ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,


1) આઠ મહિનાનાનાના ! મારા બ્લોગીંગના ઇતિહાસમાં અત્યાર સુધીનો વણથંભ્યો , વણકહ્યો અને વણઈચ્છ્યો અંતરાલ ઉર્ફે બ્લોગબ્રેક ! [ છેલ્લી પોસ્ટ ઓક્ટોબર 2016’માં ] કઈ ખબર જ ન પડી કે ક્યાં ક્યાં ભેરવાઈ ગયા ? કેટલાક માટે અમોએ તૈયારી કરી હતી અને કેટલાકમાં સંજોગો તૈયારી કરીને આવ્યા હતા અને બેય’એ થઈને મને ધરબી દીધો !

2) એક તબક્કે તો એવું લાગવા લાગ્યું કે હવે બ્લોગીંગ થશે જ નહિ, સ્લોથની જેમ ડાળીએ લટકતા બ્લોગને ત્રાટક નજરે પડી પાથરીને જોવાતું જ રહ્યું જોકે આ સમયે તેમાં આળસને બદલે ઘરેલુ સંજોગો જવાબદાર હતા [ ના ભાઈ ના , લગ્ન નથી થયા , નહિતર તો એ મારી પાસેથી પાસવર્ડ પણ માંગી લે એવો જમાનો આવી ગયો છે 😉 ] કેડ અને હામ બંને ભાંગી ગઈ હતી , ફુગ્ગો ફૂટી ગયો હતો ને જુસ્સો તૂટી ગયો હતો. આર્થિક / સામાજિક / પારિવારિક / અંગત સ્તરે ફટકાઓની નોબોલમાં ફ્રી હિટ’ની લાઈન લાગી હતી . . હાલાત કવીન’ની રાની ઉર્ફે કંગના જેવા થઇ ગયા હતા.

3) ઓકે તો હવે મેઈન વાત પર આવીએ . . . છેલ્લા ત્રણ વર્ષથી , આખા વર્ષની ફિલ્મોનું જંગમ સરવૈયું અપાઈ રહ્યું છે અને આ વખતે ફરી એ બહાને હિંમત ભેગી કરીને બ્લોગ પર ખાબક્યો છું , થેન્ક્સ ટુ ધેટ સિરીઝ.

4) આ વખતે પણ કઈ કેટલીયે રિજિયોનલ મુવીઝ જોવાતા રહી ગઈ , કારણ એ જ – કાં તો મુવી મળે નહિ કાં તો સબટાઇટ્લ્સ મળે નહિ ! [ આ સમયે એકપણ બંગાળી મુવી જોવાઈ નથી. ] આખિરમાં પણ ત્રણ ચાર દક્ષિણી ફિલ્મો ન જોવાઈ શકી કે જેના વિષે ઘણા પોઝિટિવ રિવ્યુઝ મળ્યા હતા.

5) આવનારા ત્રણથી ચાર મહિનાઓમાં પણ અંદાજે એક અથવા તો બે જ પોસ્ટ આવવાની વકી છે એવું ‘માન-ન-માન’ ખાતાનું કહેવાનું છે , તો કોઈ શું કહે છે એ મૂકીને હું શું કહું છું એ પર જરા ધ્યાન પરોવો ને ભઈ શાબ 🙂 યસ , નીચે બધી મુવીઓની પિષ્ટ પિંજણ કરી છે , તો તેમાંથી કઈ મુવી બાબતે તમે મારી સાથે સહમત છો અને કઈ મુવી બાબતે તમે મને દોઢડાહ્યો સમજો છો , એ જણાવવા વિનંતી છે , સૌ આબાલ વૃદ્ધોને.


Please share your favorite Indian films of 2016 at last in Comment area


Total Images : 58 [ Small & Steady ] 15 [ Gif ]

It would take 3 to 4 minutes to load the whole post .


Total 48 Indian films watched , released in 2016

48] Maheshinte Prathikaaram [ Malayalam ] 47] Dangal , 46] Nannaku Prematho [ Telugu ] , 45] Kahaani 2 , 44] Shivaay , 43] Force 2 , 42] OK Jaanu , 41] Rock On 2 , 40] Befikre , 39] #Pellichoopulu [ Telugu ] , 38] Mirzya , 37] Waiting 36] Dear Zindagi , 35] Tum Bin 2 , 34] Baar Baar Dekho , 33] Ae Dil Hai Mushkil , 32] M.S. Dhoni: The Untold Story , 31] Budhia Singh: Born to Run

30] Happy Bhaag Jayegi , 29] Akira , 28] Kabali [ Tamil ] , 27] Visaranai [ Tamil ] , 26] Madaari , 25] Mohenjo Daro , 24] Thithi [ Kannada ] , 23] Raman Raghav 2.0 , 22] Rustom , 21] Natsamrat [Marathi ]

20] Sairat [ Marathi ] , 19] Pink , 18] Dishoom , 17] Sanam Teri Kasam , 16] Sultan , 15] Parched , 14] Housefull 3 , 13] Udta Punjab , 12] Te3n , 11] Azhar , 10] Baaghi , 9] Nil Battey Sannata , 8] Ki & Ka , 7] Saala Khadoos , 6] Fan , 5] Kapoor and Sons , 4] Aligarh , 3] Neerja , 2] Fitoor , 1] Airlift

Yet to Watch / Missed / Skipped  : Phobia , Dhanak


1st Feature

Worst / Nonsensical ઉર્ફે હથોડા છાપ MOVIES


2nd Feature

Over Hyped / Over Rated

Over Rated ~ ઓવર ડ્રામેટિક & ફૂલટૂ ફિલ્મી : વાસ્તવિકતાથી ક્યાંય વેગળું

Over Hyped ~ સુપર્બલી ક્રાફ્ટેડ , બટ બટ બટ . . . એએએ કિરન , આખિરમાં સ્ટીરીયોટાઈપ થઇ ગયું 😦 મેઈલ વર્ઝન ઓફ ‘ડર’ વિથ અ ‘ડુપ્લીકેટ’

Over Rated + Over Hyped ~ ખાધું પીધું ને તારાજ કર્યું : સંઘર્ષને નામે સંઘર્ષ ! સુષ્ટુ સુષ્ટુ

Over Rated ~ દર્દ છે પણ દર્દનો પનો ટૂંકો પડ્યો , જાણે કે બધું જ કૃત્રિમ ! પાવર પર્ફોર્મન્સીસ છતાં પણ ઓવરઓલ ઇફેક્ટ બહારથી ભીંજાયા પણ અંતરથી કોરા રહ્યા જેવી . . .

Over Hyped ~ પોટેન્શિયલ , પરફોર્મન્સ અને હાઈ પીચથી લઈને લો પીચ સુધી નર્તન કરાવી દે તેવા ગીતોથી ફાટ ફાટ થતી એકંદરે ફાટીને ધુમાડે જતી વન ઓફ ધ મોસ્ટ ઈરિટેટિંગ મુવી ઓફ ધ યર ! ઓવર લકઝરીયસ દર્દ થી કોમન સરદર્દ સુધી વિસ્તરતી વાર્તા .

Over Rated ~ ગમ્યું , પણ વધુ તો ભમ્યું ઝાઝું ! મુવી ગૌરી શિંદે’ને કારણે જોવાયેલું પણ ફરી એક વાર ફેઇક ફિલોસોફીની ગોલ્ડ પ્લેટિંગ ચડાવેલ ફૂલ ફિક્કી થાળી જેવું લાગ્યું 😦 શાહરુખ ઘણા વર્ષોથી કોઈ પાત્ર જેવો લાગતો જ નથી માત્ર શાહરુખ જ લાગે છે [ સિવાય કે ફેન : કોઈને સેઈમ પીચ’નો ચીંટિયો ભરવો હોય તો ઇમેઇલમાં ચીંટિયો મોકલાવી શકો છોસાદા પોસ્ટકાર્ડ પર ચીંટિયો સ્વીકારવામાં આવશે નહિ. ] બટ આલિયા & અમિત રોક્સ હાં . . .


3rd Feature

Honorable mentions

મદારી ~ યાદ છે પેલી અંતરમાં ડ્રાંઉં ડ્રાંઉં કરી જતી આંખો ? અને એમાં ભળ્યો ખાલીપો . . પીડામાંથી માણસ જન્મ લે છે પણ જયારે માણસમાંથી પીડા જન્મે ત્યારે ક્યારેક કૈક નવા જ માણસનો જન્મ થાય છે કે જે જીવંત નથી હોતો ! જેણે પોતાનું બાળક ગુમાવ્યું છે તેને દિલાસો તો સાક્ષાત બ્રહ્મ પણ નથી આપી શકતો. . કાં તો દિશા ફંટાઈ જાય છે અથવા તો લક્ષ્ય ન હોય એટલું સાફ દેખાવા લાગે છે. પરફોર્મન્સ અને ઈન્ટેન્ટ વાઈઝ એકદમ ધારદાર મુવી , કે જેને ખુદને પહેલા કોઈના તાલે નાચવું પડ્યું અને હવે એ ખુદ હાથમાં ડમરુ લે છે.

બુધીયા સિંઘ : બોર્ન ટુ રન ~ બાયોપિક કે કોઈ પણ સત્ય કથાનકનો સૌથી પહેલો કોઈ દુશ્મન હોય તો તે છે વધુ ને વધુ બઢી ચઢીને ખુદને શ્રેયસ્કર દેખાડવાની વાત , ઓવર માર્કેટિંગ , સિલી ગીતો , તોડી મરોડાયેલી હકીકતો અને ઘણું એવું . . કે જેનો અહિંયા સદંતર અભાવ છે ! વાત અને વાર્તા સીધી શરૂ થાય છે અને દોડ્યે રાખે છે. પોતાના સ્વપ્નો બુધીયાની આંખોમાં જોનારા કોચ બિરંચિ દાસ હોય કે બસ દે માર દોડ્યે રાખતો અબુધ બુધિયો હોય , પ્રવાહ સતત વહેતો રહે છે. મુવી કોઈ પ્રકારે ગ્લોરિફાઈ થયેલું નથી એટલું તે સાદું છે અને એ જ ખરી વાસ્તવિકતા છે. વિટંબણા એ છે કે ઘણી વાર કોઈ ઘટના આપણને એટલી બધી ફિલ્મી રીતે જોવાની ટેવ પડી જાય છે કે ખરી વાસ્તવિકતામાં કોઈ કિક કે કરંટ લાગતો જ નથી ! મનોજ બાજપાઈના બેનમૂન અભિનય માટે બેશકથી જોવા જેવું અને ધોની તથા મેરીકોમ’ના એક પ્રકારે સ્પોર્ટી બાયોપીકથી ઘણું ચઢિયાતું . . .

#Pellichoopulu ~ જસ્ટ સિલી , સિમ્પલ , સોબર અને ચાર્મિંગ . . એટલી તો મસ્ત રીતે વાર્તા શરૂ થાય છે અને ક્યારે વાર્તાપ્રવાહમાં ફેરવાઈ જાય કે ધ્યાન સુધ્ધા ન રહે ! બે સાવ અલગ અને અલગારી પાત્રો જાણેઅજાણે એકબીજાની વાતમાં અને રોબરોજમાં એવા તો વણાતા જાય છે કે તેઓને ખુદને આખિર સુધીમાં પરોવાઈ ગયાનું ભાન ન રહે. એક લબાડ છે તો એક મક્ક્મ છે , એક જીવંત છે તો એક જીવતું છે , એક લડવામાં માને છે તો બીજું સ્લોથની જેમ પડ્યું રહેવામાં . . . અને જયારે આ બે પ્રકૃતિઓ એકબીજામાં ઉઘડે છે ત્યારે કૈક નવી જ ઉષા દેખાય છે અને સંધ્યા પણ ! એમાં પણ છોકરીને જોવા આવવાનું એ દ્રશ્ય તો ક્લાસિક બની ગયું છે કે જે ઉપર જ આપ્યું છે.

નીલ બટ્ટે સન્નાટા ~ સ્વરા. . . નામ હી કાફી હૈ ( અને અવાજ પણ , જુઓને નામ જ ‘સ્વરા’ છે : રાની મુખર્જી , દિવ્યા દત્તા જેવો ખણખણતો અને ઝણઝણતો સ્વર ) ભણતરનું મૂલ્ય તો હંમેશા જેઓ ચુકી ગયા છે અથવા તો જેઓને એ તક મળી હતી પણ વેડફી નાખી હતી તેમને જ ખબર હોય ને ! આ મુવી પાસે એ ભાવનાનું શુદ્ધ તત્વ છે અને એક ‘માં’ મચી પડે છે કે જે સત્ય અત્યારે એ જીવી રહી છે તે જ તેની દીકરીને ન જોવું પડે , કોઈક કુઠારાઘાત તેના અંતરમનને ઝકઝોળે કે એ જાગી જાય [ અને તમને તો ખબર જ છે કે જાગ્યા ત્યારથી સવાર ] એક સાદી અને હૂંફાળી વાર્તા , ઘણા સિમ્પ્લિસ્ટિક કેરેક્ટર્સ સાથે.

રમન રાઘવ 2.0 ~ સા+ઈ+કો . . . ઈઈઈઈઈઈઈ [ કર્ટસી : ઉત્પલ દત્ત ] જે શું કરે છે એ જ સમજની પરે હોય છતાં પણ જેનું વિઝન કૈક ભળી ગયાનું ,કૈક પામી ગયાનું હોય [ એની વ્યાખ્યા પ્રમાણે હોં , આપણી નહિ ] અને તેના મુજબ તે દુન્વયી તત્વોથી પર થઇ ચુક્યો હોય છે. તે ભાળી તો ગયો હોય છે પણ લાલચટ્ટાક લોહી ! અને હંમેશાથી એ વ્યક્તિને આકર્ષણ તો હોય છે પોતાનાથી નોખા જ વ્યક્તિત્વનું પણ અંદરખાને ઢૂંઢતો હોય છે પોતાનું જ સ્વરૂપ . . . ખબર પડે છે છતાં પણ સમજાતું નથી ને ? એટલે જ તો એ સાઈકો હોય છે [ ઘણા ખરે અંશે આપણે સૌ પણ કોઈ ને કોઈ ખૂણે નેનો સાઈકો હોય જ છીએ : કટ્ટરતા , લાગણીશૂન્યતા , જડતા , ખાલીપો , ઉન્માદને વાણી / વ્યવહારમાં ઝીલીને ] થોડું સ્ટાઇલ ઓવર સબસ્ટન્સ વધી ગયું , નહિ તો આ મુવી પણ બેશક અનુરાગ કશ્યપની માસ્ટરક્લાસ મૂવીઝમાં સ્થાન પામેત [ થોડાક RGV’ના ય પડઘા ઝીલાય ને !જય સિદ્દીકી , જય શોભિતા .

વેઇટિંગ ~ એક તો રાહ જોવી અને જોવડાવવી એ જ પોતાના સ્વરૂપમાં સૌથી મોટો દંડ છે [ કે જ્યા કીડીઓ ન હોય છતાં પણ કીડીઓ ચડવા માંડે ] અને એમાં પણ રાહ સ્વજનની હોય , જીવનની હોય તો ? ગયા કામથી ! આસ્તિકો નાસ્તિક અને નાસ્તિકો આસ્તિક બની ગયાના દાખલા છે , માણસ માણસ ન રહ્યાના દાખલા છે. જેની રાહ છે એ જાગતું પણ નથી અને જાતું પણ નથી [ જોકે જતું પણ નથી એમ ન કહેવાય , પણ એક તબક્કે તેના જવા’ની પ્રાર્થના પણ કરવી પડે તેનાથી મોટી વિટંબણા શું હોઈ શકે ? ] બે અલગ અલગ સમય અને પરિસરમાંથી આવેલ વ્યક્તિઓ પોતપોતાના જીવનસાથીની રાહ જોતા જોતા એક્બીજામાંથી શીખે છે અને અન્યોન્યને જાણેઅજાણે શીખવાડે છે , માત્ર ને માત્ર હજુ પણ કઈ શિખાયું નથી’ની એ ગૂઢ લાગણી લઈને . . .

કી & કા ~ મને ખ્યાલ છે કે કન્સેપટને થોડો વધુ ફિલ્મી થઈને બહેલાવાયો છે પણ આપણે ક્યાં ઓછા ફિલ્મી છીએ ! [ સ્ક્રીન સામું જુઓ માં , હું તમારી જ વાત કરું છું 😀 ] જોવાની મજા એ આવે કે રોલ રિવર્સ થઇ શકે પણ મેન્ટાલીટી રિવર્સ થઇ શકે ? બોલ્ડ સ્ટેપ તો લઇ શકાય , રૂઢિ તોડી શકાય , ઉથલપાથલ મચાવી શકાય પણ ખરો સવાલ એ છે કે તેને પચાવી શકવાની ક્ષમતા સૌ કોઈમાં હોય છે ખરી ? પાછું જે લોકો પોતાને પ્રોગ્રેસિવ ગણતા હોય મહદઅંશે તે જ લોકોમાં કોઈ ખૂણે એક પરંપરાવાદી બેઠો હોય છે કે જે ક્યારે કૂદકો મારીને પ્રગટ થઇ જાય કહેવાય નહિ ! અગેઇન પરફોર્મન્સ વાઈઝ મસ્ત મુવી , જેમ જૂની થાય એમ વધુ જોવાની ઈચ્છા થાય તેવી [ ઘણા બધા ફલો’ઝ સાથે જિંદગીના ફ્લો’માં લવિંગ કેરી લાકડીએ ફટકારતી મીઠડી મુવી. ]

તીન ~ એક તો બેકડ્રોપ’માં કોલકાતા હોય , બીજું બેક & ફોર્થ જતી સ્ટોરીલાઇન હોય અને ત્રીજું આ બંને વચ્ચે સેતુ સમાન બચ્ચન હોય , પછી તો તીન નહિ એક દો તીન થઇ જાય ! સુજોય ઘોષ’ના પ્રોડક્શનમાં કોલકાતા’એ ફરી એકવાર કરવટ બદલી છે , આ શહેર જેટલું બીજું કોઈ શહેર આ હદે પાત્રની જેમ જ ઉભરી નહિ આવતું હોય એ વાત પાકી. ભલે મુવી એક તબક્કે ઢીલી પડી જતી હોય કે પછી તેની ઇન્ટેન્સિટી વેરવિખેર થઇ જતી હોય , પણ વાત તો છે જ અને વાર્તા તો હરગીઝ છે . . આવવા દો તમતમારે.

કહાની 2 ~ ઉપરના ફકરામાં બચ્ચન’ની જગ્યાએ વિદ્યા બાલન મૂકીને બધું ફરી વાંચી જાઓ અને મેલડી ખાઈને ખુદ જાન જાઓ. પહેલા ભાગ સાથે તો સરખામણી થવાની જ અને એ હિસાબે નખ કરડી ખાતા રહસ્યની જગ્યા અહિંયા માથે વ્હાલથી હાથ પસવારતા વાત્સલ્ય’એ લીધી છે. દૂરથી જ બધા રહસ્યો કળાઈ જાય છે અને છતાં પણ છેક સુધી મુવી સાથે તાદાત્મ્ય અનુભવાય છે તેનું કારણ છે કે કોઈ પારકું તમારા માટે ઉભું થઈને અંગત બન્યું છે. અગેઇન સુપર્બ પરફોર્મન્સ અને ક્લાસિક બેકગ્રાઉન્ડ’માં વણાયેલું અને થોડું તણાયેલું મુવી એટલે વાર્તા રે વાર્તા !

સુલતાન ~ ફિલ્મ લોજીકલી સાવ ભંગાર છે પણ ફરી અમોને એક વસ્તુ ટચી ગઈ : ઈમોશનલ વેલ્યુઝ ! જી હાં , અમો ફૂલ નથી પણ ઈમોશનલ ફૂલ તો ખરા જ. અને એ ન્યાયે ફૂલ નહિ તો ફૂલની પાંખડી જેટલું મુવી અમોને ગમી ગયું [ પાંખડી હો , પાખંડી નહિ ]


Maheshinte Prathikaram ~ પહેલું તો વાસ્તવિકતા અને કલાત્મકતા’નો સુભગ સમન્વય એટલે આ મલયાલી મુવી , બીજું કે કોલકાતા’ને પણ બેકગ્રાઉન્ડમાં મસ્ત ટક્કર મારે એવું મસ્ત ક્ષેત્રીય કેરળ અહિંયા ઝીલાયું છે અને ત્રીજું , સિમ્પલ યેટ કરિઝમેટિક કેરેક્ટર્સ ! એક વ્યક્તિના નાના નાના સપના પણ જયારે આગોતરી જાણ કર્યા વિના નાદારી નોંધાવે ત્યારે સાલું લાગી આવે [ શાલુ’ને લાગી આવે તેમ નહિ ! ] પણ જયારે નસીબ ફરી કરવટ બદલે ત્યારે એ જ ઝખ્મ મીઠી ખંજવાળ પણ આપે . . જોયું કેવી બહેકી બહેકી વાતો થાય છે ! એ જ ને , દાખલામાં ગણિત હોઈ શકે પણ નસીબ અને પ્રેમમાં નહિ 🙂 [ આ તો એક દાખલો આપ્યો. ]


& Finally . . .

 

Top 10

Movies of

2 0 1 6

🙂 as per my humble opinion 🙂


~ 10 ~

Neerja

કેટલાક ગણ્યાગાંઠ્યા સંતુલિત ભારતીય બાયોપીક’માંનું એક. હીરો બનવા માટે સાહસ નહિ પણ કૈક અગમ્ય અને અદકેરું તત્વ જોઈએ , કૈક ન સમજાય તેવું [ ખુદને પણ નહિ ] એ ક્ષણોમાં બસ એ મોક્ષ કે કેવળજ્ઞાનની જેમ ઝીલાઈ જાય છે અને વ્યક્તિ અલૌકિક બની જાય છે , વીર બની જાય છે ~ પરમાર્થને વરે છે. એક સ્વસ્થ વિષય અને માવજત ભર્યા સ્પર્શથી કેટલું પ્રેરણાત્મક સર્જન બની શકે તેનું ઉદાહરણ એટલે નીરજા. માથે મોતના મંડરાયેલ વાદળોનો ગભારો હોય કે પછી થોડી વાર બાદ ખેલાવાનું મોતનું તાંડવ હોય , હેલી તો નીરજા’ના ભાગે જ વરસવાની આવી છે.

સોનમ અહિંયા હરેક એંગલથી બિલીવેબલ યેટ અનબિલીવેબલ લાગે છે , પછી એ ઘરેલુ હિંસાથી પીડાયેલી આધુનિક સ્ત્રી હોય કે પછી કુટુંબને સથવારે ફરી ચાલતા શીખેલી ઉન્નત એરહોસ્ટેસ હોય કે ઓચિંતા જ આવી પડેલી આફતને ઝીલતી સ્વસ્થ સમજણની માલકીન હોય કે પછી બલિદાનના તત્વને ઉજાગર કરતી એક સામાન્ય નાગરિક હોય ~ યસ , એ હરેક સંજોગોમાં મારી સાથે કનેક્ટ થઇ છે અને શબાના’ના કેરેક્ટરને કેમ ભુલાય ? दो दो बेटो की माँ थी , फिर भी लड़की के लिए मन्नत मांगती रही યાદ કરો એ આખરી સ્પીચ . . . અને આ ગીત પણ .


~ 9 ~

Kapoor and Sons

યસ , મેં આવા ફેમિલીઝ જોયા છે , એક એક થી ચઢે તેવા નમૂનાઓ એક જ ઘરમાં ભેગા થયા હોય ને પછી જે અરાજકતા સર્જાય કે વાત પૂછો માં ! પણ જો ખૂણે ખાંચરે ઊંડે ક્યાંય પણ જો એકબીજા માટે થોડી પણ પોતાપણાની લાગણી બાકી રહી ગઈ હોય તો આ લોકો જ એકબીજાની ઓથ બને છે , અને એકબીજાની ઓથે ઉભી રહેતી દિવાલો એટલે જ ઘર. ઘણા ઘર કોઈને કોઈ વ્યક્તિના મૂંગા સેક્રિફાઈસથી [ બલિદાન થોડો ભારે શબ્દ લાગ્યો ! ] જ કેટલાય ઝંઝાવાત સામે ટકી શક્યા હોય છે , કોઈ એક સતત લોહી પીવા વાળું હોય , કોઈ મૂંગે મોઢે બધું જોનારું , કોઈ બેબાક ખોંખારો ખાનારું અને કોઈ એક આ બધું શું ચાલી રહ્યું છે તેની અવઢવમાં ગોથા ખાનારું પણ…. મતલબ કે તમે લબાડ હશો તો પણ ચાલશે , મલિન ન હોવા જોઈએ ! ઘર એ છે કે જ્યા સ્વીકાર થાય છે , કે જ્યા તમારા રૂપ અને ગુણની પણ પરે એક પ્રેમની / દરકારની દુનિયા ધબકતી હોય છે , જ્યા તમે પાછા આવો ત્યાં સુધી રાત નથી પડતી. તમે ઘરમાં અને ઘર તમારામાં રહેતું હોય છે , ઘરમાં ચાર લોકો નહિ પણ ‘ઘર’ સહીત પાંચ લોકો રહેતા હોય છે અને જો આવું ન હોય તો તમે તમે નથી અને ઘર બેઘર છે !

મુવી , જયારે જે પણ સંજોગોની માંગ થઇ છે ત્યારે એ કલેવર ધારણ કરવામાં ખાસ્સું લવચીક અને રાપચિક રહ્યું છે. પછી એ ગાંડા ગદોડવા હોય કે ગાંડાની જેમ એકબીજા પર તૂટી પડવું હોય . . રોંમાંચિક ફીલિંગુ હોય કે પછી હૃદયના તાર તાર થઇ જાય તેવો ધકકો લાગ્યો હોય , વી કેન કનેક્ટ વિથ ધેમ. નર્તન કરાવી દે તેવા લાઈવ સોંગ્સ , મસ્ત બેકગ્રાઉન્ડ અને મસ્ત આલિયા [ જોકે મને રિશી કપૂરનું પાત્ર થોડું ઓવરરેટેડ લાગ્યું ! ] ગણગણાવો અને મમળાવો એ શબ્દો . .

ओ साथी रे थोड़ा सा ठहर जा अभी रास्ते कुछ बदल से जायेंगे , ओ साथी रे थोड़ा ठहर जा

ये पांव भी अब संभल से जायेंगे , फिर वोही बरसात होगी और अश्क़ सारे धुल से जायेंगे

रौशनी दिन-रात होगी और सब झरोखे खुल से जायेंगे


~ 8 ~

Dangal

વાત છે સ્વપ્નની કે જે માંહ્યલામાં દુઃસ્વપ્ન બનીને જીવે છે , ને હવે એને મૂળ સોતું ઉખેડીને કોઈ બીજામાં કે જે આપણું છે એમાં રોપવાનું છે અને એ પણ તેને ખબર પડે એમ અને ખબર ન પડે એમ પણ ! ભૂલો અને બળજબરી બંને પક્ષે થાય છે પણ જે ક્ષણે તમને ઝબકાર થાય કે એ આપણું જ વ્યક્તિ છે કે જેની સાથે આપણે દંગલ કરી રહ્યા છીએ ત્યારે એ જ દંગલ આપણી માંય પણ શરૂ થઇ જાય છે. તન તોડી નાખે એવી મહેનત કરતા પણ જે ક્ષણે મનમાં એ ઉગી નીકળે કે બસ આ જ મારુ લક્ષ્ય છે ત્યારે એ જ મહેનત મીઠી લાગવા લાગે છે , પ્રયત્ન ખરી પડે છે.

જો કોઈ વ્યક્તિ / સંજોગોનો માહૌલ ઉભો કરી બતાવવાનો હોય તો આમિરના કાન કોઈ પકડી ના શકે , એ હદે તે એમાં ઘુસી જાય છે ,ઓગળી જાય છે. એમાં પણ જયારે બંને બાપ દીકરી ફોનના છેડે મૌન રહી ગરમાળા આંસુ સારે છે ત્યારે સ્થિર થઇ જવું પડે અને જયારે એ જ બંને બાપ-દીકરી બે શરીર એક જીવ બનીને સામેવાળા સાથે બાથ ભીડતા હોય ત્યારે ઘડીક તો આપણને ય યલગાર કરવાનું મન થઇ જાય. [ કોણ જાણે કેમ પણ મને બંને છોકરીઓ નાની હતી ત્યારનો ભાગ વધુ જીવંત અને અપીલીંગ લાગ્યો અને ફાઇનલ એક્ટમાં કોચનું જે કેરેક્ટર ઉપસાવાયું અને આમિર સાથે આખરી ક્ષણોમાં જે થયું તે કૈક તર્કસંગત ન લાગ્યું ! પણ પેલા ભત્રીજાનું થ્રુ’આઉટ નરેશન આઈ શપથ અને અગ બાઈ’ના મિશ્રણ સમાન હતું , કે બોલતે હો તાઉ ? ]


~ 7 ~

Udta Punjab

કોઈ મજબુર છે કે સંજોગો પક્ષમાં નથી [ આલિયા ], તો કોઈ મજબુર છે કે તેઓ ખુદ તેમના પક્ષમાં નથી [ શાહિદ ] , તો કોઈ એટલી હદે ગાફેલ છે કે પોતે જ ફેલાવેલી ગંદકીનો રેલો ક્યારે પોતાના જ આંગણે આવી પહોંચ્યો અને છક્ક થઇ ગયા [ દિલજિત દોસાંઝ ] . આપણે હજુ તો ઘરનો કોઈ સભ્ય નાનામોટા વ્યસનની લતમાં સપડાયો હોય તો ચિંતા થવા માંડે છે તો પછી ડ્રગ્સની તો વાત જ શી કરવી ! [ ઘણીવાર એમ થાય છે કે સૌરાષ્ટ્રના 15થી લઈને મરવાના આરે સુધી પહોંચેલા બધા આ ‘માવા’ની લતમાં સલવાયા છે , તો ભલે ને – ડ્રગ્સથી તો સો ગણું સારું જ ને – પણ જેનું કોઈ નાના તો નાના વ્યસનમાં પણ સલવાયું છે તેઓને ખ્યાલ છે કે વ્યસનમાં નાના મોટું કઈ હોતું નથી , જે હોય છે તે સમૂળગું ખોટું જ હોય છે. ]

નાટ્યાત્મકતા અને વાસ્તવિકતાનો સુભગ સમન્વય , છોલી જાય અને સ્પર્શી જાય તેવો માહૌલ , પાત્રોની મજબૂરીથી મજબૂત થવા સુધીની દાસ્તાન. ટીસ અને ચિસ’નું ચીરી નાખતું ગૂંગળામણથી ફાટફાટ થતું અંધારું અને છતાંયે એમાં અંકુર ફૂટે છે નવી જિંદગીનો , નવા દ્રષ્ટિકોણનો , પ્રેમનો , દરકારનો , હૂંફનો. જીવનનો અર્થ જ છે સામા વહેંણે તરવું , જીવવું નહિ પણ જીવંત હોવું . . . મુવી વ્યસનની ચુંગાલ કરતા પણ વધુ તો કોઈ તમારી પડખે ઉભું રહ્યું , તમારા માટે એ વાત પર વધુ ભાર મૂકે છે અને તમારી કને ઉભો રહેવાવાળો પણ તમારી જેમજ મર્યાદાથી ભરેલો લિમિટેડ આદમી જ છે કે જે હવે કૈક સાર્થકતા અનુભવે છે , કે જેટલી ઉત્તેજના તો તેને એ નશામાંથી પણ ન્હોતી મળી. સાચી ઉડાન અને પાંખો તો હવે આવી. એમાં પણ અમિત ત્રિવેદીનું મુવી પૂરું થયે આવતું ગીત ‘ પંજ દરિયા ‘ કૈક અલગ જ ભાવસ્તરે પહોંચાડી દે છે [ સાહેબ ગીતોની રેન્જ તો જુઓ ~ ગાંડપણથી શાણપણ સુધી વિસ્તરતા ] વ્યસનની નાગચૂડમાંથી કોઈ છોડાવી શકશે તો ભયાવહ દ્રશ્યોથી ભરેલી કોઈ નિસ્તેજ અને ડરામણી ડોક્યુમેન્ટ્રી નહિ , પણ જીવનથી ધબકતી આવી જ કોઈ વાર્તા મઢી મુવી. જય સિનેમા , જય ગભરુ .

पंज दरिया माँगे पैदा , सुण बंदया वे
इस मिट्टी दे वे कैंदा , सुण बंदया वे

ले तू ना होवे लेदा , सुन बंदया वे
बैठा मदारी तू गगण ते , बन्दा जमूरा मगण है

हो ख़ुद से रूबरू ,मन दर्पण तक ले तू
गल पल्ले बन ले तू , हर शह में अल्ला हू..


~ 6 ~

Sairat

સૈરાટ એટલે ઝનૂની એવું દીવાનું – ગાંડુ અને એક અન્ય અર્થમાં અજડ પણ ખરું . . એક દ્રષ્ટિકોણથી જોઈએ તો બંને પ્રેમીઓ બસ બધું ભૂલી ગયા છે [ ભેદભાવ અને કડવી વાસ્તવિકતા પણ ] માટે એ સૈરાટ થયા , જયારે બીજા અર્થમાં સમાજ / કુટુંબીજનો સૈરાટ થયા કેમકે તેઓને આ ખપતું નથી , ખપે છે તો માત્ર ખાપ ! એક પ્રેમ માટે જીવ દેવામાં અને બીજો જીવ લેવામાં બીલીવ કરે છે. ભારતના અને કહેવાતા સભ્ય ભારતીય સમાજની એ જ એવરગ્રીન થીમ કે મૂળે તે પ્રેમલગ્ન કર્યા , એ તો અમે ક્યારેક ભૂલી પણ જઈશું પણ આ કાસ્ટ’માં , ગરીબની સાથે !? [ અમારી સાથે જે ઉભો રહેતો હતો , તો પણ ખૂણામાં , તેને તે અમારી પંગતમાં બેસાડી દીધો. ] પ્રેમીઓનું ઝનૂન તો વાસ્તવિકતાની થપાટ ખાઈને ઓસરે છે અને તેમાંથી તે સકારાત્મક ધડો પણ લે છે કેમકે તે મૂળે ઝનૂન જ ન્હોતું , હતું તો એકબીજામાં ઝંપલાવીને વહેવાનું તાણ . . પણ ઝનૂન પાળી બતાવ્યું સમાજે / પરિવારે [ માટે ખરા સૈરાટ થયા તે ]

કાચા કલાકારોની કાચી કેરી જેવી ક્લાસિક એક્ટિંગથી તેજલિસોટા પાડતું , અત્યંત જીવંત , સ્પોન્ટેનિયસ અને ધબકારથી તમારી માંય પણ ધક ધક કરી મૂકતું મુવી એટલે સૈરાટ [ જેટલો શાંત પ્રશાંત છે તેટલી જ વિરુદ્ધમાં ખળભળાવી દે તેવી જળધોધ જેવી અર્ચના છે : આર્ચી અને પર્શ્યા ] તેમાં પણ આર્ચી ઉર્ફે રિંકુ રાજગુરુ અદાઓથી છવાઈ ગઈ છે [ મેં એકવાર કહેલું પણ ખરું કે જીવલેણ આકર્ષણ રૂપમાં નહિ પણ અદાઓમાં છે ] પૂરું મુવી અજડતા અને માસુમિયતના બે અલગ તંતુઓથી જોડાયેલું છે , સમય જતા માસુમિયત ઓછી થવાના ચાન્સ ખરા પણ અજડતા . . નો વે ! આ કથા કાલ્પનિક હોઈ શકે પણ તેની ટીસ અને પડઘાઓ વાસ્તવિક છે ~ એક લાઈવ વાયરને અડ્યા જેવું મહેસુસ કરાવતું મુવી એટલે સૈરાટ.


~ 5 ~

Aligarh

વન ઓફ ધી મોસ્ટ અંડરરેટેડ મુવી ઓફ ધી યર , કે જે નેશનલ એવોર્ડ મનોજ બાજપાઈને આ મુવી માટે બિન્દાસ છડે ચોક મળવો જોઈતો હતો તે જ અક્ષય કુમારને રુસ્તમ માટે બિન્દાસ બેશરમ થઈને અપાયો ! [ ઘણીવાર લોકો કહેતા હોય છે કે ભારત રામભરોસે ચાલે છે પણ મને કહેવા દો કે ભારત ભામભરોસે ચાલે છે.] કોઈ પાત્રની છટા કહો કે અદા કહો કે હાવભાવ સહિતની ગહેરાઈ કહો બધું જ અહિંયા મનોજ બાજપાઈ પી ગયા છે , એટલા અંડરટોનમાં આ મુવી એક્ઝિક્યુટ થઇ છે કે સમરકંદ બુખારા ઓવારી જઈએ ! [ પેલું કોર્ટમાં જ ઝપકી ખાઈ લેતા પ્રોફેસરનું દ્રશ્ય અને ચાલુ હીયરીંગ’એ ગઝલ વાંચવા અને મઠારવાની ક્ષણો યાદ આવી !? ]

ભારતમાં લોકોએ બે વસ્તુની વલે કરી નાખી છે અને બંને હોવી જોઈએ અંગત કક્ષાએ પણ તેની નાસમજભરી દાસ્તાનો છડે ચોક ભૂંગળા પર ગાઈ વગાડીને કહેવામાં આવે છે – યસ તમે સાચું સમજ્યા , તે બંને છે ધર્મ અને સેક્સ્યુઅલ બાબતો. સમાજ જાહેર જમાદારની ભૂમિકામાં એટલો તો પરોવાઈ ગયો છે કે ઘરઆંગણે શું થઇ રહ્યું છે તેનો ખ્યાલ સુધ્ધાં નથી રહેતો ! કેટલીકવાર કોઈ વ્યક્તિની એક ન સમજાઈ કે તરત જ ખૂંચે તેવી બાબતને એટલી તો હાઈલાઈટ કરાય છે કે જાણે તે વ્યક્તિની તેના સિવાય કોઈ બીજી બાજુ જ ના હોય ! ભારત ટોળાનો દેશ છે અને ટોળા પાસે કોઈ મોટીવ કે લોજીક નથી હોતું , હોય છે તો માત્ર ટોળું ઇટસેલ્ફ – અને તેનું એકમાત્ર કામ હોય છે પોતાના સિવાય બાકીનું બધું વેરવિખેર કરી નાખવાનું.

વધુ કઈ પણ કહ્યા કે વાંચ્યા વગર શાંત ઝરૂખે પાત્રની પીડાના ભાગીદાર બનીને સમજવા જેવું એક માસ્ટરપીસ. [ અને હાં , એક વાત તો ભુલાઈ જ ગઈ ~ પ્રાઇવસી , ભારતમાં આ શબ્દ / સ્થિતિ સ્વપ્નવત છે. કોઈપણ તમારા જીવનમાં નાગું થઈને ડોકિયું કરી શકે છે અને પછી દેકારા કરે છે કે તમે નાગા હતા ! થોડીક અશિષ્ટ ભાષા લાગી શકે પણ અશિષ્ટ ચેષ્ટા કરતા ક્યાંય મર્યાદાપૂર્ણ છે. ]

O Beloved moon , fear not the dawn that separates us

For we will meet again , when the world goes to sleep

In the light of the day , i am unseen

It is in your light my heart awakens

We will dance as shadows dance to the songs of nightingales

We will touch as shadows touch , becoming one in the midnight sun


~ 4 ~

Visaranai

વિસારાનાઈ – મતલબ કે પૂછતાછ ઉર્ફે ઈન્ટેરોગેશન . નસીબ આડેનું પાંદડું હટી જવાની વાત તો સાંભળી હશે પણ નસીબ પર આખેઆખું ઝાડ જ ધરાશાયી થવાની કલ્પના કરી શકો ? એક ક્ષણ , એક રાતમાં શું નું શું ઘટી શકે તેનો અંદાજો પણ આ પરરાજ્યના યુવાનોને ન હતો , તેઓની તો જરૂરિયાત અને સપનાઓ પણ લિમિટેડ હતા. થોડુંક કમાશું , થોડુંક બચાવીને નાનકડું કુટુંબ વસાવીશું અને એને પેલે પાર જોવાનું તો તેમનું ગજું જ ક્યાં હતું ! રાતોરાત પોલીસ કોઈ કેસનો ફિંડલો વાળીને ભીનું સંકેલવા આ યુવાનોને રસ્તા પરથી ઉપાડી લે છે અને પછી શરૂ થાય છે અમાનુષી અત્યાચારોનો સિલસિલો . . . પેલા પૂછતાં રહ્યા કે શું કામ મારો છો એ તો કહો પણ જવાબમાં સોટીનો સટ્ટાક કરતો સોળ પીઠ પર દેખા દઈ દેતો.

એમ.ચંદ્રકુમાર

એમ.ચંદ્રકુમારની સત્યઘટનાત્મક નોવેલ ‘ લોકઅપ ‘ પરથી બનેલી મુશ્કેટાટ મુવી એટલે ‘ વિસારાનાઈ ‘ એક તબક્કે તો આપણા ટાંટિયા એકીબેકી થવા લાગે અને દ્રશ્ય ક્યારે પૂરું થાય એની નખ કરડતી રાહ જોવાવા લાગે ! પણ એ રાત પણ પુરી થાય છે માત્ર ને માત્ર હજુ પણ કાળીડિબાંગ રાતના ઓછાયા જોવા માટે. મને લખતા લખતા એ દ્રશ્યો યાદ આવે છે ત્યારે ઘડીક તો આ બફારામાં લખલખું ફરી વળે છે ! યસ . . નેશનલ એવોર્ડ વિજેતા , ભારત તરફથી ઓસ્કાર માટેની ઓફિશિયલ એન્ટ્રી , વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રાઈઝ જીતનારી આ મુવી વિષે ઘણાખરા લોકો અજાણ હશે અને જાણ હશે તો પણ એટલી જ કે આવી કોઈ મુવી આવી હતી. જે લોકો ખરેખર એમ માને છે કે જે પણ થાય છે એ સારા માટે જ થાય છે તેઓને આ મુવી અર્પણ ! [ વધુ કઈ લખતો નથી સીધું પડતું જ મુકો આમાં . . જીવનમાં ક્યારેક વળાંક નહિ પણ ધ એન્ડ’નું પાટિયું જ આવી પડે છે અને એ પણ એ ન વાંચી શકનારાઓ માટે ! ]


~ 3 ~

Natsamrat

એક એવો નટસમ્રાટ કે જેના તાલે દુનિયા ઝૂમી ઉઠે છે , તેની પુકાર ડણક લાગે છે ને જયારે તે તમારી આંખોમાં ડોકિયું કરે ત્યારે તમે પરોવાઈ જાવ છો પણ હજુ તેને નસીબના રંગમંચ પર દાવ દેવાનું બાકી હતું , હવે તેને એવા પાત્રો સાથે પનારો પાડવાનો બાકી હતો કે જેમની કોઈ પાત્રતા જ ન્હોતી. વાર્તાનું કથાનક રાજેશ ખન્ના’ના અવતાર કે બચ્ચન’ના બાગબાન જેવું લાગી શકે પણ રજૂઆત / છણાવટ / અભિનય / સામાન્યતા અને અસામાન્યતાની વિસંગતીતા અને વાસ્તવિકતા તેમનાથી પણ ચાર ચાસણી ચડી જાય તેવા છે.

મુવી એ હદે નોર્મલી સેટઅપ થયેલું છે કે રોજબરોજના એક પછી એક ઉગતા આથમતા સામાન્ય દિવસોની ઘટમાળ જેવું લાગે પણ પાછળ વળીને જુઓ તો ખ્યાલ આવે કે કેટકેટલી મંઝીલ , કેટકેટલા સંજોગોને આ જોડું ચાતરી ગયું છે [ જી હાં , નાના પાટેકર તો જસ્ટ જીવંત અને ઝટાકેદાર ઝક્કાસ છે જ પણ આવા વ્યક્તિત્વને સહજ અને સરળ સ્વભાવની માલકીન એવી પત્નીના પાત્રમાં ઝીલતી મેધા માંજરેકર પણ આંખોમાંથી ખસતી નથી ~ ડિરેક્ટર એવા મહેશ માંજરેકરના પત્ની ] અને ત્રિકોણનો ત્રીજો વિખૂટો પડી ગયેલો ખૂણા જેવો ધારદાર / પાણીદાર મિત્ર રામભાઉ [ વિક્રમ ગોખલે ] તો ભુલાય જ કેમ ? [ કેટકેટલાય પાત્રો પાસેથી આ મુવીમાં હૃદય સોંસરવું ઉતરી જાય એવું કામ લેવાયું છે કે મુવી ખુદ અભ્યાસક્રમમાં ભણાવવું પડે ! ] અને રાજાથી રંક થવાની , કાળની થપાટ ખાવાની આ સમગ્ર ઘટમાળમાં ક્યાંય કરતા ક્યાંય પણ મેલોડ્રામાનો અંશ સુધ્ધાં નથી એ જ તેનો માસ્ટરક્લાસ દેખાડે છે. એક દ્રશ્યમાં તો આંખનો ખૂણો સુધ્ધાં ભીનો થઇ ગયો [ આખિરમાં હૃષીકેશ મુખર્જીની સરળ અને સચોટ એવી ‘સત્યકામ’ જોઈને આંખમાંથી આંસુ સરી પડેલા , બસ તે પછી ક્યારેય નહિ ! ] મસ્ટ મસ્ટ વોચ.


~ 2 ~

Pink

માણસે ક્યાંથી શરૂ કરવું એ બાબતે કદાચ ગડમથલ હોઈ શકે , અવઢવ હોઈ શકે પણ ક્યાં અટકવું એ બાબતે જો તે દિશાભાન ભૂલે તો . . , ‘ નાં / નહિને કોઈ વ્યાખ્યાની જરૂર નથી તે પોતે જ એક સંપૂર્ણ વાક્ય છે , અલ્ટીમેટ એક્સપ્લેનેશન છે. છોકરીઓનું ચરિત્ર હજુ આજે પણ એક સાપેક્ષ રાશિ છે. તેમની સ્વતંત્રતા , સ્થળ , સમય અને મર્યાદા હજુ આજે પણ સમાજ નક્કી કરે છે અને તેને હજુ આજે પણ સીતાએ લક્ષ્મણરેખા ઓળંગી ત્યારે કેવું પરિણામ આવ્યું હતું તે ધરાર યાદ દેવડાવાય છે , કે મહાભારત માત્ર દ્રૌપદીનું દુર્યોધનને કટાક્ષ મારવાના કારણે જ ખેલાયું હતું તે ભાર દઈને કહેવાય છે! ‘પિંક’ આવા તો કઈ કેટલાય સવાલો ઉઠાવે છે કે જે આપણા માટે જરાય અજાણ્યા નથી બસ આપણે જ નિંભર થઇ ગયા છીએ , મૃછામાં છીએ , બહુમતીના ટોળામાં છીએ.

યસ , ફિલ્મ થોડી લાઉડ અને ઘણી જગ્યાએ ડ્રામેટિક હતી [ મારી અને મારા બ્લોગની જેમ ] પણ એ લાઉડનેસ અને ડ્રામા એટલા સુપર્બ નોટ્સ પર અને ટુ ધ પોઇન્ટ , દુખતી રગ પર જાણે થોરના હથોડા સમાન હતા કે લાગતાવળગતાઓ સમસમી ઉઠે ! ઓલમોસ્ટ અત્યારે હું લખી રહ્યો છું ત્યારે મુવી વિષે ટેક્નિકલી કઈ યાદ આવતું નથી પણ કોર્ટમાં ઉભેલી એ ત્રણેય છોકરીઓના ચહેરાઓ આંખો આડેથી હટતા જ નથી , એ મજબૂરી , કંપારીમાં ધ્રુજી ઉઠતું શરીર , આંખો ઉઠાવીને કોઈની સામું જોઈ ન શકવું અને આત્મસન્માન પર ઘણઠોક ઘા ! આવા સંજોગોમાં કોઈ બસ ખાલી તમારી કને ઉભું રહે તો પણ જંગ જીત્યા જેવું લાગે અને ભીતરની ટીસ ત્રાડમાં ફેરવવાનું મન થાય [ દામિની’નો સની દેઓલ અને પિંકનો અમિતાભ ~ ભારતીય સમાજને આવા જ ફિલ્મી કેરેક્ટર્સની જરૂર છે કે જે લાઉડ હોય , ફાટફાટ થતા હોય અને જે ફટકાર અને ફિટકાર બંને લગાવી શકતા હોય. ]


~ 1 ~

Thithi

 

ગામનો શતાયુ એવો ‘સેન્ચ્યુરી ગૌડા‘ રામશરણ થાય છે અને તેના પૌત્ર ઉપર બબ્બે ઉપાધિ આવી પડે છે [ પુત્ર ઉપર નહિ ; કેમકે તે સાવ અલગારી જીવ હોય છે ! ] એક તો અગ્યાર દિવસ બાદ તિથિ’નું જમણ / તેનો ખર્ચ અને બીજું દાદાની જમીન પોતાને નામે કરાવવી કેમકે બાપા તો સાવ હાથ ખંખેરીને હાલી નીકળ્યા હતા ! અને પછી શરૂ થાય છે ત્રણ [ એક રીતે ચાર ] પેઢીની દાસ્તાન કે જેમાં બધું એકબીજામાં ભેરવાય છે અને તેમ કરતા ઉકેલાય પણ છે વધુ ગૂંચવાવા માટે. અહિંયા બાપ-દીકરાઓની વિચિત્ર જોડી અને દાદા-પૌત્રની સરળ જોડીઓની ખેંચમખેંચ અત્યંત રસપ્રદ રીતે સાંકળી લેવાઈ છે અને તેમ કરતા સાંકળી લેવાઈ છે માનવજીવન અને માનવમનની બેહિસાબ વિચિત્રતાઓ !

કલાસિક , આઈ સેય . . રામન્ના , પેય અટેંશન ! પિંક જોવાયા બાદ જ ઓલમોસ્ટ નં.1 ડિક્લેર થઈ ચૂક્યું હતું અને રાજ્યાભિષેકની ઘડીઓ ગણાય જ રહી હતી ત્યાં એન્ટર ધ ડ્રેગન અ.કા’ તિથિ ‘ . જાણે કે માલગુડી ડેઈઝનો મેજીક , ડોક્યુંમેન્ટ્રીની ડિસનન્સી અને સિનેમાની સિમ્પલીસીટીનું મસ્ત કોકટેઇલ , આર્ટ / પેરેલલ સિનેમાની પરે એક ખુશ્બુદાર સોડમ રૂપે ફેલાતું ભાવજગત , સામન્યતાનો અસામાન્ય વઘાર અને છતાં પણ જાણે કોઈ ઓડકાર આવે નહિ ! ટુ ધ એઈજ – ટુ ધ પોઇન્ટ ~ થ્રિલિંગ પણ થ્રિલર નહિ , કોમિક પણ કોમેડી નહિ , ટ્રેજિક અને સટાયરિકલ ઘટનાઓથી આહત થયેલું છતાં પણ જીવનને સહજ પચાવી ગયેલું , વાસ્તવિકતાની સાવ નજીક છતાં પણ કોઈ કાલ્પનિક લોકમાં વિહંગાવલોકન કરતા હોય તેવું જ લાગ્યા કરતા , ક્યારે મુવીના અંતિમ દ્રશ્યે આવી પહોંચીએ કે ખબર જ ન પડે અને સ્થિર થઇ જઈએ ! સ્ટોરી , સ્ક્રીપ્ટ , કેરેક્ટર્સ , સિનેમેટોગ્રાફીવાઈઝ તિથિ એક ગ્રાંડ અચિવમેન્ટ છે , નવતર અને નવેલું.

તિથિ એ ક્લાસિક કેરેક્ટર્સનો ફુલટુ મેજીકલ ખજાનો છે 1] સનેપાતથી ફાટફાટ થતો મલિન એવો 101 વર્ષનો ‘ સેન્ચ્યુરી ગૌડા ‘ 2] સાધુ જેવો સરળ , અલગારી અને સતત ઘુમયે જ રાખતો ફ્રી સ્પિરિટ જેવો તેનો 80 વર્ષનો દીકરો ‘ગડપ્પા’ [ બીડી અને ટાઇગર છાપ બ્રાન્ડી’નો શોખીન ~ આપણા કથાનકનો હીરો : ભૂતકાળના કઈ કેટલાય દુઝતા ઘાવ અંતરમાં ધરબીને વર્તમાનની વાસ્તવિકતા અને ભવિષ્યની ચિંતાઓમાંથી મુક્ત થઇ ગયેલું અલગારી વ્યક્તિત્વ. ] 3] વાસ્તવવાદી અને ગ્રે આભા ધરાવતો ગડપ્પાનો દીકરો ‘ થમન્ના ‘ 4] સ્વપ્નશીલ અને જુગાડબાજ એવો થમન્નાનો દીકરો ‘ અભી ‘ 5] સરળ એવી અભિ’ની પ્રેમિકા 6] બેન્ડની ટ્યુન વાગ્યે પાણીના રેલાની જેમ આગળ નાચવા માંડતો 80 વર્ષનો એક અજાણ્યો બુઢોઉ 7] તોડી શોપની પૈસા ઉધારીએ આપતી ભારાડી માલકીન 8] તિથિ’ના દીવસે મફતમાં જમણ માટે [ ખાસ તો માંસ માટે ] ગાંડુ થતું ગામ 9] અલગારી પશુપાલકો અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ . . . અહિંયા એકપણ પ્રોફેશનલ એક્ટર્સ નથી , બધ્ધે બધ્ધા ગામલોકો જ છે [ ચ માંયલા ! ] અને આપણા ડિરેક્ટર રામ રેડ્ડી કે જેમની આ પહેલી જ ફિલ્મ છે તેઓ ખુદ આ ગામ Nodekopplu’ના જ લોકલ બોય છે [ ઉઠા રે લે બાબા ! ]

કન્નડ ભાષાની નેશનલ એવોર્ડ વિજેતા , Locarno Festival , Mumbai Film Festival , Marrakech Festival , Palm Springs Festival , Pune Festival , San Francisco  Festival , Shanghai Festival , BRICS Film Festival ખાતેથી પણ અધધ એવોર્ડ લઇ આવેલી સહજ અને સરળ એવી ‘તિથિ’ હરેક સિનેફાઇલ માટે મસ્ટ મસ્ટ વોચ છે ~ હેટ્સ ઓફ રામ રેડ્ડી ಬ್ರಾವೋ ಬ್ರಾವೋ ~ જય ગડપ્પા !


Best Movies of Past Years

[ Click Here ]