ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

1] પૂર્વે , છેક ઓગષ્ટ 2015’માં શ્રી નાનકભાઇ મેઘાણી અને તેમના ‘ગ્રંથાગાર’ વિશે એક સરસ લેખ અહીં બ્લોગ પર જ વહેંચેલો અને હવે સાડા ત્રણ વર્ષે તેમના જ સહોદર એવા શ્રી જયંતભાઈ મેઘાણી‘નો આ લેખ અહીં બ્લોગ પર વહેંચતા ઝાઝો બદ્ધો રાજીપો અનુભવું છું અને તે માટે ફરી એકવાર શ્રી સંજય શ્રીપાદ ભાવે નિમિત્ત બન્યા છે!

2] બન્યું એવું કે , એકદા ભાવે સાહેબની ફેસબુક વોલ પર શ્રી જયંત મેઘાણી વિશે જ કોઈ વાતરૂપી વાર્તા છેડાઈ હતી અને મેં કહ્યું કે સર , જયંતભાઈ પર તમે નાનકભાઇ જેવો જ કોઈ આર્ટિકલ લખો ને. . અને અહો આશ્ચર્યમ: કે તેમણે જણાવ્યું કે હું તો આરપાર મેગેઝીન માટે 3 મે , 2004’ના રોજ જ એક આર્ટિકલ લખી ચુક્યો છું! અને તરત જ મેં તે આર્ટિકલની એઝ યુઝઅલ ઉઘરાણી આદરી પણ તેઓએ જણાવ્યું કે હાલમાં તો તે શોધવો કઠિન બની રહેશે છતાં પણ તેઓ પ્રયત્ન કરશે અને થોડા જ દિવસોમાં તો મેગેઝીનમાં છપાયેલ તે આર્ટિકલના પન્નાઓ જ સાક્ષાત મારા ઘરે અવતર્યા અને આખરે મંગળ ગવાઈને જ રહ્યા 🙂 પણ ફરી મારી ટેવ કહો કે પછી નિયતિ , તે સારોય લેખ લખવામાં હું ભયંકર આળસ દાખવતો રહ્યો પણ આખરે તો આજે કાર્ય પૂરું કર્યે ઝંપ્યો!

3] લ્યો ત્યારે વાંચો , પુસ્તકોનો વિસામે ‘પ્રસાર’ નામે નાનકડી દુનિયા વસાવી બેઠેલા જયંતભાઇ મેઘાણીની આ અનેરી દાસ્તાન. . .

~ DISCLAIMER ~

  • આ બ્લોગપોસ્ટમાં અપાયેલ ઇમેજ પર ક્લિક કરતા આપ જે-તે ઈમેજીસના મૂળ સ્થાને પહોંચશો. “બે સ્કેન્ડ” ઈમેજીસ સિવાય અન્ય ઈમેજીસમાં તેમની યોગ્ય ક્રેડિટ અપાઈ છે. [ ઓપિનિયન મેગેઝીન પર ખુદ જયંતભાઈ મેઘાણી ‘પ્રસાર’ વિશે કેટલાક સંસ્મરણો આલેખે છે , તે સુંદર લેખ પરથી જ મહત્તમ તસ્વીરો અહીં સાદર લેવાઈ છે. તે લેખ પણ અચૂક વાંચશો. ]

** આ લેખ આરપાર મેગેઝીનમાં છપાયેલ હતો અને અહીં બ્લોગ પર અક્ષરશ: વહેંચવાની પરવાનગી આપવા બદલ શ્રી સંજયભાઈનો હું આભારી છું.


ભાવનગરના જયંત મેઘાણી બુકમેન છે. પુસ્તકોમાં જેનો જીવ અને પુસ્તકો જેની જિંદગી હોય તેવા માણસનું , બુકમેનનું , આ કુળ આપણે ત્યાં દોહ્યલું છે. ભાવનગરના ગાંધીસ્મૃતિ ગ્રંથાલયના અવલના જમાનાના અજોડ ગ્રંથપાલ જયંતભાઈ ગ્રંથજ્ઞ પણ છે. પુસ્તકની ગુણવત્તા ઉપરાંત તેની માંડણી,છપામણી,બાંધણી,ગોઠવણી,સારણી,સાચવણી,વહેંચણી જેવી બાબતો વિષે જયંતભાઈ જેટલું જાણનારા લોકો ઓછા છે. જયંતભાઈ પુસ્તકોના સંગ્રાહક , સંપાદક , પ્રકાશક અને પ્રસારક પણ છે. ભાવનગરમાં મહેન્દ્રભાઈના ગ્રંથભંડાર ‘લોકમિલાપ’ની જેમ જયંતભાઈનું કિતાબઘર ‘ પ્રસાર : પુસ્તકોની નાનકડી દુનિયા ‘ પણ સમાજને અજવાળતું કોડિયું છે. ‘પ્રસાર’ દ્વારા જયંતભાઈ ગુજરાતમાં અને બીજા દેશોમાં ઉત્તમ પુસ્તકોના વિતરણ અને વેંચાણના પુણ્યનો વેપાર ત્રણ દાયકાથી કરી રહ્યા છે.

અમેરિકાના વૉશિંગ્ટનમાં આવેલ ‘ લાઈબ્રેરી ઓફ કોંગ્રેસ ‘ દુનિયાનું સહુથી મોટું ગ્રંથાલય ગણાય છે. તેને ગુજરાતી પુસ્તકો વ્યાવસાયિક ધોરણે પૂરા પાડવાનું કામ ‘પ્રસાર’ વીસ વર્ષથી કરે છે. લાઈબ્રેરી ઓફ કોંગ્રેસની મહત્તા , તેમાં સ્વીકારાતા પુસ્તકોનો પ્રકાર , પસંદગીના ધોરણો અને પુસ્તકો સૂચવવા-મોકલવાની કાર્યપધ્ધતિ વિશે જયંતભાઈ સાથે વિગતવાર વાત કરતા સમજાય છે કે આપણા એક પુસ્તક વિક્રેતાની આ ઘણી મોટી સિદ્ધિ છે. લાઈબ્રેરી ઓફ કોંગ્રેસ માટે જયંતભાઈ માત્ર નફો-નુકશાનનો વિચાર કરતા વેપારી, ડીલર કે એજન્ટ નથી. તે ગુજરાતીમાંના ઉત્તમ પુસ્તકો પસંદ કરવા અને મોકલવા માટે જવાબદાર વ્યક્તિ છે. અલબત્ત, પુસ્તક વિક્રેતા તરીકે પ્રતિષ્ઠા અને ગ્રંથપાલ તરીકે આદર પામી ચૂકેલા જયંતભાઈએ મેળવેલો સ્નેહ તેમની સહજતા અને રસિકતાને આભારી છે.

બંટુની કશી ચિંતા કરવી નહીં ખુબ રમે છે. તે શીખે જ છે. તેનું જ્ઞાન વધી રહ્યું છે.

ઝવેરચંદ મેઘાણીએ તેમના અને ચિત્રાદેવીના બંટુની આઠ વર્ષની ઉંમરે , તેના વિશે 27 માર્ચ 1946ના એક પત્રમાં , આમ લખ્યું હતું. પછીના વર્ષોમાં બંટુ પોતાનું જ્ઞાન તો વધારતો જ ગયો , પણ સાથે દુનિયાભરનું જ્ઞાન પુસ્તકો થકી ઘણા લોકો સુધી પહોંચે તેવા કામ પણ કરતો રહ્યો. તેની જિંદગીની કિતાબના પાનાં કેવી રીતે લખાતા ગયા તેની વાત જયંતભાઈના જ શબ્દોમાં જોઈએ.

જન્મ : બોટાદ , 1938. અભ્યાસ :બી.કોમ. માંડ માંડ , જરાય રસ વિના , 1960 , ગ્રંથાલય વિજ્ઞાનનો ડિપ્લોમા , ખુબ રસપૂર્વક , વડોદરા 1962. કામકાજ : કોલેજકાળના ચાર વર્ષ સવારે ભણીને બપોર પછી લોકમિલાપ કાર્યાલયમાં એપ્રેન્ટિસશીપ. બી.કોમ. પછી ગાંધી સ્મૃતિના ગ્રંથાલયની જવાબદારી. પુસ્તકોમાં રસ કેમ પડ્યો? યાદ આવે છે કે મારા બા અમને પાંચ ભાંડરડાંને ઉછેરતા , અર્થોપાર્જનની પ્રવૃત્તિ પણ કરતા અને બાકીનો સમય પુસ્તકોનો થેલો લઈને ચાલતા આવતા આજેય નજર સામે તરવરે છે. પુસ્તકોથી ભર્યું ઘર , બાની વાતો , એમાં પુસ્તક-સંસ્કારનું બીજારોપણ હશે. કોલેજના ફાજલ સમયમાં મારા બરનાં ન હોય એવા પણ થોથા અને સામયિકો ઉથલાવ્યા કરતો , તેમાંથી ઉતારાઓ કરતો .તેના પર પછી પડ ચડ્યું મહેન્દ્રભાઈના સાંન્નિધ્ય અને તાલીમનું. આવી ભૂમિકા સાથે 1961માં ગ્રંથાલય વિજ્ઞાન ભણવા વડોદરા ગયો.

વડોદરામાં ઓતપ્રોત થઈને ભણ્યો ખરો , પણ ઘણું ખૂટતું લાગતું. હવે ગાંધીસ્મૃતિ ગ્રંથાલયનું કામ કંઈક સમજપૂર્વક કરતો થયો. દરેક બાબતને અવળસવળ કરીને તપાસવાની અને અભિનવ અજમાયશો કરવાની લગની સેવતો. ગ્રંથાલય પ્રયોગશાળા બન્યું. જે છ-સાત વર્ષ કામ કર્યું એ સુવર્ણકાળ ઠર્યો . આ પ્રયોગશાળાએ મને ઘડ્યો. ગ્રંથાલયને અદકો ઘાટ આપવા મથ્યો – પણ બધું અભાનપણે.વંચાવવાનો આનંદ‘ ભરપૂર માણ્યો , એક ‘પેશન’ બન્યો. ગ્રંથાલયમાં જેને વિસ્તરણ પ્રવૃત્તિ કહે છે તેવા કાર્યક્રમો અજમાવ્યા : પ્રદર્શનો , સાહિત્યિક કાર્યક્રમો , સંગીતશ્રવણના કાર્યક્રમો. આજે હવે પ્રચલિત બનેલી ગ્રંથગોષ્ઠિની પ્રવૃત્તિનો પ્રયોગ ત્યારે કરેલો. અરે , વિદ્યાર્થી-વાચકોનો પ્રવાસ પણ કર્યાનું યાદ છે ! – એ બધું ચાર દાયકા પહેલા.

ગ્રંથાલયનું કાર્યક્ષેત્ર છોડીને 1968માં લોકમિલાપ ટ્રસ્ટમાં ગયો. એ કાળ હતો મહેન્દ્રભાઈના એક સ્વપ્નસમી ‘ભારત-દર્શન’ પુસ્તક પ્રદર્શનોની ગાંધીશતાબ્દીની યોજનાની તૈયારીનો. ભારત વિશેના પુસ્તકોના એક ચુનંદો સંગ્રહ અનેક દેશોમાં પ્રદર્શિત કરવાની યોજના હતી. યુરોપ-અમેરિકાના દેશોમાં પ્રદર્શનો લઈને મહેન્દ્રભાઈ ગયા હતા. મારે ભાગે આફ્રિકાના પાંચ દેશો અને ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ-ફીજી હતા. દેવરાજ પટેલ નામના એક મિત્ર સાથે 1977માં યુરોપના પંદરેક દેશોમાં બે મહિના સુધી રખડપટ્ટી કરી. કોલેજકાળમાં મિત્ર ચંદ્રકાન્ત શાહ સાથે બેસીને યુરોપનો નકશો ખોલીને સાઇકલ પ્રવાસનું સ્વપ્ન સેવેલું. એ તો પછી શેખચલ્લીને ભળાવી દીધું હતું.

‘વ્યવસાયિક ત્રિભેટે આવીને ઉભો રહ્યો તે 1972માં. લોકમિલાપ છોડવાનું થયું. ગ્રંથાલય ક્ષેત્રે પાછા ફરવાની એક મોટી તક હજુ હતી. અમેરિકાની પીટ્સબર્ગ યુનિવર્સીટીમાં પ્રવેશ અને આસિસ્ટંટશીપ મારી રાહ જોતા હતા. મોટી મુરાદ હતી કે ઇન્ડિયન સ્ટડીઝનો એક વિશિષ્ટ ગ્રંથપાલ બનું. નિર્ણય કરવાનો હતો. અમેરિકા ભણવા જવું યા તો ‘પ્રસાર’ નામે પુસ્તકોની હાટડી શરૂ કરવી. છેવટે ‘પ્રસાર’નો આરંભ કર્યો. યોગાનુયોગ એ આંતરરાષ્ટ્રીય પુસ્તકવર્ષ હતું.

‘ ગ્રંથાલય વિજ્ઞાનનું ભણતર અને પુસ્તક-પ્રસારનો અનુભવ એ બંનેના સંચિત થયેલા સંયોજને ‘પ્રસાર’ને એક જુદેરો ઘાટ આપ્યો. પુસ્તકભંડાર જ્ઞાનરસિકોનું મિલનસ્થાન પણ બને એવો અભિગમ મનમાં હતો. અહીં પણ ગ્રંથગોષ્ઠીના વાર્તાલાપો થતા. તેના વિશે ભોળાભાઈ પટેલે ‘પરબ’માં નોંધ પણ લખી હતી. પછી તો ગુજરાતમાં ઠેર ઠેર એ પ્રવૃત્તિ પ્રસરી. ‘પ્રસાર’નું જેવું સ્વરૂપ ઝંખતો હતો એવું જ એક અનોખું પુસ્તકતીર્થ પેરિસમાં સીન સરિતાને તીરે પાંગર્યું છે એ જાણ્યું. ઓક્સફર્ડમાં આવેલો વિખ્યાત બ્લેકવેલ પુસ્તક-ભંડાર પણ મારો બીજો એક આદર્શ.

ગ્રંથાલયી સદાસેવી પંચસૂત્રી પરાયણ

ભારતીય ગ્રંથાલય વિજ્ઞાનના પ્રણેતા એસ.આર.રંગનાથને ઉપર્યુક્ત પંક્તિથી શરૂ થતાં શ્લોકમાં ગ્રંથાલય વિજ્ઞાનના પાંચ માર્ગદર્શક સૂત્રો આપ્યા છે. તે આ મુજબ છે : પુસ્તકો ઉપયોગ માટે છે , દરેક વાચકને પુસ્તક મળવું જોઈએ , દરેક પુસ્તકને વાચક મળવો જોઈએ , વાચકનો સમય બચવો જોઈએ , ગ્રંથાલય એ વિકસતી સંસ્થા છે. આ પંચસૂત્રી જયંતભાઈએ ગાંધીસ્મૃતિ ગ્રંથાલયમાં કરેલા કામમાં ચરિતાર્થ થતી લાગે છે. જયંતભાઈના એક સુવર્ણકાળમાં આ લખનાર ન હતો. પણ તે સમયમાં તેમની ગ્રંથાલય સેવાનો મોટો લાભ મેળવી ચૂકેલા કેટલાક અભ્યાસીઓ પાસેથી માહિતી મેળવતા લગભગ એક આદર્શ ગ્રંથપાલનું ઉજ્જવલ કાર્ય ઉજાગર થયું.

ગાંધીવિચાર પરના વિદ્વાન અને ભાવનગરની વળિયા કોલેજના ગુજરાતીના નિવૃત અધ્યાપક ડો. દક્ષાબહેન પટ્ટણીએ તો જયંતભાઈ વિશે ચાર પાનાં લખી મોકલ્યા. દક્ષાબહેન 1962-63ના વર્ષોમાં અસ્પૃશ્યતા નિવારણ વિષય પર વાચન કરી રહ્યા હતા. રોજની જેમ એક દિવસ તેઓ લાઈબ્રેરીમાં ગયા. ત્યાં તેમના હંમેશના ટેબલ પર તેમના વિષયને લગતા ગ્રંથો બુકમાર્કસ સાથે જયંતભાઈએ મૂકેલા. આમ તો દક્ષાબહેને જયંતભાઈ સાથે ક્યારેય કોઈ જ વાત કરેલી નહીં પણ જયંતભાઈને વિષય અંગેની જાણ થતાં તેમનામાંનો ગ્રંથાલયી સદાસેવી જાગ્યો. પછીના વર્ષોમાં તો તેમણે દક્ષાબહેનના પુસ્તકો માટેના કાગળો અને ટાઈપ પસંદગીથી માંડીને અનેક બાબતોમાં મદદ કરી હતી.

દક્ષાબહેન એ પણ નોંધે છે કે પરીક્ષા નજીક આવે ત્યારે જયંતભાઈ ગ્રંથાલયની બે કલાકની બપોરની રિસેસમાં પણ વિદ્યાર્થીઓને વાંચવા દેતા , કર્મચારીઓને કારણે જાણતા-અજાણતાંય વાચકોને નાની સરખી પણ અગવડ ઉભી ન થાય તેનું ધ્યાન રાખતા અને લાઇબ્રેરીની સ્વચ્છતા-સુઘડતા માટે ખૂબ સભાન રહેતા. એક વખત એક વિદ્યાર્થીનીને ભોંય પર વાંચતા જોઈ જયંતભાઇએ તેના માટે આસન મોકલાવ્યું હતું. દક્ષાબહેન એમ પણ મને છે કે ગ્રંથાલયના સમૃદ્ધ કલાકક્ષ થકી વાચકોમાં કલાઓ માટેની સૂઝ અને રસવૃત્તિ જાગૃત થતી. તેઓ બીજી પણ એક મહત્વની વાત લખે છે કે જયંતભાઈના કાર્યકાળ દરમ્યાન ‘ ભાવનગરનો ઘણો મોટો વર્ગ ગાંધીસ્મૃતિ ગ્રંથાલય તરફ અભિમુખ બન્યો. ‘

આ મુદ્દો અરવિંદભાઈ શુક્લ સાથેની વાતમાં પણ દોહરાય છે : એ વર્ષોમાં ગાંધીસ્મૃતિની સભ્યસંખ્યામાં ઘણો વધારો થયો. ‘ અરવિંદભાઈએ જયંતભાઈ સાથે લાઈબ્રેરીમાં કેટલાક મહિના કામ કર્યું હતું. ત્યારબાદ તે ‘લોકમિલાપ’ અને ‘નવજીવન’ બંનેમાં દોઢ-દાયકો હતા. ખુબ કામઢા પુસ્તક-કર્મચારી અને મહેનતુ વાચનપ્રસારક અરવિંદભાઈનું કામ બહુ જાણીતું થયું નથી.

અરવિંદભાઈને યાદ છે કે જયંતભાઈએ ગ્રંથપાલ તરીકે જોડાવાની સાથે જ ત્રણ કામ કર્યા. ગાંધીસ્મૃતિના પાટિયા પરની ‘વાંચનાલય’ એવી જોડણી સુધરાવડાવી , ગ્રંથાલયને ઓરડામાં વહેંચનારી દીવાલો દૂર કરીને તેને એક સળંગ વિશાળ સ્વરૂપ આપ્યું અને બધા કબાટોનાં તાળાં દૂર કરી દીધા. વાચકો માટે પાર્ટીશનવાળા ટેબલ , પરીક્ષા વખતે રાત્રે વાંચવાની સગવડ , નવા પુસ્તકોનો ડિસપ્લે , નોટિસબોર્ડ દ્વારા પુસ્તકોની માહિતી વગેરેની શરૂઆત પણ જયંતભાઈએ જ કરી. અરવિંદભાઈ એમ પણ જણાવે છે કે ઉત્સાહી વાચકોને જયંતભાઈ નિયત સંખ્યા કરતા વધુ પુસ્તકો આપતા અને તેમની સાથે પુસ્તકો અંગે વાત કરતા.

શામળદાસ કોલેજના અર્થશાસ્ત્રના નિવૃત અધ્યાપક અને અનુવાદક બદરીપ્રસાદ ભટ્ટ નોંધે છે : ‘ પુસ્તકોમાં રસ લેનાર , માત્ર તેમને જોવામાં કલાકેક ગાળનાર માણસ જયંતભાઈને હંમેશા આવકારપાત્ર લાગતો તે અનુભવ્યું છે. હું કોઈ પુસ્તકમાં રસ દાખવું તો મારી પાસે સભ્યપદ ન હોવા છતાં પુસ્તક ઈશ્યુ કરવાની ગોઠવણ કરતા.’ ભટ્ટસાહેબને ‘એકાનોમિકલ એન્ડ પોલિટિકલ વીકલી ઓફ ઇન્ડિયા’ મંગાવવા માટે જયંતભાઈએ પ્રેરેલા. તેઓ લખે છે : ઇંગ્લેન્ડ-અમેરિકાની લાઈબ્રેરી-સેવા વિશે ઘણું સાંભળવા મળે છે.જયંતભાઈ એ દિશા તરફ થોડા ડગલાં માંડી ચૂકેલા ગ્રંથપાલ હતા. ‘

‘ધરતીના ચિત્રકાર’ સદ્દગત ખોડીદાસ પરમાર બે પાનાંના પત્રમાં ગાંધીસ્મૃતિ ગ્રંથાલયમાં ‘સર્વ પ્રકારની કલાઓના પુસ્તકોથી સમૃદ્ધ કલાકક્ષ’નું કૃતજ્ઞતાથી સ્મરણ કરે છે. તેમાંથી તેમને કલાઓ વિશે ‘ઊંડાણથી જાણવા મળ્યું’ એની વાત માંડે છે.

ગ્રંથપાલ તરીકે જયંતભાઈ ‘દ્રષ્ટિવંત અને કંઈક નવું કરવાની ધગશવાળા’ હતા એમ સંસ્કૃતના અધ્યાપક અને અમદાવાદની મહર્ષિ વેદ વિજ્ઞાન અકાદમીના નિયામક રશ્મિકાન્ત મહેતા જણાવે છે. તે જયંતભાઈના અભિગમમાંની ‘ઓપનનેસ’ના પ્રશંસક છે. તેમને દેશભરના ઉત્તમ સામયિકો , દેશવિદેશના ઉત્તમ પુસ્તકો અને ગુજરાતીની નવામાં નવી વાચનસામગ્રી ગાંધીસ્મૃતિમાંથી મળતી. તેમણે 1966થી ચાર વર્ષ ગાંધીસ્મૃતિમાં ‘સંશોધકો માટે અનામત રાખેલા ટેબલ‘ પર બેસીને ડોક્ટરેટ માટે કામ કર્યું. તેમને ‘સાયણભાષ્યો પર હોશિયારપુરમાં પ્રકાશિત થયેલી અલભ્ય ગ્રંથશ્રેણી‘ ગાંધીસ્મૃતિમાં મળી હતી.

ગાંધીસ્મૃતિ ગ્રંથાલય જયંતભાઇની સાથે જોવું એક રસપ્રદ વાત છે. લાંબા ગાળે પિયરઘરે પાછી આવેલી ગૃહિણીના હેતપ્રીતથી જયંતભાઈ કબાટોને અડે છે , પુસ્તકો પર હાથ ફેરવે છે. વિશિષ્ટ પુસ્તકો , દુર્લભ ગ્રંથો , ‘કૌમુદી’-‘કુમાર’ સહિતના અનેક ગુજરાતી તેમજ અંગ્રેજી સામયિકોની ફાઈલો બતાવે છે. તેમણે વાચકની સગવડ માટે કરેલા ઇનોવેશન્સ અને લોકલ વેરિએશન્સ બતાવે છે. ગાંધીસ્મૃતિ ગ્રંથાલય અને તેનો ઉપયોગ કરનારા ભાવનગરવાસીઓના અનુભવો સાંભળતા કાકાસાહેબ કાલેલકરનું નિરીક્ષણ યાદ આવે છે : ‘ઉત્તમ ગ્રંથસંગ્રહ અને ગ્રંથપાલની યોજના પસંદીપૂર્વક થઇ હોય તો પ્રજા જોતજોતામાં ચડે.

સહેજ આવું ભાવનગરની શામળદાસ કોલેજના અત્યારના ગ્રંથપાલ ભાર્ગવ જાનીની બાબતમાં પણ છે. તે જયંતભાઈ પાસે ગ્રંથાલય વિજ્ઞાન ભણ્યા. સૌરાષ્ટ્ર અને ભાવનગર બંને યુનિવર્સીટીઓના ગ્રંથાલય વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ તરીકે તેમની જ નિમણૂક થશે એવુંય ધારી લેવામાં આવેલું. પણ ‘ગાંધીસ્મૃતિ સંસ્થાના રસ અને લગાવ’ને કારણે જયંતભાઈએ અરજી સુધ્ધાં ન કરી. જો કે ભાર્ગવભાઇ જણાવે છે , વિદ્યાર્થીઓને વ્યાખ્યાન આપવાને બદલે જયંતભાઈ તેમની સાથે ‘સહજપણે વૈચારિક આદાનપ્રદાન’ કરતા. ચકાસણી મૂલ્યાંકનની તેમની વિશિષ્ટ પદ્ધતિ વિશે ભાર્ગવભાઇ સદ્રષ્ટાંત માહિતી લખે છે. વાતવાતમાં તેમણે એમ પણ જણાવ્યું કે ‘હું સંદર્ભ પુસ્તકોની જે કંઈ તાલીમ પામ્યો છું તે જયંતભાઈને આભારી છે.’

જો સારી સૂચિઓ ન હોય તો માણસ જે કંઈ વાંચે છે તેમાંનું મોટાભાગનું વેરવિખેર થઇ જાય અને પાછું જડવું અશક્ય બની જાય.

હોરેસ બિન્ને નામના 19મી સદીના અમેરિકન ધારાશાસ્ત્રી આ નિરીક્ષણમાં પુસ્તકોમાં સૂચિના મહત્વનો નિર્દેશ છે. સૂચિની વાતને જયંતભાઈ બરાબર સમજ્યા છે. એમણે કરેલા મેઘાણી સાહિત્યના સંપાદનોમાં કેટલીક સૂચિઓ છે. ‘સૌરાષ્ટ્રની રસધાર‘માં તે સ્થળસૂચિ અને વાર્તાઓમાં મૂકાયેલા કાવ્યાંશોની પ્રથમ પંક્તિની સૂચિ આપે છે.રઢિયાળી રાત‘ની બૃહદ આવૃત્તિમાં ગીત-સૂચિની સાથે સ્મરણ પંક્તિની સૂચિ આપવાની સૂઝ જયંતભાઈ જ દાખવી શકે. સમગ્ર કવિતાના ‘સોના-નાવડીસંચયમાં અનુકૃતિઓની સૂચિ ખુબ મોટી વાત છે. જયંતભાઈએ કાવ્યો , વાર્તાઓ , ‘બહારવટીયા’ , લોકસાહિત્ય અને ચારણી સાહિત્યના સંપાદનો આપ્યાછે.

વાચકોને જયંતભાઈ શબ્દાર્થો આપે છે. તેને મેઘાણીની સૃષ્ટિમાં રમમાણ કરી દેવા માટે વિપુલ દ્રશ્યસામગ્રી આપીને પુસ્તકોને રમણીય બનાવે છે. સંશોધકો માટે લગભગ તમામ જરૂરી માહિતી પુરી પાડે છે. તેમાંથી કેટલીક તો આમ મેળવવી દુષ્કર બને તેવી હોય છે. નોંધીએ કે ઔપચારિક અર્થમાં જયંતભાઈ સાહિત્યના અધ્યાપક કે સંશોધક નથી. પણ સંપાદનો માટેની તેમની વૈજ્ઞાનિકતા , વ્યાપ અને વ્યાસંગ વિરલ છે. નતમસ્તક બનાવનાર જયંતભાઈના સંપાદનોની બીજી પણ એક વિશેષતા છે. તેમાં ક્યાંય ‘સંપાદક’ તરીકે જયંતભાઈનું નામ નથી. તેમનું નામ કોઈક નિવેદન હેઠળ ઝીણા અક્ષરોમાં જડી આવે છે.

અમદાવાદ ભણવા માટે આવ્યો તે પહેલાં ઇડરમાં જેટલા પુસ્તકોના સંબંધમાં આવેલો તેમાં સૌથી આકર્ષક મારે મન કોઈ પુસ્તક હોય તો તે હેડમાસ્તરના ટેબલ પર પડી રહેતું એન.એમ.ત્રિપાઠી કંપનીનું વિસ્તૃત સૂચિપત્ર.

એ પુસ્તક મારે માટે જાદુઈ ખજાનારૂપ હતું.

ઉમાશંકર જોશીએ જોયેલો આવો ખજાનો જયંતભાઈ ગુજરાતના અને બીજા દેશના વાચકોને વર્ષોથી પૂરો પાડે છે. ‘પ્રસાર’ના સૂચિપત્રો નામસભર અને નમણા હોય છે. એ સૂઝવાળા અને રસિક ગ્રંથજ્ઞની છાપ તેમાં પાને પાને જણાઈ આવે છે. તેનો યાદગાર નમૂનો એટલે ગુજરાતી સાહિત્ય પરિષદના ગયા વર્ષના પુસ્તક મેળામાં ‘પ્રસારે’ સેંકડોની સંખ્યામાં વહેંચેલું ‘વાચન 2002‘ નામનું સૂચિપત્ર. ઘણા વર્ષોના આવા સૂચિપત્રો જયંતભાઈ પાસેથી જોવા મળે. ગુજરાત બહારના અને વિદેશોના લોકો માટે ‘હાર્વેસ્ટ’ નામની સૂચિ ‘પ્રસાર’ બહાર પાડે છે. સૂચિપત્રોમાં બે-ત્રણ લીટીમાં પુસ્તકોનો લઘુપરિચય આપવાની જયંતભાઈની હથોટી નોંધપાત્ર છે. આવી સૂચિઓ પાછળ પ્રકાશન વ્યવસાયનો અભ્યાસ , ઉત્તમ ગ્રંથાવલોકનોનું સતત વાચન , ગ્રંથાલયોનો અભ્યાસ અને પુસ્તકોની સમજ રહેલી હોય છે. લાગણી હોય છે વાત પહોંચાડવાની. એટલે જ એક સૂચિપત્રમાં જયંતભાઈએ લખ્યું છે : ‘નવાંનવાં પુસ્તકોના પ્રકાશનના સમાચાર આવે છે અને એ જોવાની આતુરતા ઉભરાય છે. પાર્સલો આવે છે ત્યારે બીજું બધું કામ પડતું મૂકીને એ ખોલવાની ને નવી નવી ચોપડીઓ જલ્દી જોવાની ઉત્કંઠા રોકી શકાતી નથી. અને એક એક પુસ્તક જોતા નજર સામે તેના વાચકોની પ્રતિમાઓ ખડી થઇ જાય છે. થાય છે :’ક્યારે એમને બોલાવીને કહીએ કે ‘જુઓ તો ખરા, આ કેવી સરસ ચોપડી તમારા માટે આવી છે! ‘ , ‘ આ પુસ્તક જોયા વિના તમારે નહીં જ ચાલે ‘ . . . પુસ્તકોની આવી સંગતનો , ચોપડીઓની આવી દોસ્તીનો , આ રસભર સૃષ્ટિ સાથે તેના ચાહકોનું મિલન કરાવવાનો અકથ્ય રોમાન્સ છે. આ માત્ર દુકાનમાં બેસીને જણસો વેચ્યા કરવાની વાત નથી, પુસ્તક-પ્રસારનો ‘રોમાન્સ’ છે.’

‘પ્રસાર’નું પ્રવેશદ્વાર

બુકસેલર શબ્દ બહુ ફિક્કો ને કંઈક ઊતરી ગયેલ લાગે છે. પણ બુકસેલર તો પોતાના શહેરનો જ્ઞાનમાળી બની શકે.

બુકસેલર તો મોટો સાહિત્યસેવક છે. સારો બુકસ્ટૉલ ઊંચી જાતના પ્રદર્શનની ગરજ સારે છે.

ઝવેરચંદ મેઘાણીના ‘કલમ અને કિતાબ‘ના જે એક જાણીતા લખાણમાંથી આ ફકરો સારવેલો છે તે લખાણનું પ્રત્યક્ષ સ્વરૂપ એટલે ‘પ્રસાર’ . દક્ષાબહેન તેને ‘તરસ્યા લોકોની પરબ‘ અને રશ્મિકાંતભાઈ તેને ‘જીવનની વિટંબણાઓ વચ્ચે શાતા આપતું તીર્થ‘ કહે છે. ‘મગદૂર નથી ગ્રાહકની કે ખાલી હાથે બુકસ્ટૉલ છોડી જાય ‘ એવો ‘પ્રસાર’નો મિજાજ મુલાકાતીઓ અનુભવે છે. બદરીપ્રસાદ ભટ્ટને એક વાર કોઈક કામે ભાવનગર જવાનું થયું. કામ પૂરું થયા પછી ‘સમય પસાર કરવા’ ‘પ્રસાર’માં પેઠા. ‘ પુસ્તક ખરીદી એટલી થઇ કે સુરેન્દ્રનગર પાછા ફરવા માટે બસમાં બેઠા પછી ભાડાની રકમ ભેગી કરવા અનેકવિધ ઉપાયો અજમાવવા પડ્યા.

‘પ્રસારની સુવાસ દૂર સુધી પ્રસરેલી છે. એક તબક્કે તે ઓક્સફર્ડ અને કેમ્બ્રિજને પુસ્તકો પુરા પાડતું. અત્યારે પણ દેશવિદેશની કેટલીક શિક્ષણ-સંશોધન સંસ્થાઓ અને લાઈબ્રેરીઓ ‘પ્રસાર’ પાસેથી અવારનવાર પુસ્તકો મંગાવે છે. ઘરઆંગણે કોઈ ગ્રામ-ગ્રંથાલયના ગ્રંથપાલ પ્રસારમાં આવીને પુસ્તકો વીણે છે. આમ તો આયાસ વિનાની સૌંદર્યદ્રષ્ટિથી સજાવેલી આ પુસ્તકોની દુકાન નાનકડી છે. ગોષ્ઠિઓ માટે પૂરતી જગ્યા અહીં નથી. બહુ મોટી સંખ્યામાં પુસ્તકો હોય એવુંય નથી. છતાં અભ્યાસીઓ , વિદ્યાર્થીઓ , જિજ્ઞાસુ વાચકો , ગૃહિણીઓ અને બાળકો માટે ચૂંટેલા પુસ્તકોનું નાનું ઝરણું અહીં નિરંતર વહેતું રહે છે.

પુસ્તકો ઉપરાંત લોકકલા-હસ્તકલાની વસ્તુઓ , કલાત્મક કાગળો , વિવિધ પ્રસંગ માટે કાર્ડસ , સુશોભિત સ્ટેશનરી , ડાયરીઓ , ચિત્રો , સુગમ-શાસ્ત્રીય સંગીતની કેસેટ્સ અને સી.ડી. જેવું વસ્તુંવૈવિધ્ય ‘પ્રસાર’ના કલા-હાટમાં સુલભ હોય છે. પુસ્તકો-સંગીત-કલાનાં સહુ રસિકજનોનું અહીં નિત્ય સ્વાગત હોય છે. ‘પરિચય પુસ્તિકા’ શ્રેણીના અત્યારના સંપાદક અને જયંતભાઈના ભાઈબંધ ચંદ્રકાંત શાહ લખે છે : ‘પ્રસારના બુકમાર્કથી લઈને પુસ્તકના પેકેટ સુધીમાં એક કલાપ્રિય આત્માની સૂઝ અને નજાકત છે. ગ્રંથપાલ તરીકે વાચકને માહિતીનો થાળ ધરી દે. પ્રકાશનોથી પૂર્ણ માહિતીગાર એવા જયંત સાથેનો સંબંધ પચાસ વર્ષનો , ક્યારેય કોઈ બ્રેક નહીં.

ઘણા પુસ્તકોનો સંગ્રહ કરવાનો શોખ કેવો છે? મીણબત્તી બળતી રાખીને નીંદરમાં પોઢી ગયેલા બાળક જેવો.

આ મજાની વાત હેન્રી પેચામ નામના 17મી સદીના અંગ્રેજી લેખકે અને કર્ટસી બુક્સના નિષ્ણાતે કરી છે. માણસ ઘરેણાં વસાવે છે , સાચવે છે , આનંદ માણવા અને વ્યક્ત કરવા માટે પહેરે છે. જયંતભાઈ કહે છે કે પુસ્તકો એકઠાં કરવા પાછળની તેમની લાગણી કંઈક એવી છે. તે કહે છે : ‘ I like to be amidst good books. વસાવેલા બધા જ પુસ્તકો વંચાય છે એવું પણ નથી. પણ તે બધાની વચ્ચે હોવાનો આનંદ હોય છે.

જયંતભાઈના પુસ્તકસંગ્રહમાં બુક્સ અબાઉટ બુક્સ એટલે કે પુસ્તકો વિશેના પુસ્તકો છે. આ પ્રકારના પુસ્તકો આપણે ત્યાં નહિવત છે. આપણે ત્યાં મળતાં અંગ્રેજી પુસ્તકોમાં પણ તે ઓછા દેખાય છે. પણ દુનિયાભરના પુસ્તકરસિયાઓને તેમાં ખૂબ આનંદ પડતો હોય છે. બુક્સ અબાઉટ બુક્સની ચોક્કસ વ્યાખ્યા નથી. પણ એમ કહી શકાય કે પુસ્તકના વિષયવસ્તુ સિવાયની પુસ્તક અને વાચનને લગતી કેટલીક બાબતો પરના પુસ્તકોનો તેમાં સમાવેશ થાય છે. જેમ કે ગ્રંથમહિમા , પુસ્તકઘેલછા , પુસ્તકસંગ્રહો , દુર્લભ પુસ્તકો , તેમની સાચવણી , ગ્રંથાલયો , પ્રકાશન વ્યવસાય , લેખક-પ્રકાશક સંબંધ , પુસ્તકવિક્રેતાઓ , પુસ્તકોની દુકાનો , પ્રિન્ટિંગ-બાઇન્ડિંગ , વાચકો , વાચનવૃત્તિ , વાચનરુચિ , વાચનપ્રસાર ઇત્યાદિ.

જયંતભાઈ પાસે આમાંથી મોટાભાગના વિષયોને લગતા પુસ્તકો છે. તદુપરાંત જોતાં જ રહેવાનું મન થાય તેવા દેશવિદેશના પ્રકાશનોના સૂચિપત્રો , સૂચિ સામયિકો અને સૂચિગ્રંથો છે. પુસ્તકોની દુનિયાને લગતાં લખાણોના કતરણો તેમણે એક અલગ કોથળીમાં રાખ્યા છે અને તે કોથળી પર લખ્યું છે. ‘પુસ્તકોની વસંત‘ . જયંતભાઈના પુસ્તકપ્રેમની વસંતમાં પુસ્તકોનું વૈવિધ્ય પણ છે. ચિત્રકળા , શિલ્પ-સ્થાપત્ય , ભૌગોલિક સંશોધન , નકશા , પૂર્વ આફ્રિકામાં વસાહતીકરણ , પત્રસંગ્રહો , જીપ્સીઓ જેવા વિષયો પરના અદભુત પુસ્તકોમાં ખોવાઈ જવાય તેવા છે.

કેટલાંક પુસ્તકો જયંતભાઈએ ઝેરોક્ષ કરાવીને સુઘડ રીતે જતન કર્યા છે. કેટલાક સેકન્ડસમાંથી ખરીદેલા છે. કેટલાક સંસ્થાઓ અને મિત્રોએ ભેટ આપેલાં છે. મોટાભાગના પુસ્તકો સાથે અવલોકનનું એકાદ કતરણ હોય છે. પુસ્તકની અંદર સુંદર પાંદડું કે ફૂલ હોય છે અને જયંતભાઈના મનની અંદર પુસ્તક બતાવવાની હોંશ.

‘પ્રસાર’ તરફ . .

ભાવનગરના સભ્ય સમાજના ઘડતરમાં મહેન્દ્રભાઈ અને જયંતભાઈનો ફાળો ઘણો મોટો છે.

એક સારી યુનિવર્સિટી કે એક સારો અધ્યાપક જે વ્યવસાયી અને જે ભાવથી એક આખું વાતાવરણ ઘડે તેવું જયંતભાઈએ કર્યું છે.

તે પણ સહજતાથીપરોપકાર તરીકે નહિ જકદાચ એ તેમનો સ્વભાવ છે.

દક્ષાબહેને નોંધેલી સહજતા એ જયંતભાઇની ખાસિયત છે. સંસ્કારિતા અને સંકોચશીલતા , નરવાઈ અને નમણાઈ , આભિજાત્ય અને રુચિસંપન્નતા ભારોભાર છે. ઓછાબોલા અને અતડા હોવાની છાપ ઝડપથી ભૂસાઈ જાય છે. અને તેમના વ્યક્તિત્વની હૂંફનો અનુભવ થાય છે.

સ્વામી આનંદના ‘બંટુદોસ્ત‘ની મોટી મિરાત મૈત્રીની છે. એક નાની છોકરીની ઓટોગ્રાફ ડાયરીમાં સ્વાક્ષરી સાથે લખી આપે છે : ‘આપણી દોસ્તી પાકી! ‘ કોઈ પગે લાગવા જાય તો ‘બધી ભાઈબંધી બગાડી નાખી‘ એવો હળવો છણકો કરે. અન્યથા બોલવેચાલવે શાંત અને મૃદુ. પણ મેઘાણી છે એટલે ઇન્ટેન્સિટી હશે અને ગુસ્સો પણ. નોકરી નહીં કરવા પાછળનું એક કારણ ‘નોકરી થઇ જ ન શકે એવો સ્વભાવ. ‘ પણ સ્વતંત્ર પણે કરેલા મૂલ્યવાન કામ વિશે અભિમાન તો નહીં જ , બલ્કે અલ્પતાનો અહેસાસ. પોતાની જાતને ઓછી મહત્વની માને. નામ કરતા કામ વિશે વાત કરવાનું વારંવાર કહે. પુસ્તક પ્રસારના કામ પાછળ રસ અને મહેનત ચોક્કસ છે એ જણાવીને સ્પષ્ટ કરે કે એમનો એ વ્યવસાય છે , મિશન નથી. તેમના કામ માટેનું શ્રેય , તેમના ઉછેર , સંજોગો અને ભાવનગરને આપે છે : ‘ બબ્બે ગ્રંથભંડારો ચલાવનારા આ નાનકડા શહેર ભાવનગરના લોકોને ધન્ય છે. ‘

જયંતભાઈએ પોતાની વિશેની એક નોંધમાં લખ્યું છે : ‘મિત્રો , પુસ્તકપ્રેમીઓ , જ્ઞાનરસિકો મને બુકમેન તરીકે ઓળખે છે. એથી વધુ આકાંક્ષા નથી. આ ‘બુકમેન’-પણાએ મને કેટલાક સરસ મિત્રોનું વૃંદ આપ્યું છે. જગતના ઉત્તમ પુસ્તકોની સોબત આપી છે – પછી એમ થાય કે બસ, બીજું કાંઈ નથી જોઈતું.