ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,


1] Asghar Farhadi , ઇરાનિયન ફિલ્મોની સિરીઝમાં ડિરેક્ટરવાઈઝ ફિલ્મોનો પરિચય કરાવવામાં આખરી અને આધુનિક નામ! ઘણા વર્ષો પહેલા એમની ‘અ સેપરેશન‘ મુવી ઓસ્કાર લઈ આવેલી ત્યારે એમનું નામ ખુબ સાંભળેલું અને એ મુવી વિશલિસ્ટમાં ઉમેરાયેલી. પણ ત્યારબાદ તેમની આ ફિલ્મ તો નહિ પણ ‘ધ પાસ્ટ‘ જોવાની થયેલી, અને એમની એ જ મૂવીથી હું જબરો પ્રભાવિત થઇ ગયેલો! તે છેક હવે એમની બાકીની ફિલ્મો જોવાનો મેળ પડ્યો.

2] Asghar Farhadi દર્શકોને ‘અદ્દબ પલાંઠી મોં પર આંગળી‘ની જેમ શિસ્તબધ્ધ બેસાડીને મુવી દેખાડવા નથી માંગતા અને ન તો એક-બે લીંટીમાં કોઈ સરળ ને સુપાચ્ય સંદેશ આપવા માંગે છે! તેઓ પ્રશ્ન ઉભા કરવા માંગે છે, તમારામાં કાંઈક એવું છંછેડવા માંગે છે કે જે મુવી પત્યે પણ તમને નિરાંત લેવા ન દે! તમે કે હું ઝટ્ટ દઈને કઈ કહી જ ન શકો કે કથાનક આટલું સહજ છતાં આટલી હદ સુધી સંકુલ બની જ કેમ શક્યું! એમની વાર્તાઓમાં સતત વિસ્મયનું વ્હેણ તમને કોઈક ભળતા જ કિનારે લાવી દઈ કોઈ ઔર જ વાર્તાના દીદાર કરાવશે.

3] સામાજિક મુદ્દાઓની તળે અને છતાંયે ઉપરવટ જઈને તેઓ એક તબક્કે અદભુતની હદે સોશ્યલ ટ્રેજેડીનું નિરૂપણ કરવામાં પાવરધા છે. ક્યારેક તો તેમનું કથાનક કોઈ થ્રિલરને પણ ઝાંખું પાડે એમ પેટમાં પતંગિયાઓ ઉડાડવા લાગે છે તો ક્યારેક અત્યંત નાજુક મુદ્દાઓ અને સંબંધોની સંકુલતા વણીને એ કોઈ અલગ જ ભાવવિશ્વ ખડું કરી બતાવે છે. નૈતિક દુવિધાઓથી સજ્જ એમની વાર્તાઓમાં સતત પક્ષ લેવો પડે છે અને વિકલ્પના બહાને એ ઘડીક તો તમને જ જાત પર સંદેહ કરતા કરી મૂકે છે! ઈમોશનલ ડ્રામા બનાવવામાં કદાચ તેમનો હાથ પકડવો મુશ્કેલ છે, એ હદે તેઓ પાત્રોની મનોદશા અને ભાવજગત ઉઘાડી આપે છે.

On set of ‘A Separation’

4] એમની હરેક વાર્તાઓમાં કોઈ દુર્ઘટના પાત્રોની અગ્નિપરીક્ષા લીધે જ રાખે છે! સતત અતીતની ગાંઠો ઉકેલાયા જ રાખે છે, ને વર્તમાનમાં સળ પાડ્યે રાખે છે અને છતાંયે પાત્રોની કેટલીય હકીકતો ગોપિત જ રહે છે! અને આખરે હેપ્પી એન્ડિંગ તો ઠીક પણ સિમ્પલ એન્ડિંગમાં પણ ન માનતા ફરહાદિ જયારે એમની ઓલમોસ્ટ દરેક ફિલ્મો ઓપન એન્ડ પર લાવી મૂકે છે, ત્યારે એ સંતાપ આપણે જ સહન કરવો રહે છે, ને એ બેઘર પાત્રો આપણા માનસમાં ઘર કરી જાય છે! [ કથાનકનું વાગતું ને વાગોળતું વાતાવરણ ખડું કરવામાં મહદઅંશે શેકી હેન્ડહેલ્ડ કેમેરા-શૂટિંગ અને સાથોસાથ પાત્ર-નિરૂપણમાં ગ્લાસ ઉર્ફે કાચનો એક મોટિફ તરીકે ઉપયોગ કદાચ તેમના જેટલો કોઈએ નહિ કર્યો હોય! ]

5] સૌપ્રથમ જોવાયેલી એમની The Past [ Link ] અને The Salesman‘ની ચર્ચા [ Link ] અહિંયા બ્લોગ પર પૂર્વે થયેલી અને આજની પોસ્ટમાં એમની બ્યુટીફૂલ સીટી , અબાઉટ એલી અને અ સેપરેશન ફિલ્મોની વાત માંડી છે.[ જોકે, સમયના અભાવે ફાયરવર્કસ વેન્સ્ડે’ની વાત માંડી વાળી છે, એ જ મારી માંડવાળ કરવાની ક્ષમતા દર્શાવે છે! ]


~ PREVIOUSLY IN THE SERIES ~

World Cinema : Iranian films – Jafar Panahi

World Cinema : Iranian films – Majid Majidi

World Cinema : Iranian films – Abbas Kiarostami ~ 2/2

World Cinema : Iranian films – Abbas Kiarostami ~ 1/2


Beautiful City , 2004

દ્રશ્ય પહેલું : એક જુવેનાઇલ ડિટેન્શન સેન્ટરમાં એક દોસ્તે બીજા દોસ્તને આપેલી સરપ્રાઈઝ બર્થડે પાર્ટીમાં અચાનક તડાફડી બોલી જાય છે અને આજે 18 વર્ષનો થયેલો અકબર , તેને જ સરપ્રાઈઝ આપનાર A’la સાથે બાખડી પડે છે! કારણમાં એ જ કે હવે 18 વર્ષે પહોંચીને કાયદાની ભાષામાં પુખ્ત થનાર અકબર’ને તેણે કરેલ તેની ગર્લફ્રેન્ડના ખૂન બદલ મોતની સજા મળવાની હતી! A’la’ને લાગી આવે છે અને તે અકબર માટે કૈક કરી છૂટવા તરફડી ઉઠે છે. પણ થોડા જ દિવસમાં ત્યાંથી છૂટનાર A’la કેવી રીતે મોતની સજા અટકાવી શકે? તો જાણી લો કે ઈરાની કાયદા મુજબ જો હત્યારાને મરનારનું કુટુંબ માફી આપી દે તો મૃત્યુદંડ નિવારી શકાય! અને માટે જ A’la તાબડતોબ નીકળી પડે છે પહેલા તો અકબરની મોટી બહેનને મળવા અને તેણે કરેલા પ્રયત્નોનું શું પરિણામ આવ્યું એ જાણવા… [ કેમકે અકબરનું એકમાત્ર કુટુંબીજન એ તેની મોટી બહેન હતી કે જે આ વર્ષો દરમ્યાન મૃતકના પિતા પાસે સેંકડો ધક્કાઓ ખાઈ ચુકી હતી અને દર વખતે વધુ ને વધુ હડધૂત થઇ નિરાશ ફરી હતી! ]

અકબરની મોટી બહેન ‘Firoozeh’ કે જે એક બાળકની મા અને ડિવોર્સી હોય છે, એ ખુદ જ એટલી ઝઝૂમતી હોય છે કે દિનપ્રતિદિન નજીક આવતા પોતાના ભાઈના મૃત્યુને એ કઈ રીતે ટાળી શકે! – મતલબ કે મૃતકના પિતાને કેવી રીતે મનાવી શકે, એની જ અસમંજસમાં હોય છે ને ત્યાં જ A’laના સ્વરૂપે એક ફરિશ્તો તેની ડેલી ખખડાવે છે. બંને ફરી પહેલેથી શરૂઆત કરે છે પણ મૃતકના પિતા કે જે પોતાની અત્યંત પ્રિય દીકરી ગુમાવી ચુક્યા હોય છે [ કે જે પાછી અત્યંત પ્રિય એવી ઝન્ન્તશીન પત્નીની આખરી નિશાની હતી. ] એ કોઈપણ રીતે એ હત્યારા અકબરને માફ કરવાના પક્ષમાં ન હતા! પણ પાછું અકબરને એમ પુખ્ત થયા બાદ જલ્દી સજા પણ ન્હોતી મળી રહી! પણ કેમ?

કારણમાં ફરી ઇરાનિયન કાયદાઓ! ~ અહીં ખૂનની સજા મૃત્યુદંડ જ છે પણ ફરી પાછું એમાં સ્ત્રી-પુરુષ એમ બે ભાગ પડે છે! મૃત્યુદંડ તો સ્ત્રી હોય કે પુરુષ એ બંનેને મળે જ છે પણ જો હત્યારો પુરુષ હોય તો અહિંયા એક વિશેષ જોગવાઈ દખલ’રૂપે દાખલ કરાઈ છે! : ભોગ બનનાર પક્ષે ( સ્ત્રીપક્ષ ) સામેવાળા પક્ષને ( પુરુષપક્ષ ) એક નિશ્ચિત રકમ આપવી પડે છે કે એ જે પેલા પુરુષ અપરાધીએ ( જો જીવિત રહ્યાના કિસ્સામાં ) તેની જીવનભરની કરેલી સરેરાશ કમાણીની અડધી હોય! મતલબ કે, જ્યાં સુધી એ વળતર કે જેને ઈરાનમાંબ્લડ મનીકહેવાય છે , એ ન અપાય ત્યાં સુધી પુરુષ ગુનેગારને મૃત્યુદંડ નથી આપી શકાતો! [ પણ જો સ્ત્રી હત્યારી હોય તો સીધો જ મૃત્યુદંડ અને ખેલ ખતમ! ]

બ્લડ મની આપવાની તો આમેય A’la અને Firoozeh’ની ત્રેવડ ન્હોતી અને માટે જ એ બંને માફીપત્ર માટે સતત ઝઝૂમી રહ્યા હતા અને એ દરમ્યાન જ તેઓ મૃતકની સાવકી મા , મુલ્લા , ખુદ પોતે અને અન્ય માધ્યમો દ્વારા સતત મથતા રહે છે અને આ જ મથામણ અને મનોમંથનમાં એક જ રસ્તે ચાલતા જાણેઅજાણે એકબીજાનો હાથરૂપી સાથ ઝંખવા લાગે છે. જાણેકે વાતમાંથી વાર્તા અને વાર્તામાંથી વિસામો મળે છે. દૂર ક્ષિતિજે આશાનું કિરણ ફૂટતું દેખાય છે પણ ફરી ફરીને કોઈ વાદળી વણજોઇતો ઓછાયો નાખતી જાય છે! મૃતકના પિતા પણ ધર્મ અને ખુદાના અસ્તિત્વને વટાવી પોતાની દીકરીના હત્યારાને કોઈ પણ ભોગે મોતના ઉંબરે જોવા મથતા રહે છે અને એ દરમ્યાન જ તેમની બીજી પત્ની કે જે પોતાની સાથે એક દિવ્યાંગ દીકરી લાવેલી તેની સાથે પણ લડતા ઝઘડતા રહે છે! કારણ? કેમકે સજામાફીની અવેજમાં બીજી પત્નીને જો ઇચ્છિત પૈસા મળી જાય તો દીકરીનું ઓપરેશન કરાવી એનું ભવિષ્ય સુધારી શકાય.

આમ બધા જ પાત્રો ઘુમરે ચડેલા, ને વ્યથિત રહી હિજરાતા હોય છે. કોઈને ન્યાય જોઈએ છે તો કોઈને માફી તો કોઈને પૈસા તો કોઈને સ્થિર ભવિષ્ય! વેર , કરુણા , પસ્તાવા , પ્રેમ ને નિસ્વાર્થ સમર્પણની આ કથામાં સતત એક ઝંખના ટળવળે છે. મુખ્ય એવા દરેક પાત્રો પોતપોતાની જુવાનીનો ગાળો વેડફી/ગુમાવી ચુક્યા હોય છે અને હરેક વમળે ચડેલા વર્તમાનને ઘડીક ભૂલી ભાવિ’માં ભટક્યા કરે છે. પીડા અને પરાવલંબનની આ સફરમાં ધ્યેય બદલતા રહે છે. ઘડીક લાગે છે કે પ્રેમ બાજી મારી જશે તો ઘડીક લાગે છે કે કરુણા જીતી જશે! હરેક પાત્ર મંજુરી/પરવાનગીની આશાએ આવતો દિવસ જોવા પામે છે. મુખ્યત્વે તો અહીં દરેક બીજા માટે ઝંખે છે.

પણ એક પડાવ આવી પહોંચે છે કે જ્યાં સવાલ ખડો થાય છે કે માફ કરવું એટલે શું? શું માફી માંગો અને મળી જાય? માફ કરવાનું કહેવું સહેલું છે, પણ માફ કરવું? પ્રેમ માટે તમે શું કરી શકો? જીવ લેવો સહેલો છે, પણ જીવતર ન્યોચ્છાવર કરી શકો? અને કથાનક એ ધારે આવી પહોંચે છે કે જ્યાં સવાલ હવે એમનો નહિ ને આપણો બની રહે છે કે આપણે હોત,તો આપણે શું કરેત? તમે શું કરેત? હું શું કરેત? ઓપન એન્ડિંગ પર તરછોડાયેલા કથાનકમાં પેલા પાત્રએ શું કર્યું હશે? અત્યંત તણાવભર્યા ક્લાયમેક્સમાં નજર બારીએથી હટતી નથી ને ટ્રેન નજરને કાપતી ચાલી જાય છે. રહી જાય છે એ ખળભળાટ અને સુન્ન પાટાઓ!

IMDb : 7.7  | Rotten Tomatoes : 89%

> > Me : 8.5  < <


About Elly , 2009

દ્રશ્ય પહેલું : અનર્ગળ અંધકાર છે અને એમાં જ એક તિરાડ પડે છે ધૂપ’ની, અને ધૂળનું ઉર્ધ્વગમન નજરે ચડે છે. પ્રકાશનો એ શેરડો કોઈ ટપાલપેટીની તિરાડ જેવો હતો કે જેમાંથી પત્રો અંદર સરકી રહ્યા હતા, જાણેકે કશે દૂર જવા-છૂટવા માટે પહેલા ગહન અંધકાર સોંસરવા નીકળવું પડે છે અને એ તિરાડ પહોળી થઈને અંધકારમઢી એક ટનલનું ઝળહળતું મુખ બની રહે છે કે જેમાંથી રોજિંદી જીંદગીઓમાંથી છૂટીને ભાગતા લોકો નજરે ચડે છે! જી હા, ત્રણ દિવસના આ હોલીડે વિકેન્ડના દિવસોમાં દૂર કશે ભાગી છૂટવા મથતા અવાજોથી ટનલ ઉભરાઈ પડી હતી અને Sepidehની ખુશીનો કોઈ પાર ન્હોતો! તેણી ખુબ જ આનંદમાં હતી ને ચિચિયારીઓ પાડી રહી હતી. પણ શું કામ? બસ એમ જ… ત્રણ દિવસ દરિયાકિનારે જલસા કરવાના હતા અને કોઈનું જીવન પણ પાટે ચડાવવાનું હતું! કોનું? શું છે આ બધું?

તો સાંભળો : તહેરાનથી ત્રણ ગાડીઓમાં ચાર કપલ અને થોડાક બાળકો દૂર કાસ્પિયન સમુદ્રના કિનારે વિકેન્ડમાં રજાઓ માણવા જઈ રહ્યા હતા અને આ ચાર કપલમાંથી કપલ તો માત્ર ત્રણ જ હતા અને બાકીના બે લોકોનું પરસ્પર ગોઠવાવાના એંધાણ દેખાઈ રહ્યા હતા! Sepideh [ કાબિલે-દાદ એવી Golshifteh Farahani] અને Amir પતિ-પત્ની હોય છે અને એમને એક દીકરી હોય છે કે જેની કિન્ડરગાર્ટનની ટીચર એવી Elly [ Asghar Farhadiની ઓલમોસ્ટ હરેક ફિલ્મમાં હોય જ એવી સુપર એક્સ્પ્રેસિવ એવી Taraneh Alidoosti ]નું ઠેકાણું Ahmad સાથે ગોઠવવા ખુદ Sepideh જહેમત ઉઠાવી રહી હતી. અહમદ Naazi’નો જર્મની રિટર્ન ડિવોર્સી ભાઈ હોય છે [ ટ્રીપ પરનું બીજુ યુગલ Manoochehr & Naazi ] ત્રીજું યુગલ એટલે Peyman & Shohreh [ અને તેમના એક દીકરો અને એક દીકરી ]

રિસોર્ટ એરિયા પર પહોંચતા જ પહેલો ફટકો એ પડે છે કે જે વિલા તેઓએ બુક કરાવ્યું હતું એ તો માત્ર એક જ રાત્રી માટે મળી શકે એમ હતું! હવે ? Aamir, Sepideh પર ગુસ્સે થઇ જાય છે કે આ બધું તારે વ્યવસ્થિત રીતે જોવું જોઈતું હતું ને? આખરે આ બધું આયોજન તે જ તો કર્યું હતું ને! Sepideh પતિ અને બાકીના બધાને થાળે પાડીને એક સગવડિયા જુઠનાં સહારે એવી વિલા’નો મેળ પાડતી આવે છે કે જે દરિયાકિનારે સાવ બિસ્માર હાલતમાં હતી અને વીજળી સિવાય ત્યાં અન્ય કોઈ સુવિધા ન હતી! બધા કચવાતા મને ત્યાં પહોંચે છે અને જેમતેમ કરીને બધું સરખું કરવામાં લાગી જાય છે અને પછી મહેફિલ જામે છે ~ ખાણીપીણીની , ડમ્બ શરાડઝની , નાચગાનની , હસી-મજાકની. પણ જાણે કશુંક ખૂટતું હતું , એક પ્રકારની બોઝિલ અસહજતા હવામાં અનુભવાઈ રહી હતી! શું એ પેલા સગવડિયા જૂઠની હાજરીની અસર હતી? Elly શા માટે કૈક અલગ જ મૂંઝારો અનુભવી રહી હતી? શા માટે એ બીજા જ દિવસે અહીંથી ચાલી જવા માંગતી હતી?

પણ Sepideh જેનું નામ! તેણીએ Elly’ની બેગ / મોબાઈલ પણ સંતાડી દીધા અને પોતે Shohreh સાથે ખરીદી કરીને આવે એટલે આગળ વાત કરવા જણાવ્યું. આ બાજુ બધા પુરુષો વોલીબોલ રમી રહ્યા હતા ને બાળકો દરિયાકિનારે બિન્ધાસ્ત હડિયાપટ્ટી કરી રહ્યા હતા! Shohrehએ Naaziને ઉપલક તેમની પર નજર રાખવા જણાવ્યું હતું અને સઘળું યંત્રવત પણ જાણે દિશાહીન ચાલી રહ્યું હતું અને અચાનક બેઉ બાળકો હાંફતા હાંફતા વોલીબોલ નેટ પાસે આવી ચડે છે કે ‘આશર’ [ Shohrehનો દીકરો ] પાણીમાં ચાલ્યો ગયો અને હવે નથી દેખાતો! અને બધાય કાંઈ ભાગ્યા છે દરિયાકિનારે! પછી શું થાય છે? એ તો હું તમને નહિ કહું પણ એ કહીશ કે હજુ તો આશર’ને શોધવાની કવાયત ચાલુ હતી ત્યાં જ ખબર પડે છે કે Elly પણ ગાયબ છે! બાળકોના જણાવ્યા અનુસાર એ જ તેમની સાથે અહીં રમતી હતી અને Naaziએ પણ કહ્યું કે હું જ તેને બાળકો પર થોડીવાર નજર રાખવાનું કહીને જ અંદર ગઈ હતી, માટે એ અહિંયા જ હતી. તો પછી હસતી રમતી દોડતી Elly કપાઈ ગયેલ પતંગની જેમ ક્યાં ચાલી ગઈ?

This slideshow requires JavaScript.

અને હવે જ કથાનક હાથમાં પણ ન રહે એવા ધડકતા હૃદયે ને સુન્ન દિમાગે આગળ ધપે છે, ને એ બધા જ પાત્રો કે જે રખડતા હતા એ રઝળવા લાગે છે! જાણેકે એ ઘૂઘવતો સાગર કોઈ સત્ય તાણી ગયો છે અને હર વળતી પળે એ કોઈ નવીન જ સત્ય કાંઠે લાવીને પટકી દે છે! પ્રશ્નોનું સુનામી ઉઠે છે કે; બાળકો પર કોઈની નજર કેમ ન્હોતી? એલી ક્યાં? એલી કોણ હતી? એલી’ને Sepideh કેટલા સમયથી ઓળખતી હતી? અને મુખ્યત્વે તો Sepideh એલી’ને અહિંયા લાવી જ શું કામ? ગામ આખાની જવાબદારી માથે લઈને ફરતી વધુ પડતી ઉત્સાહી Sepideh, જ શું આ ઉન્માદ માટે જવાબદાર હતી? પણ મુખ્ય પ્રશ્ન એ કે બસ આટલી જ વાત હતી? Sepideh એવું તે શું જાણતી હતી કે જે આ બધા જ લોકોને મુસીબતમાં મૂકી દે એમ હતું? ક્યારેક કોઈ દુર્ઘટના ઘટે ત્યારે સૌથી પહેલો ઉપક્રમ એ જ રચાય છે કે વાંક કોનો? જાણેકે વાંક નક્કી થઇ જવાથી દુર્ઘટનાની અસર ઘટી જવાની હોય અથવા તો દુર્ઘટના જ સમૂળગી ટળી જવાની હોય! પણ દુર્ઘટનાથી અજાણ લોકો એ નથી જાણતા કે દુર્ઘટના એ હરેક ક્ષણે ફરીફરીને જીવતી થાય છે કે જયારે એમાંથી ફરી પસાર થવાનું થાય છે! [ પાત્રોની ભૂમિકાઓ બદલાય છે, જવાબદારી બદલે છે અને કૈક નવીન જ મંચ રચાય છે. ]

નૈતિક કોયડાના કોરડા વીંઝતું, સતત અસ્તિત્વ અને માન/અપમાન વચ્ચે હિલોળા લેતું આ કથાનક જાણે સતત માથે ઝળુંબતા દરિયાની જેમ પ્રતાડિત કરતું જ રહે છે; કે જેના કિનારે સમય થંભી ગયો છે ને આંખો મટકું મારતા ય ડરે છે કે વળતી પળે શું નું શું થશે! હેન્ડહેલ્ડ કેમેરાના શેકી શુટિંગથી જાણે એક સતત પીછો કરતો અને કરાતો હોય એવો માહૌલ ઉભો કરાયો છે કે જે દરિયાની અંદર નાના બાળક અને એલી’ને શોધતા એ હદે જીવિત થઇ ઉઠે છે કે તમને ખુદને મધદરિયે હવાતિયાં મારતા હોવાનું લાગ્યા રાખે! અરાજકતાના એ કોલાહલ વચ્ચે સન્નાટા સંભળાય, ને જ્યાં જીવિત કે મૃત એ બેઉંમાંથી કોણ મહત્વનું એ નક્કી કરવું અઘરું થઇ પડે! હજી આગળ વિચારીએ તો ફરી એક અઘરી દુવિધા આળસ મરડીને ઉભી થાય કે કોનું માન/ચરિત્ર ચડિયાતું; જીવિત કે મૃત’નું? જાણેકે સતત ધસતો રહેતો દરિયો આ પ્રશ્ન મુકવા જ નથી માંગતો! એ કે જે કાંઈક ગળી ગયો છે; ગુનેગાર પણ છે ને સાક્ષી પણ! એક તબક્કે કહેવાતું આ કથન ; ” A bitter ending is better than an endless bitterness.જાણેકે અવળું પડી રહ્યું છે કે જ્યાં અનંત કડવાહટ કયું ઝેર ઓકાવશે અને કયું ઝેર પીવડાવશે એ કળી જ નથી શકાતું! અને દરમ્યાન કથાનકના એ હરેક પાત્રો આ દુર્ઘટના પાછળ પોતાની કે બીજાની જવાબદારી હોવાનું સ્વીકારતા અથવા થોપતા રહે છે.

ના, આ કોઈ થ્રિલર નથી પણ તેનાથી પણ ચાર ચાસણી ચડે એવી સોશિયલ ટ્રેજેડી છે! હજુ પણ એ ક્ષણો અને ઘટમાળ નજર સામે તરવરે છે…1)કથાનકનું આખું પોત બદલી નાખનાર દુર્ઘટના નોતરનાર એ દરિયાકિનારાનું દ્રશ્ય અને અફાટ દરિયામાં બેફામ ઝંપલાવવું! 2) એ હિલોળે ચડેલો ને ગળીને ફરી કિનારે લાવીને પટકતો દરિયો અને તેની સામે અનુભવાતી વામનતા! 3) ત્રણેય યુગલમાં પડતી ફાટ અને અરાજકતા સ્વરૂપે સપાટીએ ડોકાતી કડવાહટ અને અપરાધબોધ 4) એલી વિશે શું?’થી લઈને એલી’ના સન્માન/ચરિત્ર વિશે શું? સુધી વિસ્તરતું કથાનક 5) ક્લાઈમેક્સમાં એક નવીન જ પાત્રનો પ્રવેશ અને તેનો એલી સાથે સંબંધ અને એક પ્રશ્ન પર જીવાતી જિંદગીઓનું અટવાવવું! ઝીણું કાંતેલું જૂઠ ભલે ગળી શકાય પણ ન પચ્યે જયારે એ સત્ય સ્વરૂપે ઉલટભેર બહાર આવે છે ત્યારે ફરીફરીને એ ઘુઘવાતા સાગરની જેમ જ બધિર કરી જાય છે! ~ મસ્ટ વોચ ફોર ક્લાસિકલ પર્ફોર્મન્સીસ.

IMDb : 8  | Rotten Tomatoes : 99%

> > Me : 8.5 to 9  < <


A Separation , 2011

દ્રશ્ય પહેલું : ઝેરોક્સની પ્રોસેસમાં ફટાફટ બીબાંઓ છપાઈ રહ્યા છે અને એ દરમ્યાન જ એક બીબાઢાળ ઘટના પણ ઘટી રહી છે. [ જાકારો દઈ, જાકારો ન દેવાની ] એક યુગલ નામે Simin અને Nader જજ’ની કેબિનમાં દલીલો કરી રહ્યા હતા. શેની દલીલ? છુટાછેડાની! પણ કારણ શું હતું? કારણમાં; તો આ યુગલના વિદેશ જવાના વિઝા આવી ગયા હતા કે જે પણ મહિના દાડા’ની અંદર જ એક્સ્પાયર્ડ થઇ જવાના હતા પણ Nader જવાની આનાકાની કરતો હતો અને એ જ માથાકૂટમાં પતિ-પત્ની સરખી પેઠના બાખડી પડ્યા હતા! પણ Nader કહે છે કે છૂટાછેડાની માંગ તેણીની છે, મારી નહિ. અને હું મારા બાપને આ હાલતમાં છોડીને ક્યાંય નથી જવાનો! ત્યાં જ Simin કહે છે; તે જ તો મને ચાલી જવાનું કહ્યું હતું! અને તારા પિતા તને ઓળખે સુધ્ધાં પણ છે,ખરા? તરત જ આદ્રસ્વરે Nader બોલી ઉઠે છે : પણ હું તો જાણું છું ને કે એ મારા પિતા છે! પણ Nader’ના પિતાને શું થયું હતું? અલ્ઝાઇમર!

એક તબક્કે તો Nader છૂટાછેડા માટે હામી પણ ભણે છે પણ ત્યાં જ એકમાત્ર દીકરી કોની સાથે રહેશે, વળી એ સવાલ ધૂણી ઉઠે છે! દીકરી, પણ બાપને મૂકીને મા પાસે ન્હોતી જતી [ ખબર નહિ કેમ? અથવા તો ખબર હતી માટે! ] અને એ મુદ્દે જ આ બંને ફરી દલીલોના દોરે પોરવાય છે અને જજ આ બંનેને બીજી તારીખ આપીને રવાના કરે છે! આ પ્રથમ દ્રશ્યથી જ એવી છાપ પડે છે કે Simin તદ્દન સ્વાર્થી ને ઘર ભાંગનારી મહિલા છે! [ સુપર્બલી કરિઝમેટિક & કોન્ફિડેન્ટ એવી Leila Hatamiપણ સબૂર! જરા ખમી જાવ, હજુ તો તમે કથાનકને ઉઘડતા જોયું છે, ખરા બપોરીયા તો હજુ પડવાના બાકી છે! Simin જજ સામે એક તબક્કે ઉકળાટમાં બોલી ઉઠે છે કે તેણી તેના પરિવાર સાથે વિદેશ એટલા માટે જવા માંગે છે કે ત્યાં તે તેમની દીકરીનું ઉજ્જવળ ભવિષ્ય જુવે છે, ત્યારે પતિની નજર અને જજની વાણી વળતો પ્રશ્ન પૂછે છે કે તો શું અહિંયા ઈરાનમાં તેનું કોઈ ભવિષ્ય નથી?

અને આ એક જ સવાલ ખુદ ઈરાનમાં સ્ત્રીઓની સ્થિતિ અને સામાજિક માળખા પર બૂમરેંગની જેમ વળતો ત્રાટકે છે. કે શું ઈરાનમાં ખરેખર સ્ત્રીઓનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું કોઈ ભવિષ્ય છે? [ હજુ તો છૂટાછેડા લેવા માટે પતિ મંજૂરી આપે તો જ છૂટાછેડા શક્ય બને, એ કાયદાઓ આપણે જોયા! ] પણ સંજોગો હજુ પણ દુષ્કર બનવાના બાકી હતા કેમકે આડેધડ ને ઠાંસોઠાંસ ભરાતી સૂટકેસ લઈને Simin હવે ઘર છોડીને તેના પિયર જઈ રહી હતી, ને Nader કરતા પણ એ વિસરાઈ ગયેલ વૃદ્ધ અસ્તિત્વ એવા Nader’ના પિતા Siminના હાથ પકડીને બેસી રહ્યા હતા, દીકરી વિહ્વળ બની ચોધાર આંસુડે રડી રહી હતી અને Nader પણ અંદરખાને એ આશામાં કઈ કહી રહ્યો ન હતો કે તેણી ભલે અત્યારે ચાલી જાય પણ એક દિવસ એ પરત ફરશે જ. અને હવે જ કથાનકનો બીજો અંક શરૂ થાય છે કે જ્યાં ઘડીક તો બંને મુખ્ય પાત્રો પરથી ધ્યાન એક ત્રીજા નવા પાત્ર પર આવી અટકે છે! Siminના ચાલી ગયા બાદ Nader હવે આખા દિવસ માટે એક કેર-ટેકર રાખે છે Razieh, કે જે તેના પિતાની દેખભાળ રાખી શકે.

Razieh ખુદ અત્યંત મજબુર પરિસ્થિતિઓમાંથી પસાર થઇ રહી હોય છે, કે જ્યાં એક નાની 6-7 વર્ષની દીકરી , બેરોજગાર ગુસ્સેલ પતિ અને ગર્ભમાંનું બાળક દીકરો હશે કે કેમ? તેની મૂંઝવણ અને મજબૂરીમાં તે આ વયોવૃદ્ધ પુરુષની દેખભાળ કરવાનું દુષ્કર કામ સ્વીકારે છે કે જે બે પૈસા આવ્યા ઈ! પણ નિયતિની નિયત બગડે છે અને એક દુર્ઘટના ઘટી જાય છે! સંજોગોવશાત કંઈક એવું બને છે કે Razieh’નો ગર્ભપાત થઇ જાય છે અને તેનું આળ Nader પર આવી ચડે છે! [ આટળો વળાંક ચીંઘાડવો જરૂરી હતો, નહિતર આગળનો ક્રમ અને મારુ કર્મ સમજાવવું અઘરું બની રહેત! ~ ડોન્ટ વરી; આ કોઈ સ્પોઈલર નથી. ] અને હવે છૂટાછેડાની જગ્યાએ છુટકારો કેન્દ્રમાં આવે છે, ને સંબંધોથી લઈને ખુદ પરના વિશ્વાસની પણ આકરી કસૌટીમાંથી હરએક પાત્રએ નીકળવું પડે છે! આ મૂવીની મુખ્ય થીમ સંબંધોની સૂક્ષ્મતા તો છે જ પણ સત્ય શું છે? સાચું કોણ છે?ની ગહન ગૂઢતા પણ છે. ઘડીક તો જીવ તાળવે ચોંટી જાય એવી મજબૂરીઓનું મહાભારત રચાય છે અને ટ્રેજેડી પર ટ્રેજેડી અનરાધાર વરસતી હેલીની માફક અટકવાનું નામ જ નથી લેતી! [ ફરી પાછું, આ કોઈ થ્રિલર ડ્રામા નથી પણ સંજોગોની એરણે ઘડાવાની બદલે ટીપાતા સંબંધોની અસહાયતાના નછૂટકે સાક્ષી બનવાની વાત છે. ]

પાત્રોની આટલી સંકુલતા જોઈને ઘડીક તો ડિરેક્ટર પર માન થઇ આવ્યું. બે ઘડી તમે કોઈ પાત્ર સાથે જોડાવ ત્યાં તો કોઈ નવી જ બાજુ ઉભરતા , જાણે લાગણીઓનો ઉભરો શમી જાય! હરેક પાત્ર ગ્રે શેડ્સમાં અને તોયે ચારેય મુખ્ય પાત્રો [ મુખ્ય યુગલ અને કેર-ટેકર યુગલ ] પ્રત્યે તમને ખેંચાણ થયા જ કરે! ઘડીક કોઈ નાદાન તો કોઈ નઘરોળ લાગે , તો ઘડીક નિયતિ વધુ ક્રૂર છે કે માણસની નિયત એ પ્રશ્ન સાથે તમે પક્ષ બદલ્યા કરો! ત્રણ બાપ , ત્રણ મા , બે પત્નીઓ , બે પતિઓ અને બે દીકરીઓના પાત્રો એકમેક સાથે એવા તો ભેરવાય છે કે જાણેઅજાણે બધાય મૂક સાક્ષીના પાત્રમાં આ આખરે આવી ઠરે! પતિના બંને પાત્રો પોતપોતાની વિચારધારાઓમાં એટલા મક્કમ રહે છે કે ભાંગી જાય છે પણ પીછેહઠ નથી કરતા, ત્યાં જ સામે છેડે સ્ત્રીપાત્રો પસ્તાવો , પાપ અને વ્યવહારુપણાની ખેંચતાણમાં બધું સમેટ્વાની લ્હાયમાં દોડ્યા કરે છે.

એવી તો કેટકેટલીયે નાજુક અને ભયાવહ ક્ષણો કથાનકમાં તરવરે છે કે જ્યાં સ્મરણથી મરણ સુધી જીવનની ડોર તણાયા જ કરે! ‘સ્વ’ અને સંતાનો સ્વગત સવાલ પૂછ્યા જ કરે; કે તમે જૂઠ તો નથી બોલ્યા ને? શું તમે જાણતા હોવા છતાં આગળ નથી વધી ગયા ને? જાણેકે પોતાની જાત સાથે સતત અળગા થતા થતા મૂળ સોતા ઉખડી જઈએ! સતત સ્વજનોની નજરમાં ખુદને પરાવર્તિત થતા જોઈને પરિવર્તિત થતા પાત્રોની મનોદશાને ડિરેક્ટર Asghar Farhadiએ નીતનવી રિફ્લેક્ટિવ ફ્રેમ્સમાં એવી તો ઉભારી છે કે રીતસર તેમનો ઈમોશનલ-ક્લાસ નજરે ચડે.

અલગાવની એ ક્ષણો યાદ કરું તો1) જયારે Nader’ના પિતાનું પેન્ટ શૌચથી ખરડાય જાય છે ત્યારે, પરપુરુષને અડકી શકાય? સ્વચ્છ કરી શકાય? એ પાપ તો નથી ને? એ બાબતે ધાર્મિક હેલ્પસેન્ટરની મદદ લેતી ગભરુ Razieh અને એની ચિંતા સમજી જતાહું અબ્બાને કાંઈ નહિ કહુંએમ ધરપત બંધાવતી માસુમ દીકરી’નું દ્રશ્ય. 2) ગાડીના મિરરમાંથી દીકરી Termehને તેણીના હક વિશે સભાન બનતા/બનાવતો જોઈ ગર્વ અનુભવતો Nader. 3) Razieh’ની દીકરી Somayehનું ઓક્સિજન વાલ્વ સાથેની છોકરમતનું દ્રશ્ય અને અધ્ધર ચડતા શ્વાસ! 4) દીકરી Naderને પૂછે છે કે તમે જુઠ્ઠું તો નથી બોલ્યા ને? તમને પહેલેથી ખબર હતી? એ દ્રશ્યનો ગભારો.

5) સત્ય કહેવું હોય તો સાવચેતી શેની રાખવાની? પૂછતી દીકરી Termeh! 6) અમ્મી,અબ્બા અને પોતાના આવનાર ભાઈ વિશે ચિત્રો દોરતી નાની Somayehની નજરોમાં વાસ્તવિકતા. 7) પિતાને નવડાવતા ખુદ ચોધાર રોઈ પડતો Nader. [ સંપૂર્ણ કથાનકની પ્રેરણા આ દ્રશ્ય પરથી જ આવેલી! ] 8) સાચુકલા જીવનમાં ક્લાયમેક્સ કે પ્રિ-ક્લાયમેક્સ જેવું કશું હોતું નથી અને જિંદગી આખી યે ગાંઠના ભોગે ઉકેલાતી એક નવી ગાંઠ જ છે, એ દર્શાવતો આકરો ઓપન એન્ડ! [ કે એ પાત્ર કઈ તરફ ગયું હશે? ]

કોણ જવાબદાર છે’થી લઈને જવાબદાર કોણ છે?ની થીમમાં સતત બદલાતા પશ્ચાદભૂમાં એક ક્ષણ માટે પણ કથાનક કાચું નથી પડતું, એ તો સતત ઉકળતો એ માહૌલ જુઓ તો જ ખ્યાલ આવે! સંબંધો અને સામાજિક આંટીઘૂંટીમાં ઘૂંટાતા અવ્વ્લ ડ્રામા માટે હેટ્સ ઑફ ટુ Asghar Farhadi. [ અને હા, સૌપ્રથમ અને એકમાત્ર ઓસ્કર જીતનારી આ ઇરાનિયન ફિલ્મનું શૂટિંગ ઓલમોસ્ટ હેન્ડહેલ્ડ કેમેરાથી જ થયું છે અને Naderની દીકરી Termeh’ના પાત્રમાં ખુદ ડિરેક્ટર Asghar Farhadiની દીકરી Sarina Farhadi છે. અને આખરે, જે લોકોએ આ મુવી જોયું છે, તેઓ એક મહત્વની ટ્રીવીયા કમ સ્પોઈલર માટે IMDbની આ લિંક પર સાવ છેલ્લેની બે આશ્ચર્ય વત્તા આઘાત આપતી ડિસ્કવરીઝ વાંચશે તો છક્ક થઇ જશે! ]

IMDb : 8.3  | IMDb 250 : 114th | Rotten Tomatoes : 99%

> > Me : 9  < <


Directing the दुख्तर


~ તો આ હતી ઇરાનિયન ફિલ્મોની સીરીઝના આખરી મણકારૂપી પોસ્ટ! છેલ્લા કેટલાય સમયથી આ વર્લ્ડ સિનેમાને હું જાણે કોઈ દૂર ભાગોળેથી બેસીને નીરખ્યા જ કરતો હતો,પણ ત્યાં પહોંચવાની ને તેમ કરીને તેને સ્પર્શવાની નિયત કે નિયતિ ન્હોતી બની રહી! પણ આખરે મેં જ મારુ મ્હેણું ભાંગ્યું અને ધરાઈને આ ઈરાની કથાઓના પટમાં આળોટ્યો. આશા છે કે ઈરાની સિનેમાના આ ચારેય માસ્ટર્સની ચુનિંદા કૃતિઓનો આસ્વાદ કરાવવામાં હું સફળ રહ્યો હોઈશ. ફરી કોઈ આવી ટહેલ મને અંતરમાં પડઘાશે, તો ફરી કોઈ નવી જ દુનિયામાં તમને સૌને લઈ જઈશ, એ લખી રાખજો. [ પાછા આ બધી ફિલ્મો તમે જુઓ, તો અહિંયા ટહુકો કરવા આવજો ખરા હોં! કેમકે વિના ટહુકે ભલભલા વનરાવન વેરાન થતા જોયા છે મેં! ચાલો ત્યારે… ]