ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , ,

1] ટુ બિલવ્ડ બ્લોગ’બડ્ડીઝ . . . છેલ્લે અહીં બ્લોગ પર મુવીઝ વિષે મૌલિક લખ્યાને નવ-નવ મહિનાના વ્હાણા વીતી ચુક્યા છે અને આજે હવે જાણે એ પ્રસૂતિકાળ પૂરો થયો ને એક પોસ્ટ અવતર્યાની મોઘમ મોજ છે!

2] યસ , આઈ એમ બેક [ જેવો વરસાદની જેમ અચાનક ખાબક્યો છું , એવો જ ભૂગર્ભજળની ઘોયડે કોક દી પાછો ગાયબ થઇ જઈશ! ] થોડોક સમય ને થોડીક નિરાંત મળી એટલે બ્લોગ સાંભર્યો ને લખવાનું મન થયું અને થયું કે લાવ ને સેંકડો લેખે જે ઓલ્ડ/મોર્ડન ક્લાસિક પાસે ધૂળ ખાતી પડી છે તેના વિષે વાત કરું !

3] તો આજથી શરૂ થાય છે IMDb TOP 250 કેટેગરીઝની જૂની , ભુલાઈ ગયેલી , ભૂંસાઈ ગયેલી કે પછી આજે પણ વટ્ટભેર એ યાદીમાં પલાંઠી વાળી બેસેલી મુવીઝની મનમોજીલી વાતો [ રિવ્યુઝ તો અહિંયા કોઈ દી થયા જ ન્હોતા , આપણે તો વાતો ને વડા’ના માણા 🙂 ]

4] ઘણા મહિનાઓ પહેલા પણ IMDb 250 સિરીઝની વાતો , તેનું એક અલગ પેઈજ બનાવીને નામે ” Journey through IMDb Top 250 ” બનવાયુ હતું અને ત્યાં છએક મુવીઝની વાત પણ કરેલી . . . ઢૂંઢ શકો તો ઢૂંઢ લો , કારણકે જો મને લખવાની આળસ ચડી તો ક્યાંક એ જ છ મુવીઝની છોગાળી પોસ્ટ બનાવીને નવી પોસ્ટના નામે તમારે માથે ઝીંકી દઈશ! 😉

5] આજે વાત છેડી છે વર્લ્ડ સિનેમાની – બે ઇટાલિયન બ્લેક & વ્હાઇટ ક્લાસિક્સ અને એક ફ્રેન્ચ સિનેમા. તો બોલો અંબે માત કી જય !

At Last

આજે મારા વ્હાલુડા બ્લોગનો સાતમો હેપ્પી બડડે પણ છે. બ્લોગે મને લખ્યાનું સાતમું વર્ષ.


La Dolce Vita , 1960 [ Italy ]

સમય છે 1959ની આસપાસનો , સ્થળ છે રોમ અને વાત છે Marcello Rubini નામે એક ટેબ્લોઇડ જર્નાલિસ્ટ કમ સ્ત્રીઓ પાછળ ઉડતા પતંગિયા જેવા એક ઓલમોસ્ટ મેચ્યોર જેન્ટલમેન એવા માર્ચેલો’ની. [ ઇટાલિયન લઢણ ] વાર્તામાં ઢળેલી ઘટના અહિંયા સાત રાત અને સાત દિવસોમાં સાત અલગ અલગ જગ્યાએ વહે છે અને એ વહેંણ માર્ચેલોની જિંદગીનું પોત બદલી નાખે છે પણ કથાનક જેટલું દાદુ છે એટલું સાદું નથી કેમકે વાત થઇ રહી છે લીજેન્ડરી ઇટાલિયન ડિરેક્ટર એવા Federico Fellini’ની , કે જ્યા આ મૂવીની વાત માંડતા પહેલા મેં નહિ નહિ ને ચારેક વાર આ વાત માંડવાનું માંડી વાળેલું [ #માંડ ] આ પૂર્વે ઘણા સમય પહેલા Federico Fellini’નું જ La Strada મેં જયારે જોયેલું ત્યારે એ મૂવીની અતિવાસ્તવિકતાએ મારી વિચારોની કમર તોડી નાખેલી એ હદે એ મુવીમાં સંજોગો અને મુખ્ય પાત્ર નિરુપાયેલું છે! તો હવે વાત માંડું ?

માર્ચેલોનો પહેલો દિવસ/રાત્રી : વેટિકન સિટીની આસપાસના કોઈ આકાશમાં જીસસની એક કદાવર મૂર્તિને લઈ જતા હેલીકૉપટરની સ્ટોરી કવર કરવા તે પોતે પણ હેલીકૉપટરમાં પાછળ પાછળ જઈ રહ્યો છે અને રસ્તામાં જ ટેરેસ પર સુંદરીઓને જોઈને ભર ઉડાને શોરભર્યા માહોલમાં તે તેઓના નંબર માંગે છે ! એ જ રાતે એક નાઈટક્લબમાં કોઈ પ્રિન્સના કવરેજ માટે ગયેલો માર્ચેલો એક ઉચ્ચ ઘરાનાની માનુની Maddalena સાથે એક અજાણી પ્રોસ્ટિટયુટના ઘરે રાત ઉજવી આવે છે અને સવારે ઘરે પહોંચતા જ જુએ છે કે ગર્લફ્રેન્ડ Emmaએ ઊંઘની ગોળીઓ ખાઈ લીધી છે ! બીજો દિવસ/રાત્રી : શહેરમાં એક પ્રખ્યાત અમેરિકન એક્ટ્રેસ નવી મુવી સાઈન કરી હોવાથી આવે છે અને તેણીના કવરેજ માટે ટોળા ઉમટી પડે છે અને અહિંયા પણ માર્ચેલો કોઈને કોઈ રીતે તેની નજીક સરકી જાય છે અને તેની સાથે, ઉલટાનું તેની પાછળ રોમની શેરીઓમાં રાત્રે રઝળપાટ કરે છે !

ત્રીજો દિવસ/રાત્રી : માર્ચેલોને જાણ થાય છે કે નજીકના પરગણામાં કોઈ બે બાળકોને દેવી મેડોનાનો સાક્ષાત્કાર થયો છે અને લોકોના ટોળેટોળા એમના આશીર્વાદ લેવા, પોતપોતાના દુઃખદર્દ દૂર કરવા ઉમટી પડ્યા છે અને એ પણ એમ્મા સાથે ત્યાં પહોંચી જાય છે અને ટોળા વત્તા અંધશ્રદ્ધાના સરવાળે કશાકનું નિર્માણ ને સરવાળે સાર્થકનું પતન થતા નિહાળે છે. ચોથો દિવસ/રાત્રી : માર્ચેલો એક સમયના પોતાના રાહબર એવા ધનિક અને બૌદ્ધિક એવા Steinerના ઘરે એમ્મા સાથે જાય છે કે જ્યાં કલાકારો , કવિઓ , બૌદ્ધિકો , સંગીતકારોનો મેળાવડો જામ્યો હોય છે અને યજમાન હોય છે Steinerના હસમુખ પત્ની વત્તા બે ફૂલ જેવા બાળકો – જાણેકે એ સંપૂર્ણ વાસ્તવિકતા અને ફરી માર્ચેલોને આ રખડતી રાતોની જિંદગી છોડીને સ્થિર થઇ ઘર વસાવવાનું મન થઇ આવે છે પણ ત્યાં જ Steiner તેને આ ચેતવે છે કે Even the most miserable life is better than a sheltered existence in an organized society where everything is calculated and perfected. માર્ચેલો મૂંઝાઈ જાય છે , પણ વળતી સવારે જ દૂર દરિયાકાંઠે એક ખાલી રેસ્ટોરાં’માં પોતાની અધૂરી કૃતિ લખવા બેસે છે પણ શબ્દો સૂઝતા નથી અને એક નાનકડી છોકરી કે જેને તે એંજલ કહે છે તેને મળે છે કે જે અન્ય દેશમાંથી અહીં નાની વયે નોકરી કરવા આવી હોય છે અને એક અનુસંધાન રચાય છે. 

પાંચમો દિવસ/રાત્રી : અચાનક માર્ચેલોને જાણ કરાય છે કે તેના પિતા અહીં તેને મળવા આવ્યા છે અને તે અચંબિત રહી જાય છે અને નાનપણમાં જે પિતાનો સમય પોતાને મળ્યો ન્હોતો તેને જાણે પોતે કસર પુરી કરતો હોય એમ મોજમજા કરાવે છે પણ વળી સવારે કૈક અકળ ઘટે અને . . . છઠો દિવસ/રાત્રી : માર્ચેલોને વળી કોઈ મળી જતા એ અત્યંત ધનાઢ્યો ને અજાણ્યાઓ સંગે એક ભવ્ય ને જર્જર કિલ્લામાં જઈ પહોંચે છે કે જ્યાં એ વિચિત્ર લોકોના ટોળામાં ફરી તેને Maddalena મળી જાય છે અને કૈક નવીન જ અનુસંધાન રચાય છે , ફરી ફરીને કોઈક ભળતું ને વાસ્તવિક પરોઢ જોવા માટે જ . . . સાતમો દિવસ/રાત્રી : માર્ચેલોનો એમ્મા સાથે જબરદસ્ત ઝઘડો થાય છે ને ફરી વળતી સવારે કૈક આંચકો રાહ જોતો મળે , પણ આ સમયે જે આઘાતનો આંચકો માર્ચેલોને મળે છે એ તેની જિંદગીના સમીકરણો બદલી નાખે છે , માર્ચેલોની પગ તળેથી જમીન સરકી જાય છે . . . અને એક આખરી ઘટનાક્રમમાં માર્ચેલો હવે કૈક ઔર જ બની ગયો હોય છે – હવે તે શું કામ કરતો હોય છે ? તેની વાસ્તવિકતા શું હોય છે’થી લઈને તેના ધ્યેય અને જીવન વિશેની તેની માન્યતાઓ તેને કઈ દિશા તરફ દોરી જવાની હોય છે , એ તો તમારે માર્ચેલો સાથે આ સાત દિવસો દરમ્યાન તેની સંગે રહીને જ જોવું રહ્યું.

આમ વાત કરતા કરતા વારતા માંડવાનું કારણ એ જ કે કથાનક કોઈ એક ઘટમાળમાં ઘટતું જ નથી , ઉલ્ટાનું એ સાત રાત/દિવસમાં – સાત ગુણ/અવગુણના સંદર્ભે – સાત અલગ અલગ જગ્યાએ – સાત અલગ અલગ કિરદારો વચ્ચે માર્ચેલોની સાંખે એક દોરામાં પરોવાય છે અને એ રીતે માર્ચેલોનું પતન ઝીલાય છે. મુવી સંદર્ભો અને સિમ્બોલિઝમથી ફાટફાટ થાય છે. – શરૂઆતનું જ હવામાં બે હાથો ફેલાવી ઉડતા જીસસ હોય કે અંતિમ દ્રશ્ય કે જ્યાં એક નિર્જીવ જળચરની આંખોમાં કૈક જોતા રહેતા માર્ચેલોને જ્યારે એન્જલ બોલાવે છે , ત્યારે પોતે ક્યાંનો કયા નીકળી ગયો હોવાનું ભાન અને પરત ન ફરી શકવાની મજબૂરી અદભુત રીતે ઝીલાઈ છે. – એ જ આખરી દ્રશ્યમાં માર્ચેલો અને એન્જલ વચ્ચેની નદી , દૂર એક ક્રોસ જેવો સિમ્બોલ , એન્જલની માસૂમિયત , મૃત જળચરની ખુલ્લી આંખો અને એ બધું જ નિરર્થક તથા સાર્થકના અદભુત સંતુલન સાથે ક્રિશ્ચિયન માયથોલોજીના સંદર્ભે કંડારાયું છે. 

પહેલી નજરે સરળ લાગતા પાત્રો અને સામાન્ય ભાસતું શ્વેત-શ્યામ માધ્યમ પણ અકળતામાં એકાકાર થતું જણાય છે. એ રાતોનું ખોખલાપણું અને સવાર ભેગી ઉગતી વાસ્તવિકતા આંખો આંજી જાય છે , થોડી કળ વળે કે ફરી ઉદાસ ભરીભાદરી સાંજે જીવનના ઉંબરે કોઈ નવી જ દાસ્તાન દસ્તક દઈ જાય છે! સતત હાથમાંથી કૈક છૂટતું રહે છે , વલખા મરાતા રહે છે , બીજાઓની જિંદગી જોઈને પોતાની પણ એવી જ સ્વીટ લાઈફ ( La dolce vita = Sweet Life ) હોય એવી સ્વપ્નસૃષ્ટિમાં માર્ચેલો , એમ્મા ને કઈ કેટલાયે ખોવાયેલા રહે છે.

60ના દશકનું એ યુદ્ધ અને મંદીમાંથી બહાર નીકળેલું , ભોગવાદ/સુખવાદના રવાડે નીતિભ્રષ્ટ અને માસૂમિયત ગુમાવી ચૂકેલ એ રોમની દુનિયા નેરેટિવ , થિમેટિક અને સીનેમેટિક સેન્સથી આલતારીન રીતે રોમેરોમ જીવતી થઈ ઉઠી છે. ફિલ્મ મહદઅંશે ધીરજની કસોટી કરી જાય છે , કેમ કઈ થતું નથી’થી લઈને આવું શીદને થાય છે સુધીના આશ્ચર્યો દિગ્મૂઢ કરી જાય છે! કોઈની શેહ-શરમ રાખ્યા વિના બણબણતી માખીઓના ટોળા જેવા પાપારાત્ઝી ફોટોગ્રાફર્સનો ઉદભવ આ ફિલ્મની દેણ છે. [ એક પાત્રનું નામ : પાપારાત્ઝોબહુવચન : પાપારાત્ઝી ] ટાઈમપાસ માટે તો હરગીઝ નહિ પણ સિનેમાની બારીકીને અંતરિક્ષના ફલકમાં પથરાયેલી જોવી હોય તો જ આ ઇટાલિયન દિગ્ગજ Federico Fellini પાસે જવું. તેમની જ અને The Nights of Cabiria હવે આ જ સિરીઝ હેઠળ ટૂંકમાં જોવાશે. 

IMDb Top 250 Highest Rank : 227 Current Status : Not on the list.

> > Me : 8.5 / 10 < <


The Diving Bell and the Butterfly , 2007 [ France ]

Jean-DoElle ‘ મેગેઝીનનો એડિટર હોય છે અને અચાનક એની એ ભરીભાદરી જિંદગીમાં એક ભયાવહ વળાંક આવે છે , Jean-Do’ને સ્ટ્રોકનો હુમલો આવે છે અને એ ત્રણ અઠવાડિયા સુધી તો કોમામાં રહે છે! પણ આખરે એ આંખો ખોલે છે પણ એ જ જાણવા કે આખાય શરીરમાં તે તેની ડાબી આંખ સિવાય સઘળાનું નિયંત્રણ ગુમાવી ચુક્યો છે , લોકડ-ઇન-સિન્ડ્રોમ નામે બીમારીને પ્રતાપે ! એક બિન્દાસ ને બેફામ જિંદગી જીવનાર વ્યક્તિ કિનારો તો ઠીક ,પણ સપાટી સુધ્ધાં ગુમાવી બેસે છે , હવે એ તળિયાનો તાબેદાર છે! પણ એ ઉડે છે , અજાણી લહેરખીઓ પર જીવનના મર્મને શોધતો… અને એક બુક સુધ્ધાં લખે છે! હે ! કેવી રીતે ? એ તો એના ડાબા હાથનો.. ઉપ્સ! ડાબી આંખનો ખેલ હતો. ( તમે જ જોજો , હું વધુ ઉઘડતો નથી. )

મરણને ઠેબુ મારી સંસ્મરણોની ડાળે ઝૂલતો , ક્યારેક પિતા તો ક્યારેક બાળકો , તો ક્યારેક પત્ની તો ક્યારેક પ્રેયસીને ઝુરતો . . . રિયાલિટીની લીટી ભૂંસી ફેન્ટસીથી ફાટફાટ થતો એવો પાંપણને પલકારે શબદને ખોળે ખીલતો Jean-Do જ્યારે વ્યક્ત થાય છે ત્યારની અભિવ્યક્તિની સંભાવના જ કંઈક ઔર હોય છે. બ્રાસના ભારેભરખમ સૂટ’માં ( Diving Bell ) તળાવના તળિયે પોતાની જાતને સલવાયેલી જોતો ને પાછા પતંગિયાની જેમ નિતનવીન વિષયો પર પોતાની હજુ પણ સળવળતી વિષયવૃત્તિમાં લપેટાતો આ જીવ જાણે કે હવે વધુ જીવી ઉઠ્યો છે! યાદોની રેતીમાં કલ્પનાને કિનારે જાણે એ પગલાંઓ પાડી રહ્યો છે કે જેને શ્વાસોના મોજા પળ પળ ભૂંસી રહ્યા છે.

તેને મળવા આવતા મુલાકાતીઓની ( અને ન આવતા પણ ) પણ એક સમાંતર દુનિયા ચાલતી રહે છે. ક્યારેક તેમાંથી સહજ હાસ્ય તો ક્યારેક ગિલ્ટના ગુબાર નીકળે છે! ઘણા દ્રશ્યો અત્યંત સટીક નિરૂપાયા છે…. એમાંનું એક દ્રશ્ય છે , સિવવાનુંશુ? ( તમે જાતે જ જોઈ લેજો! ) , પત્ની કોઈ ખાલી સ્ટેશને પોતાનો ખાલીપો લઈ ઉભી હોય એ દ્રશ્ય , પિતા અને બાળકો સાથેના દ્રશ્યો , બંને ખુબસુરત થેરાપીસ્ટ સાથેના હરેક એ દ્રશ્યો કે જ્યાં એનું ધ્યાન તેંમનું સૌંદર્ય નિરખવામાં જ રહે છે ( Kiss-Swallow scene ) એક આફ્રિકન-અમેરિકનનું રિસાઇટિંગ અને રોંગ એંગલ ઓફ વ્યૂઇંગ તથા એક જૂનો મિત્ર કે જે 4 વર્ષ પ્લેન હાઇજેકિંગને કારણે કેદ રહેલો અને તેને ન મળી શકવાનું ગિલ્ટ , સન્ડે અને બોરડમના ક્નેક્શનથી લઈને હોલી અફેરથી ઉદભવેલા બ્રેકઅપ સુધી , સર્વપ્રથમ પોતાની જાતને પરાવર્તિત અને પરિવર્તિત થયેલ જુએ છે એ દ્રશ્ય ,

બીચના એ હરેક દ્રશ્યો અને અગાસી-લેન્ડસ્કેપ-મકાનો-દિવાદાંડીમાં પોતાની ફિલોસોફીને શોધતો Jean-Do , ને આંખ જે દિશામાં જુએ ત્યાં જ જતો ને સરવાળે ઉડતો એ , ક્યારે નાસ્તિકતા અને શ્રદ્ધાનો સરવાળો બની જાય છે કે એને અને આપણને હોંશ રહેતો નથી.ઉ એસ આ એ ઇ… ” જેવા વધુ વપરાતાં ફ્રેંચ મૂળાક્ષરોમાં સતત રિપીટ થતો એ હવે વધુ ને વધુ કૈક ઘૂંટવા માગે છે , છૂટવા માંગે છે.

A book does not exist until it is read ” , ” We’re all children , we all need approval ” , ” Even a rough sketch , a shadow , a tiny fragment of a dad is still a dad ” જેવા કલાસિક કવોટ્સ , મેસી એન્ડ માઇન્ડફુલ મોનોલોગ અને લિટરલી કલાસિક સિનેમેટોગ્રાફી અને સિમ્બોલીઝમથી આ મુવી ફાટફાટ થાય છે. ( સિનેમેટોગ્રાફી વિશે હું એટલા માટે વધુ નથી કહેતો કે જ્યારે તમે જોશો ત્યારનો એ આંચકો કોઈ સ્ટ્રોકથી કમ નહિ હોય! આ જ મુવી માટે Janusz Kaminski’ને ઓસ્કાર નોમિનેશન મળેલું – એ દ્રિપરિમાણીય સૃષ્ટિને કંઈક અલગ જ દ્રષ્ટિકોણથી નીરખવા બદલ  ) ડિરેક્ટર Julian Schnabelનું ગયા વર્ષે જ આવેલ લિજેન્ડરી પેઈન્ટર Vincent van Gogh પરનું At Eternity’s Gate પણ વિષલિસ્ટ બની ગયેલા વિશલિસ્ટમાં છે , એ કહેવાની જરૂર ખરી ?

IMDb Top 250 Highest Rank : 190 Current Status : Not on the list.

> > Me : 8.5 / 10 < <


Bicycle Thieves , 1948 [ Italy ]

બીજા વિશ્વયુદ્ધ પછીના ઇટાલીનો સમય છે , અનહદ ગરીબી અને બેરોજગારીના સકંજામાં આમ આદમીની કમર તૂટી ગઈ છે, એવામાં કથાનકના નાયક રિકી’ને પોસ્ટર ચોંટાડવાની નોકરી એ શરતે મળે છે કે તેની પાસે પોતાની સાઇકલ હોવી જોઈએ અને એ માટે એ અસમર્થ હોવા છતાં ઘરવખરી વેંચીને પણ સાઇકલ ખરીદે છે , પણ જ્યારે સાઇકલ ચોરાઈ જાય છે ત્યારે એ તૂટી પડેલ આભ નીચે આકાશ પાતાળ એક કરતાં બાપ-દીકરાની આ દાસ્તાન ,એટલે જ ઓલટાઈમ ક્લાસિક્સમાં વટ્ટભેર નામોલ્લેખ પામતું આ વર્લ્ડ સિનેમા.

મુવીની શરૂઆતમાં આપણે સૌ ‘દર્શકો’ની દ્રષ્ટીએ સમગ્ર કથાનક ઘટે છે અને ક્યારે એ જ કથાનક ‘બાપની આંગળી ઝાલી ચાલનારા બાળક’ની આંખોથી આપણે જોવા લાગીએ છીએ કે ભાન સુધ્ધાં ન પડે , એટલી હદે એ નાના ખભે અટકેલી બોઝીલ માસૂમિયત આપણને તાણી જાય છે , રીતસરના ઝકઝોળી જાય છે! બાપ જાણે કપાયેલી પતંગ અને પેલું પહુડું જાણે પાછળ પાછળ રઝળતી દોરી…સતત એ આશાની અપેક્ષાએ અને અપેક્ષાની આશાએ બાપ સામું તાગતો રહે છે. બાપ પણ શું કરે? એ એટલો સાઈકલની શોધમાં ખોવાયો છે કે દીકરો ક્યારે પડી જઈને જાતે ઉભો થઇ ગયો કે પછી ટોળામાં ખોવાઈ જઈને ખુદ જ જડી જઈને બાપની આંગળીએ પાછો આવી ઉભો રહ્યો , એને કશાનો ખ્યાલ નથી!

આ રઝળપાટ દરમ્યાન બાપ-દીકરો સાઈકલના સ્પેરપાર્ટ્સની ચોરબજાર કમ ગૂજરી’માં , ભૂખ અને નિરાશા વચ્ચે ચર્ચમાં , એક મોંઘી રેસ્ટોરન્ટમાં બીજાઓને નિરખતા આભાસી સુખની ક્ષણોમાં , દીવાલની ઓથે વરસાદની ધારે ને પાદરીઓની હારે , અવાવરું ગલીઓમાં ચોરની પાછળ જઈને આખરે ખુદ ચોરની જેમ ભાગી નીકળતા ક્યાંના ક્યાં આવી ચડે છે કે આખરે એ ભયાવહ વાસ્તવિકતાની સાંખે અને બાળકની આંખે બાપ ચડી જાય છે! બાળક પણ સ્તબ્ધ ને બાપ પણ નિઃશબ્દશુ કહું હવે? જે એ ક્ષણોનો સાક્ષી બન્યો હોય , તે એ દ્રશ્યને કેમ વર્ણવી શકે? મને તો એ દુર્ઘટનાની આખીરે બાળક બાપની આંગળી ઝાલી લ્યે છે એ દ્રશ્ય જ નજર સામેથી હટતું નથી!😢 દીકરાએ કડવી વાસ્તવિકતા તો ચાખી હતી હવે તેને પચાવતા પણ શીખી ગયો.

સમગ્ર મુવી એટલું તો સાદું અને સરળ છે કે અહિંયા કોઈ પ્રકારની ફિલોસોફી કે કોઈ પ્રકારનું સિમ્બોલીઝમ ઝટ દઈને નજરે ન ચડે , પણ સંઘર્ષમાં ચવાતી જિંદગી અને પચાવાતી વાસ્તવિકતા જોઈએ તો ખ્યાલ આવે કે જીવાતી જીંદગીથી અકળ કાંઈ નથી. અહિંયા બાળકના સ્વરૂપે સતત એક આશા , વિશ્વાસ અને માસૂમિયત બાપની હારે એની આંગળી ઝાલી ચાલતી રહે છે , નહિતર બે બાળકોના બેરોજગાર બાપની શુ વિસાત કે ટકી જાય? એક સમયે તો બાપ કહે છે કે મારે શું કામ ચિંતામાં મરી જવું જોઈએ , જિંદગી ખુદ જ એક દિવસ મને મારી નાખશે !….કોઈપણ સમસ્યા ઉકેલી શકાય છે , સિવાય કે મૃત્યુ ! એ એટલી હદે હતાશ છે કે વરસાદને પણ ભાંડે છે કે તે દર રવિવારે જ ત્રાટકે છે!

આ મુવી એટલે ઇટાલિયન સિનેમામાં ને સરવાળે વર્લ્ડસિનેમામાં Neo-Realismનો ડિરેકટર ” Vittorio De Sica ” દ્વારા કરાવાયેલ ગૃહપ્રવેશ. બધા જ વાસ્તવિક લોકેશન્સ , ને અજાણ્યા ને સામાન્ય કલાકારો કે જેમણે કદી અભિનય સુધ્ધાં ન્હોતો કર્યો , એવી ફિલ્મમાં તમે આ બાપ-દીકરાની જોડી જુઓ તો ખ્યાલ આવે કે સહજ અભિનય એટલે શું! એમાંય બ્રુનો’નું કેરેકટર ભજવનાર ટેણીયો Enzo Staiola તો સમરકંદ બુખારા ઓવારી જાવ એવો અદભુત અભિનય કરે છે. શુ એની એકેએક દ્રશ્યમાં આંખો ફરે છે , તગતગે છે અને સજળ બની આપણને નિઃશબ્દ કરી જાય છે કે વાત પૂછો માં! અને એ ફરીફરીને યાદ આવતા દ્રશ્યોમાં…  1] ખભે સાઇકલ ઊંચકીને ફરતો બાપ 2] સવારે બાપ-દીકરો તૈયાર થઈને સાથે સાઇકલ પર નીકળે અને દીકરો જ્યાં ઉતરે એ જગ્યા ! 3] ચર્ચમાં બધા ગરીબોને પહેલા ફરજીયાત શેવિંગ કરાવે એ દ્રશ્ય કે પછી ચર્ચમાં એક પડદો હટાવતા પડતી બ્રુનો’ને એક ટાપલી ! 4] ઉતાવળમાં સુસુ ય ન કરવા દેતો બાપ કે અકળામણમાં એક અડાડી દઈને બાદમાં વિહ્વળ થતો ને આખરે બચ્ચાને હોટેલમાં પોતાની ઔકાત બહાર એક ટાણાનું રીચ કુઝીન જમાડતો બાપ….કેટકેટલું કહું? કેમકે આખરે એ દ્રશ્ય આવી ચડે છે કે જ્યાં આખરે બાપની આંગળી દીકરો પકડે છે અને જીવનની એક ઘટમાળ પુરી થાય છે.😢💕 आईची शपथ Must watch.

IMDb Top 250 Highest Rank : 53  Current Status : 100th

> > Me : 9 / 10 < <