ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,


1) આજની ત્રણેય મુવીઝ સખ્ખત અઘરી અથવા તો કહો કે અકળ છે! સોરઠીમાં કહું તો, ઝટ્ટ દઈને દયશ નો પડે! જાણેકે કૃતિને તાકતા તાકતા ક્યારે ખુદ કૃતિમાં ઓગળી જઈએ, પણ એ મિસ્ટિક મોજ ન પકડાય! કંઈક ગમી ગયું છે, સ્પર્શી ગયું છે – પણ શું? એનો જલ્દીથી જવાબ ન જડે. સતત એના વિશે વિચારતા વિચારતા હરહંમેશ કંઈક નવું જડતું જ રહે.

2) મિનિટે મિનિટે નીતનવી ફ્રેમ્સ કંડારનાર કિઆરોસ્તામીકાકા ઘડીક ગદ્યનુમા જમીની હકીકત પરથી વળતી જ પળે પદ્યનુમા કલ્પનાઓના પ્રદેશમાં મેઘધનુષી વિહાર કરાવે છે અને આપણે મુવી પૂરું થયે પણ વિચારતા જ રહી જઈએ છીએ કે આવા કોઈ વિષય પર મુવી બની જ કેમ શકે? અને બને તો પણ તેમાં જીવ કેમ ફૂંકવો?

3) પહેલા તો લાગે કે મુવી શરૂ ક્યારે થશે? કોઈ ફોડ કેમ નથી પડતો? અને ક્યારે એ ક્ષણે આવી ઉભા રહીએ કે, લાગે કે હજુ થોડુંક જોવા મળ્યું હોત તો? ઇરાનિયન સિનેમાનો આ એવો ગાળો હતો કે જ્યા વધુ બોલકા થયા વગર પરીસરને ઝીલીને વણદીઠા પાત્રોની એક આખી સૃષ્ટિ જીવંત કરાઈ છે. કિઆરોસ્તામીની નજરે આ બધું નિહાળતા નિહાળતા આપણે ઘડીક તો સ્તબ્ધ અને સ્થિર થઇ ઉઠીએ છીએ!

4) મહત્તમ ફિલ્મોમાં ઓપન એન્ડ પર લાવી મૂકતા ડિરેક્ટર કહે છે કે; હવે એ વાર્તાપ્રવાહ ક્યાં જઈ અટકશે એની ડોર હું દર્શકોને સોંપી દઉં છું અને હવે જ ખરું મુવી શરૂ થાય છે, એમની ભાવસૃષ્ટિમાં…ફિલ્મો વિશેના એમના દ્રષ્ટિકોણ કે મેકિંગની પ્રોસેસ વિશે પૂછતાં એ કહે છે કે; મારી મહત્તમ કૃતિઓ વાસ્તવથી જ પ્રેરિત હોય છે અને વાસ્તવિકતાને હું એ રીતે જોઉં છું જાણેકે કોઈ ચિત્રને નિહાળતો હોઉં! કુદરતને પણ કોઈ ચિત્રમઢી ફ્રેમ હોઈ એમ જ જોઉં છું. હું સઘળું સૌંદર્ય સોંસરવું જ જોઉં છું. ટેક્સીમાં જતો હોઉં ત્યારે પણ બારી બહાર જે પણ દેખાય એ મારે માટે એક ફ્રેમ જ છે. આ રીતે જ હું ચિત્રો, ફોટોઝ અને મુવીઝને જોઉં છું અને કંડારું છું. – સઘળું સંકળાયેલું અને જોડાયેલું. એમની અંતિમ અને અદભુત પ્રયોગાત્મક કૃતિ 24 ફ્રેમ્સમાં શરૂઆતે જ એ કહે છે કે; આપણે નજર સમક્ષ જે હોય તેને પિછાણી નથી શકતા કે જ્યાં સુધી એ દ્રશ્યને કોઈ ફ્રેમમાં ન મૂકી દે!

5) એમની હજુ તો The Experience (1973) , The Traveler (1974) , Ten (2002) , Tickets (2005) જેવી મેજીકલ મુવીઝ જોવાની બાકી જ છે, પણ એ હવે ફરી ક્યારેક…( વચ્ચે જોકે, Certified copy અને 24 Frames જોવાઈ ગઈ છે પણ એની વાત હું નહિ કરું કેમકે દેવાંગ પટેલ કહે છે – મારી મરજી! ) હવે આવતી પોસ્ટથી બીજા કોઈ જાણીતા ઇરાનિયન મેકરની ફિલ્મ વિશે વાતો થવાની છે, તો આજે માણો કિઆરોસ્તામીની ત્રણ ક્લાસિક ફિલ્મોClose-Up , Taste of Cherry અને The Wind Will Carry Us .


~ Previous ~

World Cinema : Iranian films – Abbas Kiarostami ~ 1/2


Close-Up , 1990

ફિલ્મ કાંઈક આમ શરૂ થાય છે; એક જર્નાલિસ્ટ બે પોલીસમેન સાથે એક ભાડાની કારમાં ડ્રાઈવર સાથે એક એવા સ્થળે જતા જતા સંવાદ કરી રહ્યો હોય છે કે તે એક સેન્સેશનલ સ્ટોરી કવર કરવા જઈ રહ્યો હોય છે કે જે તેને ( તેની સાથે બેસેલા ત્રણેય લોકોના સંદર્ભે ) ‘કોઈએ પણ ન સાંભળેલા‘ પણ અત્યંત પ્રસિધ્ધ આંતરરાષ્ટ્રીય જર્નાલિસ્ટની હરોળમાં લાવી મુકશે! અને એ દરમ્યાન જ પોસ્ટ-રિવોલ્યુશન ઈરાનની સોસાયટી અને પોલિટિક્સ અંગે પ્રવર્તમાન સંજોગોની આછેરી વાંછટ પણ ઊડતી રહે છે અને દ્રશ્ય વધુ નીરસ કરતી રહે છે! સ્ક્રીન પર શું ચાલી રહ્યું છે એ ઘડીક તો કાંઈ પલ્લે નથી પડતું , રાહદારીઓ પાસેથી સરનામું પૂછતાં પૂછતાં ટિપિકલ કિઆરોસ્તામી સ્ટાઈલમાં કાફલો મંઝિલે આવી પહોંચે છે અને પહેલા તો એ જર્નાલિસ્ટ અને બાદમાં બંને પોલીસમેન એ ઘરમાં દાખલ થાય છે,

અને દરમ્યાન એ ડ્રાઈવર ખરેલા પાનના ઢગલામાંથી ફેંકી દીધેલા પણ તાજા ફૂલો વીણતો , આકાશમાં પ્લેનના લીસોટા જોતો એક કેન’ને ઠોકર મારતો તેને દૂર ઢોળાવ સુધી રગડતાં જુવે છે. ~ એક અત્યંત સામાન્યતાથી ભરપૂર અને નથીંગનેસ’ના નિઓ એલિમેન્ટથી ભરેલ દ્રશ્ય પૂર્ણ થાય છે અને બંને પોલીસમેન તથા જર્નાલિસ્ટ એક વ્યક્તિને પકડીને ગાડીમાં બેસાડે છે અને કાર હંકારી જાય છે , અને પેલો જર્નાલિસ્ટ હજુ કાંઈક શોધતો ફરી પેલા કેન’ને એક જોરદાર કિક મારીને ઉલાળી દે છે! ફાઈનલી દ્રશ્ય પૂરું થાય છે! એક ટિપિકલ કિઆરોસ્તામી કંડારાયેલ સીન અને ડોક્યુંડ્રામા ઉલ્ટાનું એક ડોક્યુંફિક્શનનો મસ્ત અને મિસ્ટિક ઉપાડ…

બીજું દ્રશ્ય : ડિરેક્ટર એવા ‘કિઆરોસ્તામી’ ખુદ આ ઘટના પેલા મેગેઝીન થ્રુ જાણે છે કે જેમાં એક વ્યક્તિ ‘ Hossain Sabzian ‘, પોતાને તાજેતરમાં જ આવેલ પ્રસિધ્ધ ઇરાનિયન મુવી ” The Cyclist “નો ડિરેક્ટર Mohsen Makhmalbaf જણાવી એક ‘સિનેમાપ્રેમી’ ઘરમાં થોડા દિવસો વિતાવે છે અને આખરે સાચી વાતની જાણ થતા તેની ધરપકડ કરાવી દેવાય છે. અને તેઓ કસ્ટડીમાં Hossain Sabzianને મળવા અને તેનો ખરો હેતુ જાણવા જાય છે અને આમ કરતા જ તેઓને આ સમગ્ર ઘટનાની કોર્ટ-ટ્રાયલ લાઈવ રેકોર્ડ કરવાની ઈચ્છા સળવળે છે અને સમયાંતરે એક મુવીનું પોત પણ તેઓ તૈયાર કરે છે!

એક રિયાલિસ્ટિક મુવી પરથી રિયલ ઇવેન્ટ અને તેના પરથી ફરી એક રિયાલિસ્ટિક મુવી બને એટલે ઇરાનિયન સિનેમાના જ એંધાણ આવે! અને બાદમાં કોર્ટ-ટ્રાયલના ઓરીજીનલ ફૂટેજ અને તેની આગળ પાછળના દ્રશ્યોનું ડ્રામેટાઇઝેશન કર્યા બાદ આપણને મળે છે , એ દશકાનું સૌથી પ્રયોગાત્મક અને સર્જનાત્મક સિનેમા – ક્લોઝ-અપ! ક્લોઝ-અપ એટલે; કે કોર્ટરૂમમાં બે 16 mm કેમેરા થકી શૂટિંગ થઇ રહ્યું હતું કે જેમાંનો એક ક્લોઝડ ફોક્સ લેન્સ હંમેશા Hossain Sabzianના હાવભાવનું જ શૂટિંગ કરતો હોય છે અને વાઈડ ફોક્સ લેન્સ આસપાસના પરિસરનું! 

અને હવે શરૂ થાય છે , સાચું ફિલ્માંકન એટલે કે ખરું મૂલ્યાંકન. આ ટ્રાયલ દરમ્યાન મુખ્યત્વે Hossain Sabzianની ફેર-તપાસ એક મંજાયેલ જજ અને સમયાંતરે ડિરેક્ટર કિઆરોસ્તામી ખુદ કરતા રહે છે અને ત્યારે જ એક પાત્ર આકાર લે છે. Hossain Sabzianનું કન્ફેશન કહો કે ગિલ્ટ’થી લબાલબ બયાન કહો, પણ એની વાર્તાનો ઉઘાડ થાય છે કે જ્યાં એ એક ડિરેક્ટર નહીં પણ વાસ્તવિક વાર્તાનું પીડિત પાત્ર હતું કે જેણે એક ક્ષણમાં પરકાયા પ્રવેશ થકી પોતાની અસલી સમસ્યાઓનો તોડ શોધી કાઢ્યો હતો. એ સન્માન , એ સ્વીકાર અને એ સ્થાન મેળવી શક્યો હતો કે જે તેને આટલા વર્ષોના પીડા અને સંઘર્ષ બાદ પણ મળી શક્યા ન હતા! Thwart’માંથી જાણેઅજાણે તેણે Art સર્જી બતાવી હતી! પીડા અને પેશન તેને પરકાયા પ્રવેશ થકી એક પર્સનાલિટી ઉભી કરવા સુધી દોરી લાવ્યા હતા. માણસથી માનસ સુધી એ વિસ્તર્યો હતો.

જાણેકે એક ખરો આર્ટિસ્ટ કૈક નવા પણ નકારાયેલા આર્ટને વ્યક્ત કરી રહ્યો હતો. ગળાડૂબ હોવાથી લઈને એકાકાર થવાની એ ક્ષણો હતી , એ બીજાને તો ઠીક પણ ખુદને જ છેતરતો હતો પણ તેને એ છલના કંઈક અજીબ સંતુષ્ઠિ આપી રહી હતી. પોતાના નિર્દોષ હોવાના સમર્થનમાં એ ટાંકતા અને તાકતા કહે છે કે; ” When spite comes along, Art dons a veil ” ત્યારે ઘડીક તેનાથી અનાયાસે સહમત પણ થઇ જવાય અને ઘડીક એમ પણ લાગે કે ક્યાંક ફરી તે કોઈ નવું જ પાત્ર નથી ભજવી રહ્યો ને! આ કળાનું પ્રતિબિંબ ઝીલતા જીવનની વાત છે કે કામચલાઉ છટકબારી? કંઈક પામવા / જીવવા તમે કઈ હદ સુધી જઈ શકો? ઇન્સ્પાયર્ડ અને ઈન્ફેક્ટેડ વચ્ચે બહુ પાતળી ભેદરેખા હોવાની…પણ ના , આ કોઈ થ્રિલર નથી. ક્યારેક જીવનની કમઠાણને કોઈ ખભો મળે તો એમાંથી કરામાત કંડારાઈ જવાની આ ક્લાસિક કહાની છે.

અહીં હરકોઈ પોતાના દ્રષ્ટિકોણથી ઘટનાને જોઈ રહ્યું છે; પેલો જર્નાલિસ્ટ આમાં કોઈ સેન્સેશન જોઈને Hossain Sabzianને પ્રતિનાયક તો ડિરેક્ટર કિઆરોસ્તામી આમાં કળાના એક ભાવકને નાયક તરીકે જોઈ રહ્યા છે. તો Hossain Sabzian ખુદ પોતાને ( અને તેના જેવા કઈ કેટલાયને ) સમાજના ભોગ બન્યાનું જણાવી કૈક નવીન જ પ્રતિબિંબીત કરી રહ્યો છે.જાણેકે હરકોઈ કલાના રૂપને અલગ રીતે જ જોઈ-જાણીને વ્યક્ત કરી રહ્યા છે! મલ્ટીપલ નેરેટિવ્સ વત્તા રિયાલિઝમ વત્તા સોસાયટી ઇશ્યુઝનો વીંટલો વાળીને જે ઘટના Mohsen Makhmalbaf’ની The Cyclistથી આરંભાઈ હતી, એ મધ્યાહ્ને ખુદ Abbas Kiarostamiની જ The Travelerનો સંદર્ભ લઈને પોતાની નિયત અને નિયતિને યથાર્થ ઠેરવે છે, અને એમ કરતા જ ક્યાંક ક્યાંક 4th વોલ પણ ભેદી બતાવે છે.

આ ફિલ્મ સિનેમા વિશે છે અને નથી પણ, એવું કહેતા ડિરેક્ટર સૌ પહેલા તો અહિંયા એક વ્યૂઅર બાદમાં કેરેક્ટર અને ત્યારબાદ લેખક-ડિરેક્ટર તરીકે ઉભરી આવે છે. ઘણા વર્ષો પહેલા આ મુવી વિશે મેં સાંભળ્યું હતું અને છેક ત્યારથી જ આ મૂવીનું પોસ્ટર મારા મનમાં સજ્જડ ચોંટી ગયેલું! બે લોકો બાઈક પર જતા હોય છે અને પાછળવાળા પાસે ફૂલોનો ગુલદસ્તો હોય છે અને હું એ જ દ્રશ્ય સારાયે મુવીમાં છેક શરૂઆતથી ખોળતો રહ્યો હતો અને આખરે એ દ્રશ્ય આવે છે, ક્લાયમેક્સમાં…વ્હોટ અ બ્યુટીફૂલ એન્ડ!

IMDb : 8.3  | Rotten Tomatoes : 88%

> > Me : 8.5  < <


Taste of Cherry , 1997

તહેરાનના બાહ્ય વિસ્તારની એ ટેકરીઓમાં એક ગાડી સતત ધીમી ધારે ફરી રહી હતી, અટકી રહી હતી ને ફરીફરીને આગળ ધપી રહી હતી. કોઈ હતું કે જે ચહેરાઓની ભૂગોળ ફંફોસી રહ્યું હતું , પોતાના ઉદ્દેશને આખરી અંજામ સુધી પહોંચાડવા માટેના એ હાથની જોડ શોધી રહ્યું હતું. આખરે એ વ્યક્તિ પહેલા તો થોડું અટકાઈને-અચકાઈને એક વ્યક્તિને કૈક પૂછે છે; અને પેલો ગુસ્સે થતા ગાડી હંકારી મૂકે છે! ફરી કોઈ કચરા વીણતાં વ્યક્તિને તેની રોજબરોજના હાલચાલ પૂછતાં પૂછતાં ‘પૂછવાની’ નિષ્ફ્ળ કોશિશ કરતો રહે છે, ને વળી આગળ ચકરાવા લેતો રહે છે. તે શું પૂછી રહ્યો હતો અથવા તો શું માંગવાની ફિરાકમાં હતો એનો જવાબ આપણને ત્યારે મળે છે કે જયારે એક નવાણીયો સૈનિક તેની ગાડીમાં લિફ્ટ લે છે અને વાત તથા ગાડી પોતપોતાની દિશા પકડે છે.

વળી પાછી ગાડી એ ટેકરીઓના નિર્જન ને ચકરાવા લેતી કેડીઓ પર હંકારી જાય છે ને એક જગ્યાએ બંને પાત્રોને આખરે અકળાવતી ઉભી રહે છે. ત્યારે શાંત કોલાહલ મચાવતી એ માંગણી જાણવા મળે છે કે એ વ્યક્તિએ આ ઢોળાવ પર એક નાનકડા ચેરીના ઝાડવા નીચે ખાડો ખોદી રાખ્યો હોય છે કે જેની અંદર તે અઢળક નીંદરની ટીકડીઓ ખાઈને કાયમ માટે સુઈ જવાનો હતો અને પેલા સૈનિકે માત્ર બીજી સવારે આવીને તેની કબર અથવા તો ખાડાને માટીથી પૂરી દેવાની રહેતી હતી! [ ઢઢન…ઢઢન…ઢઢન ] પેલો તો રીતસરનો ફફડી ઉઠે છે! અને સાપ સૂંઘી ગયો હોય એમ પૂતળાની જેમ ખોડાઈ જાય છે!

દ્રશ્ય બીજું; બીજું પાત્ર પ્રવેશે છે એક સિક્યોરિટી ગાર્ડ… પણ તેની સુધી તો વાત પહોંચતી જ નથી પણ તેના થકી વાત હજુ એક ડગલું આગળ વધીને કોઈ બીજા પાત્ર સુધી પહોંચે છે. – ધર્મનું પ્રાથમિક શિક્ષણ લઈ રહેલ તેનો વિદેશી આગંતુક મિત્ર ( Seminarist ) તેની સાથે મૂળ વાત તો મરણાતુર મિ. બાદી કરી જાણે છે પણ ત્યાં પણ કાંઈ મેળ પડતો નથી! ~ ત્યાં પણ મદદ માટે હાથની જોડીને બદલે ઉપદેશની બોણી મળે છે! એ સમજે છે પણ પીડાનું પ્રત્યાયન નથી સ્વીકારી શકતો, કેમકે આત્મહત્યામાં પણ કોઈની હત્યા તો નિહિત જ છે ને! તમે ભલે દુઃખી હોવ પણ એ દુઃખમાંથી નાસી છૂટવા તમે હત્યા તો ન જ કરી શકો, ખુદની પણ નહીં!

દ્રશ્ય ત્રીજું; મંચ પર ત્રીજું પાત્ર પ્રવેશે છે; અને એ પણ સાવ અચાનક…અને વાતનો દૌર કૈક અલગ જ દિશામાં ચાલી નીકળે છે. જી હા, અહિંયા પ્રારંભિક મુસદ્દા બાદ વધુ પડતી અને એકપક્ષે વાતચીત ગાડીમાં આવી બેઠેલા એક પ્રૌઢ જ કરે છે અને એ પણ કોઈ ઉધારના લીધેલ ઉપદેશ વડે નહિ પણ અંગત અનુભવ પરથી! જી હા , એ પ્રૌઢ કે જેઓ મ્યુઝિયમમાં કામ કરતા હતા એમણે પણ આત્મહત્યાનો પ્રયાસ કરી જાણ્યો હતો અને એ વાત કમ વાર્તા કૈક અલગ જ માહૌલમાં સંવેદને પણ છે. [ પણ એ વાર્તાનો આછો પાતળો ચિત્તાર પણ હું તમને નહિ કહું કે જે શેતૂરના છાંયે અને સ્વાદે ઉભરી આવ્યો હતો, કે જે આગળ જતા ફિલ્મનું ટાઇટલ પણ સિધ્ધ કરે છે. ~ ખુદમાં જ એક સ્વીટ શોર્ટ ફિલ્મ જેવો. ]

[ આમ વારતા માંડવી જરૂરી હતી! ] આ સઘળા વાદ-વિવાદ અને સંવાદ દરમ્યાન મિ.બાદી’નો ચહેરો ખરલમાં ઘૂંટાઈને ઘટ્ટ થતા ઓસડિયાની માફક એકરસ થતો જાય છે અને એક તબક્કે એ ચહેરાની પીડા અકથ્ય સ્તર પર પહોંચે છે, જાણેકે આ અંતહીન અને દિશાહીન રસ્તાઓની જેમજ તેનું જીવન ખોરંભે ચડી ગયું છે! આ કોઈ ઉતાવળીયો નિર્ણય નથી અને હાલમાં પણ તે ઉગ્ર થયા વિના સતત મરણને કાંઠે લાંગરવા મથતો રહે છે. જાણેકે ગોળગોળ ઘુમરાયા કરતા આ રસ્તાઓ એક અનંત કેદની જેમ તેને જકડી રહ્યા છે અને તેને વચ્ચે જ ઉતરી જવું છે. પણ શું સવારનો પ્હોર , પંખીઓની ચહચહાટ , બાળકોનો નિર્દોષ ચહેરો , સૂરજ-તારા ને ચાંદાની વાદળો વચ્ચે લૂકાછુપી , ઝરણાના પાણીનો એ ખળભળાટ , બદલાતી મોસમ અને બદલાતા ફળો અને એ ફળોનો સ્વાદ પણ શું એ ત્યજી દેવા માંગે છે? શું તેના કોઈ સંસ્મરણો નથી? એ સ્પર્શ અને સંવેદનાનું શું?

જીવન, મૃત્યુ, માનવતા, નૈતિકતા, રોજિઁદગી ને સામાન્યતા , સ્થળાંતર ને મૂળ સોતા ઉખડેલા મનેખની મનોદશાને વાર્તાના વિધવિવિધ વળાંકે આલેખતી આ મીનીમલીસ્ટ એવી ફિલોસોફિકલ ફિલ્મમાં બધા પાત્રોની સરખામણીએ મુખ્ય પીડિત પાત્રની કોઈ દશા કે દિશા દર્શાવાઈ નથી. તે કોણ હતો , તેની સાથે શું થયું હતું , તે શા માટે અહિંયા દૂર ટેકરીઓમાં ચેરીના ઝાડ નીચે મરવા માંગે છે? કઈ કરતા કઈ નહીં, જાણેકે આપણે પણ પેલા અજાણ્યા મુસાફીરોની માફક જ તેની ગાડીમાં જઈ ચડ્યા છીએ! અને આ બધું જ સતત વર્તુળાકારે ઘુમરાતા ને ફરીફરી ચડતા ઉતરતા કાચા રસ્તાઓનો મેટાફોરમાં ઝીલાયું છે.

વિઝ્યુઅલ પેટર્ન કહો કે સિમ્બોલિઝમ કહો આ વર્તુળો અનંતની ઝાંખી કરાવે છે, ફરી ફરીને ઠેરના ઠેર! ઈરાનમાં વસતા વિવિધ સમુદાયો જેવા કે કુર્દ-અફઘાનો-તુર્ક અને સ્થાનિકોની પશ્ચાદભૂમાં પહેલા તો એક યોદ્ધા ત્યારબાદ એક ધર્મગુરુ ને આખરે એક સામાન્ય માણસ થકી જીવન ઝઝૂમે છે પણ મૃત્યુ કે જે અફર છે એ મિ.બાદી’ના એ નિરાશ ચહેરામાં સતત સ્થિરપણે મક્ક્મ થતું જાય છે. જે-તે સમયે કાન ફેસ્ટિવલમાં અત્યંત ડ્રામેટિક સ્ટાઈલમાં Palme d’Or જીતેલી આ ફિલ્મે ક્રિટીક્સના બે ભાગલા પાડી દીધેલા! રોજર ઇબર્ટે આ ફિલ્મની જબરી ઝાટકણી સુધ્ધાં કાઢેલી! પણ બળુકા પર્ફોર્મન્સીસ [ બધ્ધેબધા નોન-પ્રોફેશનલ એક્ટર્સ ] અને કમાલના વિધવિવિધ શોટ્સમાં ફિલ્માવાયેલ , ફરી પાછી ઓપન એન્ડ’માં જઈ સલવાતી આ ફિલ્મ મને તો ગમી ગઈ.

Abbas Kiarostami, on Location

IMDb : 7.7  | Rotten Tomatoes : 84%

> > Me : 8.5  < <


The Wind Will Carry Us , 1999

ફરી એ જ લૉંગ શોટમાં દૂર વળાંકો લેતી પર્વતીય કાચી કેડીઓમાં ધૂળીયે મારગે દોડી જતી કારનું દ્રશ્ય અને તેના ગંતવ્ય સુધી પહોંચવા દરમ્યાન અંદર બેસેલા મુસાફિરોનો સંવાદ અને ફરી કોઈ અજાણી પૃષ્ઠભૂમિમાં અજાણ્યા પ્રવાસીઓની રાહદારીઓ સાથે દાસ્તાનની અકળ શરૂઆત… Behzad અને તેની સાથેના બે ક્રુ મેમ્બર્સ રાજધાની તહેરાનથી અંદાજે 450 માઈલથી પણ દૂર આ ઇરાનિયન કુર્દિસ્તાનના પહાડી ગ્રામ્ય વિસ્તારમાં એક ઇવેન્ટ કવર કરવા આવ્યા હતા; કે જે હતી મરણપથારીએ પડેલી શતાયુ એવી મહિલાની પારંપરિક અંતિમવિધિનું ફિલ્માંકન!

અહીંના કોઈ લોકલ કોન્ટેક થકી તેમને આ વાતની જાણ થઇ હતી અને તેણે રહેવા-જમવાની થોડીઘણી વ્યવસ્થા પણ આ લોકો માટે એક ઘરમાં કરી રાખી હતી. અને બસ ત્યાંથી જ શરૂ થાય છે ઓલમોસ્ટ વાર્તાતત્વની ગેરહાજરી વિનાનું બેહઝાદની નજરે ઉઘડતું કથાનક! જી હા , પહેલી વાત તો એ કે મેં જે અહિંયા તમને શરૂઆતમાં જ વિષયવસ્તુથી વાકેફ કરાવ્યા , એ અહિંયા ફિલ્મ જોયે લગભગ અડધે પહોંચ્યે પણ માલુમ નથી પડતું! અને આ જ મિસ્ટિક ફ્લેવર કિઆરોસ્તામીની ફિલ્મોને એક અલગ જ રિયાલિસ્ટિક ચાર્મ આપે છે! પણ એ દરમ્યાન એક ક્ષણ માટે પણ ફિલ્મની એક પણ ફ્રેમ પરથી તમારું ધ્યાન હટે તો મને કહેવું…

ઘટનાતત્વના લોપ અને વાર્તાના પીંડ ગૂંથાવાની એ ધીમી ક્ષણો દરમ્યાન એક અલગ જ ભાવજગત પહાડીઓની ગોદમાં એકમેક પર લદાયેલ અને લપાયેલ પઝલ જેવા ગાર-માટીના લીંપણ વડે બનેલા કાચા પણ ચોખ્ખા ઘરોંની ગૂંથણીના ગામમાં ગોચર થાય છે. જયારે કાર ગામની બહાર જ ગરમ થઈને બંધ પડી જાય છે, ત્યારે બહેઝાદ, ગાઈડ જેવો જ પણ વર્તમાનમાં મિત્ર બની ગયેલ માસુમ એવા બાળક ફરહાદ સાથે ગામમાં રીતસર ટેકરીઓ ચડીને પાછળની બાજુએથી ટોચ પરથી પ્રવેશે છે અને હવે તે ગામની ટોચ પરથી નીચે ઉતરતો , વિસ્મયતો આખું ગામ જોતો જાય છે. [ આ રીતે ડિરેક્ટર પાત્રોની નજરે દેખતા દેખતા આપણને એક અલગ જ પરિમાણથી સઘળું દેખાડી જાય છે! સેલ્યુટ. ] અને તમે એ ગામ જુઓ…અદભુત બસ અદભુત . . . ગામ ટેકરીઓના ઢોળાવ પર વસેલું હોઈ બધા જ ઘર એકમેક પર પઝલના પીસ ગોઠવાયેલા હોય એમ ઉપરોઉપર અને ઉત્તરોતર બાંધણીમાં બનેલું હોય છે! [ જાણે ખડક પર ખડકાયેલ અને એકમેકમાં લપાયેલ. ]

અને હવે શરૂ થાય છે બહેઝાદની રાહ અને ઘટના ઘટી કે નહિ તે માટેની પૂછપરછ માટે આવતા કોલ માટે વધુ ને વધુ ઊંચાઈએ દોડી જવાની તેની કવાયત! જી હાં, પ્રોડ્યુસરનો કોલ અહિંયા પહાડની ઓથે સરખો ઝીલાતો ન હોવાને લીધે દર વખતે બહેઝાદ કાર હંકારી મૂકીને છેક નજીકની પહાડીની ટોચે દોટ મૂકે છે, અને એમાં જ તે રોજબરોજના ગ્રામ્ય જીવન અને તેની રહેણીકહેણીથી ધીમે ધીમે વાકેફ થઇ ટેવાતો જાય છે. જુવાન પુરુષો વિનાના [ કેમકે, તેઓ કાં તો ખેતરે કાં તો આર્મીમાં ગયા હોઈને ] માત્ર સ્ત્રીઓ,બાળકો અને વૃદ્ધોથી વસેલા આ ગામમાં સમય જાણે થંભી ગયો છે , ઉતાવળની અહિંયા ઉતાવળે અર્થી ઉઠી છે, પણ મિસિસ.મલેક કે જેના નિધનની રાહમાં આ લોકો અહિંયા આવ્યા હતા એ તો ધીરેધીરે સ્વસ્થ થતા હોવાનું માલુમ થાય છે અને ફરી અફરાતફરી મચે છે [ ક્રુ મેમ્બર્સ અકળાય છે , દૂર બેઠો બોસ અકળાય છે અને આ બધાની અકળામણ વેઠતો બેહઝાદ પણ અકળાઈ ઉઠે છે! ]

પણ આ બધી ઘટનાઓમાં બહેઝાદનું ભાથું બંધાતું જતું હોય છે. એ ગ્રામ્યજીવનની સહજતા , ગ્રામ્યજનોનો નિસ્વાર્થ પ્રેમ , બાળકની નજરે રહસ્યનું કહેવાયે વધુ રોમાંચીત થતા હોવાનું અનુભવવું અને તેના કહેવાતા વૃક્ષના બ્રિજ વિશે જાણે છે. ખબર નહીં કેમ પણ તે અહિંયા અજાણ્યું નથી અનુભવતો , બસ નીકળી પડે છે એ અજાણી ગલીઓમાં , કવિતા કરતો -અકળ બાઘાની જેમ ચારેકોર દોડ્યા કરતો , વિસ્મરતો-વિસ્મયતો , ચડતો ઉતરતો… પહાડીની ટોચે ખાડો ખોદતાં અજાણ્યા વ્યક્તિથી લઈને ગમાણમાં અંધારે દૂધ દોહતી યુવતી સાથે તે અનુસંધાય છે અને એમાં જ અંધકારમાં પણ કવિતાના ઉજાસે તે કેડીની સાથે ચહેરાઓ પણ કંડારી જાય છે.

દેખીતા-વણસૂઝેલા પાત્રોની એક અલાયદી સૃષ્ટિ અહીં ખડી થઇ છે; બંડ પોકારતી મક્કમ અને મૂંહફટ્ટ એવી ‘ચા’ પીરસતી પ્રૌઢ મહિલા , અતિવૃદ્ધ મા’નો વૃદ્ધ દીકરો , ફ્રેશ બ્રેડ લઈ આવતો નાનકડો ફરહાદ , જેમના ઘરે ઉતર્યા હતા એવી 9 બાળકોની શરમાતી મા , આ ટ્રેડિશનલ ડેથ સેરેમનીને ધિક્કારતો શિક્ષક ( અને તેના પાત્રનો પ્રવેશ અને ભૂમિકા પણ અત્યંત રસપ્રદ છે. ) , અન’લિમિટેડ’ ડિગ્રીવાળો ડોક્ટર

This slideshow requires JavaScript.

 

અને આ બધા કરતા પણ ‘ન દેખાતા’ પાત્રો અહિંયા ગજબ અસર છોડતા જાય છે; ખાડો/નાની ટનલ ખોદતો યુસુફ , તેની જ વાગ્દત્તા ઝૈનબ , મરણપથારીએ પડેલી મિસિસ.મલેક , બહેઝાદ સાથેના 2 ક્રુ મેમ્બર્સ , ફરહાદના પિતા , બહેઝાદના પ્રોડ્યુસર અને કેટલાય રાહદારીઓ… [ પાત્રો ન દેખાડવા પાછળ પણ કિઆરોસ્તામીનો એક કીમિયો છે; પણ એ વાત કોઈ કમેન્ટમાં પૂછશે તો જ કહીશ! 🙂 ] આ બધા જ પાત્રો બહેઝાદ સાથેની વાતચીત દરમ્યાન તેના ચહેરા પર હાવભાવ રૂપે જીવંત થઇ ઉઠે છે!

અને આ બધાની સાંખે બહેઝાદ પણ નીખરતો જાય છે; પહેલા એક દર્શક અને બાદમાં એક સાક્ષી તરીકે ઉભરી આવે છે. સિમ્બોલિઝમ કહો તો સિમ્બોલિઝમ પણ, જે પાઠ તેને ટોચે નથી શીખવા મળ્યો એ તેને નીચે તળેટી અને તેનાથી પણ આગળ જતા અંધારી ગમાણમાં ફાનસના અજવાળે સ્વંય સ્ફુરે છે. માણો એ કવિતા, કે જે તે ઝૈનબને સંભળાવે છે. [ પ્રસિદ્ધ ઇરાનિયન મહિલા કવિયત્રી એવી Forough Farrokhzadની રચના. ]

In my night, so brief, alas
The wind is about to meet the leaves.
My night so brief is filled with devastating anguish
Hark! Do you hear the whisper of the shadows?

This happiness feels foreign to me.
I am accustomed to despair.
Hark! Do you hear the whisper of the shadows?

There, in the night, something is happening
The moon is red and anxious.
And, clinging to this roof

That could collapse at any moment,
The clouds, like a crowd of mourning women,
Await the birth of the rain.
One second, and then nothing.

Behind this window,
The night trembles
And the earth stops spinning.
Behind this window, a stranger
Worries about me and you.

You in your greenery,
Lay your hands – those burning memories –
On my loving hands.

And entrust your lips, replete with life’s warmth,
To the touch of my loving lips
The wind will carry us!
The wind will carry us!

Slow Disclosure નેરેટિવ ટેક્નિકમાં ફિલ્માવાયેલા આ મિનિમલિસ્ટ કથાનકનાં સતત સલામ-દુઆ પાઠવવાના માહૌલમાં ક્યારેક પાછી કંટાળાની / ઉકળાટની / અબોલાની ને સરવાળે માફીની / સ્વીકારની ક્ષણો પણ આવે છે કે જેમાં જ જીવન, મૃત્યુ, પ્રેમ, વર્તમાનની પસંદગી , સ્વંયના સ્વીકાર , અસ્તિત્વવાદ અને નથિંગથી લઈને એવરીથીંગ સુધી સઘળું ઝીલાય છે. અહિંયા અંધારિયા ખાડાથી લઈને અગોચર ગમાણ અને ઉલ્ટા થઇ સંકોરાયેલા ગયેલા કાચબાથી લઈને સતત પ્રયત્નશીલ છાણીયા કીડા સુધી , કવિતા સંભળાવવાથી લઈને ખુદ કવિતા સાંભળવા સુધી, ભૂખરી પહાડીઓ ને લીલી વનરાજીની પશ્ચાદભૂથી આગળ જઈને વા હારે વહેતા ડુંડાઓનું નાચતું સટીક સિમ્બોલિઝમ પણ છે.

ફરી એકવાર અત્યંત અઘરું પણ કિઆરોસ્તામીના હાથોમાં સહજ રીતે જીવંત થઇ ઉઠતું આ ટ્રુથ કમ ફિક્શન અને ડોક્યુમેન્ટરી કમ ડ્રામેટાઇઝેશન પેલી ચા પીરસનારી મક્કમ મહિલાના સોબડા અને સબડકાની જેમ એકસાથે શ્વસે છે! ફરી એ દ્રશ્યો નજર સમક્ષ તરવરી ઉઠે છે કે જ્યાં ચુપકેથી બહેઝાદ દૂધના પૈસા કમાડની તિરાડમાં ભરાવીને ચાલ્યો જાય છે; કે જ્યાં બીમાર વ્યક્તિ તમારું બનાવેલ ખાણું ખાય તો તમારી ઈચ્છા પુરી થાય છે; કે જ્યાં એકલા ને અલગારી કામ કરતા ખુદને જ ગીત ગાઈ સંભળાવવાની મોઘમ મોજ છે. આખિરમાં ઉમર ખય્યામની એ રુબાયત સાથે વિરમીએ કે;

Love you a lot, Kiarostami

They tell me the other world is,
as beautiful as a houri from heaven!
Yet I say that the juice of the vine is better.
Prefer the present to those fine promises.
Even a drum sounds melodious from afar.


 

IMDb : 7.6  | Rotten Tomatoes : 97%

> > Me : 9  < <