ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

1] આજની પોસ્ટ’માં માત્ર સાત જ મુવી છે , છતાંયે આપ’સૌને હાંફ ચડી જાય તેટલી લાંબી પોસ્ટ બની છે 😉 કારણકે આ સાત’માંથી પાંચ મુવીઝ ટિપિકલ બોલીવુડ મુવીઝ’ને બદલે થોડીક હટકે એવી ઓફબીટ મુવીઝ છે ! માટે એટલી જ હટકે [ અને થોડું ફટકે તેવી ] વાતો થઇ છે 😉

2] જે લોકો IMDb ટોપ 250’નાં લિસ્ટ પર નજર રાખતા હશે , તેમને એક સરપ્રાઈઝ એન્ટ્રી જોવા મળી હશે ! એક વધુ ઇન્ડીયન મુવી’ની એન્ટ્રી !! જી હાં , ” ગેંગ્ઝ ઓફ વાસેપુર ” . . આજના દિવસે તો 196’માં નંબર પર છે 🙂

3] આ વખતે પોસ્ટ નહિ નહી’ને એક અઠવાડિયું જેટલું પાછી ઠેલાણી [ અંગત , જાહેર અને ટેકનીકલ કારણોસર ! ] માટે આગામી પ્લાનિંગ હડફેટે ચડ્યું છે – જય હડફેટ 🙂


Total Movies – 7 ~ ~ ~ Pictures – 56 Still & 3 Gif

It would take 4 to 5 minute to load the whole post .


City Lights , 2014

ભલભલા’ની ભલભલી ફિલોસોફી’નાં ચીંથરા ઉડાડી નાખે એ અવસ્થા એટલેગરીબી ‘ ! ગરીબી કઈ કેટલાયે નિતિવાનો’ને ભરખી ચુકી છે અને તેનો મુખ્ય ખોરાક તમારું આવનાર ભવિષ્ય અને રોજબરોજ નેવે મુકાતું સ્વમાન હોય છે . . . તમે કદી પેલા ઉભડક બેઠેલા લોકોને જોયા છે ? કે જેઓ બસ બેઠા બેઠા અથાગ તાક્યા જ કરતા હોય છે પણ તેમની મુસીબતો’નો કોઈ અંત જ તેમને દેખાતો નથી ! આ વિષચક્ર’માં ભલભલા’ની ખો ભૂલાઈ જાય છે  . . જેઓ પહેલેથી જ રસ્તે રઝળતા હોય તેઓ તો પોતાને જેતે સ્થિતિ’માં ગોઠવી લે છે , પણ જેઓ હજુ બસ ગરીબી’ની ચુંગાલ’માંથી નીકળવાના પ્રયાસમાં ઉંધે માથે તેમાં ફરી ખાબકે છે અને રસ્તે રઝળતા થઇ જાય છે , તેમની વેદના અકથ્ય હોય છે , અસહ્ય હોય છે !

2

એક સાંધો ત્યાં તેર તુંટે , એ કહેવત તો જેમણે ખરેખર કૈક સાંધ્યુ હોય મતલબ કે જેમણે ખરેખર જીવલેણ સંઘર્ષ જીવ્યો હોય તેમને જ ખ્યાલ હોય ! આવી જ સંઘર્ષ’ની વાત લઈને જયારે ‘ સીટીલાઈટ્સ ‘ મૂવીની ઘોષણા થઇ હતી ત્યારે લાગ્યું હતું કે આજના પરીપ્રેક્ષ્ય’માં એક તગડી વાર્તા અને દ્રષ્ટિકોણ સાથે આ વાત કેવી રીતે રજુ કરાશે ? પણ દિગ્દર્શક તરીકે હંસલ મહેતા’ની પસંદગી અને રાજકુમાર રાવ તરીકે જયારે મુખ્ય લીડ હોવાનું જાણ્યું ત્યારે અપેક્ષાઓ ખુબ જ વધી ગઈ હતી ! પણ મુવી જોયા બાદ તે તોતિંગ અપેક્ષાઓ ન સંતોષાઈ તે વાત પણ એટલી જ વાસ્તવિક છે અને તેમાં કોઈ સંશય નથી ! સ્ટોરી તો સૌને ખ્યાલ જ હશે તેમ માનું છું . . અચાનક જ પલટાયેલા સંજોગોમાં એક રાજસ્થાની પરિવાર’ને [ કુલ ત્રણ વ્યક્તિઓ – પતિ , પત્ની અને નાની બાળકી ] બધું જ છોડી’ને જયારે નામ સિવાય કઈ ન સાંભળ્યું હોય તેવા મુંબઈ શહેર’માં જવું પડે છે કે જેમના માટે તેઓએ બસ એક પરીગાથા જેવી કીવીદંતી જ સાંભળી હોય છે કે મુંબઈ આવનાર કોઈ દિવસ ખાલી હાથે પાછો નથી ફરતો અને તેઓ એ જ તોતિંગ અપેક્ષાઓ સાથે આ મહાકાય શહેર’માં પોતાના નવા જીવન’ની નવી શરૂઆત કરવા મથે છે ! આગળ તો આપ સૌ જ જુઓ અને ફિલ્મ’નો દ્રષ્ટિકોણ માણો એ વિનંતી સાથે હું હવે સીધું મુવી’ની જ વાત પર આવું અને મને શું ગમ્યું અને શું ન ગમ્યું તે વારતા માંડું !

5

અહીંયા જેટલું સશક્તિકરણ પાત્રો’નું છે , તેટલું સ્ટોરી’નું નથી ! સ્ટોરી એક તબકકે જાણે મુવી’નો અંત નજીક આવવાનો હોય તેમ ઢસડાય છે અને તે રીતે મુવી’નો ઉતરાર્ધ અને પૂર્વાર્ધ એકબીજાથી જાણે બે અલગ અલગ સ્ટોરીઝ હોય તેમ તદ્દન ભિન્ન ભાસે છે ! ઘણીયે ઘટનાઓ અહીંયા થોડીક કૃત્રિમ લાગે છે ; જેમકે મુંબઈ’માં થતી પહેલી છેતરપીંડી’નો કિસ્સો ! [ કેમકે મારા અંગત અનુભવો અને આસપાસ’ની દુનિયાના ફરતા પ્રવાહો’થી એક વાત તો હું ચોક્કસ કહેવા માંગીશ કે આ જ કિસ્સો જો 50’થી 70’નાં દશક’માં બન્યો હોત તો તે એટલો જ ઓથેન્ટીકેંટ લાગ્યો હોત , પણ અત્યારના પરીપ્રેક્ષ્ય’માં હું એટલું જ કહેવા માંગીશ કે નાનો માણસ પૈસા’ની લેવડદેવડ’માં અને અજાણ્યા માણસો પર ભરોસો કરવામાં ખાસ્સો આગળ નીકળી ગયો છે , ભલે ને પછી તે કોઈ તદ્દન અભણ ગમાર માણસ જ કેમ નાં હોય !બીજું કે , અજાણ્યા શહેર’માં આજની તાસીર’ને પોતાની દ્રષ્ટિ’એ જોનારી મહિલા’નાં દ્રષ્ટિકોણ’નો પણ અભાવ છે – દીપક’ની પત્ની રાખી [ ડાંસ’બાર’ની વાત તો છે જ , પણ તેનાથી આગળ’ની હાડમારી અને ઘર’વિહીન અવસ્થા’માં એક નાનકડી બાળકી’ને સાચવવા અને ઉછેરવા’ની વાત ] ત્રીજું કે , આ લોકો સીધા મુંબઈ આવે છે જયારે તેઓએ તો તેમના નજીકના જ અને વધુ પરિચિત એવા ઉદયપુર કે જયપુર જવું જોઈએ [ માટે મુંબઈ જેવા એક ને એક શહેર’ને જ વલોવ્યા રાખતી વાત નાં પચી ! ]

પણ જેમ કે મેં કહ્યું તેમ , જે તે સંજોગોમાં સલવાયેલા પાત્રો અહીંયા ખાસ્સા બિલીવેબલ લાગે છે – ખાસ તો રાજસ્થાની પાત્ર’માં ઘુસી જનાર ‘ રાજકુમાર રાવ ‘ [ તે હદ’ની બોલી અને દિગ્મૂઢતા’નાં ભાવો તેણે જીવી બતાવ્યા છે , તે રીતે તે એક ખરેખરું પાત્ર લાગે છે અને એક એક્ટર’ની સીમાઓથી ઉપર ઉઠી શક્યો છે ] અને તેના જેટલી જ તેને ટકકર આપનાર એટલે – માનવ કૌલ ! જે રીતના અકળ અને રહસ્યમય પાત્ર’ને તેણે ઉઠાવ આપ્યો છે તે કાબીલેદાદ છે [ એક એવો વ્યક્તિ કે જે બધાની સાથે નહિ પણ તેમને પગથીયા બનાવીને અમીર બની જવા ઈચ્છે છે અને એક નજરમાં જ તે સામેવાળા અને પરિસ્થિતિઓ’ઓનો તાગ કાઢી લે છે ! અને તેનો ઉપયોગ થઇ શકશે કે કેમ ? તે બાજુ તેનું મગજ દોડવા લાગે છે !] અને નહી ઝાઝું નહિ ઓછું એવા સંતુલિત પાત્ર’માં ‘ પત્રલેખા

4

કેટલાક દ્રશ્યો ખરેખર યાદ રહી જાય તેવા છે ; જેમકે . . . 1] રાખી’નું ડાંસ’બારમાં ઓડીશન અને સતત આ ચિત્રવિચિત્ર દુનિયા’માંથી બહાર નીકળવા મથવું ! 2] દીપક’નું સિક્યોરીટી ગાર્ડ માટે ઈન્ટરવ્યુ અને મુખ્ય ઓફીસ’માં પુછપરછ !

7

3] દીપક’નું રાત્રે શરાબ પી’ને આવવું અને રાખી’નો સંયમ તૂટવો ! 4] હરહંમેશ દીપક’નાં ‘ હો જાયેંગા ‘ કથન પર બંને’નો વિશ્વાસ , એ જ આ ગરીબી’નાં વિષચક્ર’ની ભયાનકતા સૂચવે છે ! ફિલ્મ’નો બેકગ્રાઉન્ડ સ્કોર પણ એ રીતે થોડો નબળો લાગ્યો અને એ ફિલ નાં અનુભવાઈ , પણ ‘ સોને દો – ખ્વાબ બોને દો ‘ અને ‘ મુસ્કારાને કી વજહ ‘ એ બંને ગીતો ખુબ જ આલા દરજ્જા’નાં બન્યા છે .

Me :  7 to 7.5 / 10

IMDb :  7.1 / 10 [ 1,300 + People ] – by Dec. 2014


Hawaa Hawaai , 2014

હવા હવાઈ માટે બે સ્ટ્રોંગ નામ જ કાફી હતા – અમોલ ગુપ્તે અને પાર્થો ગુપ્તે [ મતલબ કે , બાપ વત્તા બેટા ! ] પણ એકરીતે આ ફિલ્મ તેની પુરોગામી બાપ-બેટા’ની જોડી’ની જ ‘ સ્ટેન્લી કા ડબ્બા ‘ને કારણે ઉદભવેલી તોતિંગ અપેક્ષાઓ’ને સંતોષી નાં શકી 😦 વાર્તા’ની વાર્તા તો તમને સૌ’ને ખ્યાલ જ હશે . . ઘરના મોભી’નું મૃત્યુ થવાથી દેવામાં ડૂબેલું પરિવાર મુંબઈ’માં આવી ચડે છે અને માં ઘર’ઘરના કામો કરવા લાગે છે અને નાનકડા બાળકો જ્યાં જે જગ્યાએ જે કામ મળ્યું ત્યાં લાગી જાય છે અને આપણો ‘ અર્જુન ‘ એક ચા’વાળાને ત્યાં ચા આપનારો ” રાજુ ” બની જાય છે ! અને ત્યાં જ રાત્રે કેમ્પસ’માં સ્કેટિંગ’ની રમત રમતા બાળકોને જોઇને સ્કેટિંગ’ને જ પોતાનું દિલ દઈ બેસે છે અને આગળ જતા તેને એક કોચ’નો ભેટો થાય છે કે જે આ છોકરા પાછળ દિલોજાન લગાડે છે .

1

અમોલ ગુપ્તે જેવો ક્રિયેટીવ ડિરેક્ટર હોય , એક સશક્ત બાળઅભિનેતા તરીકે પાર્થો ગુપ્તે હોય અને કૈક હટકે એવી સ્ટોરી હોય તો તો પછી પલાંઠી વાળીને બેસવું જ રહ્યું ને !? પણ ત્યાં જ આ સમગ્ર અપેક્ષાઓનો ઉલાળિયો થઇ ગયો ! એ કેમ ?? તો જવાબ છે : 1] અર્જુન’ને સ્કેટિંગ પ્રત્યે એક સહજ આકર્ષણ થયેલું અને જીજ્ઞાશા પણ ખરી , પણ એટલું કાઈ પ્રચંડ ગાંડપણ તો નહોતું જ ! કે જેના માટે જીવન ન્યોછાવર કરી શકાય !! 2] ઘણી એટલે ઘણી મોમેન્ટસ ઓવર-ડ્રામેટિક પણ ફિલ્માવાઈ છે કે જ્યાં પરાણે ઈમોશનલ બનાવતો ઢીલોઢફ્ફ બેકગ્રાઉન્ડ સ્કોર પણ ઇરીટેટ કરે છે 3] પહેલી જ નજરે કોચ’ને અર્જુન’માં  કૈક આશા દેખાય છે પણ પાછું એ એટલું પ્રચંડ લક્ષણ પણ નહોતું કે બધા જ ટ્રેઈનડ ખેલાડીઓને વળોટીને આ છોકરો આગળ નીકળી જાય ! ઉલટાનું તો એણે પહેલેથી કકકો ઘૂંટવાનો હતો ! 4] બધા મિત્રો અર્જુન’ને મદદ કરવા માટે દિનરાત એકઠા કરી નાખે છે ! [ શું કામ ભઈ ? ] 5] કોચ’નાં માતાપિતા’નાં એક્સીડેન્ટ’ની ઘટના’નું અને તેના આગામી પ્રભાવ’નું પરાણે સ્ટોરીમાં ઘુસેડવું અને કોચ’નો વિચિત્ર એવો લવ-ટ્રેક !! [ વ્હાય ધીસ કોલાવેરી ડી ? ]

2

ઓકે તો આ બધી થઇ ભયંકર નેગેટીવ વાતો , પણ પણ ને પણ ફિલ્મ જરાપણ નેગેટીવ નથી ! ઉલટાનું તેના ઘણા બેકડ્રોપસ હોવા છતાં ફિલ્મ ઘણા અંશે ફીલગુડ અને કઈક સારું કરી છૂટવાની ભાવના પ્રેરે તેવી બની છે [ એક વાત યાદ રાખવી કે લોકો હંમેશા યોગ્ય પ્રેરણા’નાં અભાવે સારું કામ ન થઇ શકતું હોવાનો લૂલો બચાવ કરતા રહેતા હોય છે પણ જેઓને સારું કામ કરવું હોય છે તેઓ ખુદ પ્રેરણા વહાવવા માંડ્યા હોય છે , ઓલરેડી ! ] જેમકે મેં કહ્યું તેમ ફિલ્મ થોડી ઓવર-ડ્રામેટિક છે પણ સાથે સાથે એટલી જ થોડીક નાની સ્વીટ મોમેન્ટસ પણ છે , જેમકે : અર્જુન તેની માં’ને કહે છે કે તારા બે અને મારા બે એમ ચાર હાથ થઈને બધું પહોંચી વળાશે [ ત્યારે થઇ આવે કે બાળકો સમજણ’ની સીમા’માં પ્રવેશી ચુક્યા છે ! ] સતત પોતાના પિતાની એક ઉજળી છબી’ને પોતાની પ્રેરણા બનાવતો નાનકડો અર્જુન .

એક અત્યંત અમીર જાડિયો બાળક પોતાના મોંઘાદાટ સ્કેટ્સ અર્જુન’ને આપી દે છે , તે દ્રશ્ય [ મુવી’નું કદાચિત સૌથી અસરદાર દ્રશ્ય ] , અર્જુન અને તેની ટોળકી અદભુત અભિનય કરે છે – ખાસ તો ‘ ગોચી ‘ : જયારે કોચ ગોચી’ને પૂછે છે કે સ્કુલે શું કામ નથી જતા ? ત્યારે ગોચી કહે છે કે સ્કુલે જઈશું તો , ઘરે શું ચોપડી’ઓ ખવડાવીશું ?! , જયારે ડોકટર , અર્જુન’ની માં’ને ઠપકો આપતા પૂછે છે કે શું કામ નાનકડા છોકરા પાસેથી કામ કરાવે છે ? ત્યારનું દ્રશ્ય [ એ દ્રશ્ય’માં અર્જુન’ની માં’નો અભિનય અદભુત છે ] અને એક શરૂઆત’નું દ્રશ્ય કે જ્યાં ચાં’ની રેંકડી’નો માલિક અર્જુન’ને નવું નામ આપી દે છે – રાજુ [ આમ , દુર્ભાગ્ય અર્જુન પાસેથી બધું છીનવી લે છે , તે ત્યાં સુધી કે નામ પણ છૂટી જાય છે ! ]

3

આપણે મોટાઓ તો સો વાંધા’વચકા કાઢીએ , પણ ખરેખર તો આ મુવી નાના બાળકોને દેખાડવા જેવું છે કે જ્યાં તેઓ નાના બાળકોની એક અલગ જ પડી ગયેલી હાડમારી’ની દુનિયા’નો રોજબરોજ’નો સંઘર્ષ જોઈ શકે અને આવા બાળકો પ્રત્યે સહિષ્ણું બનતા અને પોતાની પાસેની વસ્તુઓ અને સુવિધાની કદર કરતા શીખે ! અને આખરે કોચ’નો એક મનોસંવાદ : મને લાગે છે કે હું તેમનું જીવન બદલી રહ્યો છું પણ ખરેખર તો તેઓ મારું જીવન બદલી રહ્યા છે . – – સાકીબ સલીમ’નો સુંદર અભિનય .

Me :  7 to 7.5 / 10

IMDb :  7.6 / 10 [ 870 + People ] – by Dec. 2014


Bang Bang , 2014

2010’માં આવેલી ‘ Knight and Day ‘ પરથી જયારે આ મુવી બનાવવાની જાહેરાત થઇ હતી , ત્યારે જ નક્કી હતું કે આ મુવી’નું બેંગ બોલો ભાઈ બેંગ થવાનું ! [ મતલબ કે રામ બોલો ભાઈ રામ ] જો એક ઝાટકે જ કહી દઉ તો આ મુવી’માં કાઈ કરતા કાઈ ભલીવાર નહોતી ! [ ઝાટકો એક જ હોય છે અને આઠમો વાર ભલી’વાર તરીકે ઓળખાય છે ! ] કેટરીના અને રિતિક’ની જોડી ઘણી ફિક્કી લાગે છે ! છેલ્લે જયારે ZNMD’માં તેમને જોયેલા ત્યારે તેઓ ઘણા ક્યુટ કપલ લાગતા હતા [ જયારે અહીંયા તેઓ બકલ લાગે છે ! ] મૂળ સ્ક્રીપ્ટ પર’થી નવી સ્ક્રીપ્ટ બનાવવા’માં જે રિવેન્જ’નો પ્લોટ ઉમેરાયો છે , તે જ આ મુવી’ની મૂળ ફ્લેવર’ની પથારી ફેરવી નાખે છે !! [ જેમ દિવસ પછી રાત હોય છે , તેમ પથારી પાથર્યા બાદ ફરતી હોય છે ! ]

ઓરીજીનલ મુવી એક એન્ટરટેઈનર – એકશન હતું અને મને ખુબ ગમેલું પણ ખરું [ કારણકે તેમાં કોઈ ચીલાચાલુ’વેડા ન હતા કે ન કોઈ સીલી રીઝન હતું ! બસ સીલી’વેડા અને એક્શન’ની ભરમાર હતી ] રિતિક ઘણી જગ્યા’એ ઓવરએકટીંગ કરતો હોય તેવું લાગ્યું , જયારે કેટરીના ઘણી ઓફ ધ સ્ક્રીન લાગી ! અને આ બેય’ને ફિલ્માવતા એકશન સીન્સ પણ ગજબ’નાં લબાડ લાગ્યા ! [ ખાસ કરીને પેલી અંડરવોટર ફાઈટ ] – જોકે મને ગીતો પસંદ પડ્યા , ખાસ કરીને ટાઈટલ ટ્રેકબેંગ બેંગ ‘ [ અને તેની ધાંસુ ડાંસ સિક્વન્સ પણ ] જયારેમહેરબાગીત’માં કેટરીના ગજબ’ની હુર્રપરી લાગીજય હુર્ર 🙂

3

Me :  5 / 10

IMDb :  5.5 / 10 [ 11,000 + People ] – by Dec. 2014


Khoobsurat , 2014

ઓકે , તો આ મુવી વિષે જરાય આશા નહોતી માટે ભવિષ્યમાં તેમનું પારેખ થશે કે નહિ , તે કાઈ પણ ઉપાધી નહોતી !! પણ ધીમે ધીમે આ મુવીઝ’નાં પોઝીટીવ રિવ્યુઝ મળતા થયા ત્યારે ફરી આશા’નો “સંચાર” થયો પણ આખરે મુવી જોવાયા બાદ ફરી તેનું ભારત “સંચાર” નિગમ લીમીટેડ થઇ ગયું 😉 😉 આ મુવી એક પ્રકારે રીમેક છે એટલે જૂની સાથે સરખામણી તો થવાની જ [ અને પાછું જૂનામાં તો મારા પ્રિય કલાકારો ઠુંસી’ઠુંસી’ને ભર્યા હતા 🙂 મારી પસંદીદા ફિલ્મો’ની એક – જય હ્રીશી’દા , જય દાદા’મોની અને આખરે જય દિના’બા ! રેખા પહેલા ફેવરીટ નહોતી પણ આ મુવી બાદ ગમવા લાગેલી ] પણ આખરે સરખામણી પડતી મુકવી પડી કેમકે ફિલ્મ’નું સમગ્ર માળખું જ નોખું બનાવાયું હતું !

તો હરહંમેશ’ની જેમ સીધી વાત ! સોનમ જરાય આ કેરેકટર’માં બંધ નથી બેસતી !! [ સખ્ખત લબાડ અને ઓવર’એક્ટીંગ કરતી લાગે છે , જાણે કે ફાંફા મારે છે !સોનમ મને પસંદ છે , છતાયે અહીંયા પાન પસંદ થઇ ગઈ ! ] બીજું , રત્ના પાઠક’નો રોલ અત્યંત ઓછો અને બિન-પ્રભાવશાળી છે [ આ યાદગાર પાત્રમાં તો તેમના “મમ્મી” દિના પાઠક જ એક વેંત ઊંચા લગતા હતાજયારે અહીંયા રત્ના પાઠક ‘ સારાભાઇ ‘ સીરીઝ’ની જ યાદ અપાવ્યે રાખે છે ! ] અને યુવરાજ બનતો ફવાદ ખાન ડેશિંગ લાગે છે પણ ફરી પાછું તેના પાત્રમાં કઈ કરતા કઈ પ્રભાવશાળી નથી ! પણ આ બધામાં એક વ્યક્તિ મેદાન મારી જાય છે અને તે છે જૂની ખુબસુરત’ની રેખાના પાત્ર’નાં નામ’વાળી ‘ મંજુ ‘નો રોલ’માં જૂની મંજુ’નું પાત્ર’તર્પણ કરતી કિરણ ખેર 🙂 [ ! હેં ! ] જેટલી તેણીની મોં’ફાડ છે તેટલી જ એ અહીંયા મુંહ’ફટ્ટ દેખાડાઈ છે 🙂 તેણીના શોટ ખરેખર ઓન ધ સ્પોટ લાગે છે , જેમ કે ;; તે યુવરાજ’ને કહે છે કે – હમ ? યે હમ હમ ક્યા હૈ ? તુમ ઔર કૌન ?  . . . સ્પ્લીટ પર્સનાલીટી 😀

ઓવરઓલ , સોનમ અને યુવરાજ’નો લવ’ટ્રેક એકદમ આઉટ-ઓફ-ટ્રેક છે / ગીતો’માં કાઈ ખાસ નથી / પાત્રો’માં કઈ ખાસ નથી / ઘટનાઓમાં કઈ ખાસ નથી / સાઈડ કેરેક્ટર્સ’માં કઈ ખાસ નથી અને મુખ્યત: જૂની ખુબસુરત’ની જેમ રેખા અને દીના પાઠક’ના પાત્રો’ની સાપેક્ષે અહીંયા સોનમ અને રત્ના પાઠક ખાસ્સા હૈશો હઈશો એવા લાગે છે ! – – અરે પેલું ઝકકાસ ગીત તો ભૂલાઈ જ ગયું !? માં કા ફોન આયા , માં કાં ફોન આયા 🙂 જય સ્નેહા ખાનવલ્કર 🙂 અને હાં , કલાયમેક્ષ અત્યંત ચીલાચાલુ છે , માટે તમારે ચાલવું હોય તો ચાલવા માંડજો !

Me :  5.5 / 10

IMDb :  6.4 / 10 [ 2,500 + People ] – by Dec. 2014


Dekh Tamasha Dekh , 2014

આવું કોઈ મુવી આવ્યું પણ હતું એ યાદ આવ્યું ? નહિ ને ! કાઈ વાંધો નહિ . . એજ ફેક્ટર આ મુવી’ને જોવાની મજા વધારી દેશે [ ચિકકાર પ્રમોશન અને વાહિયાત ગતકડાં’ઓથી દુર એક ચુપચાપ આવીને ચાલી જતું સિનેમા ઘણી વખત ગજબ’નો રોલો પાડી દે છે , નહિતર તો જય હેપ્પી ન્યુ યર 😉 ] આ મુવી સત્યઘટના’થી ” પ્રેરિત ” છે માટે તેમાં શક્ય તેટલી સિનેમેટિક લિબર્ટી લઇ શકાય અને સત્ય અને વિચારશીલતા’નું અજાયબ મિશ્રણ બનાવી ધાર્યો સંદેશ મોકલી શકાય . તો શું ધાર્યું નિશાન પાર પડ્યું ? અરે એક વાર નહિ સાડી સત્તર વાર ! [ જય 17.5 🙂 ]

ફિલ્મ’ની શરૂઆત’નાં જ પ્રમુખ દ્રશ્યમાં વાત છે , એક એવા પુસ્તક’ને પ્રતિબંધિત કરીને તેના પર બબાલ મચાવવાનું કે જે હજુ સુધી રીલીઝ પણ નથી થયું ! [ આધુનિક ભારત’ની છબી તરફ તો હજુ આ એક નાનકડી શરૂઆત છે ! ] એક બની બેઠેલ સંસ્કૃતિ’નો રખેવાળ પેલા પ્રોફેસર’ને તેના આ ઈતિહાસ પરના પુસ્તકને પાછું ખેંચી લેવા અથવા તો વિષયવસ્તુ બદલવા દબાણ કરે છે , ત્યારે પ્રોફેસર કહે છે કે , ભાઈ ઈતિહાસ એ છે કે – જે બની ગયો છે , ઘટી ગયો છે – તેમાં મારી / તમારી મરજી કે પસંદ નાં ચાલે 🙂 પણ પેલો અજડ સાંભળતો જ નથી . . ત્યારે પ્રોફેસર એક હંગામી ઉપાય કરે છે : તેઓ કાન’નું મશીન કાઢી નાખે છે !!!!! – બસ આ જ દ્રશ્ય’થી મુવી’નો આગામી ચિત્તાર અને સપાટો કેવો હશે તેનો તમને અણસાર આવવા માંડશે ! ક્યારેક તો એવું લાગે કે ભારત જાણે બબાલ’નો દેશ છે – રોજ નવો દિવસ ઉગશે અને ક્યાંક નવી બબાલ કર્કશ ટહુકો કરશે ! અહીંયા વાત છે ભારત’ની એવી રોજબરોજ’ની કે જ્યાં કોઈ વાત ધર્મ અને રાજકારણ વિના શરુ નથી થતી અને તેવી જ રીતે પૂરી નથી થતી ! લોકોને અહીંયા કોઈ પણ કારણ વિના વિરોધ કરવાનું અને એ બહાને કારણ વગર જ ચર્ચા’માં રહેવાનું બહાનું જોઈએ છે અને એ બહાનું લોકો આ બે શબ્દો’માંથી ખોળી કાઢે છે – ‘ ધર્મ અને રાજકારણ

d4

વાર્તા’ની વાત માંડીએ તો . . એક દારૂડીયા’નું એક નેતા’નાં તોતિંગ કટઆઉટ નીચે ચગદાઈ જવાથી મોત નીપજે છે અને આ ઘટનામાંથી દુર્ઘટના’ઓની લાંબી કતાર લાગે છે કે જેમાં ટાંપી’ને બેઠેલા તકસાધુ’ઓ પોતપોતાની રોટલી’ઓ શેકી લે છે ! મરનાર હમીદ મુસલમાન હોવાથી રાબેતા મુજબ તેની દફનવિધિ કરાઈ રહી હોય છે પણ ઉગ્ર મિજાજ’નાં હિંદુઓનું એક ટોળું આવીને દફનવિધિ અટકાવી દે છે ! કારણ ? તેમનો દાવો હતો કે મરનાર એક પરાણે ધર્માંતર પામેલ હિંદુ હતો અને તેની અંતિમક્રિયા હિંદુઓ’ના રીવાજ અનુસાર જ થવી જોઈએ ! બસ પછી તો શું હતું ? ધબાધબી બોલી જાય છે અને હુલ્લડો ફાટી નીકળે છે . અને લોકલ તકસાધુ’ઓ કે જે આ ઘટનામાંથી પોતાની જોઈતી મલાઈ ચાટી લેવા તૈયાર જ બેઠા હોય છે – એક છે હિંદુ લીડર અને બીજો છે મુસ્લિમ લીડર ! આ બંને’ઓ પોતપોતાના દાવાઓ કોર્ટ’માં લઇ જાય છે અને કાલ સુધી જેને કોઈ ઓળખતું પણ નહોતું એવો હમીદ ઉર્ફે કિશન પોતપોતાના ધર્મ’નાં અખાડાઓમાં એક હીરો બની જાય છે [ એક સ્લોગન મુજબ : ગલી ગલી મેં ઝીરો હૈ , હમીદ / કિશન હમારા હીરો હૈ 😉 બીજું સ્લોગન : જો બોડી સે ટકરાયેગા , મીટ્ટી’મેં મિલ જાયેગા 😀 ]

આ બંને લીડર તો ઠીક પણ એક લોકલ રાજકારણી’માંથી પોતાનું કદ ઊંચું કરીને મોટું માથું બનવા મથતો ‘ મુથ્થા સેઠ ‘ [ કમાલ’નો સતીશ કૌશિકમારા પ્રિય એક્ટર્સ’માનો એક અને આ મુવી’નો એકમાત્ર જાણીતો ચહેરો ! ] , લોકલ ઇન્સ્પેકટર [ કે જે એમ માને છે કે હુલ્લડો તો આ ઇલાકા’ની રોજબરોજ’ની વાત છે અને એમ થવાથી લોકો’નો ગુસ્સો બહાર નીકળી જાય છે અને તેઓ ફરી પોતપોતાની જિંદગીઓ’માં ગોઠવાઈ જાય છે !!! – ગણેશ યાદવ ] પાંડુ  હવાલદાર કે જેને એક કાળિયા કૂતરા’ને લીધે સસ્પેન્ડ કરાયો છે [ કેમ ? તે તો તમે જ જોજો 🙂 ] એક લોકલ ટપોરી કમ આવતીકાલ’નો ગુંડો , પોતાનો પહેલો પતિ પોલીસ’ના ગોળીબાર’માં મરેલો અને આ બીજો પતિ ‘ હમીદ ‘ ગોળીબાર’માં તો નથી મર્યો પણ મર્યા બાદ બધું સળગાવતો ગયો એમ માનીને હવે નિરાંત અનુભવતી વિધવા – કેમકે હવે તેની પાસે લૂંટાવા જેવું કાઈ નથી બચ્યું માટે ! [ ટેરિફિક તન્વી આઝમીહમીદ’ની વિધવા ફાતિમા’ના પાત્રમાં ] પેલો બહેરો વિદ્વાન પ્રોફેસર કે જે અવારનવાર આ કજીયાઓ અને ન્યુસન્સ’થી બચવા પોતાના કાન’નું મશીન કાઢી નાખે છે , એક લોકલ છાપા’નો તંત્રી અને વિદેશ’થી આવેલ માર્કેટિંગ હેડ[ અને સત્ય’થી દુર ભ્રમણા અને અફવા’ઓમાં રચાતી આવતીકાલ’ની હેડલાઈન્સ ! ] , નવોસવો પોસ્ટીંગ મેળવેલો એક સારો ઇન્સ્પેકટર અને આ બધી બઘડાટી’ઓમાં સલવાયેલા બે પ્રેમી પંખીડા ! [ અને એ પણ પાછા હિંદુ અને મુસ્લિમ !!! ] મતલબ કે જેટલી પણ અહીંયા વાત થઇ એ બધા જ સંજોગો અને ઘટનાઓ’માં ફીટ બેસતા અને ફરી નવા જ સંજોગો ઉભા કરતા બેમિસાલ પાત્રો’ની અહીંયા રીતસર’ની ટંકશાળ પડી છે ! હરેક એટલે હરેક પાત્ર સમગ્ર ઘટનાક્રમ’ને ક્યાંક એટલે ક્યાંક કોઈ નવો જ વળાંક આપે છે અને એજ આ મુવી’ની મજા છે !

જી હાં , અહીંયા થતી વાત પરથી તો એવું લાગે કે આ કોઈ કોમેડી છે ! પણ નાં , આ એક જબ્બર કટાક્ષ’કથા છે કે જ્યાં એક તરફ પડદા પર ચાલતી બેવકુફીઓ અને વાહિયાતવેડા’ઓ જોઇને હસવું આવે ત્યાં બીજી બાજુ આ જ બધું રોજબરોજ’નાં ભારત’માં કોઈને કોઈ ખૂણે ભજવાતું જ હોઈને મન’માં વિષાદ’ની લાગણી થઇ આવે . . પૂરી ફિલ્મ એટલી તો સજ્જડ છે કે એક કરતા એક દ્રશ્ય પણ નક્કામું ન લાગે અને એટલી જ ઝડપથી વાર્તાપ્રવાહ સડસડાટ ચાલ્યો જ જાય ! જાણે કે કોઈ નિરંતર તમાશો ચાલે જ રાખતો હોય અને એ પણ એક પૂરો થાય પછી બીજો અને પછી ત્રીજો ! કે જ્યાં સાંજ પડે કશું જાણવા કે શીખવા તો નાં મળે તો ઠીક , પણ કશું ગુમાવવું જરૂર પડે ! રોજબરોજ’નાં બિનજરૂરી વિવાદો’થી અને હવા’માં નીતનવીન બખીયા ભરતા રહેવાની આદત’થી આ દેશ જાણે ધીમેધીમે પાછળ તરફ ઘસડાઈ રહ્યો છે ! અલગ અલગ તબકકે આ મુવી તમને કંઈક વિચારવા પ્રેરશે અથવા તો દિગ્મૂઢ કરી દેશે અથવા તો બસ એમ જ હસાવી દેશે અને વળી પાછા ચુપ પણ કરાવી દેશે ! અહીં ફેલાતા હુલ્લડો’ને જોઇને એમ લાગે કે ભૂતકાળ’માં ફેલાયેલા હુલ્લડો પાછળ ક્યાંક આવું જ કોઈ બાલીશ કારણ નહિ હોય ને ?? ધીમે ધીમે હુલ્લડો’ને હવા દેવાય છે અને જયારે તે ભડકી ઉઠે છે ત્યારે ધર્મ’નાં ઠેકેદારો , તકસાધુ’નાં રિમિક્ષ અવતારો જેવા રાજકારણીઓ અને મીડિયા પોતપોતા’ને અનુકુળ મસાલાઓ ભભરાવીને જોઈતી વાનગી રાંધી લે છે – અહીંયા બધાયને કૈક ને કૈક મળી રહે છે , સિવાય કે મૃતક’નાં પરિવારોને !

d12

પણ આ બધા જ મુદ્દાઓ અને વાસ્તવિકતા’ઓને એકસાથે રજુ કરતા કરતા ક્યાંક ને ક્યાંક મુવી સંબંધિત વિષય’ને થોડો વધુ પડતો ખેંચે પણ છે અને ચોળી’ને ચીકણું પણ કરે છે , છતાયે મુવી ક્યાય કરતા ક્યાય પણ તમને જરા સરખું પણ ચસકવા નહિ દે , તે પાકકું ! ફિલ્મ પૂરી થયા બાદ મને ખ્યાલ આવ્યો કે આ ડિરેક્ટર તો પેલા ‘ ગાંધી માય ફાધર ‘ વાળા ફિરોઝ ખાન !! [ અને તુમ્હારી અમૃતા નાટક’વાળા પણ ! ] – હેટ્સ ઓફ ફિરોઝ ખાન . અને જેટલું કમાલ’નું દિગ્દર્શન છે , તેટલું જ તેને ટેકો આપનારી જબરદસ્ત સિનેમેટોગ્રાફી છે [ હેમંત ચતુર્વેદી – વાયરાઓ’માં ઝુલતા વૃક્ષો’થી લઈને ચટ્ટીપાટ પડેલી લાશો સુધી , ઉષા અને સંધ્યા’ના બેનમુન રંગોથી લઈને લોહી’નાં તિવ્ર લાલ સુધી . . . ]

યાદગાર દ્રશ્યો અને ઘટના’ઓમાં : 1] ફાતિમા’નાં ઘરે મરશીયા ગાવા આવેલી લોકલ મહિલાઓ’નું હૈયાફાટ ખોટું રુદન અને બીજી જ ઘડી’એ નળ’માં પાણી આવ્યું હોવાથી બધી જ મહિલા’ઓ રફૂચકકર ! 🙂 2] કોર્ટ’માં જયારે પ્રથમ વખત સુનવણી થાય છે , ત્યારનું જજ’વાળું દ્રશ્ય !

d7

3] નીતિનિયમ અને હકીકત’માં માનનાર તંત્રી’નો સમય’ની નજાકત જોઇને થયેલો રાતોરાત પલટો ! [ જયારે તેને કહેવામાં આવે છે કે : સંબંધિત ખબર અફવા હોઈ શકે અને તેનાથી હુલ્લડો ફાટી નીકળે તો ? તંત્રી’નો જવાબ : આપણું કામ ખબર આપવાનું છે , હુલ્લડો રોકવાનું કામ પોલીસ’નું છે ! ] 4] સહાયક તંત્રી જયારે વેન’માં બેસીને જઈ રહ્યો હોય છે , ત્યારે બારી બહાર ફાટી નીકળેલા હુલ્લડો’નાં લોહીયાળ દ્રશ્યો અને લોહી વડે ખરડાયેલી બારી અને ભીંતો !

d6

5] એક ચોર આ જ બધી ભાંગજડ’માં સળગી મરે છે , ત્યારે રાતોરાત તેને શહીદ બનાવી દેવાય છે અને તેના નામના નારા ફૂંકાવા મંડે છે ! 6] દરગાહ’ની બહાર બિરયાની’ની લાલચ’માં મુથ્થા’શેઠ’નું લબાડ ભાષણ સાંભળતા ભિખારીઓ !

d5

7] એક મૌલવી લોકો’ને ચિત્રવિચિત્ર રીતે ઉશ્કેરે છે અને સાથેસાથે ટીવી / સિનેમા અને આજકાલની ફેશન’માં રાચતી સ્ત્રીઓને પણ ભાંડે છે , પણ ભાષણ’ને અંતે પોતે ખુદ જન્ન્ત’માં મળનારી હુર્રપરીઓ’ના સ્વપ્નમાં ખોવાઈ જાય છે તે દ્રશ્ય 😉 [ જબરદસ્ત ‘ સુધીર પાંડે ] 8] મુથ્થા શેઠ’નું ખાઈ પી’ને ભર્યુંભાદર્યું શરીર જયારે ઉબટન’વાળું સ્નાન કરે છે , તે દ્રશ્ય 😉 9] મુથ્થા શેઠ જયારે એડિટર’ને ઘરે બોલાવીને પોતાના કૂતરા’ની સાથેસાથે તેને પણ ખખડાવે છે ત્યાર’નું દ્રશ્ય !

d3

તમને લાગશે કે બધું તો અહીંયા કહી દીધું , હવે વધ્યું શું ? જી નાં હજુ તો આવા કેટલાય શોકિંગ અને બ્રેકીંગ દ્રશ્યો’નો ઢગલો છે આ મુવી’માં ! એક રીતે તમે આ મુવીને ‘ દેખ દ્રશ્ય દેખ ‘ મુવી પણ કહી શકો 🙂

Me :  8 to 8.5 / 10

IMDb :  6.2 / 10 [ 170 + People ] – by Dec. 2014


Kya Dilli Kya Lahore , 2014

ઓકે , તો આ ફિલ્મ જડવા’નું [ ઉર્ફે મળવાનું ] અને જોવાવા’નું કારણ ? તે એક રાઝ છે ! મતલબ કે વિજય રાઝ , ભઈ’સાબ 🙂 અને ઉલટા’નું તો આ વિજય રાઝ’નું ડીરેકટલ ડેબ્યુ છે અને મસ્ત મજાના કલાકારો પણ ! – ફિર ઝ્યાદા ક્યા ચાહિયે અપુન કો , બાપ ?! [ અહીંયા આખરી શબ્દ સાઈલેન્ટ સમજવો 😉 ]

k1

આ એક પોસ્ટ-પાર્ટીશન ડ્રામા છે . વર્ષ છે , 1948’નું અને વાત છે એક જન્મે ભારતીય પણ કર્મે પાકિસ્તાની’ની અને એક જન્મે પાકિસ્તાની પણ કર્મે ભારતીય’ની . . તેમના સંસ્મરણો’ની / ઝખ્મો’ની / યાદો’ની અને વિરહ’ની / વેદના’ની / ત્યજી દેવાયા’નાં દુખ’ની !!! વાર્તા’માં . . સરહદ પાસેની એક ચોકી પાસે જ માહૌલ તંગ છે અને એકમાત્ર બચેલ પાકિસ્તાની સૈનિક’ને તેનો ઘાયલ કમાન્ડર હુકમ આપે છે કે નજીક’ની જ ચોકી’માં એક અત્યંત મહત્વ’ની ફાઈલ છે કે જે તારે કોઈ પણ ભોગે લઇ આવવાની છે ! [ અવાજ અને હાવભાવ’થી કિરદાર’માં ઘુસી જતો ‘ વિજય રાઝ ] અને આ બાજુ પેલી ચોકીમાં એકમાત્ર વ્યક્તિ વધ્યો હોય છે અને તે પણ રસોઈયો !! [ જબરદસ્ત જીવંત એવો ‘ મનુ રિશી ] અને હવે આ બંને લોકો’ની જ એકબીજા સાથે મુઠભેડ થાય છે અને શરુ થાય છે ગોળીબારી અને કટાક્ષ’બારી ! બંને એકબીજાને અને તેમના દેશ’નાં નેતાઓને તાજેતર’ની પરિસ્થિતિઓ માટે કસુરવાર ઠેરવે છે

k9

પણ વાતો’વાતોમાં તેઓ’ને એ ખ્યાલ આવે છે કે પાકિસ્તાની સૈનિક તો છેલ્લા ત્રીસ વર્ષો’થી જૂની દિલ્હી’માં જ રહેતો હતો અને આ બાજુ હિંદુસ્તાની રસોઈયો તો નાનપણ’થી જ લાહૌર’માં રહેતો હતો , પણ આ ભાગલા’એ બંને લોકોને તેમના મૂળ સોતા ઉખેડી’ને સામેની જમીન’માં કણસવા છોડી દીધા હતા ! ધીમે ધીમે આ વાર્તાલાપ વેર / કટાક્ષ / હાસ્ય / સંસ્મરણો / દુખદ યાદો અને કમનસીબી એ સઘળા આયામો’માંથી પસાર થતો રહે છે અને બંને એકબીજા સાથે કૈક ભાવાનુબંધ’થી જોડાય છે ! પછી શું થયું ? શું બંને મિત્રો બન્યા કે પછી હવામાં ફેલાયેલી આ નફરત’ની આગ’એ તેમને ફરી દઝાડી મુક્યા ? એ તો તમારે જ જોવું રહ્યું ને 🙂

k13

મુવી’ની શરૂઆત જ ગુલઝાર સાહેબ’નાં આ ઘેઘુર અને ઘૂંટાયેલા શબ્દો’થી થાય છે :

લકીરે હૈ , તો રહેને દો

કીસીને રૂઠ કર , ગુસ્સે સે શાયદ

ખીંચ દી થી

ઇન્હી કો અબ બનાઓ પાલા

ઔર આઓ કબ્બડી ખેલતે હૈ !

k10

એ જ જમીન , એ જ હવા , એ જ વરસાદ અને એ જ અનાજ’નો સ્વાદ હોવા છતાં કોઈક નોખી જગ્યાએ પટકાઈ ગયા હોય તેવું એ બંને’ને લાગ્યા કરતુ હતું ! પોતીકો દેશ છોડવો પડ્યો અને જ્યાં જઈ વસ્યા તેમણે અપનાવ્યા નહિ . . જુનું છૂટતું નથી અને નવું સ્વીકારાતું નથી ! આ જ કશ્મકશ’નો પડઘો જાણે બંને’ને એકબીજા’નાં અવાજોમાં સંભળાય છે – એકબાજુ સ્થાપિત દુશ્મની છે અને બીજી બાજુ વિસ્થાપિત લાગણીઓ છે ! સામે’વાળો વ્યક્તિ છે તો વિરુદ્ધ બાજુનો પણ તેની વાતોમાં કૈક આપણી જ ચોટ દેખાય છે ! એકબીજાને શબ્દો’નાં ચાબખા વીંઝતા વીંઝતા બંને પોતપોતાની ભૂતાવળ’માં ભૂત બનીને વિહરવા લાગે છે અને એકબીજા પાસેથી પોતાના વતન’ની વાતો સાંભળીને કાનસુખ પામે છે !!

જેવી રીતે વિજય રાઝ’એ ડિરેક્ટર તરીકે શરૂઆત કરી છે તેવી રીતે જ આ ફિલ્મ’નાં સંવાદો મનુ રિશી’એ લખ્યા છે . માટે જ મનુ રિશી’નાં સંવાદોમાં એક ઝનુન અને એક ઘાવ અનુભવાય છે તેવી રીતે જ વિજય રાઝ’નાં અવાજમાં એક ઠહેરાવ વરતાય છે , એક થકાન અનુભવાય છે ! મહતમ ફિલ્મ જાણે સ્ટેજ પર એક જીવંત નાટક ભજવાતું હોય તેવું લાગે છે પણ એ માહૌલ ઈન્ટરવલ બાદ થોડો વેરવિખેર થાય છે અને ફિલ્મ થોડી વધુ ખેંચાતી હોય અને પક્કડ ઢીલી પડતી હોય તેવું લાગે છે છતાં પણ એ બંને વચ્ચેનું બોન્ડીંગ વધુ ઘેરું બને છે . . મુવી’માં એ રીતે માત્ર ચાર જ કલાકારો છે અને એ જ વસ્તુ આં મુવી’ની સાદગી છે . ઉપરાંત ભાવસભર મોનોલોગ , દ્રશ્યો અને જીવંત સંવાદ દાયકાઓ જૂનો એક માહૌલ ઉભો કરી શકયો છે અને છતાં પણ કોઇપણ દેશ કે તેમનો પક્ષ લેવાની દાનત’થી તેઓ દુર રહી શક્યા છે , એ વાત કાબીલેદાદ છે .

કેટલાક સુંદર દ્રશ્યો અને સંવાદ’માં : 1] ઓય , ફૌજી કભી અકેલા નહિ હોતા [ કટાક્ષ ! ] 2] પાકિસ્તાની ફરિયાદ કરતા કહે છે કે : મેં જબ છોટા થા તબ મૈને ચાચા નહેરુ કો દો ગુલાબ દિયે થે ! ભારતીય : અબે , કુછ બાત હોગી તભી દિયે હોગે નાં !!

3] વિજય રાઝ’નાં પેન્ટ’ની ઝીપ જામ થઇ છે , તે દ્રશ્ય 4] જયારે બંને જૂની દિલ્હી અને લાહૌર’ની ગલીઓ અને તેમના પકવાનો’ની વાત સુગંધ લઇ લઈને કરતા હોય છે , તે દ્રશ્ય .

5] વિજય રાઝ કહે છે કે : હમારે સાથ થોડા ઝ્યાદા હુઆ થા ! ( અન્યાય ) ત્યારે મનુ રિશી કહે છે કે : ઓય , સબ કો ઐસા હી લગતા હૈ !! 6] એક તબક્કે વિજય રાઝ અત્યંત ભાવુક થઈને કહે છે કે : અબ લાહૌર કા ચાંદ વૈસા નહિ દિખતા 😦

અને આખરે 7] મનુ રિશી’નાં પિતાજી’ની ચિઠ્ઠી આવે છે , તે દ્રશ્ય અને ભાવુકતા – અદભુત ભાવસભર દ્રશ્ય ! . . . . મને તો આ બંને કલાકારો ખુબ જ પસંદ પણ હતા , તેથી મારી આ મુવી જોવાની મજા વધી ગઈ તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી બાકી તો આપનું રામ જાણે 🙂

Me :  8 / 10

IMDb :  7.6 / 10 [ 870 + People ] – by Dec. 2014


Ankhon Dekhi , 2014

આ મુવી વિષે તો મહતમ લોકો’ને ખ્યાલ હશે જ ! છતાં પણ મારી આંખો દેખી કહું તો . . જૂની દિલ્હી’નો એક મહોલ્લો છે અને તેમાં એક જુનવાણી બાપીકા ઘરમાં વસે છે એક પરિવાર [ મતલબ કે બે પરીવાર – બે ભાઈઓ’નો ] એક સાંકડું ઘર અને તેમાં રહે છે કુલ્લે 7 લોકો – એકબીજાથી એકદમ અલગ સ્વભાવ’વાળા અને વિચિત્રતા’ઓવાળા ! મોટાભાઈ’ને સૌ માન’થી [ અને ઉંમર’ને કારણે ] ‘ બાઉજી ‘ કહે છે અને તેમના કુટુંબ’માં તેમની પત્ની અને એક દીકરો / દીકરી છે . જયારે બીજા પરિવાર’માં નાનો ભાઈ અને તેની પત્ની તથા તેનો એક દીકરો પણ સાંકડ’મુકડ ઘરમાં માળો બનાવીને રહે છે . પણ એક દિવસ જયારે બાઉજી’ની દીકરી રીટા’નું કોઈ’ની સાથે અફેયર ચાલે છે , તેવી બાતમી લાવનાર પંડિતજી’નાં દીકરા’ની વાત માનીને ઘરના લોકો રીટા’નો વારો કાઢી નાખે છે , જયારે આ બાજુ લાગતા’વળગતા બીજા લોકો પેલા છોકરા’ને મેથીપાક ચખાડી દે છે ! પણ બાઉજી’ને તે છોકરો એકેય ખૂણેથી લફંગો નથી લાગતો [ તેમના શબ્દો’માં : તે છોકરો તો ગઉં હતો ગઉં !! ઉલટાનું અમે બધા જે તેને મારવા ગયા હતા તે બધા કોઈ ગુંડા’ટોળકી લાગતા હતા 😉 ] અને આ બનાવ’થી તેમના વિચારો’ને એક ધકકો લાગે છે [ કે જેવો ગાંધીજીને દ.આફ્રિકા’માં પ્લેટફોર્મ પર લાગ્યો હતો ! ] કે અત્યાર સુધી મેં જે બીજાએ કહ્યું , સંભળાવ્યું અને પ્રતિપાદિત કર્યું તે જ સત્ય માની લીધું અને મારો અંગત અનુભવ તો સાવ વિસારે જ પાડી દીધો ! તો શું મારું જીવન સાવ આમ જ વીતી ગયું ? શું આમને આમ સાવ પારકી દ્રષ્ટિ અને પારકા સત્ય પર હું ચાલતો રહ્યો ? અને આ બધાને અંતે શું કોઈ યથાર્થ મળ્યો ? જીવન’નો કોઈ મતલબ મળ્યો ? જવાબ છે : નાં ! તો હવે ? . . . બાબુજી’એ હવે એક નિર્ણય કરે છે , [ વાંચો એમના જ શબ્દોમાં ! ]

a10

मेरा सच मेरे अनुभव का सच होगा. अाज से मैं हर उस बात को मानने से इनकार कर दूंगा जिसे मैंने खुद देखा या सुना न हो. हर बात में सवाल करूँगा. हर चीज़ को दोबारा देखूँगा, सुनूँगा, जानूँगा, अपनी नज़र के तराजू से तौलूँगा. अौर कोई भी ऐसी बात, जिसको मैंने जिया ना हो उसको अपने मुँह से नहीं निकालूँगा. जो कुछ भी गलत मुझे सिखाया गया है, या गलत तरीके से सिखाया गया है वो सब भुला दूँगा. अब सब कुछ नया होगा. नए सिरे से होगा. सच्चा होगा, अच्छा होगा, सब कुछ नया होगा. जो देखूँगा, उस पर ही विश्वास करूँगा.

અને જો તમે એકવાર ચીલાચાલુ રસ્તો છોડયો અને ઘેટાઓ’નાં ટોળામાંથી બહાર નીકળ્યા , તો સૌ પહેલા તો તમારે પહેલો સામનો તમારો ખુદ’નો અને ત્યારબાદ તમારા સ્વજનો’નો જ કરવો પડે છે અને તેવું જ અહીંયા પણ બન્યું ! રીતસર’ની રોજબરોજ’ની દુનિયાઓ ઉલટસુલટ થવા માંડી , ઘડીક તો દેકારો બોલી ગયો , કટાક્ષ થયા , મજબુરીઓ’નાં પોટલા છુટા થયા , આર્થીક સંકડામણ આવી , આપસ’માં મનમોટાવ થયો , હાંસી ઉડાવાઈ અને બીજું તો ઘણુંખરું રસપ્રદ અને વિચારણીય બન્યું કે જેની આંખો દેખી તો તમારે ખુદે જ અનુભવવી રહી 🙂

a13

મુવી’ના એક તબકકે હું આ કહાની’નાં મુખ્ય વિચાર સાથે સંમત ન થઇ શકું ! કેમકે સૌપ્રથમ જયારે માનવજાત’માં સભ્યતા અને સંસ્કૃતિ’નો ઉદભવ અને ઉત્ક્રાંતિ થયા ત્યારથી લઈને આજ સુધી તે માત્ર પેઢીઓ દર પેઢીઓ એટલા માટે વિકસતી રહી તથા શીખતી અને સમજતી રહી , કેમકે ક્યાંક’ને ક્યાંક કોઈ’નાં કોઈ તબકકે આપણે બીજાનું સત્ય અને વિચારો અપનાવ્યા છે અને તેમણે પસાર કરેલ એક લેવલ પર સીધો આપણી ઈમારત’નો પાયો નાખ્યો છે ! મતલબ કે જો તે લોકોએ શોધેલું સત્ય , તર્ક , તારણ અને અનુભવ આપણે અને સૌ કોઈ ફરી ફરીને શોધવા અને સિદ્ધ કરવા બેસીએ તો તો સમગ્ર માનવજાત એકના એક કુવામાં ફરતી જ રહે અને તે દુનિયામાંથી બહારની દુનિયા જોઈ જ ન શકે !! મતલબ કે હરેક’નું [ સત્ય / અનુભવ ] એ કોઈ બીજાના અને સરવાળે સમગ્ર સૃષ્ટિ’નાં [ સત્ય / અનુભવ ] સાથે વણાયેલું હોય છે . આપણું અંગત [ સત્ય / અનુભવ ] તો તેમાનો એકમાત્ર દોરો જ હોય છે અને સરવાળે આપણે તેમનું અને તેમણે આપણું [ સત્ય / અનુભવ ] સ્વીકારીને એક વિશાળ ચાદર બનાવેલી હોય છે [ વૈજ્ઞાનિક રીતે કહું તો – સ્પેસ’ટાઈમ’ની ચાદર 🙂 ] હાં , તમારો અંગત અભિગમ હોઈ શકે , વિચાર હોઈ શકે અને તેમને અનુસરવાની જીવનશૈલી હોઈ શકે પણ તમે જો બધું એટલે બધું જ તમારી ખુદ’ની દ્રષ્ટિ’એ જુઓ , કાનેથી સાંભળો અને ખુદ’નાં જ અનુભવે’થી જીવો તો પછી તમારે સાવ શૂન્ય’થી એંકડો ઘૂંટવો પડે !

a16

મેં એમ કહ્યું કે મને મુખ્ય વિચાર સાથે થોડું વાંકું પડયું પણ એમ નથી કહ્યું કે ફિલ્મ સાથે વાંકું પડ્યું 😉 ફિલ્મ એ રીતે રજત કપૂર’ની સર્વશ્રેષ્ઠ અને સરવાળે ઇન્ડીયન સિનેમા’ની બહેતરીન અને ક્લાસિક ફિલ્મો’માં સ્થાન પામે તેવી છે ! રજત કપૂર’ની ફિલ્મો હવે ધીમે ધીમે જામવા માંડી છે અને તેની પોતાની જ એક અલગ ફલેવર અને પોતીકું સિનેમા બાંધવા લાગી છે ! તેમની અગાઉ જોયેલી મહતમ ફિલ્મો કૈક હટકે અને થોડીક વિચારોત્તેજક હોય છે [ રઘુ રોમિયો , મિથ્યા , ફેટ્સો અને મિક્સ્ડ ડબલ્સ ] અને આ વખતે તો તેઓ મારી ફેવરીટ અને તેમના સૌથી અદકેરા સર્જન ‘ રઘુ રોમિયો ‘થી પણ એક ડગલું આગળ વધી ગયા છે ! સ્ટોરી / સ્ક્રીનપ્લે / સેટ્સ & ઓરીજીનલ લોકેશન્સ / પાત્રો & કલાકારો / મ્યુઝીક & બેકગ્રાઊંડ સ્કોર / સિનેમેટોગ્રાફી & દિગ્દર્શન / નરેશન & ટ્વિસ્ટ એન્ડ ટેલ્સ / થિયરી અને ફિલોસોફી / વાસ્તવિકતા અને ભ્રમ અને આખરે ‘ શરૂઆત તથા અંત . . . એમ આ સઘળા તબકકા’માં આ ફિલ્મ મેદાન મારી ગઈ છે અને ખૂંટા ખોડી દીધા છે 🙂

a13

પહેલા તો મુખ્ય પાત્ર એવું બાઉજી [ મારા પ્રિય કલાકારોમાં’ના એક ‘ સંજય મિશ્રા ‘ – એક કલાકારને જયારે તક અને સ્ટોરી મળે ત્યારે શું શું કરી શકે તેનો ઉતમ દાખલો – જોકે તેમને સૌપ્રથમ વખત જોયા ત્યારથી જ તેમની અભિનયક્ષમતા અંગે કોઈ શંકા નહોતી , ઉલટાનું હું તો એમ માનું છું કે મારા કેટલાક પ્રિય કોમેડિયન કલાકારો કે જે ચીલાચાલુ ફિલ્મો’માં જાણેઅજાણે ફસાયેલા છે તેઓ આલાતરીન કલાકારો છે ] આ ચડી બેઠેલી ધૂન’ને કારણે અવગણાય છે , બાદમાં હાંસીપાત્ર બને છે , ટીકાપાત્ર બને છે , કૌતુક’ને પાત્ર બને છે , આકર્ષણ’ને પાત્ર બને છે , માન’ને પાત્ર બને છે , અનુસરણ’ને પાત્ર બને છે અને એક તબકકે ફરી પાછા એક નવા વળાંકે તરછોડવા’ને પાત્ર બને છે ! જાણે કે એક વર્તુળ પૂરું થયું અને હવે એક નવા વર્તુળ’માં પ્રવેશ’નો ઇન્તેઝાર ! જીવન’ની આ નવી સફર’ની હરેક બાજુ તે પોતાના સત્ય અને અનુભવો’થી જાણે છે અને ખરા અર્થ’માં તેને જાણીને પોતાની અંદર ઉતારે છે અને આખરે પોતાનું એક ભાવ’વિશ્વ અને પોતીકું સત્ય ઉજાગર કરે છે ! અને આ દરમ્યાન એક આદર્શવાદી તરીકે ભ્રમ તથા વાસ્તવિકતા’ના સરવાળાથી થી સર્જાયેલી  દુનિયાને પણ પિછાણે છે અને ફરી એક વાસ્તવવાદી તરીકે આદર્શો’નાં સ્વપ્ન’ને પણ વાસ્તવ’માં ઉતારવા મથે છે [ મતલબ કે વાસ્તવ’વાદીમાંથી આદર્શવાદી અને આદર્શવાદી’માંથી વાસ્તવ’વાદી તરફ હાલકડોલક થાતી આ સફર ખરેખરું અનુભવો’નું ભાથું બાંધે છે ] એક તબકકે આ મુવી એ પણ અહેસાસ કરાવે છે કે માહિતી’વિસ્ફોટ’નાં આ જમાનામાં આપણે છાપાઓ / ટીવી ચેનલો અને કહેવાતા જાણકાર લોકોનું સત્ય અને સરવાળે ભ્રમ તથા દ્રષ્ટિકોણ જોવા લાગીએ છીએ , જીવવા લાગીએ છીએ – ધીમે ધીમે આપણો અંગત દ્રષ્ટિકોણ , સ્પર્શ અને વિચાર નેવે મુકાઇ જાય છે ! જાણે કે આપણને જે દેખાડાય છે અને ભણાવાય છે તે જ આપણું અસ્તિત્વ બની જાય છે કે જેના’થી પર ઉઠીને આપણે કાઈ નવું વિચારી જ નથી શકતા !

કહેવાય છે ને કે માણસ બે વાર જન્મે છે ! એક તો જયારે આપણે આ જગત’માં આવીએ તે અને બીજું આપણે આ જગત’માં શું કામ આવ્યા ? આપણું અસ્તિત્વ શું અને આપણે કોણ . . હું કોણ – તે સવાલ ઉભો થાય તે ક્ષણ ! જયારે દ્રષ્ટિકોણ બદલાય , ત્યારે જગત નવું જ ભાસે છે , માણસ સમૂળગો હચમચી ઉઠે છે – થોડું તો થોડું , હવે એ ખરા અર્થ’માં જીવવા લાગે છે ! નવો અર્થ , નવી દ્રષ્ટિ , નવો વિચાર , નવી તકલીફો અને અજાયબ જ ઉકેલો’થી તે હર ક્ષણ જીવંત થઇ ઉઠે છે – તે શબ્દ’ને ભ્રમ પણ માને છે અને બ્રહ્મ પણ ! તે કોઈ એક શિખરે ચીટકી નથી રહેતો , જો આજનું સત્ય કાલના સત્ય’ને હચમચાવી શકતું હોય તો તે નવું સત્ય સ્વીકારે છે અને હરરોજ સત્ય’નાં નવાનવા શિખરો સર કરે છે – હવે તેને દુર્ગમ સંજોગો અકળાવતા નથી પણ તે સંજોગો’ને પણ એ આગામી પગથીયું સમજીને નવું જ સત્ય ખોળી કાઢે છે – તે હર ક્ષણ આગળ વધે છે ! એક એવા શરૂઆત’રૂપી અંત તરફ કે જેની તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી !!

a14

આ તો થઇ ચિત્રવિચિત્ર ફિલોસોફી અને ભારેખમ સત્ય’ની વાત 🙂 પણ જો મુવી’નાં યાદગાર દ્રશ્યો અને પાત્રો’ને યાદ કરું તો . . 1] પહેલું જ દ્રશ્ય : જયારે અફેયર’ની જાણ થતા ઘર’માં બઘડાટી મચી ગઈ હોય છે [ અને અહીંયાથી જ એક સામાન્ય લાઉડ ગૃહિણી’નું પાત્ર ભજવતી ‘ સીમા પાહવા ‘ છવાઈ જાય છે – જોરદાર અભિનય ! તેણીના અને બાઉજી’નાં હરેક દ્રશ્ય યાદગાર છે . ] 2] જયારે બાઉજી પોતાની દીકરી ‘ રીટા ‘ને મનાવીને જમાડતા હોય છે , તે દ્રશ્ય  [ ખરેખર સુપર્બ દ્રશ્ય – સિમ્પલ & સોબર ! – રીટા’નાં પાત્રમાં ‘ માયા ‘ એકદમ ધાંસુ ફીટ થાય છે 🙂 અને બાપ-દીકરી’નાં હરેક દ્રશ્યો આ મુવી’માં એક સામાન્ય છતાં પણ એક હળવાશ ભર્યો ટચ ઉમેરે છે ! ]

a8

3] જૂની દિલ્હી’નાં એ મહોલ્લા’નું નીચે’થી ઉંચે વિસ્તરતું અને ચિત્રવિચિત્ર આયામો’માં ફેલાયેલું એક સાંકડું ઘર કે જે ઢગલાબંધ માણસો’ને સમાવી શકે છે અને તેમાં રહેતા આ સૌ’ની રોજબરોજ અને નાનીમોટી તકરારો’ને પણ ! અને જૂની દિલ્હી’નું એ મહોલ્લા કલ્ચર કે જ્યાં મહતમ શંભુમેળો જામ્યો રહેતો હોય છે – જ્યાં કોઈ’ની નજર હરકોઈ પર હોય છે – છુપી ઈર્ષ્યા હોય છે – જ્યાં હરકોઈ કામ’માં આવે છે અને નડે પણ છે ! નાની નાની વાતે ભેગા થઇ જાય છે તથા ચર્ચાઓ’નું ચકડોળ ચગે છે અને અફવાઓ’ની આંધી ઉડે છે અને આખરે સૌ કોઈના એક કોમન અને ઓથોરાઈઝ્ડ બાઉજી હોય છે 🙂

a9

4] તેમના જ એક સગા’નો છોકરો કે જે એક દિવસ અચાનક જ બબડાટ કરવા માંડે છે , નોનસ્ટોપ ! ત્યારે તેનો હાથ પોતાના હાથ’માં લઇ તેને નિરંતર સાંભળતા બાઉજી 🙂 [ બબડાટ પણ ખાસ્સો ક્રિયેટીવ છે , સાંભળજો ! આ તબકકે બબડાટ અને મૌન’નો સંગમ થાય છે !!5] ગણિત’નાં સર’ની પાછળ આદું ખાઈને મંડાઈ પડેલા બાઉજી , કે : સમાંતર રેખાઓ અનંત પર શું કામ મળે છે ? અને જો તે મળે છે , તો પછી તે સમાંતર રેખાઓ શું કામ કહેવાય ?? 😉

6] બાઉજી’ની મંડળી ઉર્ફે ટોળકી અને તેના ચિત્રવિચિત્ર નમૂનાઓ 🙂 7] કંકોતરી છપાવવા સમયે સાદગી’નો આગ્રહ 😉

8] અને ખાસ તો , વાઘ’ની ગર્જના ‘વાળું દ્રશ્ય અને તેનું પરિણામ 😀 9] અને આખરે , પચાવવો અઘરો પડે તેવો કલાયમેક્ષ !!!

a4

સતત હળવા હળવા સિતાર’નાં સુરો છેડતો ‘ સાગર દેસાઈ ‘નો બેકગ્રાઊંડ સ્કોર , કૈલાશ ખેર’નાં બે મસ્ત ગઝલ જેવા ગીતો અને તેમાં અદભુત શબ્દો પૂરનાર ‘ વરુણ ગ્રોવર ‘ ( ‘ આજ લાગી નયી નયી ધૂપ ‘ & ‘ યાદ સારી સારી બારી બારી છનૈ રે છનૈ ‘ ) તથા સમગ્ર મુવી’ને એક નોસ્ટાલ્જિક ફીલિંગ આપનાર સિનેમેટોગ્રાફર ‘ રાફે મહેમુદ ‘ સિવાય આ મુવી’માં કૈક અધૂરું રહી જાત ! એક મસ્ત સેમી ફિલોસોફીકલ ગ્રે કોમેડી ડ્રામા – હેટ્સ ઓફ ટુ ” રજત કપૂર ” [ છતાં , ફિલ્મ મધ્ય’થી અંત તરફ જતા થોડીક આડે ફંટાય છે કે જે વાર્તાપ્રવાહ’ને થોડો ગુંચવે છે , છતાયે ‘ હેપ્પી ન્યુ યર ‘નાં જમાનામાં આવી લુપ્ત પ્રજાતિ જેવી ફિલ્મો જોવાનું સદભાગ્ય સાંપડે એ જેવીતેવી વાત નથી . અસ્તિત્વ’નાં ખોજ’ની , વાસ્તવિકતા’નાં કારણ’ની , સત્ય’નાં સ્વીકાર’ની અને નવા પડકારો જીવવાની આ સફર તમને અચૂક ગમશે . ]

a1

Me :  8.5 / 10

IMDb :  8.3 / 10 [ 1,160 + People ] – by Dec. 2014