ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

1] IMDb 250 સિરીઝમાં છેલ્લી પોસ્ટ છેક 22 ઓગસ્ટે આવેલી અને એ પણ એક પ્રકારે રિકલેક્ટીવ પોસ્ટ હતી! કારણ એક જ કે , હિચકોકનું ” રિઅર વિન્ડો ” જોવાઈ ગયેલું અને ત્યારે જ એક વિચાર સળવળ્યો. . . કે આ દાદુ એવા દાદાની કેટલીક ફિલ્મો આ લિસ્ટમાં હશે? અને જવાબ મળ્યો : 13 ! [ જેમાની ઘણીખરી અત્યારે આ લિસ્ટમાં નથી. અને છતાં 6 ફિલ્મો આટલા વર્ષોથી અડિંગો જમાવીને બેઠી છે અને એ બાબતે આ લિસ્ટમાં હિચકોક બીજા નંબરે આવે , કુરોસાવા ને સ્પીલબર્ગ સાથે! તો બોલો પહેલા નંબરે કોણ કોણ છે? 🙂 ]

2] અને પછી તો તેમની ઘણી ફિલ્મોમાંથી એવી ફિલ્મો શોધી કે જે તમારે જોવી જ પડે અને જે આ લિસ્ટમાં સામેલ પણ થઇ ચુકી હોય. અને આખરે કુલ 17 ફિલ્મો ભેગી કરી અને આજે એમાંથી જ શરૂઆતની 7 ફિલ્મોની વાત આજે માંડી છે. અને તેથી કરીને જ આ સળંગ હિચકોક સિરીઝ કુલ ત્રણ ભાગમાં વહેંચી છે કે જેમાંનો પહેલો મણકો આજે અહિંયા વહેંચું છું.

3] તો કહો કે , આજની પોસ્ટમાંથી તમે કેટલી મુવીઝ જોઈ છે અને કઈ કઈ ? [ અને હા ; જે જે પોસ્ટમાં એ મુવીઝની વાત જ કરવા વિનંતી છે , કેમકે હજુ હિચકોકની વર્ટીગો ને સાઈકો જેવી ખુબ જાણીતી ફિલ્મો આગામી પોસ્ટમાં આવશે જ. . . તો ત્યારની વાત ત્યારે ]


વિઝ્યુઅલી આ પોસ્ટને વધુ માણવા,

 મોબાઈલ પર ડેસ્કટોપ મોડમાં

અથવા ડેસ્કટોપ પર વાઈડ સ્ક્રીનમાં

વાંચવા વિનંતી.

 

The 39 Steps , 1935 [ UK ]

આ મુવીને થ્રિલર કહેવી , રોમ-કોમ કહેવી કે ભેગું કરીને ‘થ્રિમેડી’ કહી નાખું? બ્રિટનમાં નવોસવો આવેલો કેનેડિયન Hannay ( સુપર્બલી ચાર્મિંગ એવો Robert Donat ) એક સાવ રેન્ડમ ઘટનામાં એક સ્પાય જોડે સંકળાય છે અને એટલું ઓછું હતું તે એની વાત માનીને જાણેઅજાણે એની દુનિયામાં વગર ઇચ્છાએ ખાબકી પણ પડે છે , કેમકે સહસા સ્પાયનું ખૂન થઈ જાય છે અને ઉલ્ટાનું Hannay’ને જ ખૂની માની લેવાય છે! પેલી સ્પાય પાસેથી મળેલી એક આખરી હિંટ જેવી માહિતી પરથી Hannay સ્કોટલેન્ડ તરફ ભાગી નીકળે છે ,પણ સતત કોઈને કોઈ ઘટના તેની સાથે પકડદાવ રમતી જ રહે છે!

ડિટ્ટો-આપણે જોયા હોય એવા કેટલાય મૂવીઝ જેવી જ વાત ,કે મર્ડરમાં કોઈ નિર્દોષ સલવાઈ જાય અને પછી માઉસ & કેટ’નો ચેઇઝ ડ્રામા ચાલ્યા રાખે! પણ અહિંયા વાત આટલી જ નથી , છેક 1935માં બનેલા આ મુવીની સ્ટાઇલ કહો કે ઇઝનેસ કહો – તમને સતત એક ઓકવર્ડ એન્ડ ઉઝિંગ સ્માઈલ ચહેરા પર પકડદાવ રમતું જોવા મળશે! થોડી થોડીવારે સિચ્યુએશનમાં ટ્વીસ્ટ બ્રિટનના વરસાદની જેમ ખાબકતો રહે અને થ્રિલ કમ મોજના છાંટા ઉડયે જ રાખે! ફરી કહું કે હરેક કેરેક્ટર્સને ઇન્ટ્રોડ્યુસ અને સેટ-અપ કરવાની હિચકોકની જે સ્ટાઇલ છે એના હમો આશિક આવારા થઈ ગયા છીએ ( महज तीन ही फिल्मों में! )

આ મૂવીમાં Silhouette અને લોન્ગ શોટ્સમાં કમાલના લાઈટ & શેડોના કોન્ટ્રાસ્ટથી દરેક દ્રશ્યોમાં જે મોમેન્ટસ ક્રિએટ થઈ છે કે લિટરલી એક ક્લાસ ક્રિએટ થાય. મૂવીની ચીફ ચાર્મિંગ મોમેન્ટસમાંફાર્મહાઉસની એક સિક્વન્સ કે જ્યાં એક લેડી પોતાના જોહુકમી પતિની ઉપરવટ જઈને Hannayને મદદ કરે છે એ અને જ્યારે એ ભાગતો ભાગતો એક હોલમાં અચાનક જ પોલિટિકલ સ્પીચ ઢસડી મારે છે એ દ્રશ્યોમાં જબ્બર ક્રિએટ થઈ ઉઠી છે! અને આ બધા વચ્ચે બઘડાટી બોલાવતું લાઈવ વાયર જેવું ઓડિયન્સ અને તેના શરૂ , મધ્યે અને અંતે આવતા ત્રણ એક્ટ કેઓસ અને કનિંગનેસથી ફાટફાટ થાય છે. મૂવીમાં થ્રિલ’ની કે ડ્રામા કે રોમાન્સની કમી હોય કે ન હોય પણ ચાર્મ તો સતત ચમકતો રહે છે અને એ જ આ મુવીની USP છે , એક ચાર્મિંગ થ્રિલર. . .

IMDb Top 250 Highest Rank : 179

Current IMDb Status : Not on the list.

> > Me : 8 to 8.5 / 10 <


The Lady Vanishes , 1938 [ UK ]

યુરોપનું કોઈ હિલસ્ટેશન છે અને ભારે બરફ ધસી પડતા નાનકડી હોટેલમાં ટૂરિસ્ટ્સનો ઢગલો થયો હોય છે પણ ના ,વાર્તા હોટેલ નહીં પણ ટ્રેનમાં આકાર લે છે ! તો સીધી ટ્રેનમાંથી વાત શરૂ કેમ ના કરી? કેમકે હોટેલનો એ પાર્ટ પણ અલમસ્ત છે. ઓકે તો , “ટ્રેઇનમાંથી” જ એક ઓલ્ડ લેડી કે જે આપણી નાયિકા આઈરીસ [ મેગ્નિફિસેન્ટ & મેસ્મરાઈઝિંગ Margaret Lockwood ] સાથે હોટેલથી જ ભેગી હોય છે અને સામેની સીટમાં બેઠી હોય છે , તે અચાનક આઈરિસ’ની એક નાની ઝપકી બાદ લિટરલી હવામાં ગાયબ થઇ જાય છે!

પહેલા તો સામાન્ય પૂછપરછ ને બાદમાં રીતસરની ટ્રેન રોકાવીને પણ આઈરિસ આખી ટ્રેન ઉપર-નીચે કરી નાખે છે પણ આખરે તો સહયાત્રીઓ અને બયાન એ જ સાબિત કરે છે કે ટ્રેનમાં ચડતી વખતે જે નાનકડી ચોટ તેણીને માથા પર લાગી હતી , એની જ આ ભ્રમણા છે! પણ આખરે ભ્રમનો પરપોટો ફૂટે છે , એક અણિયાળી ફેક્ટથી – અને આ વખતે આઈરિસને સાથ મળે છે તેને બિલકુલ ન ગમતા આવારા એવા ગિલ્બર્ટ’નો [ Michael Redgrave ] કે જેની સાથે હોટેલમાં જ તેનો જબરદસ્ત ઝઘડો થયો હોય છે!

ફરી એકવાર સુપર્બ ઓપનિંગ સીન , હરેક કેરેક્ટર્સનું સ્લીક સેટઅપ અને ચાર્મિંગ એવી લીડ પેર મુવીને ફળફળતા સીઝલર્સની જેમ એક સોલિડ સ્ટાર્ટ આપે છે. પુરી સ્ટોરીમાં સતત રોમાન્સ-થ્રિલ-એડવેન્ચરનું બેલેન્સ રહે છે અને એ પણ ફરીફરીને હળવા અંદાજમાં ( વિકેન્ડમાં એયને નાસ્તો કરતા કરતા આવી મૂવીઝ જોઈ નાખી હોય તો આખા વીક’નો થાક ઉતરી જાય! ) ટ્રેઇનમાં લંડન જવા ઉતાવળિયા બે ક્રિકેટના રસિયા , એક ઓન અફેયર કપલ , હોટેલની એક મીઠડી મેઇડ , ઉતાવળે અકળાઈ જતો મેનેજર અને આપણો અવળચંડો નાયક ગિલ્બર્ટ સ્ટોરીમાં સતત એમની હાજરી કરતા પણ હાજરજવાબીથી સતત કૈક ને કૈક ઉમેરતા જ રહે છે. જસ્ટ એક સિમ્પલ સિક્રેટની આસપાસ એક સોબર ને સેટિસ્ફેક્ટરી સ્ટોરી ક્રિએટ કરવા બદલ હેટ્સ ઓફ હિચકોકદાદા.

IMDb Top 250 Highest Rank : 181

Current IMDb Status : Not on the list.

> > Me : 8 to 8.5 / 10 <


Rebecca , 1940

સાઉથ ફ્રાંસના મોન્તે કાર્લો’માં પહાડીની ધારે કોઈ કુદવાની અસમંજસમાં હોય છે અને એક નિર્ભેળ અવાજ તેને રોકી લે છે! એ વ્યક્તિ હોય છે બ્રિટનનો અત્યંત ધનાઢ્ય રહીશ મિ.ડી’વિન્ટર અને પેલી એન્જલ હોય છે , ભાવિમાં તેની પત્ની બનનાર મિસિસ. ડી’વિન્ટર! જી હા , પુરા કથાનક દરમ્યાન તેણીનું અસલી નામ આવતું જ નથી ! તેનો પતિ તેને તુંકારે અને બાકી સૌ તેણીને મિસિસ. ડી’વિન્ટર તરીકે જ સંબોધન કરે છે. પણ પુરી વાત દરમ્યાન સતત એક નામ સૌ કોઈના મોઢે રમતું રહે છે , અને તે છેરેબેકા ” ( મિ.ડી’વિન્ટર’ની સદગત પ્રથમ પત્ની! )

વાત શું હતી , વાર્તા શું હતી અને આખરે વ્હેણ ક્યાં તાણી જવાનું હતું એનો કશો જ ચિત્તાર આ મુવી તમને નહીં આપે! મિસિસ. ડી’વિન્ટર એક સાવ ભોળી પારેવડાં જેવી ગભરુ છોકરડી હતી [ સતત ચહેરાના હાવભાવથી વ્યક્ત થતી Joan Fontaine ] કે જેની માસુમિયત પર મિ.ડી’વિન્ટર મોહી પડ્યા હતા કે જેઓ તેમની પ્રથમ પત્નીના મૃત્યુ બાદ પોતાના ઘરે સુધ્ધાં ગયા ન્હોતા અને જયારે જિંદગી પુરી થઇ ગઈ હોય તેવું લાગ્યું ત્યાં જ એક નવી શરૂઆત થઇ કે જેનો અંત ખુબ નજીક હતો!

પુરી મૂવીની તમે કોઈ એક નક્કર થીમ તમે નહીં બાંધી શકો , કેમકે સમગ્રતયે જોતા મુવી ત્રણ અલગ અલગ એક્ટમાં વહેંચાયેલું છેરોમેન્ટિક , સાઈકોલોજિકલ સસ્પેન્સ ડ્રામા અને મર્ડર મિસ્ટ્રી ! જી હા , જયારે નવપરણિત યુગલ બ્રિટનના પરગણાના એ વૈભવી વીલા ‘ મેંડરલી ‘ જાય છે ત્યારે ત્યાંની હવા મિસિસ. ડી’વિન્ટર’ને કાંઈક બોઝિલ અને સ્થિર થઇ ગયેલી લાગે છે- રેબેકા’ના સમયમાં! જે કોઈ પણ હોય નોકર-ચાકર , એસોસિયેટ્સ , રહીશો સૌ કોઈ રેબેકા’ના ‘સંપૂર્ણ’ હોવાના જ વખાણમાં વ્યસ્ત રહેતું હતું ! ઇવન , મિ.ડી’વિન્ટર ઉર્ફે મેક્સિમ પણ રેબેકા’નું નામ આવતા કૈક મૂડી ને મીંઢો વર્તાવ કરવા માંડતા હતા અને રેબેકા’ની ખાસ મેઇડ એવી મિ.ડેન્વર્સ’નું તો પૂછવું જ શું ? એ ગંભીર ચહેરો તો અબુધ એવી મિસિસ.ડી’વિન્ટરને જાણે કાચેકાચો ખાઈ જવાનો હતો!

અડધું મુવી પૂરું થવા આવ્યે પણ તમને થ્રિલ અને મિસ્ટ્રીના વાદળ બંધાતા જોવા નહીં મળે પણ ત્રીજા એક્ટમાં જ પૂરું કથાનક જે રીતે કરવટ બદલે છે કે હર કોઈ પાત્રનો તમને કોઈ ઔર જ ચહેરો જોવા મળે! પુરા મુવી દરમ્યાન રેબેકાનો ચહેરો સુધ્ધાં દેખાડાયો નથી , છતાં પણ તેણીની એક હૉન્ટિંગ ઔરા સતત વર્તાય છે [ ખાસ તો મિસીસ .ડેન્વર્સની આંખોમાં અને મિ.ડી’વિન્ટરની ચુપકીદી’માં ] થ્રિલિંગ કરતા પણ મિસ્ટિક ડ્રામા તરીકે વધુ યાદગાર અને પેસિંગ’માં ક્યાંય પણ ધીમી ન પડતી રેબેકા હિચકોક’ના ક્લાસિક ડિરેક્શન માટે જોવી જ પડે.

IMDb Top 250 Highest Rank : 72

Current IMDb Status : 221

> > Me : 8 to 8.5 / 10 <


Shadow of Doubt , 1943

“ચાર્લી” એક સિરિયલ કિલર હોય છે અને એ વાત શરૂઆતની ચંદ મિનિટ્સમાં જ આપણને ખ્યાલ પડી જાય છે! ના , એ પ્લોટ કે સિક્રેટ રિવિલ કરવા કોઈ ઘટના ઘટતી નથી પણ ઘટતી ઘટનાના પડછાયાઓના ઓછાયા જ બધુ અજવાળી દે છે. ચાર્લી , અમીર વિધવાઓને પોતાનો શિકાર બનાવતો હોય છે પણ શંકાના દાયરામાં તેનો પડછાયો ઝીલાતા તે અહીંથી દૂર તેની બહેનના ઘરે રોકાવા ચાલ્યો જાય છે કે જ્યાં તેની નિયતિ તેની ભાણીના સ્વરૂપે જ રાહ જોઈ રહી હોય છે , કે જેનું નામ પણ મામા’ના નામ પરથી ચાર્લી ( યંગ ચાર્લી ) રખાયેલું હોય છે! મામા-ભાણી જાણેકે વ્યક્તિત્વના અરીસામાં જોતા બે સરખી જ આકૃતિ જેવા ભાસે છે. તીક્ષ્ણ બુદ્ધિક્ષમતા , તેજ નજર ને ચુંબકીય વ્યક્તિત્વ. પણ ભાણીબા’ને મામાના કરતૂતો વિશે જાણ થઈ ગઈ છે તેની જાણ મામાને થઈ જાય છે અને પછી એ જ પ્રેમાળ મામો સહસા કંસ બનીને કાનૂડી એવી ભાણીનું કાસળ કાઢવા મચી પડે છે!

આ મુવીનું કથાવસ્તુ કે કલેવર પછી તો ઘણા મુવીઝમાં નિતનવીન વાઘા પહેરી ફરીફરીને અવતરતું રહ્યું છે પણ હિચકોક સ્ટાઈલમાં આ ડ્રામા જુઓ તો ખ્યાલ આવે કે ભલે ને સ્ટોરીલાઇન પાતળી હોય કે પછી થ્રિલનો બેવડો વઘાર પણ નાકે ચડતો ન હોય પણ છેક છેલ્લી મિનિટ સુધી એ નેરેટિવ તમને બાંધે જ રાખે! કેરેક્ટર્સ ઉભા કરવામાં અને સરવાળે એ કેરેક્ટર્સ સાથે ઓડિયન્સને સાંકળી રાખવામાં આ જીનિયસ ડિરેક્ટરને કોઈ નો પુગે ! ( નો જ પુગે. . . બાપ! 😉 ) આ મુવીમાં તો કેરેક્ટર્સની કેવી કેવી રેન્જ છે કે મોજ પડી જાય – મુખ્ય બંને ચાર્લી’ને બાદ કરતા પણ યંગ ચાર્લી’ની ઘરરખ્ખુ ને બોલકી એવી માયાળુ મમ્મી , યંગ ચાર્લી’ના કેર-ફ્રી પપ્પા અને તેના થ્રિલર નોવેલ્સનાં પ્લોટ ક્રિએટ કરવામાં જ રચ્યાપચ્યા રહેતા પાડોશીની જોડી અને મેઈનલી તો ચાર્લીની ઓવર મેચ્યોર્ડ એવી નાની બેન જુઓ તો ઘડીક ભૂલી જાઓ કે આ કોઈ થ્રિલર ડ્રામા છે!

એકદમ ગુપચુપ રીતે રહસ્યના પાતળા પડ પર બિલ્ડ-અપ થતું આ મુવી અડધાથી વધુ રનિંગ ટાઈમ સુધી હાલના વર્ષોમાં જ આવેલ ‘સ્ટોકર’ મૂવીની યાદ અપાવી દે , એવું જ સેઈમ નેરેટિવ ધરાવે છે! પણ એ સાથે જ ઢગલોએક ઓકવર્ડ-ફની ને લાઉડ મોમેન્ટ્સનો પાર નથી આ મુવીમાં , કે જે સરવાળે એક સિમ્પલ બટ મિસ્ટિક ચાર્મ ઉભો કરે છે. ઘણી એટલે ઘણી ફ્રેમ્સમાં ચાર્લી (મામો) જયારે પોતાની આઈડીયોલોજી કે રિયાલિટી સબબ વાતો કરતો હોય અને તેની સમાન્તરે જ યંગ ચાર્લી , કે જે પહેલા તો ઈમ્પ્રેસ અને બાદમાં ભયભીત થતી હોય છે એ બધી જ વખતેનું ઈમોશન્સ/એક્સપ્રેશન્સ ઝીલતું કેમેરાવર્ક આલાતરીન ઉપસી આવ્યું છે. ક્યાંય પણ ચાર્લી ધ કિલરની બેકસ્ટોરી કે મોટિવની વાત કહ્યા વિના જ યંગ ચાર્લીની આંખોમાં એક ખૌફનાક માહૌલ ઉભો કરવામાં હિચકોક સફળ રહ્યા છે અને માટે જ હિચકોક દાદા તો ખરા પણ દાદુ ડિરેક્ટર પણ છે , એ વાત ઘૂંટાયા જ કરે છે.

IMDb Top 250 Highest Rank : 144

Current IMDb Status : Not on the list.

> > Me : 8 to 8.5 / 10 <


Spellbound , 1945

પહેલી જ વાત જે ઉડીને આંખે વળગે એ એટલે ધરખમ સ્ટારકાસ્ટ! Gregory Peck ( દેવ આનંદને ભારતના ગ્રેગરી પેક કહેવાતા. . યાદ આવ્યું? ) અને ત્રણ ત્રણ ઓસ્કર ઉસેડી લાવનારી Ingrid Bergman ( Ingrid Bergman’ના મુવીઝ મારે માટે હંમેશા વિશલિસ્ટમાં રહેલા ,એટલી વાતો એમના અભિનયની મેં સાંભળેલી અને આજે અચાનક આ મુવી જોવાઈ ગયું! ) આ મૂવીની વાત કે વાર્તા ભલે રોમાન્સ પ્લસ એડવેન્ચરની થીમથી સજ્જ હોય પણ તેની પશ્ચાદભૂ થોડી સાઈકાઈટ્રીના ફિલ્ડ તરફ ઝોંક લે છે અને તેથી કરીને જ મુવી છેક સુધી રસપ્રદ બની રહે છે. ગ્રીન મેનોર નામે એક પ્રખ્યાત મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં આજે નવા વડા આવવાના હોય છે અને આવે પણ છે . . . પણ થોડી જ ક્ષણોમાં ખ્યાલ આવી જાય છે કે એ તો કોઈ ભળતો જ વ્યક્તિ છે અને ખરા વડા એવા ડો.એડવર્ડ્સનું તો ખૂન થઇ ચૂક્યું હોય છે! ઇન્સ્ટિટ્યૂટની જ એક કાબેલ સાઈકોએનાલિસ્ટ એવી ડો.કોન્સ્ટન્ટ, ખબર નહીં પણ પહેલી જ નજરે આ અજાણ્યા શખ્સ તરફ ખેંચાઈ જાય છે અને બાદમાં તે એકલપંડે જ તેની બેગુનાહી સાબિત કરવા સઘળુ જોખમમાં મૂકી નીકળી પડે છે! હકીકતે આપણા કથાનકનો હીરો એટલે કે પેલો નકલી ડો.એડવર્ડ્સ એમ્નીસિયાથી ગ્રસ્ત હોય છે અને એથી કરીને જ તેને કશું જ યાદ ન હોવાને કારણે અને નાનપણના એક ગિલ્ટ કોમ્પ્લેક્સને કારણે તે આ બધામાં સલવાઇ ગયેલો!

એઝ યુઝઅલ , વાત અને વાર્તા એટલી કોમ્પ્લેક્સ નહીં પણ ટ્રીટમેન્ટ અને અભિનય જુઓ એટલે મોજેમોજ [ જસ્ટ ઓથેન્ટિકેટ ] તમને બેઉ પ્રમુખ પાત્રોનું ઇન્સ્ટન્ટ કનેક્શન ભલે ગળે ન ઉતરે કે શરૂઆત થોડી ફિલ્મી લાગે પણ જેમ જેમ વાત આગળ વધીને વાર્તા બનતી જાય તેમ તેમ એ પ્રવાહમાં ભીંજાવાની મજા જ કાંઈ ઔર છે. આ બેઉ લીડ કાસ્ટ કરતા પણ ક્યાંક ક્યાંક સાઈડ કેરેકટર્સ મોજ કરાવી જાય છે! જેમકે ; હોટેલની લોબીમાં એક આધેડ શખ્સનું ખુલ્લેઆમ ડો.કોન્સ્ટન્ટ સાથે ફ્લર્ટીંગ અને મેઈન તો સેકન્ડ એક્ટમાં એન્ટર થતા ડો.બ્રુલોવ [ Michael Chekhov ] કે જેમના ભાગે મુવીના સૌથી કમાલના ડાઈલોગ્સ/પંચ આવ્યા છે , વાંચો :

1) Women make the best psychoanalysts until they fall in love. After that they make the best patients. 2) Apparently the mind is never too sick to make jokes about psychoanalysis. 3) Oh, so you are married? There’s nothing so nice as a new marriage. No psychosis yet. No aggressions, no guilt complexes. Congratulations! 😀

જોકે મને અહિંયા ગ્રેગરી પેક થોડા સાધારણ લાગ્યા , જયારે કે ઇન્ગ્રીડ પુરા કથાનકમાં લીડ કરતા લાગ્યા અને ડો.બૃલોવની વાત જ શું કરું! મેગ્નિફિસન્ટ. ઓવરઓલ – વ્યક્તિના ડ્રિમ , ડિઝાયર અને ડેવિલને ડીગ-અપ કરતા આ ડ્રામાને જુઓ તો એક મસ્ત ટાઈમપાસ જોયાની અનુભૂતિ થઇ આવે. એમ્નીસીયા અને ગિલ્ટ કોમ્પ્લેક્સના કોકટેઇલમાંથી જે વાર્તા ઉપજાવી છે એ પણ સંતોષદાયક લાગે , એક્સેપ્ટ કે છેક છેલ્લે જે ખરો વિલન છે એની બેકસ્ટોરીમાં કાંઈ દમ હોવાનું ન લાગ્યું ! મન-માનુની-મથામણ’ના ત્રિભેટે હિચકોકની ભેંટ કરવા અચૂક જોવા જેવું મુવી. અને હા , આ મુવીમાં આવતી મિસ્ટિક ડ્રિમ સિક્વન્સ માટે હિચકોકે વિખ્યાત પેઈન્ટર Salvador Dalí’ની મદદ લીધેલી કે જેમણે એક અદભુત સરરિયાલિઝમથી સજ્જ સિક્વન્સ બનાવેલી! [ જુઓ ઉપરની Gif ]

Not featured in IMDb Top 250 Ever

> > Me : 8 / 10 <


Notorious , 1946

અલિસિયાના પિતા પર જર્મન એજન્ટ હોવાનો આરોપ સાબિત થાય છે અને તેઓ જેલમાં જ મૃત્યુ પામે છે પણ આ બાજુ વર્લ્ડવોર-2 બાદ પણ કેટલાક નાઝી જૂથ સક્રિય થતા , એક આવા જ જૂથની આંતરિક માહિતી મેળવવા – કહો કે જાસૂસી કરવા અલિસિયાને US ગવર્નમેન્ટ ફોસલાવી-ધમકાવીને બ્રાઝીલ મોકલે છે અને એ દરમ્યાન જ અલિસિયાને એજન્ટ ડેવલીન સાથે પ્રેમ થઇ જાય છે પણ સંજોગો એવા બદલાય છે કે અલિસિયાનો રસ્તો ફંટાય છે ને બંને પાત્રો છુટ્ટા પડે છે , ને પછી શરૂ થાય છે ,એ જ કોમ્પ્લિકેટેડ ટેલ – પ્રેમ / સાહસ અને રહસ્યોદ્ઘાટનના દુઃસાહસ’ની !

ફરી એકવાર જોરદાર સ્ટારકાસ્ટ : Cary Grant અને Ingrid Bergman ! અને ફરી ફરીને કહું તો ઇન્ગ્રીડ આ વખતે પણ સારાયે કથાનક પર છવાઈ ગઈ! ઓવરઓલ તેનું પાત્ર/અભિનય પણ એટલા સશક્ત અને તેણીને મળેલ સ્ક્રીનસ્પેસ પણ. એક રીતે અંડરકવર સ્પાયસ્ટોરી પણ ખરી અને બિટર-સ્વીટ એવી લવસ્ટોરી પણ ખરી – અને આ બંને બાજુએ મુવી ગજબનું સંતુલિત રહ્યું છે. હરેક સંવાદ કે વાદવિવાદમાં અલિસિયા એટલે કે ઇન્ગ્રીડ ગજબની જીવંત થઇ ઉઠી છે , એવી તો એ આંખો , ચહેરાના હાવભાવ અને સમગ્ર બોડી લેંગ્વેજથી એક્ટ કરે છે કે ઘડીક તો મેસ્મરાઇઝ થઇ જવાય! ડેવલીન અને અલિસિયા વચ્ચે ફેઈથ-ફ્રસ્ટેશન-ફ્યુરીનો એક અલગાવભર્યો અલાયદો ત્રિકોણ રચાયો છે કે જ્યાં સતત ઝંખના’ના ઝાંઝવા ઝળહળે છે.

ખાસ તો તેણીના સમગ્ર અસ્તિત્વમાં એ ગૂંગળામણ અને પીડા જીવી ઉઠી છે – એ રીતે મુવી એક લવસ્ટોરી વધુ ને રોમાંચક સ્પાય-થ્રિલર ઓછી છે ,પણ વળી ક્લાઈમેક્સ આવતા આવતા ઘડીક તો જીવ અધ્ધર થઇ આવે કે ગયા કામથી! અને એ જ દર્શાવે છે કે હિચકોક કેમ એક લીજેન્ડરી ડિરેક્ટર ગણાય છે. ફરી એકવાર અહિંયા કેમેરાવર્ક અને ભાતભાતના એંગલ્સથી લેવાયેલ શોટ્સ અને લાઈટ-શેડો’નો પકડદાવ બ્લેક & વ્હાઇટ ફ્રેમ્સમાં જીવ ફૂંકી દે છે [ હિચકોક’ની 60ના દશક પૂર્વેની ઓલમોસ્ટ ફિલ્મો હવે રંગીન બનાવી દેવાઈ છે , તોયે મારો ખાસ આગ્રહ છે કે જે ફિલ્મો મૂળે B&W હતી , તેને એ જ સ્વરૂપે જોવી. ]

IMDb Top 250 Highest Rank : 77

Current IMDb Status : Not on the list.

> > Me : 7.5 to 8 / 10 <


Rear Window , 1954

મારી હિચકોક’ની થ્રિલિંગ દુનિયામાં પહેલું પગલું & લુક વ્હોટ આઈ ફાઉન્ડ. . . વન સ્વીટ રોમેન્ટિક થ્રિલર! જી હા , આ મુવી મને તો થ્રિલર ઓછું ને કરિઝમેટિક કેરેક્ટર ડ્રામા વધુ લાગ્યું ! નો ડાઉટ કે થ્રિલ છે પણ એથી વધુ મજા મને તો જેફ્રી ( મારો પસંદીદા James Stewart ) , લિસા ( ક્લાસીકાનો ગ્રેસફુલ એવી Grace Kelly ) અને સ્ટેલા’ની ( Thelma Ritter ) ત્રિપુટીની નોંકઝોંક’માં આવી 🙂 ડાયલોગ અને ક્વોટ્સ’માં આ મુવી લિટરલી થોડી થોડીવારે ચમકારા દેખાડી જાય છે ; જેમકેમાનવતાને બૌદ્ધિકતા જેટલું નુકશાન કશાથી થયું નથી! – સ્ત્રીઓ કાંઈ એટલી અકળ હોતી નથી – પણ હું તને કળી નથી શકતો એનું શું ? – ક્યારેક તેણીને તેની ખુશી મળી જશે . . .હા ,અને કોઈ તેની ખુશી ગુમાવી દેશે!અને એવું તો બીજું કંઈ કેટલુંય . . .

પગ ભાંગેલ હોય ને બારીએ આવીને અટવાયેલો અને એ બારીએથી જ બીજાની જિંદગીમાં પ્રવેશતો , નિહારતો-વિહરતો જેફ્રી જાણે એક પ્રકારે બીજાની જિંદગીઓમાં શું ઘટે છે એ જાણવા હેવાયો થઇ ચુક્યો છે ! કોઈ એને પિપીંગ ટોમ કહે છે તો કોઈ વિન્ડો શોપર , પણ હું તેને એક સાક્ષી કમ જિજ્ઞાસુ તરીકે વધુ ઓળખાવીશ , ઘટતી ઘટમાળના જીવનનો સાક્ષી. અને ખરેખર એક દિવસ તેને સામેની એક બારીની ઉકળતી દાળમાં કૈક કાળું લાગે છે , જાણેકે વઘાર થયો પણ વરાળ ન ઉડી! તેના મત મુજબ , નક્કી ત્યાં રહેતી ગૃહિણીનું ખૂન થયું હોવું જોઈએ અને શરૂઆત થાય છે મણકા જોડવાની અને અંકોડા ભીડવાની ,એ ગીચ પાડોશમાં કે જ્યાં કોઈ કંટાળેલું છે તો કોઈ એકલું ,તો કોઈ નવવિવાહિત તો કોઈ ઘરેડમાં ઘરેલુ ,તો કોઈ સંઘર્ષરત તો કોઈ મોજે દરિયામાં , કોઈ મૂઢ તો કોઈ ગૂઢ! [ પાછલી બારીએથી દેખાતો આ સઘળો પાડોશ પ્રોડક્શનનો એક ગજબ નમૂનો છે અને તેમાં ફિટ કરેલા પાત્રો અને તેમની દુનિયા પણ. ]

અહિંયા બે જોડી કમાલની છે , એક તો જેફ્રી અને સ્ટેલા’ની અને બીજી ઓબવીયસ્લી જેફ્રી અને લિસા’ની. જ્યાં સ્ટેલા એક ફ્રેન્ડ , ફિલોસોફર & ગાઈડની ગરજ સારે છે ત્યાં લીસા કે જે એક પુરુષ માટે પરફેક્ટ લવર કમ વાઈફ હોઈ શકે અને તેની જ બીકમાં જેફ્રી તેનાથી દૂર દૂર રહે છે પણ જયારે માહૌલમાં રહસ્ય અને એડવેન્ચર ઉમેરાય છે ત્યારે એ જ લિસા અને જેફ્રીની વનવે અને ડલ લાઈફમાં પણ જાણે મીઠા લીમડાનો સોલ્લિડ વઘાર થાય છે! હિચકોકની શરૂઆતના સમયની ફિલ્મોની જેમ જ રહસ્યના તાણાવાણા તો બંધાય છે પણ રહસ્યનો ઉભરો આવતા છેક ક્લાયમેક્સ આવી જાય છે અને છેક આખરી ઘડીઓમાં ગાડી ચોથા ગિયરમાં પુરપાટ બ્રેક ફેલ થઇ હોય એમ ભાગે છે!કલાયમેક્સમાં ભલે પેટમાં ગુળગુળ ન થવા લાગે પણ ઘડીક જે અફરાતફરી બોલે છે અને આખરી ક્ષણોમાં જેફ્રી જે રીતે કેમેરા લાઇટ્સનો ઉપયોગ કરે છે એ જોઈને મોજ પડી ગઈ.

જોકે ,અહિંયા ઘણા પાસાઓ સમજમાં નથી આવતા જેમકે ; જેફ્રી’ની બારી ખુબ મોટી અને સળિયા વગરની હોય છે અને અન્યોની પણ . . તો પછી જેવી રીતે જેફ્રી બિન્દાસ અને એકદમ સ્પષ્ટ અન્યોના ઘરમાં ડોકિયું કરી શકે છે , તેવી રીતે જ અન્યોને પાછી ખબર સુધ્ધાં નથી હોતી કે કોઈ તેમને જુએ છે અને કદાચ અંદેશો આવી પણ જાય તોયે કોઈ કરતા કોઈ એ દિશામાં એક નજર સુધ્ધાં ફેંકતું નથી! અને બીજું એ કે આ મુવી ન જાણે કેમ પણ IMDb 250માં છેક 50માં સ્થાને જઈ બેઠું છે!

સરવાળે આ એ મુવી છે કે જ્યા કેરેક્ટર્સના પર્ફોર્મન્સીસ સ્ટોરી કરતા ચડિયાતા નીવડે છે અને અહિંયા થ્રિલ મોતની નહીં પણ જીવનની વધુ નીવડે છે! ભોળી પારેવડાં જેવી દુઃસાહસિક લિસા માટે મસ્ટ વોચ. ( Hats off to James Stewart & Grace Kelly ) હિચકોકનું જોયેલું સૌથી પહેલું કલર મુવી અને પહેલો કેમિયો [ જી હા ; પોતાની જ ફિલ્મોમાં કેમિયો માટે અતિજાણીતા હિચકોક આ બાબતે સ્ટેન લી અને સુભાષ ઘાઈ’ના દાદા થાય! ]

IMDb Top 250 Highest Rank : 11

Current IMDb Status : 50

> > Me : 8 to 8.5 / 10 <

– – – – –