ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

1] ઇરાનિયન સિનેમામાં અદ્રશ્ય રહ્યે પણ વિહ્વવળ કરી જતા વાયરાનો પર્યાય જો કિઆરોસ્તામી ગણાય, તો ભાવમઢી ભીનાશ થકી રીતસર તમને વહાવી જાય એવું પાણીનું વ્હેણ માજીદ મજીદી ગણાય. કે જ્યાં કિઆરોસ્તામીને કાન માંડીને શાંત ચિત્તે અંતરમનમાં સાંભળવા પડે ત્યાં મજીદી ખુદ કાખમાં જ તેડી લે અને એક એવા ભાવજગતના મેળે મ્હાલવા લઇ જાય કે હેઠે ઉતરવાનું મન ન થાય!

2] જ્યાં કિઆરોસ્તામીની ફિલ્મોમાં પરિસર અને પરિકલ્પના ચડિયાતી હતી, ત્યાં અહિંયા મજીદી’ની ફિલ્મોમાં માનવીય પાત્રો સમયની સારણીએ અને સંબંધોની એરણે ઘડાતા સંજોગોની સહજ રજુઆત થકી એક વ્હેંત અધ્ધર ચડે છે. કુદરતનું એક અત્યંત પ્રચંડ વિઝ્યુઅલ ફોર્સ અહિંયા ચારેકોર ઝળહળે છે અને અદના આદમીની કસૌટી કરે છે.

3] કિઆરોસ્તામીની ફિલ્મો, ઉલ્ટાનું કહું તો મજીદી સહીત મહત્તમ ઇરાનિયન ફિલ્મોમાં બાળકોની દ્રષ્ટિએ દુનિયા અને દુનિયાદારીની દાસ્તાન ઉખેળાઈ છે કે જે એક તબક્કે તો કથાનકને એટલું સરળ અને સહજ રીતે રજૂ કરે છે કે આપણે રીતસર કાયલ થઇ જઈએ! સંજોગો સામે પડીને એક તબક્કે ઘૂંટણીયે પડી જતો માણસ જયારે ફરી એ જીજીવિષાના જોરે ઉભો થાય છે, ત્યારે પડતા-આખડતા ફરી ઉભું થતું બાળક નજરે ચડે છે!

On Set of Children of Heaven

4] અને આ સઘળું મજીદીની ફિલ્મોમાં જુઓ તો લાગે કે ક્યાંય પણ લગીરે ય ઓવર ડ્રામેટિક થયા વિના આટલું સહજ કથન કેમનું શક્ય બની રહેતું હશે? આજે એમની 5 ફિલ્મોની વાત, પોસ્ટ લંબાઈ ગઈ હોવા છતાં પણ એક જ પોસ્ટમાં એ ઇચ્છાએ સમાવી છે કે આ બધું એક જ તાંતણે બંધાય રહે!

5] મહત્તમ ફિલ્મોમાં પિતા અને સંતાનના સંબંધોની થીમ પ્રમુખ રહી છે, જયારે એક લવસ્ટોરી છે. મજીદીની આ 5 ફિલ્મો જુઓ એટલે એમનો આખો પટ્ટ તમારી બથમાં આવી ગયો ગણાય. [ જોકે એમનું બહુચર્ચિત The Willow Tree (2005) જોવાનું બાકી છે અને Beyond the Clouds (2017) પણપણ બિયોન્ડ ધ ક્લાઉડસ બાબતે અંદરથી એવો ધક્કો ન લાગતા લાગે છે કે એ વણદીઠયું જ રહી જશે! ] ફરી આવતી પોસ્ટમાં એક ઇરાનિયન મેકરની વાતો માંડીશ, ત્યાં સુધી પોસ્ટ વાંચતા વાંચતા સાકરનો ટુંકડો ચગળતા કાળી ચા પીતા રહો….


~ PREVIOUSLY IN THE SERIES ~

World Cinema : Iranian films – Abbas Kiarostami ~ 2/2

World Cinema : Iranian films – Abbas Kiarostami ~ 1/2


Pedar , 1996

દ્રશ્ય પહેલું : એક નાના હાથ અને ચકળવકળ ફરતી આંખો જોઈ-જાણીને પોતાના પરિવાર માટે હરખથી ગમતીલી વસ્તુઓ લઈ રહી હતી. મોતીની માળા , સોણલાં ડ્રેસ , ફ્રોક , કુણું ને કામણગારુ કાપડનું તાકું અને કૈક એવું…અને બાંધ્યું આ બધાનું કસકસાવીને એક પોટલું અને પગ ભેરી આંખો દોડી પડી ઘરની રાહ પર, પણ આંખો પગને આંબવા નથી દેતી અને મન આંખોને પાછળ છોડી દે છે! ઘણા સમય પહેલા જ હજુ તો બાળક એવા ‘મહેરુલ્લાહ’ના પિતાનું અકળ મૃત્યુ થયું હતું, ને એ નાની ઉંમરે પોતાની મા અને ત્રણ ત્રણ બહેનોની જવાબદારી માથે લઈને દૂર શહેરમાં કમાવા ચાલ્યો ગયો હતો અને આજે એ ઘડી આવી પહોંચી હતી, ફરી પોતાના પરિવારને જોવાની અને એમની સામે ઘરની જવાબદારી ઉપાડી લેનાર એક પુરુષ તરીકે ગર્વથી ઉભા રહેવાની…

અને ક્યારે ગામનું પાદર આવી ગયું, ખબર જ ન રહી! દૂર ખેતરમાં કામ કરતા જીગરજાન દોસ્તને જોઈને તો એ ઝાલ્યો ન રહ્યો અને પાછળથી આવીને એની આંખો ઢાંકી દીધી પણ એમ કરતા જ એક કડવું સત્ય એ ગળવા મળ્યું કે એની અમ્મીએ ગામના જ પોલીસમેન સાથે બીજા લગ્ન કરી લીધા છે! અને જે કડવાશ અને ક્રોધ તેના પર મૃત્યુ ન ઉભારી શક્યું, એ નફરત આ હકીકત કંડારી ગઈ. મહેરુલ્લાહ પોતાની અમ્મીથી અત્યંત નારાજ થઇ ઉઠ્યો અને તેણીને મનફાવે એમ બોલ્યું પણ એથીય વધુ તે, એ પોલીસમેન પર ગિન્નાયો કે જેણે [ તેના મત મુજબ ] પોતાની મજબુર અમ્મીને ભોળવી-છેતરીને નિકાહ કરી લીધા! અને શરૂ થાય છે; સંબંધોના તાણાવાણા તૂટવાની અને ગૂંથાવાની એક નવતર ને નાજુક દાસ્તાન…

બાપ ગુમાવેલ ને રાતોરાત ખુદ પરિવારના મોભી બની ગયેલ આ નાનકડા બાપને ઘડીક તો પગ તળેથી જમીન સરકી જાય છે! પોતાનું આખું પરિવાર છીનવાઈ જવાની આશંકા વચ્ચે સાનભાન ગુમાવીને પોતાની અમ્મીને અને સાવકા બાપને હેરાન કરવામાં એ મચ્યો રહે છે પણ એકંદરે કંઈ નક્કર ન જડતા એકદા કોઈ ગંભીર ભૂલ કરી બેસે છે અને ફરી તેના પરિવાર સાથે તેનો નાતો તૂટી જાય છે. અમ્મી બિચારી હાંફળીફાંફળી બેય સંબંધો વચ્ચે ગળતી રહે છે પણ દીકરો સમજવા તૈયાર નથી અને પતિ પણ હવે ધૈર્ય ગુમાવી ચુક્યો હોવાથી , બસ ચુપચાપ આંસુડાં સારતી દરગાહે ધાગાઓ બાંધતી સંબંધોમાંની ગાંઠ ઓગાળવા મથતી રહે છે.

મીઠી સ્મૃતિઓની પણ એક અકથ્ય પીડા હોય છેઅને એમાં જ ક્યારેક ખુદના દર્દની સાપેક્ષે બીજાઓની મજબૂરીની નોંધ સુધ્ધાં નથી લેવાતી! [ અહિંયા મહેરૂલ્લાની સાપેક્ષે તેના ભોળિયા દોસ્ત લતીફ , આંખોમાં રાહ લઈ બેઠેલી અમ્મી અને સાવકા પણ સાવકા નહીં એવા બાપની સાપેક્ષે ] મરણથી લઈને સંસ્મરણોમાં અહીં બધા પાત્રો પીડાઈ રહ્યા છે [ જોકે, લતીફ અને ઓરમાન બાપ ,એ બેઉ છતે છાંયડે હિજરાય છે અને એ એમની આંખોમાં વાંચી જાઓ તો એમના ગળે પડતો શોષ આંખો ભીની કરી જાય! ] ઝડપથી ઘટતા ઘટનાક્રમમાં જાણેઅજાણે સતત એક પિતાનું પાત્ર સમગ્ર કથાનકના દરેક પાત્રોમાં આકાર લઈ રહ્યાનું દેખાય છે.

વહેતા પાણી , પ્રતિબિંબો , કાચ , આડશ દેતા અસ્થિર પડદાઓ , પડછાયાંનો અદભુત ઉપયોગ આ બધા જ ભોગ બનેલ અને ભોગ દીધેલ પાત્રોની મનોદશાને ઝીલે છે. પણ સમય આવે છે કે જયારે સામસામેના કાંઠાના સત્યો એક પ્રવાહે વહે છે, પણ એ પહેલા જબ્બર વમળો બધું ડોહ્ળી નાખે છે, પણ એ પણ ફરીફરીને તળિયે ડોહ્ળ બેસવા અને આખરે એમાં જ ખુદને જોવા અને પામવા જ.

અદભુત દ્રશ્યોમાં: મહેરુલ્લાની ઘરવાપસી અને ઉત્કંઠા , ભોળિયા લતીફના દરેક દ્રશ્યો , પત્નીના પૂર્વ પતિની તસ્વીર અને સાવકા દીકરાની નફરત વચ્ચે મૌન ઝુરતો એવો નહી પતિ કે નહીં પિતા અને શરૂઆતનું તેમજ આખરી એવું વહેણમાં તણાઈ જતું ‘ફોટોજેનિક’ દ્રશ્ય [ અને એમ કરીને આપણને તાણી જતું ] ; કે જેના જેવો અદભુત અંત ખૂબ જ જૂજ ફિલ્મોમાં જોવા મળ્યો હશે! ભીંસી દેતી હૂંફ જયારે પાષાણને પણ પીગળાવે ત્યારે એક બાપનો જન્મ થાય છે. [ પેદાર એટલે પિતા ] મસ્ટ વોચ એવું સાદું ને દાદુ મુવી. [ મારે હજુ ઘણું કહેવું હતું આ મુવી વિશે , પણ સ્ટોરી એટલી સરળ ને સહજ છે કે મેં જે કહ્યું છે એ પણ વધારે છે! ]

IMDb : 8.3  | Rotten Tomatoes : N/A

> > Me : 8.5  < <

On Set


 

Children of Heaven , 1997

 

દ્રશ્ય પહેલું : એક મોચી ગુલાબી એવું જરીપુરાણું બેબીબુટ સાંધતો હોય છે અને એ ઘટમાળ એક નાની આંખોમાં તગતગતી રહે છે. એ માસુમ અને થાકેલી આંખો હતી અલી’ની અને એ બુટ હતા નાની બહેન ઝારા’ના [ ફેવરિટ એવા એકમાત્ર અને સાવ જર્જરિત ] બુટ સરખા કરાવીને એ વળતા શાકભાજીની દુકાને બટેટા લેવા ઉભો રહે છે અને એ દરમ્યાન જ બ્રેડ અને બુટની કોથળીઓ દુકાનની બહાર રાખતો આવે છે. એટલામાં જ કચરા/ભંગાર વીણતો એક વ્યક્તિ બુટનું એ કાળું ઝભલું ભૂલથી કચરામાં પોતાની સાથે લેતો જાય છે! અને અલી’ની નાનકડી સમજણ પર અંધારા ફરી વળે છે, કે હવે શું થશે? અમ્મી-અબ્બા ખીજાશે? બહેન રોવા માંડશે? મહિનાના 10-12 દિવસ પહેલા જ પુરા થઇ જતા પૈસાને લીધે ઘરે નવા બુટ લેવા વાત પણ કેમ થશે?

હાંફળો-ફાંફળો થતો અહીંતહીં શોધતો , સતત દોડતો-રડતો એ ચોમેર શોધી વળે છે અને ઘેર પરત ફરે છે. ઘરની હાલાતમાં તો, ઘર વત્તા અમ્મી એમ બેઉની કમર ભાંગી ચુકી હોય છે અને અબ્બા અત્યંત પ્રામાણિક અને અલ્પ આવક રળતા હોઈ જિંદગી બસ આજથી કાલમાં ઢસડાતી આગળ વધતી હોય છે! છતાં પણ એ નાનકડું પરિવાર સુખી અને સંતોષી હોય છે. [ તેમના પાંચ જણાના નાનકડા માળામાં મૂલ્યોનું સિંચન આંખે ઉડીને વળગે એવું હોય છે. ] પણ આ બુટ’નું શું કરવું? ને બુટ પકડતી બેન’નું શું કરવું?

અલી પહેલા તો ઝારા’ને વિનવી , મનાવીને , ઈમોશનલ બ્લેકમેઇલ કરીને આ વાત અમ્મી-અબ્બા સુધી જતા અટકાવે છે અને તત્પુરતી એવી ગોઠવણ કરે છે કે સવારે ઝારા અલી’ના બુટ સ્કૂલે પહેરી જાય અને વળતા બપોરે અલી એ બુટ સ્કૂલે પહેરી જાય! પણ વહેંચાઈને ઘટતા સમયની આ ગોઠવણમાં એવી તો અફરાતફરી બોલે છે કે ક્યારેક ઉતાવળમાં ઝારા તો ક્યારેક મોડા પડ્યે અલી અકસ્માતનો કે ઠપકાનો ભોગ બને છે. [ એ સાથે જ, અન્યોના બુટ પર જ રમતી રહેતી ઝારા’ની નજર અને આંગળી ઊંચી કરીને ‘વિથ યોર પરમિશન’ કહીને આંસુડા વહાવતો અલી નજરે ચડે! ] ભાઈ-બહેનમાં ક્યારેક તણાવ પણ વધી જાય છે અને બીમાર અમ્મી વત્તા બિસ્માર અબ્બુ’ની વધારાની મુશ્કેલીઓ તો માવઠાની જેમ ચાલુ જ હોય ને!

ગરીબીમાં ઉંમર ભલે મોટી હોય પણ બાળપણ ટૂંકું રહી જાય છે પણ કહે છે ને કે જ્યાં ગરીબી હોય ત્યાં સમજણ પાથીએ પાથીએ પૂરવી નથી પડતી. એ ન્યાયે જ દી પછી દી કપાતા જાય છે અને કેટલીય ઘટનાઓ બાદ એ પડાવ આવી પહોંચે છે કે જ્યાં અલી’ની રોતી આંખો ચમકી ઉઠે છે. ~ વિદ્યાર્થીઓની એક રેસમાં પહેલું નહિ , બીજું નહિ પણ ત્રીજું ઇનામ એટલે બુટની એક જોડ! [ વાર્તા હવે શરૂ થાય છે , અત્યાર સુધી તો જીવન ચાલુ હતું! ]

બાળકો જયારે વાત પણ કરે ને ત્યારે વાર્તા બની જાય છે , ચુપચાપ થતો આંખો આંખોમાં સંવાદ પણ બળુકો ને બોલકો હોય છે. અને અહિંયા તો ઝઝૂમતા ઘર અને જમણેથી ડાબે લખાતી લિપિની જેમ જ આ બાળકોની આ દુનિયા અંતથી શરૂ થઈને આરંભે પૂરી થવા જઈ રહી હોય છે. જયારે બંને ભાઈ-બહેન એક જ બૂટમાં ટાણું સાચવવા દે-માર દોડે છે ત્યારે કથાનક પણ અધ્ધર જીવે એમની સાથે એકશ્વાસે દોડે છે. ઉતાવળ અને વાટ એકમેકમાં ઓગળી જાય છે. એક જ વસ્તુ હરખ અને સમજણથી વહેંચાતા બે ગણી થઇ જાય છે અને પીડાના પરપોટા બનાવીને આ બચ્ચાઓ એમને ઉડાડી મૂકે છે. નાની નાની ખુશીઓમાં હરખાઈ ઉઠતા આ નાનકાવ જયારે મા-બાપથી છુપાવીને એક આખો સંઘર્ષ જીવી જાય છે ત્યારે આંખોના ખૂણા તગતગી ઉઠે છે.

એકદમ સાદા છતાં ઝળહળતા આ કથાનકમાં કોણ જાણે કેવો ધબકાર શ્વસે છે કે ફરીફરીને તમે ઈરાની સિનેમાના ઓવારણાં લઈ દસે દસ ટચાકિયા ફોડી લો! ભૂખ્યા પેટે વધુ દોડતા ને સતત જાદુઈ ક્ષણો વિખેરતા આ કથાનકના કેટલાય દ્રશ્યો આ લખું છું ત્યારે નજર સમક્ષ તરવરે છે. 1) બાળકોની ઝટ્ટ છલકાઈ જતી આંખો અને માસુમિયતથી ભરેલ એફર્ટલેસ કેમેસ્ટ્રી 2) બંને ભાઈબહેન વચ્ચે નોટબુકમાં થતો મૌન સંવાદ 3) પેન્સિલ અને પેન’રૂપી રૂહાની રિશ્વત 4) સ્કૂલ છૂટ્યે ગોળીની જેમ ભાગતી ઝારા અને અધવચ્ચે રાહ જોતો અને ફરી વંટોળની જેમ ઉપડતો અલી 5) રસ્તાની વચ્ચે વહેતી ગટર અને એ ગટરમાં વહેતુ બુટ.

6) મસ્જિદની ખાંડની એક કણી પણ ન વાપરતો ભોળિયો બાપ 7) બંને ભાઈ-બહેન જૂનું બુટ પરત લેવા જે ઘરે જઈ પહોંચે છે એ ભાવવાહી દ્રશ્યની મોટપ 8) આંજી દેતા શહેરમાં બાપ વતી બોલતો અને વિસામા જેવો દીકરો અલી 9) બાપ-દીકરાને મફતનો ઢાળ પણ મોંઘો પડે છે એ કરૂણ દ્રશ્ય 10) એ આંગણું , નાનું તળાવ , ધોવાતાં-સુકવાતાં બુટ , પાડોશીની લેવાતી કાળજી , ભંગારની સાટે મીઠાનો બોલ અને તૂટેલા કાચ પર ચડાવેલું પુંઠઠું 11) આગળ પાછળ થતી રેસ 12) સિમ્પલી મેજીકલ એવું પાણીમાં પગ બોળેલું, માછલીઓવાળું આખરી દ્રશ્ય. આંખો આંખોમાં વ્યક્ત થતું અદકેરું આ સિનેમા એટલું તો સાહજિક અને માનવીય છે કે ફરીફરીને તમને એના સપના આવે.

IMDb : 8.3  | IMDb 250 : 131st | Rotten Tomatoes : 83%

> > Me : 8.5 to 9  < <


 

The Color of Paradise , 1999

 

હરહંમેશની જેમ મેજીકલ ઓપનિંગ સીન એટલે દ્રશ્ય પહેલું : પટ પર કોઈ દ્રશ્ય નથી અને પશ્ચાદ્દભૂમાં અલગ અલગ કેસેટ્સ વાગી રહી હોય છે અને એક પછી એક બાળક પોતપોતાની કેસેટ ઓળખીને ચાલતું જાય છે; ત્યાં જ એક લોકગીત ગાતો કંપતો અવાજ સંભળાય છે અને તુરંત જ તેને ઝીલી લેતો બાળઅવાજ સંભળાય છે, ‘આ કેસેટ મારી છે અને આ મારા દાદી જ ગાય છે!‘ જી હા, આ દ્રશ્ય હતું તહેરાનની એક બ્લાઇન્ડ સ્કૂલનું; કે જ્યાં પ્રજ્ઞાચક્ષુ બાળકો પોતપોતાની કેસેટ્સ એમના શિક્ષક પાસેથી સાંભળી અને સંભાળીને લઇ જઈ રહ્યા હતા. અવાજે ઉઘડતું આ એ જગત હતું કે જ્યાં ભાષા આંગળીના ટેરવે ઉગતી હતી અને બાળકોને બાહરી દુનિયાથી પરિચિત કરાવતી હતી. હવે વેકેશનનો સમય આવી ચુક્યો હોય છે અને બધા જ બાળકોને તેમના માતાપિતા તેડવા આવી રહ્યા હોય છે અને પેલું બાળક કે જે ઘરે દાદી પાસે જવા થનગનતું હોય છે; એ હોય છે ‘મોહંમદ’ કે જે રાજધાની તહેરાનથી માઈલો દૂર એક પહાડી ગ્રામ્યવિસ્તારમાં બે બહેનો , દાદી અને પિતા સાથે રહેતું હોય છે [ અમ્મી હવે નથી રહી! ]

પણ મોહંમદને હજુ વધુ રાહ જોવાની હતી કેમકે તેના સિવાય હવે કોઈ બાળક કેમ્પસમાં રહ્યું ન્હોતું! તે ઉચાટ અનુભવી રહ્યો હોય છે ત્યાં જ નજીક ખરેલા પાંદડાઓની ચાદરમાં કંઇક પડવાના અને દૂર બિલ્લીપગે કૈક નજીક સરકતું હોવાનું તે અનુભવે છે અને તુરંત જ તાળો મેળવી તે ત્યાં પહોંચી પેલી બિલ્લીને ભગાવી મૂકે છે અને શોધતો ફંફોળતો તે એ નાનકડા પક્ષીના બચ્ચાને સુરક્ષિત તેના માળા સુધી પહોંચાડી સુધ્ધાં પણ દે છે! [ એ કેવી રીતે! અંધ હોવા છતાં? એ તો તમારે ધીરજ , ખંત અને હિંમતથી સજાવેલ એ દ્રશ્યમાં જ જોવું રહ્યું. ] થોડીવારમાં જ મોડો પડેલ મોળો બાપ આવે છે અને દૂરથી અંધ બાળકને જોઈને નિઃસાસો નાખે છે અને પ્રેમ, પીડા અને કરુણાની કથની કંડારાવાની એક શરૂઆત થાય છે…..

બાપ પહેલા તો ગરીબી, સંઘર્ષ [ નાનપણમાં પિતા ગુમાવેલ ] અને બાદમાં કુદરતના ફટકાઓથી ભાંગીને ક્ડવો તૂર થઇ ચુક્યો હોય છે. [ પત્નીનું મૃત્યુ અને અંધ દીકરાનો ઉછેર અને તેના ભવિષ્યની ચિંતા ] અને હવે બીજા લગ્ન કરી લેવા માટે જ દેખતો હોવા છતાં નજર ચોરતો ફરતો હોય છે! જયારે આવતીકાલની આશ’માં અને નિઃસ્વાર્થ પ્રેમથી ભરેલ દીકરો પરિવારના છાંયડામાં જાણેકે સઘળું જોઈ શકતો હોય એમ હરખાતો ફરતો હોય છે. એ નાના બાળકની અર્ધ બિડાયેલ આંખોમાં જીજીવિષા તમે સાફસાફ વાંચી શકો છો. હવાની લહેરખીઓના મોજામાં , કલકલ વહેતા ઝરણાના પાણીની નીચે શાંત ચિત્તે ઠરેલ લીસ્સા પાણાઓમાં , ઘઉંના લહેરાતા ડુંડાઓમાં , પંખીઓના ઝુંડમાં , રેતીના કણકણમાં , લક્કડખોદની બોલકી ખુદાઈમાં જાણેકે એ બ્રેઇલ લિપિ વાંચતો હોય એમ કુદરતની ભાષાને ઉકેલવા મથતો એકરસ થતો જાય છે!

હજુ તો પાદરે પહોંચી રહ્યો હોય ત્યાં જ ગામની / ઘરની અને સ્વજનોની સુવાસ તે ઓળખી જાય છે , કુણા અને કરચલીવાળા ચહેરાઓમાં ઉંમરનો અંદાજો લગાવતો, એ પોતે વાવેલ ઝાડ પોતાનાથી પણ મોટું થઇ જતા હરખથી અભરે ભરાઈ જાય છે. પણ મજબૂરી જ જેનું એકધારું રટણ બની ચૂક્યું હોય છે , એવો બાપ દીકરાની આ વધતી પ્રવૃતિઓથી જાણેઅજાણે ગભરાય છે કે ક્યાંક તેને લીધે તેના લગ્ન તૂટી ન જાય! ફરી પૂર્ણ થવા જનાર તેના સંસાર પર ક્યાંક આ અપૂર્ણ દીકરાને લીધે પનોતી ન બેસી જાય! અને જાણેઅજાણે તે પતન તરફ ધકેલાતો જાય છે અને પરાણે રોતા-કકળતા દીકરાને તે નજીક જ આવેલ એક અંધ સુથાર પાસે તાલીમ લેવા મૂકી આવે છે. [ તેના સુરક્ષિત ભાવિ’ની ચિંતાનું બહાનું કરીનેબસ હવે વધુ કાંઈ નહીં કહેવાય અને પાછું આટલું બધું કહેવું જરૂરી પણ હતું! ]

કથાનકમાં કેટલીય ક્ષણો એવી આવે છે કે જયારે જીવન નિશાંતપણે વહેતુ જાય છે અને મર્યાદાઓ ખરી પડે છે! પ્રેમ અને સહકાર વડે અપૂર્ણમાંથી પણ પૂર્ણત્વ પ્રાપ્ત થઇ જાય છે. પણ દેખતા માણસો એ ભૂલી જાય છે કે ખરા અંધ તો એ જ છે! અને એમ જ કોઈ તરછોડાય છે તો કોઈ તૂટે છે તો કોઈ ઊંધા પડી ગયેલ કાચબાની જેમ તરફડે છે! કિનારે પહોંચાય છે પણ તણાઈ તણાઈને, ડૂબી જઈને ! અને એ દરમ્યાન જ ભૌતિક મર્યાદાઓથી ગ્રસ્ત મન અને તન વચ્ચેની આ કશ્મકશની પરે એક પારલૌકિક દર્શન પણ ઝળહળે છે.

કંઈક પામવા મથતા બાપ-દીકરાની આ સમાંતરે ચાલતી જીવનયાત્રામાં જ્યાં દીકરાનું પાત્ર અત્યંત નિર્દોષ અને સહજ છે ત્યાં ઝટ્ટ દઈને તમે એમ બાપના પાત્રને દુષ્ટ પણ ન કહી શકો! બાપના ચહેરા પરની એ અકળ રેખાઓ તેના મનમાં શુ ચાલી રહ્યું છે, તેની જાણે તેનાથી પણ અજાણપણે ચાડી ખાય છે. અને જ્યારે કુદરત તેના એ મનસૂબાને હકીકતમાં પલટે છે ત્યારે ફાટી આંખે તે જાણે વીજળીનો ચમકારો જોઈ-અડી લીધો હોય એમ સુન્ન થઇ જાય છે! અને આ સઘળું કથાનક ચોમેર છુટ્ટા હાથે વેરાયેલ લશ ગ્રીનરીથી લથપથ ઇરાનના કાસ્પીયન વિસ્તારમાં એ થીમ સાથે ગોઠવાયું છે કે ભલેને તમે સૌંદર્યો વચાળે રહેતા હોય પણ સૌંદર્યનું સત્ય અને સહજ સાદગી પામવી એમ સહેલું નથી , એ માટે તો મટકું માર્યા વિનાની ભીની આંખની એક તરસ હોવી જોઈએ.

ફરી એકવાર કથાનક એકદમ સાદું, પણ ભાવની ભીનાશ એકદમ દાદુ! ફરીફરીને મોહંમદનો એ કુદરતની કેડે બેસી કાન માંડતો ચહેરો અને એ ચહેરાને અનિમેષ જોઈ રહેતા બાપનો અકળ ચહેરો સ્મૃતિમાં તરવર્યા કરે! યાદગાર દ્રશ્યો ગણવા બેસું તો… 1) નાનકડા પંખીડાને તેના ઘર સુધી પહોંચાડતો ખુદ ઘરની રાહ જોતો મોહંમદ 2) મોહંમદનું પોતાના ઘરે આવવું અને રાજીના રેડ ચહેરાઓનું તગતગાવું. 3) સ્થાનિક સ્કૂલમાં કડકડાટ પાઠ વાંચી જતા મોહંમદને ફાટી આંખે જોઈ રહેતા વિદ્યાર્થીઓ અને શિક્ષક! 4) લટકતો-અટવાતો-હિંચકતો-ટીંગાતો ઘડીક સંકોરતો સંકોચાતો માંગુ નાખવા ગયેલ બાપ અને એની આડી થઇ છલકાતી અડારીરૂપી એષણાઓ!

5) અંધ એવા સુથાર શિક્ષક પાસે ઈશ્વર અને પિતા બાબતે અકળાઈ ફરિયાદ કરી મુંજાઈને ચોધાર રડી પડતો મોહંમદ [ … કે ઈશ્વર બધે જ છે અને આપણે તેમને આંગળીના ટેરવે શોધવાના છે અને એ અદભુત વલોપાત…. ] 6) તરફડતી માછલીને પાણીમાં પરત મૂકતા હૃદયભંગ દાદીમા અને મોહંમદે આપેલ પિન’નું પાણીમાં પડી જવું! 7) તથા બ્રિજવાળો એ જબરદસ્ત સીન અને આંગળીઓ પર રેલાતો એ દિવ્યપ્રકાશ [ વન ઓફ ધ બેસ્ટ ફિનિશિંગ ~ આ ક્લાઈમેક્સ વિશે જો કોઈને ચર્ચા કરવી હોય તો કમેન્ટમાં પૂછજો, કેમકે એ સ્પોઈલર્સથી ભરપૂર છે. ]

IMDb : 8.2  | Rotten Tomatoes : 87%

> > Me : 8.5 to 9  < <

On Set


Baran , 2001

20મી સદીના અંત સુધીમાં રશિયન આક્રમણ અને બાદમાં ફાટી નીકળેલા ગૃહયુધ્ધને કારણે અફઘાનિસ્તાનમાં જનસામાન્ય વેરવિખેર થઇ ચૂક્યું હતું અને લાખો લોકો દેશ છોડી ચાલી નીકળ્યા હતા! પાડોશી ઈરાનમાં જ 2001ની સાલ સુધીમાં અંદાજે 15 લાખ જેટલા અફઘાન રેફ્યુજી વસી રહ્યા હતા કે જેમની પાસે રહેઠાણ તો ઠીક પણ રોજબરોજનો રોટલો રળી ખાવા આવકનું કોઈ સાધન સુધ્ધાં ન હતું! પણ એ સમયે ઈરાનના પાટનગર તહેરાનમાં ચાલતી ધમધોકાર બાંધકામની સાઇટ્સને કારણે સસ્તા લેબરની જે પરિસ્થિતિ ઉદ્દભવેલી તેમાં બિચારા કેટલાય અફઘાન સાવ નાખી દેવી પડે એવી મજૂરીમાં પેટ ને વાંહો એક થઇ જાય એવી તનતોડ મજૂરી કરતા અને એમાં જ એક દિવસ ‘નજફ’ નામે એક અફઘાન બીજા માળેથી નીચે પટકાતા ઘણી ઈજાઓ સાથે તેનો પગ પણ ભાંગી બેસ્યો!

બીજા દિવસે નજફનો સહયોગી મિત્ર એવો ‘સુલ્તાન’ ,સાઈટ પરના સુપરવાઈઝર ‘મેમર’ પાસે સાવ દુબળા પાતળા એવા નજફ’ના દીકરાને લઇ આવ્યો અને તેને નજફ’ને બદલે કામ પર રાખવાની ગુજારીશ કરી. સાવ માયકાંગલા એવા આ દીકરાને રાખવા મેમર કમને રાજી તો થયો પણ સાઈટ પર જ રસોડું સંભાળતા , મજૂરોને ચા-પાણી પીવડાવતા , રોજબરોજનું કરિયાણું અને બ્રેડ લઈ આવતા અને દર બીજા માણસ સાથે વાતે વાતે બાખડી પડતા ‘લતીફ’ સાથે જયારે નજફ’ના દીકરાનો મારગ વહેંચાય વત્તા કપાય છે ત્યારે એક સાવ નવો જ વિસ્ફોટ થાય છે કે નજફનો આ દીકરો તો વાસ્તવમાં દીકરી છે! [ માતા અને ભાઈ વિનાના, અપંગ પિતાના પરિવારમાં એકમાત્ર કમાનાર – દીકરી ‘બારન’  ]

This slideshow requires JavaScript.

અને જયારે આ વાત ફાનસના અજવાળે વાળ ઓળતા બારન’ના પડછાયામાં વિદિત થાય છે ત્યારે ‘ડોબો દેકારો’ એવો લતીફ સ્તબ્ધ રહી જાય છે! સત્ય અને સૌંદર્ય ઉજાગર કરતું એ દ્રશ્ય જાણે અસ્તવ્યસ્ત બુડથલ એવા લતીફને સોંસરવું નીકળી સીધો દોર કરતું જાય છે. હવે સતત લતીફ બારન’ની અદ્રશ્ય કાળજી લેવા લાગે છે , પડછાયો બનીને જાણે છાંયો આપે છે, પણ સાઈટ પર પરમીટ વિના ગેરકાયદે કામ કરતા અફઘાન રેફયુજી વિશે તંત્રને જાણ થતા બારન’નો આ હાથવાટકો છૂટી જાય છે અને તેણી શહેર છોડીને ચાલી જાય છે. બાદમાં લતીફ પણ તેણીને શોધતો શોધતો તેની કરૂણ કથનીને જાણે છે ત્યારે ખુદ ઘસાઈને , ઘૂંટાઈને ચંદનની માફક બારન’ની જિંદગીમાં સુવાસ પ્રસરાવવાની કોશિશમાં મચી પડે છે.

લોટ મસળવાના પહેલા દ્રશ્યથી લઈને ત્રણ ત્રણ માળ પાત્રોના દાદરા ચડી ઉપર જવા દરમ્યાન સમગ્ર પરિસ્થિતિને કવર કરતા ‘ક્રેન શોટ’ વચ્ચે જયારે બંને પ્રમુખ પાત્રો ધ્રુમસેર વચ્ચે નજરે ચડે છે, ત્યારે ઘડીક તો હાડમારી વચ્ચે હૃદયના તાર કેવી રીતે ઝણઝણી ઉઠ્યા હશે એનો અચંબો થઇ આવે! કોઈ અપેક્ષા વિના જયારે કોઈ સમર્પિત થાય છે ત્યારે શું નો શું બદલાવ આવે એ લતીફનું પાત્ર જુઓ તો ખબર પડે. અસ્તિત્વના વહેંચાવાથી લઈને ઓળખાણ વેંચવા સુધીની આ દાસ્તાનમાં એક માણસ ક્યારે ઓગળીને સાક્ષાત માણસાઈનું રૂપ ધરી લે છે , એ જુઓ તો લાગે કે આવું તો મા જ કરી શકે! [ અહીં કુદરતના સ્વરૂપમાં રાહ જોતી સૂકી ધરતી અને વર્ષાના રૂપકમાં ]

બારન’નો ફારસીમાં અર્થ થાય ‘વરસાદ’ ; અને એના અનુસંધાને જ અહિંયા લતીફના પાત્રનો ઉઘાડ થાય છે. પ્રેમની નાનેરી વાંછટ પણ જ્યાં નથી ઉડી, એ સંજોગોમાં એક પાત્ર કેવી રીતે આટલું તરબતર થઇ શકે એ કદાચ ખુદ તેને પણ ખ્યાલ નહિ હોય! ટાઇટલ ભલે બારન હોય પણ આ વાત તો લતીફની અને એણે ખભે ઊંચકેલા મેઘધનુષી કથાનકની જ છે. બંને પાત્રો એક નવી તક , એક નવી જિંદગી, એક પરિવર્તનની રાહમાં મથતા હોય છે ત્યાં જ મારગ એક થઇ જાય છે. કે જ્યાં મંઝિલ નહિ પણ સફર મહત્વની નીવડે છે. [ લતીફનું પાત્ર ભજવતો એક્ટર મને બૌ જાણીતો અને ગમતીલો લાગ્યો , પણ પછી લાઈટ થઇ કે આ તો Pedar મુવીનો પેલો ભોળિયો દોસ્ત લતીફ જ ! 🙂 ]

ફરીફરીને એ દ્રશ્યો નજરે ચડે છે; કે જ્યાં અધ્ધર જીવે દોડે કોઈ ઔર છે અને શ્વાસ કોઈ બીજાના ચડી જાય છે. એ ઝાપટ અને હાથમાંનો પાણો , યાદ કરીને રખાયેલ ચા અને બાજુમાં સાકરના બે ટુકડા , અરીસો વેલ અને ફાનસ , ટોપીમાં ખોંસેલી હેરપિન , પાછળ છોકરું ટીંગાડીને કપડાં ધોતી બાઈ , લતીફનું કાખઘોડીનો મલકાટ રેલી દેતું દ્રશ્ય , રૂમી’ના અંદાજમાં જીવતો મોચી [ A man alone is a neighbor of God. ] , ટોપલી ઢોળાઈ જતા પરસ્પર સાવ નજીકથી અડ્યા વિના નીકળી જતા વીણતાં હાથ , અડ્યા વિના પગમાં મોજડી પહેરાવવી અને છેલ્લે કીચડમાં પડેલી મોજડીની છાપ અને આવતો વરસાદ; જાણેકે રોજબરોજની કઠોર જિંદગીમાં હૂંફની એ ક્ષણો ધુમ્રસેરની માફક ગોચર-અગોચર થયા કરે છે. અનહદ તાકતી એ ક્ષણોના ક્લાઈમેક્સમાં વહી ગયેલી નદીની રાહ જોતો કાંઠો હવે ફરી એની વર્ષાના રૂપે રાહ જુએ છે, ત્યારે પાણી અને પાણાંની આ દાસ્તાન જીવી ઉઠે છે. [ ફરી એકવાર, પાણીની સાક્ષીએ એક જબરદસ્ત અંત. ]

IMDb : 7.8  | Rotten Tomatoes : 89%

> > Me : 8.5 to 9  < <


The Song of Sparrows , 2008

 

પહેલું દ્રશ્ય : ઓસ્ટ્રિચ ફાર્મમાં ઓસ્ટ્રિચ સાથે ખુદ દોડાદોડી કરતો કરીમ એ ખબરે અટકીને ફરી પાછો વછૂટે છે કે ઘરે એની દીકરીનું હીયરીંગ એઇડ પાણીના એક રીઝર્વોયરમાં પડી ગયું છે અને એ બદલ એનો ખુદનો દીકરો હુસૈન અને તેના દોસ્તો જવાબદાર છે! એ દ્રશ્ય જેટલું કકળાટભર્યું છે એટલું જ કમાલનું મોજીલું પણ બન્યું છે; કે જ્યાં બાપ માથું પણ ઊંચું ન થઇ શકે એટલી વ્યસ્તતા વચ્ચે આ બચ્ચા ટોળકીનો વારો પાડવા રાડોરાડ કરી મૂકે છે! પણ ફરી એ બાબતે ચિંતામાં પણ સરી પડે છે કે દીકરી હીયરીંગ એઇડ વગર કેમની સાંભળી શકશે? અને નજીક આવી ગયેલી પરીક્ષામાં શું કરશે? અને આટલું ઓછું હતું એમાં એક ઓસ્ટ્રિચ ફાર્મ પરથી ભાગી નીકળવામાં સફળ રહે છે અને એનો ભોગ બને છે કરીમ, પોતાની નોકરી ગુમાવીને! ટૂંકી આવક , ભણતરને નામે મીંડું ને બીજી કોઈ વિશેષ સ્કીલનો અભાવ અને ઉપરથી મોંઘુ હીયરીંગ એઇડ ફરી ખરીદવા તથા બે છેડા ભેગા કરવા ઉપરાંત, દેવું પણ ઘટાડવા આખરે કરીમ શહેર તરફ ચાલી નીકળે છે.

ઓસ્ટ્રિચ’ના હાથમાંથી સરવા સાથે દીકરીના કાનમાંથી અવાજ અને ખુદના હાથમાંથી આજ પણ સરી જાય છે! અને એમાં ને એમાં એ શહેરની ભરતી ઓટવાળી વિશાળ દુનિયામાં ધકેલાય છે, ઘડીક મધદરિયે તો ઘડીક કાંઠે! શહેર તહેરાનમાં એ બાઈક પર સતત દોડતા ભાગતા મુસાફરોને બેસાડી રોજેરોજનું ભાડું કમાય છે અને કન્સ્ટ્રક્શન સાઇટ્સ પરથી ફેંકી દેવાયેલ ભંગાર ઘરભેગો કરતો રહે છે. ધીમેધીમે તેની જિંદગી ભૌતિક દ્રષ્ટિએ જુઓ તો પાટે ચડવા લાગે છે પણ કોઈ અલગ જ દિશામાં! દીકરાનું એ ગાંડપણ કે; પેલા ગંદા ને સુકાઈ ગયેલા પાણીના રીઝર્વોયરને સાફ કરી તાજા પાણીથી ભરી તેમાં ગોલ્ડફિશની ખેતી કરીને એક દિવસ લાખોપતિ બની જવાને તે રીતસર ધિક્કારે છે અને તેની વાત સુધ્ધાં પણ નથી સાંભળતો.

તમે સૌ વધુ મુંજાવ એ પહેલા કહી દઉં કે આ કોઈ ટ્રેજેડી કે અતિવાસ્તવવાદી વાર્તા નથી પણ એક સરળ ને સહજ ઘટના છે. ક્યારેક જેને આપણે સ્થૂળ દ્રષ્ટિએ ઘટના સમજીએ છીએ, એ સૂક્ષ્મ દ્રષ્ટિએ સમજતા વારતા નીકળે છે! અને આ એવી જ એક વાર્તા છે કે જ્યા દીવાસ્વપ્નોની જંજાળથી લઈને નિર્દોષ સ્વપ્નોની ગૂંથણી સુધી જીવન વિસ્તર્યું છે. અહિંયા કથાનકની થીમની સાપેક્ષે ટૂંકમાં કહું તો, ફરી ફરીને તૂટતું સ્વપ્ન એટલે જીવન અને ફરી ફરીને એ સ્વપ્ન જોવા પોઢી જતી વાસ્તવિકતા એટલે માણસ.

પણ કરીમ ફરી અટકે છે અને આ વખતે તો અટવાય પણ છે! જી હાં, ખુદ ભેગા કરેલ ભંગારમાં ફસડાતાં પગ ભાંગી બેસે છે અને ઘરે બેસવાનો વારો આવે છે, ત્યારે જ કરીમ ફરી જિંદગીનું એક સાવ નવું જ રૂપ જુએ છે. એ જેને તણખલા ભેગા કરીને બંધાતો માળો કહેતો હતો એ તો ભંગાર નીકળે છે અને જે કુટુંબને તે પોતાને સમજી નથી શક્યું એમ માનતો હતો, એ કેટલું ઝીણું કાંતે છે ને ઓછામાં જાજુ જીવે છે એ જાણી હરખના આંસુડે નવી નજર કેળવે છે. એકબીજામાં ઓગળતા અને ઘડાતા પરિવારજનો અને સમુદાયની હૂંફ વચ્ચે કરીમ જાણે સાક્ષી બનીને જીવનની સરળતાને ફરી પામે છે. આ બધી ઘટમાળ દરમ્યાન ઉડીને આંખે વળગતા કેટલાક અવલોકનો કહું તો; ગરીબ અને પ્રમાણિક માણસની થેલીમાં હંમેશા એક ફાંકું હોય છે. ખરાબ કામ કરતા પહેલા તમે સો વાર વિચારો તો તમે સારા માણસ છો. બાહ્ય અને જાહેર જીવનની સાપેક્ષે દરેક ઘરનો એક પોતીકો ને મૌન સંઘર્ષ હોય છે. ઝટ્ટ છલકાઈ જતી આંખો અને ફટ્ટ રેલાતો મલકાટ એટલે બાળકો.

ઢગલો એક સિમ્બોલિઝમમાં ભરેલ દ્રશ્યોમાં; 1] ખુદ ઓસ્ટ્રિચ બનીને વગડામાં ઓસ્ટ્રિચ શોધતો કરીમ 2] એન્ટેના અને રૉમેન્ટીસીઝ્મ 3] સૂકા ખેતર વચ્ચે દુધિયા આકાશને પ્રતિબિંબિત કરતું ભંગારનું ઉધારી બ્લુ બારણું વેંઢારતો કરીમ 4] શહેરી હવાઓમાં મોબાઈલ થતું જુઠ 5] ઢોળાઈ જઈને હાથમાંથી સરી જતી માછલીઓ 6] રીઝર્વોયરમાં ચકલીએ બાંધેલો માળો [ ઓસ્ટ્રિચ અને ચકલી એ બેઉના અલગ જ અસ્તિત્વ થકી જીવનના બે અંતિમો વચ્ચે સંકળાતી કડી. ] 7] અને આખિરનો ઓસ્ટ્રિચ ડાન્સ [ જોકે, આ સમયે મજીદીદાદાનું ફેમસ વોટર ફિનિશિંગવાળું ક્લાયમેક્સ ન્હોતું એટલે થોડુંક અધૂરું અધૂરું લાગ્યું! ]

અને તેની સામે જ સાવ સાદા છતાં જાદુઈ દ્રશ્યોમાં; 1] કરીમના એ હરેક મૌખિક હાવભાવ 2] શહેરમાં કોઈના બંગલે ગેઇટ પાસે નમાઝનો સમય થતા નમાઝ પઢતો કરીમ અને એ રાહ તથા ચાહતભરી સાકર 3] ગોલ્ડફિશની મથામણના બાળકોના એ દરેક દ્રશ્યો 4] સિગ્નલ પર એક બચ્ચીને તેની દુઆઓ બદલ 500 ટોમેનના છુટ્ટા આપવા મથતો કરીમ 5] દીકરાના હાથમાં છાલા જોતો અને મા-દીકરાની છુપી ગુસપુસ સાંભળતો સૂતો-જાગતો બાપ 6] પગના પ્લાસ્ટર પર બધિર દીકરીએ દોરેલ અદભુત ચિત્ર જોઈ વિસ્મયતો કરીમ 7] મજબૂરીમાં સાંભળવા લાગતી બધિર દીકરી અને દીકરીની શુ’લેસ બાંધતો કાળજીભર્યો બાપ.

આશા , અપેક્ષા અને આતમરામને પરાવર્તિત કરતા ઓસ્ટ્રિચથી લઈને એક ખૂણે નિરાંતે માળો બાંધતી ચકલી સુધી દીવાસ્વપ્નો અને માસુમ સ્વપ્નો વચ્ચે જિંદગી ભૂલી પડીને પણ જયારે ફરી પોતાના મૂળીયે પછી ફરે છે ત્યારે ઉગતા છાંયા તળે એ ગીત ફરી ફરીને સ્ફુરે છે…

Our flowers have withered , Our eyes are crying
I remember the past days, The good old days

The world is a lie, The world is a dream
I’ve passed my youth in pain ,In this world

The sky’s stick has hit my heart
This is your memory

IMDb : 7.9  | Rotten Tomatoes : 98%

> > Me : 8.5  < <