ટૅગ્સ

, , , , , , , , , , , , , , ,

” હૃદયાંજલિ “

જેમને ક્યારેય મળાયું નહોતું કે જેમની સાથે ક્યારેય વાત સુધ્ધા નહોતી થઇ , કે જેમની સાથે માત્ર શબ્દો થકી જ ઓળખાણ હતી અને જે શબ્દ’પીઠ પર રોજનો આવરોજાવરો હતો , તેવા ” રીડગુજરાતી “નાં મોભી મૃગેશભાઈ આપણી વચ્ચેથી ચાલ્યા ગયા અને અચાનક શૂન્યાવકાશ વ્યાપી ગયો .

કે આવું પણ થઇ શકે ? આવું શું કામ થયું ? તેમના પિતાજીની હાલત કેવી હશે ? . . આ પહેલા એક લેખમાં મૃગેશભાઈ’એ તેમના નાનક્ડા કુટુંબ વિષે તથા તેમને અને તેમના પિતાજીને વેઠવી પડેલી મુશ્કેલીઓ વિષે જણાવ્યું હતું , ત્યારે જ ભાવવિભોર થઇ જવાયું હતું અને હવે અચાનક જ આ માઠા સમાચાર સાંભળીને પરિવારમાં વધેલા તે એક જ વ્યોવૃદ્ધ વ્યક્તિ વિષે ચિંતા થઇ રહી છે 😦 ભગવાન સદગત’ના આત્માને શાંતિ અર્પે અથવા તો તેમના પિતાજીને આ આઘાત સહન કરવાની શક્તિ આપે , તે શબ્દો ઠાલા લાગી રહ્યા છે  . . . પિતા-પુત્ર’ની આ જોડી ખંડિત થઇ અને સાહિત્ય’નાં પનોતા પુત્ર’ની સાહિત્ય સાથેની જોડી ખંડિત થઇ , તે બદલ પારાવાર દુખની લાગણી થાય છે .

આવજો મૃગેશભાઈ . આપની સાથે અમ વાંચકો’ની ઘણી સુખદ સ્મૃતિઓ કંડારાયેલી છે . . .

સૌજન્ય : સુરતીઊંધિયું

સૌજન્ય : સુરતીઊંધિયું


1} જયારે કાવ્ય કે ગઝલ સાથે મારે દુર દુર સુધી ન્હાવા / નિચોવવા’નો કોઈ પણ નાતો ન હતો ત્યારે મુજ કોરા-મોરા’ને ફોરે’ફોરા નવડાવી દેનાર ગઝલ એટલે . . .

” કહો દુશ્મન’ને દરિયાની જેમ હું પાછો જરૂર આવીશ ,એ મારી ઓટ જોઈ કિનારે ઘર બનાવે છે ”

ત્યારે એ શબ્દો સ્પર્શી ગયા અને એ ખુમારી રીતસર રોમાંચ જગાવી ગઈ , કે જેમના રચનાકાર ‘ મરીઝ ‘ હતા .

2} અચાનક જ આ પોસ્ટ આવવાનું કારણ એ કે , એપ્રિલ મહિનાના સાર્થક ‘ જલસો ‘ મેગેઝીન’નાં આ બીજા અંકમાં શ્રી જીગ્નેશ મેવાણી‘ની કલમે લખાયેલ આ લેખ વાંચવાનું થયું અને ‘ મરીઝ ‘ વિષે , તેમના વ્યક્તિત્વ વિષે , તેમની ગઝલો વિષે અને ખાસ તો તેમના ઉદભવ માટે જવાબદાર રહેલા સંજોગો વિષે જાણવાનું થયું . અને આપની સાથે આ પ્રસંગો’થી ભરપુર લેખ વહેંચવાની લાલચ રોકી નાં શક્યો !

ખરેખર તો સમગ્ર લેખ 9 પન્ના’ઓમાં આલેખાયેલો છે , પણ અહીંયા મેં માત્ર થોડાક જ પ્રસંગો અને કેટલીક અદભુત ગઝલો કેવી રીતે આલેખાયી તેનો જ ઉલ્લેખ કર્યો છે .

( Note : આ લેખમાંથી કેટલાક અંશો વહેંચવા’ની પરવાનગી આપવા બદલ હું શ્રી જીગ્નેશભાઈ મેવાણી અને સાર્થક પ્રકાશન’નો આભારી છું .)

( અંક મેળવવા માટે સંપર્ક : બુકશેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, સીજી રોડ, અમદાવાદ અથવા સાર્થક પ્રકાશન, ૩ રામવન એપાર્ટમેન્ટ, દિલીપ ધોળકિયા માર્ગ, ૬૭, નેહરુપાર્ક, વસ્ત્રાપુર, અમદાવાદ-૧૫ )


Disclaimer on Images

પહેલી અને આખરી તસ્વીરો

http://www.mareezthepoet.com/

પરથી લેવાયેલી છે , કે જેનો એકમાત્ર ઉમદા ઉદ્દેશ ‘ મરીઝ ‘ અંગેની પોસ્ટ’ને સમૃદ્ધતા આપવાનો જ છે .


. . . . . પાંચ-દસ મિનિટમાં એકાદ ગ્લાસ લગાવીને એ પાછા ફરે ત્યાં સુધીમાં ટોકરા ગલી’નાં નાકે મરીઝ’નાં ચાહકોનું ટોળું જમા થઇ જાય . પછી મરીઝ શરુ કરે એમનો સ્ટ્રીટ મુશાયરો . અનીસ , દબીર , મીર, મોમીન , ગાલીબ . . ઉર્દુના એકથી એક નામી શાયરોના કલામ સંભળાવે . એમની યાદશક્તિ ગજબની . સેંકડો શેર એમની જીભે રમે . . . અનીસ ને દબીર તો આખા મોઢે !

ચારમિનાર સિગારેટના કશ ઉપર કશ ખેંચે જાય અને શેર પર શેર ફટકારે રાખે કલાકેક સુધી શેરો-શાયરીનો આવો દોર ચાલે પછી કોઈક ફરમાઇશ કરે – અબ કુછ આપકે તાજાકલામ હો જાયે ? એટલે મરીઝ કહે – પહેલે કુછ તાઝા શરાબ હોં જાયે ! આ રીતે એ શાયરી અને શરાબના દોર ઉપર દોર ચાલ્યે રાખે કાબિલ કહે : મરીઝ’ની આ મહેફિલ’નો દોર ચાલતો હોય ત્યાં શિષ્ટાચાર’ની મેથી મારવા કોઈ સંસ્કારી , સજ્જન વ્હોરાજી આવીને મરીઝને એમ કહેતમે શરાબ પીને ખુલ્લેઆમ શાયરી કરો અને અલ્લાહની વિરુદ્ધમાં ગઝલો લખો , એ કાઈ યોગ્ય કહેવાય ? કુરાનમાં મદિરા હરામ છે , ભૂલી ગયા ?

ત્યારે મરીઝ આવા વ્હોરાજીને શાંતિથી બેસાડીને ઇસ્લામ , ઇસ્લામની રૂઢીચુસ્તતાઓ , ખરી નમાઝ કોને કહેવાય – એવા મુદ્દાઓ પર એવું તબિયતથી લેકચર આપતા કે લેકચરના અંતે પહેલા મહાશયને સમજાઈ જતું કે આ માણસ નમાઝ અદા કરે કે ન કરે , રોઝા રાખે કે ન રાખે , મસ્જીદમાં જાય કે ન જાય , કશો ફેર પડતો નથી . બે ચાર દિવસો પછી જોઈએ તો આવા રૂઢીચુસ્ત વ્હોરાઓ પણ મરીઝની મહેફિલોમાં જોડાઈ ગયા હોય કાં તો એમની સાથે ભીંડી’બજારની વહોરી ક્લબમાં ચેસ રમવા બેઠા હોય ! કૈક ગજબ જાદુ હતો એમનામાં . એને જયારે પણ જોઈએ , એ એની મસ્તીમાં જ હોય !!

m1

મરીઝ’નાં આ મોજીલા અંદાજમાં એમનો શાયરાના અંદાઝ ભળતો . વાતે વાતે શાયરી કરવી , પુછાયેલા પ્રશ્ન’નો જવાબ શેર બોલીને આપવો એ એમની સ્ટાઈલ હતી . આસીમ રાંદેરી’એ કહ્યું હતું ‘ સામાન્ય વાતચીત પણ એ શાયરીની ભૂમિકા પર ઉભા રહીને જ કરતા ‘  કોઈ પૂછે કે ” ક્યા હાલ હૈ જનાબ ” તો જવાબમાં સિગારેટ’નો કશ મારીને કહે :

દર્દ એવું કે કોઈ નાં જાણે , હાલ એવો કે સૌ કોઈ જાણે

પોતાની આદત મુજબ પી’ને નાઝ સિનેમાના કંપાઉંડ’માં જાય અને બદરી ( કાચવાલા )ની ઓફિસમાં ટેબલ પર નીચી મુંડી કરીને સુઈ રહે . એમને આ દશામાં જોઈ , આસીમે એક વાર પૂછ્યું : ભાઈ કેમ આ રીતે માથું ઝુકાવીને બેઠો છે ? તો ઊંચું જોયા વિના જ બોલ્યા :

મૈ રિન્દે-પારસા હું , ઈશ્ક હૈ મેરી બંદગી દિલ યે મેરા ઝુકા હુઆ , સર યે ઝુકા નહિ

આ સાંભળી બાજુમાં ઉભેલા હરીન્દ્ર દવે બોલ્યા : કિસકે લિયે આપકા દિલ ઝુકા હૈ , હમે ભી બતાઓ . . એટલે પોતે પ્રિયતમા રબાબ‘નું નામ એક ગઝલમાં જે ખુબીથી વર્ણવ્યું છે એ તરફ ઈશારો કરીને બોલ્યા :

જુઓ શી કલાથી મેં તમને છુપાવ્યા , ગઝલમાં પણ આવ્યા તો નામે ન આવ્યા

મરીઝ’નાં આ શાયરાના અંદાઝ’ને લીધે કાયમ એમના ચાહકોમાં વધારો થતો રહેતો હતો . એક વાર નાઝ સિનેમાના કંપાઊંડ’માં સૈફ પાલનપુરી પડખે ઉભેલા શાયરમીત્રો’ને બેફામ’નો ઇંતેજાર પરનો એક શેર સંભળાવી રહ્યા હતા :

મેં કર્યો એક જ સ્થળે ઉભા રહીને ઈંતીજાર , એટલે તારા સુધી મારાથી પહોંચાયું નહિ

મરીઝ ત્યાં હાજર , એમણે તરત પોતાનો શેર ફટકાર્યો :

મળવા જો એને ચાહુ તો હમણાં મળી શકું , એ વાત છે જુદી કે મને ઈંતીજાર છે


સિદ્ધપુર’માં રહેતા 93 વર્ષના દાઉદભાઈ રાવત‘ને મરીઝ’ની યાદ અપાવો એટલે એમની લગભગ બુઝાયેલી આંખોમાં પણ ચમક આવી જાય અને પોતાના પરમ સૌભાગ્ય’નો કિસ્સો સંભળાવે : મરીઝ અમારા સિદ્ધપુર’માં જવાહર સિદ્ધપુરી’ને ત્યાં મુશાયરા માટે એકાદ અઠવાડિયું રોકાયેલા . અમે લોકોએ એના માટે પીવાનો ખાસ ઈંતેજામ કરી રાખેલો . આખો દિવસ પીવાનું ચાલે અને રાત્રે મુશાયરો કરીએ. મને બરાબર યાદ છે કે એકવાર મરીઝ જવાહરભાઇ’નાં ઘરમાં સમંદરની એક તસવીર સામે ક્યાય સુધી જોતા રહ્યા. પછી એની તરફ ઈશારો કરીને એમણે મને કહ્યું , આ તસવીર જોઇને હમણાં જ એક શેર સુઝ્યો છે :

કહો દુશ્મન’ને દરિયાની જેમ હું પાછો જરૂર આવીશ ,

એ મારી ઓટ જોઈ કિનારે ઘર બનાવે છે

બીજા એક દિવસે અમે બધા બહાર જવા નીકળ્યા . અમે જવાહરભાઈ’ના ઘરનાં દાદરમાં રોકાઈ ગયા. રસ્તામાં એક માણસની નનામી જઈ રહી હતી. પણ એની સાથે માંડ મુઠ્ઠીભર માણસો હતા .આ જોઈને એમણે તરત ખિસ્સામાંથી એક ચબરખી કાઢી , ઉપરના ઓરડામાં ગયા અને મુક્તક લખ્યું :

આ દુનિયા લોક , આ દુનિયાની રીત

કદી સાચા માણસને ફાવે નહી

જીવો તો કરે દાટવાની જ વાત

મરો તો દફન કરવા આવે નહિ

Source : Blogotsav.com

Source : Blogotsav.com

મહમ્મદઅલી રોડ પરની હોટલોમાં રોજ સવારના મરીઝ’નો અડ્ડો હોય , એટલે કેટલાક ઉર્દુના શાયરો પણ મરીઝ જોડે ઈસ્લાહ કરવા આવતા . એ લોકો ગઝલ લખીને મરીઝને દેખાડે એની ગણતરીની સેકંડોમાં તો મરીઝ બે ચાર નવાનક્કોર શેર લખી દેતા . એક વાર હું ( દાઉદભાઈ ) અને મરીઝ આવી જ રીતે ત્યાની કોઈ હોટેલમાં બેઠા હતા . એવામાં મરીઝના એક ઓળખીતા વ્હોરાભાઈ આવ્યા , કહે – ‘ મને હમના ને હમના જ તકદીરની આગળ આપનું માનસ લોકોનું કઈ બી નૈ ચાલે ‘ એવા મતલબની શાયરી લખી ડે ને ! મરીઝ કહે – વારુ , પન આઠ આના લઈશ ‘ પેલો કહે – ટુ બે રૂપિયા રાખ ‘ આટલું કહી તેણે ચા મંગાવી . અને એની ચા પૂરી થાય ત્યાં સુધીમાં તો મરીઝે મુક્તક લખી બી નાખ્યું ‘

નસીબ ઇન્સાન’નું જયારે અહી બદલાઈ જાય છે

એ ચાલવા ધારે તોયે ઠોકર ખાઈ જાય છે

કરવા ધારે એ કાઈ , પરિણામ આવે કઈ ઉલટું

કદી પોષક સીવે તો કફન સિવાઈ જાય છે


આ રીતે ગમે ત્યારે , લોકોની દેખતા શેર લખી નાખવા , વાતવાતમાં શાયરી કરવી , શાયરાના અંદાઝમાં જ કમ્યુનીકેશન સાધવું – મરીઝની આ અદા , આ અંદાઝ છેક છેલ્લા દિવસો સુધી કાયમ રહ્યો . હરીન્દ્ર દવે’એ નોંધ્યું છે એમ , રીક્ષા સાથે અકસ્માત થયા બાદ હોસ્પિટલ’માં દાખલ કરવામાં આવ્યા , ત્યારે ડોક્ટર મહેતા’એ શસ્ત્રક્રિયા પહેલા હુંફ આપતા કહ્યું , ‘ ચિંતા નહિ કરો હજુ તો તમે ઘણું જીવવાના છો ‘ ત્યારે પણ મરીઝે એમની ટ્રેડમાર્ક સ્ટાઈલ’માં કહેલું :

નાં માંગ એની પાસે ગજાથી વધુ જીવન ,

એક પળ એ એવી દેશે વિતાવી નહિ શકે

[ નોંધ : કદાચિત આ અકસ્માત બાદ જ તેમનું મૃત્યુ થયું હતું .  ]

પત્ની સોનાબેન અને સાળા સાથે ' મરીઝ '

પત્ની સોનાબેન અને સાળા સાથે ‘ મરીઝ ‘

મરીઝ’ના વ્યક્તિત્વ’ની એ ખૂબી હતી કે તેઓ ન તો ક્યારેય કોઈની બળતરા થાય એવું બોલતા કે ન ક્યારેય પોતાની પીડા-તકલીફો વિષે કકળાટ કરતા . કેવળ હળવેકથી , ફિક્કું હસી કાઢતા , કાબિલ ડેડવાણી કહેતા : મરીઝને ચાહકો ફરતે વીંટળાઈ’ને મસ્ત હાલતમાં શેરો-શાયરી કરતો , લોકોના દિલ બહેલાવતો જોઇને તો એમ જ લાગે કે આના જેવો સુખી જીવડો કોઈ હશે જ નહિ ! પણ એમને ક્યાંથી ખબર હોય કે રાત્રે બચ્ચા ભૂખ્યા નાં સુઈ જાય એટલા માટે આ માણસ બે રૂપિયામાં કોકને ગઝલ વેચીને આવ્યો હશે !! વર્ષોના વર્ષો સુધી અમે મરીઝ’ને કપડાની નવી જોડમાં જોયો નહિ હોય। આ છતાં મેં જિંદગીમાં ક્યારેય એમને પોતાની તકલીફોના રોદણાં રોતા જોયો નથી !

મુશાયરામાં જવા આસીમ રાંદેરી’એ મરીઝને એક શેરવાની લઇ આપી હતી , પણ શેરવાની અંદર ક્યારેક તો ખમીસ પણ રહેતું નહી !! અને પૈસાની જરૂરત’ને કારણે થોડા દિવસમાં તો એણે એ શેરવાની પણ એક મારવાડીને વેચી મારવી પડેલી ! મુશાયરામાં ગાભા જેવો એકનો એક શર્ટ પહેરીને એ તો આવી પહોંચ્યા . મેં પૂછ્યું – મરીઝ તમારી શેરવાની ક્યાં ગઈ ? તો કહે – એ તો મારવાડીને ત્યાં ગીરવે મુકવી પડેલી . પણ હવે એને પાછી કોણ લેવા જાય ? મેં પૂછ્યું : કેમ ? તો કહે – એક વાર દીધું એ દીધું , આપણે એના જેવા મારવાડી થોડી છીએ ! પોતાની વેદનાને પણ મરીઝ એવી હળવાશ’થી રજુ કરતા કે સાંભળનાર’ને એ જ ન સમજાય કે એની વાત પર હસવું કે એમની હાલતની તરસ ખાવી ? કદાચ મરીઝ’ની ફિલસુફી કૈક આવી હતી :

કિસ્મત’ને હથેલીમાં હંમેશા રાખો

ચહેરા પર એની ન રેખા રાખો ,

દેવાને દિલાસો કોઈ હિંમત ન કરે ,

દુખદર્દ’માં પણ એવી પ્રતિભા રાખો


Note : ગુજરાતના અવ્વલ દરજ્જાના ગઝલકાર મરીઝ‘નાં જીવન-સર્જકની અનેક અજાણી વિગતો અને તેના દસ્તાવેજી પુરાવા પહેલી વાર રજુ કરતુ શ્રી જીગ્નેશ મેવાણીનું પુસ્તક આ વર્ષ’નાં અંત સુધીમાં સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત થશે .

મરીઝ વિષે ” મિસ્કીન ” અને ” રઈશ મનીયાર “નાં પુસ્તકો ઉપરાંત હવે જીગ્નેશભાઈ’નાં પુસ્તક’નો પણ ઇન્તેઝાર રહેશે .


at Last . . !

વડોદરા’માં રહેતા શાયર ગુલામ અબ્બાસ ‘ નાશાદ ‘ કહે છે , મરીઝ જે પ્રકારનું નિષ્કલંક જીવન જીવ્યા , એમનામાં જે ઈન્સાનિયત હતી , એમનામાં જે ઉચ્ચ સત્ર’નું ધાર્મિક જ્ઞાન હતું , એમણે જે સુંદર મરશીયા લખ્યા છે , એ જોતા લાગે છે કે જો તેઓ શરાબ ન પિતા હોત અને થોડા પણ દેખીતી રીતે ધાર્મિક હોત , એટલે કે દાઢી-બાઢી રાખતા હોત તો સો-બસ્સો વરસ પછી વ્હોરા કોમ’માં કદાચ પીર તરીકે પૂજાતા હોત !!

ગાલીબ‘નાં શબ્દોમાં કહીએ તો :

એ મિસાઈલે તસવ્વુફ એ તેરા બયાન ગાલીબ

તુઝે હમ વલી સમજતે જો ન બાદાખાર હોતા !

આ જ અંદાઝમાં મરીઝ લખે છે :

હું હતો કેવો એનો ફેંસલો કયામતમાં થઇ ગયો ,

જો આજ કયામતમાં બધા મને મળવા આતુર છે