ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

 


1]Studio Ghibli / સ્ટુડિયો જીબ્લીઆ બે શબ્દો હું સાંભળું , વાંચું કે સ્મરણ પણ કરું તો, એ જ ક્ષણે બેય હાથ ગાલ પર ટેકવેલું ઉભડક ને અધીરું એવું સાનંદાશ્ચર્યનું આંજણ આંજેલ એક મુગ્ધ બાળક બની જાઉં! જાણે કે આ એનિમેશન સ્ટુડિયો અસ્તિત્વમાં ન હોત તો મારા અસ્તિત્વનો એક ભાગ સુનો રહેત, એટલી હદે હું સ્ટુડિયો જીબ્લી’એ સર્જન કરેલ ભાવવિશ્વ સાથે જોડાયેલો છું.

2] કાંઈ ખબર નથી કે પહેલા મેં ક્યારે તેના વિશે જાણ્યું પણ કદાચ સાત-આઠ વર્ષ પહેલા એ ભાવજગતમાં હું પ્રવેશેલો , જાણેકે કોઈ હેગ્રીડ હેરી પોટરને હોગ્વર્ટ્સ લઈ ગયેલો એમ જ! રીતસરનું કામણ જ જોઈ લો કે પછી દિવાસ્વપ્ન કે પછી જાણે કોઈ અતિવાસ્તવિકતાભરી અકલ્પ્ય ક્ષણોની મોઘમ મોજ જોઈ લો. જાણેકે હું પહેલી ને છેલ્લીવાર કોઈનો ફેન બનેલો! ના ના, ફેન નહીં પણ ફર્સ્ટ લવ જ કહી લો ને ત્યારે…

3] અને મારે માટે સ્ટુડિયો જીબ્લી એટલે હાયાઓ મિયાઝાકી (મેયાઝાકી) [ બીજા પણ ડિરેક્ટર્સ આ બેનર હેઠળ મુવીઝ બનાવે છે એ વિશે એ સમયે તદ્દન અજાણ! ] મિયાઝાકી એટલે એક ગ્રાન્ડ એનિમેટર અને માસ્ટર સ્ટોરીટેલર. આ બંને પાસાઓનું એક અદભુત સંતુલન તમને એમની ફિલ્મોમાં જોવા મળે. તેમની વાર્તાઓ મહદંશે સરળ જ હોય અને એ વાર્તાઓને તેઓ એટલો જીવ રેડીને છતાં પણ કૈક એવી સહજ રીતે કહે કે ફરી ફરીને હરકોઈને એમાંથી સતત કાંઈક ને કાંઈક જડતું રહે, અડતું રહે. તમારા ચિત્તમાં એ પાત્રો / પરિસર / ઝીણામાં ઝીણી વિગતો એક લાંબા સમય સુધી તરવર્યા જ કરે! વળી પાછું તમને એ દુનિયામાં દોડી જવાનું મન થઇ આવે અને ફરી તમે એના ઓવારણાં લેવા ટચાકિયા ફોડેલી આંગળીઓને મનાવ્યા જ કરો!

5] એક, પેઢીઓની પેઢી સુધી જતન કરવાનું ગમે એવો ગર્વિત વારસો તેઓ છોડતા ગયા છે. લોકો તેમને પૂર્વના ડિઝની કહે છે, પણ મારા અંગત મતે તેઓ આ બધાંયથી પણ ક્યાંય ઉપર છે. [ જોકે, હું ડિઝનીને પશ્ચિમના મિયાઝાકી પણ નથી કહી રહ્યો! ] તેઓ જાણે પૂર્વમાંથી ઉગતા સૂરજ જેવા છે અથવા તો પૂર્વીય પવનની કોઈ બળકટ લ્હેરખી, કે જેણે વિશ્વને તેમની નોંધ લેવા મજબુર કરી નાખ્યું. આજે જાપાનમાં એક સર્વે પ્રમાણે 96%થી વધુ લોકોએ તેમની એટલીસ્ટ એક મુવી તો જોઈ જ હશે! જાપાનમાં એનિમેશન ફીચર ફિલ્મોને તેમની લાડમાં ટૂંકા ને પોતીકા નામે બોલાવવાની શૈલી એટલે કે Anime / ઍનિમે’ની કેટેગરીમાં જો રેકર્ડ તપાસીએ તો ઓલટાઈમ ટોપ 10 ઍનિમે’ના લિસ્ટમાં તેમની 6 મુવીઝ હજુ આજે પણ વટ્ટથી બેઠી છે! અને હજુ તો વેગળા ને વરણાગી જીબ્લી મ્યુઝિયમની વાત તો રહી જ ગઈ! [ કોઈને આવવું હોય તો કહેજો જાપાન, રખડતા ભટકતા! 🙂 ]

6] તેમની કથાઓમાં કેટલાક તત્વો તો હોય હોય ને હોય જ, ને તોય બધું નવું નવેલું જ લાગ્યા કરે. જેમકે; ફન – ફેન્ટસી – ફાર્સ – ફોર્સથી વેગ પામતા કથાનકમાં એક સશકત નાયિકા હોય , પવન અને વાદળોના જોર સાથે જીવંત થઇ નાચી ઉઠતી સૃષ્ટિની એ દરેક કુદરતી રચનાઓ હોય, કુદરતનો પક્ષ તાણતી અનહદ તાદ્રશ લાગતી લીલીછમ હરિયાળી હોય, ક્યારેક આધુનિક અને ભવ્ય ભવિષ્યની પરિકલ્પના તો ક્યારેક યાદોના શમણાંઓમાં જીવી ઉઠતો ભૂતકાળ હોય , વા હારે વાતું કરતા વેગીલા ઍરશિપ્સ અથવા તો કોઈપણ ઊડતી વસ્તુ/જીવ હોય ને એવું તો કંઈ કેટલુંયે

7] વોટર કલર્સ દ્વારા એક બીજા જ જગતનું સર્જન કરતું તેમનું જાતે દોરાયેલું એનિમેશન એટલે જાણે કલ્પનાઓના ઘોડા વછૂટ્યા હોય ને છતાંયે વાસ્તવિકતામાં વાહ ભળે! [ નહિ બરાબર એવા નગણ્ય CGI’ના ઉપયોગ સાથે ] સતત ફીલ ગુડ – ફીલિંગ અલાઈવ કરાવતો હાથ, હૈયા અને મસ્તકનો ત્રિવેણી સંગમ હોય. એ વહાવી જતા બેકગ્રાઉન્ડ સ્કોરમાં માનવતા વત્તા કુદરતની થીમ , જાપાનીઝ ફિલોસોફી અને લોકકથાઓ પર આધારિત સ્વપ્ન અને વાસ્તવનું જાદુઈ મિશ્રણ અત્યંત સરળ છતાં સૂક્ષ્મ રીતે આલેખાયેલું જોઈએ તો ખુલ્લી આંખોએ પણ સ્વપ્ન જોતા હોઈએ એવું લાગે!

8] સ્વતંત્રપણે નિર્મિત Nausicaä of the Valley of the Wind (1984)ની અપાર સફળતા બાદ, 1985માં ડિરેક્ટર બેલડી એવી Hayao Miyazaki and Isao Takahataએ પ્રોડ્યુસર Toshio Suzuki સાથે સ્ટુડિયો જીબ્લી’ની સ્થાપના કરી, તે છેક 2014માં સ્ટુડિયો’નું કામકાજ પ્રમુખ અને ખ્યાતનામ એનિમેટર એવા હાયાઓ મિયાઝાકીની નિવૃત્તિની જાહેરાત સાથે અટક્યું, કે જે વળી એક આખરી ફિલ્મ બનાવવાના મનસૂબા સાથે પરત ફરેલા હાયાઓ મિયાઝાકી’ની જાહેરાત સાથે સોળે કળાએ ફરી ધમધમવા લાગ્યું. [ જોકે, આ પૂર્વે પણ તેઓ બે વખત નિવૃત્તિ જાહેર કરી ફરી પ્રવૃત થયાના દાખલા છે! ]

~ Ghibli એક ઇટાલિયન શબ્દ છે, કે જેનો ઉચ્ચાર જીબ્લી થાય, પણ પાછું જાપાનીઝ તેનો ઉચ્ચાર જીબુરી કરે! જીબ્લી શબ્દ પાછું મૂળમાં જતા લિબિયન અરેબિક નામ છે કે જેનો અર્થ થાય ” રણનો ગર્મીલો પવન ” , કે જે મિયાઝાકી અને તેમના કો-ફાઉન્ડર મિત્ર એવા બીજા દિગ્ગજ ડિરેક્ટર તાકાહાતા, ઍનિમે ઇન્ડસ્ટ્રીમાં નવીન અને રચનાત્મક આઈડિયારૂપી પવનથી ફૂંકવા માંગતા હતા.

~ તો મિયાઝાકી/જીબ્લી અને એમની બીજી રોચક વાતો આગલી પોસ્ટમાં કરશું, ત્યાં સુધી વાંચો આજની પોસ્ટમાં તેમની 3 ફિલ્મોની વાત… [ અને પૂર્વે અહિંયા જ નાના-મોટા પાયે તેમની અન્ય ફિલ્મોની વાતો વાંચવા ક્લિક કરો આ લિંક્સ પર… The Secret World of Arrietty , The Tale of The Princess Kaguya , The Wind Rises , Nausicaä of the Valley of the Wind , When Marnie Was There ]


Castle in the Sky , 1986

ચારેબાજુ, ને ઉપર નીચે પણ ઘનઘોર ને ઘટાટોપ વાદળોના ગંજ વચ્ચે એક હિટલરના હિન્ડેનબર્ગ જેવું હવાઈ બલૂનરૂપી ઍરશિપ રસ્તો કાપી રહ્યું હોય છે અને તેની એક કેબીનની વિન્ડો પાસે બે માયુસ આંખો સુનમુન બહાર તાકી રહી હોય છે! અને અચાનક એ આંખોમાં સળવળાટ થાય છે, ભયનો સંચાર થાય છે કેમકે દૂર નભની અટારીએથી નાના નાના ફૂદડાં જેવા પાઇરેટ શિપ્સ આ તરફ જહાજની દિશામાં જ આવી રહ્યા હોય છે! અને ઘડીકમાં તો હવામાં જ ધડબડાટી બોલી જાય છે, હવાઈ લૂંટારા એવા આ પાઇરેટ્સની ટોળકી સીધી જ આ ઍરશિપમાં ઘુસી જાય છે, કેમકે એમને શોધ હોય છે, એક છોકરીની! એ જ ઉદાસ છોકરી કે જે હમણાં સુનમુન તાકી રહી હતી! પણ શું કામ? એક તો આ સરકારી જાસુસો પણ તેની પાછળ પડ્યા હતા અને અનાથ એવી તેણીને તેના ઘરેથી અપહરણ કરી લાવ્યા હતા અને હવે આ પાઇરેટ્સ પણ!

આ બધી અફરાતફરી અને ઝપાઝપી’માં ‘શીતા’ નામે આ છોકરી બારીમાંથી બહાર નીકળીને શીપ’ના બીજા હિસ્સામાં નાસવા જાય છે અને ત્યાં જતેનો હાથ છૂટી જતા એવા અને વાદળોચીરતી સીધી નીચે જ ખાબકે છે! અને મારા-તમારા સહીત બધાયના શ્વાસ અધ્ધર થઇ જાય છે. એ જ સમયે નીચે જમીન પર એક માઇન’સીટી’માં [ ખાણ ફરતે વસેલું એક નાનકડું ખાણિયાઓનું નગર ] એક છોકરો નામે ‘પાત્ઝૂ’ ઉતાવળે જઈ રહ્યો હતો, અને અચાનક જ એ હવામાં કાંઈક નીચે ધસતું વત્તા ઝળહળતું જોઈ જાય છે! ઝળહળતું? એ તરત જ એ બાજુ એ વસ્તુને ઝીલી લેવા દોટ મૂકે છે અને જુએ છે તો એક છોકરી ઝગમગતી ધીમી ઝડપે હવામાં તરતી નીચે આવી રહી હોય છે અને એ એને ઝીલી લે છે. અને તેના હાથમાં એ આવતા જ એ છોકરીનું ગળામાં પહેરેલું લોકેટ ઝળહળતું બંધ થઇ જાય છે! પાત્ઝૂ’ને ઘડીક તો આ કોઈ ફોલન એન્જલ લાગે છે અને પેલું ઝગમગતું લોકેટ કોઈ જાદુઈ વસ્તુ! આ શીતા કોણ હતી અને તેના ગળામાં આ અચાનક ઝળહળવા માંડતું ને સરવાળે તેણીનો જીવ બચાવતું ક્રિસ્ટલ’નું રહસ્ય શું હતું?

અને આ સાથે જ પિયાનો બિટ્સ હવાની લ્હેરખીઓની જેમ રેલાય છે અને મોં ખુલ્લું રહી જાય એવી અદભુત સીનરી અને ડિઝાઇનવાળા ઍરશિપ્સ , ઉડતા શહેરો અને વાદળો મધ્યે વાયરા ફૂંકતી ટાઇટલ સિક્વન્સ પડે છે. [ ઘડીક કયામત સે કયામત તક તો ઘડીક ટાઇટેનિકની યાદ અપાવડાવતો એ બેકગ્રાઉન્ડ સ્કોર હજુ પણ ચિત્તમાં ગુંજે છે! ~ જસ્ટ ક્લાસિક ] આ બાજુ, હજુ તો આ બંનેવ તરૂણાઈ તરફ દોડતા ટાબરિયાંવ કાંઈ સમજે એ પહેલા જ પેલી પાઇરેટ્સની ટોળકી એમને શોધતી આવી ચડે છે અને ફરી તેમની નાસભાગ શરૂ થાય છે! વળી પેલા સરકારી એજન્ટ્સ અને આર્મી સુધ્ધાં પણ તેમને દબોચવા આવી પહોંચે છે અને આવી જ રીતે પુરા કથાનકમાં કોઈ નવા જ રહસ્યોદ્ઘાટન સાથે સતત પકડ’દાવ ચાલતો જ રહે છે, કે જે આગળ જતા એક જબરદસ્ત હવાઈ કિલ્લાના દ્વારે દસ્તક દે છે.

આ સારુંયે કથાનક એક અજાણી ભોમકામાં ભાવિના ગર્ભમાં કંડારાયેલું છે, કે જયાં આધુનિક હથિયારોથી સજ્જ તોતિંગ હવાઈ જહાજો ગગનના ગોખે ગોથા મારે છે, એક એવી લેજન્ડ’ની શોધમાં કે જેના મળતા જ વિજ્ઞાન/ટેક્નોલોજીના પરિમાણ તથા સતાઓના સમીકરણ પણ બદલી જવાના છે! [ અરે એકવાર તો રામાયણકાળમાં ઇન્દ્રની અમીપ શક્તિનો પણ ઉલ્લેખ અહિંયા સાંભળીને હું ઘડીક તો ઉભડક બેસી ગયો! ] Laputa નામે એક હવાઈ નગર કમ કિલ્લો સદીઓથી આકાશમાં ગોપિતપણે ઉડતું હોવાની વાયકા છે, કે જેની ફ્યુચરીસ્ટીક ટેક્નોલોજી હાથમાં આવ્યે એ વ્યક્તિ/રાજ્ય અમાપ જ્ઞાન અને શક્તિનું માલિક બની શકે એમ છે! અને શીતા’ની ડોકમાં ઝગમગતો એ ક્રિસ્ટલ એ હવાઈ કિલ્લાનું જ ઠેકાણું ચીંધી બતાડે એવું દુષ્ટ કર્નલ મુસ્કા માનતો હતો અને માટે જ એ શીતા અને ક્રિસ્ટલ પાછળ હાથ ધોઈને પડ્યો હતો અને પેલા પાઇરેટ્સ ત્યાં કોઈ પ્રાચીન ખજાનો મળી આવવાની લ્હાયમાં આ બધાની પાછળ પડ્યા હતા!

આગળ પર વાર્તાની કાંઈ પણ હિંટ આપ્યા વગર કહીશ કે દોડો અને મેલો પડતું આ Anime’માં ! Ghibli’ના એનિમેશન્સ ‘બાળકો’ કરતા ય ‘બાળકોના બાળક જેવા મા-બાપ’ માટે વધુ હોય છે! શીતા અને પાત્ઝૂ પાઇરેટ્સ અને દુષ્ટ કર્નલ મુસ્કા’થી બચતા બચાવતા ઉંચાઈઓ પર આવેલ ધારોધાર તીખા રેલ ટ્રેક્સથી લઈને ખાણ’ના તમસ મઢ્યા ગર્ભમાં પથ્થરોની ઝગમગાટ વચ્ચે અંકલ પોમ સાથે ‘ગીત ગાયા પથ્થરોને’ની જે સિક્વન્સ બનાવે છે, એ તો જબરી ભાવવાહી , રમુજી અને જબ્બર ધમાલ મચાવનારી છે! અને એ દરમ્યાન જ એ ખાણ , ખાણીયું નગર અને એના આંટાપાટા , યંત્રોની અદભુત બાંધણી સર્જકોની ઝીણી ને ધીંગી ડિઝાઇન સર્જનારી બુદ્ધિ પર પણ ઓવારણાં લેવડાવી દે છે. અને આ બધી ઝપાઝપી અને હડિયાપટ્ટી વચ્ચે પણ હવાની લ્હેરખીઓની સાંખે ઘડીક સ્થિર થઇ જાય એવી ક્ષણો પણ જયારે આવે ત્યારે ઘડીક તો ઈમોશનલ સુધ્ધાં પણ થઇ જવાય છે. [ બેકગ્રાઉન્ટ્સ સ્કોર એ સમયે મસ્ત પલ્ટી મારીને ચિત્ત ભીનું કરી જાય છે. ~ આય હાય એ પિયાનો બિટ્સ વત્તા વાયોલિનનું ડેડલી કોમ્બિનેશન! ]

પુરા કથાનકને જાણેકે નવરસ સરખા ભાગે ઘોળીને ધોળ્યુ હોય એવું લાગે છે. [ ઘડીક કરુંણ તો ઘડીક હાસ્યરસ , તો ઘડીક રૌદ્ર તો ઘડીક શાંતરસ , તો ઘડીક બીભત્સ તો ઘડીક ભયાનક રસ! ] સતત સિલી અને સ્વીટ મોમેન્ટ્સના છાંટણા વચ્ચે અનંત આકાશમાં વાદળોના મહાસાગરમાં એ હરેક ફ્રેમ્સ ઘડીક તો રોમેરોમ આશ્ચર્યના ઉદ્દગાર ઉલેચી દે એવી અતિવાસ્તવિક બની છે. [ આ મુવીને 36 વર્ષ થયા અને બીજીવાર આ મુવી જોઉં છું, તોયે હજુ હું વિસ્મયના ઘોડેથી ઉતરવા જ નથી માંગતો! ] ડિજીટલી આભડછેટ રાખતા વોટરકલર્સવાળા હાથેથી દોરાયેલા એનિમેશનનો એક અલગ જ ઠાઠ હોય છે અને એમાંય વાત જયારે Ghibli’ની થતી હોય ત્યારે એ માનવીય સ્પર્શ તમને કુદરતની નજીક વધુ એક ડગલું લઈ જાય એની ફૂલ ગેરેંટી.

પવનની લ્હેરખીએ લ્હેર કરાવતા, એ તરતી ક્ષણોમાં એકમેકને તાગતાં ચહેરાઓ અને એ જબ્બરદસ્ત ફ્યુચરીસ્ટિક એરા’ની ગ્રાન્ડ ટેક્નોલોજિકલ પ્લસ કલ્ચરલ ડિઝાઇન યાદ કરું છું ત્યારે પણ એ ઘટમાળો માનસપટમાં તરવર્યા જ કરે છે. 1) શીતા અને પાત્ઝૂ’ની એ હરેક અલ્પજીવી ક્ષણોનું સાયુજ્ય [ ખીણની ધારે પાત્ઝૂ’ના નાનકડા માળાથી લઈને ઍરશિપ’ના એન્કર સેઇલ્ડ ગ્લાઈડરમાં એકબીજાને કસોકસ વાંહોવાંહ્ય બેસેલા બેઉની નિર્દોષ ગોષ્ઠી. ] 2) એ એશિયન+યુરોપિયન શહેરો જેવું સ્થાપત્ય અને જર્મનીના શસ્ત્રોથી પ્રેરિત આર્મરી 3) ધીંગાણાનો સાક્ષાત અવતાર એવી વૃદ્ધ પાઇરેટ લેડી અને તેના દીકરાઓની અરાજકતાભરી એ દરેક ચેઝ સિક્વન્સ 4) Laputa – ધ ફ્લાયિંગ સિટી’ની ધમાકેદાર ‘વા વાયા ને વાદળ ઉમટ્યા’ જેવી એન્ટ્રી! 5) કેર કરવામાં અને કાળો કેર વર્તાવવામાં એમ બંનેમાં નિષ્ણાંત એવો જબરદસ્ત લચીલો ને નેચર ફ્રેન્ડલી રોબોટ 6) Laputa’ની કોર ચેમ્બરની ક્લાસિકલ ક્યુબીકલ ડિઝાઇન 7) અને આખરે ક્લાયમેક્સમાં કુદરત મૂળિયાં છોડી મુક્ત થાય છે એ ક્ષણો…

આખરે જયારે એન્ડ ક્રેડિટ્સ રોલ થતી હોય ત્યારે કક્ષામાંથી વિહંગાવલોકન સમયે Valley of Gondoaના ગીતના એ શબ્દો કાનમાં રેલાય… “Take root in the ground, live in harmony with the wind, plant your seeds in the winter, and rejoice with the birds in the coming of spring.” 18મી સદીમાં આવેલ જોનાથન સ્વીફ્ટ’ની ગૂલીવર્સ ટ્રાવેલ્સ‘માં પણ આવા હવાઈ કિલ્લાનો ઉલ્લેખ હતો, કે જે થીમ પરથી એક સાવ અલગ જ કથાનક Studio Ghibli’ની આ સર્વપ્રથમ મુવીમાં 69,000+ સેલ્સ અને 381 કલર્સથી વોટરકલર્સમાં નિરૂપાયું. કે જે આજની તારીખે પણ જાપાનમાં અત્યંત લોકપ્રિય ઍનિમે તરીકે જાણીતું છે. ~ મસ્ટ વોચ.

IMDb : 8  | IMDb 250 : – – (Past : 218th) | Rotten Tomatoes : 96%

> > Me : 9  < <


My Neighbor Totoro , 1988

આંખો ઠરી જાય એવી ક્ષિતિજ સુધી પથરાયેલી ચોખાના ખેતરો અને ઘનઘોર જંગલોની હરિયાળી વચ્ચે કાચી સડક પર એક વાહનમાં બાપ-દીકરીઓ ઘરવખરી લઈને તેમના ગ્રામ્ય વિસ્તારના એ ઘર તરફ જઈ રહ્યા હતા કે જે બે બાબતોથી વિશિષ્ટ બની રહેવાનું હતું; એક તો તેના (કહેવાતા) ભૂતિયા હોવાને લીધે અને બીજું કે એ ઘર અત્યંત વિશાળ અને પ્રાચીન વૃક્ષની પાડોશમાં હતું! પણ આ ત્રણેય બાપ-દીકરી કાંઈક અલગ જ માટીના બનેલા હતા! એ તો બધા અહિંયા આવીને એટલા ધરવ અને પોતીકાપણાનો અનુભવ કરી રહ્યા હતા કે જાણે એ પહેલાથી જ અહીં રહેતા ન હોય!

તેઓ આ પરિસર અને ખાસ તો પેલા છટાદાર ને ઘટાદાર કપૂરના વૃક્ષથી અભિભૂત થઇ ચુક્યા હતા. [ કલબલ વહેતુ પાણીનું એ વ્હેણ , વોંકળો , ધોરીયો ને લથપથ ભરેલા ચોખાના એ ખેતરો , નાળીયા જેવો પુલ , ઝાડી ઝાંખરાંઓની ટનલ , પર્વતીય ઢોળાવ પર સરકતા રસ્તાઓ ને દૂર સાંજ પડ્યે થાકીને આથમતા સૂરજનું એ વોટર કલર્સ મઢ્યું એ ચિત્રણ જુઓ તો દસે આંગળીઓના ટચાકિયા ફોડીને ઓવારણાં લીધે પાર કરો! ]

પણ ઘર જેના હોવા થકી ધબકતું રહે છે, એ મા ક્યાં હતી? મિ. કુસાકાબે તો ટોક્યો’માં એક આર્કિયોલોજીસ્ટ હતા પણ પત્નીની બીમારીને લીધે તેમને દીકરીઓ સહીત અહીં ગ્રામ્યવિસ્તારમાં રહેવા આવવું પડ્યું હતું. [ તેણીને અહીં હોસ્પિટલાઈઝડ કરી હોવાને લીધે. જોકે, બેઉ દીકરીઓની મા’ને શું થયું હતું, એ તો આખા મુવી દરમ્યાન નથી કહેવાયું પણ એવું કહેવાય છે કે તેણીને ટીબી થયેલો! ] આમ મા’ની રહસ્યમય બીમારીથી ચિંતિત અને આમ કુદરતને ખોળે આટલી પગતાણમા રીતસરની મ્હોરી ઉઠેલી આ બે બહેનોએ [ મોટી સાત્સુકી અને નાની મૅઇ ] રીતસર આ ઘરને ઉપાડે લઈને ઊંચકી લીધું હતું. સમજતા-સમજાવતા ને એકબીજાને ફોસલાવતાં આ ત્રણેય થકી ઘર હવે ભૂતીયું રહ્યું ન્હોતું! એ કેવી રીતે? એ તો તમે ખરતા Acorns અને ઉડતા ક્યૂટ ડસ્ટબનીઝ જોશો એટલે ખ્યાલ આવી જશે.

બાળકો એટલે વ્હારે ધાતું વિસ્મય અને બાળપણ એટલે એ વિસામે સુઈ જતા આપણા થાકેલા અસ્તિત્વનો એક અંશ! કે જ્યા મોજની રોજ પડે છે, ને બોજને પછવાડે કિક પડે છે! કે જેઓ કલ્પનાઓના મહાસાગરમાં કોઈ અજાણ્યા કિનારાઓ શોધવા ચાલી નીકળે છે. આંખો બંધ હોય કે ખુલ્લી, તેમને બધું દેખાય છે! વાસ્તવિકતાના કાંગરા ખેરવી ‘વા’ સાથે તેઓ રીતસરના વિહરતા હોય છે. જાણેકે આનંદઘન એવું બાળબ્રહ્મ! અને આવી જ એક વિસ્મયભરી સવારે બે ચોટલીઓ વાળેલી દોડાદોડ કરતી નાનકડી છોલે ભટુરા જેવી મીઠડી ને મિજાજી ‘મૅઇ’ એક નાનકડું અજાયબ પ્રાણી જોઈ જાય છે અને તેનો જ પીછો કરતા કરતા એ પેલા છટાદાર વૃક્ષની એક બખોલમાં જઈ પડે છે, કે જ્યાં એક તોતિંગ રીંછ કમ પેંગ્વિન જેવું વિચિત્ર ને વિશાળ પ્રાણી સૂતું હોય છે! પણ આપણી ક્યૂટડી કાનુડી મૅઇ તો એય ને ડર્યા વગર એની માથે જઈ ચડી ધમાલ મસ્તી કરીને તેનું નામ પૂછીને, ઉલ્ટાનું પાડીને આવતી રહે છે! ~ તોતોરો !

એનિમલ સ્પિરિટ કહો કે વનચેતના કહો, પણ બાળસખા તોતોરો’રૂપી જે મોજબ્રહ્મ આ બેઉ બહેનોને મળે છે, એ જાણે જાદુ વિખેરી જાય છે. ઘડીક તો કથાનકમાં એ નક્કી કરવું અઘરું થઇ પડે છે કે આ જાદુ હતું કે કલ્પનાઓની કામણગારી દુનિયા? વાસ્તવિકતા હતી કે સ્વપ્નોની કોઈ તરૂભૂમિ? કે પછી આ બંનેને ઘોળીને પી જનારું મેજીક રિયાલિઝમ? જે પણ હોય, પણ ત્યારબાદ હર પળે તોતોરો ટ્રિનિટી’ની રાહ રહે છે. [ સૌથી વિશાળ એવો કિંગ તોતોરો કે જેને ક્યારેક ‘ઓહ તોતોરો’ પણ કહેવાય છે, મધ્યમ કદનો ‘Chuu તોતોરો’ અને સૌથી વામન એવો ‘Chibi તોતોરો’ ! ] અને એ આવે પણ છે..હર વખતે…એકદમ સુપર સ્ટાઇલમાં…ધાંસુ એન્ટ્રી પાડીને…અને જયારે એ જબરદસ્ત હુંકાર કરે છે ત્યારે પાછું ફરી કાઇંક નવીન જ સુપરનેચરલ કેરેક્ટર આંખો ફાડતું ને શેરડા નાખતું પ્રકટ થાય છે, કે જેને જોઈને તો રીતસર રૂંવાડા ઉભા થઇ જાય! ( હરખના માર્યા! ) વાર્તામાં વધુ કાંઈ ફોડ પડ્યા વગર તમને તોતોરોના ભરોસે છોડીને ચાલ્યા જવું જ હવે મને યોગ્ય લાગે છે.

મીઠી ને મધુરી એ ક્ષણોનું સુખ યાદ કરું તો બાળક , કલ્પનાજગત , જાદુ પર મારો વિશ્વાસ ઔર દ્રઢ થઇ જાય છે. ફરીફરીને એ દીકરીઓનો દોસ્ત એવો બાપ , ચીંઠ્ઠીઓ વાંચીને હરખાતી મા , મા’ની ગેરહાજરીમાં આપોઆપ મા બની જતી મોટી દીકરી ‘સાત્સુકી’ , માસૂમિયતનું આંજણ આંજીને ફકીરની જેમ ફરતી કયુટી પાઈ એવી નાનકડી ‘મૅઇ’ , કાળજી લેતી દાદીમા , ઓછું બોલતો ને જાજુ ભાગતો એવો દાદીનો પૌત્ર કાંતા , જેના મૂળિયાં ઉર્ધ્વગમન પામવા લાગ્યા હોય એવું અતિવિશાળ કપૂરનું વૃક્ષ અને એની બખોલમાં નિશ્ચિન્ત ચિત્તે પોઢેલો તોતોરો નજર સમક્ષ તરવર્યા કરે! અહીં સતત એકબીજાની કાળજી લેવાય છે. ક્યારેક કોઈ તમારો હાથ ઝાલી લે છે તો ક્યારેક જાદુની ઝપ્પી તો ક્યારેક ખૂંદાતો ખોળો તો ક્યારેક કોઈ અજાણ્યું મૂક રાહ જોતું આપણી સાથે ઉભું રહી જાય છે અને આ બધી મેજીકલ મોમેન્ટ્સ જ તમને જાણે બથમાં લઈને વા હારે વાતું કરાવે છે.

Studio Ghibli’ના લોગો તરીકે પહેલીવાર એ ભંભોટીયો તોતોરો, આ જ મુવી કે જે આ બેનર તળે બીજી જ ફિલ્મ હતી, સદાકાળ માટે અમર થઇ ગયો. ઘણી વિચિત્ર, વરણાગી ને વન્ડરફુલ મોમેન્ટ્સ એ દોડતા દાંત કચકચાવતાં ને જબ્બર મોંફાડ’વાળા કેરેકટર્સ સાથે હજુ પણ હોઠના ખૂણે મલકાટ વેરતી જાય છે. 1] ગ્રામ્ય વિસ્તારની એ લશ અને રો ગ્રીનરીમાં એ અજાણ્યા ઘરમાં બાળકોની દોડાદોડ અને બધી ઘરવખરી ગોઠવતા ગોઠવતા બાપ-દીકરીઓની ધમાલ મસ્તીની ક્ષણો. 2] ત્રણેય તોતોરો’ની ઝાડી-ઝાંખરાંઓમાંથી થઈને કપૂરના વૃક્ષની એ બખોલ સુધીની ક્રમિક એન્ટ્રીઝ.

3] જંગલમાં મેઘલી રાતે બસસ્ટોપ પરનો બંને બહેનોનું તોતોરો સાથેનું રાહ જોતું એ અમર દ્રશ્ય. 4] ફણગા ફૂટવાથી લઈને બથમાં લઈને ઉડવાની ભમરડી ડ્રિમ સિક્વન્સ 5] ઉંદરોની હેડલાઇટ’વાળી 12 પગે ધુબાકા મારતી સુપરમેનથી યે સુપર એવી કેટબસ! [ એની પહેલીથી લઈને છેલ્લી એન્ટ્રી સુધીનો એ રુઆબ અને રુહાનીયત. ] 6] અને આખરે ક્લાસીકાનો ક્રેઝી એન્ડ કરિઝમેટિક એવો ક્લાયમેક્સ, કે જ્યાં ઘડીક તો જીવ તાળવે ચોંટી જાય તો ઘડીક ડાળીએ નિરાંતે બેસ્યા નીરખતા રહેવાની મોઘમ મોજ જડે!

બેઉ બહેનોની જેમ જ ડિરેક્ટર મિયાઝાકી પણ પોતાના ભાઈ સાથે એક લાંબો સમય પોતાના ઘરે મા’વિહોણા રહ્યા હતા, કે જેની ઝલક કમ આપૂર્તિ એક રીતે આ સેમી-ઓટોબાયોગ્રાફિકલ મુવીમાં કલ્પનાના રંગો પૂરીને કરવામાં આવી છે. વૃક્ષો અને મનુષ્યચેતના’ની સહઅસ્તિત્વની આ મેજીક ટેલ જાણે અસહ્ય બફારા વચાળે જ દૂરથી ભાળી ગયેલ પવનની લહેરખી જેવી છે, કે જેને સ્મરતાં જ રોમેરોમ ટાઢક વળી જાય છે. તમારા બાળક સાથે ફરી બાળક બનીને જોવા જેવી અચૂક ટાઈમલેસ ઍનિમે ક્લાસિક એટલે પાડોશમાં જડી આવ્યો દોસ્ત!

IMDb : 8.2  | IMDb 250 : 144th | Rotten Tomatoes : 94%

> > Me : 9.5  < <


Princess Mononoke , 1997

એક રેન્ડિયર જેવા ‘એલ્ક’ પર સડસડાટ એક જુવાનીયો પોતાના ગામની સીમ ભણી ઉચ્ચક જીવે ભગાવી રહ્યો હોય છે, અને સરહદ પાસેના વોચટાવર પર ચડીને જુએ છે તો, આ શું? દૂરથી કંઈક પ્રચંડ ધસમસતું , હરિયાળીને રગદોળતું જીવનરસ ચુસતું એક ભયંકર વિચિત્ર જીવ આ બાજુ આવી રહ્યું છે! અરે આ તો ‘તતારીગામી’! તતારીગામી, એટલે એ એનિમલ સ્પિરિટ કે જે મૃત્યુ સમીપ હોઈને પોતાને થયેલ અન્યાયના જવાબમાં સાક્ષાત કાળનું સ્વરૂપ ધરીને ભયંકર વેશે સર્વનાશ વેરતું આગળ ધપી રહ્યું હોય! તેને કોઈ રોકી ના શકે અને રોકવું જ હોય તો તેને ફરજીયાત મારવું જ પડે અને તેને મારવાના ફળસ્વરૂપ , મારક’ને શ્રાપ લાગે અને તે ખુદ પણ ધીમે ધીમે ભયંકર યાતના ભોગવતો જઈને હજુ આગળ સર્વનાશ વિખેરતો જાય! [ એક પ્રકારે દિશાહીન બનીને મારગ’માં આવનાર તમામ દુષ્ટતા સમેટતો જઈને સર્વનાશક સાંકળ સમાન બને! ]

એ જુવાન હતો ‘આશીતાકા’ કે જેણે તે તતારીગામી’ને નાછૂટકે મારવું જ પડે છે અને શ્રાપના ફળસ્વરૂપ તેના શરીરમાં વિષ ફેલાવવાનું શરૂ થાય છે. આશીતાકા સ્થાનિક કબીલાનો ભાવિ સરદાર બનવાનો હતો, પણ હવે નિયતિની નિયત બગડી હોઈને તેણે જાણકાર વડીલ એવી ઓરેકલ’ના મત મુજબ પશ્ચિમ દિશા તરફ આ શ્રાપના ઉકેલ અને તતારીગામીના રહસ્ય માટે પ્રયાણ કરવું પડે છે, અને શરૂ થાય છે 2 કલાક અને 14 મિનિટની ફેન્ટાસ્ટીકલ ફેન્ટસી ટેલ [ વન ઓફ ધ લોંગેસ્ટ એનિમેશન ]

ફ્યુડલ જાપાનનો આ એ પ્રાચીન સમય હતો, કે જયારે કુદરત જીવંત અને બળુકી હતી. એનિમલ ગોડ અને ટ્રી સ્પિરિટ જેવા અજાયબ જીવો દૈવી જંગલોમાં વિચરતા હતા અને એ જંગલ જેના થકી ધબકતું હતું એ હતા Deer God/ હિરણદેવ! પણ આ જ એ સમય હતો જયારે માનવસભ્યતાએ પણ માથું ઊંચક્યું હતું અને દિવસે ને દિવસે મનુષ્યો અને કુદરત વચ્ચે સંઘર્ષ વધ્યે જ જતો હતો કે જે નજીકના દિવસોમાં જ હવે લોહિયાળ સ્વરૂપ ધારણ કરવાનો હતો! આશીતાકા’ના પશ્ચિમ તરફ આગળ વધવાની સાથે જ સંઘર્ષનો એક એવો ત્રિકોણ રચાયો કે જેનું મધ્યબિંદુ ખુદ એ જ બન્યો. આગળની સફરમાં તેની ભેંટ અજાયબ એવા આયર્નસીટી અને તેની બળુકી લીડર એવી લેડી ઇબોશી તથા લેડી ઇબોશી જેની જાની દુશ્મન છે એવી કથાની નાયિકા પ્રિન્સેસ મોનોનોકો સાથે પણ થાય છે, કે જેનો ઉછેર વરુઓ’એ કર્યો હતો, કે જે ખુદને જ મનુષ્ય તો ન્હોતી જ માનતી પણ ઉલ્ટાની તેમને કુદરતના અને પોતાના સૌથી મોટા શત્રુ ગણાવતી! [ એક પ્રકારની લેડી મોગલી! ]

અહિંયા કોઈ જીવનને તો કોઈ દુનિયા આખીને શ્રાપ જેવી ગણીને મનોમન ઝેરના દ્રેષરૂપી કટોરા પીધે જ રાખે છે, છતાં પણ તેમનામાં એક સારપ તેમનાથી જ અજાણપણે ધબકયે રાખે છે. લેડી ઇબોશી, પુરુષો કરતા ય ચડિયાતી યોદ્ધા અને એક સુશાસક છે, કે જેણે વારાંગનાઓ અને કુષ્ઠરોગીઓને આશ્રય આપી પગભર કરેલા, પણ આમ પાછી જંગલનો નાશ કરવા બેઠી છે! પ્રિન્સેસ મોનોનોકો ખુદ મનુષ્ય હોવા છતાં વરુઓના નામશેષ થવા આવેલ ઝુંડની આગેવાની કરીને લેડી ઇબોશી’ને ખતમ કરવા માંગે છે અને આયખું આખું જંગલને ઝંખે છે. જયારે જંગલના પણ કેટલાક સજીવો એકપક્ષી વિચારસરણી રાખીને મનુષ્યોનું કાસળ કાઢી નાખવા ઉતાવળું થયું છે! [ વરાહ અને વાનરોના ઝુંડ ] આ સઘળામાં ખુદ પીડાતો ને શ્રાપનો ભોગ બનેલ આશીતાકા ગજબનું સંતુલન ને સારપ દાખવે છે. ક્યારેક તો આ સઘળી ગાથા અને સંઘર્ષના નિરૂપણમાં એ બધા જ પાત્રોને વટી વાળોટીને એક પ્રચંડ નાયક તરીકે ઉભરી આવે છે. [ ખુદ પ્રિન્સેસ મોનોનોકો પણ તેની સામે ઝાંખી પડે છે! અરે ક્યારેક તો લેડી ઇબોશી પણ ગ્રે કેરેક્ટર હોવા છતાં આ બેઉને ટપી જાય છે! ]

કથાનકમાં એક તબક્કે એ ખ્યાલ આવે છે કે જે રીતે કોઈ કરતા કોઈપણ પાત્રોની બેકસ્ટોરી નથી, એવી રીતે જ કોઈની આવતીકાલ સુધ્ધાં અણસારો નથી આપી રહી! કે જયાં સુવાંગ સાચું ને સરળ કોઈ નથી, ત્યાં સતત સારા ને નરસા વચ્ચે દ્વંદ્વ ચાલ્યા જ રાખે છે. એક તબક્કે તો નિર્ગુણ એવી કુદરત પણ નગુણી બનવા જેવી થઈ આવે ત્યારનો એ વિનાશ નજર સામે તરવરે છે. બસ, મોત આજે તમારાથી જીતવું ન જોઈએ! [ Not Today ~ જય આર્યા 🙂 ] પહેલી દોઢ કલાક સુધી તો વાર્તાનું વ્હેણ બદલ્યા જ કરે છે અને અનિશ્ચિતતા આકરા તાપે તપીને ગજ્જબ બફારો કરે જાય છે! એક પછી એક અજાયબ જીવો અને નાયક-પ્રતિનાયકો’ની આલાતરીન ને અંધાધુન એન્ટ્રી થયા રાખે છે, ને ધીરે ધીરે વારતા વાદળછાયી બનતી જાય છે. ને દરમ્યાન નફરતનું ઝેર અને ત્યાગનું તર્પણ સતત દ્વંદ્વ ખેલતું રહે છે. [ ઘડીક તો લોર્ડ ઓફ ધ રિંગ્સ, તો ઘડીક ગેમ ઓફ થ્રોન્સ જેવી ચિલિંગ વાઈબ્સ આવે છે! એ રીતે આ ઍનિમે જબરદસ્ત ડાર્ક, છતાં લોહીના લાલ રંગે રંગાયેલું છે! ]

પણ આખરે માનવતાની વ્યાખ્યાએ અંત ઉગે છે, એ કે જે સત્યમ શિવમ ને સુંદરમ માટે લડે છેકે જે નફરતથી ન અંજાયેલી આંખોએ સત્ય જોવા માંગે છે, એ જ સાચો મનુષ્ય છે કે જે પ્રકૃતિ અને પુરુષના સહઅસ્તિત્વનું નાજુક સંતુલન જાણે છે. ફરી ફરીને એ ફેન્ટાસ્ટિક ફ્રેમ્સ અને એમાં ઓગળેલી ક્ષણોને યાદ કરું તો… 1] સૌ પહેલા તો પ્રિન્સેસ મોનોનોકો’ની એ બેખૌફ લોહી નીંગળતી ક્લાસિક એન્ટ્રી’નો સીન જ યાદ આવે! 2] અને વળતી જ પળે ઈતરાતા, મુંડી ઘુમાવતા ને ચિત્રવિચિત્ર અવાજ કાઢતા ને ગાયબ થતા ટ્રી સ્પિરિટ એવા કોડામાં નજરે પડે! [ આખા ય કથાનકમાં આવા તો એકથી ચડે એવા એક વન્ડરફુલ Creatures આવતા જાય છે. ] 3] જેના ડગલે ને પગલે જીવન મ્હોરે છે ને મુરઝાય છે, એવા હિરણદેવ અને એમની દરેક એન્ટ્રી [ હેરી પોટર : પ્રિઝનર ઓફ અઝકબાન યાદ આવી ગયું! ]

4] શક્તિશાળી સ્ત્રીઓ જ ઉત્તમ ગામની નિશાની હોય છે, એવું કહેતી અને જીવતી ખુદ્દાર લેડી ઇબોશી અને તેણીનું આયર્નવર્કસ સીટી 5] લેડી ઇબોશી’ની એ બધી જ પૂર્વે વારાંગના/ગુલામ પણ વર્તમાનમાં સશક્ત યોદ્ધા સ્ત્રીઓ કે જે બિન્ધાસ્ત જીવનને કાંખમાં તેડીને ધમણના પણ શ્વાસ ફુલાવી દે છે! 6] આશીતાકા અને પ્રિન્સેસ મોનોનોકો’નું એ કોળીયા / રસ / અશ્રુનું જીવનગામી દ્રશ્ય 7] અને આખરે જીવન અને મૃત્યુને હિલોળે લઈ બઘડાટી બોલાવતો ક્લાઈમેક્સ! અને જયારે આ સમગ્ર દાસ્તાન પુરી થાય છે ત્યારે ફરી એ મરણપથારીએ પડેલા કુષ્ઠરોગીના શબ્દો યાદ આવે છે કે, જિંદગી પીડાય છે, દુષ્કર છે અને સમગ્ર જગત શ્રાપિત છે પણ છતાંયે આપણે જીવવાનું કોઈ કારણ શોધી જ લઈએ છીએ.

IMDb : 8.4  | IMDb 250 : 66th | Rotten Tomatoes : 93%

> > Me : 9  < <