Studio Ghibli ~ Isao Takahata

ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,


1] Isao Takahata એટલે Studio Ghibli’ના સહ-સ્થાપક, એટલે મારા મોસ્ટ ફેવરિટ ડિરેક્ટર મિયાઝાકી’ને શોધનાર, તેમની ટેલેન્ટ ઓળખનાર , તેમને લાઇમલાઇટમાં લાવનાર ક્રિટીક કમ મિત્ર.

2] તેઓ અત્યંત ધીમા, અકળ, રહસ્યમય રીતે મોજીલા ને પોતાની જ ધૂનમાં રાચનારા હતા! તેમના નિધન બાદ Studio Ghibliના પ્રોડ્યુસર એવા સુઝુકીએ કહેલું કે તેમની ફ્રીક્વન્સી સાથે તાલમેલ મિલાવતા કામ કરવું મારે માટે બૌ અઘરું બની રહેલું! તેઓ ક્યારેય સમયસર પ્રોજેક્ટ પૂરો કરી જ ન શકતા! છેક છેલ્લી ઘડી સુધી તેમનું ફ્રેમ્સને મઠારવાનું અને વચ્ચે વચ્ચે પાછું કોઈ ઔર જ દુનિયામાં ચાલ્યા જવું સામાન્ય બની રહેતું! બબ્બે વખત મિયાઝાકી અને તાકાહાતાએ પોતપોતાની ફિલ્મો એકસાથે એક જ દિવસે રજૂ કરેલી, પણ ત્યારે મારે જવાબદારી એ વધી જતી કે તાકાહાતા સમયસર ચાલે કેમકે મિયાઝાકી તો પોતાની ડેડલાઈન કરતા ક્યાંય વહેલા નવરા થઇ ચુક્યા હોય! ~ મૂળે તાકાહાતા લહેરી લાલા હતા.

This slideshow requires JavaScript.

3] 1988માં આવેલી વિશ્વવિખ્યાત Grave of the Firefliesથી લઈને 2013માં તેમની આખરી ફિલ્મ The Tale of The Princess Kaguyaના 25 વર્ષના ગાળા દરમ્યાન તેઓએ માત્ર 5-6 ફિલ્મો જ બનાવેલી! [ અને હા, 2015ના ઓસ્કારમાં તેમની The Tale of The Princess Kaguya નોમિનેટેડ થયેલી પણ આટલી અદભુત ફિલ્મ અને તેવી રીતે જ બીજી અદભુત એનિમેશન મુવી Song of the Seaને બદલે ઓસ્કર ગયેલો Big Hero 6 ને! બોલો! ]

4] મને ઘણું મોડું ભાન થયેલું પણ મિયાઝાકીની જેમ જ આ તાકાહાતા દાદા પણ મારા મોસ્ટ ફેવરિટ ડિરેક્ટર્સમાં તેમની હારોહાર જ બેઠેલા દેખાણા! મિયાઝાકીનું My Neighbor Totoro અને તાકાહાતા’નું Only Yesterday એ બેઉ મુવી મારા હ્ર્દયની અત્યંત નજીક અને મારી ચેતના પર અગાધ પ્રભાવ પાડનારા નીવડ્યા છે. તેમણે ખુદ માટે અંદાજેલી 90+ની ઉંમરને બદલે તેઓ 82ની ઉંમરે જ ચાલી નીકળ્યા, નહિતર મિયાઝાકીની જેમ જ એક આખરી વાર ફરી એક મોટો પ્રોજેક્ટ ઊપાડેત અને હું હોંશે હોંશે તેની કાગડોળે રાહ જોત!

Founders of Studio Ghibli : Miyazaki, Suzuki, Takahata

5] તેઓએ ફ્રેન્ચ સાહિત્યમાં મેજર કરેલું અને ઇટાલિયન નિઓરિયાલિઝમની તેમના પર ઘેરી અસર હતી. એક રોમન કહેવત હતી કે; ” If you want peace, prepare for war. ” પણ યુદ્ધની વિનાશક અસર વેઠી ચૂકેલા તાકાહાતા ફ્રેન્ચ કવિ Jacques Prévertનું આ વર્ઝન ટાંકતા, ” If you dont want war, Repair peace.[ તેઓ સાત ભાઈ-ભાંડરુંમાં સૌથી મોટા હતા અને 1945માં જયારે બીજું વિશ્વયુદ્ધ તેની ચરમ પર હતું ત્યારે તેમના ઘર પર જ વિનાશક હવાઈ બોંબમારો થયેલો, કે જેમાંથી તેમનું કુટુંબ માંડમાંડ બચેલું! ~ એમાંના કેટલાક અનુભવો એમણે ગ્રેવ ઓફ ફાયરફલાઇસ’માં પણ આલેખેલા. ]

6] મિયાઝાકીની ફિલ્મો એટલે મહત્તમ કિસ્સાઓમાં ફેન્ટસીથી લથપથ અને તાકાહાતા એટલે સાવ સામો છેડો! મતલબ કે તેમની ફિલ્મો અનહદ અને અદભુત રિયાલિસ્ટિક સ્તરે શ્વસતી. કશું પણ સુપરનેચરલ નહિ, પણ સુપર્બલી નેચરલ! [ જોકે, સ્વપ્નો – કલ્પનાઓ – અભિવ્યક્તિમાં પરાવાસ્તવિકતાની કેટલીક ક્ષણો ખરી! ] રોજબરોજની સામાન્ય જિંદગી જીવતા માણસોમાં તેમને વિશેષ રસ, અને છતાંયે એમાં તેઓ અચરજ ને અહોભાવના મોતી ખોળી લાવતા!

પહેલીવાર મિયાઝાકીને તાકાહાતા મેઘલી રાતે તોતોરો’ની જેમ જ બસસ્ટોપ પર મળેલા! Tribute Courtesy : Starvingarts

~ તેમની 5 નોંધનીય ફિલ્મોમાંથી આજે 3 ક્લાસિક ઍનિમે’ની વાત માંડી છે અને 2 ઍનિમે Pom Poko અને My Neighbors the Yamadasની વાત માંડી વાળી છે. [ એ બંને ફિલ્મો પણ અફલાતૂન છે. ]

~ આ સાથે જ બ્લોગ પર અઘોષિત એવી Ghibli Trilogy ભારે હૈયે પૂર્ણ કરું છું. ~


~ PREVIOUSLY IN THE SERIES ~

Studio Ghibli ~ Hayao Miyazaki : 2/2

Studio Ghibli ~ Hayao Miyazaki : 1/2


Grave of the Fireflies , 1988

 

સપ્ટેમ્બર 21, 1945…સૅઇટા (Seita) આખરે ઢળી પડ્યો! તેના જેવા કેટલાય થોડાઘણા અંતરે ઢળી ગયા હતા. આ એક બીજો!…એમની આંખોમાં એ શૂન્યતા જુઓ ત્યાં જ ખ્યાલ આવી જાય કે આ જવાના થયા છે! પણ આ આંખોમાં ચમક લઈ આવતું નાનકડું લાલ ટીન શેનું છે? જે હોય તે…આ ફેંક્યું! અને એ સાથે જ સળવળતી ને સળગતી સ્મૃતિઓમાંથી જાણે કોઈ સ્પિરિટ આળસ મરડીને ઉભું થાય છે! અરે આ તો સેત્સુકો (Setsuko)…સેઈટાની નાની બહેન! અને એ ફેંકી દેવાયેલ ટીનમાંથી બંને પોપિન્સ જેવા ફ્રૂટ ડ્રોપ્સ મોંમાં મૂકી, ફરી એ સ્મૃતિઓની સફરે આપણને હાથ દોરી લઈ જાય છે. અરે…! કે હજુ એ બેઉં ત્યાં જ અટકી ગયા કે શું? અને આ બાજુ આપણે નીકળી ગયા છીએ તેમની જિંદગીમાં ડોકિયું કરવા…

સેઈટા અને સેત્સુકો એમની માતા સાથે જાપાનના એક છેવાડાના નાનકડા શહેર Kobe’માં રહેતા હોય છે અને તેમના પિતા નેવીમાં કેપ્ટ્ન હોઈને યુદ્ધમાં તેમની ફરજ પર ગયા હોય છે અને આ બાજુ એનિમી બોમ્બર પ્લેન્સ શહેરોના શહેરો ઘમરોળી રહ્યા છે! એર રેઇડનું ભયાવહ ને તીણું સાયરન સાંભળતા જ બધા બંકર જેવા શેલ્ટર તરફ ભાગાભાગી કરી મૂકે છે! પણ નાની શી ઢીંગલી એવી સેત્સુકો ‘શેલ્ટર’ નામ સાંભળીને જ ઉબકી જાય છે. શેલ્ટર’માં તે કાંઈ રહેવાનું હોય? મને ન ગમે!

પણ આવી જ એક રેઇડ દરમ્યાન તેમનું ઘર અને ઘરના મૂળિયાં જેવી ‘મા’ હતા ન હતા થઇ જાય છે અને બંને ભાઈ-બહેનને તેમના એક દૂરના સગાને ત્યાં અને બાદમાં એક ગુફા જેવા બંકરમાં કમને રહેવા જવું પડે છે. મા’ની સાથે જ સ્વજન, સ્વમાન અને સ્વતંત્રતા પણ સ્વાહા થઇ જાય છે અને શરૂ થાય છે, જીવનથી મૃત્યુ સુધીના ચક્રના ઉતાવળે ફરવાની કરમ કઠણાઈની કહાની!

એક છેડેથી સ્મૃતિઓ અને બીજે છેડેથી ધીમું મોત જયારે જીવનની દોર કાપતા હોય ત્યારે આ બેઉ સહોદર પાસે માત્ર એકમેક સિવાય અન્ય કોઈ મૂડી ન્હોતી! વર્તમાનની દુઃખદ વાસ્તવિકતા ને ભૂતકાળની સુખદ યાદો આ બેઉ મચી પડ્યા હતા અસ્તિત્વની રંગોળી વીંખવા, પણ હજુ આ બે ભાઈ-બહેન એકબીજામાં ઓથ ગોતી લેતા હતા. એક સમય આવે છે કે જયારે ભૂખ લાગે ત્યારે સ્વમાન ગળવું પડે છે, ભાતના આસવથી લઈને ફ્રૂટ ડ્રોપ્સના ટીનનું ધોવાયેલ પાણી પણ ખારા આંસુડાંઓ કરતા મીઠું લાગે છે! આવતીકાલની આશ’માં અવહેલનાની હેલ ઉતારતા ઉતારતા કોળિયો ગળે ઉતારવો પડે છે, ગણતરીઓની વચાળે ઠંડી અવગણનાઓ કરવી પડે છે. પહેલા તો મૂઢ હોવાના ભાવથી અને બાદમાં દિગ્મૂઢ ભાવે આ સઘળી તબાહી જોવી પડે છે. અને એમ જ એક તબક્કે ફાટી પડાયછે કે અમારે નિદાનની નહિ પણ નિવારણની જરૂર છે!

આગિયાઓ એટલે ઠંડો ને અલ્પજીવી એવો ઉડી જતો પ્રકાશ! કાળના હાથોની પોલી બખોલમાં ઝળહળતું એવું અજવાળું કે જે સવાર પડ્યે છૂંદાઇ જવાનું છે! શમણાંઓ, ભ્રામક્તા, ઝાંઝવાની સાથે જ આશા,અરમાનોનું દ્યોતક એવું રૂપક. ઝબકતી સ્મૃતિઓથી લઈને ઠંડા મોત સુધી એ આ સફરના સાક્ષી રહ્યા છે. નાની ઉંમરે મોટો બની ગયેલો પણ આમ અબુધ ને ગર્વિત એવો માસુમ સેઈટા મા’ના મૃત્યુ પર જાણે કાળમીંઢ પથ્થર થઇ ગયેલો, પણ જયારે નાની સેત્સુકો સવાર પડ્યે બુઝાઈ ગયેલ આગિયાઓને દફનાવતી હોય છે ત્યારે જે ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે એ દ્રશ્ય જુઓ તો ઘડીક એ ડૂમો ભીંહ પાડી દે! ભૂખથી જ શરૂ થતા અવળા મારગ પર મર્યાદા મુકતો-ચોરતો-માનભંગ પામતો ઉંધી દિશામાં ભાગતો બહેનનો ભાઈ જુઓ તો ખ્યાલ આવે કે આ કથા યુદ્ધના ભયાવહ પાસાને તો દેખાડે જ છે,પણ એથીય વધુ સમાજના દંભી, રુક્ષ ને સગવડિયા ચહેરાને ખુલ્લો પાડે છે!

યુદ્ધ અને બાળકો એવા બે સામસામેના છેડાની વાસ્તવિકતા એકમેકને આંતરતા જયારે ભીષણ વિભીષિકામાં પરિણમે છે, ત્યારે ઘડીક તો લાગેલ આગ બાદ આવતો વરસાદ પણ કાળો દીસે છે! એક વાર પણ જોવી અઘરી પડે એ ફિલ્મ જયારે હું વર્ષો બાદ આ સિરીઝ માટે બીજીવાર જોવા બેઠો ત્યારે ઘડીક તો થંભી જવાયું! ફરી એ સ્મૃતિઓથી લઈને મૃત્યુના સતત ઝળુંબતાં રહેવાના દ્રશ્યોની હારમાળા યાદ કરું તો1] ભીષણ આગજની,જાનહાની અને તબાહી બાદ એક સૈનિકનું ઊંચા સ્વરે Long live the Emperor પોકારવું! 2] પોતાની મા’ને મૃત્યુના બિછાને દાઝી જવાથી સંપૂર્ણ પાટાપીંડીમાં લપેટાયેલી જોઈને પણ ન દેખી શકતો સેઈટા અને એની ભાવશૂન્યતા. 3] મા હજુ ઘરે નહિ આવી શકે એ સાંભળીને સેઈટાથી રીંસાયેલી અવળી ફરીને રોતી અબુધ સેત્સુકો’નું દ્રશ્ય. 4] સતત ઠરતાં જીવન આસપાસ સોળે કળાએ ખીલેલી કુદરત અને એ જીવલેણ સૌંદર્ય વચ્ચે ભભૂકતી ભૂખ ભાંગતા માટીના રાઈસ બોલ્સ!

5] સમુદ્રકિનારે ભાઈબહેનની ધીંગામસ્તી અને એ દરમ્યાન કશાક જડવા સમયે જડ્વત બની જતો સેઈટા! 6] સેત્સુકોને પીઠ પર ઊંચકી લઈ જતા તૂટેલી છત્રીની ઓથે સેઈટાની છબી. 7] જે બંકરથી સેત્સુકોને સૂગ હતી એ બંકર્સમાં જ ઘરનો ભાવ જોતી સેત્સુકો. 8] કથાનકની આખરી પળોમાં સેત્સુકોની દિનચર્યા દર્શાવતી અતિસંવેદનશીલ ઘટમાળ. 9] આખરે આવેલ પૈસામાંથી ખરીદાયેલો કૈક અલગ જ સામાન અને અશ્મિઓની સાક્ષીએ સૂકા ગળે ઉતારાતો એ આંસુભીનો કોળિયો.

ઓલટાઈમ ગ્રેટ એન્ટીવોર થીમ ધરાવતી મૂવીઝમાં સામેલ આ માસ્ટરપીસ માટે એ સમયે ભંડોળના ફાંફા પડ્યા હતા અને આખરે એ વર્ષે હાયાઝાકીની તોતોરો સાથે આ મુવીને “ડબલ ફીચર” તરીકે રજૂ કરાઈ હતી! બંને મૂવીઝમાં એક જ એનિમેટર્સ સતત બદલતી શિફ્ટ સાથે મૂડ ચેન્જને અવગણીને પણ કામ કરી રહ્યા હતા, કેમકે બંને મુવીઝ તદ્દન સામા છેડાની વાર્તા રજૂ કરી રહી હતી, કે જ્યાં તોતોરો જોઈને લોકો ખુશખુશાલ નજરે ચડી રહ્યા હતા ત્યાં જ આ મૂવીથી જાણે તેમની જ આત્મા પર કોઈએ આઘાત કર્યો હોય એવી અનુભૂતિ થઇ રહી હતી! સ્ટુડિયો જીબ્લી દ્વારા નિર્મિત પણ મૂળ માલિકી અન્યની હોય એવી આ એકમાત્ર જીબ્લી મુવી, સ્ટુડિયોની મોસ્ટ ટ્રેજીક ફિલ્મ છે. Akiyuki Nosaka’ની સેમી-ઓટોબાયોગ્રાફિકલ શોર્ટ સ્ટોરી પર આધારિત આ મુવીમાં ડિરેક્ટરનો એક પાત્ર તરીકેના કેમિયો પણ છે!

IMDb : 8.5  | IMDb 250 : 48th | Rotten Tomatoes : 100%

> > Me9  < <


Only Yesterday, 1991

 

ત્રીસીમાં વિહરતી મહાકાય ટોક્યોમાં એકાકી રહેતી એવી કરિયરવુમન ‘તાએકો’ ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ રજા મૂકીને એક નાનકડા વેકેશનમાં પોતાની જાતને ગ્રામ્યજીવનના અણમોલ ખજાનામાંથી જીવનનો મરમ અને મજા શોધવા છૂટી મૂકી દેવાની હતી, પણ આ સફરમાં અચાનક તેણીના જ 10 વર્ષીય સ્વરૂપે યાદોના રૂપમાં તેની સાથે ચાલવાનું શરૂ કર્યું. અને આમ ભૂતકાળની ચોટલી હાથમાં ઝાલી ‘વર્તમાન’ ભાવિ તરફ આગળ ધપવાનું શરૂ કરે છે, અને એક માઈન્ડબ્લોઇંગ મેમોઇર ઘડાવાની શરૂઆત થાય છે.

ત્રીસીને આરે આવી ઉભેલી તાએકોનો હાથ ઝાલીને 5માં ધોરણમાં ભણતી 10 વર્ષીય તાએકો સ્મૃતિઓની સફરે ચાલી નીકળે છે, અને એમ કરતા જ બાળપણના એ દિવસોની અર્થહીન દોડાદોડ આજે તેણીને અર્થસભર લાગે છે. ઘરમાં આવેલ Anonymous એવું અનાનસ અને તેની રસદાર સોડમ , સ્કૂલ ફૂડ’ના એ દિવસોમાં બ્રેડની વચ્ચે અથાણું સંતાડતી ને ડુંગળી ગપચાવી દૂધ ગટગટાવવાની ‘તર’બતર વાતો, રિસેષમાં લોબી વચ્ચે દોડનારને મોનિટર સજા કરે અને વળી મોનિટરને ય દોડવા માટે સજાની દ્રિધાવાળી ક્યૂટ મીટિંગ્સ, સૌપ્રથમવાર નાનકડી છોકરીઓને સ્કૂલમાં જ એક ખાસ પિરિયડમાં ‘પિરિયડ્સ’ અંગે અવગત કરાવવાની નાજુક પળ અને છોકરાઓની એ સંદર્ભે સ્થૂળ રમૂજો, બ્લશ’થી લઈને ક્રશ સુધી વિસ્તરતી ફેરી ટેઇલ્સ જેવી આકર્ષણની ક્ષણોમાં જાણેકે નાનકડી તાએકો મોટી તાએકોને પરાજિત કરી દે છે! એ વનવગડા જેવા બાળપણમાં બોલતો સ્મૃતિઓનો મોર જાણેઅજાણે આજમાં કોયલના ટહુકાઓને જન્મ આપે છે! એ રીતે એક આખું ખોળિયું બદલાય છે, આયખું બદલાય છે. [ જસ્ટ જબરદસ્ત જમાવટવાળી સ્કૂલની મોજીલી યાદો! ]

સ્મરણોનું સુખ ઝાઝું કે સંતાપ? યાદગલી’ના એ રસ્તાઓ જાણીતા હોવા છતાં દર વખતે ભૂલું કેમ પડી જવાય? હર વળાંકે સ્મૃતિઓ કેમ આંખોમાં તરવરવા લાગે? શું એનો અર્થ એમ કે આપણે વર્તમાનમાં ઓછા ખુંપેલા છીએ? કે પછી હજુયે આજથી કોઈ ફરિયાદ છે? કે પછી આમ જીવેલું ને આમ વિસરાયેલું હવે આળસ મરડીને ફરી જીવતું થઈ આજને કંઈ નવીન જ શીખવાડી રહ્યું છે! શું જીવવું એટલે જ ફરી ફરીને જીવવું? એક જ જીવનમાં કંઈ કેટકેટલાયે અર્થ તારવીને ગઈકાલ જાણે આજને મઠારે છે, અને એમ જ સ્મૃતિઓ એક સાક્ષીભાવ કેળવવામાં મદદ કરે છે.

ગઈકાલના સ્મરણો અને આવતીકાલના સ્વપ્નો વચ્ચે જાણે ‘આજ’ દિવાસ્વપ્નોમાં રાચ્યા બાદ પણ સ્વીકારનો ભાવ કેળવે છે ત્યારે શીખવાની એ પ્રક્રિયા અર્થસભર વત્તા ભાવસભર બની રહે છે. બધી જ અસમંજસતાઓ અને સમાધાનો ખરી પડે છે, જીવન પ્રત્યેનો એક સહજ અભિગમ કેળવાઈને અખંડ નિષ્કામ કર્મનો આનંદ અનુભવાય છે. ઉભરી આવેલી એ સ્મૃતિઓ આપણા વશમાં નથી હોતી, અને તેથી જ ઘટી ગયેલી ઘટનાને એક સાવ અનોખા દ્રષ્ટિકોણથી જોતા એ શીખવે છે. સ્મૃતિઓમાં સફર કરવી એ જાણે સ્થિરતા અને ગતિશીલતાના વિરોધાભાસ જેવો ઘટનાક્રમ રચે છે અને એ જ આવનજાવન અહિંયા જીજીવિષા અને ઝિંદાદિલીભરી દાસ્તાનમાં એક અદભુત ઍનિમે’માં જયારે સેલ્યુલોઇડ પર ચીતરાય છે ત્યારે ઘડીક તો અહોભાવથી આંખો ફાટી જ રહી જાય છે!

ઘણા વર્ષો જીવો અને તમને હજુ તો શું નું શું જોવા મળશે! ” એમ કહેતા ઠંડાગાર બા હોય કે પછી ” તારી લેખિનીમાં મને કોઈ રસ નથી બસ તું સરખું ખાઈ લે તોય બૌ! ” એમ કહી ઉત્સાહ પર ઠંડુ પાણી રેડતી મા હોય કે પછી ” પગરખાં વિના ઘરની બહાર પગ કેમ મુક્યો! ” એમ કહી એક સટ્ટાક અડાડી દેતા ઠંડી લાગણીઓવાળા પિતા હોય કે પછી ” હું ખેલ વિશે તો કાંઈ નથી જાણતી પણ ખિલાડી મને દમદાર લાગ્યો! ” એવું કહેતી માસુમ તાએકો હોય… આ કથાનક નાયિકાની જેમ જ એ કોશેટા’રૂપી બંધનાવસ્થા , ઈયળ’રૂપી પાપા પગલી અને આખરે પતંગિયાની મુક્ત એવી ઉડાન પામ્યું છે. સતત ફોર્થ & બેક ઘુમરાતી ‘વાર્તા’ અને ‘વ્હેણ જેવી નાયિકા’ એ બેઉ સ્વગત સંવાદ , સ્મૃતિઓ , સાક્ષીભાવ અને સહજ સ્વીકાર થકી એકમેકમાં ઓગળે છે, અને તળિયેથી દર વખતે કંઈક નવું જ ગોતી લાવે છે!

જાણેકે ઋષિકેશ મુખર્જી અને બાસુદા’ની કોઈ અર્થસભર ને સહજ ફિલ્મ જોતા હોઈએ અદ્દલ એવી જ અનુભૂતિ આ માસ્ટરપીસ ઍનિમે જોતા હોઈએ ત્યારે આવ્યા રાખે! ઘણી ઘણી જગ્યાએ તો લિટરલી ફોકસોંગ્સ અને બેકગ્રાઉન્ડ સ્કોરમાં ઇન્ડિયન મ્યુઝિક જેવી જ છાંટ આવ્યા રાખે! [ ખાસ તો એ વાગતા બ્યુગલ્સ! ]હજુ ગઈકાલ‘ની જ વાત માંડતી આ કૃતિ ક્ષિતિજને પેલે પાર કૈક ખાસ રાહ જોતું હોવાની વાત છેડીને એક નવી જ આવતીકાલને પોંખે છે.

મ્યુઝિંગ (Musing) અને મ્યુઝિક સતત એ ઓગળતી કિનારીઓવાળા સ્વર્ગીય એનિમેશનમાં ફ્રિકવન્ટ ફ્લેશબેકસ અને કન્ટ્રીસાઈડમાં કુદરત વત્તા ખેડૂતોના ખોળે તાએકોની સાથે આપણને પણ એક વ્હેંત અધ્ધર ચડાવી જાય છે. કેસર અને સૂરજમુખીના ખેતરોની એ લહેરાતી લય, આદિત્યના આગમનના વધામણાં, પીળા ફૂલોમાંથી લાલ રંગ નીતરવાની ફોકસ્ટોરી, એ પરંપરા અને પ્રક્રિયા એ બધું જ કંડારતી એ હેવનલી ફ્રેમ્સ જુઓ તો ઘડીક તો સૌંદર્ય એટલે શું, એ સમજાય જાય!

This slideshow requires JavaScript.

સતત બેક & ફોર્થ વિહાર કરતી આ મુવી જાણેકે યાદોનું યાયાવર ઝુંડ છે. હજુયે તાએકોની એ બધી જ યાદો, વર્તમાનમાં વ્યથા અને વાર્તા સ્વરૂપે નજર સામે તરે છે… 1] ઓપનિંગ સિક્વન્સ [ સીટીસાઈટથી કન્ટ્રીસાઇડ સુધીની સફર અને સીનરી. ] 2] તાએકો અને તોશીઓ (Toshio)ની ઓફબીટ વાતો છતાંયે રસસભર એવી કેમેસ્ટ્રીના એ હરેક સંવાદો.

3] ટેણકી તાએકોના સાનંદાશ્ચર્ય વચ્ચે શેરીમાં મળતો ક્રશ અને બ્લશના ફૂટતા શેરડા! [ સુપર સની ડેય્ઝ જેવી અલૌકિક સિક્વન્સ અને Dreams come trueને પગલે આવતી Dreamy Sequence. ~ અફલાતૂન. ]

4] વાવણી,લણણી,દૂધ દોહવાથી લઈને ફળફૂલ ચૂંટવા, ફૂલોના રસમાંથી ડાઇ બનાવીને બાદમાં બાંધણી જેવું કૈક બનાવવું, ટ્રેકટર ચલાવવાથી લઈને ભરત ભરવા સુધી ગ્રામ્યજીવનના અખંડ અસ્તિત્વને બથમાં લેતી તાએકો.

5] ‘એ છોકરી નોર્મલ નથી…અને થંભી જતા પગ’વાળું ફ્રેક્શન્સ ડિવાઇડ કરવા જેવું ફ્રેક્ચર્ડ રિયાલિટીવાળું દ્રશ્ય. 6] ધ પ્રપોઝલ અને ઉભરી આવતો પેલો ઉદ્ધત ગંદો છોકરો! 7] ઢગલોએક સંવાદોવાળો મેઘલી રાતનો ચાંદા જેવો ચકાચક પ્રિ-ક્લાયમેક્સ. 8] અને આખરે એન્ડ ક્રેડિટ્સ રોલ થવા સમયે સ્વપ્નવત કે સરરીઅલ જેવી બચ્ચાપાર્ટીવની ઢાંસુ સોંગ સિક્વન્સ અને 10 વર્ષીય તાએકોનો છૂટતો હાથ! …Kazuo Ogaના સુપર્બ લેન્ડસ્કેપ આર્ટમાં Isao Takahataનું અદભુત વિઝ્યુઅલ વત્તા વિઝન ભળતા મળેલું અદભુત અદભુત અદભુત મુવી.

એક છેલ્લો સવાલ : સફરમાં સ્મૃતિઓ આપમેળે શા માટે ઉભરી આવતી હશે?

Some say love, it is a river
That drowns the tender reed
Some say love, it is a razor
That leaves your soul to bleed
Some say love, it is a hunger
An endless, aching need
I say love, it is a flower
And you, its only seed

It’s the heart afraid of breaking
That never learns to dance
It’s the dream afraid of waking
That never takes the chance
It’s the one who won’t be taken
Who cannot seem to give
And the soul afraid of dying
That never learns to live

And the night has been too lonely
And the road has been too long
And you think that love is only
For the lucky and the strong
Just remember in the winter
Far beneath the bitter snow
Lies the seed that with the sun’s love
In the spring, becomes a rose

IMDb7.6  | Rotten Tomatoes : 100%

> > Me9.5  < <


The Tale of Princess Kaguya , 2013

‘કાગુયા‘ એટલે ઝળહળતો પ્રકાશ, ઉગમણી કોરનો ઉજાસ; કે જે એક નિ:સંતાન દંપતી’ને ત્યાં પ્રગટ્યો અને શરુ થઇ કથા, કથાનો પ્રવાહ અને સરવાળે જીવનની અગમ્યતા’નું વહેણ! અંદાજે 10’મી સદીની આ જાપાનીઝ લોકકથાTale of the Bamboo cutter ” [ કે જે જાપાન’માં ખુબ જ જાણીતી અને માણીતી હતી/છે, તેમાં વણી લેવાયેલા મુલ્યો, તત્વો અને જીવંતતાને કારણે. ] પરથી આ કૃતિ એક નવીન જ સંદર્ભ અને પરિમાણો સહીત તાકાહાતા સાંગોપાંગ સજીવન કરી બતાવી છે.

એક વાંસ કાપનાર ગરીબ મજૂર’ને વાંસમાંથી એક દિવસ ઝળહળતા પ્રકાશ વચ્ચે એક આંગળીના વેઢા જેવડી નાનકડી બાળા મળે છે અને ભારે કુતુહલ વચ્ચે તેને પોતાની પત્ની પાસે લઇ જાય છે પણ તે તો ક્ષણે ક્ષણે અને દિવસે’ને દિવસે અલૌકિક રીતે વધતી જ જાય છે અને થોડાક જ વર્ષનાં ગાળામાં તે 8’થી 10 વર્ષની બાળકી બની જાય છે ! જે વાંસમાંથી તે મળી હતી તેમાંથી જ અઢળક સોનું અને દિવ્ય વસ્ત્રો પણ મળી આવતા ગરીબ પિતા તેને ગ્રામ્યજીવનમાંથી રાજધાની લઇ જઈને એક રાજકુમારીની જેમ ઉછેરવાનું નક્કી કરે છે અને શરુ થાય છે બધી કમઠાણ’ની શરૂઆત !

સ્વર્ગીય નિર્દેશો અને માનવીય માન્યતાઓ વચ્ચે જયારે પરંપરાઓનું પ્રેત સ્વયંભૂ અને સ્વંયસ્ફુરિત એવી લિટલ બામ્બૂ’ને વળગે છે ત્યારે તેની ગતિ અટકી જાય છે અને અંતે કાગુયા નામે એક ઝળહળતી ને જડ દીવાદાંડી જ બચે છે, કે જે અન્યો માટે તો પ્રકાશિત હતી જ પણ ખુદ મૂળિયામાંથી દાઝતી રહેતી હતી! વાંસની જેમ મુક્ત ઉગેલી ને હવે ઉડવા જઈ રહેલી કાગુયા જયારે બંધનમાં આવે છે ત્યારે તેની ભ્રમર જેવી ભ્રમરો ભેરવાઈ જાય છે, દાડમની કળી જેવા દાંત કાળા કરી નંખાય છે! [ એક નોબલ લેડીને આમ અચાનક જ ઉભું ન થવાય, હસાય નહિ અને જો હસવું જ પડે તો દાંત ન દેખાવા જોઈએ! પછી ભલે એ માટે દાંત કાળા કરી નાખવા પડે! ]

અસ્તિત્વના ભાગ પડવાથી લઈને ભોગ બનવા સુધી આખરે તો સૌંદર્યના નામે સિસકારા જ બચે છે! ક્યારેક સૌંદર્ય પામવાના હવાતિયાં તેને રસહીન કરી નાખે છે! – જાણેકે રસ્તાની કોરે ઉગેલું એ અનામી ને અજાણ્યું ફૂલ કે જે ક્યારે ચૂંટાશે કે ચૂંથાશે તેની કાંઈ ખબર જ ન હોય! તેને પામવાના વ્યર્થ પ્રયત્નોમાં તેને જે ઉપમા/ઉપાધિથી નવાજવામાં આવી હતી એ True Treasures શું હતા? આખરે તો શું સૌંદર્ય ખુદમાં જ એક છળ-કપટ નથી? માત્ર સુંદર હોવાને કારણે જ જો કોઈની સામાન્યતા અને સહજતા અભડાઈ જતી હોય તો એ ખજાનો થયો કે લૂંટ? અળખામણા અભિજાત્યપણામાં ખોવાયેલી એ જાણેઅજાણે ‘Answer back by simply being alive‘ના સ્વરૂપે મ્હોરી રહી હતી અને છતાંયે તેને પામવા મથનાર તેની આરપાર જોઈ શક્યા ન હતા, અને એ જ ઉપેક્ષાનો તાપ તેને કરમાવી પણ રહ્યો હતો!

એક તબક્કે, જયારે સમયના એ નિરંતર ચાલતા ચક્રમાં સઘળું પોતાના મૂળીયે પરત ફરે છે’ના અફર સિદ્ધાંતે લાગે છે કે ‘તમે જીવનના મર્મને જાણી રહ્યા છો ત્યાં સુધી તો જવાનો સમય આવી ચુક્યો હોય છે!’ વિષાદની વ્યથામાંથી વિમુક્તિ સારું ‘વિસ્મૃતિનું સુખ’ તમને એ અખંડ આનંદના પ્રદેશમાં લઈ જવા જયારે આવે ત્યારે એ સંઘર્ષ/પીડાઓ કેમ પોતીકી અને અર્થસભર લાગવા લાગે છે? મુક્ત થયાની લાગણી કેવીક હોતી હશે? અને જો એ દરમ્યાન ય ભાર મહેસુસ થાય તો શું મુક્ત થયા કહેવાય? ઘડીક તો એ પાછું વળીને જોતી સ્થિર આંખોમાં તગતગતી ઉદાસી વિદાય વગરની વિદાય જેવી ભાસે!

Ghibliની ટ્રેડમાર્ક થીમ અહીં પણ સાદ્યંત મોજુદ છે : આધુનિક સભ્યતા અને વિકાસનો કુદરત સાથેનો સંઘર્ષ , ખરું સુખ , જીવનની સાર્થકતા અને કુદરતનાં ખોળે જીવંત થઇ ઉઠતી જિંદગી! વાર્તાપ્રવાહ’ની ધીમી શરૂઆત , એક તબક્કે તેનું સ્થિર થઇ જવું અને આખરે ખળભળાટ સાથે નિર્વાણ પામવું એ દરેક તબક્કે આ મુવી એક ક્લાસિક ફિલોસોફીકલ માસ્ટરપીસ સાબિત થઇ છે. ખાસ કરીને મુખ્ય પાત્ર એવું કાગુયા અદભુત રીતે દર્શાવાઈ છે, વ્યક્ત કરાઈ છે. – મર્યાદાઓના એ દંભી સમાજની ખોખલી માન્યતાઓ વચ્ચે તેની હરેક વ્યક્ત-અવ્યક્ત લાગણીઓ , ખુશીઓ , દુખ , અસમંજસતા રીતસર સ્પર્શી જાય છે અને તેથી કરીને એક તબકકે કથાનક ઘણું ગંભીર બની જાય છે, એ ઉદાસી રીતસર’ની અનુભવાય છે, એ મૂંઝારો કઈ સૂઝવા નથી દેતો!

આખરી ક્ષણોમાં જયારે એ વળતી નજર ચિત્તમાં ઝબકી જાય છે ત્યારે ફરી એ દ્રશ્યો વાંસની જેમ આંખોમાં ઉગી નીકળે છે1] વાંસમાંથી કાગુયા પ્રગટ થઇ એ ઓપનિંગ સિક્વન્સ અને એ સુપર ક્યૂટ લિટલ બાંબુના દરેકે દરેક દ્રશ્યો! [ એક બાળક મને એનિમેશનમાં આટલું ક્યૂટ ક્યારેય ન્હોતું લાગ્યું! ~ મસ્ત ભોફિંડુ. ] 2] નામકરણ સંસ્કાર અને બાળકીમાંથી યુવતી બનવા સમયેની પરંપરાઓ તથા પળોજણ. 3] અને એ અનુસંધાને જ કાગુયા’ની એક તબકકે નાસીપાસ થઈને ભાગી જાવાની એનીમેશનનાં માસ્ટરપીસ જેવી લિસોટા જેવી સિક્વન્સ [ Hats off to Animator Osamu Tanabe. ]

4] પાંચ પાંચ ઉમરાવો અને આખરે ખુદ શહેનશાહના કાગુયાને હાંસિલ કરવાના હવાતિયાં! 5] વસંતઋતુમાં ચેરી બ્લોસમની એ અદભુત સીનરી! 6] મા-દીકરીનો નોખા ખૂણા જેવો બગીચો અને તળિયેથી દેખાતું એક અલગ જ જગત/વાસ્તવિકતા. 7] ગુંગળામણમાંથી છૂટી ગઈ હોય તેમ સ્વપ્નમાં પોતીકી ભૂમિ પર પ્રિય પાત્ર સાથે વિહરતી હોય તે સિક્વન્સ. 8] અને આખરે મુવીના અંત તરફ ચંદ્રમાની એક અદભુત સિક્વન્સ સમગ્ર મુવીને અનેરી ઉંચાઈ આપે છે.

ઉગતા સૂરજના દેશમાં અન્યોને અચંબામાં મૂકતી એ ચાંદપરી ક્યારે અનુકૂલન સાધતા સાધતા કોઈ ઔર જ બની ગયાની વ્યથા વેઠતી થઇ જાય છે, એ તો તમે Studio Ghibli’ની અત્યાર સુધીની સૌથી મોંઘી [ એ વર્ષના અંદાજે રૂ. 3 અબજથી પણ વધુ… ] અને સૌથી લાંબી [ 2 કલાક 17 મિનિટ ] એવી આ સુવાંગ હાથેથી પેન્સિલની રફ બોર્ડરવાળી વોટર કલર્સ મઢી એકોએક અતુલ્ય ફ્રેમથી સજ્જ ઍનિમે જુઓ તો ખ્યાલ આવે કે, કુદરતને ખોળે દંભ નથી હોતો અને હજુયે માણસજાતે પક્ષીઓ, જીવજંતુઓ,વૃક્ષો ને ફૂલો પાસેથી અનુભવતા ને જીવતા શીખવું પડશે! એ સમયે, ફરી એકવાર મિયાઝાકી સાથે તાકાહાતા’ની ડબલ ફીચર્સ તરીકે આ મુવી રજૂ કરાયેલું. [ પૂર્વે; My Neighbor Totoroની સાથે Grave of the Fireflies રજૂ થયેલું અને આ સમયે The Wind Risesની સાથે The Tale of Princess Kaguya રજૂ થયેલું. ~ ડબલ બોનાન્ઝા! ]

IMDb : 8  | Rotten Tomatoes : 100%

> > Me9  < <


“Rather than paintings that declare ‘I am the real thing’, I prefer paintings that say ‘As you can see, I am not the real thing, but please use me as a means to imagine or remember in a vivid way the real thing that is behind me’. My intent was to have the viewers be there at the moment when the sketches were being drawn and to have them share in the emotions. I want to make sure that we don’t forget the great power of paintings drawn by lines on paper to stir our imaginations and memories.

Isao Takahata ‘ on the Iconic, Symbolic power of Visual art in Animation.