રો અને મિરર’માંથી ઉભરતી ક્ષણોની સૃષ્ટિ સાથે જયારે લૉંગ શોટ્સમાં કિઆરોસ્તામી વિસ્તરે છે ત્યારે સિનેમેટોગ્રાફી ખુદ એક કવિતા બનીને જીવી ઉઠે છે! સ્થાનિક નવાણિયાઓની એક્ટિંગ અને અજંપો બેઉ સાથે જ ફિલ્માવવાની લાયકાત રાખતા ડિરેક્ટર જયારે રિશુટ પર રિશુટ દરમ્યાન ઇરિટેટ કરે કે પછી લાંબા લાંબા સંવાદોમાં રોકાવાનું નામ ન લે, તો પણ આ કથાજગત જોયા જ રાખીએ એવું લાગ્યા કરે…

અને આખરે આવી પહોંચે એન્ડિંગ કે જ્યાં લૉંગ સ્ટેટિક શોટ્સમાં બે પાત્રો જૈતૂનના ઝાડવાંઓ મધ્યે ઓગળતા ઓગળતા ખોવાવાની અણીએ ફરી સપાટીએ ડોકાય ત્યારે કથાનકનું ટાઇટલ જીવી ઉઠે! અત્યંત રીઝવતા પ્રયત્નોને આલેખતો માસ્ટરક્લાસ લૉંગ શોટ અને ઓપન એન્ડિંગ’ના કિનારે લાવી મૂકતો આટલો અદભુત એન્ડ મે અત્યંત જૂજ ફિલ્મોમાં જોયો છે! ~ Standing Ovation.

IMDb : 7.8  Rotten Tomatoes : 80%

>> Me : 9 <<


Koker Trilogy