ટૅગ્સ

, , , , , , ,

1] આ બ્લોગ શરૂ કેમ થયો તેની જો કેન્દ્ર કક્ષાએથી તપાસ આવે , તો પણ મારે શું કહેવું તેની મુંઝારાભરી મૂંઝવણ છે , ધૂંધળી સ્મૃતિઓનું બોઝિલ ધુમ્મ્સ છે. કાંઈ કહેવું હતું એટલે ? નાં , એવું તે મેં કઈ કહી નથી નાખ્યું ! ખૂલવું હતું – વ્યકત થવું હતું એટલે ? નહિ , મૂળે તો હું ખૂણાનો માણસ – સતત પોતાની સાથે જ મથામણ અને માથાકૂટ’નો માણસ !

2] ઘણીવાર એમ પણ થયું હતું કે પાંચ વર્ષ પહેલા ઉન્માદ અને ઉતાવળની એ ક્ષણ જો સરી ગઈ હોત તો આ બ્લોગ પણ શરૂ થયો ન હોત. કેમકે મારા નામની જોડણી ભલે ખોટી હોય પણ મૂળે હું નીરવ વ્યક્તિત્વ છું ,વિષાદી જીવ છુંસતત સંકોરાતો અને ખચકાતો. ભલેને કોઈને એમ લાગે કે આ માણસ જીવંત છે , જીવનરસથી છલકાય છે પણ અસ્તિત્વના કોઈ એક ખૂણે સતત એક યુદ્ધ ચાલ્યા રાખે છે , સતત સ્થિર થવાનો ડર ઝળુંબયે રાખે છે કે સમયના કોઈ પડાવે ક્યારેક ખુદ સાથે જ જો ભેટો થઇ ગયો , તો ન ઓળખવાનો અભિનય કેમ કરીને કરાશે ?

3] તો શું આ બ્લોગ કોઈ પ્રકારે સીટી વગાડીને ધ્યાન દોરવાનો કે પ્રેશર રિલીઝ કરવાનો સેફટી વાલ્વ છે ? – જવાબ એક જ છે , કઈ ખબર નથી 🙂 ખબર ન પડવાનું સુખ ઘણા લોકોને દુર્લભ હોય છે પણ એ બાબતે હું ઘણો બડભાગી છું. હાં , વહેંચવાની ઈચ્છા હતી , વાત કરવાની ઈચ્છા હતી અને વહેવાની ઈચ્છા હતી – અને કદાચ ત્રણેય અહિંયા જ મળી ગયું , લ્યો વાર્તા પુરી. [ જોકે વાર્તા તો ક્યારેય પુરી થતી જ નથી , વારેવારે રૂટમાંથી રિબુટ થાય એ જ વાર્તા , હરસમયે કૈક નવો જ દ્રષ્ટિકોણ અને કોણીએ ગોળ લગાડતી જાય એ જ વાર્તા , વંચાવાની પુરી થાય અને ઘુમરા મારવાની શરૂ થાય એ જ વાર્તા . . તો શું મારી વાર્તા પણ બાકી છે ? આવતું વર્ષ છે ને , ખબર પડી જશે ~ તમને નહિ , મને 🙂 ]

તો ચાલો એ બહાને કૈક જૂનું અને તેના સંદર્ભે કૈક નવું ઉખેળીએ અને વાગોળીએ.

> પાંચ વર્ષ પહેલા બ્લોગીંગ શરૂ થયું ત્યારે ગુજરાતી બ્લોગાવરણ કેવુંક હતું ? માંડીને વાત કરું ? . . . એકદમ સહજ અને તમને પણ કૈક કહેવા આમંત્રે એવું સોજ્જુ સોજ્જુ [ તો શું અત્યારે એવું નથી ? એ તો મારી જૂની નજરે કેમ કહી શકાય ? એકવાર પેટ ભરાય જાય ત્યારે સોડમ પણ આધાશીશીનો આભાસ કરાવે છે! ] પણ તટસ્થ નજરિયેથી કહું તો તે સમયે કંઈક મૌલિક અને મેજીકલ બ્લોગીંગ થતું હતું કે જે મારા જેવા નંગને પણ કૈક કહેવા ખેંચી લાવ્યું ! પણ હવે તેમાંના ઘણા બ્લોગ્સ અને બ્લોગર્સ અત્યારે નિષ્ક્રિય થઇ ગયા છે [ જાણેકે ધૂળમાં પડેલી પગલીઓ પર જ ધૂળ જામી ગઈ છે ! ]

> મારુ એક અવલોકન રહ્યું છે કે , ત્યારે પણ અને અત્યારે પણ મહત્તમ ગુજરાતી બ્લોગ્સ ‘વડીલો’ જ ચલાવી રહ્યા છે અને એ પણ ગજબ સ્ફૂર્તિ’થી ! અને તેમની સામે [ અને સાથે પણ ] ગુજરાતી યુવાવર્ગ ઘણો નિસ્તેજ પુરવાર થઇ રહ્યો છે ; કેમકે પહેલી વાત તો મોટાભાગના નવા ગુજરાતી બ્લોગ્સ ચાર પાંચ પોસ્ટ્સ’માં જ દમ તોડી દે છે , બીજું કે તેમાંના મહત્તમ બ્લોગ્સ મૌલિક નથી હોતા , ત્રીજું કે તેઓની નવી વાતમાં પણ ઘણીવાર નાવીન્ય નથી હોતું ! [ મતલબ કે નવીનવાઈ ]

> પણ હાં , જેટલા પણ ગુજરાતી ‘લેડી’ બ્લોગર્સ છે તેમાંના મહત્તમ એટલે મહત્તમ પુરેપુરી સૅન્સિબિલિટી અને સિન્સિયારિટીથી બ્લોગીંગ કરે છે ~ તેઓ સોજ્જી વાત પણ કરે છે અને સોલિડ લાત પણ મારે છે 🙂 મસ્કો નથી લગાડતો , પણ ગુજરાતી બ્લોગીંગ જગદંબાઓના ખોળામાં વધુ સુરક્ષિત છે ~ ખોટ નથ કેતો !

> અને મુખ્ય વાત તો એ છે કે મહત્તમ બ્લોગ્સમાં ‘ કમેન્ટ્સ ‘ નામક પ્રાણદાયક તત્વ જ ગેરહાજર હોય છે ! નો ડાઉટ , કે કમેન્ટ ઓછી હોય શકે / અનિયમિત હોઈ શકે પણ સાવ આમ ? કેમકે મૂળમાં વાત તો એ છે કે તેઓ પાસે કોઈ એવું સંવાદ સાધવા સાદ પડે તેવું મુખ્ય તત્વ જ ગેરહાજર છે કે જેના સબબ પોસ્ટ સંબંધીત વાતચીત આગળ વધી શકે , કૈક નવી ચર્ચા છેડાઈ શકે , વાત’માંથી વાતાવરણ ઉભુ થઇ શકે [ આઈ લવ વાતાવરણ – જય લિસા હેડન ]. . અને તેઓ પણ કોઈ અન્ય બ્લોગ્સ પર મીંઢા થઈને પરત આવી જાય છે. હું એમ નથી કહેતો કે કમેન્ટ ફરજીયાત કરવી જ પડે પણ તમે ક્યાંક ટહુકો નહિ કરો તો કોઈ પણ તમારી ડેલી ધબકાવા નહિ જ આવે. [ અને તમારી ડેલી બગ’ડેલી’ થઇ જશે – જય પીજે ] અને શાંતિ હોય ત્યાં સુધીય વાંધો નથી પણ સન્નાટો ? [ જય રહીમ ચાચા ! ]

> આ વખતે બૌ ‘જય’ કર્યું , નહિ ? તો ચાલો , મુકો આ બધી માથાકૂટ [ માથાકૂટની મજા જ એ છે કે પહેલા કરવાની અને પછી મૂકી દેવાની 🙂 ] અને ફરજીયાતપણે જુઓ આ ધીંગી અને ધનાધન ‘ રિવર્સ શોર્ટક્રિયેટિવિટી અને ક્રેઝીનેસ’નું કાતિલાના કોકટેઇલ ~ મસ્ટ વોચ [ થોડીક એક્સપ્લિસીટ છે પણ એટલા પૂરતું છીંક ખાઈને આંખ મીંચી દેવાની , પણ જોવાની તો છે જ હોં બાપુ ! ( અને બા તમે પણ હોં ! ) ]એન્ડ ફાઈનલી . . પડતા રહો , આખડતા રહો , લપસતાં રહો કે ગોથા ખાતા રહો પણ પણ ને પણ મોજ કરતા રહો , ક્યુકી કલ હો ના હો. [ જોકે પરમદિવસ અંગે પરમદિવસે જ પૂછવું ! ]

એન્ડ ફાઈનલી ફાઈનલી , વચ્ચે જો શોર્ટ ફિલ્મો શેર કરવાનું મન થશે તો આવતા દસ બાર દિવસમાં જ ત્રાટકીશ , નહીંતર ત્રણ ચાર મહિનાની શીતનિંદ્રા પાક્કી ! [ ત્યારે કદાચ 2016ની હોલીવુડ અને વર્લ્ડ મુવીઝનું સરવૈયું માંડવાનું થશે. ]