ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,


1] આજની પોસ્ટ બઘડાટી બોલાવી દે તેવી રીચ અને વૈવિધ્યસભર બની છે ! [ અને તેટલી જ લાંબી પણ :: વાંચવામાં અને લોડ થવામાં તો ખરી જ પણ મને પણ આ પોસ્ટ બનાવતા બનાવતા સપ્તર્ષિ તારામંડળ દેખાઈ ગયું o_O ] રીચ ઇન ધ સેન્સ . . . આજે વાત છે ફેન્ટસી’ની , થ્રિલર’ની , સાઈકો’થ્રિલર’ની , ડ્રામા’ની , સાઈ-ફાઈ’ની , એક્શન’ની , એનીમેશન’ની , મિનીમલ મુવીઝ’ની . [ લખાણ’વાઈઝ પોસ્ટ રીચ હોવાનો દાવો હું ન કરી શકું , કારણકે રસોઈ પીરસવાની સારી આવડત એ સિદ્ધ નથી કરતી કે તમને સારી રસોઈ બનાવતા પણ આવડે છે ! ]

2] આજની પહેલા ક્યારેય પણ એક જ પોસ્ટ’માં મારા બધ્ધે’બધ્ધા મુવીઝ  8’નાં રેટિંગ’ને અડ્યા નથી [ પણ જે ક્યારેય નથી થતું તે ક્યારેક તો થાય જ છે : કર્ટસી – પ.પુ.ધ.ધુ નિરવ ]

3] ઉતાવળ ઉતાવળ’માં એ તો ભુલાઈ જ ગયું કે બે પોસ્ટ પહેલા જ હું 150’મી પોસ્ટ’નો આંકડો પાર કરી ગયો હતો ! 

4] 2014’ની વેસ્ટર્ન અને વર્લ્ડ’મુવીઝ પૂરી થવાની જ તૈયારીમાં છે [ કદાચિત હજુ વધુ બે પોસ્ટ્સ આવશે – થોડીક ટુંકાણ’માં અને ઉતાવળમાં , જયારે આજની પોસ્ટ તો ખુબ જ લાંબી છે , પણ પબ્લીશ થઇ ગયા બાદ હવે એ તમારો પ્રોબ્લેમ છે 😉 ]

5] આવનાર દિવસોમાં મંથલી રિવ્યુઝ’ની શ્રેણી અંગે એક કઠીન નિર્ણય લેવાનું મન બનાવવામાં આવ્યું છે [ પોસ્ટ નાની કે લખાણ નાનું કે લોડ થવામાં વાર લાગતી હોવાની વાત નથી કરતો , કારણકે તેમાં હું નિષ્ફળ રહ્યો છું .]


Total Movies – 9 ~ ~ ~ Pictures – 59 Still & 9 Gif

It would take 5 to 6 minutes to load the whole post .


Into the Woods , 2014

ચકી લાવી ચોખાનો દાણો અને ચકો લાવ્યો મગ’નો દાણો અને ખીચડી તૈયાર ! કઈક આવી જ રીતે સિન્ડ્રેલા , રેડ રાઈડીંગ હુડ , જેક & બિન’સ્ટોક’વાળો જેક , રાપુનઝેલ અને એક નિ:સંતાન બેકર દંપતી , આ બધી જ ફેન્ટસી’ની ખીચડી જેવી મહા’ફેન્ટસી’માં ભેગા થયા છે – અથવા તો કરાયા છે !

i3

હવે બીજી વાત : મને થોડો ઘણો અણસાર તો હતો જ કે આ એક મ્યુઝીકલ છે અને આખરે તે આશંકા સાચી પડી . . . પણ પડી તે , શું પડી !! મજા પડી 🙂 આટલી મસ્ત , ક્રિયેટીવ અને મોજીલી મ્યુઝીકલ મુવીઝ મેં હજુ સુધી નથી જોઈ ! એકેએક ગીત’માં , શબ્દોમાં અદભુત’ની કક્ષાએ મહેનત કરાઈ છે કે તમે જે’તે ઘટનામાં / ક્ષણોમાં પરોવાઈ જાવ !

i4

પહેલા તો એક ફેન્ટસી’ની માફક જ સૌ કોઈ સારા પાત્રો’ની ઈચ્છા’ઓ પૂરી થાય છે અને બધા ખાધું , પીધુને રાજ કરવા’વાળી સિચ્યુએશનમાં રાચે છે પણ ખરી મજા અને સ્પાઈસી ટ્વિસ્ટ મુવીના બીજા હાફ’માં આવે છે કે જયારે ઘરેડ ભાંગે છે , સમતુલા ખોરવાય છે અને હરેક જોડી પોતાનું એક સાથી ગુમાવે છે ! એક’ની વિશ અન્યો માટે વિષ સાબિત થાય છે . . . પણ , આખરે બધું જ પાર પડે છે , ઇન્ટુ ધ વુડ્સ’માં [ મતલબ કે જંગલ’માં મંગલ ! ]

આ મુવી’નું ખરું જીવંત તત્વ તેના ગીતો છે , તેનો એ લિરીકલ ફલો અને નરેશન છે [ અને ઓછામાં ઓછી સ્પેશીયલ ઈફેક્ટસ પણ ધારી અસર નીપજાવે છે ] પહેલું તો , મુખ્ય ગીત ” I Wish . . . ” જ કમાલ’નો ટેમ્પો જમાવે છે અને ત્યારબાદ અન્ય ગીતો પણ  . . જેમકે ; બેકર દંપતી’નું મૂંઝવણ અને દ્રિધા દર્શાવતું ” And / Or ” સોંગ , બંને પ્રિન્સ ભાઈઓ’નું કમાલ’નું કરીઝમેટીક અને ચાર્મિંગ એવું ” Agony ” સોંગ , Fault સોંગ , No One’s Alone , Truly અને મસ્તીની વિચ એવી Meryl Streep’નું હરેક સોંગ 🙂 મ્યુઝીકલ ફિલ્મો જો પચાવી શકો તો મસ્ત અને મસ્ટ વોચ .

Me :  8 / 10 < No one is alone . | I Wish . . 

IMDb : 6.1 / 10 [ 72,000 + People ] – by June 2015


Maleficent , 2014

યાદ છે , સ્લીપિંગ બ્યુટી ? એવું સુતું સૌંદર્ય કે જેને ખરો પ્રેમ જ જગાવી શકે . . . ડિઝની’ની આ ઓલટાઈમ ક્લાસિક’નાં ઘણા વર્ઝન બન્યા પણ આ વખતે આ જ કથા પેલી દુષ્ટ પરી’નાં એંગલ’થી કહેવાઈ !! કે શું કામ તેણે નાનકડી નિર્દોષ રાજકુમારી’ને આવો ભયાનક શ્રાપ આપ્યો ? મતલબ કે એકરીતે અહીંયા ભૂતકાળ’નો પણ ભૂતકાળ ઉખેળાશે .

m6

તે દુષ્ટ પરી હતી , મેલેફીસંટ [Angelina Jolie] પણ શરૂઆત’માં તે આવી ન હતી ! તો તેની સાથે ખરેખર શું થયું હતું કે તેણે આવો પ્રતિશોધ લેવો પડ્યો કે જ્યાં પહેલા પણ જંપ ન હતો અને હવે તો એ અજંપો ઉલટાનો વધી ગયો [ પણ એ બેક’સ્ટોરી હું નહિ કહું , કારણકે તેનાથી જોવાની મજા બગડી જશે ] શ્રાપ એ હતો કે રાજકુમારી 16 વર્ષ’ની થશે ત્યારે એ અનંત નિંદ્રા’માં ચાલી જશે અને ખરા પ્રેમ’નું ચુંબન જ તેણીને જગાડી શકશે , પુન: જીવંત બનાવશે .

MALEFICENT

જેમની મૂળ પ્રકૃતિ જ કરુણા’ની હોય તેઓ ધિક્કારી નથી શકતા , આખરે એ ખડક’ને ઝરણું બનીને વહેવું જ પડે છે . બહાર ભલે ગમે તેટલી કાળાશ ચડી ગઈ હોય પણ પ્રેમ’નું , પસ્તાવાનું વિપુલ ઝરણું તેને ધોઈને જ જંપે છે . . ક્યારેક ક્યારેક દુર્ઘટના’ઓ / દુર્ગમ સંજોગો / વિશ્વાસઘાત વ્યક્તિ’ને ઊંડા અંધકારમાં એવો તો પટકી દે છે કે કદાચિત તેને કોઈ આશાનું કિરણ દેખાય તો પણ તે ત્યાં જવાનું ટાળે છે , રખે ને ફરી આ જ અંધકારમાં પટ્કાવું પડે તેની બીક’માં . . પણ અહીંયા આશાનું એ કિરણ હતું એક બાળકનું નિર્ભેળ હાસ્ય , નિર્મળ સ્પર્શ . કે જે મેલેફીસંટ’ને ફરી જીવનમાં લાવે છે [ જી હાં , ખરેખર તો જીવન’ની જરૂરત રાજકુમારીને પડવાની હતી પણ હકીકત’માં મેલેફીસંટ જ પોતાનું જીવન ખોઈ બેઠી હતી ] આવી અને કઈ કેટલીય સુંદર અનુભૂતિઓ આ મુવી ખુબ જ પાતળી સ્ટોરી’લાઈન અને આખિર’માં અંત તરફ ઓછું ડેવલપમેંટ હોવા છતાં જગાવી ગઈ ! કારણ ? સહજ અને સુંદર અભિવ્યક્તિ અને તેવો જ સુંદર અભિનય અને મુર્સ’નું અદભુત જગત !

m3

દગો ખાધેલી મેલેફીસંટ’માં અદભુત પ્રાણ ફૂંકતી ગમતીલી Angelina Jolie અને તેવી જ રીતે કુદરત’નાં ખોળે ઉછરેલી સરળ અને સહજ એવી અરોરા’નાં પાત્રમાં Elle Fanning ખુબ જ સુંદર જોડી જમાવે છે [ એન્જેલીના’ની આંખો અને એલ’નું હાસ્ય – માર સુટીયા ઈફેક્ટ ! ] અને પેલી ત્રણ ડફોળ પરીઓ !? [ ગજબ’ની લાઈવ અને નાઈવ ] અને આ સર્વે પાત્રો ઉપરાંત પોતે પણ ધબકતું પેલું મુર્સ’નું સ્વપ્નવત રણીયામણું જગત . . ઓહોહો ! જસ્ટ જબરદસ્ત [ પોતાની પહેલી જ ફિલ્મ ડીરેક્ટ કરનારા ડિરેક્ટર Robert Stromberg ખરેખર તો સ્પેશીયલ ઈફેક્ટસ’નાં ‘ ખાં ‘ છે કે જેઓને અવતાર અને એલીસ ઇન વન્ડરલેંડ’ની ઈફેક્ટસ માટે બબ્બે ઓસ્કર મળી ચુક્યા છે o_O ]

m5

Me :  8 / 10 < . . . I Wonder !

IMDb : 7.1 / 10 [ 2,08,000 + People ] – by June 2015


Pride , 2014 [ England ]

ઓકે , તો આ મુવી’નો મુખ્ય વાર્તાપ્રવાહ ‘ હોમોસેક્સ્યુઅલ્સ ‘ની આસપાસ ફરે છે , તો જે લોકોએ પહેલેથી જ કશું જાણ્યા વિના નાકનું ટીચકું ચડાવીને નીકળી જવું હોય , તે ડાયરેક્ટ  [ તત્કાલ ] બીજા મુવી’ની વાતો પર જઈ શકે છે અથવા તો આગળ વાંચવું હોય તો વાંચી શકે છે કેમકે આ મુવી અન્ય મુવી જેટલું જ નોર્મલ અને છતાં પણ કોઇપણ લવ’સ્ટોરી કે ડ્રામા કરતા વધુ ચાર્મિંગ અને પોઝીટીવ છે !

p1

વાત છે , 1984’ની કે જયારે લંડન’માં માર્ગરેટ થેચર’ની સરકાર અને કોલ માઈનર્સ વચ્ચે જબ્બર ગજગ્રાહ ચાલી રહ્યો હતો અને બધા વર્કર્સ અનિશ્ચિત મુદ્દત’ની હડતાલ પર ઉતરી ગયા હતા , પણ આ રોજબરોજ’નાં ન્યુઝ’માં જબરું કવરેજ મેળવતી ઘટના’ની અડોઅડ જ એક બીજી ઘટના’નાં અંકુર ફૂટી રહ્યા હતા : અને તે હતી , ગે ‘ લોકોના સન્માન અને અધિકારો’નાં રક્ષણ’ની . ‘ ગે ‘ લોકો’નો જુવાળ ધીમે ધીમે ઉભરી રહ્યો હતો પણ કોઈ કરતા કોઈ તેમને ધ્યાન’માં નહોતું લેતું કે ન તો સન્માન આપી રહ્યું હતું . પણ એકદા , માર્ક [ Ben Schnetzer ] નામનાં એક જોશીલા અને ચબરાક ગે એક્ટીવિસ્ટ’ને કૈક સુઝે છે કે શા માટે ન , આપણે ગે અને લેસ્બિયન’નું એક ગ્રુપ બનાવી’ને આ વર્કર્સ’નાં પરિવારોને ફાળો કરી આપીએ ! આગળ જતા જે થશે એ થશે પણ આપણી ઓળખ’નો કૈક તો પડઘો મળશે [ હકારાત્મક કે પછી નકારાત્મક ! ] પણ આ લોકોનું નામ સાંભળતા જ ભલભલા વર્કર્સ યુનિયન છણકો મુકતા અને પછી તેમના નામ પર ચોકડી ! પણ ફરી પાછું એકદા ‘ વેલ્સ ‘ પરગણા’માંથી કૈક પોઝીટીવ જવાબ મળે છે અને આ લોકો [ LGSM : Lesbian & Gay supports the Miners ] નીકળી પડે છે , તેમને મળવા અને ફાળો આપવા !

p3

પણ વાત અહીંયા પૂરી નથી થતી , બલ્કે શરુ થાય છે : એ યુનિયન દ્વારા ‘હાં’ તો પડાઈ ગઈ પણ ટાઉન’નાં લોકો દ્વારા , આ લોકોનો સ્વીકાર થવો હજુ બાકી હતો [ અને સરવાળે તથા લાંબા ગાળે પુરા દેશ દ્વારા ] ધીમેધીમે બંને લોકોની દુનિયા નજીક આવવા લાગે છે અને સંવાદિતા’નો એક સેતુ રચાય છે . ગે ‘ લોકોને પણ સંવેદના હોય છે , આ કોઈ રોગ નથી પણ અનુભૂતિનું જ વિખરાયેલું ગણિત છે કે તેઓ સમાન પાત્ર તરફ જ આકર્ષણ’ની લાગણી અનુભવે છે ! તેઓ પણ આખરે એક માણસ જ હોય છે અને આપણી જેમ જ નોર્મલ જીવન જીવતા હોય છે , તેઓ પણ સમાનતા અને સ્વીકૃતિ’ની એ જ ભાવના ઝંખતા હોય છે કે જેટલો એક સામાન્ય કાળો કે ગોરો / ગરીબ કે તવંગર માણસ ઈચ્છતો હોય છે . . . પણ નાં , હજુ પણ વાત થોડી અલગ જ છે . . આ મુવી’માં સંઘર્ષ’ની વાત તો છે જ પણ ‘ગે’ લોકોના સામાન્ય લોકો સાથેના સંઘર્ષ’ની નહિ , પણ કૈક બીજા જ સંઘર્ષ’ની [ મુવી જોવાયે આપોઆપ વાત સમજાઈ જશે – કારણકે ખરો સ્વીકાર તો આપણે આપણો જ કરવાનો છે , સમાજ તો બાદમાં આવે છે ! ]

p6

ઉલટાનું આ મુવી ‘ ગે ‘ કન્સેપ્ટ પર બનેલા મુવીથી થોડું અલગ , કૈક અલગ જ ખુશનુમા આબોહવામાં રાચે છે . જેટલું તે ઈમોશનલી રીચ છે તેટલું જ હળવું અને મોજીલું છે . અહીંયા કૈક એનર્જેટીક એવી સ્ટ્રોંગ ફિલ પકડાય છે ! વર્કર્સ અને ગે એક્ટીવીસ્ટ એમ બંને સમુદાયો’ની મુશ્કેલીઓ , મુદ્દાઓ’ને અહીંયા એકબીજામાં એટલા મસ્ત વણી લેવાય છે કે વાત પૂછો માં ! બે અલગ વાર્તાપ્રવાહો’માં અનહદ નાના મુદ્દ્દાઓ’ની અંદર ઘણા કલાકારો’એ થોડીક તો થોડીક વાર કૈક કમાલ કરી બતાવી છે [ અને એ રીતે સરવાળે , આ મુવી નોખી નોખી અને નાની નાની મોમેન્ટસ વાગોળતું મેજિકલ મુવી બની રહ્યું છે . ]

p2

આટલા બધા મસ્ત પાત્રો અને તેમાં પણ હરેક’માં અલમસ્ત કલાકારો : એક મૃદુભાષી સેક્રેટરી Cliff‘નાં પાત્રમાં કમાલ’નો  Bill Nighy , જબરદસ્ત લીડર એવી Hefina‘માં Imelda Staunton , નિડર અને બિન્ધાસ્ત એવી Sian‘માં Jessica Gunning , બંને જૂથ વચ્ચે પહેલી કડી બનનાર Dai‘માં Paddy Considine તથા ગે’એક્ટીવીસ્ટ ટોળકીમાં . . મુખ્ય અવાજ અને નીતનવીન શોધી લાવનાર Mark [ Ben Schnetzer ] , ઉગતો સ્વપ્નશીલ જુવાનીયો અને છુપાઈ’ને ભાગ લેતો એવો Joe [ George MacKay ] , ગ્રુપ’ની એકમાત્ર લેસ્બીયન એવી કમાલ’ની બટકબોલી મેમ્બર Steph [ Faye Marsay ] , ગે કપલ એવા Gethin અને Jonathan [ Andrew Scott & Dominic West ] અને અન્ય ઘણા કમાલ’નાં પાત્રો [ હાંફી ગયો 😉 ] અને આ બધા’ઓએ જ કમાલ’નાં દ્રશ્યોમાં રીતસર જીવ ફૂંક્યો છે કે આ મુવી કોઈને કોઈ દ્રશ્યમાં રીતસર’ની તમને યાદ રહી જશે : જેમકે ; 1] શરૂઆત’માં જ આવતું ટેલીફોન’નું  ટ્રીન ટ્રીન દ્રશ્ય 2] નોટીસ’ને વારેવારે સ્ટેપલ કરાતું દ્રશ્ય 3] એક ગે કપલ’ની સાથે બેઠેલી એક લેડી વર્કર એમ પૂછે છે કે તમારા બેમાંથી ઘરકામ કોણ કરે છે ? 😉 4] એક દાદીમાં લેસ્બીયન અંગેની ભ્રમણા’ઓ ક્લીયર કરે છે , ત્યારનું દ્રશ્ય 5] વર્કર લેડીઝ’નું જૂથ જયારે ગે કપલ’નાં રૂમ’માં ઉતરે છે , ત્યારનું જબ્બર હિલેરીય્સ દ્રશ્ય 😀 6] જોનાથન’નો કમાલ’નો ડાન્સ . . અને આવા તો કેટલાય નાના નાના મોજીલી ક્ષણો’થી ઉભરાતા દ્રશ્યો .

Me :  8 to 8.5 / 10 < Have some Pride , B’coz Life is short . 

IMDb : 7.8 / 10 [ 23,000 + People ] – by June 2015


The Double , 2014 [ England ]

તમે છો , છતાં પણ નથી ! તમે એમને ઓળખો છો પણ ઘણા વર્ષો બાદ પણ તેઓ તમને ઓળખવાનો ઇન્કાર કરી દે છે !! એક હદ બાદ અત્ર , તત્ર , સર્વત્ર  મળતી આ અવગણના તમને તમારી નજરોમાં જ તુચ્છ બનાવી દે છે . . આખી ખાલી પડેલી ટ્રેન’માં પણ એક વ્યક્તિ આવીને તમને એમ કહે છે કે આ મારી જગ્યા છે , ઉભો થા ! અને તમે ઉભા થઇ જાઓ છો . . ઓફીસ’નાં કોઈ તમને ગણતા તો ઠીક ઓળખતા પણ નથી તેવો ડોળ કરે છે . તમારા કોઈ મિત્રો નથી કે નથી કોઈ સ્વજન કે જેમની આગળ હૈયાવરાળ ઠાલવી શકાય અને એક હદ બાદ વિચિત્ર એવા આ માહૌલ’માં તમારું અસ્તિત્વ જ ભૂંસાઈ જાય છે 😕

d5

આ વિચિત્ર વાત છે , સાઈમન જેમ્સ’ની [ Jesse Eisenberg ] કે જે એકલો છે [ કેમકે પરિવાર’માં એકમાત્ર સદસ્ય એવી ‘ માં ‘ પણ પાગલ થઇ ચુકી છે ! ] એકલા કરતા વધુ તો તે એકલવાયો , અંતર્મુખી અને બીકણ’ફોસી છે . અને માટે જ [ અથવા તો ખબર નહિ પણ કેમ ] ગાર્ડ , વોર્ડન , વેઈટ્રસ , બોસ’થી લઈને હરેક આલીયો’માલિયો તેની પત્તર ઝીંક્યા રાખે છે , દબાવે રાખે છે – લોકો તેને ઓળખતા હોવા છતાં ઓળખવાનો ઇન્કાર કરી દે છે [ જેમકે ; આઇકાર્ડ ખોવાઈ જતા ગાર્ડ તેને ઓફિસમાં આવતો અટકાવી દે છે , કારણ ? ગાર્ડ કહે છે કે તેણે તેને આ પહેલા જોયો સુધ્ધા નથી ! : આજ રીતે એક પાર્ટીમાંથી પણ તેને ફેંકી દેવાય છે ] પણ ખરી મજા , રહસ્ય અને ટ્રેજેડી કમ કોમેડી હવે એ આવે છે કે જ્યારે તેનો જ એક ડુપ્લીકેટ તે જ ઓફીસ’માં આવે છે અને ઘરથી લઈને ઓફીસ , રેસ્ટોરાં સુધ્ધાં’માં છવાઈ જાય છે !! લોકો તેની વાહ’વાહ કર્યે રાખે છે , બોસ વખાણ કરતા થાકતો નથી , છોકરીઓ તેની આગળ’પાછળ ઘુમરાયે રાખે છે , વેઈટ્રસ મેનુ’માં ન હોવા છતાં હોંશે હોંશે સર્વ કરે છે અને હદ તો ત્યારે થાય છે કે જયારે સાઈમન’ને ગમતી હન્ના’ને [ Mia Wasikowska ] પણ આ ડુપ્લીકેટ ઈમ્પ્રેસ કરી જાય છે ! મુખ્યત: સાઈમન’ને જેટલો આંચકો આ પોતાના જેવા જ દેખાતા માણસને જોઇને લાગ્યો તેવો અન્ય લોકોને કેમ ન લાગ્યો ?? કોણ હતો આ પ્રતિરૂપ ? તેનામાં કઈ ન હોવા છતાં લોકો ખાલીખોટા તેની પાછળ શું કામ ગાંડા થયા ? . .  તેનું નામ હતું : જેમ્સ સાઈમન ❗ [ સાઈમન જેમ્સ’થી ઊંધુંદેખાવ’ની સામ્યતા’ને બાદ કરતા તે હરેક પહેલુંમાં સાઈમન કરતા વિરુદ્ધ હતો :: ફલર્ટ , આળસુ , બણગાઠોક , ખંધો , કેરેક્ટરલેસ ]

d3

આ મુવી કોઈ હિરોઈક ટેલ નથી કે નથી કોઈ દાંત કરડી ખાઓ એવી થ્રિલર !! તો આ મુવી છે શું ? તે જ તો તમારે જોવાનું છે , કેમકે નથી આ કોઈ કોમેડી કે નથી આ કોઈ ટ્રેજેડી , પણ જો કાઈ છે તો તે બંને વચ્ચેની એવી ” બ્લેક કોમેડી ” . મુવીના હરેક પાત્ર ,ઘટના અને સ્થળ’માં ઠાંસી ઠાંસી’ને મેટાફોર ભરાયો છે , માટે એમ કહી શકાય કે આખેઆખું મુવી જ એક મિરર જેવી દુનિયા ઉભું કરતુ ગ્રાંડ મેટાફોર છે ! મૂળે આ મુવી મહાન રશિયન સર્જક એવા Fyodor Dostoevsky’ની કૃતિ The Double પર આધારિત છે [ અને આ જ કન્સેપ્ટ પર આધારિત અન્ય એક મુવી પણ કદાચિત આગલી પોસ્ટ’માં આવશે : Enemy , પણ તેમાં કોઈ કોમિક એલિમેન્ટ નથી : આ બંને સમાન કન્સેપ્ટ પર આધારિત કૃતિઓ કે જે એકસમયે ફિલ્મ બનાવવા માટે અઘરી મનાતી , તેના પર એક જ વર્ષમાં બબ્બે ફિલ્મો આવે તે જ કેવું આશ્ચર્ય ! જોકે Enemy 2002’માં આવેલ José Saramago’ની The Double પર આધારિત છે !! ]

d7

ઓળખાણ મેળવવા , માન્યતા મેળવવા , સ્વીકાર પામવા અને આખરે પ્રેમ પામવા માટે સાઈમન કેટકેટલી વિચિત્ર પરિસ્થિતિઓ’માંથી પસાર થાય છે કે ઘડીક તો ડર લાગે , ઘડીક રમુજ થાય તો ઘડીક કોઈ રહસ્યોદ્ઘાટન’ની રાહમાં રોમાંચ થાય ! દેખાવે એકબીજા જેવા જ પણ વાણી / વર્તન / વ્યવહારે એકબીજાથી તદ્દન સામા છેડાના બંને વ્યક્તિત્વો ઉપજાવવામાં Jesse Eisenberg‘એ કોઈ કસર છોડી નથી , તે હદે તે બંને પાત્રોમાં બિલીવેબલ લાગે છે [ એક જ ક્ષણે , એક જ દ્રશ્યમાં ડોબો , ડફોળ , ભોળો , ખંધો અને અકળ – – Hats Off Jesse Eisenberg અને તેને એટલી જ ટકકર અકળ એવી હન્ના’નાં પાત્રમાં Mia Wasikowska’એ પણ આપી છે , યાદ છે સ્ટોકર ?] તે સાથે જ ઓફીસ / કોલોની / ટ્રેન’નો એ રહસ્યમય માહૌલ પણ સતત કૈક અંડરકરંટ વહેતો રાખે છે [ કે હમણાં કૈક ખરાબ થશે . . એ મર્યા ! ડીપ્રેસીવ અને ભયજનક એટ્મોસ્ફીયર ]

d6

અદભુત દ્રશ્યો અને પાત્રોમાં : 1] પહેલું જ દ્રશ્ય , ટ્રેન’નું સુટકેસ’વાળું 2] વિચિત્ર ઓફીસ / વિચિત્ર કામ / વિચિત્ર બિલ્ડીંગ અને રહસ્યમયી કર્નલ ! 3] સાઈમન’નો પ્રિય ટીવી શો 4] સાઈમન’નું સામેની બારીમાં ટેલીસ્કોપ’થી તાકવા દરમ્યાન થતું એક વેવિંગ સ્યુસાઇડ 5] રેસ્ટોરાં’ની વિચિત્ર વેઈટ્રસ

6] સનકી અને જિદ્દી એવો ગાર્ડ 7] લિફ્ટ’માં સલવાઈ જવાની અલગ અલગ મોમેન્ટસ 8] બંને જોડિયા’ઓનું ટ્રેન અને રેસ્ટોરાં’નું દ્રશ્ય 9] સાઈમન’નો રજીસ્ટ્રાર સાથેનો પોતાનો સિસ્ટમ’માં હોવા અંગેનો વિવાદ અને પેલાનું સતત નકાર ભણતા રહેવું [ અદભુત : ફ્રસ્ટેશન’ની પરાકાષ્ઠા ] 10] અને સાઈમન અને તેની માં’નાં દ્રશ્યો !

d4

મુવી’માં આવતો એક સંવાદ : જાણે કે હું લોસ્ટ , લોન્લી અને ઈનવિઝીબલ છું [ જીવન’નાં કોઈને કોઈ તબક્કે હરેકને આ અહેસાસ થયો જ હશે અથવા તો થશે ! થોભો અને રાહ જુઓ ] ડિરેક્ટર Richard Ayoade‘નું એક માસ્ટરપીસ [ તેમનું જ 2010’માં આવેલું રોમ-કોમ Submarine પણ વિશલીસ્ટ’માં છે ]

Me :  8 to 8.5 / 10 < You don’t exit anymore ! 

IMDb : 6.5 / 10 [ 26,000 + People ] – by June 2015


Locke , 2014 [ England ]

યાદ છે , ગયા વર્ષે એક મીનીમલીસ્ટ ફિલ્મ’ની વાત કરેલી ? : ” All is Lost ” કે જ્યાં પાત્રો કે સ્થળ , આખી મુવી દરમ્યાન મર્યાદિત હોય , ઓછામાં ઓછા હોય . . અને આ વર્ષે પણ એક આવી જ માસ્ટરપીસ મુવી જોવા મળી : Locke . એક વ્યક્તિ તેની શિફ્ટ પૂરી કરીને BMW X5 કાર’માં નીકળી પડે છે અને છેક આખિર સુધી મુવી પત્યે પણ ગાડીમાંથી બહાર નીકળતો નથી ! એક તે અને બીજી આ ગાડી !! અને રસ્તામાં જ સઘળો ઘટનાક્રમ આરંભાય છે અને ઉવેખાય છે . . .

l1

એક જ ભૂલ માણસ’ને ક્યાંથી ક્યા લઇ જઈ શકે છે તેના કરતા પણ તે ભૂલનો સાહસિક એકરાર કરવા જેટલી હિંમત અને વાસ્તવિકતા’નું ભાન એક માણસ જયારે કરે ત્યારે શું શું થાય અને શું શું વીતે , તેની જ આ દાસ્તાન છે . થોડીક , ઊલટાની આખી સ્ટોરી કહી દઉં તો પણ સ્પોઈલર નહિ કહેવાય , માટે થોડોક અણસાર આપી દઉં . . . ‘આઇવન લોક‘ [Tom Hardy] એક પ્રતિષ્ઠિત અને સિનીયર સિવિલ એન્જીનીયર હોય છે અને પત્ની તથા બે બાળકો સાથે સુખી સંસાર’માં મ્હાલતો હોય છે અને આગલી જ સવારે યુરોપ’ની એક સૌથી મોટી બિલ્ડીંગ’નાં પાયામાં જે રેકોર્ડ’બ્રેકર કોન્ક્રીટ ઠલવાવાનું હોય છે , તેનો તે ચીફ એન્જીનીયર હોય છે – મતલબ કે સુખ , સફળતા અને પ્રતિષ્ઠા’નો ત્રિવેણી સંગમ . . . પણ ભૂતકાળની એક જ ભૂલ તેને ભારે પડે છે , ઉલટાનું આ ભૂલને સ્વીકારવાનું જ તેને ભારે પડે છે ! મતલબ ?? થોડા જ મહિનાઓ પહેલા નશાની હાલતમાં થયેલા જિંદગી’નાં એકમાત્ર અફેર સ્વરૂપે તેને જાણ થાય છે કે તે સ્ત્રી’ને પ્રસુતિ’ની પીડા ઉપડી છે અને કોઇપણ ક્ષણે તે અનૌરસ સંતાન’નો પિતા બનવા જઈ રહ્યો છે o_O

l5

પણ તે આગલી સવાર’નું જ તે તોતિંગ કામ પડતું મેલીને અને પોતાના સુખી સંસાર’ને પોતાના હાથે જ પૂળો ચાંપીને નીકળી પડે છે , એક લાંબી સફર પર . . . શું કામ ? પણ શું કામ ?? Damn it , પણ આખરે , શું કામ ?? એ જ તો તમારે જોવાનું છે 🙂 જી નાં , આ કોઈ થ્રિલર નથી પણ આ એક વાસ્તવિકતાને પણ ટકકર મારે તેવો ક્લાસિક ડ્રામા છે કે જ્યાં માત્ર એક જ પાત્ર છે અને છે તો બીજા અઢળક અવાજો ! રાત્રે ડ્રાઈવિંગ દરમ્યાન અનહદ ફોન’કોલ્સ તે વાયા બ્લુ’ટુથ અટેન્ડ કરે છે અને દરમ્યાન જ તેનું પડતું મુકાયેલું કામ’ને મઠારવું  , પત્ની સમક્ષ ભૂલનો નિર્દંભ એકરાર અને પોતાના પ્રિય પરિવાર’ને તૂટતા જોવું , વાયદા પ્રમાણે ફૂટબોલ’ની મેચ ન જોઈ શકાતા પુત્ર’ને સમજાવતા રહેવું અને એ અજાણ્યા દગા’નો ભાર વેઠવો , પેલી સ્ત્રી’ને પણ હોસ્પિટલ’માં સતત સધિયારો આપતા રહેવું અને આખરે પોતાના પિતા સાથે પણ બઘડાટી બોલાવતો રહે છે ! પિતા સાથે બઘડાટી ? પણ તે તો એકલો હતો અને તેના પિતા તો . . . .

l4

રિઅર મિરર’થી ચાલતા રહેતા ભૂતકાળ તરફ’નાં દર્દીલા અને ડંખીલા મોનોલોગ્સ અને GPS વડે ભવિષ્ય તરફ ન છૂટકે દોરવાતો વર્તમાનએમ આ બંને મેટાફોર સતત એક સળંગ જીવન રચે છે . એક વ્યક્તિ ડ્રાઈવર’સીટ જેટલી બંધિયાર જગ્યાએથી જ પોતાના બંધિયાર ભવિષ્ય તરફ આગળ વધે છે . ભૂતકાળ’ની ભૂલથી વર્તમાન’ની ભૂલ’નું અનુસંધાન રચાય છે પણ ભવિષ્ય કઈક સાહસિક અને નોખું જ બને છે ! આ મુવી જેટલું અભિનય અને દિગ્દર્શન’માં અવ્વલ છે તેટલું જ વિઝ્યુઅલ્સ અને લાઈટીંગ’માં પણ અવ્વલ છે . જે-તે વિષય’નાં જે-તે મુદ્દે મુવી ગજબ’નું સ્વતંત્ર લાગે છે પણ એક્તંતુ’એ પોરવાતા અજબ’નું સળંગ લાગે છે [ જેમકે ; પોતાના જુનીયર ‘ડોનલ’ સાથેની કોન્ક્રીટ અંગેની માથાઝીંક , પુત્ર એડી સાથે મેચ’ની વાતો , પત્ની સાથે એક’પક્ષીય ઝઘડો , પેલી સ્ત્રી સાથે લમણા’ઝીંક , પેલા રિઅર મિરર’વાળા મોનોલોગ્સ અને અન્ય ઘણું બધું ]

l3

Tom Hardy‘નો અદભુત એકપાત્રીય અભિનય , લેખક કમ દિગ્દર્શક એવા Steven Knight‘નો અદભુત કંટ્રોલ અને વિઝન , Justine Wright‘નું ક્યાય પણ ન ખુંચે તેવું સ્મુધ એડીટીંગ , Haris Zambarloukos‘ની કમાલ’ની અને નેવે નેજા ચડાવી દે તેવી અઘરી છતાં પણ સતત વહેતી રહેતી લાઈટીંગ’નાં અદભુત નિયંત્રણ’વાળી સિનેમેટોગ્રાફી અને આ બધાને એકદોરે પોરવતું જીવંત એવું Dickon Hinchliffe‘નું બેકગ્રાઉન્ડ મ્યુઝીક . એક નવીન અને નિરાળું માસ્ટરપીસ મુવી .

Me :  8.5 to 9 / 10 < You leave concrete behind you everywhere .

IMDb : 7.1 / 10 [ 64,000 + People ] – by June 2015


Inherent Vice , 2014

અહીંયા કઈક છે ! પણ શું ? તે ખબર નથી . . ખીજ ચડે છે પણ ક્રમશ: ઈંતેઝારી પણ વધતી જાય છે [ જાણે કે મીઠી ખંજવાળ ! ] અહીંયા કોઈ લોજીક નથી કે નથી કોઈ ખુલાસો , પણ જે કાઈ સ્ક્રીન પર ચાલ્યા કરે છે જોવાની મજા પડે છે ! આ વાત છે , માસ્ટર ડિરેક્ટર ‘ Paul Thomas Anderson ‘ની 70’નાં દશકા’ની લોસ’એન્જેલેસ’ની હિપ્પીઓ’ની દુનિયાની , ડ્રગ્સ’વર્લ્ડ’ની , ક્રાઈમ’વર્લ્ડ’ની , પોલીસો’નાં ધાડેધાડા’ની , 60’થી 70’નાં દશક’નાં પરિવર્તન’ની અને તેના પ્રતિકાર’ની , રિયલ એસ્ટેટ’ના વધતા કદ’ની , વિયેતનામ યુધ્ધ અને નિક્ષન એરા પર માછલા ધોવાવા’ની અને ફાઈનલી , આ બધા વચ્ચે સલવાઈ જતા અને તેમાં પણ રોમાંચ , આશ્ચર્ય તથા આંચકો અનુભવતા એવાડોકની [ Joaquin Phoenix ]

iv5

ડોક એક પર્સનલ ઇનવેસ્ટીગેટર ઉર્ફે ડીટેકટીવ હોય છે અને આ બધા રમખાણ વચ્ચે તે એ રીતે આવી પડે છે કે જયારે તેની એક્સ’ગર્લફ્રેન્ડ શાસ્તા [ Katherine Waterston ] તેને રીયલ એસ્ટેટ મુગલ એવા મિકી પર નજર રાખવાનું કહે છે , કેમકે તેને એવી શંકા હોય છે કે મિકી’ની વાઈફ અને વાઈફ’નો બોયફ્રેન્ડ મિકી’ને પાગલ ઠેરવીને તેની બધી સંપતિ ઓળવી જવા માંગે છે [ કારણકે શાસ્તા એવું કહે છે કે તે મિકી’ની ગર્લફ્રેન્ડ હોય છે !! ] જોયું ! છે ને વિચિત્ર પ્લોટ ?! એટલું જ વિચિત્ર છે આ બધું જ સ્ટોરી સેટઅપ કરતુ આ ઉપર’નાં સંવાદ’વાળું દ્રશ્ય ! અને તેની અસર’રૂપે આગળ વધતું સમગ્ર મુવી o_O આટલું વિચિત્ર અને છતાં પણ કમાલ’નું ક્રિયેટીવ , સ્ટાયલીશ , મિસ્ટિક , ચાર્મિંગ , ફની , પરફેક્ટ રેટ્રો મુવી મેં ક્યારેય નથી જોયું !!

iv6

મોસ્ટ ઓફ ધ ટાઈમ , સ્ટોરી ક્યાંથી ક્યા કુદાકુદ કરતી હોય તે જ સમજવામાં દિમાગ’નું દહીં થઇ જાય ! મહત્તમ દ્રશ્યોમાં તો અંતવિહીન અને પરિણામવિહીન ચર્ચાઓ ચાલતી જ રહે અને છતાં પણ આગળ’નાં દ્રશ્યમાં શું આવે તેની ઇન્તેઝારી રહે ! પૂરી મુવીમાં એટલી તો સડન ઉર્ફે સટ્ટાક કરીને આવી પડનાર મોમેન્ટસ છે કે . . કાં તો તમે ઝાટકો ખાઈ જાવ કાં તો અટ્ટહાસ્ય કરી મુકો ! [ જેમકે , એક દ્રશ્યમાં LAPD’ની બહાર ડોક’ને ધક્કો વાગતા તે ગડ્ગોથું ખાય જાય છે : મારું સૌથી પસંદીદા દ્રશ્ય ] અને બીજા એવા જ ડોક અને ડોક જેવા હિપ્પી’ઓને નફરત કરતા ઇન્સ્પેકટર તરીકે બીગફૂટ [ Josh Brolin ] ‘નાં સઘળા દ્રશ્યો ! આ બંને પાત્રો ડોક અને બીગફૂટ’ની લવ-હેઇટ રીલેશનશીપ જોવાની મજા પડી જશે અને એ સીલી મોમેન્ટસ યાદ કરી’કરીને હોઠો પર મુસ્કાન આવતી રહેશે 🙂

iv7

પણ બીગફૂટ’નો પ્રોબ્લેમ શું હતો ? શાસ્તા અને મિકી આગળ જતા ક્યા ગુમ થઇ ગયા ? વચ્ચેથી જ સાવ નવી વાર્તા’નાં પાત્રો તરીકે આવતા હોપ અને કોય [ Owen Wilson ]’નું આ બધું બખડજંતર શું હતું ? આ બધું શું ચાલી રહ્યું છે ?? [ ઇતના સન્નાટા કયું હૈ , બોલો બસંતી ?! 😉 ] – – આ કોઈ કરતા કોઈ પ્રશ્નોના જવાબો તમને નહિ મળે !! અને જો મળશે , તો પણ માથું ખંજવાળતા રહી જશો !!! કેમકે આ એક એવું મુવી છે કે જેનો કોઈ અર્થ નથી , કોઈ લોજીક નથી અને છતાં પણ તેનો મેજિક છાપરે ચડીને તમારા પર ભૂરકી છાંટી જશે !

iv3

જેમકે મેં કહ્યું તેમ સ્ટોરી શું છે ? ક્યા જાય છે ? ક્યાંથી ઉદભવી હતી અને આખીરમાં તેનું પરિણામ શું આવશે . . તે બધામાં કાઈ કરતા કઈ ખબર નહિ પડે અને છતાં પણ મજા પડે તો તેનું એકમાત્ર કારણ છે કે અદભુત પાત્રો [ અને કલાકારો’નો અદભુત અભિનય ] અને તેમની વચ્ચે’ની મસ્ત કેમેસ્ટ્રી : જેમકે ; ડોક અને બીગફૂટ’ની સ્ટોરી’લાઈન , ડોક અને શાસ્તા’ની મિસ્ટ્રી રીલેશનશીપ અને આખીરમાં ડોક અને કોય’નાં પેલા ધીમા ફૂસફૂસાતા સંવાદો’ની હારમાળા 🙂 ઘણા એટલે ઘણા દ્રશ્યો લાજવાબ બન્યા છે ; જેમ કે ડોક’નું ફોલડાઉન [ આ મુવી માટે ઓસ્કાર’નો હકદાર એવો વુલ્વરીન જેવા લુક’વાળો Joaquin Phoenix ] , ડોક’ની બીગફૂટ દ્વારા ધોલાઈ અને જાપાનીઝ રેસ્ટોરાં’નું પાન’કેક’નું દ્રશ્ય [ ગબ્બર અને જબ્બર એવો Josh Brolin ] , શાસ્તા’વાળું પહેલું દ્રશ્ય , શાસ્તા’ની રી’એન્ટ્રીવાળું દ્રશ્ય [ અને કમાલની મિસ્ટ્રી’ગર્લનાં પાત્રમાં અદભુત જીવ ફૂંકતી Katherine Waterston ] અને આ બધા’ની સ્ટોરી’ને બેકગ્રાઉન્ડ’માં જોડતી અને નરેટ કરતી સુપર્બ એવી Sortilège [ Joanna Newsom ]

iv4

2009’માં આવેલી Thomas Pynchon‘ની બેસ્ટસેલર નોવેલ Inherent Vice કે જે મુવી બનાવવા માટે અત્યંત અઘરી મનાય છે તેને એ જ રહસ્ય’મય અંદાજ’માં Paul Thomas Anderson ‘એ કચકડે કંડારી બતાડી છે . એક રીતે આ તેઓની અમેરિકન હિસ્ટ્રી ટ્રાયોલોજી’ની આખરી ફિલ્મ મનાય છે કે જ્યાં કેવી રીતે અમેરિકા ઉભું થયું , કોઈ પણ ભોગે ઉભું રહી શક્યું અને આખરે ફસકવા તરફ ગતી કરી રહ્યું છે તેની રસપ્રદ મોંકાણ મંડાઈ છે [ અગાઉની બે ફિલ્મો : There will be blood અને The Master :: આ બંને ફિલ્મો પણ કે’દાડા’ની પાસે છે પણ હાઉકલી નથી કરી શકાયું ! અન્ય ઈચ્છિત ફિલ્મો પણ , Boogie Nights (1997) , Magnolia (1999) , Punch-Drunk Love (2002) ] આખરે . . આ મુવી એક એવું વિચિત્ર છતાં આકર્ષક , થોડું સાઈકો થોડું નોઈર એવું હિપ્પી ડ્રીમ કહી શકાય કે જે તરંગો’માં રાચ્યા કરે છે અને આપણે આશ્ચર્ય’થી તેને જોઈ રહીએ છે ! ખાસ વાત : જો આ મુવી જોવાનું શરુ કરો તો છેક સુધી જોજો . . થોડુક નહિ ને ઝાઝું બધ્ધું વિચિત્ર છે પણ તે જ તેની મજા છે 🙂

Me :  8.5 to 9 / 10 < Are you saying that the U.S. is somebody’s Mom ?!

IMDb : 6.8 / 10 [ 36,000 + People ] – by June 2015


Under the Skin , 2014 [ England ]

u7

કેટલા દિવસોથી મારે આ મુવી જોવું હતું , પણ પણ પણ [ અતિત’નાં પડઘા’ઓ ] . . . છેક હવે મારો વારો આવ્યો અને વારો કઢાયો ! ડિરેક્ટર જોનાથન ગ્લેઝર’નું માસ્ટરપીસ કહેવાતું બર્થ (2004) હજુ તો જોવાનું બાકી ને બાકી જ છે ત્યાં આ મુવી પણ નહોતું જોવાતું [ છેક 10 વર્ષે બીજી મુવી ! અને આખી કેરિયર’માં માત્ર 3 મુવીઝ ! ! ] આ મુવી’ની વાત મારે સ્પોઇલર્સ સાથે જ કહેવી પડશે અને તેમ છતાં તે તમને મુવી જોવા સમયે ખલેલ નહિ પહોંચાડે તેટલી ખાતરી આપું છું કેમકે મુવી’ની પકકડ જ એટલી છે કે તમે કુદરત’નો કોલ આવશે તોય ઉભા નહિ થાવ 😉 સાચુકલું અને તેમ છતાયે સપનાઓ’માં આવતું Sci-Fi કોને કહેવાય , તે આ મુવી જોયા બાદ તમને ખબર પડી જશે ! અન્ય Sci-Fi મુવીઝ’માં એડવેન્ચર હોય છે , હીરોગીરી હોય છે અને ખાધું પીધું’ને રાજ કરવા’ની સિચ્યુએશન હોય છે પણ અહીંયા એવું કોઈ પણ મ્યુનીસીપાલીટી એલિમેન્ટ નથી કારણકે આ વાસ્તવિકતા’ની હારોહાર બેસે તેવી કૃતિ છે [ Michel Faber’ની 2009’માં આવેલ બેસ્ટસેલર નોવેલ Under The Skinથી પ્રેરિત . પૂરી કહાની નહિ પણ મુખ્ય વિચાર સાથેનું એડપ્શન ]

u6

એક સ્ત્રી [ Scarlett Johansson ] સ્કોટલેન્ડ’નાં ગ્લાસગો શહેર’માં એક મિનીવાન લઈને ફરી રહી હોય છે , તેની આંખો સતત અવલોકન કરી રહી હોય છે . થોડા એકલા , એકલવાયા વ્યક્તિઓ’નો અંદેશો આવતા જ તેણી તેમને વાન’માં આવવાનું કહે છે કે જેથી તે પોતાનો રસ્તો શોધી શકે . વાન’માં બેસતા જ ઔપચારિક વાતો પૂરી થયે તે સ્ત્રી તે પુરુષો’ને આંખોથી આમંત્રણ પાઠવે છે ! અને ત્યારબાદ તે તેમને એક વિચિત્ર મકાનમાં લઇ જાય છે . . . આ મકાન કૈક જુદું જ છે , ઘરની અંદર નથી કોઈ દિવાલ કે નથી કોઈ છત ! બસ નીચે એક ગ્લાસ જેવી સપાટી અને ચારે બાજુ અંધકાર  . . બંને નિર્વસ્ત્ર થતા જાય છે અને ત્યાં જ પેલો વ્યક્તિ નીચે’ની સપાટી’માં ગરકતો જાય છે અને પેલી સ્ત્રી ઉપર જ રહી જાય છે !! સપાટી’ની નીચે શું હતું ? આ સ્ત્રી કોણ હતી ?? તે આવું શા માટે કરે છે ??? સ્પોઈલર , છતાં પણ વાંચો :: તે સ્ત્રી એક એલિયન હતી અને તે આવા એકલવાયા અને ગુમ થયે ઝાઝી ચર્ચા ન જગાવે તેવા વ્યક્તિઓ’નો શિકાર કરી રહી હતી અને તેમનું માંસ તેના ગ્રહ સુધી પહોંચાડતી હતી કેમકે જેમ અહીંયા આપણે માણસોને ગાય / બકરા / ભૂંડ / મરઘા’ને હલાલ કરીને ખાવાનો જબ્બર ચસ્કો છે તેમ જ પેલા એલિયન્સ’ને માણસોનું માંસ ખાવાનું પસંદ છે !! [ ચીતરી ચડી ગઈ ને ! ] હજુ આ તો પાશેરા’માં પહેલી પૂણી છે પણ ખરો ટ્વિસ્ટ તો બીજા હાફ આસપાસ આવે છે કેમકે એક તબકકા સુધી તે સ્ત્રી આવું એટલા માટે કરતી હોય છે કે તેણી કાઈ સંવેદન અનુભવતી જ નહોતી !! તેના માટે તો આપણે કેમ કોઈ મચ્છર’ને એક થપાટ મારીને પાડી દઈએ તેવું જ કઈક હતું ! તે સતત પોતાને સોંપાયેલું કામ કરી રહી હતી , પણ એકદા તે કૈક જોઈ જાય છે , સંવેદન’નો પ્રથમ ફણગો તેનામાં ફૂટે છે અને તેના અસ્તિત્વ’માં કૈક ખલેલ પડે છે . તે પોતાના અસ્તિત્વ બાબતે મૂંઝાય છે , કે આ ચામડીના ઓઠા હેઠળ હું કોણ છું ? જેનો વેશ મેં લીધો છે તે એક સ્ત્રી હોવું એટલે શું ? સરવાળે માણસ હોવું એટલે શું અને આખરે આ અફાટ કુદરત’માં માણસનું હોવું એટલે શું ?? સ્વાદ , ગંધ અને દ્રશ્ય’નું આ પરિમાણ શું છે ? અવાજો’ની આ કુદરતી અને કૃત્રિમ સૃષ્ટિ ક્યા સુધી વિસ્તરે છે ? સ્પર્શ’નું ગણિત શું છે અને બે વ્યક્તિઓ દૈહિક આકર્ષણ’થી શા માટે પરસ્પર ખેંચાય છે ?મતલબ કે તેનું સંવેદન’જગત ધબકવા માંડે છે , તેની આશ્ચર્ય’ની સીમાઓ વિસ્તરે છે .

u8

આ મુવીમાં કોઈ કરતા કોઈ પણ પાત્રો કે દ્રશ્યો’નો ખુલાસો નથી , બસ દ્રશ્ય’ને તેના મૂળ સમય’માં વિસ્તરતા અને ઘટતા જોવાનું અને તેનાં અણસાર અને અગમ્ય પરિણામ અંગે ભય સેવતા રહેવાનું [ મુવી’ની શરૂઆત જ એક આવા દ્રશ્ય’થી થાય છે અને એક આંખ’નું સર્જન થાય છે ] . . . આ મુવી આપણને ભાષા વડે ઓછું અને અનુભવ તથા ઇન્દ્રિયો’ની નજર વડે વધુ જગત દેખાડે છે , એક એલીયન’ની નજરે આપણી પૃથ્વી , સર્જક અને વિનાશક એવી કુદરત અને માનવ’સભ્યતા’ની સારી – નરસી બાબતો દેખાડે છે . એ અચંબો , ડર , વિસ્મય , લાગણી , અભિવ્યક્તિ , અજાણ હોવાનો ડર સતત મુવી’નો એક અદભુત અને હોન્ટેડ માહૌલ સર્જે છે – સતત આગલી ક્ષણનું જોખમ માથે ઝળુંબે છે , પછી ભલે તમે શિકાર કરતા હોય કે તમારો શિકાર થતો હોય ! અનુભૂતિ’નો અભાવ જ્યાં ડર’નો માહૌલ ઉભો કરતો હોય છે ત્યાં અનુભૂતિ જન્મ્યા બાદ પણ ડર લાગે છે ! એકલા હોવાનો અને સ્વ’નો અર્થ તારવવાની આ ઘટમાળ પેલી એલિયન’ને એક તબકકે અંદરથી ભાંગી નાખે છે અને તે આ જગત’થી ભાગવા માંડે છે પણ એ પછીની ઘટના તમારે ખુદ જ જોવી રહી કારણકે એ સ્તબ્ધતા’નું જગત છે કે જ્યાં તમારે ખુદે જ તેનો તાગ મેળવવો રહ્યો .

u9

આ મુવી એટલું ફોકસ્ડ અને ઇન્ટેન્સડ છે કે તમને રીતસર એ ખલેલ અનુભવાશે , તેનો એ મુડ અને મિસ્ટ્રી કેટલાય દિવસો સુધી તમારા વિઝન’માં ઝળુંમ્બ્યા કરશે અને તેનો શ્રેય અદભુત’ની કક્ષાએ  Scarlett Johansson‘ને તો જાય જ છે પણ મુવી’નો અદભુત બેકગ્રાઉન્ડ સ્કોર બનાવનાર એવા Mica Levi‘ને પણ જાય છે . તેમના સ્કોર અને સાઉન્ડ એન્જીનીયર Johnnie Burn‘ના કુદરતી અવાજોની સૃષ્ટિ મુવીને સતત જીવંત અને તેટલું જ ઘાતક બનાવે છે ! ગ્લાસગો  શહેર’નાં એ મિનીવાન’નાં દ્રશ્યો એટલા તો વાસ્તવિક બન્યા છે કે વાત પૂછો માં ! કારણ ? કેમકે લોકોને ખબર જ નહોતી કે શુટિંગ થઇ રહ્યું છે !! વાન’ની અંદર જ 8 હિડન કેમેરા હતા અને આસપાસ’નાં પરિસર’માં તો પાછા જુદા ! અને તેને પણ છક્કડ ખવડાવી દે તેવા અદભુત’ની અદભુત ઘાત જેવા કુદરતી દ્રશ્યો’ની તો શી વાત કરું !? તે અનુનાદ’માં ઝુલતા જંગલ’નાં વૃક્ષો , નજર’ને રોકી પાડતું ધુમ્મસ , તાંડવ નૃત્ય કરતો દરિયા’કિનારો કે પછી કિલ્લા’ની રાંગે ઘૂઘવાતો પવન . . આ બધા સંગાથે રચાતું આટલું જીવંત કુદરત મેં અગાઉ કોઇપણ મુવીમાં નથી જોયું [ નતમસ્તક To સિનેમેટોગ્રાફર Daniel Landin ] આટઆટલું કહ્યા પછી ડિરેક્ટર એવા જોનાથન ગ્લેઝર’નાં જબ્બર ડીરેક્શન વિષે કઈ કહેવાનું રહ્યું ખરું ?!

અદભુત દ્રશ્યોમાં : 1] પહેલું જ દ્રશ્ય કે જ્યાં પ્રકાશ’નાં એક બિંદુ’માંથી ઘણી ઘટનાઓ જન્મે છે 2] બધા જ શિકારો’નો પેલા વિચિત્ર મકાન’માં કરાતો શિકાર 3] સપાટી’ની નીચેનું જગત અને બેંગ !!! અને ચામડી’ની પતંગ’નું લહેરાવું o_O

u3

4] દરિયા’કિનારે રડતા બાળક’નું અત્યાર સુધીનું મેં જોયેલું સૌથી ટ્રેજિક અને હોન્ટેડ દ્રશ્ય [ ઘડીક તો રૂંવાડા ઉભા થઇ ગયા ! ] 5] વિકૃત ચહેરા’વાળા વ્યક્તિ’નું સમગ્ર દ્રશ્ય 6] એલીયન સ્ત્રી’નું પોતાની જ આંખમાં કૈક ભાળી જવું

u2

7] બીજા હાફ’માં તેણીને મળતું કેરીંગ જગત અને આખરે થતો એક ઘટસ્ફોટ [ લેમ્પ’નાં અજવાળેસોલીડ શોકિંગ ] 8] જંગલ’માં વૃક્ષો સાથે તેની એકાકાર થતી આકૃતિ 9] અને કલાયમેક્ષ .

u1

NOTE : આ મુવી જબ્બર Explicit છે , ન્યુડીટી અને હિંસા માટે . હિંસક દ્રશ્યો’થી ખલેલ જરૂર પહોંચશે પણ ન્યુડ સિન્સ સ્ટોરી સાથે એટલા એકાકાર થઇ ગયા છે કે તમને ક્યાય કરતા ક્યાય ખ્યાલ પણ નહિ આવે . પરિવર્તન , પરાવર્તન , એકાકાર થવાની અને અલગાવ પામવાની આ ઘટના અનહદ અદભુત ફિલ્માવાઈ છેએક જબરદસ્ત સિનેમેટિક અનુભવ . MUST WATCH .

Me : 9 / 10 < You’re not from here? Where are you from? 

IMDb : 6.3 / 10 [ 65,000 + People ] – by June 2015


Mad Max: Fury Road , 2015

પહેલા તો આ મુવી થિયેટર’માં કે નજીકના ભવિષ્યમાં જોવાવાના કોઈ અણસાર જ ન હતા , તેનું એક મુખ્ય કારણ તો એ કે હવે હું 2014’નાં વેસ્ટર્ન / વર્લ્ડ મુવીઝ પુરા કરવાની નજીકમાં જ છું અને તે પહેલા હું કોઈ પણ 2015’નું મુવી જોવા ન્હોતો માંગતો ! પણ , જે રીતે કર્ણોપકર્ણ આ મુવીઝે તહેલકો મચાવ્યો કે મારો અંદર’નો માણસ જાગી ઉઠ્યો [ માણસ અંદર’નો જ હોય છે અને તે જાગવા પહેલા ઘસઘસાટ સુઈ જાય છે 😉 ] અને બીજું કારણ એ કે મિત્ર પ્રકાશે મુવી જોવા આવવાની હા પાડી , નહિતર છેલ્લી ઘડીની આળસ’નું સુખ કૈક ઔર જ હોય છે ! [ છેલ્લે અમે બંને મિત્રો’એ અવતાર જોયેલું ]. . પણ જે મજા આવી છે , કે બોલો તારારારા . . .

md

ઓકે , તો આ એક પોસ્ટ’એપોકેલીપ્ટીક મુવી છે , ઉલટાનું 80’નાં દાયકામાં આવેલી જૂની મેડ’મેક્ષ ટ્રાયોલોજી’ની રીબુટ’નું પહેલું સોપાન છે , અને દિગ્દર્શક જ્યોર્જ મિલર’નું મેડ મેક્ષ સીરીઝ’નું ચોથું સંતાન ! એ પણ અંદાજે 30 વર્ષ બાદ !! અને 70’ની ઉંમરે !!! . વિશ્વ હાઈડ્રોજન બોમ્બ’ની વિનાશક અસર હેઠળ એક તબકકે સાવ વિરાન થઇ’ને પાષાણયુગ’માં ધકેલાઈ ગયું છે . પાણી , હવા , વનસ્પતિ પ્રદુષિત થઇ ચુક્યા છે અને મનુષ્યો’ની નવી પ્રજાતિ વિકૃત અંગો સાથે જન્મી રહી છે . હવે જેટલા પણ સાધન-સંશાધન વધ્યા છે તેમના પર બાર્બેરિયન કરતાયે ચાર ચાસણી ચડી જાય તેવા ચિત્ર’વિચિત્ર બાઈક્સ / કારચલાવ્યે રાખતા જંગલી લોકોનો અધિકાર છે . પાણી અને પેટ્રોલ પર’નો તેમનો અબાધિત અધિકાર જ તેમને આપોઆપ ભવિષ્ય પરનો નિરંકુશ અધિકાર પણ આપે છે !

me

વાર્તા એમ શરુ થાય છે કે . . . પેટ્રોલ લાવવાના એક મિશન હેઠળ એક નાનો કાફલો જયારે આ કબીલા’નું મુખ્ય સ્થળ છોડીને નીકળે છે ત્યારે અચાનક જ મુખ્ય માર્ગ છોડી’ને ભળતા જ માર્ગ પર તે હંકારવા માંડે છે ! દુર’થી આ બધું જોતો મુખ્ય ખલનાયક એવો વિકૃત ‘ ઈમોર્ટન જો ‘ અચાનક ચોંકી’ને હાંફળોફાંફળો એક ભેદી કક્ષ તરફ દોડે છે અને જુએ છે , તો તેની પાંચ પાંચ અનહદ સ્વરૂપવાન અને તંદુરસ્ત પત્નીઓ ગાયબ હતી !! કેમકે આ પાંચેય પત્નીઓ કે’દાડા’ની ભાગવાની ફિરાકમાં હતી કેમકે અહીંયા તેમનું એક જ કામ હતું ; પોતાના તંદુરસ્ત શરીર થકી સતત તંદુરસ્ત બાળકો’ને જન્મ આપ્યે રાખવાનું ! આખરે તેઓ ભાગી છૂટે છે , ફ્યુરીઓસા સાથે [ ચાર્લીઝ થેરોન ] કે જે ખુદ અહીંયા 17-18 વર્ષ પહેલા અપહરણ કરીને લવાયેલી અને જે હવે મોકો મળ્યે પોતાની જમીન તરફ , પોતાના વિસ્તાર’માં પોતાના લોકો તરફ એક ગંજાવર ટેન્કર લઈને નાસી રહી છે , કે જેમાં આ પાંચેય પત્નીઓ હતી કે જે ઈમોર્ટન’નો મુખ્ય ખજાનો હતો અને જેને પાછો મેળવવા માટે તે આકાશ-પાતાળ એક કરી નાખે તેમ હતો અને આ જ સફર’માં ફ્યુંરીઓસા’ને અનહદ સંઘર્ષ બાદ સાથ મળે છે , ભાગેડુ એવા મેક્ષ’નો [ ટોમ હાર્ડી ]

mc

અહીંયા શરૂઆત પણ એક્શન’થી થાય છે , મધ્યાંતર’માં પણ એક્શન છે અને ક્લાયેમક્ષ’માં તો પૂછો જ માં o_O આ મુવી એકશન’નો નૃસિંહ અવતાર છે , કે જ્યાં તેઓ થાંભલો ફાડીને પ્રગટેલા તેમ આ મુવી તમારી આંખો’ને પહોળી કરી નાખશે અને એક તબક્કે તો મોં ખુલ્લું’ને ખુલ્લું જ રહી જશે [ પાછલા પાંચ વર્ષોમાં જે બધી જ બીગબજેટ એક્શન મુવીઝે સ્પેશીયલ ઈફેક્ટસ’ની મદદથી પણ નહિ કરી બતાવ્યું હોય તે તમામ ખાંટુ એક્શન અહીંયા અસલી લોકેશન્સ પર અસલી સ્ટંટમેન દ્વારા ફિલ્માવાયું છે ! એવેન્જર અને ફાસ્ટ & ફયુરીયસ સીરીઝ તો આની સામે બચ્ચું લાગે ! ]

mk

તો તમને થશે કે સ્ટોરી ક્યા ? જો આટલું જ એક્શન અહીંયા ઠાંસી ઠાંસીને ભર્યું હોય તો સ્ટોરી ડેવલપમેંટ’નો તો અવકાશ જ ક્યા રહ્યો ! પણ નાં , ઉલટાનું અહીંયા મહત્તમ સ્ટોરી કહી દીધી હોવા છતાં પણ વાર્તા’પ્રવાહ અદભુત નિખરે છે . અહીંયા અંધાધુંધ ચેઝ તો છે જ , પણ તેની વચ્ચે વહેતું વાર્તાનું શાંત ઝરણું પણ છે ! મહત્તમ દ્રશ્યો બઘડાટી’થી ભરપુર છે પણ તેમ છતાયે વચ્ચે વચ્ચે આવતી થોડીક રાહત’ની ક્ષણોમાં એ વાર્તાનું ગુંથણ થઇ જાય છેઉલટાનું બે મુખ્ય પાત્રો એવા ફ્યુંરીઓસા અને મેક્ષ ભારે અંતર્મુખી અને ભયંકર ચોટ ખાધેલ છે અને છતાં પણ આંખો આંખોમાં સંવાદ થઇ જાય છે કે જ્યાં આ વેરાન ભૂમિમાં કોઇપણ ભોગે બચી રહેવું એ જ એક મોટો પ્રશ્ન છે ત્યાં આ બંને એકબીજા માટે જીવ’ની બાજી લગાડી દે છે – તેઓ કાં તો મૌન જ રહે છે અથવા તો બઘડાટી બોલાવતા રહે છે , શબ્દો સાથે તેમનો વહીવટ બહુ ઓછો રહે છે [ ઉલટાનું , મેક્ષ’નું નામ છેક છેલ્લે ખુદ મેક્ષ પોતે જણાવે છે ! ] બંને’ની દિશા અને મંઝીલ અલગ છે પણ નસીબે કરીને માર્ગ એક જ છે . વિચારસરણી અલગ છે પણ શત્રુ એક જ છે અને છેવટે આ જ ફ્યુરી રોડ પર તેઓ પોતાની કાતિલ કેડી કંડારે છે .

mi

આ સમગ્ર સીરીઝ મેક્ષ’ની છે છતાં પણ અહીંયા ચાર્લીઝ થેરોન’ની ફ્યુંરીઓસા તેનાથી એક ડગલું આગળ નીકળી જાય છે , તે હદે તેનું પાત્ર નિખરે છે અને તેટલી જ ઈન્ટેનસ્ડ તેની આંખો દ્વારા કરાયેલી એક્ટિંગ છે :: જય ચાર્લીઝ થેરોન :: પહેલાવહેલા જ્યોર્જ મિલરે ફ્યુંરીઓસા’નાં પાત્રને કેન્દ્રમાં રાખીને તેની સોલો એનીમેશન બનાવવાનું વિચારેલું ! પણ તે મુખ્ય વિચાર તેમણે પડતો મુક્યા બાદ પણ એ રીતે પૂરો કર્યો કે ; [ એક ઈન્ટરવ્યું દરમ્યાન ] જયારે હું સ્ક્રીનપ્લે લખી રહ્યો હતો ત્યારે મને એ ખૂંચ્યું કે ઈમોર્ટન’ની પાંચેય પત્નીઓને , મેક્ષ ‘ એક પુરુષ ‘ ભગાડી જવામાં મદદ કરી રહ્યો છે અને ત્યારે મેં ફયુરીઓસા – એક સ્ત્રી યોધ્ધા’ને આ સાહસ સોંપવાનું નક્કી કર્યું ; જેમકે મુવીમાં બતાવાયું છે કે ” સ્ત્રીઓ કાઈ તમારી મિલકત નથી કે નથી કોઈ નિર્જીવ વસ્તુ’ઓ ” કે જેના પર તમે અબાધિત અધિકાર ભોગવી શકો ! અમે જાતે જ અમારી મંઝીલ ખોળીશું અને મુક્તિ પણ જાતે જ અર્જિત કરીશું !! જયારે સામે છેડે ફ્યુરીઓસા’થી થોડાક ઉણા ઉતરતા [ એટલે થોડુક જ ] મેક્ષ’નું એક અસ્તિત્વ’ને ટકાવી રાખવા મથનાર સંઘર્ષ’રત વ્યક્તિમાંથી , અસ્તિત્વ’ને ઉંચે ઉઠાવનાર એક હીરો’માં રૂપાંતર થાય છે [ આવનાર સિકવલ’માં કદાચ મેક્ષ’નો દબદબો વધશે કેમકે મહદઅંશે ફ્યુરીઓસા તેમાં નહિ હોય .]

mj

હવે થોડીક વાત માંડીએ વન કરતાયે આગળ ગાઢ વન’માં પ્રવેશી ગયેલા 70’નાં થયેલા જ્યોર્જ મિલર’ની , કે જેઓ પોતાની જ રચિત અને ઓરીજીનલ એવી મેડ મેક્ષ સીરીઝ’ને 30 વર્ષ બાદ ફરી સજીવન કરી રહ્યા છે – તેઓ એક એવા ડિરેક્ટર’માં સ્થાન પામે છે કે જેઓ ઓરીજીનલ કન્સેપ્ટ સિવાય કામ નથી કરતા – વચ્ચે તેમની બેબ [ એનીમેશન – મસ્ત મુવી ] અને હેપ્પી ફિટ [ એનીમેશન – કમાલ’ની સિક્વન્સ’વાળું ] જ આવેલ , જયારે ” જસ્ટીસ લીગ “ને તેઓ નકારી ચુકેલા !! આ મૂવીનું વિઝન અને કન્સેપ્ટ તેઓને પ્લેન’ની એક મુસાફરી દરમ્યાન જ સુઝી ગયેલા અને તેઓએ તાબડતોડ સ્ક્રીપ્ટ લખી નાખેલી [ ઉલટા’નું આ મુવી હજુ રીલીઝ થાય તે પહેલા તો તેઓએ સિકવલ પણ લખી નાખી છે :: વેસ્ટલેન્ડ ] આ મુવી’ની પરિકલ્પના તેઓએ 3500 સ્ટોરીબોર્ડસ થકી જીવંત કરેલી કે જેને કોમિક બુક આર્ટીસ્ટ Brendon McCarthy‘એ ચિત્રિત કરેલી !! અને આ બધી જ દ્રશ્યાવલી જીવંત કરવા તેઓ ઓસ્ટ્રેલીયન સિનેમેટોગ્રાફર John Seale‘ને નિવૃતિમાં’થી ફરી ખેંચી લાવેલા [ જબ્બર એવું પોસ્ટ’એપોકેલીપ્ટિક જગત : મિસ્ટી સ્કાય અને મિસ્ટ્રી અર્થ : શાંત કોલાહલ રચતું નામિબિયા’ની રણ’ની રાતોનું બ્લુ આકાશ’વાળું એક દ્રશ્ય જરૂર જોજો ! ] દોઢ હજાર‘થી પણ વધુ એક્ટીવ ક્રુ મેમ્બર્સ , 200‘ની આસપાસ બનાવેલ હેન્ડ’મેડ ગાડીઓનો ચિત્રવિચિત્ર કાફલો અને દિવસો’નાં દિવસો’નું અનહદ લાંબુ ફૂટેજ [ કે જેને એડિટર એવી પત્ની Margaret Sixelએ એડિટ કરેલું ]

mh

થોડાક યાદગાર દ્રશ્યોમાં : 1] ઓપનીંગ સિક્વન્સ 2] ટેન્કર અને પત્નીઓ’ને પકડી પાડવા શરુ થતી એક જબરદસ્ત લાંબી ચેઝ [ અંદાજે 30’થી 40 મિનીટ ] 3] આખે’આખો નક્ષ [ Nicholas Hoult ] ( આ પાત્ર વિષે હું કાઈ કહેતો નથી , પણ તમે જોશો ત્યારે મજા પડી જશે , What a lovely day ! )

4] ધૂળ’નાં પ્રચંડ વાવાઝોડા’નું દ્રશ્ય 5] ટેન્કર આગળ લટકતો ગિટારિસ્ટ 😀 6] વાંસડે ઝુલતા ઝૂલણીયા’ઓ ! 7] સિલ્વર સ્પ્રે વડે રંગાતું મોં 🙂 8] મડલેન્ડ .

1

9] ઓલ્ડ લેડીઝ’નું એક મોજીલું , બઘડાટી બોલાવતું ગ્રુપ 10] રણ’ની રાતો’માં દેખાતું ભૂરું આકાશ , ખરતા તારાઓ અને તરતા સેટેલાઇટ્સ 10] અને દુ:સાહસ ખેડતો જબ્બર કલાયમેક્ષ .

2

અસ્તિત્વ’નાં સંઘર્ષ , આશા , પાગલપન , સાહસ-દુ:સાહસ’ની અદભુત વાત છેડતી જબ્બર ઈમોશનલ કોર ધરાવતી પ્રચંડ ગાથા એટલે Mad Max : Fury Road . Must Watch .

Me : 9 / 10Hope is a mistake . If you don’t fix what’s broke,              you’ll go insane.

IMDb : 8.7 / 10 [ 1,49,000 + People ] – by June 2015

IMDb Top 250 : Currently in midst of 30 to 35 [ June 2015 ]


The Tale of The Princess Kaguya , 2014 [ Japan ] 

k1

કાગુયા‘ એટલે ઝળહળતો પ્રકાશ , ઉજાળતો ઉજાસ . . કે જે એક નિ:સંતાન દંપતી’ને ત્યાં પ્રગટ્યો અને શરુ થઇ કથા , કથા’નો પ્રવાહ અને સરવાળે જીવન’ની અગમ્યતા’નું વહેણ ! અંદાજે 10’મી સદી’ની આસપાસની આ જાપાનીઝ લોકકથા છે : ” Tale of the Bamboo cutterકે જે જાપાન’માં ખુબ જ જાણીતી અને માણીતી હતી અને છે અને તેમાં વણી લેવાયેલા મુલ્યો , તત્વો અને જીવંતતા’ને કારણે ભવિષ્ય’માં પણ રહેશે .

k3

છેલ્લે છેક 1999’માં આ ડિરેક્ટરે મુવી આપ્યું હતું અને હવે છેક 80’ની ઉંમરની આસપાસ આ વ્યક્તિ ફરી સજીવન થયા છે અને સજીવન કર્યું છે , એ અદભુત શબ્દ’ને પણ ટૂંકું પાડતું અતિ’અદભુત એવું હાથે દોરાયેલું વોટર’કલર્સ’નું અનન્ય એનીમેશન જગત : સ્ટુડિયો ઘીબ્લી’નું એનીમેશન [ હું તો ઘીબ્લી જ કહીશ , પછી ભલે તેનો ઉચ્ચાર જીબ્લી થાય કે બબલી થાય 🙂 ] એ છે : સ્ટુડિયો ઘીબ્લી’નાં કો-ફાઉન્ડર એવા Isao Takahata [ કે જેમણે 1985’ની આસપાસ Hayao Miyazaki’ની સાથે સ્ટુડિયો ઘીબ્લી’નો પાયો નાખેલ : કે જ્યાં Hayao Miyazaki ગયા વર્ષે ‘ ધ વિન્ડ રાઈઝીસ ‘ [ Read here ] સાથે નિવૃત થયેલા ત્યાં આ વર્ષે આ અદભુત એનીમેટર પણ આ સર્જન સાથે નિવૃત થઇ રહ્યા છે 😦 :: આ જ એનીમેટર’ની માસ્ટર’પીસ કહેવાતી ‘ Grave of the Fireflies ‘ કદાચિત પાંચેક વર્ષથી પાસે પડી છે , છતાયે હજુ પણ જોવાનું રહી ગયું છે !! ]

એક વાંસ કાપનાર ગરીબ મજૂર’ને વાંસમાંથી એક દિવસ ઝળહળતા પ્રકાશ વચ્ચે એક આંગળીના વેઢા જેવડી નાનકડી બાળા મળે છે અને ભારે કુતુહલ વચ્ચે તેને પોતાની પત્ની પાસે લઇ જાય છે પણ તે તો ક્ષણે ક્ષણે અને દિવસે’ને દિવસે અલૌકિક રીતે વધતી જ જાય છે અને થોડાક જ વર્ષ’નાં ગાળામાં તે 8’થી 10 વર્ષની બાળકી બની જાય છે ! જે વાંસમાંથી તે મળી હતી તેમાંથી જ અઢળક સોનું અને દિવ્ય વસ્ત્રો પણ મળી આવતા ગરીબ પિતા તેને ગ્રામ્યજીવનમાંથી રાજધાની લઇ જઈને એક રાજકુમારીની જેમ ઉછેરવાનું નક્કી કરે છે અને શરુ થાય છે બધી કમઠાણ’ની શરૂઆત !

k5

ઘીબ્લી’ની ટ્રેડમાર્ક થીમ અહીં પણ સાદ્યંત મોજુદ છે : આધુનિક સભ્યતા અને વિકાસ’નો કુદરત સાથે’નો સંઘર્ષ , ખરું સુખ , જીવન’ની સાર્થકતા અને કુદરત’નાં ખોળે જીવંત થઇ ઉઠતી જિંદગી ! વાર્તા’પ્રવાહ’ની ધીમી શરૂઆત , એક તબક્કે વાર્તાપ્રવાહ’નું સ્થિર થઇ જવું અને આખરે ખળભળાટ સાથે પ્રવાહનું નિર્વાણ પામવું એ દરેક તબક્કે આ મુવી એક ક્લાસિક ફિલોસોફીકલ માસ્ટરપીસ સાબિત થઇ છે . ખાસ કરીને મુખ્ય પાત્ર એવું કાગુયા અદભુત રીતે દર્શાવાઈ છે , વ્યક્ત કરાઈ છે અને ઝીલાઈ છે – તેની [ તેણી : કર્ટસી – પ્રિમા 🙂 ] હરેક વ્યક્ત-અવ્યક્ત લાગણીઓ , ખુશીઓ , દુખ , અસમંજસ રીતસર સ્પર્શી જાય છે [ આમપણ એનીમેશન’માં અનન્ય અને અદભુત ડ્રામા’ઝ ઘીબ્લી જ આપતું રહ્યું છે . અન્ય એનીમેશન સ્ટુડિયો મહત્તમત: એડવેન્ચર , મ્યુઝીકલ અને બાળકો’ની પરીકથા સુધી જ સીમિત રહ્યા છે ! ]

k4

પ્રાકૃતિક જીવન’ની સરળતા અને અણમોલ પરિસર , સાચી ખુશી’ની વ્યાખ્યા , મર્યાદાઓ’નું દંભી જગત , સમાજ’ની ખોખલી માન્યતાઓ અને રીતભાતો , એ સઘળું અહી સુપેરે ઝીલાયું છે . એક તબકકે મુવી ઘણું ગંભીર બની જાય છે અને એ ઉદાસી રીતસર’ની અનુભવાય છે , એ મૂંઝારો કઈ સૂઝવા નથી દેતો , જાણે કે જીવન થંભી જાય છે ! [ આટલું ગંભીર એનીમેશન મેં કદાચિત નથી જોયું પણ મને ખુબ જ સ્પર્શયુ ]

કાગુયા’ની એક તબકકે નાસીપાસ થઈને ભાગી જાવાની એનીમેશન’નાં માસ્ટર’પીસ જેવી લિસોટા જેવી સિક્વન્સ અને આ જ ગુંગળામણ’માંથી છૂટી ગઈ હોય તેમ સ્વપ્ન’માં પોતાની પ્રિય ભૂમિ પર પોતાના પ્રિય પાત્ર સાથે વિહરતી હોય તે સિક્વન્સ અને આખરે મુવી’ના અંત તરફ ચંદ્ર’માંની એક અદભુત સિક્વન્સ સમગ્ર મુવીને અલગ અલગ તબક્કે અનેરી ઉંચાઈ આપે છે . Must Watch .

k2

Me :  8.5 to 9 / 10 < Birds , bugs , beasts , grass , flowers & trees . . teach people how to feel .

IMDb : 8.1 / 10 [ 10,600 + People ] – by June 2015