ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , ,

1] ગઈ પોસ્ટમાં થોડી અતિવાસ્તવિક , નિઓ-નોઇર પ્રકારની ફિલ્મોની વાત હતી કે જ્યા ફિલોસોફી અને સિમ્બોલિઝમનું જગત તેના કંઈક અલગ જ પરિમાણમાં શ્વસતું હતું , જયારે આજે તેનાથી સાવ જુદી જ દિશામાં ધબકતું સહજ સિનેમેટિક વર્લ્ડ ઝીલ્યું છે.

2] આજે થોડી હળવી , સંવેદનશીલ ને અસલી જિંદગીની અવિસ્મરણીય ઘટનાના સાક્ષી બનેલ સિનેમાની વાત છેડી છે અને એકંદરે સમગ્ર પોસ્ટ થોડીક હળવાશથી ભરેલી છે.

3] આજે છેડેલી ત્રણ ફિલ્મોમાંથી ઘણાએ એટલીસ્ટ એક મુવી તો જોઈ જ હશે , તો ફટાફટ વાંચીને કહો કે તમારું શું માનવું છે? હવેથી નેક્સ્ટ પોસ્ટમાં એકંદરે પાંચેક ફિલ્મો સમાવવાની ઈચ્છા હોઈને પ્રતિ ફિલ્મ લખાણ થોડુંક [ એટલે થોડુંક જ ] ટૂંકાવવાની ઈચ્છા છે , જોઈએ ત્યારે હરિ કેવુંક ગાડું હલાવે છે ઉર્ફે ગબડાવે છે! 🙂


વિઝ્યુઅલી આ પોસ્ટને વધુ માણવા,

 મોબાઈલને બદલે ડેસ્કટોપ પર વાઈડ સ્ક્રીનમાં

વાંચવા વિનંતી.


Groundhog Day, 1993

ફિલ ( Bill Murray ) એક તોછડો ને ગર્વિત વેધરમેન હોય છે જેને સતત એ લાગતું હોય છે કે તેને તેની ટેલેન્ટ પ્રમાણે કામ નથી મળ્યું અને લટકામાં એ હવે દૂરના એક નાના શહેરમાં જવાનો હોય છે કે જે જગ્યાથી તેને સખત ચીડ એટલા માટે હોય છે કે એક ગ્રાઉન્ડહોગ એ દિવસે સ્પ્રિંગ ક્યારે આવશે તેની આગાહી કરતો હોય છે! એન્ડ ધેર લોચા બીગીન્સ… એ દિવસનું કામ પતાવીને એ જલ્દી જ અહીંથી નીકળી જવા માંગતો હોય છે પણ તોફાનને કારણે તેણે રાત ત્યાં જ રોકાવી પડે છે અને બીજી જ સવારે જ્યારે તે ઉઠે છે ત્યારે જુએ છે કે બીજી સવાર જ નથી પડી! યસ , હવે ફિલ માટે રોજ એકનો એક દિવસ ઉગે છે પણ એ નથી ઊગતું કે શા માટે ઉગે છે?

ઘણીવાર થાય કે આજને આજ કોણ બનાવે છે ? ગઈકાલ અને આવતીકાલ વચ્ચેનું આ જગત જે આજે આપણે અત્યારે શ્વસીએ છીએ , એ આ બંને અંતિમો વગર કેટલું અધૂરું છે! કાલ પડવાની જ ન હોય ત્યારે સતત એ પુનરાવર્તિત થતો દિવસ જાણે એક દુઃસ્વપ્ન સમાન ભાસે છે કે જ્યા એક સ્વપ્નમાંથી જાગીને બીજા સ્વપ્નમાં ઉઠવાનું છે ! જાણેકે જાગ્યા ત્યારથી ભાગ્યા . . . સતત એકનું એક દોડીને , ફરીફરીને તેમાં જ પ્રવેશવાનું ! જાણેકે આવતીકાલ નહીં તો કોઈ ચિંતા નહીં , ડર નહીં , ગણતરી નહિ , ધ્યેય નહીં.એકંદરે કોઈ પોતીકું જીવન જ નહીં !

પણ આખરે ‘ફિલ’ લોભ, લાલચ, વાસના, પરપીડન, સ્વ-પીડન અને સ્વાર્થીપણામાંથી ઉભરે છે , જિંદગીનો મર્મ જાણી જવા – કે મારી જિંદગીમાં કદાચ કોઈ ફેર નથી પડતો પણ હું તો કોઈ બીજાની જિંદગીમાં ફરક લાવી શકું કે નહિ ? અને શરૂ થાય છે ફરીફરીને લોકોની મદદ કરવા , તેમનું દુઃખ વહેંચવા અને પોતે પણ નિતનવીન આર્ટ્સ’માં પારંગત થવાનું એક ચક્ર. જાણેકે આ એક દિવસનું જીવન પણ હવે તેને ટૂંકું પડે છે!

જયારે ગર્વ અને દંભના આંજી દે એવા કપડાં ઉતરી જાય ત્યારે નગ્ન હોઇ છતાં પણ બાળક જેવા માસુમ દેખાઈએ છીએKindness is the key‘નું સાદું સત્ય તે સમજે છે , પોતાની અને અન્યોની ખામીઓથી લઈને મૃત્યુ સુધ્ધાંનો સ્વીકાર કરી જાણે છે અને આખરે એ જ શીખે છે કે હજુ તો ઘણું શીખવાનું બાકી છે , જીવનમાં કોઈ ગ્રેજ્યુએશન નથી હોતું! એક જ દિવસ જે તેને મળ્યો છે તેને તે સૌથી બેસ્ટ દિવસ બનાવવા મચી પડે છે અને આખરે પ્રયત્ન ખરી પડે છે અને સહજતા સિદ્ધ થાય છે – પણ આ બધું અત્યંત રમુજી ને ધારદાર કટાક્ષો વચ્ચે ફિલ ઉર્ફે બિલ મરે‘ની ક્લાસિક એક્ટિંગના ચમકારા વચ્ચે મીઠડી ને માસુમ એવી રીટા ઉર્ફે એન્ડી મેકડોવેલની સહજ એક્ટિંગની સાંખે જુઓ તો ખ્યાલ આવે કે ગ્રેટ મુવીઝની કોઈ ફોર્મ્યુલાઝ નથી હોતી. રજા હોય ત્યારે એય ને ઘરે ધાણી ફોડી નિરાંતે આ જણની ધાણીફૂટ ડ્રામેડી જોવાની મજા પડશે એ જરા લખી રાખવા વિનંતી.

IMDb Top 250 Highest Rank : 132 Current Status : 234th

> > Me : 8.5 / 10 < <


Good Will Hunting , 1997


નાનપણથી જ અનાથ , એકલો અને પીડામાં પાંગરતો વિલ ( Matt Damon ) આમ સાવ ગરીબ અને કોલેજમાં ઝાડુ-પોતા કરતો હોય છે અથવા તો કોઈપણ એવું નાનું કામ કે જે તેનો એક દિવસનો પેટનો ખાડો ભરી દે! પણ વાત જયારે ગણિતની આવે ત્યારે એ જ વિલ’ને ગણિત રીતસર ઉગતું હોય છે , ભલભલા MIT પ્રોફેસર્સ જે થીયરમ / પઝલ સોલ્વ કરવામાં અઠવાડિયાઓ/મહિનાઓ લગાડતા હોય છે , એ વિલ’ને સહજ સાધ્ય હોય છે! અને વાત ત્યારે જ ગૂંચવાય છે કે જો વિલ ઈચ્છે તો પોતાની ગણિતની અગણિત શક્તિ થકી જીવનમાં જે જોઈએ એ હાંસિલ કરી શકે , પણ નાં ! એ કશું કરતો જ નથી , એને કોઈપણ પ્રકારની જવાબદારી જોઈતી જ નથી… બસ એ ભલો ને એની નફિકરાઈ ભલી! ( તારું ભલું થાય’ને બદલે તારી ભલી થાય એવી મથામણ )

આવડી જવું કે સહેલાઈથી આવડી જવુ અને તેથી એક જીનિયસ બનવા તરફની આ કોઈ ગાથા નથી , એ વાર્તાનો વિષય પણ નથી , અરે ઘડીકવાર તો દ્રશ્યો અને પાત્રો હોવા છતાં ઘટનાતત્વનો લોપ છે – બધું ઉગે છે પણ ઉઘડતું કેમ નથી! ઉકેલ છે પણ આ ગાંઠ શેની છે? અરે ગાંઠ હોવા સુધ્ધાંનો પણ સ્વીકાર કેમ નથી! વિલ પોતાનો ભૂતકાળ એટલી હદે દફનાવી ચુક્યો છે કે એ યાદો પણ યાયાવર થઈને કોઈ અજાણી દિશામાં અલોપ થઈ ગઈ છે. તો એનો મતલબ એમ કે ભૂતકાળ ભુલાઈ ગયો? નહીં…ખુદથી ભાગીને આજ સુધી કોઈ ક્યાંય નથી જઈ શક્યું , એ વર્તુળાકાર વમળ સતત એ કેન્દ્રમાં તમને ખેંચતુ જ રહે છે!


પોતાની આ અતિબૌદ્ધિકતાને વિલ ખુદ કેવી રીતે મૂલવે છે ? શું તેનાથી તે પોતાનામાં કે સમાજમાં બદલાવ લાવવા ઈચ્છે છે કે પછી કોઈ લકઝરીયસ લાઈફ કે ફરી પેલું અકળ હાસ્યની પેલે પાર મૌનના કાંઠે વહેતુ મથામણનું વ્હેણ ! ભૂતથી ય બિહામણો ભૂતકાળ અને પાડાના વાંકે પખાલીને ડામ..એવું જ છે વિલ’નું જીવન.

અને અહિંયા આવા જ ગભારામાં, મૂવીમાં પોણી કલાકે ઝરમરીયા ઝાલા જેવી વાંછટ’નૂમા એન્ટ્રી પડે છે , શોન’ની ( રોબિન વિલિયમ્સ ) જાણેકે એક ઘટાદાર વડલો એની સેંકડો વડવાઈઓ વડે તમને બથ ભરવા નીચે ઝુકે છે. એ સાઇકીઆટ્રીસ્ટ કરતા ય વધુ એક એવો માણસ છે કે જે જાણે છે તેના કરતા તો વધુ અજાણ બની સમજે છે. શરૂઆતની તેની અને વિલ વચ્ચેની મીટિંગ્સમાં બોલતી તડાફડી કે તળાવના કિનારે પુસ્તકિયા જ્ઞાનની સાપેક્ષે વાસ્તવિક અનુભવની એરણે વિલ’ને હળવા હાથે ધીબેડતો કે પછી પોતાની દિવંગત પત્નીની ખુદને જ જગાડી દેતી વાત’ની સિલી વાત કરતો કે આખિરમાં ફરીફરીને It’s not your fault કહેતો રોબિન વિલિયમ્સ જુઓ તો ખ્યાલ આવે કે આ દાદો કેવો દાદુ એક્ટર છે.

જીવનમાં કોઈ આપણને સમજનારું છે , તેનાંથી રૂડું શુ હોઈ શકે? પ્રેમ કરવાથી લઈને પ્રેમ પામવા સુધીની સફર એટલે જ સાર્થકતા. અને અહિંયા ગણિતથી લઈને ફ્રેન્ડશીપ , લવ , પેશન અને કમિટમેન્ટની વાતો એ જ વિવાદ અને સંવાદ વચ્ચેના લવાદ થકી જીવંત થઈ ઉઠી છે. બેન એફલેક અને મેટ ડીમન્સ એ બેઉ જુવાનીયાવે એ સમયમાં આવી તાજીમાજી ને મંજાયેલી સ્ક્રિપ્ટ લખી કાઢેલી કે જેણે એ માટે તે બંનેને તો ઠીક પણ રોબિન દાદાને પણ ઓસ્કાર લલાટે લખી આપેલો.

IMDb Top 250 Highest Rank : 16 Current Status : 98th

> > Me : 8.5 / 10 < <


Hachi: A Dog’s Tale , 2009

વાત અને વાર્તા આમ સાવ સાદી પણ એ ઘટનાએ પેઢીઓની પેઢીઓને મંત્રમુગ્ધ કરી દીધી છે. મારે તમને કથાનક કહેવું જ પડશે અને છતાંયે તમને એ જાણીતી વાતમાં કોઈ અજાણી અનુભૂતિ આવીને અડી જશે, એ વાત પાક્કી. એક પ્રોફેસરને જ્યારે એક ગલુડિયું મળે છે ત્યારે કોઈ વિકલ્પ ન હોવાથી એ પોતે જ તેને રાખી લે છે અને બેઉ વચ્ચે એક અદભુત સાયુજ્ય રચાય છે , તે ત્યાં સુધી કે પ્રોફેસરના મૃત્યુ બાદ પણ ‘હાચી’ એ સ્ટેશને તેમની મૃત્યુપર્યંત રાહ જુએ છે!


ક્યારેક સંબંધથી યે અદકેરો ‘ઋણાનુબંધ’ હોય છે , જેમાં એ તમને નહિ પણ તમે એમને જડ્યા હોવ છો. એ સંબંધમાં તમને સતત ખુદની સારી બાજુ જ જોવા મળતી રહે છે. વાત અને વિષય તો છે , માનવ અને પ્રાણીઓ વચ્ચેના યુગો યુગોના સંબંધનો – પણ તેનાથી ય આગળ વધીને અહિંયા એક અલૌકિક ઋણાનુબંધ કેળવાય છે, ઘણીવાર થાય કે આ કુદરત , પક્ષીઓ , પ્રાણીઓ ન હોત તો માનવજાત એક ડિશમાં તરતા લાખો બેક્ટેરિયાથી વિશેષ કઈ ન હોત ! સદીઓથી એ સમુદાય માણસોને વધુ ને વધુ સારા માણસો બનવામાં મદદ કરી રહ્યું છે.

એ ભીની આંખો , વાચા વગર યે વળગતું નિસ્વાર્થ સમર્પણ તો ખાલી મા જ બાળકને દઈ શકે! અહીં ‘હાચી’ પણ એક પ્રલંબ રાહમાં ચાલી નીકળ્યો છે , જાણેકે એની રાહ એ જ એનું સમર્પણ. એના પ્રેમ , પ્રતિબદ્ધતા અને પ્રયાસનો કોઈ પર્યાય નથી. એની એ મૂંગી રાહમાં પ્રેમ અને પીડાનો અદકેરો સંયોગ થયો છે. જયારે કોઈની આંખોમાં તમારી રાહ હોય છે , ત્યારે સહસા જ જાતનું મહત્વ વધી જાય છે , વ્યક્તિ કરતા અભિવ્યક્તિ આગળ નીકળી જાય છે! યાદ રહે ,કે લોકો ચાલ્યા જતા હોય છે ત્યારે નહિ પણ જયારે તેમની યાદો ચાલી જતી હોય છે ત્યારે તેઓ મૃત્યુ પામે છે.

મૂળે તો કથાનક જાપાની સત્યઘટના પર આધારિત છે કે જ્યાં 1923ના જાપાનમાં Dr. Eisaburoને Shibuja સ્ટેશન પર અચાનક બર્ફીલી રાતે Akita બ્રીડ’નું એક રોયલ ગલુડિયું મળી ગયું હતું કે જેણે તેની જિંદગીના અંત સુધી તેના માલિક કમ મિત્ર એવા પ્રોફેસરની રાહ જોઈ હતી. પુરા 9 વર્ષ! અને આજે એ જ વફાદારી અને સમર્પણના પ્રતીક સમુ હાચીકો’નું બ્રોન્ઝનું પૂતળું એ જ જગ્યાએ ખડું કરાયું છે , કે જે માનવમહેરામણને બે ઘડી સ્થિર કરી દે છે – સ્થિત કરી દે છે. ઘટના ભલે જાપાનીઝ બેકગ્રાઉન્ડ ધરાવતી હોય પણ આ અમેરિકન એડપ્શન એના અત્યંત અદભુત ને ભાવવાહી પિયાનો બિટ્સથી લથપથ બેકગ્રાઉન્ડ સ્કોરથી તમારા આતમરામને અડી ન જાય તો જ નવાઈ! એ સાદગી અને બંદગી સાંગોપાંગ અવતરી છે , એક દ્રશ્યમાં તો રીતસર ડૂમો ભરાઈ ગયો! Must watch.

IMDb Top 250 Highest Rank : 186 Current Status : 206th

> > Me : 8.5 / 10 < <