ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

1} અને એ પળ આવી ગઈ કે જયારે હું સારાયે વર્ષની મુવીઝનું સરવૈયું આપું અને રીતસરનો નીચોવાઈ જાઉં [ પોસ્ટ શરૂ થઇ હોય ત્યારે શ્રી રામ અને પૂરું કરું ત્યાં સુધી હે રામ ! થઇ જાય. ]

2} આ ચોથું વર્ષ છે કે જયારે હું હોલીવુડ & વર્લ્ડ મુવીઝનું ટોપ 25’નું લિસ્ટ બનાવતો હોઉં અને માટે જ ઘણી મૂવીઝમાં પસાર થવાનું બને અને સરવાળે જે તે વર્ષ પૂરું થયાના 7-8 મહિનામાં આ પોસ્ટ બની જાય , પણ આ વખતે ‘વખતે’ ઢસડી ઢસડીને માર્યા અને એટલે જ છેક હવે 2018’ના પહેલા મહિનામાં 2016’ની મુવીઝનું તા થૈયા કરું છું! કાંઈ વાંધો નહિ , સમય તો સાપેક્ષ છે અને એ બધી બબાલ સમય અને ખુદ આઈન્સટાઈન જાણે . . આપણે તો દ્વારકા પહોંચ્યાથી મતલબ ને ? બોલો જે શી ક્રષ્ણ 🙂

3} આ વખતે છેલ્લા ત્રણ વર્ષની સાપેક્ષે સંબંધિત વર્ષની સૌથી વધુ મુવીઝ જોવાઈ102* [ 2015’માં 97 , 2014’માં 87 અને 2013’માં 92 મુવીઝ ] અને આ ચાર વર્ષોની અંધાધૂંધ દેખા’દેખીને કારણે જ ક્ષિતિજને પેલે પારની આલાતરીન મુવીઝ જોવાતી થઇ છે કે જેણે મારી સમજણનો વ્યાપ વધાર્યો છે , કૈક અંશે ઓછો ફિલ્મી કર્યો છે ! અને આમ પણ આ વર્ષે ગયા વર્ષોની સાપેક્ષે એક વર્ષમાં ઓછી ફિલ્મો / ટીવી સિરીઝ જોઈ છે ~ 2017’માં માત્ર 134 ટાઇટલ્સ [ 2016’માં 191 જયારે 2015’માં 215 ટાઇટલ્સ જોવાયા હતા , બોલો ! ]

4} છતાં પણ એક બાબતે પ્રગતિ થઇ , અને તે એ કે કુલ 102 મુવીઝમાંથી 25 વર્લ્ડ સિનેમા હતી ! છતાં પણ ઘણીખરી વર્લ્ડ ક્લાસ મુવીઝ વર્ષ પૂરું થઇ જાય તો પણ રિલીઝ નથી થતી અથવા તો સબટાઈટલ્સના ઠેકાણા નથી હોતા , માટે હાથ ઘસતા રહી જવું પડે છે ~ છતાંયે દર વખતે જેટલી પણ વર્લ્ડ મુવીઝ હું જોવા પામું છું , તેમાંની ઘણી ખરી મારા ટોપ લિસ્ટ’માં સ્થાન મેળવે જ છે અને અમો ધન્યતા અનુભવીએ છીએ 🙂 આ જુઓને આજના આ ટોપ 25’ના લિસ્ટમાં જ 12 મુવીઝ તો વર્લ્ડ સિનેમાની જ છે !

5} અને છેલ્લે , આ વખતે તો કૈક અજબ જ રાઈટર્સ બ્લોક . . ઉપ્સ ! બ્લોગર્સ બ્લોક હાવી રહ્યો અને તેથી જ ઘણા એટલે ઘણા સમય સુધી કીબોર્ડ અને મારે રીતસરના અબોલા રહ્યા – આમેય હું શરૂઆતમાં લખી શકતો નથી અને બાદમાં અટકી શકતો નથી [ પહેલા કોન્સ્ટીપેશન ને બાદમાં લુઝ મોશન ~ ગુજરાતીમાં નો લખાય , બા ખીજાય – જય અશોક દવે 🙂 ]

6} તો જ્ઞાનીજનો , તમેય કૈક બોલો કેમકે એમાં બા નો ખીજાય અને આ મુવીઝમાંથી કોઈ મુવી વિષે મારી સાથે અસહમત હો તો બિન્દાસ્ત બઘડાટી બોલાવો. 

>> ખાસ નોંધ <<

આ વખતે બીજીવાર એવું બન્યું કે કોઈ એનિમેશન મારા લિસ્ટ’માં પહેલા સ્થાને આવ્યું હોય [ પૂર્વે 2014’માં Song of the Sea ] અને પહેલીવાર એવું બન્યું કે બે બળુકા મુવીઝ પહેલા સ્થાને સહિયારા આવ્યા હોય !


Previous Installments

~ The Greatest Movies of 2015 ~

~ The Greatest Movies of 2014 ~

~ The Greatest Movies of 2013 ~

[ Hollywood & World cinema ]


IMAGES : 30 + 30 + 90 [ Still ] & 31 [ GIf’s ]

It would take a while to load the whole post .


Total movies watched ( released in 2016 )

~ ~ ~ ~ ~

1] Batman v Superman: Dawn of Justice 2] The Jungle Book 3] Deadpool 4] Captain America: Civil War 5] Zootopia 6] Kung Fu Panda 3 7] A Bigger Splash 8] Pride and Prejudice and Zombies 9] Hail, Caesar! 10] The Huntsman: Winter’s War 11] A Hologram for the King  12] Warcraft: The Beginning 13] X-Men: Apocalypse 14] London Has Fallen 15] How to Be Single 16] Alice Through the Looking Glass 17] Teenage Mutant Ninja Turtles: Out of the Shadows 18] The Legend of Tarzan 19] Now You See Me 2 20] The Nice Guys 21] Ghostbusters 22] The Man Who Knew Infinity 23] Bad Moms 24] Doctor Strange 25] Sleeping with Other People

26] Fantastic Beasts and Where to Find Them 27] Central Intelligence 28] Star Trek: Beyond 29] Suicide Squad 30] Eddie the Eagle 31] The BFG 32] Maggie’s Plan 33] Midnight Special 34] Miss Peregrine’s Home for Peculiar Children 35] Café Society 36] Swiss Army Man 37] Finding Dory 38] Jack Reacher: Never Go Back 39] The Magnificent Seven 40] Assassin’s Creed 41] Jason Bourne 42] The Founder 43] Passengers 44] Eye in the Sky 45] Inferno 46] Miss Sloane 47] Guardians of the Galaxy Vol. 2 48] Pete’s Dragon 49] Love & Friendship 50] Moana

51] The Boy and the Beast 52] Kubo and the Two Strings 53] Toni Erdmann 54] The Great Wall 55] Rogue One: A Star Wars Story 56] Hunt for the Wilderpeople 57] Queen of Katwe 58] Hacksaw Ridge  59] In a Valley of Violence 60] The Red Turtle 61] 20th Century Women  62] Hidden Figures 63] Tale of Tales 64] Phantom Boy 65] Graduation 66] Sully 67] Allied 68] The Edge of Seventeen 69] Captain Fantastic 70] Elle 71] Don’t Think Twice 72] Aquarius 73] Arrival 74] La La Land 75] Lion

76] Nocturnal Animals 77] Sing Street 78] Moonlight 79] Hell or High Water 80] Things to Come 81] The Age of Shadows 82] Everybody Wants Some!! 83] Silence 84] Manchester by the Sea 85] A Monster Calls 86] The Salesman 87] Fences 88] Loving 89] A Man Called Ove 90] The Handmaiden 91] I, Daniel Blake 92] Sunset Song 93] My Life as a Zucchini 94] Jackie 95] Paterson 96] Little Men 97] Land of Mine 98] The Innocents 99] Certain Women 100] Your Name 101] After the Storm 102] Personal Shopper


Yet to watch ‘ movies of the year 2016

( As some movies were just missed or Skipped or Ignored ! )

The 5th Wave , Neighbors 2: Sorority Rising , Triple 9 , Gods of Egypt ,

War Dogs , Imperium , Sausage Party , Skiptrace ,Nerve ,The Shallows ,

Zoolander 2 , The Finest Hours , Dirty Grandpa , Train to Busan , Christine

13 Hours : The Secret Soldiers of Benghazi , Whiskey Tango Foxtrot ,

Ice Age – Collision Course , The Infiltrator , The Secret Life of Pets

Mike and Dave Need Wedding Dates , Independence Day Resurgence

Dont Breathe , Lights Out , The Wailing , The Conjuring 2 , The Meddler

The Fits , Trolls , Already Tomorrow in Hong Kong , Money Monster

Kingsglaive Final Fantasy XV , Mechanic ~ Resurrection , 10 Cloverfield Lane

, Wiener Dog , Allegiant , Free State Of Jones , The Fundamentals of Caring ,

High-Rise , Genius , Bridget Joness Baby , Equals , Demolition , Miss Hokusai

SouthSide with You , Rules Don’t Apply , Patriots Day , A United Kingdom ,

Deepwater Horizon , Florence Foster Jenkins , Anthropoid , Indignation ,

Storks , Like Crazy , It’s Only the End of the World , Always Shine , Julieta ,

Krisha , The Girl on the Train , Light Between Ocean , The Birth Of A Nation

American Honey , The Neon Demon , Knight of cups, Sieranevada , Blue Jay

Right now wrong then , Angry Birds , All the Way , Morris From America

[ Any strong recommendations for me , from these movies ? ]


Failed to impress , despite it’s Legacy / Character / Theme / Casting !

~ ~ ~ ~ ~

Batman v Superman: Dawn of Justice , The Huntsman: Winter’sWar

Warcraft: The Beginning , X-Men: Apocalypse , The Legend of Tarzan

Now You See Me 2 , The Man Who Knew Infinity , Suicide Squad

Jack Reacher: Never Go Back , Assassin’s Creed , Inferno


Entertainer / Adorable / Not ‘ The Bestbut approaching it !

~ ~ ~ ~ ~


Honourable Mentions

Worth a Watch | Genuine & Sensible Cinema

~ ~ ~ ~ ~


My Final List

Of

The Greatest Movies

of

~ 2 0 1 6 ~


~ 25 ~

Nocturnal Animals 

IMDb Summary : A wealthy art gallery owner receives a draft of her ex-husband’s new novel, and once she starts reading it she just cannot put it down. –  Official Trailer

કોઈ ઘટનાક્રમ ક્યારેક શું એટલો સજ્જ હોય શકે કે એ સજ્જડ ચોંટી જાય ? તમે એને અસ્તિત્વથી અલગ જ ન કરી શકો ! આંખો ખુલ્લી હોય કે બંધ , જાણે નજર સામે જ એ ઘટના તરવરતી લાગે , તરતી લાગે ને દિનપ્રતિદિન ડુબાડતી લાગે . . સતત તમને ઊંડા અંધારે ખેંચતી લઈ જાય. જાણે એ સમય બાદ તમે કૈક ગુમાવી ચુક્યા છો , આંખોની એ નિર્દોષ ચમક અને હાથની એ ઉષ્મા ઉડી ગઈ છે ! તો સાચું શું હતું ? તમે જે વાંચો છો એ કે પછી તમે જીવેલું એ કોઈ મેટાફોર સ્વરૂપે ફરી પડઘાઈ રહ્યું છે ?

યસ , મુવી એ હદે વાસ્તવિક લાગે છે કે કોઈ કોઈ દ્રશ્યોમાં તો રીતસરનો પરસેવો છૂટી જાય , રૂંવાડા ઉભા થાય એમ કહેવું થોડું સામાન્ય લાગે પણ ‘ રીતસર રોંગટે ખડે હો ગયે ‘ એવું હિન્દીમાં જ લખવું પડે ! [ કાર હાઇજેકીંગ અને ટોર્ચરના એ દ્રશ્યોની ઘટમાળ આજ સુધી મેં જોયેલા ઘણા સાઈકોલોજિકલ થ્રિલર્સમાની ટોપ 3 મોમેન્ટ્સમાંની એક કહી શકાય. રીતસરનો તમને મૂંઝારો થવા લાગે , જીવ તાળવે ચોંટી જાય ! ] શું સત્ય છે અને શું છલના , કોણ દોષી છે ને કોણ પીડિત , એ કળી ના શકાય-કહી ના શકાય , એટલી હદે સચોટ અને સાશંક પાત્રાલેખન તથા Amy Adams અને Jake Gyllenhaal’ના ઓસ્કારને ય ક્યાંય ટપી જાય એવા ક્લાસિક પર્ફોર્મન્સીસ માટે જીવ પડીકે લઈ જોવા જેવું મુવી એટલેનિશાચર ‘.

Director : Tom Ford (R)


~ 24 ~

The Salesman [ Iran ]

{ WinnerBest Foreign Language Film of 2016 in OSCARS }

IMDb Summary : While both participating in a production of “Death of a Salesman,” a teacher’s wife is assaulted in her new home, which leaves him determined to find the perpetrator over his wife’s traumatized objections. – Official Trailer

સંબંધોની ઇમારત પ્રેમ , હૂંફ અને વિશ્વાસથી ચણાયેલી ને ચળાયેલી હોય છે – આ ત્રણ તત્વોમાંથી એક પણ ખૂટે તો સંબંધોના પાયા હલી જતા વાર નથી લાગતી ! બેમાંથી એક પાત્ર આગળ થઇ જતા સંબંધોની ઉષ્મા પાછળ છૂટી જાય છે. બંને એમ માનવા લાગે કે કોઈ ત્રીજું વચ્ચે આવી ગયું પણ ખરેખર તો કોઈ એક જ મોં ફેરવી ગયું હોય છે ~ વાત છળ-કપટ કે જુઠ્ઠાણાંની નથી , વાત હંમેશા વિશ્વાસની જ રહી છે. ક્યારેય એવું વિચાર્યું છે કે કોઈપણ સ્વસ્થ સંબંધો , સમયની એક જ કાંકરી પ્રેમથી છલકાતી નજરોમાં પડી જાય તો કેવા ખટકવા માંડે છે ? આપણે કોઈની ભૂલને પકડવા મથતા હોઈએ છીએ પણ એમ કરતા ક્યાંક આપણે જ ભૂલ તરફ ભૂલા નથી પડી રહ્યા ને ? :: આવા તો કેટલાય સવાલો ને મૂંઝવણો બંને પાત્રો તો ઠીક , પણ આપણને પણ આ ક્લાસિક મુવી જોતા જોતા ઉઠવાના જ ! જ્યાં સંવેદન હોય ત્યાં વેદના પણ હોવાની – કૈક ગુમાવ્યાની !

જિંદગીમાં કેટલીક ફાંસ એવી હોય છે કે જે નીકળતી તો નથી જ પણ દિનબદિન ઊંડી ઉતરતી જાય છે. આર્થર મિલરના ‘ અ ડેથ ઓફ આ સેલ્સમેન ‘ની થીમ પશ્ચાદભૂ’માં ભજવાતી ભજવાતી ક્યારે વાસ્તવિકતામાં નાટકીય રીતે પ્રવેશી જાય કે ખબર જ ના પડે ! નાટકમાં તો સંવાદો અને વળાંકોથી માહિતગાર હોવાના જ , પણ જિંદગીરૂપી નાટકમાં તો દોર ય કોઈના હાથમાં હોય છે અને આખરી પડદો પણ કોઈ ઔર જ પાડે છે. ઓલમોસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર વિના પણ ડિરેક્ટર અસગ઼ર ફરહાદિએ ધીમે ધીમે જે માહૌલ બાંધ્યો છે કે તમે સડક થઇ જાવ , ને આખરી એક્ટમાં જે ગ્રીપિંગ કલાઈમેક્સ સર્જાયો છે કે તમે ખુરશીમાં ટેકો દઈને બેઠા હો તો ટટ્ટાર થઇ જાવ , તે હદે અફરાતફરી બોલે છે ને સંબંધોના ખંડેર તેની સાક્ષી પુરે છે ~ ખંડિત અને ખાલી.

Director : Asghar Farhadi (R)


~ 23 ~

My Life as a Zucchini [ Switzerland ]

IMDb Summary : After losing his mother, a young boy is sent to a foster home with other orphans his age where he begins to learn the meaning of trust and true love. – Official Trailer

આ મૂવીનું ટ્રેઇલર રિલીઝ થયું હતું ત્યારે મેં જોયું સુધ્ધા ન્હોતું , બોલો ! કેમકે પર્સનલી , મને આ મુવીમાં જે સર્જાયુ છે એવું લપેડા થપેડા જેવું , લોટના પિંડા જેવું , ઝોમ્બી જેવું મુડદાલ અને ફાઈનલી ઓય માડી કેવાય જાય એવું એનિમેશન પસંદ નથી. નાવ એન્ટર ‘ધ પન & પણ‘ કે મને આ મુવી વિષે સારા વાવડ મળવા લાગ્યા ને બંદા વા વાયા ને વાદળ ઉમટયાની જેમ ખાબક્યા સીધા ગારા’મા . . . અને આઈ શપથ કે મુવી શું સ્પર્શી ગયું છે કે હજુય આંખના ખૂણે ભીનું થઈને બેઠું છે ! આ મૂવીની ઈમોશનલ કોર તમે જુઓ બોસ , કે દુખડા લેવાનું મન થઈ જાય [ કોને કોને ટચાકિયા ફૂટે છે , એ આગળ આવે! ]

કેટલી નજાકતથી સઘળી ઘટના ધીરેધીરે ઓગળે છે અને દરકારની સરકાર રચાય છે. કોઈને માં નથી , તો કોઈને ઘર નથી તો કોઈને એ જ ખબર નથી કે પરિવાર એટલે શું ? અને બધા ટેણીયાવ એકબીજામાં સૌ સૌની ખોટ પુરી લ્યે છે અને રોકડો નફો રળી લે છે. આ મુવી બાળકો માટે નહીં પણ યુવાનો/વડીલો ને સરવાળે માબાપે ખાસ જોવા જેવું છે [ છેલ્લા કેટલાય વર્ષોમાં મોટેરાવ માટેના નાનકાઓના એનિમેશન બૌ આવ્યા નહીં ? મતલબ કે આવા નિતાંત નીતરતા વિષયની જરૂરિયાત ભટુરાવ કરતા છોલેને વધુ છે! ] ઇન્ડીનું ઇન્ડી , લાહા શીરા જેવી એનિમેશનની મીઠાશ , ને પેટમાં ગયા પછીનો ધરવ એટલે આ સ્ટોપ મોશન મુવી.

Director : Claude Barras


~ 22 ~

Manchester by the Sea

{ Winner : Best Performance by an Actor in a Leading Role & Best Original                                                                          Screenplay in OSCARS }

IMDb Summary : A depressed uncle is asked to take care of his teenage nephew after the boy’s father dies. – Official Trailer

એવેંજર્સની નતાશા કરતા ય કોઈ ઘાતક હોય તો , એ છે ‘હતાશા’ અકા ડિપ્રેશન ! માણસ ભીતરથી ખોખલો થઇ જાય , જાણે કે ઝોમ્બી. ઝોમ્બી તો , તો ય સારા’ કે કોઈની યાદ નહીં , પીડા નહીં , પશ્ચાતાપ નહીં. પણ ડિપ્રેશન તો વાતાવરણને ગળી જતો એ સન્નાટો છે કે જેના પડઘા અસ્તિત્વમાં ગૂંજ્યા જ કરે ! જે ઘટનાથી તમે સઘળું ગુમાવી દીધું , તેવો જ કોઈ ધક્કો ‘બીજા તો બીજા’ સ્વરૂપમાં આવીને જ્યાં સુધી તમને પાછળથી ધક્કો ન લગાવે ત્યાં સુધી તમે સ્વ’ની ગર્તા’માંથી નીકળવાના જ નથી. ડિપ્રેશન એટલે પ્રયત્નનો અંત – તમે ખુદ જ એ કળણ બની જાઓ છે કે જે તમને પોતાને જ ગળતું જાય છે અને એ દિશાશૂન્યતા આબાદ રીતે કેસી એફલેક’એ ઉપસાવી બતાવી છે.

ક્યારેક કોઈ એક દુર્ઘટનામાં સૌ સૌએ પોતપોતાનો કોઈ એક અંશ ગુમાવ્યો હોય છે ,પણ કોઈ એક વ્યક્તિ એમાં આખેઆખો હોમાઈ જાય છે અને બાકીના તો સમયના મલમે ઉભા થઇ જાય છે પણ પેલું વ્યક્તિ કે જે ખુદના દ્વારા જ એકલો પાડી દેવાયો હોય છે , તે એ ઘટનાના કિનારે જ હજી કાંકરા ફેંકીને પીડાના વમળ ગણતો હોય છે – પૂરું મુવી એક ખૌફનાક હોનારતની આસપાસ વણાયું છે છતાંયે સમગ્ર માહૌલ એટલો તો સહજ ક્રિયેટ થયો છે કે વાત પૂછો માં [ આપણે તો આ સંજોગોમાં અરિજિત પાસે ગવડાવી ય લીધું હોય ને લટકામાં એની પાસે જ એક આઈટમ સોંગ પણ કરાવી લીધું હોય! ] ઇન્ડી મૂવીની આ જ મજા છે કે નજરો સામે સાક્ષાત જિંદગી જ વહી રહી હોય એવું લાગે ~ મુવીના બર્ફાની માહૌલ જેવું જ હિમડંખ આપતું ને આખરે ઓગળતું મુવી એટલે આ મસ્ટ વોચ ઇન્ડી મુવી માન્ચેસ્ટર બાય ધ સી .

Director : Kenneth Lonergan (L)


~ 21 ~

After the storm [ Japan ]

IMDb Summary : After the death of his father, a private detective struggles to find child support money and reconnect with his son and ex-wife. – Official Trailer

યાદ છે , Hirokazu Kore-eda ? ન જ હોય ને ! યાદ છે , મારા ગયા વર્ષની વન ઓફ ધ બેસ્ટ મુવીમાની એક ‘ અવર લિટલ સિસ્ટર ‘ ? હા , તે આ ભૈ સાબ એ તે જ ડિરેક્ટર . . તોફાન પહેલા મૂંઝારો હોય છે ને તોફાન બાદ સન્નાટો ! ક્યારેક જીવનમાં આવા કોઈ તોફાન આવવા પણ જરૂરી હોય છે કેમકે એ અફરાતફરી જ જીવનમાં શાંત ઝરૂખે વિતાવેલી ક્ષણોનું મૂલ્ય સમજાવી શકે છે. ના ના , આવા કોઈ ચિત્ર વિચિત્ર ફિલોસોફીના જે ડોઝ હું તમને આપું છું તેમાનું કઈ કરતા કઈ આ મુવીમાં નથી બસ જે છે તે સાક્ષી બનીને વાર્તાને નીરખવાનું માત્ર જ છે. ખુદ પાત્રો પણ પોતાની દશા અને અવદશાથી જાણે અજાણે અજાણ છે , બેધ્યાન છે ને કોઈ રીતે પોતપોતાના પ્રવાહમાં સાંકડમૂકડ ગોઠવાઈ ગયા છે. કોકની મજબૂરી છે તો કોક નકટુ છે તો કોઈએ જિંદગીના બધા રંગો જોઈ લીધા હોવાથી જે પણ વેરવિખેર ઘસાયેલા વિખાયેલાં રંગો નજરે ચડે છે તેમાંથી રંગોળી બનાવવાની કોશિશમાં પડ્યું છે.

જીવનના પહેલા તબક્કામાં સફળતા ચાખી ગયેલો હાલનો નિષ્ફળ લેખક કમ ડિટેક્ટિવ / લાંબા સંઘર્ષરત જીવન વત્તા જીવનસાથી કંટાળેલી ને તાજેતરમાં જ એ ડોહાથી છુટ્ટી પડેલી મીઠી ડોહી , તીક્ષ્ણ ને ભાઈને ટોન મારવામાં ઉસ્તાદ બહેન , ડિવોર્સી વાઈફ અને એક અલગારી છોકરો એટલે આફ્ટર ધ સ્ટોર્મ . આ વાવાઝોડું જ ફરી બધાને ભેગા કરે છે , ફરી પાછા છુટ્ટા પડવા માટે . . ત્યારે થાય કે હજુ હમણાં જ વાવાઝોડાથી ટીસ કાઢતા હતા ને ત્યાં તો વયું પણ ગયું ! એક મસ્ત ઇન્ડીમાં બીજું જોઈએ શું ? મિનિમલ થીમ , સિમ્પલ ને સોબર કેરેક્ટર્સ ને લટકામાં જિંદગીનો વઘાર. 

Director : Hirokazu Kore-eda (R)


~ 20 ~

Toni Erdmann [ Germany ]

IMDb Summary : A practical joking father tries to reconnect with his hard working daughter by creating an outrageous alter ego and posing as her CEO’s life coach. – Official Trailer

વિચિત્રતામાંથી ય વ્હાલની સરવાણી ફૂટી શકે ખરી ? ઠંડા થઇ ગયેલા સંબંધો નીચે વહેતી ઉષ્માના ય ભણકારા વાગતા હોય ? તમે તમારા સ્વજનની આસપાસ ન્હોતા ત્યારે દૂર હતા કે હવે પાસે છો છતાંય દૂર છો ? મરી પરવારેલા , માત્ર વહેવાર નિભાવવાના આરે પહોંચી ગયેલ બાપ-દીકરીના કોઈ સામાન્ય સંજોગોની આ વાત નથી પણ અપેક્ષાથી ઉપેક્ષા સુધી પહોંચી ગયેલા આ સંબંધમાં ફરી જીવ કેવી રીતે ફૂંકાય છે તેની અને વિચિત્ર એવો આ દાંતના બિખીયા દેખાડતો ખિખિયાટા કરતો ડોહો કેવી રીતે એકવાર તો આજુબાજુનું બધું ફૂંકી મારે છે તેની અત્યંત રસપ્રદ અને વિચિત્રતાના ચાર ચાર ઉભરા લીધેલા શેઢકડા દૂધ જેવી ગરમાગરમ ને ફૂંકી ફૂંકીને પીવા જેવી દાસ્તાન છે આ દોસ્તો !

એમ તો આ મુવી કોઈ કોમેડી જોનરની નથી કે નથી ટ્રેજેડી જોનરની ~ એ છે જિંદગી જોનરની ! આંચકો , આંચકો અને બાપ-દીકરી’રૂપી ચકો-મકો . . . ક્યારેક દીકરીનો એ કોલ્ડ બ્લડેડ એટીટ્યુડ અકળાવી દે તો ક્યારેક બાપના એ વાનરવેડા’રૂપી ઓલ્ટર ઈગો ફગાવી દે [ જોકે આમ તો ઓલ્ટર ઈગો ન કહી શકાય , પણ તો આ પછી શું હતું રે બાબા ! ] ક્યારેક દીકરી ખાલીખમ્મ લાગે તો ક્યારેક બાપ ઢોળાઈ ગયેલ લાગે ! કોણ શું કામ શું કરે છે ને કોના માટે કરે છે એનો કોઈને ય ખ્યાલ ન આવે , બસ એવો જ ખ્યાલ આવે કે કૈક ખયાલી પુલાવ રંધાય છે ! એક તબક્કે તો ઇન્ડિયન ઓડિયન્સ ખમી ન શકે એટલું એક્સપ્લિસિટ થઇ જાય છે આ મુવી , પણ જયારે મેઈન પોસ્ટરમાં જે દ્રશ્ય બતાવ્યું છે એ પડાવે ઘટના પહોંચે છે ત્યારે ઘટનાની સાથે આપણે પણ ઓગળી જઈએ છીએ ! ખમી શકો તો ‘ઘણી ખમ્મા’ એમ કહેવાનું મન થાય એવું મુવી એટલે ટોની’ના તોફાન !

Director : Maren Ade (M)


~ 19 ~

The Red Turtle [ France / Japan ]

IMDb Summary : A man is shipwrecked on a deserted island and encounters a red turtle, which changes his life. – Official Trailer

જાણેકે જીવનનુ છીનવાઈ જવું , પ્રયત્નોની સુનામીના આખરી મોજે આશાનું કોઈ કિરણ પ્રગટવું , ઘટમાળનું સ્થિર થવું અને ફરી પીડાના સહભાગી થવું ! એક તબક્કે દરિયાના ઘુઘવાટ કરતા ભીતરનું મૌન દેકારે ચડ્યું હોય , તો કોઈ તબક્કે ભીતરનો ખાલીપો કોઈ નવો જ સુર છેડે. ખુદનો અવાજ ખાલી ખુદને જ સંભળાય ત્યારનો ખાલીપાનો પડઘો એટલે કે જાણે જીવનનું એક ચક્ર પૂરું થવુ ! આપણા સમુદ્રમંથનનો પેલો પ્રસંગ યાદ છે ને કે જયારે ભગવાન કાચબા સ્વરૂપે કૂર્મ અવતાર ધારણ કરીને મંદરાચલને સ્થિર કરે છે અને તેમ કરીને તેને ફરી વલોવાતો પણ કરે છે ? જાણે કે જીવન પહેલા ડહોળાવા ને ત્યારબાદ મેલના તળિયે સ્થિર થવા તરફનું દર્શન માત્ર જ છે ! સતત સાક્ષીભાવ . .

એક માણસ ક્યાં સુધી દરેક ઘટનાના ત્રીજા કિનારે ઉભા રહીને અલિપ્તભાવે દર્શન કરી શકે ? દરિયો મોજારૂપે સતત જિંદગીની આ ઘટમાળ પુનરાવર્તિત કરતો જ રહે છે , ઉપર ઉપરથી તોફાને ચડીને વલોવાતો રહે ને ભીતરથી પ્રગાઢ શાંતિ ! જાણેકે દુનિયા આખીનું ડહાપણ સંઘરીને બેઠો હોય , પણ કયારેક ડહાપણનો ય ભાર લાગે ને ? ચિત્ત અને ચેતનાની કસોટી કરી લે એવું પ્રગાઢ ને પ્રશાંત દર્શન અને લટકામાં Studio Ghibliના ચોખ્ખા પાણી જેવું શાંત પણ ઊંડું ને અગાધ એનિમેશન એટલેધ રેડ ટર્ટલ ‘ એક બોધકથા જેવું મેટાફોરનું માસ્ટરપીસ એટલે શાંત ચિત્તે સ્વ’ના સંગાથે જોવા જેવું ફ્રાન્સ અને જાપાનનું આ સહિયારું સર્જન . . .

Director : Michaël Dudok de Wit


~ 18 ~

Elle [ Germany ]

IMDb Summary : A successful businesswoman gets caught up in a game of cat and mouse as she tracks down the unknown man who raped her. – Official Trailer

ઉભા જ થઇ જાવ ! તમે આ મુવી જોતા જોતા જો ઉભા ન થઈ જાવ તો કાંઈ નહીં પણ ઉભડક ચિત્તે વ્યગ્ર તો થઇ જશો જ . . અત્યંત એક્સપ્લિસિટ મુવી [ બેઝિક ઇન્સ્ટિંકટના કુળનુંચાલતા યંત્રે : હું જયારે આ પ્રુફરીડિંગ કરતો હતો ત્યારે જ અઠ્ઠેગઠ્ઠે ખ્યાલ આવ્યો કે આ એ જ ડિરેક્ટર છે કે જેણે બેઝિક ઇન્સ્ટિંકટ બનાવેલું ~ આઇલા સિક્સ્થ સેન્સ !] એક કાતિલાના કોકટેઇલ કે જ્યા ઈરોટિકા અને થ્રિલનો કમાલનો સંયોગ રચાયો છે. કોઈ વ્યક્તિ જયારે આહત થાય છે , પીડાય છે , રિબાય છે ત્યારે તેના તરફ સહાનુભૂતિ તો થવાની જ , પણ જયારે એ જ વ્યક્તિ એ સંજોગો / પીડા સામે ચાલીને વ્હોરી લે તો ?!

સતત ખાંડાની ધારે જીવવું અને એમાંય કોઈ પાછળથી ધક્કો મારનારું પણ હોય તો ? અને તોય તમે એને બથ ભરવા દોડી જાવ ત્યારે કેવી અંધાધૂંધી સર્જાવાની એ વિચારી લેજો! ફિલ્મમાં સતત એ માહૌલ જીવંત રહ્યો છે કે હવે શું થશે ? એ ગયા કામથી ! આને ભાન નહીં પડતી હોય ? પેલા કરતા તો આની વધારે બીક લાગે છે ! ખબર પડી જાય છતાંયે ‘હવે શું ? ‘ની ઉચાટ સતત તાળવે ચોટેલી જ રહે છે ~ ક્યાંક એ જ રોમાંચની પેલી કીક નથી ને ? ઝેરના પારખા નથી ને ? સતત સામાન્યતા ને ભયાવહતાનો વદી માથે વદી ચડી જાય એવો સરવાળો એટલે અહીંયાનો માહૌલ ! એક પાત્ર બીજા પાત્રને જયારે એમ કહે કે ખરું જોખમ તો તું જ છે ‘એ સામાન્ય વાત ફિલ્મ પુરી થયે વધુ પડઘાતી જણાયIsabelle Huppertનું આ ઉંમરે પણ આટલું બોલ્ડ પરફોર્મન્સ જોઈને ઘડીક તો છળી જવાય છે [ ગયા વર્ષોમાં આવું ઇલેક્ટ્રીફાઇંગ પરફોર્મન્સ ગોન ગર્લમાં રોસમંડ પાઇક’નું યાદ આવે છે. ] અકળ , અભેદ , અજ્ઞાત , અચરજ , અહમ , અવાક , અલગારીપણાના સાત કોઠા વીંધતું મુવી એટલેElle

Director : Paul Verhoeven


~ 17 ~

Miss Sloane

IMDb Summary : In the high-stakes world of political power-brokers, Elizabeth Sloane is the most sought after and formidable lobbyist in D.C. But when taking on the most powerful opponent of her career, she finds winning may come at too high a price. – Official Trailer

અમેરિકન કલ્ચરમા ઘુસી ગયેલ કલ્ચર એટલે ગનકલ્ચર અને અમેરિકન રાજકારણમાં ઘુસી ગયેલ કારણ એટલે લોબીઇંગ ! અને જયારે આ બેયને જ એકમેક સાથે ભીડવી દેવાય ત્યારે ભલભલાની ખો નીકળી જાય અને એ બેયની સાથે બથોડા લેવામાં ખેરખાવની ય ખો ભૂલાઈ જાય ! પણ આ માનુની ચિલ્લર ન્હોતી [ જય માનુષી છિલ્લર ] પણ ઉલટાની બાધા લેવડાવી દે તેવી બાધોડકી હતી ! ક્લેવર ય ખરી ને કલેવર પણ ખરું , રૂપ અને સ્વરૂપ બેયનું ભાન , પહેલી મુવથી લઇ ક્યારે ખુદ મુવ થવાનું છે તેનું ઝીણું કાંતણ ગૂંથતી કાંતા અને સંજોગો વિપરીત હોય ત્યારે પારોઠના પગલાં લેતી શાંતા ય ખરી ! ઈમોશનલ ય ખરી ને વીજળીના ચમકારે દઝાડી દે તેવો તેજલિસોટો પણ ખરી. સતત બે અંતિમો વચ્ચે સંતુલન રાખતી આધુનિક અર્જુન – ખાલી ફેર એટલો કે અહીં અર્જુન ય ઈ છે ને કાનજી પણ ઈ જ !

સરપ્રાઈઝના સથવારે એક એવડી મોટી બિસાત એણે ગોઠવી છે કે ભલભલા ભૂ પીતા ભૂલકા થઈ જાય ને ભૂલ કરી બેસે. અને આ સમગ્ર ઘટનાક્રમ દરમ્યાન એકેએક એક્ટમાં , ઇમોશનમાં , એક્શન-રિએક્શનમાં ને ફ્રેમમાં , દિવાલ ફાડીને જેમ પીપળો ઉગી નીકળે એવી રીતે જેસિકા ચેસ્ટિયન મિસ સ્લોનના પાત્રમાં ઉગી નીકળી છે ~ જાણેકે સિસ્ટમને ઉગી નીકળેલી ડહાપણ દાઢ ! હજુ જેસિકાનું ઝીરો ડાર્ક થર્ટી ભુલાયું નથી ત્યાં આ મુવી અને હમણાં જ આવશે એ મોલી’સ ગેઇમ મોજના શેરડાની ટ્રાયોલોજી પુરી કરશે એવું લાગે છે.

Director : John Madden


~ 16 ~

Fences

{ Winner : Best Performance by an Actress in a Supporting Role in OSCARS }

IMDb Summary : A working-class African-American father tries to raise his family in the 1950s, while coming to terms with the events of his life. – Official Trailer

અદ્દલ રંગમંચ પર ભજવાતું તેજતર્રાર નાટક જ જોઈ લો ! [ ચાલતા યંત્રે : બાપ રે ! બીજી વાર આવું બન્યું : પ્રુફરીડીંગ દરમ્યાન ફરી ખ્યાલ આવ્યો કે મુવી તો અમેરિકન નાટ્યવિદ ઓગસ્ટ વિલ્સનના પુલિત્ઝર પ્રાઈઝ વિનર નાટક ફેન્સીસ પર આધારિત છે !] કોઈ એક મધ્યક્રમથી વાત શરૂ થાય ને ખુબ જ લાંબા લાંબા દ્રશ્યોમાં વાત વહેતી વહેતી વાર્તા બનતી જાય ને તમે ધીમે ધીમે પાત્રો સાથે સંકળાતા , અકળાતા ક્યાંના ક્યાં નીકળી જાવ. આ મુવી તેની સ્ટોરી કે નરેશન કરતાંય ક્યાંય વધુ તેના મુખ્ય બે પાત્રોની જીવંત એક્ટિંગને લીધે તમારા મન પર છવાઈ જાય તેની પુરી શક્યતા છે. યુવાનીના સ્વપ્નને દફન કરીને લાંબો જેલવાસ ભોગવીને આવેલ અત્યંત મહેનતુ , અનુશાસિત ને ગર્વિત એવા ટ્રોય’ના પાત્રમાં ડિરેક્ટર ખુદ એવો ડેન્ઝ્લ વોશિંગટન , ને સામે ધીરજ અને પ્રેમના પર્યાય જેવી રોઝ’ના પાત્રમાં એક્ટિંગની મહારાણી એવી વાયોલા ડેવિસ.

આ બંને કિરદારો પર જ આખું મુવી હિલોળા લે છે અને જાણેકે કોણ ક્લાસિક અભિનય કરીને બીજાને વટી જાય એની હોડ લાગે છે ! બંનેના પાત્રો તરફ તમે એકસમાન અનુભૂતિ / સહાનુભૂતિ અનુભવશો એવું આ લખનારનું માનવું છે , કેમકે ઓનપેપર તમને તરત જ કોઈએક પાત્રની સાઈડ લેવાનું મન થાય પણ બીજા પાત્રનો દ્વન્દ ને પીડા જુઓ તો ખ્યાલ આવે કે જીવનરસની લ્હાયમાં બધાય પીલાય જ છે. જાણે એક અદ્રશ્ય વાડ , કે જે ઘણુંખરું રોકે છે ને ઝાઝુબધુ ટોકે છે! એક એવો વાડો કે જે સતત વિસ્તરતો જાય છે પણ ગૂંગળાવતો પણ જાય છે ! એ નથી ત્યારે કઠે છે , ને છે ત્યારે સ્થિતિપ્રજ્ઞ સાક્ષી જેવો અનુભવાય છે ! એ મસ્ત નીગ્રો એટીટ્યુડ + લ્હેકો , મિનિમલ સેટ , મોનોલોગ , કમાલનો બેકગ્રાઉન્ડ સ્કોર , ને આંખોમાંથી વહેતો ડૂમો તમને આ મુવી પૂરું થયે ઘડીક તો કૈક સાર્થક જોયાનું ભાન કરાવશે.

Director : Denzel Washington (R)


~ 15 ~

The Innocents [ Poland / France ]

IMDb Summary : A nurse helps a group of pregnant nuns keep their secret by delivering their babies and restoring their faith after being raped by Soviet soldiers in 1945 Poland. – Official Trailer

પેટ ચોળીને પીડા ઉભી કરાતી હોય અને પેટમાં પીડા ય પાંગરતી હોય ત્યારે ? ધર્મનું સારાયે જગતમાં લ.સા.અ જેવું તત્વ કરુણા જ જ્યાં સુકાઈ ગયું હોય તો ? સામાન્ય સમજ / જીવન પર જો ધાર્મિક રૂઢિ , સામાજિક પરંપરાઓ ને માનવીય અમાનવીયતા હાવી થઈ જાય તો ? સત્તાના નામે , સમાજ વત્તા સમાજવાદના નામે , લોહી રેડતા યુદ્ધના નામે અને લોહી પી જતા ધર્મના નામે જ્યાં એક લોહી નીંગળતા જીવનો ભોગ લેવાતો હોય , ત્યાં કોઈની વ્હારે ચડવાની ગુંજાયેશ કેટલી ? – ક્યારેક આપણે ઈશ્વરના આવવાની રાહ જોતા જોતા તેના મોકલેલ બંદાઓને ધુત્કારતા હોઈએ છીએ ! રહસ્ય સાચવવાની લ્હાયમાં એ દરેક બારી-બારણાં બંધ કરી દઈએ છીએ કે જ્યાંથી આશાનું કોઈ કિરણ પ્રવેશી શકે.

આ કથા માત્ર યુધ્ધે વેરેલ વિનાશની જ નથી – ખાલી યુદ્ધની ત્રેવડ ય નથી કે માનવતા સામે ટકી શકે. માનવતાએ ખરી ડરવાની જરૂર ઉપરથી સ્થિર ને નીચેથી ડહોળાયેલ ને સરવાળે ગંધાઈ ગયેલ ધર્મ , સંવેદનહીન ધર્મસંસ્થાઓ અને ઘેટાના ટોળા જેવા સમાજથી છે કે જે યુદ્ધ કરતાંયે ક્યાંય વધુ માત્રામાં માનવજાતની કેડ ભાંગી નાખે છે. છતાંયે આ બધા પડકારો સામે જો કોઈ માથું ઉઠાવી શકે છે , પ્રશ્ન ઉઠાવી શકે છે , આંખોમાં આંખ નાખી પ્રશ્ન પૂછી શકે છે , અધમૂવા થઈને ય મુવા કરતા લાખ દરજ્જે ચડિયાતી જિંદગી જીવી જાણે છે તો એ છે અમર એવી આશા’ના જોરે , જીજીવિષા’ના જોરે. પુરી મુવી દરમ્યાન એકાધિક પ્રસંગ એવા આવે છે કે પ્હો ફાંટી જાય ને ભોં ફાંટી જાય , તમને પડદા પર પડદો પાડી દેવાનું મન થઈ જાય પણ પીડાથી મોં ફેરવી લેવાથી કે આંખો બંધ કરી લેવાથી એ ટીસ મૂક નથી થઇ જવાની – પીડામાંથી સોંસરવું નીકળવું એ જ ક્યારેક તેનો ઉકેલ હોય છે , એ સણકા જ ક્યારેક આશ્વાસન બને છે ! છપ્પનની છાતીએ છાતી સોંસરું ચાંપતુ પીડાનું પારાયણ એટલે ‘ ધ ઇનોસેન્ટ્સ ‘.

Director : Anne Fontaine (R)


~ 14 ~

Hell or High Water

IMDb Summary : A divorced father and his ex-con older brother resort to a desperate scheme in order to save their family’s ranch in West Texas. – Official Trailer

વધુ એક ટાઇટમ ટાઈટ ઇન્ડી મુવી એટલે હેલ ઓર હાઈ વોટર – જે પણ કાંઈ થાય હવે બસ આમાંથી નીકળવું છે , કોઈપણ ભોગે ‘ આર યા પાર ‘. અને બંને ભાઈઓ , કે જેમાંથી એક સનકી તો બીજો મજબુર પણ ઠંડા દિમાગનો , નાની નાની બેંકોના સવાર સવારના પરચુરણ નાણા લૂંટવાનું નક્કી કરે છે અને શરૂઆત તો એઝ-યુઝઅલ ઢાંસુ થાય છે પણ પછી જે પગતળે રેલો આવે છે , કે જે એકસમયે ફુલપ્રુફ ને રિસ્ક’ફ્રી પ્લાન લાગતો હોય છે તેને બદલે જીવસટોસટની બાજી ખેલાય છે ! વળી પાછું , જયારે આ મૂવીનું ટ્રેઇલર જોયું હતું ત્યારે તેની પાસેથી કઈ ખાસ અપેક્ષાઓ નહોતી પણ જયારે જોવાયું ત્યારે થયું કે જસ્ટ જક્કાસ !

ક્યારેક બંદૂકના ભડાકે નહીં પણ ખાલી આંખોના સન્નાટે મોતિયા મરી જતા હોય છે અને મોતિયા ઉતરાવવાની ઉંમરની આંખો પણ ક્યારેક અસ્તિત્વની પેલે પાર જોઈ લે છે ! દરેક પોતપોતાના તથ્યને સત્યમાં પલટાવવા મંડી પડ્યા છે કેમકે ક્યારેક તો આખરી સત્ય જ પરમ સત્ય હોય છે ! ટેક્સાસના ઉજ્જડ છતાંયે તેલિયા પ્રદેશની દઝાડી દેતી છતાંયે લોન્ગ શોટ્સમાં રોલો પાડી દેતી કમાલની સિનેમેટોગ્રાફી અને ત્રણ ત્રણ એક્ટર્સના પાવર પેક્ડ પરફોર્મન્સથી એકપણ ફ્રેમમાં ન ફસકતી હેલ ઔર હાઈ વોટર જુઓ તો ખ્યાલ આવે કે એક સ્ક્રિપ્ટની પક્કડ કેટલી સાબૂત હોઈ શકે – એક વિચારમાંથી વાત , વાર્તા ને વિપ્લવ કેવી રીતે સર્જી શકાય !

Director : David Mackenzie (L)


~ 13 ~

Sing Street [ Ireland ]

IMDb Summary : A boy growing up in Dublin during the 1980s escapes his strained family life by starting a band to impress the mysterious girl he likes. – Official Trailer

ઓહોહો. . આ શું લહેરકી હતી કે જ્યા વાળ વિંખાયાને બદલે લટ લહેરાઈ ગઈ હોય એવું લાગ્યું ? કે જ્યા પીડા ને પ્રેમનો સહિયારો અંકુર મ્યુઝિકની સાંખે ઉગ્યો છે , કે જ્યા ચારેબાજુ ફેલાયેલ અંધાધૂંધીમાં બસ એક જ ચહેરો દેખાય છે ને એ છે વાલમનો. 80’ના દશકાનું વિન્ટેજ અને વાયોલન્ટ એવું વીખરાતું આયર્લેન્ડ , ઘરના કંકાસમાં ઉગતો તરુણ , થડકારને પડકારમાં બદલીને બનતું એક ડેરિંગ રોકબેન્ડ , પ્રેમ તો શું પણ લાઈક પણ નહીં મળે એની જાણ હોવા છતાં સતત મરાતા પ્રમાણિક હવાતિયાં , પડી પડીને સતત ઉભા થવાની ખુમારી ને ગાવાની હોંશ એટલે સીંગ સ્ટ્રીટ !

બે વાતનો અહીં મસ્ત સરવાળો થયો છે ; એક : તમને ગીત ઉગે છે એટલે તમે ગાઈ શકો છો , નહીં કે તમે ગાઈ શકો છો એટલે . . બે : તમે કોઈને ગમો છો એમ નહીં પણ તમને દિનરાત કોઈ આંખોમાંથી આઘું ખસતું નથી , ને આંખો ધોવાયા બાદ પણ અરીસામાં એ દેખાય છે એવું ખેંચાણ એટલે પ્રેમ – અને આ બેય માટે દુનિયાથી લઈને જાત સાથે પણ ટક્કર લેવી પડે છે , એ આ મસ્ત કમિંગ ઓફ એજ એવી રોમેન્ટિક મ્યુઝિકલમાં દેખાડાયું છે. કમાલની ઝેરીલી ને વિષાદયુક્ત આંખોવાળી રફીના’માં Lucy Boynton અને આંખોમાં ભોળપણ લઈને સતત તાગતી આંખો લઈને મથતા કોનર’ના પાત્રમાં Ferdia Walsh-Peelo બસ રોલો પાડી ગયા છે. અને હા , નિષ્ફળ ને નિરાશ એવો , પણ નાના ભાઈ માટે ફ્રેન્ડ ફિલોસોફર કમ ગાઈડ જેવો મોટો ભાઈ તો ભુલાય જ કેમ ?! [ ટેરિફિક ને થોર જેવો જ દેખાતો Jack Reynor ] અને એઝ યુઝઅલ છેક છેલ્લે ખબર પડી કે આ મુવીના ડિરેક્ટર બીજું કોઈ નહીં પણ મારી ગમતીલી એવી Begin Again અને કે’દાડાની વિશલિસ્ટમાં પડેલી Once‘ના ડિરેક્ટર John Carney જ છે. તો આવી જાવ ગાઉ’ગલીમાં કે જ્યા રોક & રોલ એક રિસ્ક છેઅ રિસ્ક ઓફ બીઇંગ રિડિક્યુઅલ્ડ !

Director : John Carney (L)


~ 12 ~

Jackie

IMDb Summary : Following the assassination of President John F. Kennedy, First Lady Jacqueline Kennedy fights through grief and trauma to regain her faith, console her children, and define her husband’s historic legacy. – Official Trailer

વ્હોટ અ એલિગન્સ , એટીટ્યુડ એન્ડ એરોગન્સ ! જાણે વિખરાઈ ગયેલી મોતીની માળા , કે જ્યા મોતી તો કિંમતી છે પણ વેરવિખેર દશામાં પોતાની અવદશા ભોગવી રહ્યા છે ! શું થઈ ગયું કે શું થશે તેની સતત વિડંબણામાં વલોવાતી એક નેશન્સ ફર્સ્ટ લેડીથી લઈને એક ધીમે ધીમે અલોપ થતા વ્યક્તિત્વમાં Natalie Portmanએ જાણે પરકાયા પ્રવેશ કર્યો છે . ક્યારેક તો એમ જ લાગે કે જેકલીન કેનેડી જ Natalie Portmanની જેમ બોલતી હશે ! ક્યારેક સ્વપ્નમાં તો ક્યારેક વાસ્તવિકતામાં ઊંધા મોઢે પછડાતી , દંભ ને ભ્રમમાં તો ક્યારેક સટીક ને ચોખ્ખી દેખાતી , ક્યારેક અવિચારી તો ક્યારેક સિગરેટ ફૂંકતી ફૂંકતી ફૂંકી ફૂંકીને બોલતી , ક્યારેક યાદોમાં ખોવાઈ જતી તો ક્યારેક વર્તમાનમાં સતત જાગતી આંખોના કુંડાળાની સાંખે જીવતી એવી જેકલીન અહિંયા આળસ મરડીને ઉભી થઇ છે.

એ મૂંઝવણ , ભયનો ઓથાર , ફેશન સ્ટેટમેન્ટથી ઉભું થતું એક આભાસી વ્યક્તિત્વ , સતત સિગરેટના ધુમાડામાં ઓઝલ રહેવું [ અને છતાં પણ પોતે સ્મોકિંગ નથી કરતી એ છબી વિષે હજુ પણ સભાન રહેવું. ] , એ દિવસોમાં સતત ઉલઝાયે રાખવું ને બળાપા કાઢ્યે રાખવા અને આ બધાની વચ્ચે પણ સતત પોતાનો ગ્રેસ જાળવી રાખવો – એ તો તમે જેકી જુઓ તો ખ્યાલ આવે કે અહો રૂપમ , અહો આશ્ચર્યમ ! આખું મુવી એક જ પાત્રની મનોદશા ફરતે ફરતું હોય ત્યારે નજાકત ને ચીવટ હોવી ઘટે અને એ ક્લાસીકાનો ફીલિંગ તમને એક ક્ષણ માટે ય સમગ્ર ઘટનાક્રમમાંથી ચસકવા નહીં દે. આ કોઈ બાયોપિક નથી , છે તો માત્ર એક ઇન્ટરવ્યૂ કે જેની મારફત ફરી એ હોરર ઉભું કરાયું છે કે જ્યા દુનિયાના મોસ્ટ પાવરફુલ માણસની હત્યા તમારી બાજુમાં જ થઈ જાય છે અને સૌથી પહેલા તમે તમારો પતિ ગુમાવો છે અને પછી પ્રેસિડેન્ટ ! ક્યારેક એમ લાગે કે પીડિત પાત્રની સહાનુભૂતિ ઉઘરાવી લેવા જ આ મુવી બનાવવાનો વિચાર આવ્યો હશે , પણ એક એટલે એક ફ્રેમમાંથી આવી ઠેંસ નથી વાગતી – એ જ જણાવે છે કે આ સ્ટાઇલ અને સેન્ટિમેન્ટનું સંમોહન કેટલું ગજબનાક છે !

Director : Pablo Larrain


~ 11 ~

Paterson

IMDb Summary : A quiet observation of the triumphs and defeats of daily life, along with the poetry evident in its smallest details. – Official Trailer

અદ્દલ મારા જેવું મૂડી મુવી! પેટરસનનું પાત્ર શાંત ખરું પણ નિશાંત વધુ , પોતાની શરતે જીવનારું પણ કોઈને કનડનારું નહીં. પેટરસન સિટીનો પેટરસન કહો તો , જાણેકે શહેરનું એક જોડિયા અસ્તિત્વ તરીકે પ્રતિનિધિત્વ કરે છે , ખળખળ ઝરણાની જેમ વહે છે તો ક્યારેક અંતર્મુખી થઇ તળમાં પણ ઉતરી જાય છે ! જાણેકે તેનું કોઈ નોખું અસ્તિત્વ નથી પણ તેની નોંધ લીધા વિના છૂટકો નથી , કાવ્યની સાંખે ઊગેલ અંકુર એટલે પેટરસન , નિતનવીન કવિતાઓ જેને અવતરે એ એટલે પેટરસન , બહારથી શાંત પણ અંદરથી ઘમાસાણ એટલે પેટરસન. સૌ કોઈ તેને સંભળાવે – મતલબ કે તેની આગળ પેટ છૂટી વાત કરે પણ પેટરસનની વાત તો માત્ર માંહ્યલો જ જાણે.

કૈક ખટકતું રહે છે , અટકતું રહે છે છતાંયે આઈ એમ ઓકે – પૂર્વે સૈનિક ને વર્તમાનમાં બસ ડ્રાઇવર , છતાંયે કૈક ઔર જ વ્યક્તિત્વ પાંગરતું રહે – ને છતાંયે આઈ એમ ઓકે , પત્ની સામે ન ખૂલતો ને બંધ પન્નાઓમાં અટકેલો એક એવો કવિ કે જેને કામથી આવીને લખવા જોઈએ ને કામે ચડે ત્યારે પણ લખવા જોઈએ – લોકોની ચિત્રવિચિત્ર વાતો સાંભળીને , શહેરમાં જ્યા જુઓ ત્યાં નજરે ચડતા જોડિયાવ જોઈને , ઝરણું જોઈને , સતત કપાતા રસ્તાઓ જોઈને , સહકર્મીની રૂટિન વાત સાંભળીને , કોઈનું રેપ સાંભળીને બસ તેને કૈક સ્ફુરે અને એ વહેતો થાય ~ જાણેકે તે ખુદ જ કોઈ અછાંદસ રચના હોય !

પહેલી નજરે કોઈ તુક ન બને પણ જયારે બેકગ્રાઉન્ડ સ્કોરની સુરાવલીઓ છેડાય ત્યારે એ જ રચના કોસ્મિક લાગે – યસ આ ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર જો આટલો દિવ્ય ન હોત તો હું આ મુવી સાથે કનેક્ટ જ ન થઇ શક્યો હોત ! એક મસ્ત સિમ્પલ ને સોબર ઇન્ડી મુવી કે જેને સ્વ’ની સંગાથે શાંત ઝરૂખે જોવા જેવું છે. અહિંયા પશ્ચાદભૂ’માં સંગીત એટલી પ્રબળ હદે ઉપસ્યું છે કે જાણે કોઈ નવો જ આયામ ખુલે , વ્યક્તિ / વસ્તુઓને જોવાની સમૂળગી દ્રષ્ટિ જ બદલાઈ જાય અને એટલું જ અદભુત ઝીલાયું છે, પેટરસન સીટીતેની સડકો / શેરીઓ / નદી-ઝરણાઓ / લોકો અને નિરાંત ! જી હાં , જયારે કાન અને આંખ વચ્ચે અનુનાદ સર્જાય ત્યારે જ પેટરસન જેવો ક્લાસિક પીસ બની શકે. આખિરમાં તો એક જ વાત કહેવાની રહી ~ અહા ! [ જય જાપનીઝ કવિ ]

Director : Jim Jarmusch (R)


~ 10 ~

Captain Fantastic

IMDb Summary : In the forests of the Pacific Northwest, a father devoted to raising his six kids with a rigorous physical and intellectual education is forced to leave his paradise and enter the world, challenging his idea of what it means to be a parent. – Official Trailer

હવે આ મુવી વિષે શું કહું ? તમે કહેશો કે તમે બધા જ મુવી માટે આમ જ કહો છો ! પણ ના , આ મુવી અત્યંત વિચિત્રને વાયડું હોવા છતાંયે વ્હાલું લાગે એટલું જીવંત અને સ્પોન્ટેનિયસ છે. હરહંમેશની જેમ મેં આ મૂવીનું પણ ટ્રેઇલર અવોઇડ કર્યું હતું ને એમાં જ મને સાંગોપાંગ ઝટકો મળ્યો ! જયારે જોવાનું ચાલુ કર્યું ત્યારે લાગેલું કે ઠીક હશે ને પછી ફટાફટ પૂરું કરી લેશું , પણ ના ના ના . . . મુવીએ એ હદે મને ઝકડી રાખ્યો કે તમે રીતસર એમના કન્સેપટ , આઇડીયોલોજી અને વે ઓફ થીંકીંગને માનવા લાગો.

શહેરીકરણ , પ્રદુષણ , આધુનિક છતાં વેડફાયેલ માન્યતા , સંસાધનોના અંધાધૂંધ ઉપયોગ અને 21મી સદીનું એવું કૈક કમઠાણ , કે જેનાથી આ કુટુંબ ભાગી છૂટ્યું હતું – એ રોજબરોજની હાડમારી તમને ગમવા લાગે. ~ પણ બદલાય એ જ પ્રકૃતિ ને ! બદલાય એ જ સ્વભાવને ! આ કુટુંબે પણ નવેસર કક્કો ઘુંટવો પડે છે , ને એમાં જ ન જાણવા માંગતા ને ન ભણવા માંગતા બોધપાઠ પણ જિંદગી ભણાવી દે છે. કેમકે જિંદગી પાસે દરેક વખતે વન લાસ્ટ લેસન તો હોય જ છે ! ક્યારેક ભાગી છૂટવું એ ઉપાય નથી હોતો પણ ક્યારેક સમસ્યાની સામે આંખમાં આંખ નાખીને સમસ્યાને જ ભગાવવી પડે છે. જે જડ રૂઢિ અને બીબાઢાળ માન્યતાઓથી ભાગ્યા હતા , ક્યાંક એ જ અહીં નવા વાતાવરણમાં પણ કોઠે નથી પડી ગઈ ને , એ જાણવું જ ખરી જિંદગી ~ આમેય જિંદગી વિષે એક વાત જાણવા જેવી છે કે જિંદગીને કોઈ જાણી શક્યું નથી ! હા , માણી જરૂર શક્યું છે 🙂 બાપા ને બચ્ચેલોગની બહારવટે ચડેલ ને ક્લાસિક પરફોર્મન્સથી સજ્જ આ મુવી જોવો તો નાવીન્ય ને લાવણ્ય શું કહેવાય એનો પડઘો પડેતો બોલો Hail Captain Fantastic !

Director : Matt Ross


~ 9 ~

Loving

IMDb Summary : The story of Richard and Mildred Loving, a couple whose arrest for interracial marriage in 1960s Virginia began a legal battle that would end with the Supreme Court’s historic 1967 decision. – Official Trailer

ઓહ ! એક મુવીમાં આટલી કરુણા કેવી રીતે હોઈ શકે , કે જ્યા એટલું એક્સ્પ્લોઝીવ કન્ટેન્ટ હોય અને આજની તારીખે જેને ચિત્રવિચિત્ર મસાલાઓ નાખીને તડકભડક બનાવી શકાય ત્યાં આ મુવી શીદ ને આટલું વણબોટ્યું રહી શક્યું હશે એનું આશ્ચર્ય ખાલી મને જ નહીં પણ તમે જોશો એટલે તમને પણ થશે ! એકમેક સાથે પ્રેમ અને વિશ્વાસને સથવારે શું શું હાંસિલ કરી શકાય , નફરતથી નહીં પણ મક્કમ મૌનથી પણ કેવો પડઘો પાડી શકાય તેનું તાદ્રશ ઉદાહરણ એટલે લવિંગ ! ફરી પાછું નિતાંત ને નિશાંત બેકગ્રાઉન્ડ સ્કોર એ બંને પાત્રો સાથે તમને ઇમોશનલી કનેક્ટ કરશે કે જ્યા તમને બેઉના ડુમા ને મૌન વચ્ચેનો ભેદ પરખાશે. તેઓ મજબુર ને લાચાર હોઈ શકે છે પણ ખોટા તો હરગીઝ નહીં !

મને આ મૂવીથી ફરી કોઈ ખાસ અપેક્ષાઓ ન્હોતી પણ ફરીફરીને ખોટા પડવાની મજા જે કાંઈ આવી ઉદાત્ત રચનાઓ જોઈને આવે છે કે વાત પૂછો માં ~ આ કથાનક જાણેકે તમારામાં પોતાનો એક અંશ છોડતી જાય છે ~ પ્રેમનો , સહવાસનો જ નહીં પણ સહકારનો પણ , એકબીજામાં વિશ્વાસનો , જેનો કોઈ છેડો દેખાતો નથી એવી આંટીઘૂંટીમાંથી સોંસરવા નીકળવાનો – ને છતાંયે કડવા નહીં પણ પ્રેમાળ એવી કડવાણી બની રહેવાનો. Ruth Negga અને Joel Edgerton એ બંને પાત્રો પાસેથી કોઈને આવા દમદાર પરફોર્મન્સની અપેક્ષાઓ કદાચ ન્હોતી પણ તેઓ એ ભૂમિકા જીવી ગયા , ખાસ કરીને Ruth Negga ~ જસ્ટ અનબિલીવેબલ [ તેણીને આ પાત્ર માટે ઓસ્કર નોમિનેશન પણ મળેલું ] મને એકવાર થયું પણ ખરું કે આ સ્પર્શ પહેલા પણ ક્યાંક થઈ ચુક્યો છે અને દોડીને જોઉં તો દિગ્દર્શક Jeff Nichols : મારી ગમતીલી એવી Mud અને Midnight Special’ના સર્જક ! [ કે જેઓની Take Shelter હજુ પણ વિશલિસ્ટમાં છે. – કદાચ ક્યારેક હું અકાળે એક્ઝિટ થઈ જાઉં તો સમજવું કે તેના માટે મારુ વિશલિસ્ટ જ જવાબદાર છે! ]

Director : Jeff Nichols (L)


~ 8 ~

A Monster Calls

IMDb Summary : A boy seeks the help of a tree monster to cope with his single mother’s terminal illness. – Official Trailer

ક્યારેક સમજની પેલે પાર રહી ગયેલુ જન્મનું સત્ય અથવા તો પળે પળે નજીક આવતા ને મૂંઝારો ભરી દેતા મૃત્યુના સત્ય કરતાંય એક સત્ય હરપળ તમારામાં શૂળ સ્વરૂપે પાંગરતું રહે છે , અને તે છે પીડાનું સત્ય ! જે પીડા પામ્યો છે , ખલેલ પામ્યો છે , અસ્તિત્વમાં કૈક મૂંઝારો પાળીને બેઠો છે , જેની આંખોમાં આંસુ પણ ખૂણે આવીને પાછું વળી જાય છે. – કદાચ તે જ સાચ’ની આંચને સમજતો હશે. મા-દીકરાની એક નાની સ્વપ્નિલ દુનિયા અને એમાંય મા લીલા સંકેલી રહી છે . . મા કહી શકતી નથી ને દીકરો સ્વીકારી શકતો નથી. બંને એકબીજામાં અને એકબીજા માટે અટવાયે પડ્યા છે , ત્યારે અટકેલી વાત , ‘વાર્તારૂપે’ જમીન ફાડીને ઉગી નીકળે છે એક રાક્ષસી વૃક્ષ સ્વરૂપે ! કોણ હતું આ વૃક્ષ કે જે રાતે 12:07ના સુમારે જીવનના કડવા પણ ઘૂંટડે ઘૂંટડે ઉતારવા જ પડે એવા કિસ્સાઓની ત્રણ વાર્તા લઈને આવ્યું હતું ? કે જેની ચોથી અને આખરી વાર્તા આખરે તે બાળકે જ જાણવાની હતી ને જીવવાની પણ હતી !

એક અદભુત રિયાલિસ્ટિક બટ ફેન્ટસી મુવી કે જેની હરેક ફ્રેમ આળસ મરડીને ઉભી થઇ છે , તેની હરેક નજરમાં આશ્ચર્ય અને અસ્તિત્વ સોંસરવી ઉતરી જાય એવી વેધકતા છે. મા કઈ કહી શકતી નથી પણ બાળક ખુદ જ એવા કેટલાય બોધપાઠ પોતાના જ અસ્તિત્વમાં વહી રહેલી મા પાસેથી શીખે છે , અનુભવે છે. જાણેકે મા જતા જતા તેનામાં જ ફરી જન્મી રહી છે અને એ પણ પ્રસવપીડા જેટલું જ કષ્ટદાયક હતું , અગમ્ય હતું ! છેલ્લા કેટલાક વર્ષોમાં જોયેલું બહેતરિનમાં બહેતરીન ચાઈલ્ડ પરફોર્મન્સ એટલે આ મુવીનો ટેણીયો ‘કોન’ [ Lewis MacDougall ] ~ ‘ લિટરલી અનબિલીવેબલ એક્ટિંગ ‘ તમારા બાળકને નહીં પણ ખુદ તમારે જોવા જેવું મા-કસમ મુવી એટલે ‘ અ મોન્સ્ટર કોલ્સકે જ્યાં માત્ર વાત , વાર્તા ને વ્હેણનું જગત છે , સંવેદનનો પવન છે , ભીની આંખ છે ને સત્યની રાહ છે !

Director : J. A. Bayona


~ 7 ~

The Nice Guys

IMDb Summary : In 1970s Los Angeles, a mismatched pair of private eyes investigate a missing girl and the mysterious death of a porn star. – Official Trailer

નાઇસ ગાય્સ ? રિયલી ? નઘરોળ ને નાલાયક કહીએ તો ના ચાલે ? લિટરલી મોજે દરિયા એવું આ મુવી વર્ષની શરૂઆતે જ જોયું ને બારે મેઘ ખાંગા થઇ ગયા ને ધાંય ધાંય ધીંગાણા થઇ ગ્યા! એક મસ્ત બ્લેક કોમેડી , સટાયર પ્લસ સટ્ટાક દઈને અડી જતી એક ચટપટી અડબોથ ! એક તો 70’ના દશકનું લોસ એન્જેલસ , લટકામાં મર્ડર મિસ્ટ્રી અને ફટકામાં મિસમેચ જેવી આ બેય ડિટેક્ટિવ્સની જોડી ( હોલેન્ડ માર્ચ અને જેક્શન હીલી ) ; કે જે ખરેખર તો જોડી જ કેવી રીતે બની એ જુઓ તો હસી હસીને લોટપોટ થઇ જાવ ~ ના , આ કોઈ કાળે ક્લીન કોમેડી નથી , જો એવું સમજ્યા હોવ તો પ્લીઝ આગળથી ડાબે વળી જજો ! અહિંયા તો ઊંધેકાંધ અડગોઠીયા ખવડાવીને તમ્મર ચડાવી દે તેવી કાળી કારીગરી છે. ઇનોસન્સ છે તો નિર્દયતા ય છે , પ્રેમ છે તો ધોખેબાજી ય છે , મોં ફાટ્યું રહી જાય એવું સરપ્રાઈઝ છે ને માખી મોં પર આવીને બેસી જાય તેવો કંટાળો ય છે !

એકેએક ડાયલોગમાં / લાઈનમાં પંચ છે / દંશ છે , એટલો તો ચબરાકિયો સ્ક્રીનપ્લે છે. અહીં જે દેખાય છે તે નથી અને જે નથી તે તો હરગીઝ નથી [ આ લખવા સમયે જયારે હું તે ટ્રેઇલરની લિંક એડી રહ્યો હતો ત્યારે ય ટ્રેઇલર જોઈને ફરી એ બધું યાદ આવી જતા હસી હસીને બે ઇંચ ખસી ગયો હતો 😉 ] અને આ બધા ભવાડામાં ને આ બેયના ગોટાળામાં એક મસ્ત , ક્રિસ્પી ને ઓન ધ સ્પોટ પરફોર્મન્સ ઝળક્યું છે , હોલેન્ડ માર્ચ’ની ટીનેજર દીકરી એવી હોલી’ના કેરેક્ટરમાં [ કમાલની કરિઝમેટિક Angourie Rice ~ સહી પકડે હૈ ! ] કાશ , આ મૂવીની સિરીઝ બને તો ધીનાધીન ધા થઇ જાય [ ખાલી સિક્વલમાં કોણ ધરાવાનું છે ? ] યાદ રાખો , આ સારી ગાયો નથી પણ ઢીંકે ઉલાળતી જાણે કે રાજકોટની ગાયો છે 😉

Director : Shane Black (L)


 

~ 6 ~

Hunt for the Wilderpeople [ New Zealand ]

IMDb Summary : A national manhunt is ordered for a rebellious kid and his foster uncle who go missing in the wild New Zealand bush. – Official Trailer

વ્હોટ અ કયુટી પાઈ , આય સેય . . માઈન્ડ ઈટ , રાસ્કલા યેડા અન્ના ! તમે લો ફીલ કરો છો , ઉદાસ છો , કોઈ વતાવે તો સીધું કરડવા જ દોડી જાવ એવો મૂડ છે ? તો ભાઈઓ ઔર ઉસકી બહેનો ઔર ઉનકે માતાપિતાઓ , Barry Crump’ની બુક ‘ Wild Pork and Watercress ‘ પરથી બનેલું આ મુવી તમારા માટે જ છે : જાણેકે એક મસ્ત મજાની હૂંફાળી જાદુ કી ઝપ્પી 🙂 જયારે થીજેલા સંબંધો / વાણી-વ્યવહારમાં બિનશરતી પ્રેમ / કાળજીનું ચપટીક મીઠું પડે , ત્યારે ભલભલી જિંદગીઓમાં રસની સરવાણી ફૂટે છે ઔર તુમ ક્યાં જાનો એક ચપટી નમક કી કિંમત રમેશબાબુ ? [ રમેશભાઈ માફ કરે ! ]

અહિંયા એક અદા , અલ્લડતા , એટીટ્યુડ ને એરોગન્સ છે છતાંય ચપટીક ઈમોશન્સ ને ડેઝર્ટ જેવી કોમિક ટાઈમિંગ મુવીને ચાર ચાંદ લગાવી દે છે અને તમને ચારે ખાનો ચિત્ત પણ કરી દે છે. એ ન્યુઝીલેન્ડના પિક્ચરસ્ક વાઇલ્ડમાં આ ગોલુપોલુ બહારવટિયુ Nature just got gangster’ની ટેગલાઈન સાથે રેપ કરે છે ત્યારે એની અને આપણી એમ બંનેની ઠગ લાઈફ સાર્થક થતી જણાય છે 😀 [ એ તમે મુવી જોશો ને એટલે સમજાઈ જશે કે આ ઠગ લાઈફ અને ગેંગસ્ટરનો ફંડા શું છે ને લટકામાં આ રેપ પણ શું છે ? યો ]

આ નાનકડું છોલે ભટૂરું સમાજમાં એક મિસફિટ હોવાની વેદના તો સહી લે છે પણ જયારે તેને એ નિસ્વાર્થ પ્રેમ મળીને પણ છીનવાઈ જાય છે ત્યારે એ એના અસલી બળવાખોર સ્વભાવમાં બહાર આવે છે પણ કૈક છીનવીને નહીં ,પણ જવાબદારી લઈને . . .અહિંયા કોઈ મેટાફોર કે મેટાડોરની માથાકૂટ નથી , બસ છે તો સંવેદનાનું ગણિત , નેચરલ & ક્લીન કોમેડી , સેન્સિટિવ ડ્રામા ને આ બધાને સાંકળતી ઠગ લાઈફ ! રિકી બેકરના સ્થિતિપ્રજ્ઞ રેપર કમ ગેંગસ્ટર ટાઈપ ગોલુપોલુ અનાથ છોકરાના રોલમાં તો Julian Dennison રાપચિક રોલો પાડી જ ગયો છે પણ અન્ય કેરેક્ટર્સમાં પણ અંકલ હેક , આંટી બેલા , ફોસ્ટર હોમની ખેપાની ઓફિસર પૌલા , ઝાડીઓમાં શહેર/માણસોથી અલગ રહેતો ધૂની સાઈકો સેમ અને એક મીઠડી હોર્સ રાઇડર જેવી ટીનેજ ગર્લ એવી કહુ’ના પાત્રો પણ ક્લાસીકાનો બન્યા છે અને એમાંય જયારે લોન્ગ & સિંગલ શોટમાં ન્યૂઝીલેન્ડની ઉઘડતી દ્રશ્યાવલીઓ માસ્ટરફુલ ડિરેક્ટર Taika Waititiની ઈમોશનલ ડેપ્થ સાથે ઓગળે છે ત્યારે નિશબ્દ થઇ જવાય છે. [ હા , હમણાં થોર 3 આવી એના ડિરેક્ટર ! આપણને થોર તો બોરની જેમ નો ભાવી પણ તેમની આ પહેલાની બે ફિલ્મો હજુ કમ્પ્યુટરમાં ધૂળ ખાતી પડી છે તો જોઈએ કે હવે અમારો મોક્ષ કે’દી થાય છે ? ] એંક મસ્ત રોડ મુવી કમ સેન્ટિ+મેન્ટલ સર્વાઇવલ ડ્રામા વિથ એક્સ્ટ્રા ચીઝ & ટોપિંગ્સ ~ પુરા પરિવાર સાથે બેસીને જોઈ શકાય એવું રેર & સિમ્પલ સિનેમા.

Director : Taika Waititi


~ 5 ~

A Man Called Ove [ Sweden ]

IMDb Summary : Ove, an ill-tempered, isolated retiree who spends his days enforcing block association rules and visiting his wife’s grave, has finally given up on life just as an unlikely friendship develops with his boisterous new neighbors. – Official Trailer

માણસ નામે ઓવે ! હંમમમમ . . વાર્તામાં શું છે અને આટલું સ્પેશિયલ કેમ છે તે આટલો ઊંચો ક્રમ આપવો પડ્યો ? વાત ને વાર્તામાં તો કઈ કરતા કઈ નવીન નથી – ઉલટાનું આ પ્રકારનો પ્લોટ તો બોલીવુડમાં ચવાઈ ચવાઈને રિબુટ થઈને ફેંકાઈ પણ ગયો હશે બટ ધેર કમ્સ ” ધ ટ્રીટમેન્ટ & પર્ફોર્મન્સીસ ” ! જસ્ટ માર સુટીયા . . આ મુવી એટલુ તો હૃદયસ્પર્શી ઘડામણ પામ્યું છે કે વાત પૂછો માં! એક માણસ પાછલી વયે જયારે મરવાના સત્તર ઉપાયો કરીને આ દુનિયામાંથી પોબારા ગણી જવા માંગતો હોય , અને એ એક વખત પણ મરી ન શકે ત્યારે સાલું લાગી આવે [ આપણને નહીં , બિચારા એ વડીલને ! ] પુરી મુવીમાં સતત યાદો / ભૂતકાળની ભૂતાવળ / દુઃખો અને મૃત્યુએ આવીને અટકતી વાત અને ફરી ફરીને શરૂ થતી ધીમી જિંદગી પણ / વિરહ અને વેદનાની ટીસો અને ચીસો એટલી તો ઠાંસી ઠાંસીને ભરી છે કે ઘડીક તો થાય કે સાંજ પડે ઉદાસ થઈ જાશું , પણ ના ! ત્યાં જ ઉભા રહી જાઓ અને ઊંડો શ્વાસ લોકેમકે આ મુવી માઈન્ડ બ્લોઇંગલી ખુશનુમા છે , જાણેકે વહેલી સવારમાં સંભળાતું ચક્લીઓનું ચીં ચીં , દૂર પસાર થતી ટ્રેન , બારીવાળી સીટ અને તમારો હાથ પકડીને બેઠેલું તમારું પ્રિયતમ – મેજીકલ & બિયોન્ડ ધ વર્ડસ !

Fredrik Backman’ની બેસ્ટસેલર એવી ‘ A Man Called Ove ‘ નોવેલ પરથી બનેલ , આ મુવીમાં ત્રણ અલગ અલગ પડાવે ઓવે’ની જિંદગીની સમૂળગી દિશા જ બદલી જાય છે કેમકે સતત કોઈ આવે છે ને કોઈ જાય છે અને આ બધાની વચ્ચે અંતર્મુખી , ગર્વિત , નિયમોમાં જડાયેલ જડ-એકલવીર , ક્યારેક સમાજથી તરછોડાયેલ તો ક્યારેક જાતે જ પોતાના પગ પર કુહાડી મારતો હૃદયનો ચોખ્ખો એવો ‘ઓવે‘ જ એકલો અટૂલો રહી જાય છે , જાણેકે જીવન બોલાવતું નથી ને મોત મોટપમાં રાચે છે. પુરી મુવીમાં વેદના ને સંવેદનાનો એટલો મસ્ત સમન્વય થયો છે કે સતત ચાલતા બ્લેક હ્યુમર કે પછી જાત વત્તા સમાજ પરના કટાક્ષ પછી પણ સતત ને સળંગ એક તાજી હવાની લહેરખીઓ મસ્તકમાં દસ્તક દેતી જાય છે!

લટકામાં ઓવે’ની આસપાસ જ આવા કૂંપળ જેવા ઉગી નીકળતા બે સ્ટ્રોંગ ફિમેલ કેરેક્ટર્સ પણ આલાતરીન રીતે ઉપસાવાયા છે : પહેલી તો ઓવે’ની પત્ની Sonja [ કમાલની કરીઝમેટીક એવી Ida Engvoll ] : વીજળીના કડાકા જેવી ત્રાટકેલી , મીઠી મધુરી ને હકારાત્મકતા તથા પ્રચંડ મનોબળથી સજ્જ ઝિંદાદિલ [ કે જે બંનેનો લવટ્રેક જ એટલો તો સિમ્પલ અને હૃદયને સ્પર્શી જાય એવો છે કે ઘડીક તો થાય કે જાદુ હૈ નશા હૈ . . ] અને બીજી Parvaneh : Sonja’થી બિલકુલ જુદી – બિન્દાસ , ભારાડી ને ઈન્સ્ટંટ બઘડાટી ~ પરાણે વ્હાલી લાગે એવી ને બીજી જ મિનિટે તબડાવી ય જાય [ સ્વીડિશ નાગરિક સાથે લગ્ન બાદ આવેલ ઇરાનિયન રેફ્યુજી કે જે બે બાળકોની માતા તો હતી જ અને ત્રીજા બાળકની રાહમાં હતી ! ]

અત્યંત સુઘડ ને સુવ્યવસ્થિત , કાયદાનું સ્વર્ગ ને ડિસીપ્લીન્ડ એવા સ્વીડનની ખુબસુરતીની સાંખે જયારે એક ઘરડો ને એકલો માણસ મરવા ઈચ્છે છે ત્યારે જે જીવનસંગીત રેલાય છે એ અફલાતૂન રીતે કમાલના બેકગ્રાઉન્ડ સ્કોર તરીકે આપણા સુધી પહોંચે છે , કે બસ વહી જ જઈએ કોઈ બીજા કિનારે પહોંચવા [ આ વર્ષે કેટકેટલા કમાલના બેકગ્રાઉન્ડ સ્કોર આવ્યા કે જે સ્પર્શી ગયા : લવિંગ , ધ હેન્ડમેઈડન , પેટરસન , કૂબો & ટુ સ્ટ્રીંગ , લા લા લેન્ડ ] ઓવે’ની જેમ જ ક્યારેક આપણે એકલતાના – મોતના ઉંબરે ઉભા હોઈએ અને આવી જ રીતે જિંદગી દસ્તક દેતી હોય એવું પણ બને. ક્યારેક કોઈ આપણા માટે ઉભું થાય એના કરતા આપણે કોઈ માટે પહેલા ઉભા થઈએ તો એટલીસ્ટ કોઈની તો આશા પુરી થાય કે દેવે દીધેલ કોઈ તો આપણું છે! તો એય ને વિથ ફેમિલી ઓવે નામક આ માણસની દુનિયામાં ડોક્યું કરતા આવો – જો આ મુવી તમને ટચી ન જાય તો મુવી જોવાનું છોડી દેજો કયુંકી તેજા મેં હું , માર્ક ઇધર હૈ 😀

Director : Hannes Holm (L)


~ 4 ~

Swiss Army Man 

IMDb Summary : A hopeless man stranded on a deserted island befriends a dead body and together they go on a surreal journey to get home. – Official Trailer

વર્ષનું સૌથી વિચિત્રમાં વિચિત્ર મુવી એટલે સ્વિસ આર્મી મેન ! નવરસ’માના એક રસ એવા બીભત્સ રસ પરથી આટલું હૂંફાળું , મોજીલું ને ક્રિયેટિવ મુવી પણ બની શકે એ મને માન્યામાં નથી આવતું ! અહિંયા તમારે તમારી બધી શાલીનતા અને સૌજન્યતા ઉંબરા બહાર ઉતારીને જ પ્રવેશવું પડશે ,જો બોલ વાલમના સાંભળવા હોય તો . . જી હા , એક ઝોમ્બી એક મરણને શરણે પહોંચી ગયેલ માણસમાં જીવ ફૂંકે છે ~ હૃદયની જીવંત ધકધક’થી નહીં પણ પાદ’રૂપી જીવનસંગીતથી , જી હા , ફાર્ટ’રૂપી આર્ટથી ! આ ખાલી મોં’નું ટીચકું ચડાવીને થોડી જ મિનિટોમાં ભાગી જવા જેવું મુવી નથી , શક્ય છે કે તમને કેટલીય અસભ્ય ને અરુચિકર ક્ષણોનું સાક્ષી થવું પડે – બે લોકો સાથે બેઠા હોય તો તમને થોડું ઓકવર્ડ ફીલ પણ થાય , પણ પણ ને પણ આ બેય બાવાના બગડેલાને મૂકીને ક્યાંય જતા નહીં અને પછી જોજો , વાછુટે વાછુટે શું મોજના ફુંવારા છૂટે છે 😀

બંનેમાંથી એક’ને [ હેન્ક ] ઘરે , પ્રિયતમને મળવા જવું છે ને બીજો તો બિચારો [ મેની ~ ઝોમ્બી ] જીવન અને યાદો એટલે શું , એ જ ભૂલી ગયો છે ! અને બેય પછી જે ધીંગાણે ચડે છે કે તમને થાય કે આ આપણે શું જોઈ રહ્યા છીએ? માણસનો સૌથી મોટો ડર એ હોય છે કે મારી કોઈ એવી વાત / નબળાઈ કોઈ જાણી જશે તો ? [ દા.ત : વાછૂટ પણ આપણે કોઈ સાંભળી ન જાય એ રીતે આઘાપાછા થઈને પતાવી દઈએ છીએ ! ] અને આ જ વાત એક મેટાફોર તરીકે લઈને સ્વ’ની ઓળખ ને જાત’ના સ્વીકાર સાથે એ હદે મસ્ત રીતે સાંકળી લેવાઈ છે કે તમે સમરકંદ બુખારા ઓવારી જાઓ ! એક દ્રશ્યમાં મેની [ ઝોમ્બી ] હેન્કને કહે છે કે તું મારો બેસ્ટ ફ્રેન્ડ થઈને જો તારી વાછૂટ મારાથી છુપાવતો હોય , તો બીજું શું શું નહિ છુપાવતો હોય ? આવી તો કેટલીયે મોમેન્ટ્સમાં સહજને સથવારે સૈરાટ સ્ટાઇલમાં અસહજતાના કાંગરા આ સાદું પણ દાદુ સત્ય સમજાવતી મુવી ખેરવી નાખે છે.

હેન્ક અને મેની એટલે જાણે એક ‘પીધેલ’ ને બીજો ‘દેવનો દીધેલ’ , એક વિચાર ને બીજો કાર્ય , વિચિત્રતાનું વહાણવટું – જાણે પરફેક્ટ ડેડ-અલાઈવ કોમ્બો પેક . . . પણ સવાલ ઉઠે કે ; આ શું હતું ? એકલતાની સ્વંયને જ વીંટળાયેલ ગયેલ લતા કે લતા બનીને ચૂસી લેતી દોસ્તી કે પછી બફાટ કે સીધુંસાદું ફાર્ટ કે પછી સ્વપ્ન કે વાસ્તવિકતા કે પછી સાવ પરાવાસ્તવિકતા ? એ જે કઈ પણ અગમ્ય હોય પણ તમને ગમશે જરૂર – ક્યારેક ન સમજીને પણ સમજી જનારને બાઝીગર કહેવાય છે ! [ અમારે ન્યા એને કારીગર કહે છે , બાબુ સાહિબ ! ] વન ઓફ ધ રેર & ઓરીજીનલ કન્સેપટ – ડિરેક્ટર ડ્યુઓ એવા Daniel’s દ્વારા ( Daniel Kwan and Daniel Scheinert ) તેઓ આ બંને કેરેક્ટર્સ અને તેમની વિચિત્ર રિલેશનશિપ અને ફંડા વિષે કહે છે કે ;

” From very early on, love was a theme. We have all these ideas about love and all these ideas about farts. And then the common ground that we found was that you shouldn’t be ashamed of love. That love is possible when you can kind of be your true self and overcome your shame and that, like, that’s – that’s some of the most honest experiences we’ve had where – when someone can help you break down a wall and help you be more yourself, that’s just the most powerful, wonderful part of a relationship.

અને હા ; આ મુવી માટે Daniel Radcliffe બાકાયદા ઓસ્કર નોમિનેશનને લાયક હતો એટલી આઈ શપથ એક્ટિંગ એણે હાવભાવના સાતેય કોઠા વીંધીને અહીં કરી બતાવી છે કે ભવિષ્યમાં એ હેરી પોટર નહીં પણ મેની નામના આ ફાર્ટીસ્ટ ઝોમ્બી’થી ઓળખાશે , પણ સાલું ઘરમાં આપણું કહ્યું શાક નથી થતું તે આવા સજેશન કોણ માને ? હંહ !

Directors : Daniel Scheinert (L) & Daniel Kwan (R)


~ 3 ~

La La Land

{ Winner : Best Performance by an Actress in a Leading Role in OSCARS }

IMDb Summary : While navigating their careers in Los Angeles, a pianist and an actress fall in love while attempting to reconcile their aspirations for the future. – Official Trailer

ઓહોહો. . . આ મુવી વિશે તો મારા કરતા તમે બધાય વધુ જાણતા હશો , કદાચ સૌથી છેલ્લે મેં આ મુવી જોયું હશે અને એ પહેલા અસંખ્ય લોકો આ મુવી વિષે લાલા લા લાલા . .લાલા લા લાલા કરી ચુક્યા છે પણ તો ય હું શું કામ રહી જાઉં ? એક શોટ તો હું ય મારીશ , પછી ભલે હું આઉટ થઈ જાઉં – એક સ્વપ્ન હું પણ જોઇશ પછી ભલે ચાલુ સ્વપ્ને મને ખ્યાલ આવવા લાગે કે આખરે તો મારે ઉઠી જ જવાનું છે ! જાણેકે સ્વપ્નો એ વિના મુલ્યે જોવાતી ફિલ્મો છે કે જે બાદમાં પોતાની કિંમત વસુલે છે અને કચકચાવીને વસુલે છે. સ્વપ્નો તૂટે છે ત્યારે હકીકત બને છે !

એક જેઝ પાછળ દીવાનો તો એક એક્ટિંગમાં જીવન શોધતી અને લટકામાં બેય સાથે મળીને સપનાઓ જોવે છે અને ત્યાં જ ભૂલ કરી બેસે છે કેમકે અહિંયા સહિયારા સ્વપ્નોમાં વળાંક પર ભલે ધીમું ચલાવો પણ આગળ જતા તો ડાઇવર્ઝન આવે જ છે ! જાણેકે સ્વપ્નો અને પીડા એક જ સિક્કાની બે બાજુ લાગે અને અહિંયા તો રજુઆત જ એ સિક્કાની ખણખણાટ જેવા મસ્ત લિરિકલ ફ્લો’ના મ્યુઝિકલમાં થઈ છે કે ઘડીભર તો ભાન ભૂલી જઈએ . . અજાણતા જ ગણગણવા લાગીએ , પગ થીરકવા લાગે ને આપણે ઉડવા લાગીએ !

પરાણે નોંધ લેવી પડે એવી વહીપ્લેશ’ના ડિરેક્ટર એવા Damien Chazelle ને ગમતીલા એક્ટર્સ એવા Ryan GoslingEmma Stoneની ત્રિપુટીએ ઘડીક તો શાંત કોલાહલ મચાવી દીધો છે. એક તબક્કે સાવ સામાન્ય કહી શકાય એવી બોલીવુડીશ નિષ્પ્રાણ વાર્તાના ખોળિયામાં આ ત્રણેયે જીવ ફૂંકી દીધો છે ~ એ રુદિયામાંથી ઉગતા ગીતો જુઓ , બીટ બાય બીટ ધડકનો તેજ કરી દેતા તેજલિસોટા જેવા સટીક સ્ટેપ્સ જુઓ કે પછી એકબીજાની આંખોમાં આંખો પરોવી દેખતા બેઉના તૂટતાં દિલ જુઓ – એ હરેક તબક્કે તમે જાણે મિ.ઈંડિયા બનીને તેમની સાથે વિહરો છો અને બેકગ્રાઉન્ડમાં ક્લાસિક પિયાનો બીટ્સની સાથે એ શબ્દો ઓગળે છે , રેલાય છે ને સ્મૃતિમાં તરવરતા રહે છે . . .

City of stars . . Are you shining just for me ? To look in somebody’s eyes To light up the skies To open the world and send them reeling A voice that says, I’ll be here And you’ll be alright I don’t care if I know Just where I will go ‘Cause all that I need’s this crazy feeling A rat-tat-tat on my heart… Think I want it to stay

Director : Damien Chazelle (L)


~ 1 ~ ( Tied )

The Handmaiden [ South Korea ]

IMDb Summary : A woman is hired as a handmaiden to a Japanese heiress, but secretly she is involved in a plot to defraud her. – Official Trailer [ 18+]

સૌંદર્ય , સૌંદર્ય ને જાનલેવા સૌંદર્ય . . મૂવીની હરેક મોમેન્ટમાંથી માનવીયથી લઈને કુદરતી પરિબળો સુધી બસ એક જ નાદ સંભળાય છે , રૂપોહમ રૂપોહમ ! કામ ને કુદરત અહિંયા છુટ્ટા હાથે વેરાયા છે ! આ મુવી પાસેથી મને પ્રચંડ અપેક્ષાઓ હતી અને મને ગોથું ખવડાવી , છક્કડ ખવડાવી દે તે હદે આ મુવીએ મારા પર વશીકરણ કરી મને બેવડો વાળી દીધો ! જયારે એની એકેએક ફ્રેમમાંથી એ કાતિલાના નજાકત હું પી રહ્યો હતો ત્યારે જ એ મારા ફરતે એનો અજગર ભરડો લઈ મને ચૂંસી રહ્યું હતું , ભીંસી રહ્યું હતું – રસનું ચક્ર પૂરું થઇ રહ્યું હતું.

સામાન્યતઃ હું આટલા બ્લડશેડેડ મુવીઝને મારા ફાઇનલ લિસ્ટમાં સ્થાન આપતો નથી પણ પણ ને તૉતેર મણના પણ સાથે પણ મારે કહેવું પડે છે કે આવું ઈરોટિક થ્રિલર છેલ્લે ક્યારે બન્યું હશે એ રતિ’ના પતિ કામદેવ જાણે ! [ હા , હમણાં Elleની વાત મેં થોડી વાર પહેલા જ કરી પણ આ સાઉથ કોરિયા છે દોસ્તજ્યાંથી એ ઉભું રહે છે ત્યાંથી લાઈન વીંખાઈ જાય છે , પીંખાઈ જાય છે ! ]

3 ભાગોમાં વહેંચાયેલું , સતત કૈક છુપાવતું ને બીજી જ પળે ઉઘાડું પડી જતું , ટ્વીસ્ટ ઉપર ટ્વીસ્ટથી પેટમાં આંટીઓ વળી જાય ને વળતી જ પળે પતંગિયાઓ તરે – માછલીઓ ઉડે’ની અદાઓમાં મોહપાશમાં ઝકડતુ , સમયના તાણાવાણે સતત બેક & ફોર્થ વણાયેલું , કલર્સ / કોસ્ચ્યુમ ને કાસ્ટિંગમાં અબોવ પરફેક્ટ , પ્રોડક્શનમાં નીઓ રિચ , એકંદરે કળી શકાય તેવું પણ કળ ન વળે એવું અકળ , માશા-અલ્લાહ સુભાન-અલ્લાહ કહીને આળોટીયા ખાઈ જવાનું મન થાય એટલા રિચ બેકગ્રાઉન્ડ સ્કોરથી હરેક ક્ષણોમાં સોંસરવું પરોવાઈ જતું ને વળતી જ ક્ષણે સન્નાટો , ને કાન કનેથી વહેતો પવન ને તેજ થયેલી ધડકન પણ સાંભળી શકો એટલું નીરવ . . [ રોજ્જે એકવાર અચૂક સાંભળતો વર્ષનો સૌથી બેસ્ટ સાઉન્ડટ્રેક ~ મસ્ટ લિસન : My Tamako My Sookee – પિયાનો બિટ્સના સથવારે ઊંધાચત્તા નો કરી નાખે તો અનસબસ્ક્રાઇબ કરી નાખજો , દોસ્તો ! 

 ઈચ્છાઓ અને વિષયાક્તિથી સળવળતું પણ માંહ્યલામાં નિતાંત નિર્દોષતા લઈને ભીની આંખે તમારી આરપાર જોઈ શકતું આ મુવી , મુવી નથી પણ પડદો ફાડીને અવતરેલું સિનેમા છે. [ ચાલે કીડી , ફાટે થાંભલો ને અવતરે નૃસિંહ !] જાણેકે દબાયેલી , સળવળેલી , લબકારા મારતી ને અતૃપ્ત રહી જતી ઈચ્છાઓનું મહાભારત છે , ને છતાંયે એમાં વિશ્વાસની સાદગી ય છે ને સમર્પણનું રામાયણ પણ છે. લવ પ્લસ લસ્ટનું લવચીક લાઘવ છે.

મૂળે સારાહ વોટર્સ‘ની વિક્ટોરિયન યુગના બ્રિટન’ના બેકગ્રાઉન્ડમાં લખાયેલ ‘ ફિંગરસ્મિથ ‘ નોવેલનું આ મુવી એડપ્ટેશન છે કે જેને લીજેન્ડરી ડિરેક્ટર એવા Park Chan-wook‘એ આઈ શપથ કારીગરીથી 1930ની આસપાસના જાપાનીઝ કોલોનિયલ રુલ નીચેના સાઉથ કોરિયન બેકગ્રાઉન્ડમાં ઢાળી બતાવ્યું છે , એમ કહો કે પ્રાણ ફૂંક્યો છે ને આપણને બધાને ફૂંકી માર્યા છે – નોવેલ તો એઝ યુઝઅલ મેં ન જ વાંચી હોય , પણ છતાંયે ટકોરાબંધ ઈસ્ટાઈલમાં કહી શકું કે આ એવા રેર નોવેલ બેઇઝડ મૂવીમાનું એક છે કે જ્યા મુવી એક વ્હેંત ચડિયાતું રહે અને નોવેલ’ને ઈર્ષ્યા થાય !

હવે રહી વાત મૂવીની બે લીડીંગ કાસ્ટ’ની Lady Hideko [ Min-hee Kim ] અને Sook-Hee [ Tae-ri Kim ] ~ શું કેમેસ્ટ્રી છે બોસ , જાણે કે મન મોર બની થનગાટ કરે ! એક હજુ મ્હોરે છે તો એક ચોળાઈ ગઈ છે , એકે ન જોવાનું જોઈ લીધું છે અને એકે ન કરવાનું કરી લીધું છેજાણે બે અંતિમો ! [ મને Blue is the warmest color’ની બંને અદાકારા યાદ આવી ગઈ. ] મુવી એટલું તો એક્સપ્લિસીટ/બોલ્ડ છે કે ઘડીક તો તમે ખુદ ઓઝપાઈ જાવ પણ હું ભાર દઈને કહીશ કે એ બધા દ્રશ્યોની આગળ ય એક ભાવજગત શ્વસે છે , તમે ત્યાં ફોકસ કરજો – નહીં તો આવા માસ્ટરપીસ તમે કદી માણી નહીં શકો ! જય સાઉથ કોરિયા , જય Park Chan-wook .

Director : Park Chan-wook


~ 1 ~ ( Tied )

Your Name [ Japan ]

IMDb Summary : Two strangers find themselves linked in a bizarre way. When a connection forms, will distance be the only thing to keep them apart? – Official Trailer

ઓય હોય , સદકે જાવા તેનુ . . . Your Name ~ તારું નામ . બધું જ ભુલાઈ જશે , એ તોફાની ને અલ્લડ ક્ષણો , તારો ચહેરો-તારું શરીર , તારો સ્પર્શ ને તારી નજરે જોવાયેલ આ જગત પણ , પણ શું આખરે તારું નામ ય ભુલાઈ જશે ?! કોઈ પૂછે કે આ મૂવીની થીમ શું છે ? તો સટ્ટ દઈને ફટ્ટ જવાબ નહીં મળે કેમકે અહિંયા મેટાફિઝિકલથી લઈને ફેન્ટસી સુધી , રિયાલિટીથી લઈને ફિલોસોફી સુધી , જિંદગીની સામાન્યતાથી લઈને પ્રેમની એ ચંદ ક્ષણોની અગાધ ઊંડાઈમાં ગોથા ખવડાવી દે તેવી અલભ્ય વર્ષા સુધી , આ એનાઇમ દસે દિશાઓ ફાડીને ઉગી નીકળ્યું છે ! મુવી શરૂ થાય તો ઘડીક લાગે કે આ ખાલી બોડી’સ્વિચિંગની કોઈક કોમિક ટીનેજ ટેલ હશે ત્યાં તો ઘડીક લાગે કે આ કોઈ ક્લાસ સાઈ-ફાઈ હશે ત્યાં તો લાગે કે આ કોઈ ટ્રેજેડી હશે પણ મુવી પૂરું થયે લાગે કે અત્ર તત્ર સર્વત્ર અડી ગયેલ આ કોઈ ચેતના જ હશે કે જેની શોધ હું ને તમેં હરહંમેશ આપણા સ્વપ્નોમાં કરતા હતાસતત કોઈ અજાણની શોધ , કોઈ અદમ્ય ખેંચાણ , કૈક અકથ્ય લાગણી , કૈક ગૂંચવાયેલું પણ તેનાથી જ બંધાયેલું ને સરવાળે વણાયેલું જીવનનું સત્ય .

ફ્રેમ બાય ફ્રેમ હ્યુમન એનિમેટેડ ટચ , CG અને 2Dના મિશ્રણથી પડદા પર ઊગેલ આ ક્લાસિક લેયર્ડ એનિમેશન જુઓ તો ખ્યાલ આવે કે જાપાનીઝ એનિમેશન પુરી દુનિયાથી બે સદી આગળ છે અને છતાંયે ક્યાંય આ એનિમેશન વાત , વાર્તા ને વહેંણને ટપી નો જાય એનું સતત ધ્યાન રખાયું છે – બસ સતત ભેગું વહ્યા રાખે ને વા ભેગી વાંછટ ઉડાડ્યે રાખે . . બે પાત્રો આસપાસ સતત ગૂંથાતી ને ગૂંચવાતી આ વાતમાં અડી અડીને છુટ્ટા પડવાની નહીં પણ નસીબ સામે પણ લડી ઝગડીને કૈક અડી ગયાની વાત છે , એક અહેસાસ છે , કોઈને શોધવાની મથામણ છે ને એમ કરતા કરતા પોતાને જ પામી જવાની નિરાંત છે . વાર્તા સતત ને સટ્ટાક કરીને તમે સ્થિર થાવ એ પહેલા જ સ્પીડ પકડી લે છે – કશું જ સમજાવાતું નથી , બસ તમારે ચાલુ ટ્રેને સામેથી પસાર થઈ જતી ટ્રેનમાં અજાણ્યા પ્રિયતમ સાથે આંખોથી આંખો મેળવી લેવાની છે ~ જાણેકે ફટ્ટ દઈને ફેરવાઈ જતી જિંદગીનું પડખું ! આંચકાઓ અને અસ્તિત્વ વચ્ચે જાણે અંતર ને અંતરિક્ષ વહેંચાઈ ગયું છે.

અહિંયા સતત એક કોન્ટ્રાસ્ટ ક્રિએટ થયો છે – ટ્રેડિશનલ વિ. મોડર્ન’નો , શહેરી વિ. ગ્રામ્ય’નો , જેન્ડર’બાયસનો , પ્રથા વિ.વિજ્ઞાનનો , ટેક્નોલોજી વિ. સોશ્યોલોજીનો . . પણ જયારે બે લોકો એકબીજામાં વસે ત્યારે નહીં પણ એકમેકમાં શ્વસે ત્યારે , આ બધું ખરી પડે છે ને અનુભૂતિનું ગણિત સમજાવા લાગે છે ! અફાટનું ફાટફાટ થતું વર્ણન અહિંયા એ હદે છે કે , જે માત્ર જાપાનીઝ એનાઇમ જ ઝીલી શકે : વિશાળ ખેતરો , બંધિયાર ને ઝગમગતી ગગનચુંબી ઇમારતો , પકડાપકડી રમતી ટ્રેનોમાં દોડતું જીવન , વાદળોના મહાસાગરને ચીરતી ઉલ્કાનો શેરડો , ઉલ્કાપીંડનો ગોબો , પહાડની પ્રકૃતિ , પાંદડાઓમાથી ચળાઈને આવતો સૂર્યપ્રકાશ , અનંત ક્ષિતિજ , નિરભ્ર આકાશથી લઈને રોજબરોજની ઝીણી ઝીણી વાતો ; જેમકે સ્લાઈડિંગ ડોર , સ્થિર પાણીમાં ટપકતું ટીપું , ખુલતું ખાનું કે પીરસાતું ખાણું , વણાતી દોરી કે વીંખાતો દોરો , રસઝરતી આંખોથી લઈને કોડિયાની જેમ સ્ફટિકમય ફાટી રહેતી નજરો , હાથ પર લખાતા શબ્દો ને તેને વાંચતી અચરજભરી નજર . . અને હા , જાપાનીઝ એનાઇમ’નો ટ્રેડમાર્ક સિગ્નેચર શોટ તો ભુલાય જ કેમ ? અને તે છે પાત્રોનું આંખોમાં આશ્ચર્ય લઈહેં… !બોલવું 😀

સમજણની સાંખે ને પળોની પળોજણ વચ્ચે સૌંદર્યના ઘોડાપુર અહીં એ હદે ફરી વળ્યાં છે , કે તેજ થતી દિલની ધડકન તમારી આંખોની કિકી ઝીણી કરી જાય. દૂર ક્ષિતિજે ઝાલરટાણે નીરવશાંતિમા કોઈના અહેસાસનો રવ સંભળાય કે જાણે રૂંવાડા ઉભા થઇ જાય ~ આ ખાલી ખોળિયા બદલતી કથા નથી પણ વીજળીને ચમકારે ને આંખોના પલકારે એકમેકમાં પરોવાઈ જતી મેજીકલ , મિસ્ટીરિયસ , મેસી ને મુવિંગ ગાથા છે. બે લોકો શું કામ મળે છે’થી લઈને શું કામ એકબીજાને ઝંખે છે ત્યાં સુધી વિસ્તરતી અસ્તિત્વની અથડામણ છે. બસ હવે અટકું ?

મુવી પૂરું થયે ઘડીક તો માથું ખંજવાળીને તરત દોડ્યો કે આ પાલટી છે કોણ , કે જેણે બારે વ્હાણ લૂંટી લીધા ? જોઉં તો નામ છે : મારી ઓલટાઈમ ફેવરીટ્સ એનાઇમ્સ’માંની ‘ 5 Centimeters per Second ‘ અને ‘ The Garden of Words ‘ના સર્જક એવા ન્યુ મિયાઝાકી કહેવાતા Makoto Shinkai ! કે જેમની ખુદની જ નોવેલ/મંગા અને સ્ક્રીનપ્લે પરથી આ મુવી તેમણે ખુદ બનાવ્યું છે ! [ કે જેમની Voices of a Distant Star , The Place Promised in Our Early Days , Journey to Agartha ઓલરેડી વિશલિસ્ટમાં છે. ] અને આ લખું છું ત્યાં સુધીમાં તો આ મુવી વિશ્વનું સૌથી વધુ કમાણી કરનાર એનાઇમ બની ચૂક્યું છે ~ 355 મિલિયન ડોલર અને જાપાનનું વર્ષ 2016નું સૌથી મોટું બ્લોકબસ્ટર !

Director : Makoto Shinkai


What’s your favorite ?

What’s your opinion on this take ? Say it .