ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

1] એક સમય હતો કે જયારે હું એક મહિનામાં ત્રણ પોસ્ટ અપલોડ કરી નાખતો , પછી એક સમય એ આવ્યો કે હું એક મહિનો તો છોડો એક વર્ષના ગાળામાં પણ માંડ માંડ બે’એક પોસ્ટ અપલોડ કરી શકતો અને હવે આજે ફરી એક મહિનાના ગાળામાં મેં ત્રણ પોસ્ટ અપલોડ કર્યાનું અંગત સીમાચિહ્ન મેળવ્યું છે! [ ત્રણ લાંબી ને મૌલિક પોસ્ટ , ઓકે ? ખોટ નથ કે’તો 🙂 ]

2] આજે ત્રણ સાવ અલગ જ વિષય અને માવજત પામેલી ફિલ્મોની વાત લઇ આવ્યો છું કે જેમાંની એટલીસ્ટ એક અથવા તો બે મુવીઝ તો કોઈને કોઈ મારા સીનેફાઇલ દોસ્તોએ જોઈ જ હશે અને સાથોસાથ એ પણ ખરું કે આ પોસ્ટની શરૂઆત જ જે મૂવીથી કરી છે તેના વિષે ઓલમોસ્ટ કોઈએ નામ સુધ્ધાં પણ નહિ સાંભળ્યું હોય! ધેટ્સ કોન્ટ્રાસ્ટ માય ફ્રેન્ડ!

3] બે વર્લ્ડ સિનેમા અને એક ઓલટાઈમ અમેરિકન કલ્ટ ક્લાસિક ફિલ્મોની જે વાત આજે માંડી છે , એ સંદર્ભે ખાતરી સાથે કહી શકું કે મૂવીઝના પ્રશાંત મહાસાગરમાં જે મરજીવા સમાન ખોજી મિત્રો નિરંતર નિતનવા કાંઠે મ્હાલતા રહેતા હશે ,તેઓ તો જરૂર ડૂબકી લગાવીને આ મુવીઝ જોવા બેસી જવાના! તો કહો કે આ ત્રણેય મુવીઝમાંથી કયું મુવી તમને સૌથી વધુ રોમાંચક કે તરબતર લાગ્યું ? ઓવર ટુ યુ ફેલાઝ , ઈન કમેન્ટ્સ . . .


વિઝ્યુઅલી આ પોસ્ટને વધુ માણવા,

 મોબાઈલને બદલે ડેસ્કટોપ પર વાઈડ સ્ક્રીનમાં

વાંચવા વિનંતી.


Raise the Red Lantern , 1991 [ China ]

વાત છે 1920ના ચીનની અને વાર્તા છે સદાબહાર એવા પિતૃસત્તાક માનસિકતા , સામંતશાહી વલણ , સ્ત્રીઓના ભોગવટા સામેના બાહ્ય વિરોધની તથા જડતા , લાલચ , સતા , ઈર્ષ્યા , વ્યભિચાર સામેના મૂક આંતરિક વિરોધની અને સરવાળે શરણાગતિની. Songlian [ Gong Li ] માત્ર 19 વર્ષની છે અને તેના પિતાનાં નિધન અને સાવકી મા’ના પરોક્ષ દબાણથી તે એક અત્યંત ધનવાન એવા પચાસે પહોંચેલા જમીનદારની ચોથી પત્ની બનવાનું સ્વીકારે છે. પિતાનાં નિધન અને યુનિવર્સીટીનું ભણતર છઠ્ઠા મહિને જ છોડવું પડ્યું હોવાથી તેની લાગણીઓનું પહેલું પડ તો જડ બનીને ખરી જ ગયું હોય છે પણ હવે તે એક એવા ઘરમાં જવાની હતી કે જ્યા તેને તેના નામ તો ઠીક પણ શેઠાણી જેવા માનપૂર્વક સંબોધનને બદલે માત્રને માત્ર Fourth Mistress જેવા સતત અપમાનબોધ થાય એવા સંબોધનથી બોલાવવાના હતા કે જેનો પરોક્ષ અર્થ થતો હતો Concubine એટલે કે રખાત!

જ્યા Songlian જાણેઅજાણે સતત તેના સંબોધન જેવી બની રહી હતી ,ત્યાં એક જુવાન દીકરાની મા એવી First Mistress પોતાનો સમય ભોગવી ચુકી હોય છે અને પુરા ઘરમાં તેની ભૂમિકા એક ઠરી ગયેલ અને પરાણે ઠરાવાયેલ વડીલથી વિશેષ ન હતી! Second Mistress એટલે એ ,કે જેને એક દીકરી છે અને તે એક દીકરો કરવા અત્યંત આતુર છે અને જેનું મોં બુદ્ધ જેવું ને હૃદય વીંછી જેવું છે ( શાંત પાણી ઊંડા જેવું’ કાઇંક ) ત્યાં Third Mistress Songlian’થી થોડી જ મોટી અને દેખાવડી એવી ભૂતપૂર્વ ઓપેરા સિંગર હતી કે જેનું Songlian’ના આવ્યા પહેલા આ ઘરમાં માનપાન મોંઘેરું હતું અને હજી પણ એ યેનકેન પ્રકારે Masterથી સંબોધન પમાતા જમીનદારનું ધ્યાન યુક્તિ-પ્રયુક્તિ વડે પોતાની તરફ આકર્ષિત કરતી રહેતી હતી. અને આ બધા જ કમઠાણ ને કરમની કઠણાઈ વચ્ચે ક્યારે Songlian ખુદ એમના જેવી અને ક્યારે એમનાથી પણ બદતર થઇ જાય છે કે એની ભાન સુધ્ધાં નથી રહેતી!

મુવીનો ઓપનિંગ સીન જ જબરદસ્ત વિષાદી માહૌલ બાંધી દે તેવો છે – Songlian’ના મોનોલોગ સ્વરૂપે એની વ્યથા આંસુ’રૂપે નીતરે છે કે આખરે તો એક સ્ત્રીનું આ જ ભાગ્ય છે ને! શરૂની પાલખી ઠુકરાવી પગપાળા ચાલી આવવાની Songlian’ની એ ખુમારી ક્યારે ઓગળી જાય છે અને ક્યારે એ પણ માસ્ટરની પોતાના ઘરે આવવાની રાહમાં બીજા ભેગી જોતરાઈ જાય છે કે અચંબો થઇ આવે! જી હાં , જયારે માસ્ટર રાતે આવવાના હોય છે ત્યારે ફરજીયાત ચારેય Mistress ‘એ ઘરના ઉંબરે ઉભું રહેવાનું અને પછી હાકલ પડે કે આજે માસ્ટર બીજા , ત્રીજા કે ચોથા ઘરે રાત રોકાશે [ પહેલું ઘર અને પહેલી Mistress તો ક્યારની પરાણે નિવૃત થઇ ચુકી હતી પણ તોયે તેણીએ ઉભું તો રહેવાનું જ ! ] અને એ ઘરે પછી લાલ ફાનસ’ની એક આખી હારમાળા રચાય અને ચારેબાજુ ઝળહળા થઇ જાય. એ ઘર અને એ Mistress’નો દબદબો રાતે તો ઠીક બીજી સવારે પણ વર્તાઈ આવે કે જયારે એની પસંદનો નાસ્તો સુધ્ધાં તૈયાર થાય !

અહિંયા ચારેય Mistress કે પછી જેમનો ચહેરો સારાયે કથાનક દરમ્યાન દૂરથી અથવા ધૂંધળો દેખાતો હોય એવા Master કે પછી બધા જ નોકરો [ કે એક દિવસ Mistress બનવા મળશે એના ભ્રમ’માં રાચતી અને Master’ની વિષય’લોલુપતા’માં ફસાતી Songlian’ની ખાસ નોકરાણી Yan’er અને એનો નાનકડો ઝળહળતો રૂમ ] અને ફાનસ સળગાવવા વાળા ખાસ માણસો તો ઠીક ,પણ એ લાલ ફાનસો અને એ ખાસ સ્ટેન્ડ , એક ખુલ્લા પિંજરા જેવું અંતહીન આરોહ અવરોહ’માં ફેલાતું ભવ્ય ને ભૂતાવળ જેવું ભાસતું મહેલ’નુમા કોઠી જેવું મકાન અને પહેલા ભાગમાં સાવ મૌન ને પછી પ્રાચીન ચીની વાદ્યોથી ધમધમતો બેકગ્રાઉન્ડ સ્કોર અને ઓલમોસ્ટ આખાયે મુવીમાં કા તો ક્લોઝ શોટ અથવા તો લૉંગ શોટમાં જ વિસ્તરતું વાર્તાતત્વ ખુદ એક સબળ પાત્ર બનીને ઉભરી આવ્યું છે. ઝળહળતા લાલ ફાનસ અહિંયા એક પ્રકારે સતા/તરફેણ અને બીજી બાજુ પરવશતા/અવગણનાનું પ્રતીક બની રહ્યા છે. જેની રાત આજે રંગીન બની રહેવાની છે એ ઘરે અપાતો ખાસ ‘ફૂટ મસાજ‘ કે જે દરમ્યાન નાની નાની હથોડીઓમાંથી આવતો સતત અવાજ – જેને મસાજ મળે છે એના માટે અહં સંતોષાયાના આનંદનો જયારે બીજી Mistress માટે અવગણના’ના અહંગરાનો નીવડે છે!

અહિંયા નોકર વર્ગ તો ઠીક પણ બધી જ Mistress પણ ગુલામ જણાય છે. ઈચ્છાઓ/એષણાઓનું એવું મહાભારત જામ્યું છે કે સહસા સત્યનો થતો સાક્ષાત્કાર પાગલ કરી મૂકે છે! મહદંશે સ્ત્રી પાત્રો પર કેન્દ્રિત આવું સબળ સ્ટોરીટેલિંગ ઘણા સમયે જોયું. ઘર અને ઘરના રીતિરિવાજ જીવતા માણસોથી વધી ગયા છે અને અહિંયા જીવતું માણસ જ કોઈ નથી એ સત્ય જયારે ઝીલાય છે ત્યારે મૌન જ મોક્ષ બની રહે છે. રિલીઝ થયાના થોડા વર્ષો માટે ખુદ ચીન’માં જ આ મુવી પ્રતિબંધ પામેલું ! Su Tong‘ની નોવેલ “Wives and Concubines” પરથી To Live , Hero [ કે જેના પર મેં ઘણા સમય પહેલા મુગ્ધ થઇ અબુધ પોસ્ટ લખેલી : Link ] , The Road Home , Curse of the Golden Flower , House of Flying Daggers અને 2018’માં જ ફિલ્મ ફેસ્ટિવલ્સ’માં ધૂમ મચાવનારી Shadow જેવી કઈ કેટલીય ક્લાસિક ચાઈનીઝ ફિલ્મોના ડિરેક્ટર એવા Yimou Zhang‘એ આ ઓલ ટાઈમ ક્લાસિક બનાવી છે. 1992’ના ઓસ્કાર માટે ફોરેઈન કેટેગરીમાં નોમિનેટેડ એવું મસ્ટ વોચ વર્લ્ડ સિનેમા.

IMDb Top 250 Highest Rank : 151

Current IMDb Status : Not on the list.

> > Me : 8.5 / 10 < <


Memories of Murder , 2003 [ South Korea ]

ઇઇઇઇઇઇ! કેટલા દિવસથી . . ઉપ્સ! કેટલા મહિનાઓથી . . ઉપ્સ! કેટલા વર્ષોથી મારે આ મુવી જોવું હતું અને હવે છેક આજે એનો મેળ પડ્યો અને હું પણ પડ્યો , એની હૉન્ટિંગ મેમરીઝ’માં. ચાલો સીધું મુવી બાજુ લઇ જાઉં , કોઈ અવાજ નહીં કરે – કિપ મમ પ્લીઝ ! વાત અને વાર્તા આકાર લે છે સાઉથ કોરિયા’માં , સમય છે 1986ની સાલ. Seoul’થી દૂર આવેલા એક નાનકડા પ્રાંત/શહેરમાં એક હત્યા થાય છે , કહો કે હત્યાઓનો સિલસિલો શરૂ થાય છે ! ખેતરને શેઢે દૂર એક પુલીયા કમ નાળા નીચે એક છોકરીની લાશ કોહવાયેલી પડી હોય છે અને ચારેબાજુ અફરાતફરી બોલતી હોય છે , જાણેકે અહિંયા કાંઈ થયું જ નથી ! – નાના નાના ટેણિયાંઓ રાળોરાડ કરતા અહિંયાથી ત્યાં હડિયાપટ્ટી કરતા હોય છે ને ક્રાઇમ સાઈટની મહત્વની જગ્યાએ ટ્રેક્ટર્સ મહત્વના એવિડેન્સ પર રગદોડતા ફરતા હોય છે અને કૈક એવું બધું ઊંધેકાંધ ! [ વેલકમ ટુ ધ કેઓટિક & કરિઝમેટિક વર્લ્ડ ઓફ કોરિયન સિનેમા! ]

અને આટલું ઓછું હોય એમ એક લોકલ ડિટેક્ટિવ Park [ જબરદસ્ત એવો Kang-ho Song ] આવી ચડે છે કે જેને એવો ફાંકો હોય છે કે એ એક નજરે જ ગુનેગારને ઓળખી લે છે , એની નજરોથી બચીને આજ સુધી કોઈ જઈ શક્યું નથી ! પણ ત્યાં તો થોડા દિવસોમાં જ બીજી હત્યા થાય છે , એ જ અધમ રીતથી અને નાનકડું શહેર છેક Seoul સુધી પડઘાય છે , ને ત્યાંથી બીજા ડિટેક્ટિવ Seoની એન્ટ્રી થાય છે કે જે ” કિપ કામ અને કર કામ “ના સિદ્ધાંતમાં માનતો હોય છે. અને શરૂઆત થાય છે એક ઉડધૂળિયા ને બીજા જોખીને જોખીને બોલતા ડિટેક્ટિવ્સની વરણાગી જોડીની , રાતોની નીંદ ઉડાડી દેનાર કેસની , હત્યાઓની , માનવમન’ની અકળ માનસિકતાની , ગાંડપણની અને એ બનાવની કાળમુખી યાદની.

કોરિયન સિનેમા જોવું એટલે રીતસર ચિલિંગ ને કિલિંગ અનુભવ…રીતસર ઝકઝોળી નાખે એટલી એની Intensity કમ Explicity. મહદઅંશે જેટલા પણ કોરિયન મૂવીઝ જોવાયા છે એ નેચર અને નરીશમેન્ટમાં વાયોલેન્ટલી વાઈબ્રેન્ટ છે. આ લોકો એટલી હદે પરિસર અને પરિસ્થિતિ ઝીલે છે કે એક તબક્કે ગભરામણ થવા લાગે અને અહિંયા તો જે પશ્ચાદ્ભૂ’માં સમગ્ર ઘટના આકાર લે છે એનું ભાવજગત (!) જુઓ તો ઘડીક હક્કાબક્કા રહી જાઓ! તત્કાલીન સમયનું મિલિટરી શાસન અને શેરીઓથી સ્કૂલ્સ સુધી નિરંતર ચાલતી રહેતી મોક ડ્રિલ્સ , પોલીસ બ્રુટાલિટીની સાથોસાથ એક સતત લબાડીયત અને બેદરકારી ભર્યું સામાન્ય રહેવાસીઓનું એ નાનકડા શહેરનું જીવન જુઓ તો ખ્યાલ આવે કે હત્યારા માટે કેટલું આસાન છે ભાગીને ફરી એ ઝાડીઓ/ટોળામાં ઓગળી જવું!

અંધારી ટનલ હોય કે ટનલને છેડે ઉજાસ હોય , ચાલતી ગાડીમાંથી દેખાતા સાક્ષી જેવા વીજથાંભલા હોય કે પછી દૂર ક્ષિતિજે ઉઘડતું આકાશ હોય કે પછી અકળતા ઝીલી અફરાતફરી મચાવતા પંખીડા હોય કે પછી કાચી કેડીની બેય બાજુ વરસાદ ને ધુમ્મ્સની લહેરે લહેરાતા ખેતરો હોયમુવીઝની હરેક ફ્રેમ આફ્રિન પોકારી દે તેવી અદાયગીથી લૉંગ , વાસ્ટ અને પેનારોમિક શોટ્સમાં અદભુત કલર પેટર્નના ઉપયોગથી નિખરી ઉઠી છે. ઓપનિંગ સીન હોય કે લાસ્ટ સીન , દરેકે દરેક સીન એક સ્લો & સ્ટેડિ પેસ’થી ઘટનામાં પ્રવેશી ક્યારે ઘટનાતત્વનો લોપ કરે છે કે ઘડીક તો ઊંઘતા ઝડપાઇ જાવ ને દ્રશ્ય તમારો ગાળિયો કરી જાય! સતત એક ઓકવર્ડ બ્લેક હ્યુમર , ફાર્સ કમ ફેક્ટ અને ગળે ટુંપો દેતી વાસ્તવિકતાથી સમગ્ર ઘટનાક્રમ ઝીલાયો છે કે દિવસોના દિવસો સુધી એ તમને પ્રતાડીત કરે જાય. ઘડીક ડોક્યુ-ડ્રામા તો ઘડીક કેરેકટર સ્ટડીથી લથપથ મુવીઝની ફિલ આવે , તો ઘડીક થ્રિલર તો ઘડીક સ્પાઇન ચિલિંગ સાઇકો મુવીઝની હુલ આવે પણ છતાંયે ઓવરલોન્ગ લાગતી આ મૂવીઝ તમને આંખની ઝપકી ય નહિ મારવા દે એ પાક્કું.

વરસાદી રાત હોય અને હત્યા થાય , લાલ કપડાં પહેર્યા હોય ને હત્યા થાય , એક સ્પેશિયલ રિકવેસ્ટ પર રેડિયો પર વિષાદસભર ગીત વાગતું હોય ને હત્યા થાય… પણ પછી ખબર પડે કે આંખ સામે જ જેમ પાંપણ નથી દેખાતી એમ કાંઈક વછુટે છે ને હત્યા થાય છે! Documents never lie જેવી માન્યતા હોય કે મારી નજરથી કોઈ ગુનેગાર છટકી ન શકેગેરમાન્યતા હોય – એ બધાનો ભુક્કો બોલતો જાય છે ને ધીમી ધારે નિર્મમ હત્યાઓ થતી જ જાય છે! અહિંયા ઘટનાક્રમ વાસ્તવિક આ હદે લાગ્યો એનું કારણ એ કે મેઈન ફોક્સ હંમેશા હીરો કે વિલન એવા કોઈ ખાસ પાત્ર કરતા પરિસર અને પર્યાવરણ પર વધુ રખાયું છે અને એ સમગ્ર માહૌલ રીતસરનો ધબકારા ઠેકાવી જાય ને ધબક ધબક ને બદલે લીટરલી તબડક તબડક થવા લાગે!

1986થી લઈને 1991 સુધી ચાલેલી નિર્મમ હત્યાઓનો દૌર કે જેને સાઉથ કોરિયાના ઇતિહાસની પહેલી સિરિયલ કિલર ઇવેન્ટ તરીકે ઓળખાવાય છે કે જેને અહિંયા ડિરેકટર એવા ” Joon-ho Bong “એ ( સ્નોપિયર્સર & ઓકજા તથા હાલમાં જ Cannes ફેસ્ટિવલમાં છાંકો પાડી દેનારી Parasite ફેઈમ ) Zodiac અને Seven ફિલ્મોને ટક્કર આપે એવી નજરબંધ કરી દે તેવી અદાયગીથી ઢાળી બતાવી છે કે દિવસો સુધી એ વરસાદી રાત અને નજર પહોંચે ત્યાં સુધી લહેરાતા ખેતરો સ્મૃતિમાં ભયનું એક લખલખું ફેરવી જશે! ભલે આ એક ચેઇઝ ડ્રામા લાગે પણ અહિંયા વાત સતત ખુદની સાથે ચાલતા પકડદાવની છે , હરેક હત્યા સાથે પોત પણ તૂટે છે અને વિચારધારા પણ. મસ્ટ વોચ એવું વર્સેટાઈલ વર્લ્ડ સિનેમા.

IMDb Top 250 Highest Rank : 190

Current IMDb Status : 190

> > Me : 8.5 to 9 / 10 < <


Eternal Sunshine of the Spotless Mind , 2004

જોએલ ( Jim Carrey ) એક અંતર્મુખી વ્યક્તિ હોય છે કે જે દરિયાકિનારાની રેતી સુધ્ધાંને ઓવરરેટેડ માને છે! જ્યારે ક્લેમેન્ટાઇન ( Kate Winslet ) ક્ષણમાં ઉભરાતી ને ઝટ્ટ કંટાળતી પતંગિયા જેવી બિન્દાસ હોય છે. અને એકવાર આ બંને અલગારી જીવ દરિયાકિનારે ભટકાય છે ને એકબીજાના ચિત્તમાં હિલોળે ચડે છે. પણ ઘણી લવસ્ટોરીમાં બને છે એમ બેઉનું બ્રેકઅપ થાય છે અને વાત ત્યાં અટકી હોય તો ઠીક છે પણ ક્લેમેન્ટાઇન ઉશ્કેરાટમાં આવીનેમેમરી ઇરેઝ ટેકનીકવડે જોએલની બધી યાદો મિટાવી દે છે અને આ વાતની જાણ જોએલને થતા આવેશમાં એ પણ ક્લેમેન્ટાઇનની બધી યાદો ભૂંસવા અધીરો બને છે પણ…

યાદો ભૂલવી અને એ પણ ભગ્ન હૃદયની ? લાગે સહેલું ,પણ પછી એ દર્દ જ મીઠું લાગવા લાગે ત્યારે ? યાદોસ્મૃતિસંસ્મરણો એટલે જાણે ધૂળિયે મારગે જીવાતા જીવનમાં પડેલી પગલીઓ ! સ્વપ્નો / દુઃસ્વપ્નો આંખ ખુલે ત્યારે અથવા તો કદાચ એકાદ-બે દી’માં વિસરાઈ જતા હશે પણ યયાતિ જેવી એ યાદો કે જે કદી વૃદ્ધ થવા જ નથી માંગતી એનું શું કરવું? અને અહિંયા જોએલ સાથે પણ એવું જ થાય છે. વળ’માંને વળ’માં ને અકળ એવી ઉતાવળમાં જોએલ ,ક્લેમેન્ટાઈનની યાદોનું એ ચિતરામણ ભૂંસવા તો મંડે છે પણ ભૂંસાયા પછીના એ લિસોટા જ એનું અસ્તિત્વ બની ચુક્યા હોય છે એનો અહેસાસ થતા ફરી એ યાદોને બચાવવા મરણીયો બને છે!

મારી તમારી સાથે ઘણીવાર એવું બન્યું હશે કે ક્યારેક કોઈ માણસ આપણા માટે કડવો બની ગયો હોય છે પણ એ યાદો મીઠીમધ જેવી લાગે! જોએલ પણ અહિંયા એ યાદોમાં ફરીફરીને ક્લેમેન્ટાઈન સાથે એ ક્ષણો જીવે છે અને ફરી પ્રેમમાં પડે છેજાણેકે પ્રેમમાં પડીને ભૂલ થઇ ગઈ અને ભૂલથી પાછો પ્રેમ થઇ ગયો! ક્લેમેન્ટાઈનને વિસરાતી અટકાવવા [ મેમરી ઈરેઝ કરનારા ટેક્નિશીયન્સથી સંતાઈ જવા ] જોએલ એક તબક્કે તેણીને પોતાની સ્મૃતિઓના એ ભાગમાં લઇ જાય છે કે જ્યા તેને ઉપેક્ષા ,અપમાન ને ક્ષોભ સિવાય કશું જ નથી મળ્યું અને જાણેઅજાણે એ ક્લેમેન્ટાઈન સમક્ષ ઉઘડે છે , હળવો બને છે ને સાટે સ્વીકાર કરતા શીખે છે. From Awkwardness via Acceptance to Love!

‘ભૂલ’ અને ‘ભૂલવા’ તરફ જતી આ ભૂલભૂલામણી સમી મૂવીઝમાં કહાનીના અંતથી આરંભ થાય છે અને આરંભથી જ અંત થાય છે અને વચગાળામાં વાર્તાતત્વ પ્રસરતું જાય છે , બંને છેડાઓને જોડવા મથવા. [ આઈ તો જસ્ટ લવ ધીસ કાઈન્ડા થીમ! ] ક્યારેક લાગે કે ,જાણે તમે યાદોને નહિ પણ યાદ તમને યાદ કરે છે! ભુલાઈ ગયેલી યાદો સુધ્ધાં એક ખાલીપણું અને સરવાળે ખોખલાપણાંની યાદો છોડતી જાય છે. [ મુવી’માં મેમરી ઈરેઝ કરતી કંપની Lacuna’નો અર્થ જ ‘Void’ થાય અને યાદ કરો ક્લેમેન્ટાઈન’ને ,કે જેની યાદો ભૂંસાયા બાદ પણ જયારે તેની સાથે ‘કોઈ બીજું’ એ જ યાદો રીક્રીએટ કરવા મથે છે ત્યારે તેને બધું કેવું બનાવટી ભાસે છે! અકસ્માતનું પણ એક નસીબ હોય છેઅકસ્માત અકસ્માતે થતા હોય છે , તેની ગોઠવણ કરવા જતાં તેનો ચાર્મ ઓસરી જતો હોય છે. ]

સારાયે કથાનકમાં એક વિષાદી સુર છેડાયેલો છે – જેટલા પણ પાત્રો છે એ સૌ’ના સંબંધો ખોરંભે ચડેલા છે , આજુબાજુનું પરિસર પણ એકાકી અને સૂનમૂન છે , કાતિલાના ઠંડી હવાના સુસવાટાઓ ફૂંકાઈ રહ્યા છે , થીજી જવાના આરે દરિયાકિનારે બેઉ પ્રમુખ પાત્રો એકલા ગુમસુમ રખડે છે – રઝળે છે. સૌ કોઈ દુઃખ ભુલાવવા અબોધ બનીને ભટકી રહ્યા છે અને એ જ એમનો બોધ છે. [ બેઉ પ્રમુખ પાત્રોની મેમરી સમારનારા ડોક્ટર્સ અને આસિસ્ટંટ્સ સુધ્ધાં ખોટવાયેલા છે , ખોરવાયેલા છે. એમની પણ એક સ્ટોરી છેબેકસ્ટોરી છે! ] મુવીમાં સિમ્બોલિઝમ તરફ નજર નાખીએ ત્યાં તો પાણીની ઝાલકથી જ શરૂઆત કરવી પડે – દરિયાકિનારે બેય જણા , રૂમ’માં વરસાદની વાંછટ , ઘરમાં પાણી ઘુસી આવવું , સિંક’માં જોએલ અને ક્લેમેન્ટાઈન ~ જાણેકે પાણીના મોજાની જેમ યાદો આવે ને જાય છે , એ ડુબાડે પણ છે ને વળતા કિનારે લાવી પટકે પણ છે , ભીંજવે પણ છે ને તરસાવે પણ છે! બીજું જોઈએ તો ક્લેમેન્ટાઈન’ના સ્ટોરીની સાથે મૂડ સ્વીંગની જેમ બદલાતા વાળનો કલર – ગ્રીન / રેડ / બ્લુ / મિક્સ . . . થોડું સાઈ-ફાઈ’ની ગાર્નિશવાળું , થોડું સરરિયાલિઝમ’ની વાર્નિશવાળું ને ટાઇમલાઈનની લાઈન તોડી પ્રેમમાં ઉઘડતા ને સ્વીકાર કરતા કુર્નિશ બજાવતા શીખવતું આ મુવી જાણે મૂડી તો છે જ પણ મોંઘેરૂ પણ એટલું જ છે.

વિઝ્યુઅલ્સ , ઈમેજીનેશન્સ અને શક્યતાઓનો ત્રિવેણી સંગમ અહિંયા એવો તો થયો છે કે Inception’માં જ આપણે આવું બધું જોયું હતું એવો મીઠો ભ્રમ ભાંગી જાય! Beyond Good and Evil‘માંથી Nietzsche’નું ક્વોટ ” Blessed are the forgetful, for they get the better even of their blunders. ” કે પછી Eloisa to Abelard‘માંથી Alexander Pope‘નું ક્વોટ ” “How happy is the blameless vestal’s lot! The world forgetting, by the world forgot. Eternal sunshine of the spotless mind! ” સાંભળીએ તો લાગે કે , અજાણ બનીને સુખ નામનું શમણું શોધવાની આ એ કવાયત છે કે જ્યાં આપણે શું ભૂલી ગયા છીએ એ પણ ભૂલી ગયા છીએ! . . લાગે કે આ દુનિયામાં ખાલી બાળક અને પાગલ એ બે જ અખંડ આનંદના ઉજાસમાં રાચે છે , કેમકે એકને દુઃખ શું છે એ ખબર નથી અને એક દુઃખનો દરિયો પાર કરીને સામે કાંઠે પહોંચી ગયો છે!

અને ઓય ! જોએલ અને ક્લેમેન્ટાઈનની ‘ ક્લેમેન્ટાઈનના ઘરે પહેલી મુલાકાતમાં ‘ બેકગ્રાઉન્ડમાં વાગતા આપણા હિંદી ગીતો કેટલા લોકોએ નોટિસ કર્યા ? હેં ? तेरे संग प्यार में ‘ , ‘ मेरा मन तेरा प्यासा ‘ , ‘ वादा न तोड़ ‘ 😀

IMDb Top 250 Highest Rank : 31

Current IMDb Status : 90

> > Me : 8.5 to 9 / 10 < <