ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , ,


1) જાફર પનાહી એટલે કિઆરોસ્તામી અને મજીદીનું વચ્ચેનું વિઝન, નેરેટીવ્સથી લઈને કેમેરા ટેક્નિક કે શોટ એસ્ટાબ્લીશ કરવા સુધી અત્યંત પ્રયોગશીલ એવો સર્જક કે જે સર્જનની પણ પેલે પાર ક્યારેક તો ચાલ્યો જાય, એ શોધવા કે વાર્તાની પેલે પારની વાસ્તવિકતા પોતે પણ શું એક વાર્તા હોઈ શકે? [ એનું તાદ્રશ ઉદાહરણ એટલે 1997માં આવેલ તેની ફિલ્મ The Mirror, કે જે જોવાઈ ચુકી હોવા છતાં મારા અત્યંત વિચિત્રપણાના કારણે આ પોસ્ટમાં હું તેનો પરિચય નથી કરાવી રહ્યો! જય અલગારી. ]

2) પ્રકૃતિ , પરિસર , બાળકો કે પરિવારની થીમ’થી ઉપર ઉઠીને તેમણે ઈરાની સમાજમાં પેસી ગયેલ સડા પર સૌપ્રથમ વખત એક મૂક બંડ પોકાર્યું. એક સમય હતો કે ઈરાનમાં 1978-79ના ઇસ્લામિક ક્રાંતિ પછીના સમયગાળા દરમ્યાન ફિલ્મો અને તેના વિષયો પર એટએટલા પ્રતિબંધ ઠોકી દેવામાં આવ્યા હતા કે કોઈએ કાંઈ બનાવવું હોય તો ઘડીક તો પહેલા માથું ખંજવાળવા લાગે ને પછી માથું પકડીને બેસી જાય! એ ગાળામાં જ અબ્બાસ કિઆરોસ્તામી અને માજીદ મજીદી જેવા પ્રતિભાશાળી દિગ્દર્શકોનો ઉદય થયો અને જેમની નીચે જ પનાહી જેવા યુવા દિગ્દર્શક વિકસી શક્યા અને પોતાની એક અલગ અને અલગારી કેડી ને ક્રાંતિ કંડારી શક્યા. [ તેઓ ખુદ આલ્ફ્રેડ હિચકોકના ફેન અને ઇટાલિયન નિઓ-રિયાલિઝમથી પ્રભાવિત હોવાનું કહે છે. અને પોતાની ફિલ્મો ખુદ જ એડિટ અને પ્રોડ્યુસ કરવા માટે જાણીતા છે. ]

On set of ‘The Mirror’

3) છ વર્ષના ગાળામાં આવેલી તેમની ધ સર્કલ , ક્રીમસન ગોલ્ડ અને ઓફસાઈડ જેવી ફિલ્મોએ કટ્ટર ને જડ તંત્રને હચમચાવી નાખ્યું અને યેનકેન પ્રકારે તેમની કનડગત શરૂ થઇ, કે જે આખરે 2010માં એ પડાવે જઈ અટકી કે જ્યાં તેમના પર 6 વર્ષની જેલ + 20 વર્ષ સુધી મુવી બનાવવા વત્તા સ્ક્રીનપ્લે લખવા કે ઇન્ટરવ્યૂ આપવા સુધીના પ્રતિબંધો તોળાઈ રહ્યા! અને તોયે આ ગાળા દરમ્યાન તેમણે આઈફોન/ડિજિટલ કેમેરા વડે એક ડોક્યુંડ્રામા બનાવી નાખી અને પેનડ્રાઈવમાં એક કેકમાં છુપાવીને કાન ફેસ્ટિવલમાં રિલીઝ પણ કરાવી દીધી! અને એ મૂવીનું નામ ય પાછું કેવું!… :  This Is Not a Film 🙂

4) તેમની 4 ફિલ્મો જોવાઈ છે કે જેમાંની 3 ફિલ્મોની વાત અહીં વિખેરી છે અને 4 ફિલ્મો ભવિષ્યમાં જોઉં ન જોઉની દ્વિધા માટે સાચવી રાખી છે! [ Crimson Gold (2003) , This Is Not a Film (2011) , Closed Curtain (2013) , 3 Faces (2018) ~ પૂર્વે બ્લોગ પર જ 2014ની બેસ્ટ ફિલ્મોના એન્યુઅલ ફિલ્મોની યાદીમાં તેમની Taxi ફિલ્મનો સમાવેશ કરેલો , કે જેની થીમ પાછી અબ્બાસ કિઆરોસ્તામીની Ten (2002) જેવી હતી કે જે પાછી જોવાની બાકી રહી ગઈ છે! ઉઠા લે રે, બાબા ! ] તો લ્યો ત્યારે કરો કંકુના


~ PREVIOUSLY IN THE SERIES ~

World Cinema : Iranian films – Majid Majidi

World Cinema : Iranian films – Abbas Kiarostami ~ 2/2

World Cinema : Iranian films – Abbas Kiarostami ~ 1/2


The White Balloon , 1995

ટ્રાફિકનો શોરગૂલ સંભળાઈ રહ્યો છે, બજારો ધમધમી રહી છે અને એક વિહ્વવળ આંખો કોઈને શોધી રહી છે. ઈરાનનું નવું વર્ષ ‘ નવરોઝ ‘ શરૂ થવામાં પાછળથી આવતા રેડિયો એનાઉન્સમેન્ટ પ્રમાણે 2 કલાકથી પણ ઓછો સમય રહી ગયો છે [ ટુ બી પ્રીસાઈઝડ : 78 મિનિટ્સ ] અને આટઆટલી ખરીદી કર્યા બાદ જ્યાં બેઉ હાથ તેનો ભાર ઊંચકીને થાક્યા હોય , પગ ઘરે જવા ઉતાવળા થતા હોય…ત્યાં આ છોકરી ક્યાં ગઈ? અને એ મા પૂછતી-પાછતી ચિંતામાં સરતી આમતેમ ફરી વળે છે, ત્યાં જ એ નાનકડી ટબૂડી હાથમાં બ્લુ બલૂન લઈને એક દુકાનમાં જાણે જન્નત ભાળી ગઈ હોય એમ કંઈક નીરખતી હોય છે અને ત્યાં જ મા’નો હાકોટો સંભળાય છે! અમ્મી આ બેપરવા સ્વભાવ અને પોતાની વાતને ધ્યાનમાં ન લેવા બદલ પેલી ટેણકીને છેક ઘર પહોંચે ત્યાં સુધી સમજાવતી અને આંખોથી ધમકાવતી રહે છે. [ કેમકે, ઘર પહોંચવાના એ સમય દરમ્યાન પણ પેલી દીકરી ક્યાંક ને ક્યાંક ઊભતી, દોરવાતી વિસ્મયતી રહે છે! ]

પણ Razieh [ પર્શિયનમાં ‘રઝીયેહ’ એમ ઉચ્ચાર કરાય, પણ આપણે ‘રઝિયા’ કહીશું? ] સતત એક વિનવણી કમ રટણમાં પરોવાયેલી હોય છે અને એ હોય છે બજારમાં જોયેલી ઘણી ઝાલરવાળી અલમસ્ત ગોલ્ડફિશ લેવાની. અને એ જ્યાં સુધી મા’ને ભાઈ દ્વારા મનાવી નથી લેતી, ત્યાં સુધી ઘરનો એ સારો ઉત્સવગામી માહૌલ , વણદીઠા ને રાડો પાડતા પિતા , પડોશી છોકરાનું ઘરના નાનકડા તળાવમાંથી ગોલ્ડફિશ લેવા આવવું અને બજારથી લઈને સાંકડી શેરીઓમાં મદારી અને અવનવા પ્રતિબંધિત ખેલ સોંસરવા આપણે દર્શકોને નીકળવાનું થાય છે!

મોંઘી ગોલ્ડફિશ 100 ટોમેનની હોય છે અને અમ્મી માંડ માને છે અને પાકીટમાં રહેલી એકમાત્ર 500 ટોમેનની નોટ હજુ રઝિયાને આપીને બાકીના પૈસા સાચવીને પરત લઈ આવવાની વાત કરે છે ત્યાં તો એ છુટકી હરખમાં ને હરખમાં દોટ મૂકે છે અને સહસા વચ્ચે આવતા મદારીના એ ખેલમાં [ કે જે જોવા પર સ્ત્રીઓ અને બાળકોને પ્રતિબંધ હતો! ] ઉલ્ઝાય જાય છે , જાણે કે એ ધ્યેય ચુકી જાય છે! [ એ સ્નેક ચાર્મર ઉર્ફે મદારીનો કીમિયો અને રઝીયાની છલકાતી આંખો જુઓ તો લાગે કે જિંદગી કાંઈક આમ જ આપણને ભોળવી જાય છે! ] પણ ફરી રઝીયા દે માર દોડીને પેલી દુકાને આવી અટકે છે અને પેલી ગોલ્ડફિશનું ચુકવણું કરવા જાય છે ત્યાં તો 500 ટોમેનની નોટ ગાયબ! ~ આગળ પર કોઈ સ્પોઈલર નથી અને સિક્રેટ પણ નથી ~ એ નોટ રસ્તામાં જ એક દુકાન આગળ અંડરગ્રાઉન્ડ ગટરમાં સરકી ગઈ હોય છે અને હવે શરૂ થાય છે વ્હાઇટ બલૂન તરફની સફર…

રેડ સ્કર્ટ અને વ્હાઇટ સ્કાર્ફમાં દોડાદોડ કરી મુકનાર એ નાની શી એ એંજલને ઉંબરે અટવાયેલી જુઓ તો બધાય તર્ક ખરી પડે. [ ક્યારેક વિચાર આવે કે બાળક તમારી પાસે આવીને અચકાય , અટવાય તો એમાં સમજવાનું કોને? અને સમજી કોણ ગયું? ] ફટ્ટ ફોસલાતી ને ઝટ્ટ છલકાતી રઝીયાને જયારે એક વૃદ્ધ મહિલા મદારીના ખેલ અંગે જયારે એમ કહે છે કે એ આપણી જગ્યા ન કહેવાય , ત્યાં કશુંક ખરાબ હોય…ત્યાં ન રોકાવાય. ત્યારે માસુમ રઝીયા કહે છે કે બાબા મને ખભે બેસાડીને એ દેખાડતા નથી, કેમકે એ કહે છે કે ત્યાં તારી બેસવાની જગ્યા નથી અને હું એ પણ જાણવા માંગતી હતી કે મારા માટે ખરાબ એટલે શું? વળી પાછું એ વૃધ્ધા એમ કહે છે કે ચાલ હું તારી અમ્મીને કહીશ કે પૈસા ખોવાઈ ગયા એમાં તારો વાંક નથી, તો રઝીયા કહે છે કે મારો વાંક નથી તો કોનો છે? આમ એ બાળક સજગતા અને સત્યના ઉંબરે ઉભું રહી વસમી વાસ્તવિકતાની વક્રતા સમજવામાં ગોથે ચડ્યું છે!

અજાણ્યાઓ સાથે વાતચીત કરવી નહિ, તેમજ તેમના પાસેથી કોઈ ચીજવસ્તુઓ લેવી નહિ ” એવા અમ્મીએ આપેલ શિખામણને ગાંઠ વાળીને બેઠેલ આ ચુટકી જયારે અજાણતા જ અજાણ્યાઓ સાથે વાત કરવા લાગે છે, ત્યારે લાગે કે જ્યાં સંકોચની સીમા પુરી થાય છે ત્યાં જ કોઈ બાળક રમતું નજરે પડતું હશે! પહેલા તો એ મદારી , દુકાનદાર , વૃધ્ધા , જે દુકાન નજીક પૈસા પડી ગયા હોય છે એની બાજુના દુકાનદાર , સૈનિક અને એક ફુગ્ગા વેંચવાવાળા અફઘાન છોકરા સાથે વાતચીત કરે છે ત્યારે ઘડીક અમ્મીનો ગુસ્સોભર્યો ચહેરો તો ઘડીક જાદુઈ એવી જાદૂડીપાદૂડી ગોલ્ડફિશ એની આંખોમાં તરતી નજરે ચડે છે! ફિશવાળો દુકાનદાર એનું આ વળગણ જોતા તેને ઉધારીએ ફિશ આપે છે ત્યારે એ તેને અપલક નજરે ધરાઈને જોઈને ફિશપોટ પાછો આપતા પૈસા લેવા ફરી દોડી જાય છે અને ત્યારે જ એ તેના ખિસ્સામા છુપાવેલ ખાટીમીઠી આમલી જેવી જ ક્યૂટ લાગે છે.

ખાસ તો ભાઈ ‘અલી’ એને શોધતો શોધતો આવી ચડે છે ત્યારથી લઈને છેક આખિર સુધીના દ્રશ્યો , ભાઈ-બહેનના બોન્ડિંગની કરિઝમેટિક કેમેસ્ટ્રી દેખાડે છે. અજાણ્યા સૈનિક સાથે રઝીયા જયારે એમ સમજીને વાત નથી કરતી કે એ તેણીના પૈસા પડાવી લેવા પોતાને વાતોમાં ભોળવવા આવ્યો છે, ત્યારે ઘડીક જે મસ્તી છવાઈ છે એ તો રઝિયાની અવ્વ્લ દરજ્જાની ફ્રૉકથી સંકોરાતી-સંકોચાતી બોડીલેંગ્વેજમાં જુઓ તો ચહેરા પર એક સતત હળવી મુસ્કાન રેલાતી દેખાય. [ સૈનિકની ઘરે ન જઈ શકવાની મજબૂરી, રઝીયા જેવી જ તેની નાની બહેનો , અને રઝીયા સાથેની એક વાત કહેવા અને બીજી વાત છુપાવવાની રમત.. ] પણ આખરે કહાનીનો અંત નજીક આવે છે ત્યારે જ ઘડીક લાગે છે કે દરેક અંત શતપ્રતિશત સંતોષદાયક ક્યારેય નથી હોતો [ રઝીયા અને ગોલ્ડફિશની વાત નથી! ]

એક સમયે દિગ્ગ્જ ડિરેક્ટર અબ્બાસ કિઆરોસ્તામીના આસિસ્ટંટ તરીકે કારકિર્દીની શરૂઆત કરનાર એવા જાફર પનાહી’ની આ પ્રથમ જ નિઓરિયાલિસ્ટિક વત્તા મિનિમલીસ્ટ ફિલ્મમાં સ્ટોરી પ્લસ સ્ક્રીનપ્લે ખુદ કિઆરોસ્તામીએ જ આલેખ્યા છે! બંને ભાઈ-બહેનનું એ ઓટલે બેસી ચિંતા કરતું દ્રશ્ય ફરીફરીને બાઇસિકલ થીફ’ના બાપ-દીકરાની જોડીની યાદ અપાવતું રહે છે. જીવનના પ્રતીક સમાન ગોલ્ડફિશના પોટ જેવી ફિલ્મની શરૂઆતમાં જ અમ્મીની ભાગાદોડ વચ્ચે અને આખરી ક્ષણોમાં ભાઈ-બહેનની સાથે એક ઔર પાત્ર પણ દ્રશ્ય-અદ્રશ્ય રહ્યે જોડાયેલું હોય છે અને તે હોય છે , પેલો ફુગ્ગા વેંચવાવાળો અફઘાન છોકરો, કે જે ફિલ્મની કેટલીય મેજીસ્ટીક મોમેન્ટ્સમાંથી સૌથી વધુ અસરકારક અને ઘડીક સ્થિર કરી દે તેવી સૌથી જબરદસ્ત મોમેન્ટમાં છવાઈ જાય છે અને ક્યારેક વાર્તાની શરૂઆત નહીં પણ અંત અને ખુદ વાર્તા નહિ પણ વણનોંધ્યો વળાંક શિર્ષસ્થાને રહે છે’નું જીવંત ઉદાહરણ બની રહે છે! આખરે બે લીટીમાં આટોપુ તો, રિયલ ટાઈમમાં શૂટ થનારી આ ફિલ્મ જાણે રઝીયાના અબ્બા જેવી છે : ન્હાયા પહેલા ગુસ્સેલ અને ન્હાયા બાદ સુસ્ત!

IMDb : 7.7  | Rotten Tomatoes : 80%

> > Me : 8.5  < <


The Circle , 2000

પ્રથમ દ્રશ્ય : સ્ક્રીન પર અંધકાર છે અને એક સ્ત્રીના કણસવાના અવાજ આવી રહ્યા છે, હજુ તો આપણે ધારણાઓના પ્રદેશમાં ભૂલા પડીએ એ પહેલા જ એક સફેદ નાનકડી બારી ખુલે છે અને નર્સ પોકારે છે; Solmaz Gholami’ના સગા કોણ છે? અને આ પોકાર સાંભળતા જ તેણીની મા દોડતી આવે છે અને પૂછે છે કે શું થયું?અભિનંદન, તમારી દીકરીને ત્યાં દીકરી આવી છે. અને આ સાંભળતા જ મા સ્તબ્ધ અને બારી બંધ! ફરી એ ક્ષણોમાં તાકતી એ વૃધ્ધા બીજીવાર બારી ખખડાવે છે અને બીજી નર્સને પૂછે છે કે મારે સાંભળવામાં ગફલત થઇ, જરા ફરી પૂછી જુઓ ને કે શું આવ્યું છે? જવાબ : દીકરી…અભિનંદન! પણ પેલી વૃધ્ધા ખળભળી ઉઠતા કહે છે કે પણ અમે અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું તેમાં તો દીકરો કહ્યું હતું! હવે શું થશે? દીકરીના સાસરિયાવને આ જરા પણ પસંદ નહિ આવે…અરે એ તો તેણીને તલાક દઈ દેશે! અને સુધબુધ ગુમાવતી એ દાદરા ઉતરવા લાગે છે અને ત્યાં જ સામે તેની બીજી દીકરી મળી જતા ફટાફટ તેને એક જગ્યાએ ફોન કરી આવવાનું કહે છે અને પેલી દીકરી દોડતી હોસ્પિટલની બહાર નીકળીને એક ફોનબુથ પાસે આવી ઉભી રહે છે પણ તેની પાસે તો છુટ્ટા નથી હોતા અને લાઈન પણ ઘણી હોય છે અને એ આગળ દોડી જાય છે, ને આપણે સૌ પેલા ફોન બુથ પર ત્રણ સાવ નવા સ્ત્રીપાત્રો પાસે જ અટકી જઈએ છીએ! ( સળંગ 3 મિનિટ ઉપરનું આ દ્રશ્ય શેકી કેમેરા મુવમેન્ટ વડે ગજબની ભયાવહ અસર છોડતું જાય છે! )

દ્રશ્ય બીજું : આ ત્રણેય સ્ત્રીઓ પાછી થોડીક ગભરાયેલી અને કોઈનો સંપર્ક અથવા તો સરનામું શોધવાની લ્હાયમાં હોય છે અને ત્યાં જ થોડે દૂર આમાંની એકને પોલીસ પકડી લે છે અને બાકીની બેઉ ઊંધેકાંધ અવળી દિશામાં નાસી છૂટે છે! કોણ છે આ લોકો? કંઈ ફોડ પડાતો નથી પણ એટલી ખબર પડે છે કે પોલીસ તેમની પાછળ છે. આગળ જતા આમાંની એક યુવતી કોઈ રીતે પૈસાનો મેળ પાડીને બીજી તેનાથી નાની યુવતીને આપીને અહિંયાંથી દૂર ચાલ્યા જવાનું કહે છે! પણ શું કામ? આ પૈસા ક્યાંથી આવ્યા? ચાલ ને તું પણ સાથે! પણ આખરે એ એકલી રહી જાય છે અને જવા તૈયાર થાય છે પણ બસની ટિકિટ લેવા પૈસા કરતા પણ વધુ જરૂરી હતું , ડોક્યુમેન્ટ્સ / આઈ.ડી કાર્ડ અને તેનાથી પણ વધુ જરૂરી હતું : સાથે કોઈ પુરુષ સાથીનું હોવું! ~ ઈરાનમાં કોઈ સ્ત્રી શહેરથી બહાર આઈ.ડી કાર્ડ અને પુરુષ સાથી વિના એકલી મુસાફરી પણ ન કરી શકે, એવો કાયદો છે! પણ કૈક અવળું ઘટે છે અને તેણી જેને શરૂઆતથી જ શોધતી હતી એવી ‘પરી’ને શોધવા પાછી નીકળી પડે છે અને હવે પરી’નું કથાનક શરૂ થાય છે; આ યુવતીને અધવચ્ચે જ છોડીને!

દ્રશ્ય ત્રીજું : પરી’ના ઘરે કૈક અલગ જ ધડબડાટી બોલતી હોય છે અને અચાનક પરી ઘરમાંથી માંડમાંડ બહાર નીકળીને નાસી છૂટે છે! અને પૂછતાંપાછતા એક પૂર્વસાથીની ભાળ મેળવે છે, કે જે તેણીને તેના માટે હાલની સ્થિતિમાં ખુબ જ ઉપયોગી થઇ પડે એવી બીજી સખીનું સરનામું ચીંધે છે. શું છે આ બધું? પરી શું કામ તેને શોધે છે? ~ કેમકે; પરી ચાર મહિનાની સગર્ભા હોય છે અને તેને એબોર્શન માટે કોઈ સ્ટ્રોંગ ભલામણ/સંપર્કની જરૂર હોય છે ! પણ એબોર્શન માટે તો મંજૂરી જોઈએ! – કોની? પરીના પતિની [ કે જે હવે સ્વર્ગસ્થ હોય છે. ] અથવા તો તેના સાસરિયાવ અને પિયરીયાવની [ પણ ના, પરી’ની તો નહિ જ! ] ફરી પરી’નું કથાનક આગળ વધીને કોઈ ચોથા જ સ્ત્રી પાત્ર સાથે એનો મારગ આંતરે છે; કે જ્યાં ફૂલની જેમ ઉછેરેલી દીકરીને કોઈ રાતના અંધારામાં તરછોડવાનું હતું! [ મુવીનો અત્યંત કરૂણ ભાગ, કે જેના વિશે હું ફોડ નહિ પાડું. ] હજુ આ પાત્ર પણ તરછોડાય છે અને પાત્રો રાત્રીના ઘોર અંધકારમાં કોઈ નવા જ વળાંકે આવી ઉભા રહે છે, ફરી ફરીને અનંત ચકરાવાઓમાં દિશાહીન બનીને ભટકવા…

શું છે આ બધું? કોણ છે આ બધી પીડિતાઓ? તેમનો વાંક શું છે? આટલો ખૌફનાક માહૌલ અને આટલી અસલામતી? સતત બદલતા પ્રવાહ અને ધીમી ધારે ઘૂંટાતા આ કથાનકમાં કોઈ સમાજની કહેવાતી મર્યાદાને ઓળંગ્યું છે તો કોઈ રાજકીય હથકંડાઓનો શિકાર બન્યું છે તો કોઈ પારિવારિક હિંસાનો તો કોઈ અજડ એવી સામાજિક પરંપરાઓ અને કહેવાતી ભવ્ય પણ વાસ્તવમાં પિશાચી પિતૃસત્તાક માનસિકતાનો મૂઢ માર ઝીલી રહ્યું છે! જાફર પનાહીએ ત્રીજી જ ફિલ્મમાં અત્યંત વેરણછેરણ કરી મૂકે એવી વાસ્તવિકતા પર પોતાનો કેમેરો ફોકસ કર્યો છે. અલગ અલગ કથાપ્રવાહ અને એને અનુરૂપ ભિન્નભિન્ન કેમેરા શૂટિંગ ટેક્નિક થકી જાણે સારોય માહૌલ ખાંડાની ધારે દાંત કરડી ખાવ એવો નિરુપાયો છે. [ હેન્ડહેલ્ડ , સતત ફરતો , સ્થિર અને ક્લોઝ-અપ ઝીલતો અને સાવ જ સ્થિર ને સ્થિત શોટ ટેક્નિક્સ ] પહેલા તો આ મુવી માટે શૂટિંગની મંજૂરી મળતા એક વર્ષ થયું અનેં પછી પનાહી’એ તાબડતોબ 35 જ દિવસમાં શૂટિંગ પૂરું કર્યું પણ બાદમાં આ મુવી પ્રારંભિક મંજૂરી મળ્યા બાદ અને ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ્સમાં પૂછ્યા વિના મોકલાતા, ને પોંખાતા આખરે ઈરાનમાં જ આજીવન પ્રતિબંધ પામ્યું! [ વેનિસ ફેસ્ટિવલ, 2000માં ગોલ્ડન લાયન વિજેતા ]

આંખોમાં નિરંતર ડર , આત્મા અને શરીર પર ઘાંવ , સ્ત્રી સ્વરૂપે જાણે કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ નહિ! અને આખા ય શરીરમાં ચહેરો ખાલી એટલા માટે જ દેખાડાય છે કે એ સતત એની ઔકાતનું સ્મરણ કરાવ્યા કરે. [ બુરખા વત્તા ક્યારેક ચાદરથી ઢંકાયેલ ગુંગળાતા અસ્તિત્વો! ] આ સ્ત્રીપાત્રો એવા અનંત વિષ વર્તુળોમાં ફરી રહ્યા છે કે જાણે ક્યારેક એનો છેડો આવવાનો હોય! એવા વલયરૂપી વર્તુળો કે જે સતત વધતા ઘેરામાં ઘૂંટાતા જાય અને એક પછી એક બલી સ્વીકારતા જાય! ફિલ્મની શરૂઆતે એક બારી ખુલે છે અને એક નામ પોકારાય છે અને અદ્દલ અંતમાં પણ એક બારી ખુલે છે અને એ જ નામ પોકારાય છે અને જાણે જીવન-મૃત્યુનું અંતહીન વર્તુળ પૂરું થાય છે, ફરી ફરીને શરૂ થવા! [ જોકે, આવા સંજોગોમાં ઘડીક તો લાગે કે મૃત્યુ જ મોક્ષ છે! ] ચાર ચાર વાર્તાઓમાં પાત્રોનો ન કોઈ પરિચય છે, ન કોઈ આરંભ કે ન કોઈ અંત , ભયાવહ ભૂતકાળ – દિશાહીન વર્તમાન અને દિશાશૂન્ય ભવિષ્ય! જાણેકે વાર્તાના ભરોસે પાત્રો ફરી ફરીને તરછોડાય છે.

This slideshow requires JavaScript.

સતત મૂંઝારામાં અટવાતા એ દ્રશ્યો યાદ કરું તો, 1) કથાનકની છડી પોકારતું શરૂઆતનું 3 મિનિટનું સળંગ દ્રશ્ય 2) એક પેઇન્ટિંગમાં પોતાના દૂરના ભાતીગળ પ્રદેશને નિરૂપાયેલું જોઈને સ્મરણના સુખમાં સરી પડતી એક નાયિકા. 3) પરી સૌપ્રથમ જે મિત્રને મળે છે એ પણ જેલમાં તેની સાથે હોય છે અને હવે એ ઘરે પરત ફરતા તેના પતિએ બીજા લગ્ન કરી લીધા હોય છે, છતાં પણ તે એ વાતે સંતોષ લેતી હોય છે કે આખરે તો પેલી નંબર.2 જ છે,અને હું નં.1! 4) પબ્લિક બૂથમાં પરીને પોતાની પ્રેમિકાને કોલ લગાવવા કહેતો પોલીસમેન 5) સતત સિગારેટની તલબ અને જાહેરમાં પીવાથી ડરતા સ્ત્રીપાત્રો 6) કથાનકનું પેલું બાળકીને તરછોડવાનું સૌથી કરુણ અને ક્રૂર દ્રશ્ય [ ઘડીક તો એ સમયે મને કમકમાં આવી ગયેલા! ] 7) આ જ દ્રશ્ય સમયે સાથે જ ભજવાતા એક લગ્નનો ઉત્સાહ અને દેકારો 8) એક પુરુષ અને વારાંગનાનું પકડાવું તથા પેલાનું કરગરવું અને પેલીની ખુમારી 9) ફાઈનલી, એક સ્ત્રીપાત્ર સ્મોકિંગ કરી રહી છે, એ સમયેનો છુટકારો. 10) અંતતઃ બારીથી બારી સુધીનું વિષવર્તુળ પૂરું થવું! ~ એ સમયે ઈરાનમાં આટલી બોલ્ડ મુવી ક્યાંય પણ લાઉડ થયા વિના સોંસરવી વીંધવા બદલ પનાહી’ને હેટ્સ ઓફ!

IMDb : 7.4  | Rotten Tomatoes : 93%

> > Me : 8.5 to 9  < <


Offside , 2006

2006ની વાત છે, ઈરાનમાં ફૂટબોલ ફિવર એની ચરમસીમાએ છે કેમકે ત્યારે ઈરાન અને બહેરીન વચ્ચે વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇંગ રાઉન્ડ ચાલી રહ્યો હતો અને તેમાં જીત્યે ઈરાન કેટલાય વર્ષો બાદ વર્લ્ડ કપમાં એન્ટ્રી મેળવી શકે તેમ હતું અને આ જ ઉલ્લાસ અને ઉન્માદ વચ્ચે બસોના ધાડાના ધાડા તેમાં રહેલ ચિક્કાર ચિતરામણા અને ચિત્રવિચિત્ર ચિચિયારીઓ બોલાવતા ફેન્સથી ફાટફાટ થતી તહેરાનના આઝાદી સ્ટેડિયમ તરફ ધસી રહી હતી અને તેમાં જ એક છોકરાનું ધ્યાન બસમાં એક ખૂણે શાંતિથી બેસેલ એક વિચિત્ર છોકરા તરફ ગયું અને ધ્યાનથી નીરખીને જુએ છે તો…આઇલા! આ તો છોકરી છે! અને આવા ટોમબોય જેવા કપડાં પહેરીને તેણી શું કામ જઈ રહી હશે? પણ પાછું આમાં આવું ને આટલું નવાઈ પામવા જેટલું, છે પણ શું આમાં ? તો જવાબ છે કે આમ જૂની રૂઢિનું પણ આમ નવીનવાઈનું એ કે; ઈરાનમાં સ્ત્રીઓ ઓપન સ્ટેડિયમમાં બેસીને મેચ ન જોઈ શકે! પુરુષોની હાજરીમાં અને તેમની સાથે બેસીને રમતનો આનંદ ન લઈ શકે! પણ શું કામ?….. સવાલ પૂછો માં! આવું જ છે અને આવું તો કઈ કેટલુંય છે!

પણ તો આવી જડસુ માનસિકતા અને સંવેદનહીનતા સામે બથ ભરવી એના કરતા તો ઘરે નિરાંતે ટીવી પર મેચ ન જોઈ શકાય? સ્ટેડિયમમાં જ શું કામ? તો એનો જવાબ એક પીઢ ચાચુ આપે છે : રમત જ્યાં જન્મ લે છે , નાચે કુદે ને જીવંત થઇ ઉઠે છે , એ છે સ્ટેડિયમ…રમતને ઝીલનારા હજારો ફેન્સનો ઉન્માદ , ગીત-સંગીત , દેકારા-પડકારા , સમૂહગાન ને ખાસ તો બિન્ધાસ્ત ને બેફામ ગાળો બોલવાનો આનંદ તો સ્ટેડિયમમાં જ આવે ને! ઉત્સવ ને ઉત્સાહ ઝીલતું ખરું સ્વરૂપ તો સ્ટેડિયમ જ ઉજાગર કરી શકે. સ્ટેડિયમ ઇઝ સમથિંગ એલ્સ! કે જ્યાં કોઈ પ્રતિબંધ નથી , બસ મોજેમોજ. [ અને આગળ જતા જ એક બેતુકો તર્ક એ અપાય છે કે આવા ઉન્માદી ને એક પ્રકારે ગાળો અને વાણીવિલાસવાળા વાતાવરણમાં સ્ત્રીઓની મર્યાદા ભંગ થાય , તેઓ બગડી જાય! ] પણ તોયે આવા હિલોળે ચડેલા વાતાવરણમાં કેટલીયે છોકરીઓ છોકરાઓ જેવો વેશ ધરીને અંદર ઘુસવાનો પ્રયાસ કરે છે ને પકડાય પણ જાય છે અને શરૂ થાય છે , ઓફ ધ ફિલ્ડની વાત ~ ઓફસાઈડ પર રમતા, ને ધકેલાઈ ગયેલ લેડી ફેન્સની વાત…એકંદરે કચડાયેલ સ્ત્રીની વાત.

પહેલી છોકરી કે જે ફેન ઓછી ને અવિચારીપણે ઝંપલાવી દેનાર વધુ લાગતી હતી [ કે જેનો ખુલાસો આખરી ક્ષણોમાં થવાનો હતો. ] એ બ્લેકમાં ટિકિટ લેવા જતા પેલો કાળાબજારિયો કહે છે કે ના રે નાતું મારી બહેન જેવી છો, તને ટિકિટ વેંચીને હું તને બગડવા નહિ દઉં અને વળતી ક્ષણે જ બમણા ભાવમાં ટિકિટ વેંચી મારે છે! પણ આખરે એ સ્ટેડિયમમાં પ્રવેશતા ઝડપાઇ જાય છે અને તેણીને તેના જેવી જ ‘બૉયિશ લુક’વાળી છોકરીઓ સાથે ‘ચીફ’ આવે ત્યાં સુધી રાખવામાં આવે છે કે જ્યાંથી ખરું મુવી શરૂ થાય છે. રમતની આટલી નજીક જાણેકે ફેન્સની ચિચિયારીઓ એ ફૂટબોલની વધી ગયેલ ધડકન હોય અને તેમ છતાં તેને જોઈ ન શકવાના વિષાદી તાપમાં છોકરીઓનો બફાટભર્યો બફારો વધતો જ જાય છે અને ખરેખરી તડાફડી બોલે છે.

ખાસ તો ગામડિયા સૈનિક અને સુપર ટોમબોય જેવી લાગતી એક છોકરી વચ્ચે કે; ” સ્ત્રીઓને અંદર જવાની મનાઈ છે તો જાપાનીઝ મહિલાઓને શું કામ જવા દેવાઈ છે? તો પેલો કહે છે કે એ લોકોને આપણી ભાષા ન સમજાય એટલે વાંધો નહિ… તો પેલી કહે છે કે અમે અમારા કાન બંધ કરી દઈશું! ” આવી ને આવી ચિટ-ચાટમાં કઈ કેટલાયે સવાલો ઉઠાવીને મજાકમાં ને મજાકમાં સંસ્કૃતિના જડ રખેવાળોને મીઠે બોળેલ ચાબખા મરાય છે. પણ કહે છે ને કે જયારે જવાબ ન હોય ત્યારે માણસ રાડો પાડવા લાગે છે! વળી બીજી છોકરીને નેચર’સ કોલ આવે છે તો ઘડીક બધા મૂંઝાય જાય છે કેમકે સ્ટેડિયમમાં સ્ત્રીઓ નિષેધ હતી માટે ક્યાંય કરતા ક્યાંય લેડીઝ ટોયલેટ હતા જ નહિ! તો વળી એક છોકરી આર્મીનો ડ્રેસ પહેરીને અંદર ઘૂસીને ફૂટબોલનો ફર્સ્ટ હાફ ખુદ ચીફની ખુરશીમાં બેસીને જ જોઈ આવેલી એ વાતનો વિશ્વાસ જ કોઈ કરી નથી શકતું!

ક્યારેક આ બધી છોકરીઓ પેલા સૈનિકના માથા ખાઈ જાય છે તો ઘડીક ઈરાન તરફથી ગોલ થતા જ રમતનું એ ઝનૂન ધર્મના ઝનૂનને ઝાંખું પાડી દઈ એક મોજે હિલોળે ચડે છે! ખરી-ખોટી જેવી આવડે એવી કોમેન્ટ્રી વડે પેલા સૈનિક/ગાર્ડસ છોકરીઓને રમત સાથે સાંકળે છે અને એક રમત માટે સમાજના નિયમો છોકરીઓ તોડી જ કેવી રીતે શકે એની મૂંઝવણ કમ અચંબામાં પેલો ગ્રામીણ સૈનિક વિચાર્યે રાખી દિગ્મૂઢ થયા જ કરે છે. અને આ બધી જ મોમેન્ટ્સ સુપર લાઈટ પણ આમ ગ્રે કોમીક ફ્લેવરમાં જાફર પનાહીએ ક્લાસીકાનો સ્ટાઈલમાં કચકડે કંડારી બતાવી છે.

આમ 39 દિવસમાં સટાસટ ડિજિટલ કેમેરાથી વર્લ્ડકપ સમયે રિયલ ટાઈમમાં શૂટ થયેલ આ મુવી ઘડીક ડોક્યુમેન્ટરી તો ઘડીક ડ્રામાની ફીલિંગ્સ આપે છે અને પાછું મંત્રાલય તરફથી વિના પરવાનગીએ બબ્બે ક્લાઈમેક્સ સાથે નવાણિયા કલાકારો સાથે બનાવેલી આ મુવી જુઓ તો દંગ રહી જાવ! [ વધુ રોમાંચક Trivia વાંચો અહિંયા ] વર્લ્ડ કપ પ્રવેશની એ જીવંત અને ઉન્માદની એ ક્ષણો જુઓ તો લાગે કે શું આ બધી મર્યાદાઓ અને નિયમો અને તર્ક-વિતર્ક? [ ખાસ તો કુતર્ક! ] ઉત્સવ અને ઉજવણીમાં જ જીવન ધબકે છે. સ્ત્રીઓ દેશને આ જ ભાવનાથી ઉજવી ન શકે? મર્યાદાઓ તેમના માટે જ કેમ? આ સંસ્કૃતિની કઇ વિભાવના છે? ના…આ કોઈ સ્પેશિયલ Feminist મુવી નથી પણ Humanityથી છલોછલ એક સામાન્ય વાતને વિશેષ વાર્તા બનાવતી મુવી છે.

સુપર ટેન્સ્ડ પણ મોજીલા દ્રશ્યોમાં : 1) મૂવીનું સૌથી ખાસ દ્રશ્ય; જેન્ટ્સ ટોઇલેટમાં છોકરીને પોસ્ટર પહેરાવી લઈ જવું, કેમકે બાથરૂમમાં લખેલી ગાળો અને ગ્રાફિટી તેણી ન જોઈ શકે! 🙂 2) આર્મીના ડ્રેસમાં ઘુસેલી છોકરી અને તેનું ગાંડપણ 3) સુપર ટોમબૉયિશ છોકરી અને ગ્રામીણ સૈનિક વચ્ચેની એ દરેક બઘડાટી 4) ભાગી ગયેલ છોકરી જે કારણ માટે પરત ફરે છે એ દ્રશ્ય 5) બુરખા અને ચાદરથી ક્ષણિક મુક્તિ મેળવીને રાડારાડ પાડતી છોકરીઓના એ દરેક દ્રશ્યો [ એક નારો : Go to hell , on a one-way ticket 🙂 ] 6) ફૂટબોલ ફેન ન હોવા છતાં એક ખાસ કારણ માટે આવેલી છોકરીની વાત 7) વાનમાં Vice Squad સમક્ષ લઈ જવાતી છોકરીઓ , એક છોકરો અને બંને ગાર્ડસના એ એન્ટેના ફિક્સિંગ અને ફટાકડા ફોડિંગ દ્રશ્યો! 8) અને છેલ્લે ઉજવણીમાં ઓગળી જવું , ખોવાઈ જવું , એકાકાર થઇ જવું.

IMDb : 7.3  | Rotten Tomatoes : 94%

> > Me : 8.5  < <