ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,


ફિલ્મો ઓર્ગેનિક હોય છે.

1]કે જે જેમની સારીયે ફિલ્મ પહેલા તો સ્ટોરીબોર્ડસ પર હાથેથી ચીતરાય છે; કે જે સ્ટોરીબોર્ડસ પૂર્ણ થાય તેના 1 વર્ષ પહેલા તો પ્રોડક્શન શરૂ થઇ ચૂક્યું હોય છે, અને છતાં પણ સ્ટાફ/ક્રુ’ને કોઈપણ જાતનો અંદાજો નથી હોતો કે ફિલ્મની વાર્તા શું હશે-દિશા શું હશે? જી હા, વાત થઇ રહી છે હાયાઓ મિયાઝાકી‘ની; કે જેઓ લાગલગાટ માત્ર રવિવાર સિવાય રોજના કલાકોના હિસાબે સ્ટુડિયોમાં ઘૂસીને સ્કેચીસ જ બનાવતા રહેતા હતા! [ 72ની ઉંમરે નિવૃત્તિ ઘોષિત કરેલી કે જે બાદમાં એક અત્યંત મોટા પ્રોજેક્ટ માટે પરત ખેંચેલી. ] અને રવિવારે પણ તેઓ સ્થાનિક નદીની સાફસફાઈના પ્રોજેક્ટમાં વ્યસ્ત રહેતા!

2] … તેઓ પોતાને બહુ સારા જાળવણીકાર નથી માનતા, Ghibli નામ સાંભળતા જ મારા જેવા કેટલાયના કાન સરવા થઇ જાય ત્યાં તેમને મન એ એક સામાન્ય નામથી વિશેષ કંઈ નથી, હળવા સૂરમાં ક્યારેક પોતાને Manic-Depressive ગણાવતા રાત્રે ઓછી નીંદ આવવાની ફરિયાદ પણ કરે છે. જબરા ચેઇન સ્મોકર છે! [ કાં તો હાથમાં બ્રશ હોય કા સિગરેટ ], સ્ટુડિયોના ભાવિ વિશે પૂછતાં કહે છે કે એ વિખેરાઈ જશે!

3]મને ખબર છે કે દુનિયા ખાડે ગઈ છે અને ખતમ થવા તરફ ધસી રહી છે, પણ આ વાત હું બાળકોને ક્યારેય નહીં કહું! એ જ તો છે કે જે મને દોડતો રાખે છે, હરેક સામાન્ય અને નાની ઘટનામાં પણ આશ્ચર્ય અને સૌંદર્ય શોધતા શીખવાડે છે. મિયાઝાકી રોજ સવારે એક કામ અચૂક કરે છે; ઉઘડતી સવારે જયારે નાના ભૂલકાઓ તેમના ઘર પાસેથી સ્કૂલે જવા નીકળતા હોય ત્યારે તેમનું અભિવાદન કરવાનું અને તેમને ગમતી ‘તેમની જ મૂવીઝમાં આવતું એક બકરીનું સ્ટેચ્યુ’ બારીની બહાર તેમને દેખાય તેમ રાખતું જવું અને એ મુસ્કાનો સમેટતું જવું.

4]સતત પગ થપથપાવતા ને સ્વગત બબડતા તેઓ કહે છે કે; ક્યારેય જાજી ફિલ્મો બનાવવા અંગે વિચાર્યું જ નથી, બસ ફિલ્મો બનતી ગઈ. આટઆટલા વર્ષો દરમ્યાન કોમ્પ્યુટરાઈઝડ ગ્રાફિક્સ, CGI, A.I જેવા દશકાઓના ચહેરા બદલી નાખનાર પરિબળો વચ્ચે પણ Studio એટલા માટે ટકી રહ્યો કે: ” બસ ગમતું કામ અઢળક નિરાંત અને સાથે જ એટલા ઝનૂનથી કર્યું છે, નહિતર તો આટલા વર્ષોમાં ભુલાઈ ગયા હોત!

5]અત્યંત ઝીણી ને વીજળી ઝબુકી જાય એવી સૂક્ષ્મતાનો તેઓ કટ્ટર આગ્રહી રહ્યા છે. જાણેકે બીજા એનિમેટર્સમાં પણ તેઓ બીજા મિયાઝાકી એટલે કે ખુદને જ શોધી રહ્યા છે! યુવાન ક્રુ મેમ્બર્સ સાથે તેમને કામ કરવું ખૂબ જ ગમે છે અને તેમની સાથે કામ કરવાને લીધે ખુદને પણ યુવાની અને સ્ફૂર્તિથી ભરેલા જાણે છે, પણ પેલા યુવા ક્રુ મેમ્બર્સ મિયાઝાકી વિશે આવો મત નથી ધરાવતા! ~ ‘ મિયાઝાકી જાણે અમારો કસ ચૂસી લે છે, ઘરડા બનાવી દે છે! ‘ 😅

6]તેમની દરેક મુવી પીડામાંથી સાર્થકતા તરફ પાત્રોને તેમજ આપણે દર્શકોને સફર કરાવતી રહે છે. તેઓ આ બાબતે અત્યંત સભાન અને સટીક છે. તેમના દરેક પાત્રોની રડવાની લય એકમેકથી ભિન્ન અને કંઈક નોખી જ ભીનાશ તારવતી જોવા મળે છે. તેમની વાર્તાના પાત્રોના લઢણ/લટકા/લય અંગે તેઓ અત્યંત દ્રઢ વિઝન ધરાવે છે, કે જે-તે પાત્ર આમ જ વર્તવું જોઈએ! [ એ જેસ્ચર/પોસ્ચર/પ્રિસાઇઝનેસ જુઓ તો ઘડીક તો દંગ થઇ જવાય! ~ એકપણ પાત્ર બોલવા-ચાલવા-દોડવા-હસવા-રોવા-ઉડવા-ગુસ્સે થવા બાબતે-વિચારમગ્ન હોય ત્યારે સાવ ‘અનન્ય’ રીતે વર્તે! ] – તેમની એક શોર્ટ ફિલ્મ બોરો:ધ કેટરપિલર‘માં (2018) કેટરપિલર’ના જન્મના દ્રશ્ય સમયે એમણે CGI આર્ટીસ્ટોને નવ નેજે પાણી મુકાવી દીધા હતા! [ હા, Ghibli’ના ઇતિહાસમાં સૌપ્રથમ વખત CGI’નો ઉપયોગ આ શોર્ટ ફિલ્મથી થયેલો. અને હવે તો એક ફૂલ લેન્થ CGI ફીચર ફિલ્મ પણ આ વર્ષે આવવાની છે. ‘ Earwig and the Witch ‘ ~ કે જે, મિયાઝાકીના દીકરા દ્વારા ડિરેક્ટેડ છે. – { Tales from Earthsea, From Up on Poppy Hill } ]

7] … ( અને આખરે ), મિયાઝાકી પોતાની આખરી ફિલ્મ બનાવી રહ્યા છે. How do you live?, કે જે હજુ ત્રણેક વર્ષ લેશે રિલીઝ થવામાં! કેમ? કેમ કે;

જ્યારે મિયાઝાકી ‘માય નેઈબર તોતોરો‘ બનાવી ત્યારે એ મુવી 8 એનિમેટર્સ સાથે 8 મહિનામાં બની હતી. જ્યારે વર્તમાન પ્રોજેકટ પર 60 એનિમેટર્સ કામ કરી રહ્યા છે કે જેઓ 1 મહિનામાં સ્કેચીસ બનાવ્યા બાદ 1 મિનિટ જેટલું કન્ટેન્ટ જ બનાવી શક્યા છે! હે?

1 મહિનામાં માત્ર 1 મિનિટનું જ એનિમેશન! ” 😨😬😱

મતલબ કે 12 મહિનામાં 12 મિનિટનું એનિમેશન. અને મિયાઝાકી તથા ટીમ છેલ્લા 3 વર્ષથી કામ કરી રહ્યા છે, મતલબ કે 36 મિનિટનું એનિમેશન અત્યારે હાથવગું છે! હજુ ઉભા રહો..કેમકે, હજુ બીજા 3 વર્ષનું કામ તો અંદાજે બાકી છે!!! ~ મતલબ કે 6 વર્ષમાં હાથેથી દોરાયેલ 72 મિનિટનો દિગ્ગજ એનિમેશન પ્રોજેકટ! 😍😍😍 [ જાણેકે, મિયાઝાકીનું ગ્રાન્ડ ગુડબાય…મી વેઇટિંગ રે દાદા 💕 ]


~ PREVIOUSLY IN THE SERIES ~

Studio Ghibli ~ Hayao Miyazaki : 1/2


Spirited Away , 2001

ચિહીરો નામે 10-12 વર્ષની છોકરી સાવ નવા જ શહેરમાં આવી રહેવાનું હોઈને, સ્થળાંતર સમયે કારની પાછલી સીટમાં બેસીને પોતાને મળેલ એકમાત્ર ફૂલોના બુકે’ને [ એ પણ ‘ફેરવેલ’ હતું એટલે! ] જોઈ જોઈને અકળાતી હતી અને મમ્મી-પપ્પા એયને પોતાનું દુઃખ સમજતા નથી એમ ગાડી પૂરપાટ હંકારે જ જતા હોય છે! આટલું ઓછું હતું એમ શહેરની નજીકમાં જ જંગલના રસ્તે ભૂલા પડી એક સાવ અજાણી ટનલના પ્રવેશ પર આવી તેમની ગાડી અટકી ગઈ! એ જ વગડાઉ કેડી પર થોડી વાર પહેલા જ નાના નાના વ્હેંતીયા જેવા ઘર કે જે ગાર્ડિયન સ્પિરિટના હોવાની માન્યતા હતી અને થોડા થોડા અંતરે ઉભેલા એ બાવલાઓ, ચિહીરો’ને આમ પણ ડરામણા લાગતા હતા!

હજુ આટલું ઓછું હોય એમ મમ્મી-પપ્પાને અંદર ટનલમાં જઈને જોવું હતું કે આગળ પર જતા આ પેલેસ શું છે? અને અહિંયા તેના હોવાની તેમને પહેલા કેમ જાણ ન્હોતી? ચિહીરો જબરદસ્ત અકળાઈ ગઈ અને અંદર જવા માટે તૈયાર ન થઇ, પણ આ પપ્પા કોઈનું માને તો ને! ધીમે ધીમે તેઓ ટનલમાં પ્રવેશે છે અને થોડીવારે એક સાવ અલગ જ હરિયાળા મેદાનોમાં એક તરછોડાયેલા થીમપાર્ક સોંસરવા નીકળે છે!

ચિહીરો તો હજુ ડરેલી જ છે, પણ આ મમ્મી-પપ્પાના અચરજ હજુ કેમ પુરા નહિ થતા હોય! હજુ આગળ વધતા તેઓ એક નાનકડા ટાઉનની બજારમાં આવી પહોંચે છે, કે જ્યાં નાનું શું ચકલું પણ ફરકતું દેખાતું નથી! અને અચાનક ક્યાંકથી એયને ગરમાગરમ સોડમ આવતા મમ્મી-પપ્પા અચાનક જ ભૂખ્યા થઇ ત્યાં દોરવાતા જઈને જુવે છે તો મોં’માં પાણી લાવી દે તેવી વાનગીઓનો રસથાળ સાવ નોંધારો પડ્યો હોય છે! બંને ભૂખ્યાડાંસ ભૂંડની જેમ તેના પર તૂટી પડે છે, જયારે ચિહીરો આ રહસ્યમય સન્નાટાનો તાગ મેળવવા આગળ જાય છે અને ત્યાં જ એક છોકરો તેણીને જોઈ જતા તેને ફટાફટ આ જગ્યા છોડીને ચાલી જવાનું કહે છે. ચિહીરો દેમાર દોડતી આવીને મમ્મી-પપ્પાને લેવા આવે છે તો જુએ છે કે, એ બંને ભૂંડ બની ગયા હોય છે! [ ઈઈઈઈઈઈઈ! ] અને એટલું ઓછું હોય એમ, સહસા સાંજનું અંધારું ઘેરાતા આ જગ્યા ભૂતાવળની જેમ જીવતી થવા લાગે છે! જ્યાં જુઓ ત્યાં છળી ઉઠો એવા સ્પિરિટ્સનો શંભુમેળો લાગ્યો હોય છે અને દૂર એ ટનલમાં જવાના રસ્તે એક આખી નદી છલકાઈ ઉઠી હોય છે! આ બધું શું છે? ચિહીરો’ની સાથે ઘડીક તો આપણી બુદ્ધિ ય બહેર મારી જાય છે! હવે ચિહીરો શું કરશે? આ કઈ જગ્યા છે? તેના માબાપનું શું?

અચાનક તમારી વાસ્તવિકતા છીનવાઈ જાય તો? તમારી ઓળખ ભુલાવા લાગે તો? તમે એકલા પડી જાવ તો? એક એક કોળિયે બોર બોર જેવા આંસુડાં વહી જાય તો? કોઈ તમારો આવા સંજોગોમાં હાથ પકડી લે, પણ તમને ઓળખવાનો ઇન્કાર કરી દે તો? . . . . તો? તો? તો? અને તોંતેર મણનો તો! એક જ ભૂલથી લઈને અહિંયા સઘળું ભુલાવા સુધી માયાએ પોતાનો પટ વિખેર્યો છે. વિખુટા પડીને ફરી વિખુટા પડવું પડે એવા સંજોગો જયારે આવી પહોંચે છે ત્યારે ઘડીક તો આ નવા બની બેસેલા ઘરને પાછું વળીને એક નજર જોઈ પણ ન શકવાની મજબૂરી સજળ આંખે સ્મૃતિઓની વણઝારને ભીની મહેક આપી જાય છે.

અને અહિંયા આખરે બધા પરત પણ સ્મૃતિઓના સથવારે જ ફરે છે ને! વળી સ્મૃતિઓ એટલે ફરીફરીને જીવંત થવાનો કીમિયો! ક્યારેક કોઈ એવું પણ મળતું હોય છે કે જેના મળવાથી તમે ખુદને મળી શકો છો અને એ સ્પર્શ છેક આત્માના ઊંડાણ સુધી સોંસરવો ઉતરી જાય છે, બસ એ નામ લ્યો અને તમારું આખું અસ્તિત્વ ઓગળીને ઉડી જાય!

નામની સાથે રૂપ અને ઓળખ પણ ગપચાવી જતી ‘યૂબાબા’ નામે જાદુગરણીનું આ ‘યૂયા’ એક એવું જગત છે કે જ્યાં તમેનાન કહી શકો , અટકી ન શકો , સતત કામ કરતા રહેવું પડે ( અને કામ માંગ્યે, તમને કામ આપવું પણ પડે! ) નહિતર તમે ગયા કામથી! સતત ઝીંક ઝીલતા રહેવું પડે, નહીંતર આ દુનિયા એના રંગે રંગી તમને અદ્રશ્ય એટલે કે સ્મૃતિશેષ કરી દે! આ તોતિંગ પેલેસ એક સ્પિરિટ બાથહાઉસ હતો કે જ્યાં નિતનવીન સ્પિરિટ્સ તાજામાજા થવા આવતા હતા. પેલો છોકરો કે જે ‘હાકુ’ના ઓળખાતો હતો, તેણે જ ચિહીરોને મદદ કરી હતી, કે જે પાછો જાદુગરણીનો ડાબો હાથ હતો! પણ શું કામ? રામ(યૂબાબા) જાણે!

એક બાળકની બહારની, અજાણી ને બિહામણી દુનિયાની આ એકલવાયી સફર જાણેઅજાણે તેને મક્કમ અને જવાબદાર બનાવે છે. ચિહીરો આ દરમ્યાન જ સાહસ , વફાદારી , ઋણ વત્તા ઋણાનુબંધ , પરિવાર , દોસ્તી અને પ્રેમના મૂલ્યો જીવે છે ને ઝીલે છે. અને એ દરમ્યાન જ હોરિફિક ને ટેરિફિક આ સફર મેજીકલ બનતી જાય છે. કેમકે જયારે જાતમાં ભરોસો બેસે છે ત્યારે જ મેજીકની ચપટી બોલે છે. ( સેલ્ફ-બિલીફ પણ એક પ્રકારનો જાદુ જ છે ને! )

એક બાળકની અજાણી અગોચર દુનિયામાં ભૂલા પડવાની વાત આ પહેલા પણ Alice in Wonderland , Wizard of Oz , ( અને કૈક અંશે ~ Harry Potter , Narnia )માં આપણે જોઈ ચુક્યા છીએ. જોકે, આ મુવી જાપાનીઝ લોકકથા એવી Sparrows House & The Palace of Mice પર આધારિત છે. સતત અજ્ઞાત ને અરાજક માહૌલમાં નિતનવીન સ્પિરિટ્સના ઘમાસાણ વચ્ચે પણ પાત્રોની અહિંયા એક સ’રસ’ સૃષ્ટિ જીવંત થઇ ઉઠી છે. જેમકે; યૂબાબા અને તેનો પેલેસ અને તેમાં કામ કરતા કઈ કેટલાય ફ્રોગમેન , Boh અને Yu-Birdની 180 ડિગ્રીએ પલટો મારેલી જુગલજોડી ( Boh : યૂબાબા’નું જાયન્ટ હોમસીક બેબી ) , Soot Sprites , કામાજી અને લિન , બે સાવ અનોખી રિવર સ્પિરિટ , રહસ્યમયી ડ્રેગન , નો-ફેસ , ઝેનીબા અને ખુદ બદલેલી એવી ચિહીરો અને હાકુ’ની અદ્રશ્ય તાંતણે બંધાયેલી જાદુઈ જોડી…

સમગ્ર કથાનક રહસ્યમય અને લાગણીસભર માહૌલનું એટલું અદભુત સંમિશ્રણ છે કે ઘડીક અધીરાઈ રહે તો ઘડીક નીરવ શાંતિનો અહેસાસ થાય, તો ઘડીક નખ કરડી ખાઓ એવી ટેન્સ મોમેન્ટ્સમાં સ્ત્રીહઠ અને બાળહઠ બાથ ભીડે! તો ઘડીક ડિટેઈલ્સ અને ડિઝાઇનની ડાઇવર્સીટી તમને એકએક એનિમેશન ફ્રેમ પર મોહી પડવા મજબુર કરે! ફરી ફરીને એ તરછોડાયેલો ને હૉન્ટિંગ થીમ પાર્ક નજર સામે તરવરે , યાદો ફરી તમને એ અજ્ઞાત ગર્તામાં પગ ઝબોળાવે, ને લાગે કે અચરજ ને અજાયબી દિવસ-રાતની જેમ ચાલ્યા જ રાખશે! વળી એ સઘળું યાદ કરું તો, યાદ આવે…

1) કથાનકમાં અગોચર પ્રવેશ 2) બાથહાઉસ અને તેનો અધિક્રમ વત્તા ઉપક્રમ / સ્ટાફ / સ્પિરિટ્સ અને આખુંયે નવડાવી દે તેવું નવાણીયુ તંત્ર, ને એના સંચાલક એવા કરોળિયા જેવા કામાજી! 3) ચિહીરો’ની યૂબાબા સાથે પ્રથમ મુલાકાત કમ યૂબાબા’ની બળકટ એન્ટ્રી. 4) માય નેઈબર તોતોરો’ની જેમ ફરી દેખા દેતા Soot [ ડસ્ટબનીઝ ~ મતલબ કે આ બંને સ્ટોરીઝ એક જ યુનિવર્સમાં ધબકે છે! ] 5) રાતની કોલાહલયુક્ત ઝાકમઝોળની સામે દિવસની નિશાંત ને નિરભ્ર શાંતિ [ વાસ્તવિકતાથી તદ્દન ઉલટુંએ Stillness એવી તો ગજબની કંડારાઈ છે, કે ઘડીક તો ધ્યાન લાગી જાય! ચિહીરો જયારે બાલ્કનીમાંથી દૂર ક્ષિતિજને તાગતી એ પ્રશાંત જળરાશીને નીરખતી હોય એ દ્રશ્યો જોજો. ]

6] રૂપાંતરિત એવા ગિનિપિગ અને પંખી કમ માખીની જબરીયા જોડી 7] હાકુ / ડ્રેગન / રિવર સ્પિરિટની યાદોની ગર્તામાં ગરકાવ ચિહીરોનું ઋણાનુબંધ 8] ભયંકર ગોબરી એવી સ્પિરિટની એન્ટ્રી અને ચિહીરોની પરીક્ષા 9] અભાવથી સ્વભાવ સુધી, આવકારથી સ્વીકાર સુધી અનંત ભૂખના પ્રતીક એવા નો-ફેસ’નું રહસ્ય અને તેના કેટલાય ચહેરા [ ઈચ્છા , લાલચ , અસ્વીકારનો મુંજારો , દંભ અને આખરે નિસ્વાર્થ સમર્પણ સુધી… ] 10] ટ્રેનમાં ચિહીરો સાથે નો-ફેસ’નું એ બેસેલ દ્રશ્ય. 11] પેપર બર્ડ્સનો હુમલો અને એ પાછળનો દોરીસંચાર કરતી તાકાતને ચિહિરોનું મળવા જવું. 12] અને આખરે કાનમાં યાદો ફૂંકી વિસ્મૃતિરૂપી દેહનો મોક્ષ કરી નાખવો. 

IMDb : 8.6  | IMDb 250 : 28th | Rotten Tomatoes : 97%

> > Me : 9  < <

{ ઓલટાઈમ હાઈએસ્ટ રેટિંગ ધરાવતું ઍનિમે અને 2003નું ઓસ્કર વિજેતા. }


Howl’s Moving Castle , 2004

હેટ-કેપ-ટોપીઓ કંડારતી, પણ વળી પોતાને ખુબસુરત ન સમજતી એક સીધીસાદી ને શર્મીલી એવી સોફી જયારે અચાનક એક જાદુઈ ઘટનાક્રમમાં ઝડપાઇ જાય છે, ત્યારે ઘડીક તો એના સહીત આપણે પણ ઓઝપાઈ જઈએ છીએ! પણ થયું હતું શું? એકદા સોફી જયારે એક અજાણ્યું ઠેકાણું શોધતી જઈ રહી હોય છે ત્યારે અચાનક આવી પડેલ આફતમાંથી એક અજાણ્યો સોહામણો તેને રીતસરની ઉડાવીને તેના ગંતવ્ય પર પહોંચાડી આવે છે, અને એ જ ઘટના આગળ જતા તેણી માટે દુર્ઘટના સાબિત થાય છે કે જે વળી પાછી થોડી વધુ આગળ જતા જીવનને અર્થ આપનારી એક સીમાચિહ્ન જેવી ઘટનામાં પણ પરિણમે છે!

જે અજાણ્યો જાદુગર ( Howl ) તેને બચાવી ગયો હતો, તેને જ શોધતી આવેલ તેની શત્રુ ડાયન ( Witch of the Waste ) સોફીને જાદુ દ્વારા ઘરડી બનાવી નાખે છે અને સોફીને તેની આ ચિરપરિચિત સાંકડમૂકડ ઘર જેવી જગ્યા છોડીને એ નાનકડા શહેરની બહાર પેલા જાદુગરની શોધમાં નીકળવું પડે છે. પણ ત્યાં તો વળી તેણીને એક ચાડિયો મળે છે કે જેનો જીવ સોફી’ના પરગજુ સ્વભાવને કારણે બચ્યો હતો, કે જે ખુદ પાછો સોફી’ને એ રહસ્યમયી હાલતા-ચાલતા કિલ્લા તરફ દોરી જાય છે, કે જેને લોકો હાઉલ’ના જાદુઈ કિલ્લા તરીકે ઓળખે છે, કે જે આપમેળે ચાલે છે! શું છે આ બધી બાલ’ની ખાલ કાઢતી બબાલ? એ તો જોશો એટલે સમજી જશો, કે અચરજ પામવું એ એક જાદુ છે, વિશ્વાસ કરવો એ એક જાદુ છે અને મૂલતઃ જાદુ શબ્દ જ ખુદ એક જાદુ છે!

1986માં આવેલ બ્રિટિશ લેખિકા ‘Diana Wynne Jones‘ની ફેન્ટસી નોવેલ “Howl’s Moving Castle” પરથી બનેલ આ મુવીમાં વિજ્ઞાન અને જાદુનો સુભગ સમન્વય અને વીજળીક ઘટનાક્રમની ઓથે Studio Ghibliએ જે ગડગડાટ ફૂંક્યો છે કે ઘડીક તો આપણે ટર્કીશ+યુરોપિયન બાંધણીના એ શહેરોની જાદુઈ દુનિયામાં ગરકાવ થઇ જઈએ! [ વ્હોટ અ વિઝન & ડિઝાઇન! ~ અવતાર’વાળા કેમરોનકાકા પણ મિયાઝાકીદાદાના સર્જન પરથી પ્રેરણા મેળવી ચુક્યા છે, એ મારી, તમારી, જેક અને રોઝ’ની જાણ ખાતર… ] પહેલી અડધી-પોણી કલાક તો સ્ટોરીના સઢમાં જે પવન ભરાઈને ઘટનાક્રમ સડસડાટ હાઉલ’ના કિલ્લાની જેમ ભાગે છે કે મોજેમોજ પડી જાય! સતત ‘અદભુત એવું અચરજ‘ આંખો સામે અવનવા કલેવરમાં અવતર્યા જ કરે! સતત કૈક ઘટે છે, સતત કૈક વધે છે.

ઘરડી એવી સોફી પોતાના અચાનક આવી પડેલ બુઢાપા અંગે પણ બહુ કાંઈ ખાસ બળાપો નથી કાઢતી કેમકે પહેલા પણ તે સાવ નીરસ જીવન જ વિતાવી રહી હતી! અને હવે તો તેની પાસે કારણ પણ હતું કે, ‘ઘડપણની એ જ મજા છે કે તમને હવે કોઈ વાતનું આશ્ચર્ય થતું જ નથી!‘ જોકે, આ દાદીને નાની યાદ આવી જ ગઈ હતી કેમકે તે હવે આ જ ચલિત કિલ્લામાં ખુદ હાઉલ, હાઉલના એક નાનકડા આસિસ્ટંટ મર્કલ , ચાલતા ચાડિયા અને બોલતી આગ એવા ‘કેલ્શિફર’જોડે રહેતી હોય છે! [ એક એકથી ચડે એવા મિસફિટ્સની ટોળી! ] અહીં એકંદરે બધા શ્રાપિત છે અને આ બધા ભેગા થતા જાણે કે શ્રાપનું એ વિષવૃત તૂટે છે અને શ્રાપમાંથી સારપ તરફ વાર્તા વળાંક લે છે.

Beauty & The Beastની ચિરપરિચિત થીમ ધરાવતી આ વાર્તામાં ચાર્મિંગ અને મેજિકલી હૉન્ટિંગ મોમેન્ટ્સનો પાર નથી અને આ બધી મોમેન્ટ્સ જે મુખ્ય ત્રણ પાત્રોએ ઉભી કરી એમાં સૌથી પહેલા નામ લેવું પડે, અત્યંત નિર્દોષ અને પરગજુ એવી સોફી’નું , ત્યારબાદ સુપર ચાર્મીંગ એવા જેન્ટલમેન જાદુગર હાઉલ’નું અને અંતતઃ અને મુખ્યત્વે બોલતી આગ એવા ફાયર ડીમન કેલ્શિફર’નું! કેલ્શિફર’ની કલ્પના અને એમાં ફૂંકાયેલો જીવ જ જાણેકે મોજ કરાવી જાય છે અને એના ધાણીફૂટ સંવાદો જેવાકે; નાટક કરવાથી આજ સુધી કોઈ મર્યું નથી! , ગોલાબારૂદ’માં વાત કરવાની તમીઝ જ નથી હોતી – કૈક કહો કે તરત ફાટી પડે છે!….. પાછું કેલ્શિફર’ને પાણી ગરમ કરવાની અને ખાવાનું પકાવવાની ભારે ચીડ! ટૂંકમાં તમે કહી શકો કે કેલ્શિફર છે તો રસ છે, ગતિ છે, પ્રાણ છે.

અત્યંત સૌંદર્ય ધરાવતી આ ઍનિમે’માં સીધીસાદી લાગતી વાર્તા ક્યારે એક અવળો આંટો ચડાવીને ગૂંચવતી જાય, એ ઘડીક તો ખ્યાલ જ ન જ ના રહે! સતત બદલતા ચહેરાઓ અને નિયત વચ્ચે પણ જાણે એક કાળજી લેતું હ્ર્દય ધબકે છે અને એ વાતની સાબિતી ત્યારે મળે છે કે જયારે દાદી ખુદ એક કુખ્યાત પરદાદીની નિસ્વાર્થભાવે સેવા-ચાકરી કરે છે. સતત ચડાવ-ઉતાર આવ્યા જ કરે છે, અને એ જ અનિશ્ચિતતા આપણને સતત બાંધી રાખે છે. ખુશ હોવું એટલે શું? સુંદર હોવું એટલે શું? આ બે વિભાવનાઓ જાણે કે સોફી’નો બુઢાપો મને ને તમને શીખવી જાય છે. ઘડીક તો હૃદયભંગને આરે આવીને ઉભું રહેલું આ કથાનક યાદો અને સ્વપ્નોના સહારે ફરી સમયમાં ડૂબકી લગાવીને એ ઉર્મિઓના વ્હેણમાંથી કાંઈક ખોળતું આવે છે અને એ વાત સિદ્ધ થાય છે કે; A Heart is a heavy burden.

ચાલતો કિલ્લો અને તેની ચાર અલગ અલગ જગ્યાએ ખુલતો કિલ્લાનો એકમાત્ર દરવાજો સોફી તથા હાઉલની મનોસ્થિતિ અને સ્વપ્ન, વાસ્તવિકતાના મેટાફોર સ્વરૂપે જાણે તેમના ચિત્તને પ્રતિબિંબિત કરે છે! જાણે અજાણે બંને એકબીજાના રાહબર બને છે અને એકમેકને ઉકેલે છે. ક્યારેક કપરા સમયમાં માત્ર સાથે હોવું એ પણ ભલભલા શ્રાપ તોડી નાખે છે, જીવનધારા બદલી નાખે છે. કોઈ તમારું હ્ર્દય ચોરી જાય છે, ને છતાં પણ તમે પહેલા કરતા વધુ જીવવા લાગો છો. અરાજકતા અને રહસ્યોથી ખદબદતા જાદુઈ કિલ્લામાંથી બધાને સંઘરતા ને સાચવતા ઘર બનવા તરફની આ સફરમાં યાદગાર ક્ષણો યાદ કરું તો…

1] સોફી અને હાઉલની પ્રથમ એવી ઊડતી મુલાકાત. 2] સોફીને શ્રાપ અને કથાનકમાં નવા પાત્રોનો પ્રવેશ. [ ખાસ તો ચાડિયો અને કેલ્શિફર ] 3] સોફીનો ઘરડો એવો પરિપક્વ દ્રષ્ટિકોણ અને નવી જિંદગીની શરૂઆત. 4] Ghibliની અત્યાર સુધીની ફિલ્મોમાંથી બેસ્ટ સીનરી એટલે આ મુવીના સનસેટ અને સનરાઈઝ [ અને ખોળિયામાં પ્રાણ ફૂંકતા પવનની તો વાત જ શું કરવી! ] 5] કિલ્લામાંથી ચાર અલગ અલગ જગ્યાએ ખૂલતો જાદુઈ દરવાજો. 6] વિચ ઓફ ધ વેસ્ટ અને સોફી’નું રાજાને મળવા સમયે જતા સીડીઓ’વાળું દ્રશ્ય. 7] હાઉલ’ના એ હરેક મૂડ સ્વીંગ, એન્ટ્રી, રૂપાંતરણ અને જાદુ.

8] દૂર ક્ષિતિજ જ્યાં આકાશને મળી જાય છે ત્યાં સુધી નિશાંત એવા સરોવર કાંઠે, સોફીને હરિયાળીમાં એક સપનાઓનું ઘર બતાવતો હાઉલ. 9] કિલ્લાના રીનોવેશનની એ ક્લાસિક એનિમેટેડ સિક્વન્સ. 10] મેડમ સુલીમાન’ના જાદુથી હાઉલને બચાવતી સોફી’વાળી સુપર ધાંસુ સિક્વન્સ. 11] અને આખરે બધું ભાંગીને ભુક્કો કરી નાખતો બે ટાંટિયે ખોડંગાતો ક્લાઈમેક્સ! સુપર ચાર્મિંગ અને રીતસર વાર્તાના ખોળિયામાં જીવ ફૂંકનારી આ ઍનિમે પહેલા જાણીતા ડિરેક્ટર Mamoru Hosoda ડિરેક્ટ કરવાના હતા પણ તેઓએ આ પ્રોજેક્ટ છોડી દીધો અને મિયાઝાકીદાદાની ઍન્ટ્રી પડી! [ Mamoru Hosoda એટલે અત્યંત ખ્યાતનામ The Girl Who Leapt Through Time’ના ડિરેક્ટર. મારે હજુ એમની આ મુવી અને Wolf Children જોવાની બાકી છે. જોકે, એમની The Boy and the Beast અને Mirai જોવાઈ ચુકી છે. ] છેલ્લે એક સવાલ : તમે ક્યારે વરસતા વરસાદમાં રડ્યા છો?

IMDb : 8.2  | IMDb 250 : 137th | Rotten Tomatoes87%

> > Me : 8.5  < <


Ponyo , 2008

દ્રશ્ય પહેલું : ખુબ ઊંડે સમુદ્રના પેટાળમાં કંઈક ઝળહળતું હતું, જાણેકે કોઈ નાની શી સબમરીન…અને એની આસપાસ નિતનવા સમુદ્રી જીવોનો શંભુમેળો જામ્યો હતો! અને એ મેળા કમ ટોળાની વચ્ચોવચ જ એક વ્યક્તિ કાંઈક કરી રહ્યો હતો, જાણેકે કોઈ ડેટા એકઠો કરી રહ્યો હોય! પણ, સમુદ્રની આટલી અંદર કોઈ વ્યક્તિ? કોણ હતું એ? અને શું કરી રહ્યો હતો? એક મિનિટ એ વાત રહેવા દો…આ સબમરીનના પાછળના ભાગે આ ક્યુ જીવ પેલાની નજરથી બચીને ભાગવાની પેરવીમાં હતું? અરે એ વાત પણ જવા દો…આ જીવ જેવા જ દેખાતા પણ કદમાં નાના એવા સેંકડો જીવ પણ આ કદમાં મોટા જીવની પાછળ પાછળ ચીંચીં કરતા હાલી નીકળ્યા હતા! શું છે આ બધું? વળી માંડ માંડ એમને રોકીને ફરી પેલું લાલ અને લટકામાં ચહેરો ધરાવતું માછલી જેવું વિચિત્ર જીવ ધીમે ધીમે ત્યાંથી નીકળીને એક વાદળીની ઉપર લપાઈ જઈને ઉપર સપાટી તરફ ગતિ કરે છે… આકાશ અને જમીન જોવા, માણસોની દુનિયા જોવા!

જી, એ જાદુગર કમ વૈજ્ઞાનિક જેવો વ્યક્તિ સમુદ્રનો આશિક હતો અને ફરીથી સેંકડો સેંકડો વર્ષો પૂર્વેના એ પૃથ્વીના પટ્ટ પર ફરી વળેલા સમુદ્રીયુગ એવા Devonian Period’ને જીવતો કરવા માંગતો હતો! અને ભાગી છુટેલું એ ચમત્કારી જીવ એની જ પેદાશ હતું, કે જે નજીકના સમયમાં કાંઠે તણાઈ જઈને એક બાળક Sosuke’ના હાથે જીવતદાન પામીને ‘પૉન્યો( Ponyo )’ નામથી પોંખાવાનું હતું! અને આટલું ઓછું હોય એમ એ બેઉની ક્યૂટ લવસ્ટોરીમાં પણ પરિણમવાનું હતું! આઇલા! આ તો એવરગ્રીન એવી જળપરીની લવસ્ટોરી! પણ અહિંયા ફરક માત્ર એટલો છે કે આ એક કિડ લવસ્ટોરી છે! 😀 [ ડેનિશ લેખક Hans Christian Andersen’ની The Little Mermaid પર આધારિત ]

પૉન્યો જે બાળકના હાથમાં જઈ ચડે છે એ સોસ્કે ટાપુ પરની એક ઊંચી ટેકરી પર પોતાની મા સાથે રહેતો હોય છે અને તેના પિતા હંમેશની જેમ દરિયાનો ખોળો ખૂંદતા હોય છે [ કેપ્ટ્ન ઓફ ધ શિપ ] મતલબ કે બેઉ બાળકોના ઘરનો એક હિસ્સો છૂટેલો છે, ખોવાયેલો છે, રાહમાં છે! અને ત્યાં જ આ બેઉ એકબીજાને ગોતી લે છે. એક મિનિટ.. બેઉ બાળકો? પૉન્યો તો માછલી હતી, આ બાળક ક્યાંથી થઇ ગઈ? [ એ તો તમે જ જોજો, મોજેમોજ પડી જશે. ]

તમે પ્રોમીસમા બિલીવ કરો છો? તમે કોઈ દિવસ એ ક્ષણમાંથી નીકળ્યા છો કે જયાં કશા અજ્ઞાત ને અગોચરમાં પણ બધું જાણતા હોવાનો ભાસ થાય? જાણેકે શંકાનું સમાધાન તો હજુ નથી થયું પણ અંદરથી વિશ્વાસ ઉલાળા મારે છે! બસ આ કથાનક એવું જ છે, એની વાર્તા એવી છે. અત્યંત ક્યૂટ અને કરિઝમેટિક આ મુવી તેની ફેન્ટસીથી નહિ, પણ બેઉ બાળકોના હોવા માત્રથી જ જાદુ સર્જી જાય છે. બાળકો જયારે વાત કરતા હોય છે ત્યારે કાન માંડીને સાંભળજો, તે ઓલરેડી વારતા જ કહેતા હોય છે! અને બાળકો અને વાર્તા ભેગી થાય ત્યાં ચમત્કાર તો હોવાનો જ!

પૉન્યો’ના ઉત્થાન, ઉત્કંઠા, ઉત્ક્રાંતિ અને ઉત્સાહથી ઉલાળા મારતી આ જળમય ગાથા જુઓ તો ઘડીક તો તરબતર થઇ જવાય. કદાચ આ Ghibli’નું પહેલું એવું મુવી હશે કે જ્યાં પવન કરતા પાણી વધુ જોર કરી રહ્યું છે! લાલપરી કમ જળપરી એવી પૉન્યો જાણેકે ધસમસતું મોજું છે અને સોસ્કે એને ઝીલી લેતો કાંઠો! તોતોરો’ની જેમ જ અહિંયા કોઈ દુષ્ટ તત્વ વાર્તામાં સુવાંગ ગેરહાજર છે અને જાણેકે પહેલીવાર અહિંયા પિતા-પુત્રીની જોડીને બદલે મા-દીકરાની જોડી જોવાલાયક બની છે. [ લિસા : સોસ્કે’ની ચડિયાતી ને આગવા મિજાજવાળી મા ] અને આ બધી જ ભરતી-ઓટ’માં ઈમોશન માસ્ટર મિયાઝાકી બરાબરના હિલોળે ચડ્યા છે અને આપણને પણ ચડાવ્યા છે!

એક તબક્કે ઘણું ઉતાવળું, અધૂરું અને ઘણાખરા મુદ્દે પ્રશ્નાર્થો છુટા મૂકતું આ કથાનક આ બેઉ બચ્ચાવ’ની બળકટ ને બાળસહજ ચેષ્ટાઓથી જ એક વ્હેંત અધ્ધર ચડ્યું છે. જ્યાં એક તબક્કે પૉન્યો’ની બેબાક બેફિકરાઈ નજરે ચડે ત્યાં જ સોસ્કે’ની મક્કમ નેતૃત્વક્ષમતા અને કાળજી સ્પર્શી જાય છે. [ આમેય Ghibliની મૂવીઝમાં ‘નેતૃત્વ’ એક પ્રમુખ ગુણ તરીકે તો હોય જ છે. ] ફરીફરીને એ બેઉની જબરીયા જોડી અને એ સ્વીટ & સ્મોલ સી-ટાઉન નજર સામે તરવરે.

એ પ્રમુખ દ્રશ્યો/પાત્રો વાગોળું તો… 1] પૉન્યો’નું ભાગી છૂટવું અને એ સોહામણા સી-ટાઉનમાં સોસ્કે’ના હાથોમાં પહોંચવું. 2] બાળભોગ્ય ટાઇટલ સિક્વન્સ. 3] સોસ્કે’ની છાલિયા કટ અને પૉન્યો’ની પિચકારી 🙂 4] પેલા એક્વામેન જેવા જાદુગરનો કિલ્લો અને એની અમૃત ભેગી કરવાની ભાંગજડ. 5] પૉન્યો’નું શરૂઆતનું રૂપાંતરણ અને બળવાની ધધક! 6] ઘરડાઘરની બધી ડેશિંગ ડોશીઓ!

7] હિલોળે ચડેલા દરિયાની સામે ઘરે પહોંચીને જ જંપતી લિસા અને દરમ્યાન જ દરિયાના મોજાઓ પર ગાંડીતુર થઈને ભાગતી પૉન્યો [ આ સિક્વન્સ તો રીતસરની મોં’માં આંગળા નાખી જાવ એવી છે! Awesome. ] 8] પૉન્યો સાથે પુનર્મિલન અને સતત હાથમાં ડોલ,ટુવાલ અને લાઈટ લઈને ઘરમાં વિહરતી પૉન્યો તથા ડિનર પર તૂટી પડવાનું દ્રશ્ય. 9] બોટમાં પૉન્યો અને સોસ્કે’નું એક યુગલને મળવું અને એ મિલ્કીંગ મોમેન્ટની માયા! 10] અધૂરો, ઉતાવળો ને છતાંયે મીઠો ક્લાઇમેક્સ.

IMDb7.7  | Rotten Tomatoes : 92%

> > Me8 to 8.5  < <


” મને સદા બાળક બનાવી રાખવા માટે, લવ યુ દાદા… “