ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

જ્ઞાન પૂરતું નથી , ભેળું ‘તત્વ’ પણ ભળવું જોઈએ . . તત્વ પણ એવું કે જે સરવાળે ‘સત્વ’ તરફ દોરી જાય . . . અને આખરે એ માત્ર જ્ઞાન ન રહેતા તત્વજ્ઞાન અને કોરું શાસ્ત્ર ન રહેતા દર્શનશાસ્ત્ર બની રહે છે . . એક પડાવ આવી પહોંચે છે કે જ્યાંથી શિક્ષણ , સમજ , જ્ઞાન , કેળવણી , અનુભવો , જીવન અને જીવંતતાની અકથ્ય અને અકલ્પ્ય અનુભૂતિ ચિત્તમાં ઝીલાતી રહે છે અને એક આવા જ મરમી’ને ઘણા વર્ષોથી હું બેબાક નજરે વાંચતો રહ્યો છું ~ કૈક ભાળી ગયેલા એવા સરળ અને સહજ શ્રી સુભાષભાઈ ભટ્ટ , કે જેઓ ‘નવનીત સમર્પણ‘ સામાયિકના પ્રથમ પન્ને રસઝરતી અને તરબોળ કરાવતી ‘અનહદ બાની‘ લખે છે કે જ્યા હરેક કિસ્સામાં કૈક નાવીન્ય અને ચૈતન્ય જડતું રહે છે , સ્પર્શતું રહે છે. [ હવે તે સઘળી અનુપમ ગાથાઓ એક પુસ્તક સ્વરૂપે અવતરી ચુકી છે અને બંદા’એ તે વસાવી પણ લીધી છે . . તક તથા પરવાનગી મળ્યે બ્લોગ પર વહેંચવાની અનહદ ઈચ્છા છે , બાળમિત્રો 🙂 ]

તાજેતરનો એક આવો જ અનહદ બાની’નો અદભુત અને સહજતાથી ધબકતો કિસ્સો અહીં વહેંચ્યો છે , બાદમાં ‘જેલમ હાર્દિક’ દ્વારા તેમનો પરિચય તથા સાહજિક વિશેષતાઓ ઓડિયો કલીપ સ્વરૂપે આપી છે અને આખરે તેમની નવનીત સમર્પણ’ના સંપાદક શ્રી દીપક દોશી દ્વારા લેવાયેલી અમૂલ્ય મુલાકાત પણ આલેખી છે .

નોંધ : શ્રી દીપક દોશી દ્વારા લેવાયેલ સુભાષ ભટ્ટનો આ ઇન્ટરવ્યુ જુલાઈ – 2016’ના નવનીત સમર્પણમાં પ્રકાશિત થયેલો કે જે તેમની પરવાનગી સાથે , કોઈ પણ પ્રકારના ફેરફાર વિના અક્ષરશ: અહીં રજુ કરું છું. ઉદ્દેશ છે માત્ર શુભને વહેંચવાનો , પ્રસારવાનો.


એક રાજા પાસે વિશાળ બગીચો હતો. એમાં સેંકડો માળી કામ કરતા હતા. આ બગીચાને સર્વશ્રેષ્ઠ બનાવવા તેણે એક ઝેન ફકીર પાસે ત્રણ વરસ તાલીમ લીધી. આખરે અંતિમ કસોટીનો દિવસ આવી પહોંચ્યો. રાજાએ બગીચાને સંપૂર્ણ બનાવવાની બધી ચીવટ રાખેલી. કારણ કે ઝેન ફકીર સમાધાન કરી લે એવા નહોતા. તેઓ આવ્યા અને બગીચાના એકથી બીજા છેડા સુધી લટાર મારી. ખૂણે ખૂણો તપાસતા જાય અને અસંમતિથી માથું ધુણાવતા જાય. આખરે રાજવીએ ડર સાથે પૂછ્યું , ‘ કશી ખામી કે અધૂરપ લાગે છે ? ‘ આમ તો પૂર્ણતા લાવવા માટે , આપની દરેક સુચનાને અનુસર્યો છું. આ સાંભળી ફકીર કહે , ‘ આ બગીચો પૂર્ણ છે એટલે જ મૃત છે. અપૂર્ણ હોય તો જીવંત હોય. અહીં પીળા , સુક્કા અને જીર્ણ પર્ણો ક્યાં છે ?  ‘ ત્યારે રાજા કહે , ‘ તે બધા જ કેડીઓ અને ડાળીઓ પરથી દૂર કરાવ્યા છે. ‘ ફકીર કહે , ‘ તેથી જ આ બાગ નિસ્તેજ અને કૃત્રિમ લાગે છે. ખરેખર તો દૈવી અને સૌંદર્યવાન ચીજો સમગ્ર હોય છે તે ક્યારેય પૂર્ણ હોતી નથી. ‘ આટલું બોલીને ફકીર ટોપલી લઈને બહાર ગયા. ઢગલામાંથી સુક્કા પર્ણો ઊંચકી લાવ્યા અને આખા બાગમાં તેને ઉડાડ્યા અને વિખેર્યા. અને તત્ક્ષણ જ પર્ણો સાથે પવન તોફાન કરવા લાગ્યો. પછી તો મર્મર ધ્વનિ , ગતિ , કોલાહલ પણ પ્રવેશ્યા. સંપૂર્ણ પણ નિષ્પ્રાણ બાગ ધબકતો અને સમગ્ર બની ગયો.

સૌંદર્ય અને કુરૂપતા એક જ હસ્તીના બે મિજાજ છે. પારિજાત અને થોર એક જ ચૈતન્યની ઝંખનાઓ છે.

અસ્તિત્વમાં  ક્યાંયે આરંભ અને અંત, અધૂરપ અને અતિરેક , ખૂટવું અને તૂટવું નથી.

તેથી એકનો સ્વીકાર અને બીજાના નકારની કોઈ ગુંજાશ નથી.

ક્ષણ અને શાશ્વતી એક જ ગીતના બે અંતરા છે.

પરોઢનો અંધકાર એ ઉજાસની જ પ્રસ્તાવના છે.

ઝાકળ બિંદુ અને બ્રહ્માંડ એકમેકના પરિપૂરક છે , પ્રતિસ્પર્ધી નહિ.

નવનીત સમર્પણ ~ મે , 2016 

સુભાષભાઈનો જન્મ 1959માં. ભાવનગર શિશુવિહારના પ્રાંગણમાં જ ઉછેર. વાંચનનો વારસો દાદા તરફથી મળ્યો. દાદાને આયુર્વેદ , સંગીત , સાહિત્ય જેવા અનેક વિષયોમાં રસ.વળી સંસ્કૃત , હિન્દી , અંગ્રેજી અને ગુજરાતી ભાષાના જાણકાર. રેલવેમાં નોકરી એટલે અનેક પ્રવાસો પણ સહજ. પિતાજી ખુબ પ્રામાણિક અને ભાવનગરમાં કાપડની દુકાન. પ્રામાણિકતા સંતાનોને આર્થિક વારસો એટલો ન આપી શકી પણ સંસ્કાર અને સ્વાતંત્ર્યનો અપાર વારસો આપી ગયા. એમના બાદ બા’એ પોતાની ભક્તિમય છાયામાં કુટુંબને સુબદ્ધ રાખ્યું છે.

સુભાષભાઈએ ભાવનગરની શામળદાસ કોલેજમાંથી અંગ્રેજી વિષય સાથે બી.એ અને એમ.એ કર્યું. બાદ ‘ વિશ્વની શૈક્ષણિક પદ્ધતિઓ ‘ વિષય પર બી.એડ અને એમ.એડ કર્યું. હૈદરાબાદની સેન્ટ્રલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇંગ્લિશ એન્ડ ફોરેઈન લેંગ્વેજીસમાંથી અંગ્રેજી ભાષાશાસ્ત્ર અને ઉચ્ચારણશાસ્ત્ર ઉપર અભ્યાસ કર્યો.

subhash-bhatt

બાળપણમાં જ વાંચન પ્રત્યેની અભિરુચિએ એમને પુસ્તકોના વિશ્વમાં ઊંડે સુધી યાત્રા કરાવી. વાંચન નીતરીને સમજમાં રૂપાંતરિત થતું ગયું. મૂળ પંથો , ધર્મો , સભ્યતાઓ , તત્વજ્ઞાન , રહસ્યવાદી ધારાઓ , જ્યોતિષ જેવા વિવિધ સ્તરના વાંચન દ્વારા મનુષ્ય ચૈતન્યના વિકાસની શક્યતાઓ તરફ વળ્યાં. સૂફીઓ , સાધકો , બાઉલો , નાથો , સિદ્ધો , કલંદરો , દરવેશોનો બાહ્યાભ્યન્તર અભ્યાસ કર્યો. પરિણામે તંત્ર , ટાગોર , જિબ્રાન , જ્યોતિષવિદ્યા , અથ:આત્મજીજ્ઞાસા જેવા વિષયો ઉપર ડઝનેક પુસ્તકો પ્રગટ થયા. હાલ તેઓ હરભાઇ , નાનાભાઈ , ગિજુભાઈના વારસા સમી ઘરશાળામાં અંગ્રેજીનાં શિક્ષક છે. પોતાને સર્જનાત્મક અવકાશ મળી રહે તે માટે કોઈ પ્રમોશન સ્વીકારતા નથી. વાંચન-વિચાર અને વર્તનના વર્તુળને તેઓ સતત વિસ્તર્યા કરે છે. ‘ નવનીત સમર્પણ ‘માં આવતી તેમની શ્રેણી ‘ અનહદ બાની ‘ હવે ઇમેજ દ્વારા પુસ્તકાકારે ઉપલબ્ધ છે એમની સાથેના સંવાદમાં વાંચકોને એમની સમજનાં ઊંડાણનો પરિચય થશે.

– – – – – –

દીપક: કૌટુંબિક વાતાવરણમાં તમને ખાસ્સું એવું સ્વાતંત્ર્ય મળ્યું. આ સ્વાતંત્ર્યનો અર્થ ત્યારે કદાચ ન સમજાયો હોય પણ અત્યારે તમે એ સ્વાતંત્ર્યનો અર્થ શું કરો છો ? કોઈ જીવંત ઉદાહરણ સાથે સમજાવશો તો વાંચકોને વધારે અનુકૂળ રહેશે.

સુભાષ:મૂળે મારો સ્વભાવ ખરબચડો છે. મને બગીચા કરતા અડાબીડ જંગલો ગમે છે , શહેર વચ્ચેથી પસાર થતી નદી કરતા ભેખડો અને ખડકો વચ્ચેથી ધક્કામુક્કી કરીને વહેતી નદી વધારે ગમે છે. એવું જ મારા વ્યક્તિત્વ અને ચારીત્યમાં પણ છે. વેલ ડિઝાઇન્ડ સંબંધ કરતા અડાબીડ ઊગેલ વૃક્ષો જેવા સંબંધોના જંગલો વધુ ગમે. બધી વ્યાખ્યાઓની બહારના અને પારનાં.આ બધો યશ મારા પરિવારને જાય છે , જેમણે મને કોઈ પણ પ્રકારની ગાઇડેડ ટૂર ક્યારેય કરાવી નથી. કોઈ બકરીની જેમ પાળ્યો નથી. જેનું રમવાનું મેદાન તેને ગળે બાંધેલીદોરી જેટલું જ હોય. તેને કારણે મને સૂઝે તેમ વાંચ્યું. અરે પરીક્ષાના આગલે દિવસે કોઈ નવલકથા કે કોઈ તત્વજ્ઞાનીનાં સ્મરણો વાંચતો હોઉં. તેમ છતાં દાદા , માતા-પિતા કે મોટા ભાઈએ ઠપકો આપ્યો હોય તેવું કોઈ દ્રષ્ટાંત નથી. જીવનની મન પડે તેવી દિશા અને આયામ ખોજવાનું સ્વાતંત્ર્ય હતું , જે આજે પણ છે. અત્યારે જે ખરબચડાપણું કે બેફિકરાઈ છે,તો જેને તમે વાંચનની લાંબી મોટી ક્ષિતિજો કહો છો અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય કહો છે તે અનેક અર્થોમાં પરિવારે આપેલી અફાટ , અમાપ એવી મોકળાશ છે.


પ્ર. : બરાબર છે. એટલે સ્વાતંત્ર્ય આમ જોખમી ખરું ?

ઉ. : જો મૂળ પોત સારું ન હોય અને નબળું હોય તો આ સ્વાતંત્ર્ય જોખમી છે. પણ મને એમ છે કે પરિવારના સભ્યોને મારા પર એવી આસ્થા કે શ્રદ્ધા તેથી એવી ચિંતા ન કરી. કદાચ તેઓ સાચા પુરવાર થયા નહીંતર એવો પણ સમય હતો જયારે મેં એલિસ્ટર મેક્લીન અને જેમ્સ હેડલી ચેઇઝ જેવા ક્રાઇમ રાઈટર્સ વાંચ્યા હતા , પરંતુ માતા-પિતાએ કયારેય એમ નથી કહ્યું કે બેટા આ ન વાંચ. પછી હું ઉપનિષદો તરફ વળ્યો અને અસ્તિત્વવાદી વિચારકો તરફ વળ્યો , ત્યારે પણ મને સલાહ આપવામાં નથી આવી.


પ્ર. : તમારી એક મુલાકાત ડો.ભદ્રાયુ વચ્છરાજાનીએ ગુજરાત વિદ્યાપીઠના એક પ્રોજેક્ટ અંતર્ગત કરી છે. તેમાં એમ કહેવાયું છે કે જીવન-પ્રશ્નોના ઉત્તરોની ખોજમાં આરંભમાં તમારી યાત્રા શબ્દ-પંથી હતી પછી જીવન-પંથી બની. આ પરિવર્તન માટે જવાબદાર સમજ અને સંજોગ વિષે કશુંક કહો.

ઉ. : જીવનમાં શબ્દ અને વિચાર પ્રત્યે અતિશય પ્રેમ રહ્યો છે , તેથી ખુબ ઉડાઉડ અને કૂદાકૂદ કરી છે : વિશ્વના વિચારકો , તત્વચિંતકો અને નવલકથાકારોમાં પછી ધીમે ધીમે એ સમજાણું કે ગ્રંથ અને જીવનવાંચન વચ્ચે એક ભેદ છે. એક મિત્રે ધ્યાન દોર્યું કે પ્રવાસમાં પુસ્તકો નહિ , પ્રકૃતિ વાંચો : લેખકો નહિ , જીવન વાંચો. ત્યારે એ વાત મને સ્પર્શી ગઈ કે અંતતઃ વાંચવાનું તો જીવન છે. સૂફી તો માનવજગતને જ બે ભાગમાં વહેંચે છે , અશાબુ-અલ-બકલ એટલે શબ્દજગતના માનવી અને અશાબુ-અલ-અહેવાલ એટલે ભાવજગતના માનવી. પછી તો અંદર જ પ્રશ્ન થયો કે વિચારગ્રંથ વાંચવો છે કે જીવનગ્રંથ ? અને સમય જતા સમજાયું કે ગ્રંથ તો એક જ છે : જીવન. હિમાલયની મારી 35 વર્ષની યાત્રાઓમાં પર્વતો અને પુસ્તકો સમાંતરે વાંચ્યા , દીપકભાઈ. હવે તો હું જેને પણ મળું છું તે દરેક માણસ એક અખૂટ ગ્રંથ જેવો અનુભવાય છે.


પ્ર. : તમારા પુસ્તકોમાં અને પત્રોમાં મેં જોયું છે કે અનહદ , પ્રેમ , સ્નેહ , કરુણા , મૌન , મૈત્રી જેવા સંદર્ભો ટપકતા હોય છે. તમે ટાગોર , રૂમી , કબીર , જિબ્રાન માટે તો મિત્ર શબ્દ પણ વાપરો છો. આ બાબતે તમારા મનની ભૂમિકા તમે સમજાવી શકશો ?

ઉ. : હમણાં બે દિવસ પૂર્વે અસ્મિતાપર્વમાં મારા રૂમી પરના વ્યાખ્યાયનમાં મેં ‘ પ્રિય મિત્ર કબીર ‘ એવો ઉલ્લેખ કરેલો. ત્યાર બાદ હનુમાન જયંતી નિમિત્તેના વ્યાખ્યાયનમાં પૂ.મોરારીબાપુએ એવી રીતે નોંધ કરી , ‘ સુભાષભાઈ પ્રિય દોસ્ત કબીર એમ બોલે છે પણ હું એ ન બોલું. પણ મને ઈ ગમ્યું. ‘ હવે આમ હું કેમ બોલું છું તે વાત. એક તો મને તે બધા માટે આદર લગીરેય ઓછો નથી. આ બધી જાજરમાન ચેતનાઓ છે. મારે મૈત્રી તો શું હોય તેમની સાથે ! મારે મન મિત્ર એટલે અંધકારમાં અને વિષાદમાં જેમણે મારો હાથ પકડ્યો હોય તે. આમ તો હું ખુબ ડરપોક માણસ છું તેથી જ આ 35 વરસના હિમાલયના પ્રવાસોમાં હું ક્યારેય એકલો ગયો નથી. તેથી જ હિમાલયમાં મારી સાથે ક્યારેક રૂમી અને કબીર , ટાગોર અને જિબ્રાન હોય છે. પરોઢમાં નદીકિનારે ટાગોર સાથે , સંધ્યાકાળે કબીરદાસ સાથે તો , મધ્યરાત્રિમાં નિર્જન જંગલોમાં રુમીનો હાથ પકડીને ચાલુ છું. આ રીતે અંધકાર કે ઉજાસ , આનંદ કે વિષાદની પળોમાં મારી સાથે હોય તે મારો દોસ્ત. તેની ઉપસ્થિતિ થકી અંધકાર ઉજાસ બને , પ્રવાસ યાત્રા બને , પ્રતિમા પ્રાર્થના બની જાય તે બધા મારા શાગિર્દ. આ પીરી-મૂરિદી નથી પણ પીરી-શાગિર્દી છે. ટૂંકમાં વેદના અને યાતનાની ક્ષણે , અંધકાર અને અહંકારની ક્ષણે મારો હાથ અને દીવો પકડીને સાથે ચાલ્યા તે બધા મિત્રો. આ બધા મને ચૈતન્યમય જ્યોત જેમ અનુભવાયા છે તેથી તે બધા મિત્રો.


પ્ર. : શાગિર્દી શબ્દની જરા સમજણ આપો.

ઉ. : આ જગતમાં ઘણી બધી અવિરત ધારાઓ છે. સૂફીમાં તેને ‘ સિલસિલા ‘ કહે છે. આપણે ત્યાં ગુરુ-શિષ્ય પરંપરા તરીકે તે ઓળખાય છે. આમ , તો આ જ્યોતનું – ચિત્તનું – ચૈતન્યનું અસ્ખલિત હસ્તાંતરણ છે. સૂક્ષ્મ રીતે જોઈએ તો સિલસિલા-એ-પીર , સિલસિલા-એ-નુર વગેરે ઘણી ધારાઓ છે. સૂફીમાં પીરી-મૂરિદી છે જે ગુરુ-શિષ્યનું ચૈતન્ય જગત છે. હું અંગત રીતે ક્યારેય કશે જોડાયો નથી પણ હા , અંગત રીતે મને અહોભાવ ઘણી ચેતનાઓ માટે છે. કેટલાક જ્યોર્તિમય કે ચૈતન્યમય સ્વરૂપે સાથે છે. મારે મન દીક્ષા સૂક્ષ્મ ઘટના છે. જીવનની કોઈ કટોકટીની ક્ષણ આપણને રૂપાંતરિત કરી દે છે. કોઈ મૃણમય ક્ષણ જ જ્યોર્તિમય બની જતી હોય છે. બસ તે ક્ષણ જ ચૈતન્યમય – પ્રજ્ઞામય હોય છે જે આપણને દીક્ષિત કરી દે છે. તેની અનિવાર્ય શરત એ છે કે હું મુક્ત હોવો જોઉં , મારા કાંડે કોઈ સંપ્રદાયનું માદળિયું ન હોય. આ માટે ચિત્તની મોકળાશ અને ચૈતન્યનો અવકાશ જરૂરી છે. આવા વિશાળ અર્થોમાં જીવનની દરેક ક્ષણ દીક્ષિત કરી દેતી ક્ષણ છે. જીવનની દરેક ક્ષણ જ પીર-ઓ-મુર્શીદ છે. તેથી જ સતત સાથે વસ્તી અને શ્વસતી કબીરદાસ , રૂમી , ટાગોર , જે.ક્રિશ્નમૂર્તિ  જેવી અનન્ય ચેતના શાગિર્દ લાગે છે. કદાચ આવી શાગીર્દીનું શ્રેષ્ઠ ઉદાહરણ સૂફી આપે છે.


પ્ર. : હાં , પણ શાગિર્દ એટલે શું ?

ઉ. : શાગિર્દ એટલે જીગરજાન દોસ્ત , એટલે ‘ હમનફ્સ ‘ કે સાથે સાથે શ્વાસ લેનાર. આપણી સાથે આનંદ અને વિષાદમાં , વસંત અને પાનખરમાં અમાસ અને પુનમમાં આઠેય પ્રહરમાં નિરંતર સાથે રહે તે શાગિર્દ.

પ્ર. : મનુષ્યમાત્રમાં આદિમ ભય મોજુદ હોય છે. તમે નિર્જન જંગલો વચ્ચે રહો છો અને ઝેરી સર્પો પણ પકડતા અને એકલા પણ ભટકો છો. તો આ ભયમાંથી નિર્ભય તરફની તમારી યાત્રા વિષે કૈક કહો.

ઉ. :  જયારે જયારે મારામાંથી હું ખસી ગયો કે ઓગળી ગયો છે ત્યારે બધું અખંડ , અભય અને સમગ્ર લાગ્યું છે. ભય ત્યારે જ લાગ્યો છે જયારે હું અને મારો અહંકાર કે ઓળખ મજબૂત રહ્યા છે. ઓળખ , અસ્મિતા અને અહંને લીધે ચેતના ખંડિત થાય છે. પરિણામે હું અને તું , હું અને તે , હું અને આ જગત આવા ખંડો રચાય છે અને ભય જન્મે છે. પણ જયારે અન્યમાં પ્રેમમૂર્તિ કે ચૈતન્ય જ્યોત દેખાઈ છે ત્યારે ભય નથી રહ્યો. અન્ય જયારે માણસને બદલે દીવો દેખાય છે ત્યારે ભય નથી લાગતો. હું હંમેશા કહું છું કે મને રૂમી દેહ નથી લાગતો પણ નર્તન લાગે છે. દેહ સીમા સર્જે છે પણ ચેતન અસીમ છે. ભય સીમાઓ થકી સર્જાય છે. દીપકભાઈ , જીવવાના બે મારગ છે : હું મારો વિસ્તાર એટલો વધારું કે તું ન વધે અને ક્યાં તો તારો વિસ્તાર એટલો વિસ્તારું કે હું ન વધુ. પારંપરિક પૂર્વની દર્શના એમ કહે છે કે સ્વ’નો વિસ્તાર વધારવો એટલે ધ્યાનયોગ અને અન્યનો વિસ્તારવો એટલે પ્રેમયોગ. મૂળ વાત તો એક જ છે ; વિસ્તરીને વિસર્જિત થવું કે વિસર્જિત થઈને વિસ્તરી જવું. આખરે પ્રેમયોગ અને ધ્યાનયોગ તો નામ માત્ર છે. આમ જયારે જયારે વિસ્તર્યો છું , વિસર્જિત થયો છું ત્યારે માત્ર નિર્ભય નહિ અભય પણ થયો છું.


પ્ર. : નિર્ભય અને અભયમાં શું ફેર છે ?

ઉ. : જયારે આપણને સાચવવા અને રક્ષણ આપવા માટે સ્થૂળ અને બાહ્ય વ્યવસ્થા ઉભી કરીએ દા.ત : દિવાલો , કિલ્લા , સંરક્ષકો વગેરે ત્યારે આપણે નિર્ભય બનીએ છીએ. અલબત્ત તેમાં બીજસ્વરૂપે ભય અંદર તો હોય જ છે , કારણકે અન્ય તો હજુ અન્ય જ બની રહે છે. જયારે અભયના પાયામાં પ્રેમ છે. તેથી હું અને અન્ય વચ્ચેની ભેદરેખા ઓગળી જાય છે. અન્ય જયારે અન્ય પરખાતો નથી ત્યારે અભયની અવસ્થા ઉતરે છે. પવિત્ર કુરાનમાં અલ્લાહના નવ્વાણું સંબોધનો છે. તેમાના બે છે , અલ-અહદ અને અલ-વહીદ. આ બંને પ્રતીતિઓ છે. અહીં અલ-અહદ એટલે હું પરમમાં ધબકું છું અને અલ-વહીદ એટલે પરમ મારામાં ધબકે છે. સાધનામાં બે પડકારો છે ; મારાથી બૃહદ તત્વમાં મારે ઓગળી જવાનું છે અને હું જેનાથી બૃહદ છું તેને મારામાં ઓગાળી દેવાનું છે. નિર્ભય અને અભય અહીં ક્યાંક છે. કદાચ નિર્ભયતા એટલે સાંત્વના અને અભય એટલે સમાધાન.


પ્ર. : ચેતનાની એવી કોઈ ક્ષણ પકડાયેલી છે કે જેમાં આ પ્રોસેસ સતત ચાલતી હોય ?

ઉ. : આમ તો અસ્તિત્વ આખું ચૈતન્યનું જ પ્રાગટ્ય છે. સર્જન અને વિસર્જન જેવી અનેક પ્રક્રિયાઓ નિરંતર ચાલતી હોય છે. અસ્તિત્વના અનેક આયામો છે. બધા આપણી બૌદ્ધિક સમજમાં નથી આવતા. તેથી તો ઘણું રહસ્યમય લાગે અને પરિણામે અઢળક અહોભાવ જાગે છે. કદાચ મને હિમાલયનું મમત્વ તેથી જ હશે. હિમાલય ચૈતન્યથી જ ઝળહળા છે. જાણે કોઈ કવિએ અનેક કાવ્યો સર્જ્યા છે : પંખીઓ એટલે ઉડતા કાવ્યો , નદીઓ એટલે વહેતા કાવ્યો , કેડીઓ એટલે સાદ પાડતા કાવ્યો , ખીણો એટલે જીવનથી ધબકતા કાવ્યો. તેથી જ મને કોઈ મિનિસ્ટર સાથે તસ્વીર પડાવવા કરતા કોઈ દેવદાર વૃક્ષ સાથેની તસ્વીર વધુ ગમે છે. વડલા પાસે ઉભો હોઉં છું ત્યારે કોઈ મોટી હસ્તી પાસે ઉભા રહ્યાની પ્રતીતિ છે. સંતની મારી સાદી વ્યાખ્યા એ જ છે કે જેની ઉપસ્થિતિમાં તમે સ્વંયને મોટા અનુભવો તે ખરો સંત. જો તેના અહંકારનો બોજ તમારે ઉંચકવો પડે તો તે સંસારી છે. જયારે ક્ષણમાં શાશ્વતીનો સ્પર્શ થવા લાગે , દરેક સંબંધ મુક્તિની કેડી લાગવા માંડે , દરેક ધ્વનિ તેનો સાદ લાગવા માંડે , વિશ્વની દરેક વસ્તુ પરમનો હસ્તાક્ષર લાગવા માંડે તો સમજવું કે પેલી પ્રક્રિયા આરંભાઈ ગઈ છે.


પ્ર. : જ્યોતિષ ઉપરનું તમારું પુસ્તક ખુબ જ વ્યાપક અને વ્યાવર્તક સંદર્ભમાં પ્રગટ થયું છે. જોકે એની નોંધ વધારે લેવાઈ નથી તેમાં વિવિધ જ્યોતિષવિદ્યાઓનો પરિચય તમે કરાવ્યો છે. અમારા વાંચકો તમારી ફિલસૂફો તરફ જોવાની અને જાણવાની વિગતોથી તો પરિચિત છે જ પણ તમે આ ક્ષેત્ર તરફ શી રીતે આકર્ષાયા , ખાસ કરીને જ્યોતિષવિદ્યા તરફ ? ભારતીય માનસમાં તમે જાણો છો એમ તેનું ખાસ્સું રૂઢ સ્વરૂપ છે , તમે તેને શી રીતે જુઓ છો ?

ઉ. : મને હંમેશા એમ લાગ્યું  છે કે જ્યોતિષ અન્ય-ખોજ નથી પણ આત્મ-ખોજ છે. મારી ચેતનાએ બાહ્ય ખોજની સમાંતરે આંતરિક ખાંખાખોળ પણ આરંભેલી. મને થયું, આખું જીવતર અન્યની કુંડળીઓનો અભ્યાસ કરવા કરતા ચાલો હું મારી મર્યાદાઓ , ક્ષમતાઓ , શક્યતાઓ અને સંભવિતતાઓનો અભ્યાસ કરું , કેમેરાનો લેન્સ અન્ય પર હોય અને આપણી પર હોય તેમાં ઘણો સાધનભેદ છે અને ચૈતન્યભેદ પણ છે. અન્ય પર કેમેરા હોય ત્યારે બૌદ્ધિક ખંજવાળ તો સંતોષાય છે પણ મારો માંહ્યલો તરસ્યો રહે છે. તેનાથી પણ વધારે ગંભીર સમસ્યા એ છે કે જયારે મારી ચેતનાનું કેન્દ્ર – કેમેરાનું કેન્દ્ર અન્ય હોય છે ત્યારે હું ન્યાયાધીશ બની જાઉં છું. તેથી અન્યથી ઊંચા સ્થાને બેસી તેનું મૂલ્યાંકન કરું છું અને ચુકાદાઓ પણ આપું છું. આ એક ખતરનાક રોગ છે. દરેક માનસિક રોગનું આરંભબિંદુ અહીં ક્યાંક છે. મારા બંને પુસ્તકો એટલે ‘ ખોજ અનહદની ‘ અને ‘ જ્યોતિષવિદ્યા ‘ એ ‘સ્વ’ને અનેક ખૂણે અને શિખરેથી નીરખવાની એક્સરસાઈઝ છે.આ બંને પુસ્તકો એકમેકના પરિપૂરક છે. જ્યોતિષવિદ્યાને રોકડી કરવાની ઘણી ઓફર હતી પણ મેં તે સ્વીકાર્યું નહિ. મારે મન એ સ્વખોજ કે આત્મખોજની કેડી છે. અંતરયાત્રાના નકશા દોરવા તે કામ લાગે છે. બધી વિદ્યાઓ એ પવિત્ર ઉર્જા છે , તેના ઉપયોગમાં વિવેક એ તેની અનિવાર્ય પૂર્વશરત છે.


પ્ર. : આ સુભાષ ભટ્ટસરાયમાં રહે છે [ તેમના મકાનનું નામ ] પણ અનેક વિચારધારાના પ્રવાહને પુસ્તકો દ્વારા ઝીલતા રહે છે. એમાં સુભાષ ભટ્ટનું શ્રદ્ધાસ્થાન ક્યુ ?

ઉ. : સાહેબ, કોઈ એક વિચારસરણીમાં નિષ્ઠા હોવી અને સ્વયં વિચારપ્રક્રિયામાં નિષ્ઠા હોવામાં સૂક્ષ્મ ભેદ છે. એ ભેદ વિચારક અને પ્રચારક જેવો છે. પ્રચારકને વિચારની કિંમતમાં રસ છે જયારે વિચારકને તેના મૂલ્યમાં. પ્રચારક માટે વિચાર તો સાધન છે જયારે વિચારક માટે તો માત્ર સાધન નથી. આમ તો આ વિશ્વમાં અસંખ્ય પ્રકારની ધારાઓ વહી છે , વહે છે અને વહેશે પણ ખરી. આ બધી ભરમારમાં કોઈ અંતિમ કે નિરપેક્ષ વિચારધારા ન હોઈ શકે જેને આખરી વિશ્રાંતિસ્થાન કે શ્રદ્ધાસ્થાન બનાવી શકાય. હાં, નાના મોટા પડાવ હોઈ શકે. અત્યાર પૂરતું તો મને એમ લાગે છે કે મારુ શ્રદ્ધાસ્થાન એટલે પ્રેમથી પ્રયોજાયેલું અને બુદ્ધિથી દોરવાયેલું જીવન. આ અર્થમાં બધી વિચારધારાઓ જીવનદ્રષ્ટિઓ છે અને દાર્શનિક ધારાઓ જીવનશૈલીઓ છે.આપણી ઇન્દ્રિયક્ષમતાને આપણે જીવનક્ષમતા બનાવી નાખી છે તે કમનસીબી છે.તેથી ચૈતન્યના અનંત આયામો અને શક્યતાઓ અવિકસિત રહ્યા છે. બધી ધારાઓ પતંગિયા જેવા મન અને કીડી જેવી બુદ્ધિથી તપાસી ન શકાય. અસ્તિત્વને પામવાનું હોય છે ,પકડવાનું નથી હોતું. ભૌતિકશાસ્ત્ર  તો કહે છે કે અનંત બ્રહ્માંડનું કેન્દ્ર આપણે દરેક છીએ , A man with awareness is a centre . સમગ્ર ચૈતન્યનું કેન્દ્ર એટલે દરેક સભાન ચેતના. આ રીતે ચિત્તની , ચૈતન્યની , દર્શનની , જીવનની અનંત ધારાઓ મેં મારી આસપાસ વહેતી જોઈ છે. કોઈ પણ વહેણને સ્થિર અને સ્થગિત થઈને જોવાનું નથી પણ તેની સાથે વહેતા વહેતા નીરખવાનું અને પામવાનું છે. સાચી વિશ્રાંતિ વિહારણ અને વહેણમાં છે. હિમાલય પર્વત નથી આવું ચૈતન્ય , વહેણ કે ધબકાર છે. તેથી જ અહીં વૃક્ષો , પંખી , નદી , ફૂલો તો ઠીક ખડકો પણ ધબકે છે અને કેડીઓ પણ વહે છે. આ બધામાં હું પણ એક ધબકાર અને  વહેણ છું. તે પ્રતીતિ મારુ શ્રદ્ધાસ્થાન છે. આ જાજરમાન નજારાનો હું પણ એક ભાગીદાર છું તેનો અઢળક આનંદ હોય છે.


પ્ર. : પોતાની અંદર અને આવા જગતને બહારથી સમજવામાં તમારી અંતરતમ ક્રાંતિકારી મથામણોની વચ્ચે લગ્નસંસ્થાને પણ તમે અપનાવી છે. તમારી જેવા અન્ય યાત્રીને તમારી શી ભલામણ છે ?

ઉ. : મને વરસો સુધી એમ લાગ્યું કે લગ્ન તો બંધન છે અને મારી જીવનખોજનું સ્વાતંત્ર્ય હણાશે. પણ તંત્રવિદ્યાના લેખન અને સ્વાધ્યાય દરમ્યાન સમજાયું કે જીવન તો અખંડ છે. તેના બાહ્ય અને આંતરિક એવા વિભાજનો શક્ય નથી. જે વૃક્ષ પૃથ્વી સાથેનો સ્પર્શ અને સંપર્ક છોડી દે છે તે ફળો આપવાનું બંધ કરી દે છે. અહીં તંત્ર એટલે સામાન્ય લોકો સમજે છે તે બ્લેક મેજીક નહિ , પણ તંત્ર એટલે પૃથ્વીમય જીવન સાથે અમાપ નિસ્બત ધરાવતી જીવનદ્રષ્ટિ અને જીવનશૈલી. મને એમ લાગ્યું કે આ સંબંધ સિવાયની મારી જીવનખોજ અને જીવન સમય અધૂરા છે. કાળક્રમે પ્રિય કવિ ટાગોર સાથેની મારી ચૈતન્યમૈત્રી થકી એમ પામ્યો કે સંબંધો બંધન નથી પણ મુક્તિના મારગ છે. કવિ ટાગોર કહે છે.

Deliverance is not for me
in renunciation.
I feel he embrace of
freedom in a thousand
bonds of delight.

અર્થાત , ત્યાગમાં મુક્તિ નથી ,
સ્વાતંત્ર્યને ખરું આલિંગન તો ,
આનંદના હજારો બંધનોમાં છે.

આમ મને થયું કે અખંડ ચૈતન્યને આલિંગન આપવા તેના ખોળામાં સમાઈ જવા , તેના ગર્ભમાં ધબકવા , જીવનરસને પામવા માટે અને પૃથ્વીતત્વના બધા રસોને આત્મસાત કરવા માટે આ સંબંધ અનિવાર્ય લાગ્યો.


પ્ર. : અને બીજો પ્રશ્ન એ છે કે તમે તમારી જેવી અન્ય વ્યક્તિને ભલામણ શું કરો ?

ઉ. : આમ તો મારા જીવન અંગેનો મારો નિર્ણય જ મારુ કથન કે ભલામણ બની જાય છે. ખેર… મને એમ લાગે છે કે બંધન અને મુક્તિ એ તો ચિત્તની અવસ્થાઓ છે. એક દ્રષ્ટાંત દ્વારા સમજાવું. ધારો કે , એક સ્ત્રીના ગળામાંથી સોનાનો હાર પડી ગયો. તે સ્ત્રી રડી પડશે. પણ પેલા હારને પૂછો કે તને સ્ત્રીના ગળાને ખોઈ નાખ્યાનો અફસોસ છે ? સ્ત્રીને આસક્તિ છે પણ હાર તો નિર્લેપ છે. આસક્તિ અને વિરક્તિ ચિત્તની અવસ્થા છે. તે વસ્તુમાં નથી. તેવી જ રીતે બંધન અને મુક્તિ ચિત્તની અવસ્થા છે. સંબંધમાંથી પ્રગટતા પ્રેમ-મૈત્રી એ ચૈતન્યની અવસ્થાઓ છે , મનની અવસ્થાઓ છે. સંબંધ આનંદપૂર્ણ કે આત્મહત્યાપૂર્ણ લાગે તે વ્યક્તિલક્ષી છે , મૈત્રી સ્વયં બંધન કે મુક્તિ નથી પણ તે વૈયકત્તિક પ્રત્યક્ષીકરણ છે.


પ્ર. : તમારું પ્રિય વાંચન કયું ? શાસ્ત્રો , ફિલસુફી , નવલકથા , કાવ્યો – અને છે તો શા માટે ?

ઉ. : પ્રારંભમાં જયારે અંગ્રેજી સાહિત્યમાં સ્નાતક-અનુસ્નાતક થયો ત્યારે વિશ્વ સાહિત્યકારોમાંથી પસાર થયો. અથાક નવલકથાઓ વાંચી. પછી સ્વાર્થી મનને એમ લાગવા માંડ્યું કે નવલકથાઓમાં રોકાણ જેટલી પ્રાપ્તિ નથી. કદાચ , છેલ્લા પચ્ચીસેક વર્ષોથી નવલકથાઓ નથી વાંચતો , અલબત્ત અપવાદો છે , અલબત્ત વાંચ્યાનો કોઈ અફસોસ નથી , તેમાંથી અઢળક મળ્યું છે. તે શબ્દોને વંદન. કાવ્યો તો સતત વાંચતો રહુ છું. તેવું જ શાસ્ત્રો અને વિદ્યાઓનું છે. આ બધામાંથી અઢળક પરિતૃપ્તિ મળી છે. હવે એમ લાગે છે કે જ્ઞાત અને અજ્ઞાતના તટો વચ્ચેથી પ્રગાઢ અને અમાપ જીવન-ચૈતન્યની નદી વહે છે જે સ્વયં એક નિરંતર રચાતો ગ્રંથ છે. તે અજ્ઞેય નદીમાં વહેવાનો આનંદ આવવા લાગ્યો છે. આ વહેણમાં તરવાનું તો શક્ય નથી , કારણ કે આમ બિચારા સંકલ્પ-વિકલ્પથી જ થાકતા મનનું ખાસ ગજું નથી. અજ્ઞેયનું વહેણ ખુબ પ્રભાવક છે. હવે તો દરેક માણસ અને પંખી સાદ લાગે છે , દરેક સંબંધ એક પર્વ કે પ્રકરણ લાગે છે. સ્વયં જીવન જ એક અંતહીન ગ્રન્થ લાગે છે. જાણે કે દરેક વસ્તુ , વિચાર અને વ્યક્તિ એ પરમનો પદચાપ છે , હસ્તીના હસ્તાક્ષર છે. અગ્નેયનો અણસાર છે. ચૈતન્યમાં આ રીતે ઓતપ્રોત રહેવાનો આનંદ છે.


પ્ર. : ભારતીય તેમજ વૈશ્વિક અધ્યાત્મવિદ્યાઓની ખુબ લાંબી પરંપરાઓમાં તમને આજના પરિપ્રેક્ષ્યમાં કઈ વિદ્યા હજી પણ જીવંત અને અકસીર જણાય છે ? અને શા માટે ?

ઉ. : મને એમ લાગે છે કે આ જગતમાં અંતિમ વિદ્યા તો કઈ હોય ? અહીં જે પણ પ્રગટ થાય છે તેમાંથી કશું નિરપેક્ષ અને અંતિમ નથી. બધું જ સાપેક્ષ છે. આ બધું સાપેક્ષ છે તે એક પરમ અને નિરપેક્ષ સત્ય છે. જગતની દરેક અનુભૂતિ અને અભિવ્યક્તિ સાપેક્ષ છે. હા , તે સમજ નિરપેક્ષ છે. વળી વિશ્વની બધી જ વિદ્યાઓ , દાર્શનિક પ્રયોગો , વિચારસરણીઓ અને ધારાઓમાંથી રહી રહીને એક જ સમજ ઉપસી આવે છે અને તે એક ધર્મ , જ્ઞાતિ , જાતિ અને બધા વર્ગોથી ઉપર જઈને માણસ માણસને ઓળખે અને તેમાં જ ઓગળે. એમ કહેવાય છે કે To be is to be related . એટલે અસ્તિત્વનું સત્વ અને સત્ય તો સંબંધવામાં છે. જો માણસ માણસ સાથે નિસ્વાર્થ અને બિનશરતી જોડાય તો તે જીવનની દરેક સમસ્યાનો અકસીર ઉપાય છે. આપણી આસપાસ પથરાયેલ બધા જ સાથે ચૈતન્યપૂર્ણ રીતે જોડાવું તે શ્રેષ્ઠ અને અંતિમ વિદ્યા છે. દરેક વ્યક્તિ એક આમંત્રણ છે , એક સાદ છે , એક ગીત છે. કોઈએ કહ્યું છે.

યહી મકસદ હયાતે ઇશ્ક કા હૈ ,
ઝીંદગી ઝીંદગી કો પહેચાને ।

ટુંકમાં કાવ્ય લખવાને બદલે કાવ્ય બની જવું.


પ્ર. : એ વાત સાચી. અધ્યાત્મવિદ્યાની ઝેન , સૂફી જેવી અનેક શાખાઓ છે. તમને લાગે છે કે આજના સંદર્ભમાં જયારે વિશ્વ જે ઝડપે ગતિ કરી રહ્યું છે કે અધોગતિ કરી રહ્યું છે ત્યારે તેમાં એને કોઈ સોલેસ મળી શકે છે ?

ઉ. : આપણી સમસ્યા એ છે કે આપણને જરૂર છે સમાધાનની અને આપણે સાંત્વનોથી રાજી થઇ જઈએ છીએ. સાહેબ, સહેજ સૂક્ષ્મ નજરે તપાસીએ તો ખ્યાલ આવશે કે છેલ્લા ત્રણ હજાર વર્ષમાં જે કોઈ ધર્મ-સંપ્રદાયો છે તે દરેકમાં તમે પૂછો છો તે સત્વ અને સત્ય છે , તે હાથ અને સાદ પણ છે , પણ તેમાં એક સમસ્યા પણ છે. જયારે જયારે પણ કોઈ બૃહદ તત્વ વ્યક્તિના જીવનમાં ઉતરે છે ત્યારે તે તત્વને સાંગોપાંગ ઝાલી કે ઝીલી શકતો નથી અને નથી તેને આલિંગી શકતો. પરિણામે તે વ્યક્તિ પેલા તત્વને પોતાની ગતિ અને મતી અનુસાર તેના કદ અને આકારને પોતાને અનુકૂળ રીતે કાપકૂપ કરે છે. હું વેદાંત , ઇસ્લામ , ઝેન , સૂફી જોઉં છું પણ મારી ટચુકડી બુદ્ધિ અને મનની બારીએથી મને મારી નાનકડી થેલીમાં થાય એટલું એકઠુ કરું છું. આ થોડુંક જ ભાથું આખી જીવનયાત્રા દરમ્યાન ચાલવું છું. આ મારી બારી અને મારી થેલીમાંથી ‘ વયં શ્રેષ્ઠા ‘વાળો ભાવ ટપકે છે. આ વાતને સ્થૂળ રીતે જોઈએ તો , દીપકભાઈ તે કાંઈક આવું છે. પૂ.વિનોબાજી કહેતા કે નાનકડી એવી ઝુંપડીને પણ આવવા જવાનો મારગ અલગ હોય છે અને હવાની અવરજવર માટે બે બારીઓ હોય છે તો પછી વિશ્વના મહાન ધર્મો અને સંપ્રદાયોને તો ઘણા બારી-બારણાં છે પણ તેમાં પ્રવેશનાર અને વ્યાખ્યા કરનાર વ્યક્તિની સમજ નાનકડી એવી છે. પરિણામે નથી આવતી સાંત્વના કે નથી મળતું સમાધાન. આ સ્થિતિ કાંઈક આવી છે , એક નાનકડી નાવ અને નાનકડી જાળ લઈને એક માછીમાર પેસિફિકના અગાધ મહાસાગરમાં માછલાં પકડવા જાય છે. તેથી જળનું કદ એ માછલાનું કદ નથી તે ભૂલી જાય છે. મહાસાગર પામવામાં પાત્ર તો અવરોધ બને જ છે , તેવી રીતે આખો ધર્મ કે સંપ્રદાય આત્મસાત કરવામાં વૈયકત્તિક સમજ ટૂંકી પડે છે.


પ્ર. : સાચી વાત છે. મનુષ્યમનને સંપૂર્ણપણે જીતીને બીઇંગ કે માત્ર હોવાના ભાવમાં સ્થિર રહી શકાય ? તમારી એવી કોઈ અનુભૂતિ વિષે કહો.

ઉ. : ઉત્ક્રાંતિના ક્રમમાં અસ્તિત્વ ટકાવવા માટેના સંઘર્ષમાંથી જીવવું એટલે જીતવું એવી ગેરસમજ આપણામાં ઊંડી ઉતરી ગઈ છે. આપણી સામે છે તેને જીતવાનું છે , બસ તેમ આપણે સમજીએ છીએ. તેની સાથે જીવવાનું છે તેમ નથી માનતા. ધારો કે જમણો અને ડાબો હાથ લડે તો કોણ જીતે ? જમણો અને ડાબો પગ દોડે તો કોણ જીતે ? મન તો સાધન છે તેને સાધ્ય બનાવવાની જરૂર નથી. ચશ્મા અને ચંપલ જેમ સાધન છે તેમ જ. પણ હાં, મનને તેની જેટલી સરળતાથી બાજુ પર મૂકી શકાતું નથી. મનને જીતવાનું કામ પણ અંતતઃ તો મનથી જ કરવાનું છે. જેમ શ્વાન પોતાની પૂંછડી પકડી શકતો નથી અને માણસ ગમે તેટલી ઝડપી દોડે પછી પણ પોતાના પડછાયાને છોડી શકતો નથી તેમ જ મનને જીતી શકાતું નથી. ખરેખર તો તેને જીતવાનું પણ નથી. પડછાયાથી બચવા માણસે આખું જીવન દોડવાની જરૂર નથી પણ એકાદ વૃક્ષ નીચે જઈને માણસે વિશ્રાંત થવાની જરૂર છે. જ્યા સુધી અન્ય અલગ અનુભવાય છે ત્યાં સુધી તો જીતવાની કે પછાડવાની મથામણ ચાલુ રહેશે. જે ક્ષણે આ હું અને તું કે હું અને તે એકમેકમાં ઓગળી ગયા તે ક્ષણે મન ઓગળી જશે. અન્યને જીતવું એ સ્થિતી નથી , વૃત્તિ છે. મન તો દોસ્ત છે. જયારે પણ જગત , જીવ અને જીવન સમજવું હશે ત્યારે મનનો લેન્સ ચડાવવો પડશે. પણ જયારે થાક અને હાંફ ખાવો હોય ત્યારે થોડીક મોકળાશ , હળવાશ અને અવકાશ લઈને છાંયામાં પણ બેસવું પડશે. મારે આ પ્રતીતિ હંમેશ હોય છે , મન સાથે વિહાર અને પછી મનથી વિશ્રામ.


પ્ર. : જીવનના રહસ્યો પામવાના તમારા સુદીર્ઘ અને સંનિષ્ઠ પ્રયત્નોનો થોડો ચિત્તાર સંક્ષિપ્તમાં કહો.

ઉ. : દીપકભાઈ , ઘણો લાંબો સમય અસ્તિત્વનું , જીવનનું , સંબંધોનું રહસ્ય એવા શબ્દો સાંભળતો રહ્યો. સાધનાનું રહસ્ય અને આધ્યાત્મિક ઉર્જાના રહસ્યોની વ્યાખ્યાઓ અને ફૂટપટ્ટીઓ થેલામાં લઈને રખડતો રહ્યો. દરેક ગ્રંથનો પ્રારંભ કરું છું ત્યારે મનમાં હોયકે આમાંથી અંતિમ સત્ય જડી આવશે. દરેક સંબંધની પરોઢે એમ આશા બંધાય કે આમાંથી નિરપેક્ષ સૌંદર્ય પામીશ. છેલ્લા પાંત્રીસ વર્ષોથી હિમાલયમાં રખડી આવું છું. દરેક વખતે એવી ઊંડી વાસના હોય છે કે આ વખતે અસ્તિત્વના કોઈ નિરપેક્ષ સત્યનું પ્રાગટ્ય થશે. આમ મારા હોવાનો આધાર બને તેવી સમજની ખોજ નિરંતર રહી છે. હવે હાંફ્યો છું, થાક્યો છું , પણ અલબત્ત હાર્યો નથી. હવે એમ લાગે છે કે જીવન નામનો અંગારો મન અને બુદ્ધિના નાનકડા ચીપિયાથી પકડાશે નહિ. તો ક્યારેક એમ લાગે છે કે કોઈ જ રહસ્ય નથી બધું જ સરા જાહેર અને દેખીતું છે. હા, રહસ્ય એ છે કે બૌદ્ધિક રીતે જ સમજાય છે તે અસ્તિત્વગત રીતે જીવાતું કેમ નથી ? આધ્યાત્મિક રહસ્ય એટલું જ છે કે તેને જીવવાનું હોય છે. પદાર્થ જગતમાં સિક્રેટ ઓફ સક્સેસ , સિક્રેટ્સ ઓફ મની , સિક્રેટ્સ ઓફ પાવર એમ બધું ચાલે છે. પણ ચૈતન્ય જગતમાં આવું કશું હોતું નથી. ચૈતન્ય તો દરેકને સ્પર્શે છે , દરેકમાં ધબકે છે. હિમાલયમાં કોઈ પટારામાં સંતાડીને બેઠું છે અને મારે તેને શોધી કાઢવાનું છે અને તે બધા રહસ્યોનું મને હસ્તાંતરણ કરશે તેવું કશું નથી. ખરેખરૂ રહસ્ય તો સરેરાશ માણસોના જગતમાં-જીવનમાં , સંસારમાં-બજારમાં પણ અખંડ જ્યોત જેમ ઝળહળે છે. ચિત્ત અને ચિતનું આદાનપ્રદાન તો છે પરમોત્સવ. સત્ય અંતિમ અને નિરપેક્ષ નથી બસ તે તો નિરંતર વહેણ છે , ક્ષણે ક્ષણે પ્રગટે છે. અસ્તિત્વનું રહસ્ય વિરોધાભાસી છે;

નિરંતર ક્ષણભંગુરતા ,
અંશ અંશની સમગ્રતા ,
ખંડ ખંડ વહેતી અખંડતા .


પ્ર. : જો યાત્રા જ આનંદ હોય તો આ રઝળપાટ શા માટે ?

ઉ. : સાહેબ , રઝળપાટ જ આનંદ છે. ભૂલા પડી જવું એ યાત્રાનો જ ભાગ છે. દોડતા દોડતા પડી જવું એ ગતિનો જ ભાગ છે. જેમ અંધકાર અને ઉજાસ , એક જ ચૈતન્યની બે અવસ્થાઓ છે. આપણને રઝળપાટ એટલે લાગે છે કે આપણે કશેક પહોંચવું છે  અને પહોંચતા નથી. જયારે એવી પ્રતીતિ થાય છે કે કશુંય મેળવવાનું નથી અને ક્યાંય પહોંચવાનું નથી ત્યારે આનંદ જ વધે છે. ત્યાં પહોંચીને દર્શન કરીશું તેવું કશું નથી પણ જ્યા અને જે જોઉં છું તે પરમના જ દર્શન છે. શિખરે પહોંચવામાં સિદ્ધિ હશે પણ આનંદ તો મારગમાં જ છે. કમનસીબે , દીપકભાઈ અત્યારે એક એવી પેઢી ઉપસી આવી છે જેની પાસે ગતિ છે , બસ! દોઢસો કિ.મીની ઝડપે વાહન ચલાવીને ઘરે પહોંચે છે અને પછી ઘરે જઈને સમયનું શું કરવું તે ખબર નથી. ખલિલ જિબ્રાન કહે છે , ‘ જો તમારે યાત્રાના આનંદ વિષે પૂછવું હોય તો કાચબાને પૂછજો , સસલાને નહિ. ‘ જે ક્ષણે પામી ગયા કે દોડીને કશે પહોંચવાનું કે પકડવાનું નથી તે ક્ષણ રઝળપાટ આનંદ બની જાય છે. એક રૂપક છે કે એક વખત એક માણસ ઉતાવળે અને ભાગમભાગ જીવ્યો અને ઈશ્વર પાસે પહોંચીને પૂછ્યું , “ક્યાં છે મારું સ્વર્ગ ? ” ત્યારે ઈશ્વર કહે , ” મારગ જ સ્વર્ગ છે. ” પ્રાપ્તિ પ્રક્રિયામાં છે , માર્ગમાં છે : યાત્રાના અંતે નથી. પ્રાપ્તિ ક્ષણે ક્ષણે છે , તે પામી ગયા કે તત્ક્ષણે રઝળપાટ અને આનંદ પર્યાય લાગે છે.


પ્ર. : હરીન્દ્ર દવેની એક પંક્તિ છે ;

શબ્દોની સંગત હું છોડું
મારા સાધુ મને આપો ,
એક અનહદનોસુર‘.

અનહદ બાની’ના લેખકને પોતાના વિષે કંઈ કહેવાનું હોય તો શું કહેશે ?

ઉ. : જો હું કશુંક કહીશ તો તે અનહદ નહિ હોય. હું તો નિમિત્ત છું. મૂળ તો આ પ્રસંગો સંતો દ્વારા જીવાયા છે. મારી અને ભાવકની પ્રતીતિ વચ્ચે કદાચ ત્રીસ દિવસનો ફેર હશે. ક્યારેક તો મને એમ લાગે છે કે ભાવક મારા કરતા વધારે ઊંડાઈ અને ઊંચાઈથી પ્રસંગોને સ્પર્શતો હશે. પ્રસંગ અને શબ્દને નિમિત્ત બનાવી એકાદ સમરસોલ્ટથી વધુ આયામો જોતો હશે. આપણે તો શું કહેવાનું હોય , સમગ્ર અસ્તિત્વ એક અપૂર્વ અને અનન્ય કથન છે. અનંત દિશાઓ જે વાત કહે છે તે આપણે શું કહીએ. અસ્તિત્વ આખું એક અનહદ કે બેહદની અભિવ્યક્તિ છે.


પ્ર. : અપવાદોને બાદ કરતા મોટા ભાગના ફિલસૂફો ગંભીર અને સોગિયા જણાય છે. તમે જાત સાથેની વાત પણ સરસ રીતે કરી શકો છો અને જગત સાથેની વાતમાં પણ રસાળ છો. આને ઉપલબ્ધી ગણો છો કે અકસ્માત !

ઉ. : આને હું પરમ અસ્તિત્વની કરુણા ગણીશ. તમે જેને સોગિયા કહો છો તે સ્વંયને જગતના સી.ઈ.ઓ કે જનરલ મેનેજર ગણતા હશે. જ્યા સુધી હું એમ માનુ છું કે આ જગતની સમસ્યાઓનો ઉકેલ હું લાવીશ અને મારે જ લાવવાનો છે ત્યાં સુધી વિષાદ રહેવાનો છે , કારણકે તેમાં હું અને જગત ખંડ-ખંડ છીએ. પણ જે ક્ષણે મને એવી પ્રતીતિ થશે કે અસ્તિત્વ આખું એક અંતહીન ઉત્સવ છે અને મારે તેના પરીક્ષક કે નિરીક્ષક નથી થવાનું પણ ભાગીદાર થવાનું છે તે ક્ષણે વિશાદ વિખેરાઈ જશે અને આનંદ ઉતરી આવશે. આ અસ્તિત્વ એક અવિરત જલસો છે તેવી અનુભૂતિની ક્ષણે જ આપણી અંદરનો નિરીક્ષક , મૂલ્યાંકનકાર , ન્યાયાધીશ ઓગળી જતો હોય છે અને પછી તો જીવન મહોત્સવ બની જાય છે. અલબત્ત , આ વિશાદયોગ પણ જીવનયાત્રાનો અનિવાર્ય અને આવકાર્ય પડાવ છે. તેને નકારવા કે ધિક્કારવા જેવો નથી. સાહેબ, મને અંગત રીતે એમ લાગે છે કે જીવનસાધનામા બે અવસ્થા આવે છે ; આનંદપ્રાપ્તિની અને આનંદશુદ્ધિની. પ્રારંભમાં હું મારી સમગ્રતાથી આનંદના શિખર તરફ દોડું છું ત્યાં પહોંચ્યા પછી સમજાય છે કે અસંખ્ય શિખરો છે આનંદના. કારણકે સ્વયં આનંદ જ અનંત આયામી છે. પછી બીજી અવસ્થા આરંભાય છે જેમાં આનંદપ્રાપ્તિનો આશય ઓગળી જાય છે અને આનંદશુદ્ધિનો યજ્ઞ આરંભાય છે. સૂક્ષ્મ રીતે જોઈએ તો આ વિશાદ અને આનંદ વિરોધાભાસી નથી પણ એકમેકના પરિપૂરક છે. એક જ ચૈતન્યની બે અવસ્થાઓ છે , એક જ યાત્રાના બે પડાવો છે.


પ્ર. : સત્યની વ્યાખ્યા તમે શું કરો છો ? અને જીવનમાં તેને સાદ્યન્ત નિભાવી શકાય ?

ઉ. : સાહેબ , સત્ય પર બોલવાની મારી ક્ષમતા કે યોગ્યતા નથી. આપણાથી બૃહદ તત્વની વ્યાખ્યા આપણે શી રીતે કરી શકીએ ? મારી નાનકડી સમજ એમ કહે છે કે સત્ય તો ઓનગોઈંગ પ્રોસેસ છે. દરેક ક્ષણ સત્યનું પ્રાગટ્ય છે. મારા મન-બુદ્ધિના ખાના-ખોખામાં તેને સમાવી શકાય તેમ નથી. તેને વ્યાખ્યાબદ્ધ , શબ્દસ્થ કે ગ્રન્થસ્થ કરવાની મથામણ  જ તેને ખોઈ નાખે છે. સત્ય આપણી મન-બુદ્ધિના અક્ષાંશ-રેખાંશથી દૂર વસે છે. હજારો માઈલમાં વહેતી નદીની વ્યાખ્યા મારા નાનકડાં ઘાટે ઉભો ઉભો કરું તો તે વ્યાખ્યા આંશિક હશે. આંશિક કદી સત્ય ન હોઈ શકે. જાજરમાન વહેણની ક્ષણે ક્ષણે જે ચેતના-ઘટના ઘટે છે તેની વાત સ્થિર ઘાટ પરથી શી રીતે કરવી ? જે શાસ્ત્ર , ધર્મ , સંપ્રદાયોએ આ પ્રયાસ કર્યો તેણે વંદનીય પ્રયાસ કર્યો છે પણ તે વહેણ નથી રહ્યું. માત્ર તળાવો અને સરોવરો બન્યા છે.


પ્ર. : સુભાષભાઈ એક યાત્રિક પણ છે , ભારતભરમાં અને આસપાસના પ્રદેશોમાં , તેમ જ હિમાલય તેમને પ્રિય છે. વાંચકોને તેને સીમાચિહ્નો વિષે તમારે કાંઈક કહેવાનું થાય ?

ઉ. : સૌ પ્રથમ તો એ કે સુભાષભાઈ યાત્રિક જ છે. બીજું એ કે જો હું સીમાચિહ્નો કે માઈલસ્ટોન્સ આપવા જઈશ તો સ્થિરતા આવશે અને યાત્રા નહિ રહે. મને અંગત રીતે એમ લાગ્યું છે કે જો આપણે ઈમોશનલ બેગેજ અને સાઈકોલોજિકલ લગેજને ચિત્તમાંથી ઉતારી ફેંકીએ તો જીવન આખું એક અદભુત રખડપટ્ટી છે.સરસામાન ખંખેર્યો કે જીવન એક અવિરત અંતહીન યાત્રા બની જાય છે. હાં , યાત્રાના આરંભે સ્વને એક પ્રશ્ન પૂછવાનો હોય છે ; હું મારી વાર્તાઓ અન્યને વહેંચવા જાઉં છું કે અન્યની વાર્તાઓ એકઠી કરવા જાઉં છું ? કે ઘણા તો બે-ત્રણ હજાર કિ.મી દૂર તો પહોંચે તો પણ ત્યાં પહોંચીને ઘરે ફોન કરે કે , ‘ મારો કોઈ ફોન તો ન્હોતો ને ‘ તો આ યાત્રા નથી. તો ઘણાંને આલીશાન બંગલાને સ્થાને તેની ચાવી બોજ બનતી હોય છે. સામાનમાં ઘરની ચાવી હોય તો તે યાત્રા નથી. પ્રવાસ એટલે પૃથ્વી અને આકાશ સાથે સંબંધ , વૃક્ષો-પંખીઓ-નદીઓ સાથે દોસ્તી અને નિરંતર સંવાદ કેડી સાથે. ચિત્તથી પ્રવાસ બનશે અને ચૈતન્યથી યાત્રા બનશે.


પ્ર. : સુભાષ ભટ્ટ એકંદરે આજીવન શિક્ષક જ રહ્યા. આ દીર્ઘ કારકિર્દીના ફળસ્વરૂપે તમારી શી નુકચેતની છે ?

ઉ. : આમ તો હવે આ શિક્ષક શબ્દ ખરી પડ્યો છે. સુભાષ ભટ્ટ એક વિદ્યાર્થી રહ્યા છે અને રહેશે. ‘ શિક્ષક ‘ શબ્દ એમ સૂચવે છે કે હું કોઈ એવા પડાવ પર આવી ઉભો છું જ્યાંથી હું કશુંક અધિકૃત રીતે કહી શકું. પણ મને તો એવું લાગતું નથી. એ ભૂમિકા સ્વીકારવાની મારી તૈયારી નથી અને એવી કોઈ અંતિમ ભૂમિકા છે તેમ પણ લાગતું નથી. કદાચ , છેલ્લા શ્વાસ સુધી સતત શીખતો રહે તેવો વિદ્યાર્થી રહીશ.


પ્ર. : આ ભૂમિકા તમે તમારા અંગત સંદર્ભોમાં કહી. ધારો કે શિક્ષણક્ષેત્ર વિષે તમારે કાંઈ નુકતેચીની કરવી હોય તો તમે શું કહો ?

ઉ. : આમ તો ધર્મ અને શિક્ષણ એવા બે સામાજિક આયામો છે. જેમાંથી લગભગ જીવનની દરેક સ્થૂળ અને સૂક્ષ્મ સમસ્યાઓનો ઉકેલ મળી આવે પણ આપણે તો ધર્મ અને શિક્ષણને સ્વયં જ સમસ્યા બનાવી નાખ્યા છે. પ્રેમ પણ બધી જ સમસ્યાઓનો ઉકેલ છે પણ આપણી સભ્યતાએ પ્રેમને પણ સમસ્યા બનાવી નાખ્યો છે. કદાચ આનો ઉકેલ બૌદ્ધિક સ્તરે ઉત્તરો એકઠા કરવામાં નથી પણ એકાદ ઉકેલને – ઉત્તરને સમગ્રતાથી જીવવામાં છે.


પ્ર. : આવતે વર્ષે આપ નિવૃત થવાના છો. ભવિષ્ય માટેની કોઈ સંકલ્પના અમારા વાચકો માટે સહિયારવા માંગતા હો.

ઉ. : નિવૃત્તિ શેમાંથી , એનો ઉત્તર સુઝતો નથી પણ એવું ચોક્કસ લાગે છે કે દરેક સંકલ્પો અને સંકલ્પનાઓમાથી મુક્તિ લઉ અને સમગ્રતાથી , છેલ્લા શ્વાસ સુધી , આનંદ બની અફાટ અને અગાધ જીવન જીવું. મારી આસપાસ જબરદસ્ત અને શાશ્વત જીવનોત્સવ ચાલે છે તેમાં ઓગળી જાઉં , બધી જ સ્વ-કેન્દ્રી સભાનતાઓ ખંખેરીને એવી પ્રાર્થના કરો કે બધી વ્યાખ્યાઓ , વિચારો , સંકલ્પનાઓ છૂટી જાય અને માત્ર અઢળક જીવન વધે. મને ખબર છે કે હું તો સાઠ વોટની ક્ષમતા ધરાવતો બલ્બ માત્ર છું જયારે જીવન તો અમાપ વિદ્યુત-ઉર્જા છે. મારા નાનકડાં એવા બૌદ્ધિક-માનસિક યુનિટમાં આ અપારને ઝીલવાની ક્ષમતા નથી. તોયે અગાધ જીવન મહાસાગરને બાથમાં અને આંખમાં લેવાના કોડ છે.


પ્ર. : તમે અફાટની વાત કરી , તે મને અગત્યનું લાગે છે. અફાટ જયારે માણસની સામે આવે છે ત્યારે જે ભય ઉભો થાય છે…

ઉ. : એ ભય મનનો છે. મારા મનને લાગે છે કે ચૈતન્યની અજસ્ત્ર ધારામાં હું ખોવાઈ જઈશ , ધોવાઈ જઈશ. કશું પણ અતિ બૃહદ સામે ઉભા રહેવાનું મન માટે આત્મહત્યા સમાન છે. તેથી જ જુઓને , આપણને બારીએથી આકાશ જોવાની મજા આવે છે. જયારે ખુલ્લામાં અફાટ આકાશ સામે ઉભવામાં ભય લાગે છે. બારીએથી જોવાતું આકાશ આપણી ક્ષમતાનુસારનું છે. કદાચ , જગતના બધા શાસ્ત્રોએ મને અનુકૂળ આવે તે રીતે જીવન અને જગતને સમજવાની વૃત્તિ તેમ જ પ્રવૃત્તિઓમાંથી ઉદભવેલ છે. એ શાસ્ત્રો ખંખેરી અને અફાટ જીવનને , અમાપ અસ્તિત્વને વિસ્ફારિત નેત્રે અને અઢળક અહોભાવ સાથે નીરખવાની ક્ષમતા એ જ આધ્યાત્મિકતાનો પ્રારંભ છે , વિકસતા ચૈતન્યની પરોઢ છે.

પ્ર. : વાહ! ખુબ ખુબ આભાર. સુભાષભાઈ , આને ખુબ જ સાર્થક મુલાકાત ગણું છું.આપનો ફરી વાર આભાર.

ઉ. : થેંક્યુ સર.


[ આખિરમાં તેમને અસ્મિતાપર્વ’માં પ્રબુદ્ધ વાણીમાં સાંભળવું એ એક લ્હાવા’થી કમ નહોતું. ]