ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

1] દેર આયે દુરુસ્ત આયે’ના ન્યાયે અમો આખરી પોસ્ટના અંદાજે પોણા બે મહિને કુર્મગતિ’એ હિચકોકીયન સીરીઝનો બીજો મણકો લઈ આવી પહોંચ્યા છીએ! આ વખતે થોડો સમય આડો ફાટ્યો , થોડા અમો ફંટાયા અને આ બધી ફાટાફાટીમાં આ પોસ્ટ પણ ફાટીને ધુમાડે જવાની જ દિશામાં હતી , ને ત્યાં જ પાસા પોબારા પડ્યા ને અમો પોબારા ગણી સાંજ પડ્યે બુધ્ધુ માફક ઘરે આવી પહોંચ્યા!

2] આજની પોસ્ટમાં માત્ર 4 જ મુવીઝ સમાવાઈ છે , કેમકે જોવાઈ તો આખરે 6 મુવીઝ છે ,પણ 2 મુવીઝ વિશે વાત માંડવાનું મન ન થતા 4 મૂવીઝમાં જ સાટુ વાળ્યું છે!

3] માંડી વાળેલી એ 2 મુવીઝ હતી , Marnie (1964) અને The Man Who Knew Too Much (1956) – મુવીઝ સારી જ હતી પણ હમોને ધક્કો મારે એવું ચાલકબળ નો વર્તાણુ! સો ધેટ્સ ધેટ. તો પછી આજની મુવીઝ એન્જોય કરો અને કહો કે આમાંની કોઈ મુવીઝ તમે જોઈ છે? જો હા, તો બોલો તમારું શું માનવું છે?

4] આવતી પોસ્ટમાં હિચકોકની બહુચર્ચિત એવી ચાર ફિલ્મોની વાત માંડવાનો ઈરાદો છે અને તે બાદ પણ ચાર અન્ય ફિલ્મો જોવાની બાકી રહેશે કે જેની કોઈ વાત નહિ છેડાય અને એ રીતે હિચકોકદાદાની 7+4+4+(6)=21 ફિલ્મો જોવાયે તેમનું તર્પણ કર્યાનો સંતોષ હું લઈ શકીશ! [ અને હા , આજની પોસ્ટમાં ટેગ્સ’માં કાંઈક છેડખાની કરી છે , જુઓ જોઈએ શું છે?જય રહસ્ય , જય થ્રિલ.]


વિઝ્યુઅલી આ પોસ્ટને વધુ માણવા,

મોબાઈલ પર ડેસ્કટોપ મોડમાં

અથવા ડેસ્કટોપ પર વાઈડ સ્ક્રીનમાં

વાંચવા વિનંતી.


Rope , 1948

દૂરનું આકાશ દેખાઈ રહ્યું છે , દિવસ હવે પરવારવા તરફ જઈ રહ્યો હોય છે અને ત્યાં તો પછવાડે જ એક મરણચીસ સંભળાય છે! એ ચીસ હતી ડેવિડ’ની અને જેને તેના જ મિત્રો એવા બ્રેન્ડન અને ફિલિપે ગળાટૂંપો દઈને મરણને હવાલે કર્યો હતો! પણ કેમ? શું કામ? કોઈ વેરઝેર? નહીં . . . આમાંનું કશું જ નહીં! જસ્ટ એટલું જ કે તે તેમના વ્યક્તિત્વોથી ઉતરતી કક્ષાનો હતો અને તે જીવી પણ લે તો કશું જ સાર્થક સિદ્ધ કરી શકે એમ ન્હતો! અને તેઓ હાયર ઇન્ટેલિજન્સ ધરાવતા સુપિરિયર બીઇંગ હતા કે જેઓને આવા ઇન્ફિરિયર હ્યુમન બીઇંગના જીવનનો ફેંસલો સુનાવવાનો અધિકાર હતો! લ્યો બોલો , છે ને બાકી ! ઉભા રહો ( ના , રીતસર નહીં! ) હજુ તો મેઈન ટ્વીસ્ટ આવવાનો બાકી છે!


હવે એ જ ડેવિડનું બોડી તેઓ હોલમાં જ આવેલ એક મોટી પેટીમાં રાખે છે અને થોડી જ વારમાં એક પાર્ટી પણ શરૂ થવામાં હોય છે , કે જેમાં ડેવિડના માતાપિતા , ડેવિડની ફિયોન્સે , ડેવિડનો એક અન્ય મિત્ર કમ તેની ફિયોન્સે’નો એક્સ લવ ઇન્ટરેસ્ટ અને આ જેટલા પણ બોયઝ હતા એ બધાના એક કોમન ફિલોસોફી ટીચર કે જેઓના હાથ નીચે તેઓએ ઘણા કન્સેપ્ટ શીખ્યા હતા ( અને એમાંના જ એક કન્સેપ્ટનું વિકૃત અર્થઘટન તેઓએ આજ કરી બતાવ્યું હતું! ) આવવાના હતા. પણ બ્રેન્ડન અને ફિલિપે ખૂન કર્યા બાદ બોડી કેમ ત્યાં બધાની વચ્ચે જ ગોપિત રાખ્યું? અને ધારોકે ખૂન કરવાનો તેમનો પ્લાન હતો , તો પછી તેઓએ પાર્ટી કેમ કેન્સલ ન કરી નાખી અથવા તો આયોજિત જ શું કામ કરી? તેઓના મનમાં શું ચાલી રહ્યું હતું? ખાસ તો ઠંડા કલેજે ખૂન કરી વધુ ઠંડોગાર બનેલ બ્રેન્ડન શું પોરસાતો હતો ? પાછું ફિલિપ તો જાણે જમનો પાડો ભાળી ગયો હોય એમ થરથરતો હતો! શું હતું આ બધું અને શું’નું શું થશે આખરે?

એક લિટરલી નાટક જ જોઈ લો! [ પેટ્રિક હેમિલ્ટને 1929 આ જ નામના નાટક પરથી પ્રેરિત ] કમાલની પકડ’વાળું અને પેટમાં પકડાપકડી કરાવી દે તેવું બડકમદાર. એક સળંગ હોલ-વે જેટલો વિસ્તાર અને પાત્રોની આવનજાવન વચ્ચે જાણે સ્ટેજ જ આળસ મરડીને ઉભું થયું હોય એવું લાગે! આ માત્ર ખૂન જ ન્હોતું પણ જાણેઅજાણે એનું જસ્ટિફિકેશન કરી બતાવવાના હવાતિયાં પણ હતા , સાથોસાથ એક પરફેટ ક્રાઇમ કેમ પ્લાન કરી શકાય અને ફરી એક નોર્મલ લાઈફ તરફ કેમ આગળ વધી શકાય તેનું ઠંડા કલેજે કરાયેલું આલેખન પણ હતું. જાણેકે તેઓએ પ્રયોગ પહેલા કરી બતાવ્યો હતો અને હવે તેને સાબિત કરી બતાવવાનો હતો ( ઉલ્ટી ગંગા! ) અને સૌથી મહત્વનું કે , તેઓએ આ બધું તેમના પૂર્વ શિક્ષક એવા રૂપર્ટ કડેલ’ના ( ઝક્કાસ એવા James Stewart ) નાક નીચે તેમની જ થિયરીઓનું અવળું અર્થઘટન કરી બતાવી આપવાનું હતું અને આ બધા જ સંવાદો(!) દરમ્યાન ઘટના એ બંધ પેટીની આસપાસ જ ઘટતી રહે છે કે જેની ફરતે ક્યારેક મૃતક ડેવિડ’નું આખુંય પરિવાર તેની આવવાની રાહ જોતા જોતા કરે છે, જાણે એવું લાગે કે ફરીફરીને ખૂન થયા કરે છે! પ્રિ-મર્ડર અને પોસ્ટ-મર્ડર’ની અહિંયા એક આખી અવળી ફિલોસોફી રચાઈ છે કે જેનો આધાર તેઓ ફ્રોઈડ’ના ક્વોટ ટાંકીને કહે છે કે : There is a reason for everything! ( અને આ સઘળા નેરેટિવ દરમ્યાન સંવાદોની કમાલની અફરાતફરી બોલે છે! ) ‘રોપ’ ઉર્ફે દોરડાના અ.કા ગાળિયા’ના મેટાફોર વડે સતત કથાનક જાણે આપણો પણ શ્વાસ રૂંધતું રહે છે!

ખૂન કરવું પણ એક કલા હોઈ શકે અને એનો અધિકાર પણ હોઈ શકે , એવી થીમ’માં પ્લે-લાઈક સેટઅપમાં હરેક પાત્રો નીખરી ઉઠ્યા છે. મુખ્યત્વે તો બ્રેન્ડન [ કુટિલ હાવભાવ અને મેલા મલકાટ સાથે ] અને જમાના દરેક રંગ જોઈ ચૂકેલા અને જેમની નજરથી તમારો કોઈ હાવભાવ છટકીને જઈ ન શકે એવા રૂપર્ટ કડેલ’ના [ લોજીકલ વત્તા ફિલોસોફિકલનું રેર કોમ્બિનેશન ] પાત્રો સારાયે કથાનકને ધીંગી ધાર પર રાખે છે. માત્ર 80 મિનિટનું જ અને 10 લૉંગ ટેઈકમાં ઝીલાઇને આખરે એક સળંગ શોટમાં શૂટ થયેલું હિચકોકનું આ પહેલું ટેક્નિકલર મુવી હતું! [ સૌથી લાંબો ટેઈક 10:06 મિનિટનો ] હિચકોકની માસ્ટરી કથાનકના કેરેક્ટર્સ સેટઅપ કરવામાં જેટલી જટિલ અને સ્લો બટ સ્લીક છે , તેટલી કદાચ અન્ય કોઈ ડિરેક્ટરની નહિ હોય! હિટલરની આર્યન રેસ જેવો જ કન્સેપ્ટ “અન્યોથી ખુદનું ચડિયાતાપણું અને દુનિયાના સર્વે મોરલ કન્સેપ્ટથી ખુદનું પરે હોવા“ના મેઈન એલિમેન્ટને ક્યાંય કરતા ક્યાંય વધુ પડતો હાવી ન થવા દઈને પણ હિચકોકે રહસ્યની ખીચડી ધીમી આંચે પાકવા દીધી છે અને એ તમને સડસડાટ ઉકળતા વાર્તાપ્રવાહમાં જણાઈ પણ આવશે. મસ્ટ મિસ્ટીરિયસ & માઇન્ડફુલ વોચ. અને હા, આ મુવીમાં એક ક્લોઝડ સેટઅપ અને લિમિટેડ કેરેક્ટર્સ વચ્ચે પણ સાવ શરૂઆતમાં જ , જયારે ખૂન થવામાં જ હોય છે ત્યારે દૂર રસ્તા પર એક શખ્સ ચાલ્યો જતો દેખાય છે , કે જેની અણસાર ઉકેલાતા એક મલકાટ ચહેરાની ભૂગોળ પર ફરી વળે છે ~ કસબી એવો હિચકોક ખુદ!

IMDb Top 250 Highest Rank : 199

Current IMDb Status : Not on the list.

> > Me : 8 to 8.5 / 10 <


Strangers on a Train , 1951

ટ્રેનમાં અચાનક બુટની એડીઓ અન્યોન્યને અડકી જતા નજરો મળે છે અને એક વિચિત્રતાની વરણાગી અને વણમાંગી શરૂઆત થાય છે! ગાય (Farley Granger) કે જે પ્રખ્યાત ટેનિસ પ્લેયર હોય છે – એક શાંત અને અંતર્મુખી વ્યક્તિ. અને એડીને બીજે છેડે જે અડીયલ ભટકાઈ ગયો હતો એ હોય છે બ્રુનો (Robert Walker) અત્યંત ધનાઢ્ય પરિવારનું એકમાત્ર ચસકી ગયેલ ફરજંદ! હું તો તમને ઓળખું છું , તમારો બિગેસ્ટ ફેન છું’થી લઈને એકપક્ષી વાર્તાલાપ છેક વિસ્તરે છે ગાય’ના તત્કાલીન લગ્નવિચ્છેદ અને અન્ય સ્ત્રી સાથેના અફેયરની વાતો સુધી! ગાય પામી ગયો હતો કે આ કોઈ ધૂની ને ચસ્કેલ આઈટેમ છે પણ જયારે એક પ્રસ્તાવ તેની સામે અચાનક ખાબકે છે ત્યારે તે દંગ રહી જાય છે ~ ખૂન’નો અને એ પણ એકબીજાને નડતા લોકોના ખૂનની અદલાબદલીનો!

બ્રુનો ગાય’ની ચરિત્રહીન બદમાશ પત્નીને અને ગાય બ્રુનો’ના કડક બાપને ઠેકાણે પાડી દે ! બેઉ એકબીજાની જિંદગીમાં સાવ અજાણ્યા આવી કામ પાર પાડીને અજાણ્યા બની નીકળી જાય – પોલીસને કોઈ મોટીવ પણ ન મળે અને કલુ પણ નહિ ~ ટોટલી રેન્ડમ ! ગાય માંડ માંડ પીછો છોડાવી તેની પત્નીને કે જે તેની પાસેથી ડિવોર્સ માટે પૈસાની માંગણી કરી તેને ધમકાવતી હતી , તેને મળવા ચાલ્યો જાય છે કે જ્યા તેનો તેણી સાથે જબરદસ્ત ઝઘડો થઇ જાય છે અને લટકામાં આ બાજુ બ્રુનો એકપક્ષીય પ્લાનનો પહેલો ભાગ અમલમાં મૂકી દે છેજી હાં , લોકલ ફેર’માં બ્રુનો ગાય’ની પત્નીનો પીછો કરી તેણીને મારી પણ નાખે છે અને બે અજાણ્યા લોકો હવે ખરેખર એકબીજાને જાણતા થાય છે! હવે બ્રુનો , ગાય’ને બ્લેકમેલ કરે છે કે તું મારું કામ કરી દે નહિતર હું તને સલવાડી દઈશ! અને પછી તો તમને ખબર જ છે , અફરાતફરી ને પકડાપકડી !

યસ ,[ પેટ્રિશિયા હાઈસ્મીથની 1950માં આવેલ નોવેલ પરથી ] એક એવી સ્ટોરી ઘડાઈ છે કે જ્યા તમે બેટમેન’ના જોકરની જેમ સતત બ્રુનો સાથે એક વાઇબ્સ અનુભવો! તેની આંખોમાં એક માસુમિયત પણ છે અને સાથોસાથ ઠંડી ક્રૂરતા પણ , એ જાજુ વિચારતો નથી પણ મનોમન સટીક પ્લાનિંગ કરતો જ રહે છે – તેની સ્ટ્રેટેજી સિમ્પલ છે અને માટે જ એ અત્યંત ખતરનાક રીતે ઉભરી આવે છે ! ખૂન કરવાનું મોટીવ જ તેણે મોટીવલેસ કરી નાખ્યું અને છતાંયે હજુ તે પ્લોટ’માંથી ખસતો નથી! જાહેરમાં પણ તે સતત ખૂન કેવી રીતે કરવું જોઈએ તેની અજાણ્યાઓ સાથે વાતોમાં ઉતરી પડે છે ~ જાણેકે ખૂન કરવાની પણ એક કલા હોઈ શકે અને તેને શક્ય હોય તેટલું વધુ ફેન્ટસાઈઝ કરી ફેન્ટાસ્ટિક બનાવવામાં મચ્યો રહે છે! જ્યારે તે ‘ગાય’ નામે સંબોધન કરે છે ત્યારે તેની આંખોમાં તમે એક કનેક્શન અને ઇજન અનુભવો છો કે કોઈ વ્યક્તિ આટલું હિચકારું કૃત્ય કર્યા બાદ આટલો સાહજિક કેમ રહી શકે ? અને ગાય’ની રીતસર ફેં ફાટે છે કે આ ક્યાં સલવાઇ ગયા? પાછો ગાય મનોમન હાંશકારો પણ અનુભવે છે કે વ્યભિચારી એવી પૈસાની ભૂખી પત્નીથી છૂટ્યા પણ આ તો બકરું કાઢતા ઊંટ પેસ્યું ! એકંદરે તમે ગાય અને બ્રુનો’ના 180 ડિગ્રીના છેડે આવેલ કેરેકટર્સમાં કનેક્શન પણ અનુભવી શકો અને મેનેરીઝ્મ’માં વિરોધાભાસ પણઅને છતાં, બંને કિરદાર કોઈ સેઈમ ફ્રીક્વન્સી પર જોડાયેલા છે!

એઝ યુઝઅલ , અહિંયા નખ કરડી ખાઓ એવી સસ્પેન્સ/થ્રિલ ઓછી ને જકડી રાખે એવો કેરેક્ટર ડ્રામા વધુ છે કે જ્યા સતત ટેંશન બિલ્ડ-અપ થયા જ કરે. હરહંમેશની જેમ અહિંયા ઝક્કાસ સિનેમેટોગ્રાફી ( વોશિંગટન ડી.સી’ની એ વિશાળ પશ્ચાદભૂ’ની કોરે ઉભેલા પાત્રો હોય કે પછી રાત્રે સ્ટ્રીટ લાઈટ નીચે ઉભો રહેલ શખ્સ હોય ) ભાતભાતના કેમેરા એંગલ્સ [ ઢગલોએક લો લેવલ એંગલથી શૂટ થયેલ શુઝ’ના કેઓટિક શોટ્સ ] અને જકડી રાખે એવા બેકગ્રાઉન્ડ સ્કોરથી એક માહૌલ ઉભો થયો છે કે જેમાં અદભુત સીન ક્રિએશન એક ક્લાસ ફિલ્મ જોયાની સતત અનુભૂતિ કરાવતું જ રહે છે.

જેમ કે ; ગાય ટેનિસ પ્રેક્ટિસ માટે જયારે ગ્રાઉન્ડ પર પહોંચે છે ત્યારે બંને બાજુ બોલ સાથે ફરતી ઓડિયન્સની ડોક વચ્ચે એક ચહેરો સ્થિર બેઠો હોય છે – બ્રુનો’નો અને એ જોઈને ગાય’ને જે પરસેવો વળી જાય છે કે. . . બીજા એક દ્રશ્યમાં : જયારે બ્રુનો પાર્ટીમાં એક લેડીને કેવી રીતે ગળું દબાવવું એ શીખવતો હોય છે(!) ત્યારે સહસા બાર્બરા [ ગાય’ની પ્રેમિકાની નાની બહેન ] સાથે નજરો મળી જતા કૈક એવું ક્લીક થઇ ઉઠે છે કે એક ઢળી પડે છે ને બીજું ખળભળી ઉઠે છે!


આ બાર્બરા પણ એક મસ્ત કેરેક્ટર ક્રિએટ થયું છે – એકદમ મૂંહફટ્ટ , સટીક , લોજીકલ ને છતાં ભોળી! તેણીના કેટલાક સંવાદ જુઓ : 1) It’s a Woman’s Privilege to Change her Mind. 2) Oh..Daddy, doesn’t mind a little scandal. He’s a senator. અને હજુ એક સરપ્રાઈઝ જુઓ કે આ ટેણી ખુદ કિમીયાગર એવા કેમિયોગર હિચકોકની જ દીકરી થાય ! અને પ્રિ-ક્લાઈમેક્સ તરફ ટેનિસ મેચ અને બ્રુનો’નું લાઇટર ગુમાવી દેવાની જોડેજોડ ચાલતી ક્લાસિક સિક્વન્સ અને આખરે ક્લાઈમેક્સમાં લોકલ ફેર’માં ચકડોળમાં ચકડોળે ચડાવતો અંત જુઓ તો ખાધું,પીધું ને તારાજ કર્યાની અનુભૂતિ થઇ આવે!

હવે એકવાર બ્રુનો’નું પાત્ર ભજવતા Robert Walker’નું જોકરનું પાત્ર ભજવતા હીથ લેજર સાથેનું સ્ટ્રેન્જ સામ્ય જુઓ – રોબર્ટ વોકર આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન જ માનસિક રીતે નંખાઈ ગયેલા હતા જ અને ફિલ્મ પુરી થયે તેઓ સારવાર માટે ગયા પણ ખરા , અને ટ્વીસ્ટ અહિંયા એ આવે છે કે ડોકટરે ટ્રાંકવિલાઇઝર્સનો ડોઝ ભૂલથી વધુ આપી દેતા બિચારા રોબર્ટનું મૃત્યુ થઇ ગયું! અને હાં, અહિંયા પણ હિચકોક’નો એક મસ્ત કેમિયો છે – ટ્રેનમાં સામાન ચડાવતો અને તેની દીકરીનો એક નાનો રોલ તો ખરો જ ! ડબલ બોનાન્ઝા. હિચકોકનું જરૂરથી જોવા જેવું મુવી [ ખાસ કરીને બ્રુનો’ના પરફોર્મન્સ માટે

IMDb Top 250 Highest Rank : 78

Current IMDb Status : Not on the list.

> > Me : 8 to 8.5 / 10 <


Dial M for Murder , 1954

શરૂઆત જ થાય છે નજર ચોરવાથી , બંને પક્ષે! એક ખોટું થઇ રહ્યાનું અનુભવી અચકાય છે તો બીજું ખોટું થયા બાદ પોતાને પણ ખોટું કરવાનો બેબાક હક મળી ગયાનું માની નિરાંતવે જીવે ખોટું કરી રહ્યું છે! અહીં વાત થઇ રહી છે , પતિપત્ની એવા ટોની અને માર્ગો’ની. ટોની (Ray Milland) કે જે એક આથમી ગયેલ ટેનિસ સ્ટાર હોય છે અને હવે તેને પત્નીની મિલ્કત પર સેટ જીતતા આવડી ચૂક્યું હોય છે અને જયારે તેને એક બહાનારૂપી બહાનું મળે છે ત્યારે તે સળંગ સેટમાં જ સારીયે ગેમ જીતી લેવા માંગે છે! ઓકે ઓકે , વધારે ઇરિટેટ ન કરતા થોડો વધુ ઇરિટેટ કરું તો ; માર્ગો’ને (Grace Kelly) અમેરિકન થ્રિલર રાઇટર એવા માર્ક સાથે ઇશ્ક થઇ જાય છે અને તેની જાણ ટોનીને થઇ જતા તે માર્ગોનું કાસળ કાઢી નાખી વીલ’માં પોતાને મળનારી મિલ્કત પર તાગડધીન્ના કરવાનો એક ધીમો ને ધીંગો પ્લાન બનાવે છે!

એ મુજબ ટોની કોલેજટાઇમ’ના એક જુના ક્લાસમેટ એવા ચાર્લ્સ સ્વાન , કે જે ખુદ પણ જ્યાં ત્યાં બીજાવનું બુચ મારતો , નામઠામ બદલાવતો ગોરખધંધા કરતો એક ગીલીન્ડર હોય છે ,તેને થોડો ડરાવી-ફોસલાવી-લલચાવી ખુદની પત્નીના ખૂન માટે તૈયાર કરે છે અને તે માટે છેલ્લા ઘણા મહિનોથી તે પ્લાન’રૂપી જાળું પણ ગૂંથી રહ્યો હતો કે જેમાં બસ શિકાર આવવાની જ રાહ હોય છે અને તે આવે પણ છે ડાયલ M કરવાથી . . .યસ, હિચકોકીયન આલ્ફાબેટ મુજબ M ફોર મર્ડર જ થાય!

પ્લાન કાંઈક આવો હોય છે ; કે જેતે રાત્રે ટોની પોતાની પત્નીના આશિક એવા માર્ક સાથે એક કલબમાં જાય અને પાછળથી એકલી એવી પત્નીનું કાસળ સ્વાન ,ટોનીએ તફડાવેલી અને છુપાવેલી ચાવી વડે ઘૂસીને અને બાદમાં એક નિશ્ચિત સમયે થતા ટેલિફોન દરમ્યાન કરે અને વળતા બધા પગેરા ભૂંસતો એ ખુદ અલોપ થઇ જાય! પણ પ્લાનર હંમેશા ભૂલી જતો હોય છે કે પ્લાન હંમેશા જોડીમાં જ હોય છે અને એ જોડી અકસ્માતે રચાતી હોય છે! પરફેક્ટ પ્લાન જેવું કાંઈ હોતું નથી કેમકે પરફેક્ટ તો હંમેશાથી અકસ્માત જ રહ્યો હોય છે અને અકસ્માતનો એક જીવલેણ ને નેચરલ ચાર્મ હોય છે! અહિંયા પણ એવું જ થાય છે અને ટોની’નો પ્લાન અવળો પડે છે પણ ખંધો ટોની ફટાફટ વિચારીને કૈક અલગ ને અકળ પાસા ફેંકે છે કે જેમાં મોતને બદલે ધીમું મોત આલેખાયું હોય છે! પછી તો તમને ખબર જ છે ને કે તમારે શું ડાયલ કરવાનું છે ? [ નહીં , આમાંનું કાંઈ સ્પોઈલર ન્હોતું , એ સાદર આપની જાણ સારું , ઓ વારુ! ]

હિચકોકની ફિલ્મોમાં જેટલું થ્રિલ હોય એટલું જ આલાતરીન કન્વર્ઝેશન પણ હોય છે , જેમકે ; જયારે ટોની સ્વાન’ને ધીમે ધીમે પોરવતો પોરવતો પ્લાનમાં એ રીતે ખેંચી લાવે છે કે પેલા પાસે હા પાડ્યા સિવાય કોઈ જ વિકલ્પ ના રહે – એ દ્રશ્ય બહુ મજાનું ક્રિએટ થયું છે. બાદમાં જયારે બધું ઊંધું વળે છે ત્યારે પણ ટોની જે કારસો રચી તેને અનુસંધાને જે તૈયારીઓ આદરે છે , તે સઘળી સિક્વન્સિસ પણ જોરદાર છે. એ રીતે અન્ય બે પ્રમુખ પાત્રો એવા માર્ગો અને માર્ક’ને ભાગે ખાસ કશું કરવાનું આવ્યું નથી , પણ જયારે ઇન્સ્પેકટર હબાર્ડ’ની એન્ટ્રી થાય છે ત્યારે ફરી એક ચેઝ શરૂ થાય છે ~ માન-ન-માન એવા અનુમાનો’નો !

સતત ને સતત ટ્વીસ્ટ પર ટ્વીસ્ટ એ રીતે આવે છે કે છેક છેલ્લી ઘડી સુધી તો એમ થાય કે ટોની પકડાશે કે કેમ ? પ્રિ-ક્લાયમેક્સ અને ક્લાયમેક્સ એમ બબ્બે એક્ટ’માં ધીમેધીમે ગાળિયો કસતો સતત ખાંડાની ધારે ઉચ્ચક જીવે વિસ્તરતો લાસ્ટ એક્ટ આખરે ચાવીના અકસ્માતે અટકે છે ને ખુલે છે! એ રીતે આ મુવીને મેં જોયેલ હાલ સુધીમાં હિચકોકીયન મૂવીઝમાં પહેલું થ્રિલર ડિક્લેર કરી શકું! થ્રિલર એટલે એ જ કે જેમાં જીવ પડીકે બંધાય અને એ જ પડીકું ખુલે ત્યારે ફરીફરીને જીવ પડીકે બંધાય! એક લૉંગ સેટઅપ અને આખરે એક લૉંગ રીવીલેશનમાં વિસ્તરતું આ કથાનક , ઘણી વખત ટોની’ના પક્ષે પણ સહાનુભૂતિ આણી ઉભું રહે છે અને એ જ તો મંજાયેલી વાર્તા અને તેની શૈલીની ઉફયુમ્મા અદા છે! આ મુવી પહેલા બ્રોડવેઝ’માં પણ ઘણું પરફોર્મ થયું છે અને તેમાંના જ મોટાભાગના કલાકરો અહિંયા એ જ પાત્ર ફરી ભજવી રહ્યા છે. ફરી એકવાર કેરેકટર્સ અને કરિઝમેટિક નરેશન માટે અચૂક જોવા જેવું હિચકોકનું સિમ્પલી સટલ થ્રિલર. અને હાં , અહિંયા પણ હિચકોકનો જીવંત નહીં પણ સ્થિર એવો ફોટોફ્રેમમાં સ્થિત કેમિયો છે કે જેને જોઈને ભારે મોજ પડી ગઈ!

IMDb Top 250 Highest Rank : 147

Current IMDb Status : 151

> > Me : 8.5 / 10 <


To Catch a Thief , 1955

જવેલ થીફ! ઘણીખરી તો નહિ પણ થોડીઘણી સામ્યતા ધરાવતું આ મુવી સતત દેવ આનંદની જવેલથીફ’ની યાદ અપાવતું રહે છે! તો વાત એમ છે કે , ફ્રાંસમાં, હાલમાં એક જવેલથીફની સીઝન ચાલી રહી છે અને રાત પડે ધનાઢ્યોની નિરાંત બિલ્લીપગે ઉડનછું થઇ રહી હોય છે અને આ બધાનો સીધો આરોપ પૂર્વ જવેલથીફ એવા ‘રોબી ધ કેટ‘ (Cary Grant) પર આવી પડે છે કે જે આ બધું ઓલરેડી મૂકી ચુક્યો હોય છે. તો કોણ હતું એ કે જે રોબી ધ કેટ જેવી જ મોડ્સ ઓપરેન્ડીથી ઘરેણાં ઉડાવી રહ્યું હતું? અને બસ પછી શરૂ થાય છે ધ કેટ & સો કોલ્ડ ધ કેટ ઉર્ફે માઉસની ચેઝ.


વત્તા ભળે થોડો રોમાન્સ , એડવેન્ચર અને સસ્પેન્સનો એક છેલ્લો વઘાર કે જે આ મુવીને એક પરફેક્ટ મેલોડ્રામેટિક & ધાણીફૂટ વિકેન્ડ વોચ બનાવી જાય ! ઘણી જગ્યાએ કોઈ બોન્ડ મુવી જોતા હોય એવી પણ ફીલ આવતી રહે અને પાછા આ વખતે હિચકોક પણ એક પ્લે-લાઈક સ્ટેજનુમા માહૌલમાંથી ફુલફોર્મ’માં ફ્રાંસના ફેન્ટાસ્ટિક લોકેશન્સ ઉપર મન મૂકીને નીકળી પડ્યા છે, કે જ્યાં હેલિકોપ્ટરમાંથી શૂટ થયેલ લૉંગ ચેઝ અને ફ્રાંસની લશ ગ્રીનરી & લક્ઝ્યુરિયસ સી-સાઈડ મુવીને કૈંક અલગ જ ફાસ્ટ & ફ્યુરિયસ ફીલ આપે છે.

હરહંમેશની જેમ જો કદાચેય કહાનીનું પોત થોડુંય પાતળું હોય તોય હિચકોકની કેરેક્ટર્સ સેટ કરવાની સાથે સાથે એક માહૌલ બાંધવાની જે હથરોટી છે , તે મુવીને તેની ઘણી મર્યાદાઓથી એક વ્હેંત ઊંચું રાખે છે. દર થોડા થોડા સમયે આવતા બે અલગ જ સ્વભાવ ધરાવતા પાત્રો વચ્ચે બદલાતા ટોન’માં મરાતા ટોન’ની જે ઘડીક બઘડાટી બોલે છે કે સતત એક ફાયરવર્કની મજા આવ્યા જ રાખે! જેમકે; ટીનેજર એવી ડેનિયલ અને રોબી વચ્ચેની લ્યોર ટોક કે પછી ચોરી કોને કહેવાય એ અંગેની રોબી અને ઇન્સ્યોરન્સ એજન્ટ વચ્ચેની એકપક્ષીય ઓથેન્ટિકેટ વાત કે પછી વિચિત્ર ને વાઉં પોકારાવે તેવી માં-દીકરીની વાતો કે પછી રોબી અને ફ્રાન્સિસની અંડરગ્રાઉન્ડ ખળભળ વહેતી લવસ્ટોરી. .અને પાછું ,આ બધાય વચ્ચે નાનામોટા કેરેક્ટર્સ ય પોતપોતાની રીતે કથાનકને કિક માર્યા જ કરે એ જુદું!

વડાપાઉં જેવી માં-દીકરીની વિચિત્ર જોડીમાંની વાઉં પોકારાવી દે તેવી અંગત ફેવરિટ એવી ગ્રેસ કેલી ફ્રાન્સિસના પાત્રમાં છવાઈ જાય છેસતત રોબીને છેડતી રહીને [ આ વખતે તો પાછો એક કનિંગ ચાર્મ ઉફયુમ્મા કરાવી દે છે! ] અને ઘણીબધી ઓકવર્ડ ને ઉઝિંગ મોમેન્ટ્સમાં રીતસરની કેરી ગ્રાંટ પર હાવી થઈને ,જે રીતે એ એક જીવ તાળવે ચોટાડી દે તેવી કાર સિક્વન્સમાં રોબી ધ કેટ’ને પોતાની નવેનવ જિંદગીઓ યાદ કરાવી દે છે તે જોતા કોને ખબર હતી કે આ જ હીલી રોડ પર વર્ષો પછી તે આવા જ કાર-અકસ્માતમાં આ જ જગ્યાએ કાયમી વિદાય લઈ લેવાની હતી! 😦 1952માં આવેલ સમાન નામધારી ડેવિડ ડોજ’ની નોવેલ આધારિત આ મુવી એટલે ઓવરઓલ , ગમતીલા સ્ટાર્સ-ડિરેક્ટરનું રોમેન્ટિક થ્રિલર અને લટકામાં જાણે બસની બાજુની સીટમાં બેઠેલા હિચકોક!

IMDb Top 250 Highest Rank : N/A

Current IMDb Status : Not on the list.

> > Me : 7.5 to 8 / 10 <