ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

1} ઘણા દિવસે મંથલી રીવ્યુ’ઝ સેક્શન’માં પાછું ફરાયું  . . અને એ પણ ચાર ચાર સુપરહીરો’ઝ્ની પોસ્ટ લઈને [ મતલબ કે તમને ખબર પડી જ ગઈ હશે કે આ એક મેગા-પોસ્ટ બની હશે , માટે નહિ નહિ ને ય 7 મિનીટ તો પાક્કી આખી પોસ્ટ લોડ થવામાં !!!! એનો એક જ ઉપાય છે , એ તે કે તમે પોસ્ટ લોન્ચ કરીને નજીકની શેરીમાં એક વોક લેતા આવો અને કુતરાઓ’નું ધ્યાન રાખજો નહિતર વળી પાછા , બાજુની બીજી શેરીમાં પહોંચી જશો 😉 ]

2} વળી પાછુ આ બે ત્રણ પોસ્ટ’ને તોડી મરોડી’ને એક પોસ્ટ બનાવવામાં આવી હોવાથી સરવાળે બે પોસ્ટ’ની ગરજ સારશે [ જેમ કે ; કેપ્ટન અમેરિકા અને એક્સ-મેન’ના રિવ્યુઝ મારી ‘ IMDb Top 250’ કેટેગરી’માં પડતા હતા , પણ આ બધા જ સુપરહીરો’ઝને એક જ લાઈન’માં ખડા કરવા મેં આ ચારેય ફેન્ટાસ્ટીક ફોર’ને એક જ પોસ્ટ’માં ઠુંસી ઠુંસી’ને ભરી દીધા ! ]

3} છેલ્લે , એક મસ્ત મજાનું નાનકડું ટીઝર [ મુવીના રસિયા’ઓએ તો જોઈ જ લીધું હશે ,  છતાં પણ . . ડીઝની’નું નવું નઝરાણું ]


Total Movies – 4 ~ ~ ~ Pictures – 41 Steady & 15 Movable ( Gif )

It would take 7 to 8 minute to load the whole post .


1} Captain America: The Winter Soldier , 2014

કેપ્ટન અમેરિકા’નો પહેલો ભાગ કે જે બેએક વર્ષ પહેલા આવેલો તેના બહુ ભાવ નહોતા બોલાયેલા [ જોકે મને તે ભાગ ગમેલો , આમેય હું થોડો વિચિત્ર માણસ છું 😉 ] અને ઘણા લોકોને લાગેલું કે તે ભાગ અને તેને પગલે કેપ્ટન અમેરિકા એક ” વન ફિલ્મ વન્ડર ” બનીને જ રહી જશે ! પણ , જે રીતે એવેન્જર્સ’માં કેપ્ટન અમેરિકા એક લીડર બનીને ઉભર્યો અને તેનું કેરેક્ટર ડેવલપ થયું , તે જોતા ખરેખર લાગ્યું કે આ એક લાંબી રેસ’નો ઘોડો સાબિત થશે અને થયો પણ ખરો  . . આ ફિલ્મે જ બખ્ખે બખ્ખા બોલાવી દે તેટલી કમાણી કરી છે અને હજુ ચાલુ જ છે અને સૌના આશ્ચર્ય વચ્ચે આ ફિલ્મ ” IMDb Top 250 ” માં છેક 200’ની આસપાસ જઈ પડી છે [ ખરેખર ધાંસુ કમબેક કહેવાય ! આ જગ્યાએ પહોંચવામાં તો ” મેન ઓફ સ્ટીલ “ પણ હાંફી ગયેલી ! ]

તેનું એક કારણ એ પણ હોઈ શકે કે દર્શકો’ની અને ચાહકો’ની નજરમાં આ સીધો-સાદો સુપરહીરો વસી ગયો છે ! તેનામાં કઈક અપીલિંગ છે , તે કશિક સાચી વસ્તુ માટે લડે છે . . કોઈ નજીક’નું કહેવા જેવું તેની જિંદગીમાં કોઈ કરતા કોઈ નથી અને પાછો પોતે તો ત્રણ પેઢી જેટલો જુનો છે અને હજુ પણ ટેકનોલોજી’થી ફાંટફાંટ થતી આ 21’મી સદીમાં તેને ક્યાંક ભાગી છૂટવાનું મન થાય છે ! તેનો સુપરપાવર એક રીતે એ છે કે એ નથી ઉડી શકતો કે નથી તેની પાસે કોઈ અદભુત હથિયાર [ હાં , ઢાલ છે પણ એ મહદઅંશે ‘ વાર ‘ રોકવામાં વધુ કામ આવે છે ! ] . . અને એ રીતે તેને સીધેસીધું જ દુશ્મન’ની સામે અથવા તો દુષ્કર સંજોગોમાં ધસી જવું પડે છે માટે એ રીતે તે સામી છાતી’એ લડનારો વીર યોદ્ધો છે કે જેની પાસે એક વિચારધારા છે , અને કોઈ પણ સારા કાર્ય માટે તે મરી ફીટવા પણ તૈયાર છે ! [ તે કોઈ લપ્પન છપ્પન નથી કરતો , બસ અબ તક છપ્પન કરી નાખે છે ❗ ]

હવે જો ફિલ્મ’ની વાત કરીએ તો પુરા મુવી’માં કેપ્ટન અમેરિકા [ Chris Evans ] ઉપરાંત ત્રણ બીજા પાત્રો પણ બહુ મસ્ત રીતે ઉપજાવ્યા છે અને તે છે ; નીક ફ્યુરીSamuel L. Jackson ] , બ્લેક વિડોScarlett Johansson ] અને ફાલ્કનAnthony Mackie ] . . આગલી બધી માર્વેલ સુપરહીરો’ઝ્ની સરખામણી’એ અહીંયા બ્લેક વિડો અને નીક ફ્યુરી’નાં રોલ થોડા વધુ અને મસ્ત મજાના છે [ તે રીતે તેઓ પૂરી ફિલ્મ’ને એક મસ્ત સાઈડ કિક આપે છે ] અને નજીકના ભવિષ્યમાં બંને કેરેક્ટર્સ’ને [ ફ્યુરી અને બ્લેક વિડો ] પોતપોતાની એક એક અલગ અલગ મુવીઝ પણ મળવાની છે કે જ્યાં તેઓ કેવી રીતે આ આંટાપાટા’ની દુનિયામાં આવ્યા તે બતાવાશે !. . તે રીતે અહીંયા કેપ્ટન અમેરિકા’નાં ડાબા હાથ જેવા એક સાથી કમ મિત્ર’નાં પાત્ર’નો પણ જન્મ થયો છે , ” ફાલ્કન ” [ કે જે એક પેરાટ્રુપર્સ કમાન્ડો ટુકડી’નો સભ્ય હતો અને હવે તે એકઝો-સ્કેલેટ્ન સ્યુટ પહેરીને પક્ષીની માફક હવા સાથે વાતો કરશે ! – પંખ હોતે તો ઉડ આતી રે 😉 ]

આ ફિલ્મ વિષે મજાની વાત એ છે કે પૂરી ફિલ્મ એક સુપર સ્પાય થ્રિલર’ની માફક ગૂંથાઈ છે . . તે રીતે તેમાં ધાંસુ ટ્વિસ્ટ / ડ્રામા / એક્શન અને વખતોવખત આવતી  થ્રિલ’ની જબ્બર હવા બંધાઈ છે . . એક રીતે કેપ્ટન અમેરિકા જમીન સાથે જોડાયેલો સુપરહીરો કહી શકાય અને એ રીતે તેની સાથે સંકળાયેલ આ ફિલ્મ હાઈફાઈ સ્પેશિયલ ઈફેક્ટ-સજ્જ મુવી કરતા થ્રિલર ડ્રામા હોય તો તે વધુ ફીટ બેસે , અને એ જ આ ફિલ્મે કરી બતાવ્યું છે ! આ વખતે શિલ્ડ’નાં હેડક્વાર્ટર’માં જ કાવતરું ઘડાય છે અને કોઈ મોટું પરીબળ ધીમે ધીમે સપાટીથી ઉપર તરફ આવી રહ્યું હોય છે કે જે અત્યાર સુધી સજ્જડ ટકી રહેલા શિલ્ડ’નાં પાયા હચમચાવી નાખશે ! કેપ્ટન અમેરિકા’ને શિલ્ડ’ની કામગીરી પર ક્યારેય ભરોસો હતો જ નહોતો અને હવે આ બધી ઘટમાળ’ને કારણે તો , હવે તે પોતે જ તેના સકંજામાં આવી જાય છે અને પછી શરુ થાય છે , એક ધાંસુ ચેઝ’ની શરૂઆત . . નવા નવા રહસ્યો’નો પર્દાફાશ અને લટકામાં ઝબરદસ્ત એક્શન !

ફિલ્મ’નાં ટાઈટલ’માં જે નવી ક્રેડીટ છે ; તે છે વિન્ટર સોલ્જર  . . . ફિલ્મ’ની શરૂઆત’માં જ તે ઝબરદસ્ત રીતે નીક ફ્યુરી’ની કાર પર હુમલો કરે છે ! કોઈ કરતા કોઈ તેની સામે ટકી શકતું નથી . . તે કોણ છે ? તેનું રહસ્ય શું છે ? શું કામ કોઈ તેની સામે ઝીંક નથી ઝીલી શકતું ? અને આખરે હદ તો ત્યાં સુધી થઇ ગઈ કે કેપ્ટન અમેરિકાની પેલી ઝબરદસ્ત શિલ્ડ પણ તેણે પોતાના પેલા લોખંડી હાથ વડે રોકી બતાવી ! આ એ પાત્ર છે કે જેનું જોડાણ કેપ્ટન અમેરિકા’નાં ભૂતકાળ સાથે છે . . શું કેપ્ટન તેને ઓળખે છે ? તો પણ કેપ્ટન સાથે તેને શું લેવા દેવા ? આ બધા માટે તો તમારે જ આ સુપર એક્શન પેક્ડ સ્પાય ડ્રામા જોવો રહ્યો [ સ્પાય ડ્રામા , એ રીતે કે આમાં ત્રણ ત્રણ ધાંસુ જાસૂસો છે ; ફ્યુરી / બ્લેક વિડો / વિન્ટર સોલ્જર ]

પૂરી ફિલ્મ’માં હ્યુમર અને એક્શન’નો સોલીડ વઘાર થયો છે , છતાં પણ તે ક્યાય કરતા ક્યાય ફિલ્મ’નાં રહસ્યમય માહૌલ’ને અવરોધતો નથી , અને તેની ક્રેડીટ ફિલ્મ’ની ડીરેક્ટર બેલડી એવા રૂસો બ્રધર્સ’ને પણ જાય છે , તે હદે તેમણે અહીંયા જીવ રેડી દીધો છે [ તેનો એક પુરાવો એ પણ કે 2016’માં આવનાર મેગા મુવી ” બેટમેન વર્સેસ સુપરમેન “ની સામે માર્વેલ’વાળાઓએ કેપ્ટન અમેરિકા’નાં ત્રીજા ભાગ’ની રીલીઝ કરવાનું કામ આ બે ભાઈ’ઓને જ ફરી સોંપ્યું છે ! ]

પૂરી ફિલ્મ’માં નાની નાની મોમેન્ટસ અને યાદગાર દ્રશ્યો’ની ભરમાર છે  . .

1] પહેલેથી લઈને છેલ્લે સુધી નતાશા [ બ્લેક વિડો ] અને સ્ટીવ [ કેપ્ટન અમેરિકા ] વચ્ચે એક હળવી ફલર્ટિંગ ચાલતી રહે છે જે એકબીજાને એકબીજાના ભૂતકાળથી [ વિવાદિત અને રહસ્યમય ] લઈને વર્તમાન સમય સુધીની વિચિત્રતા’ઓ સુધી જોડે છે ! 2] આપણી ‘ દિવાર ‘ ફિલ્મ જેવું જ એક દ્રશ્ય અહીંયા પણ છે કે જ્યાં એક એકલો બાકીનાને ભારે પડે ! ફર્ક ખાલી એટલો છે કે અહીંયા બંધ ગોડાઉન’ને બદલે બંધ લિફ્ટ છે 😉 [ તે દ્રશ્ય બાદ’ની પૂરી 20 મિનીટ’ની સિક્વન્સ પણ જોરદાર છે ]

3] જયારે વિન્ટર સોલ્જર ત્રણેય [ કેપ્ટન / બ્લેક વિડો / ફાલ્કન ] પર હુમલો કરે છે , એ એક ઝબરદસ્ત ચેઝ છે 4] અને શરૂઆતમાં જ જયારે નીક ફ્યુરી પર હુમલો થાય છે , તે સિક્વન્સ પણ ખરેખર સોલીડ છે [ નીક : ગાડીમાં આખરે ચાલુ શું છે ? કમ્પ્યુટર : એ.સી 🙂 ]

. . . પણ આખરે થોડીક મજા એ પણ ન આવી કે વિન્ટર સોલ્જર’નું કેરેક્ટર ટ્રેઈલર્સ’માં પહેલેથી જ વિદિત કરી નાખવામાં આવ્યું હતું , માટે તે રહસ્ય ન જળવાયું ! અને ફિલ્મ’નું જે મુખ્ય નેગેટીવ ફોર્સ છે [ રહસ્યમય જૂથ’નો ઉદય ] , તે પણ એટલું ટેરીફાયિંગ નથી [ બસ આ તો છે , એટલે લડવું પડે ! ] કે પછી પેલા હવામાં તરતા યાનો ! [ તેમાં પણ કાઈ મજા ન આવી ! ]

Me : 8 to 8.5 / 10 > Theater <

IMDb : 8.2 / 10 by 1,47,000 + People { by May 2014 }

IMDb Top 250 : Currently midst of 200 to 220 stack .

Any Theater Moment ?

સરેરાશ શાંતિ હતી અને લોકો સજ્જન’ની માફક વર્તી રહ્યા હતા [ હતા નહિ , પણ વર્તી રહ્યા હતા 😉 ] – ઘણા અલ્લેલ-ટ્પુઓ આગળ પાછળ’ની કોઈ જાણકારી વિના સીધા જ આ ભાગ જોવા બેસી ગયા હતા – નાનસેન્સ પીપલ

અને હાં , ફરીથી એન્ડ ક્રેડીટ ન જોવા મળી 😦 પણ યુટ્યુબ પર ઝાંખી ઝાંખી કૈંક આવી ઝાંખી મળી . . કે જ્યાં ક્વિક-સિલ્વર અને સ્કારલેટ વિચ નામના બે જોડિયા ભાઈ બહેન’ને કેદ’માં રાખવામાં આવ્યા છે  . . બેય’ની શક્તિ તમે જ જોઈ લો !


2} Godzilla , 2014

સોળ સોળ વર્ષો’ના વ્હાણાં વીતી ગયા [ નાં , ભાઈ હું કોઈ છોકરીની વાત નથી કરતો 😉 ] હું તો 1998’માં આવેલ ‘ ગોડ્ઝીલા ‘ મૂવીની વાત કરું છું અને અનાયસે એક આરંભાયેલી ઘટમાળ પૂરી થઇ તેની વાત કરું છું 🙂 આજથી સોળ વર્ષ પૂર્વે રાજકોટ’નાં ગીરનાર સિનેમા’માં [ કે જે હવે ભૂતકાળ બની ગયું છે  – વ્યક્તિઓ ભૂત બને છે અને વસ્તુ’ઓ ભૂતકાળ !!! ] ‘ મિલ કે બેઠેંગે તીન યાર ‘ જેવી ઘટના બની હતી , મતલબ કે સાદી ગુજરાતી’માં કહું તો હું , મમ્મી અને પપ્પા ગોડ્ઝીલા જોવા ગયા હતા 🙂 તે સમયે તો હું અબુધ અને મુગ્ધ હતો [ અત્યારે પણ કાઈ ખાસ ફેર નથી પડ્યો ! ] એટલે એ મુવી મેં ખુબ જ એન્જોય કર્યું હતું અને દિવસો સુધી દોસ્તારો સામે ફાંકા માર્યા હતા ! પણ હવે જયારે 2014’નું ગોડ્ઝીલા જોવાઈ ચુક્યું છે ત્યારે એ જુનું ગોડ્ઝીલા અબુધ અને મુગ્ધ લાગે છે 😉

g1

છેક 1954’માં આ એશિયન મોન્સ્ટર’એ જન્મ લીધો હતો , ઈશીરો હોન્ડા‘ની Toho Studio‘ની ” Gojira ” ફિલ્મ તરીકે . અને તે દહાડા’નો આ મહાકાય દૈત્ય એટલો તો પ્રસિદ્ધ થઇ ચુક્યો છે કે અત્યાર સુધી નહિ નહિ ને તેના 28 વર્ઝન આવી ચુક્યા છે અને 2014’માં આવ્યું તેનું 29’મુ સંસ્કરણ અથવા કહીએ તો સાવ પહેલે’થી તેનું એકડો ઘૂંટવાની શરૂઆત ! કે જેમાં તેને એટમિક બોમ્બ’ની એક આડઅસર તરીકે એક હોરીફાયિંગ મેટાફોર તરીકે રજુ કરાયો હતો !

g7

1998’માં આવેલ ગોડ્ઝીલા’એ પૈસા ઘણા બનાવ્યા હતા પણ તેની ટીકા પણ એટલી જ થઇ હતી [ અને મને ઘણીવાર એવું લાગતું પણ ખરું કે ક્યાંક ને ક્યાંક તે મુવી’માં દેખાડેલ ગોડ્ઝીલા એક ડાયનોસૌર જેવો વધુ લાગતો હતો , નહિ કે એક એશિયન કાઈજુ જેવો !! કાઈજુ યાદ આવ્યું ? – જુઓ પેસિફિક રીમ  ] અને આ સમયે ફરી તે સીરીઝ’ને રીબુટ કરવા માટે તેનાથી પણ મોટું જોખમ લેવાયું એક એવા ડીરેક્ટર’ને લઈને કે જેનાં ખાતામાં માત્ર એક જ જાણીતી સાઈ-ફાઈ ઈન્ડી મુવી બોલતી હતી કે જેના બહુ જ વખાણ થયા હતા – મેક્સિકો’ની ભૂમિ પર આકાર લેતી ફિલ્મ ” મોન્સ્ટર્સ ” – – મેં હમણાં જ જોયેલી , પણ મને બહુ ન ગમી , પણ હાં મેક્સિકો જબ્બર દેખાડ્યું છે !  . . . પણ , થેંક ગોડ કે ફિલ્મ મારે માટે એક જબ્બર સરપ્રાઈઝ નીવડી ! એ હદે ડીરેક્ટરગેરેથ એડ્વર્ડએ જે માહૌલ બાંધ્યો છે કે ક્ષણ પ્રતિક્ષણ તે ડરામણો માહૌલ અને તે આશંકા તમારી માથે ઝળુંબતી હોય તેવું લાગે !

g3

ઓકે તો સીધ્ધું મુવી’ની વાત પર આવું તો . . 

1] પહેલા તો સ્ટારકાસ્ટ રીચ છે [ Bryan Cranston , Ken Watanabe , Elizabeth Olsen , Juliette Binoche – – એક ને છોડીને , Aaron Taylor-Johnson :angry: ] , Bryan Cranstonનો રોલ એટલો તો ઓછો છે કે નિરાશા થાય અને Aaron Taylor-Johnson‘નો રોલ એટલો તો વધુ પડતો છે કે દાઝ ચડે ! [ ક્યાંક ક્યાંક તો એવું પણ લાગે કે આ ફિલ્મ ગોડ્ઝીલા’ની છે કે આની ? ગજબ’નો લબાડ અને મૂંજી લાગે છે ! ]

2] બીજું કે પૂરું મુવી જાણે ક્રિસ્ટોફર નોલાન’ની કોઈ ગ્રાન્ડ લેવલે બનાવેલી મુવી હોય તેમ અદભુત ઓરીજીનલ લોકેશન અને સ્પેશીયલ ઈફેક્ટ’નો અદભુત સંગમ થયો છે [ સીનેમેટોગ્રાફી તો રીતસર નોલાન’ની કોઈ ફિલ્મ જોઈ રહ્યા હોય તેવી જ લાગે છે  – એક ડાર્ક વર્લ્ડ જેવી કે જેમાં સતત કોઈ ઇન્તેજારી હોય – સીનેમેટોગ્રાફર : Seamus Mcgarvey – એવેન્જર્સ ફેઈમ ]

3] ગોડ્ઝીલા ઓલમોસ્ટ ફિલ્મ અડધી પૂરી થઇ જાય ત્યારે એન્ટ્રી મારે છે અને તે પહેલા જે ઇન્તેઝારી ઉભી કરાઈ છે તે ખરેખર સોલીડ છે [ વો આનેવાલા હૈ  . . વો આનેવાલા હૈ ! ] ફિલ્મ’માં ઘણા સમય સુધી તો તેને ધડ’થી લઈને માથા સુધી પુરેપુરો દેખાડ્યો જ નથી અને એ કારણે જ જયારે તે પુરેપુરો નજર સમક્ષ આવે છે ત્યારે ‘ વાહ ગાંડા વાહ ગાંડા ‘ એવું કહેવાનું મન થઇ જાય છે [ તે રીતે સીનેમેટોગ્રાફી’નો કમાલ અહીંયા એ રીતે છે કે ગોડ્ઝીલા’ને અહીંયા માણસો’ની નજરે [ ડર’ભરી નજરે ] દેખાડ્યો છે : મતલબ કે એ વિશાળકાય વ્યક્તિત્વ’ને માત્ર પગ અને પૂંછડી દ્વારા જ જોઇને તેના મહાકાય હોવાની સાબિતી અપાઈ છે ! ] 4] તે રીતે ડ્રામા / બિલ્ટ-અપ / થોડુક રિવીલ કરવું . . . એ સિક્વન્સ’માં સતત ઇન્તેઝારી જળવાઈ રહે છે અને આખરે આપણો હીરો ઉર્ફે સુપરહીરો ધાંસુ એન્ટ્રી મારે છે  – – જી હાં ગોડ્ઝીલા અહીંયા ભક્ષક’નાં નહિ પણ રક્ષક’ના રોલ’માં છે !!!! એ કેવી રીતે ? એ કહીને તમારી મજા નહિ બગાડું 🙂

29th Edition of 2014

29th Edition of 2014

સતત અને સતત જે રીતે મુખ્ય પાત્ર’ની આસપાસ ઘડામણ થયું છે તે લાજવાબ છે , તે રીતે પૂરી ફિલ્મ રહસ્ય / જીજ્ઞાસા અને ભય’નાં ઓથાર નીચે ડેવલપ થાય છે  . . ફિલ્મ જે રીતે અદભુત ઈમોશનલ સ્ટોરી’થી શરુ થાય છે [ જાપાન’નાં તે અણુ-પ્લાન્ટ’નું મેલ્ટડાઉન અને અન્ય દુર્ઘટનાઓ ] તે બાદમાં જઈને તેની પકડ ઢીલી મૂકી દે છે , અને ઈમોશનલ કોર મેલોડ્રામેટીક બની રહે છે ! . . એલીઝાબેથ ઓલ્સેન’ને ઘણો ઓછો સ્ક્રીન-ટાઈમ આપ્યો છે કે જેની તે વધુ હકદાર હતી  . . પેલા રેડીયેશન પર જીવતા મોન્સ્ટર્સ ઝક્કાસ બતાવ્યા છે અને તેમની આસપાસ ગૂંથાતું રહસ્ય’નું જાળું પણ ! [ ઘણા લોકોનું કહેવું છે કે તેમનો દેખાવ ‘ ક્લોવરફિલ્ડ ‘ મુવીમાંથી ઉપાડેલો છે , પણ મેં તે મુવી જોયેલ નથી એટલે ખ્યાલ નથી – ઘણા મહિનાઓથી પાસે પડ્યું છે ! ]

g10

ફિલ્મ’નાં કેટલાક અદભુત દ્રશ્યો’માંથી . . 

1] એક છે પેલું પ્રખ્યાત HALO જમ્પ’વાળું દ્રશ્ય  . . કે જ્યાં કાળરાત્રી’માં સૈનિકો વિમાનમાંથી ગોડ્ઝીલા’ની આસપાસ લેન્ડ કરે છે  . . તે દરમ્યાન કોઈક તેની પીઠ પરના કદાવર સ્પાઈક જુએ છે , તો કોઈક તેનાં ભયંકર શ્વાસોશ્વાસ સાંભળે છે , તો કોઈ તેની કદાવર પૂંછડી જોઇને જ થરથરી જાય છે !!! અમથા જ તેને અત્યાર સુધીની ફિલ્મ હિસ્ટ્રી’નો ” King of Monster ” નથી કહેવાયો !! The Epic , Gigantic & Immense one . . .

2] અને બીજું , હવાઈ ટાપુ’ની એક પહાડો’નાં બોગદા’માંથી નીકળતી ટ્રેઈન’નું દ્રશ્ય અને પેલા મોન્સ્ટર્સ’નો હુમલો  . . અને આખરે , 3] ગોડ્ઝીલા’ની કાન’નાં પાટીયા બેસાડી દે તેવી ગર્જના અને તેની એટમિક ફાયર [ શુદ્ધ ગુજરાતી’માં આગ ઓકવી 😉 ] અને આખરે મને ફિલ્મ’નો બેકગ્રાઉન્ડ સ્કોર એટલો પસંદ ન આવ્યો , થોડીક ઝોલઝાલ લાગી [ Alexander Desplat ]

Me :  8 / 10 > Theater <

IMDb : 7.3 / 10 by 97,000 + People { by May 2014 }

Any Theater moment ?

મેં કહ્યું હતું ને કે એક ઘટમાળ પૂરી થઇ  . . . મતલબ કે ઘણા ઘણા વર્ષો પહેલા હું પણ આંખોમાં આશ્ચર્ય લઈને , રૂંવે રૂંવે રોમાંચ લઈને મારા પપ્પા સાથે ગેલેક્ષી’માં જુરાસિક પાર્ક જોવા ગયેલો અને મારું મોઢું ખુલ્લું રહી ગયેલું , આ મહાકાય દૈત્યો’ને જોઇને . . અને હવે આટલા વર્ષો બાદ એ જ ઘટના બીજી વાર ઘટી પણ પાત્રો થોડા બદલાઈ ગયા . . આ વખતે હું અને મારો ભાણિયો ગોડ્ઝીલા જોવા ગયેલા અને એને જે મજા આવી છે કે વાત જ પૂછો માં  . . . ફિલ્મ દરમ્યાન તો સતત તેના પ્રશ્નો ચાલુ જ હતા , પણ મુવી જોઇને આવ્યા બાદ પણ ઘણા દિવસો સુધી મારી કસોટી કરતો રહ્યો 🙂

કે રાજકોટ’માં સુનામી આવે ? ભૂકંપ આવે ? ગોડ્ઝીલા અહીંયા આવી શકે ? બાજુમાં બેઠેલા ભાઈ કેમ આટલું બધું ખાતા હતા ? 😉 આ વેફર્સ આપણે ઘરે લઇ જઈ શકીએ ? ગોડ્ઝીલા ક્યા રહેતો હોય ? ગોડ્ઝીલા અને જ્વાળામુખી ફાઈટ કરે તો કોણ જીતે ??? [ સજીવ વિરુદ્ધ નિર્જીવ !! ] અને આખરે  . . . જયારે અમે મુવી જોઇને બહાર નીકળ્યા ત્યારે [ ફિલ્મ’નું મહાકાય પોસ્ટર જોઇને ] મામા એક મિનીટ ઉભા રહો તો  . . બાપ રે , ગોડ્ઝીલા કેવડો મોટો છે નહિ !!

અત્યાર સુધીની સૌથી બેસ્ટ થિયેટર મોમેન્ટ 🙂


3} The Amazing Spider-Man 2 , 2014

મારા સૌથી પ્રિયય્ય્ય સુપરહીરો’ઝમાનો એક એટલે સ્પાઈડરમેન 🙂 અને આ તો પાછો અદભુત સ્પાઈડરમેન છે ! ઘણા લોકોને શંકા હતી કે સ્પાઈડરમેન – 3’નાં જબ્બર ફિયાસ્કા પછી માત્ર બે જ વર્ષમાં કોઈ આ સીરીઝ’ને ફરીથી રીબુટ કેવી રીતે કરી શકે ? પણ . . થઇ અને ગજબ’ની થઇ !

a1 એક નવા જ અંદાજ’માં , નવા જ ચાર્મ સાથે  . . . અને એક નવી જ ક્રેકિંગ જોડી સાથે [ પીટર અને ગ્વેન’ની કાતિલ કેમેસ્ટ્રી’વાળી / નોકઝોક’વાળી લવસ્ટોરી સાથે ] કે જ્યાં ગ્વેન અને પીટર એક જોડી / પાર્ટનર’ની માફક બધું જ હેંડલ કરે છે  . . કે જ્યાં સંબંધો’ની જાળવણી અને સંભાળ માત્ર એક જ વ્યક્તિ’નાં ખંભા’નો બોજ નથી બની જતી !! પણ અહીંયા ખરેખર બંને એકબીજા સાથે ખભે-ખભા મિલાવીને ધબધબાટી બોલાવે છે !

a2

2012’માં આવેલ ” ધ અમેઝિંગ સ્પાઈડરમેન ” એક રીતે એક અજબ જ સરપ્રાઈઝ બની રહી અને મને ખરેખર આ ફ્રેંચાઇઝી’ની આ મોજીલી સાઈડ બહુ જ ગમી અને એ જ મોજીલો ચાર્મ પણ આ બીજા ભાગમાં મસ્ત રીતે આગળ વધે છે [ સિવાય કે ફિલ્મ અંદાજે 20 મીનીટની આસપાસ વધુ પડતી લાંબી બની છે ! ]

સૌ પહેલા તો જો મને ગમી ગયેલા પાસાઓની વાત કરું તો . .

a5 1] ધાંસુ એક્શન છે અને એ પણ ઝક્કાસ સ્લો સિક્વન્સ સાથેના ( ટાઈમ્સ સ્કેવર પરની ફાઈટ’નાં એ દ્રશ્યો જોજો કે જ્યાં પીટર એકલા હાથે કેટલાય લોકોને શોકથી બચાવે છે ! ) 2] ફરીથી પીટર અને ગ્વેન’ની નોકઝોક’વાળી ફલર્ટ’થી ભરપુર લવસ્ટોરી [ ઝાઝાબધા બ્રેકઅપ સાથે 😉 – આ કદાચ એક જ એવી સુપરહીરો ફિલ્મ હશે કે જ્યાં સુપરહીરો ડ્રામા કરતા પણ આ બંનેને જોવા વધુ ગમે અને એમાય ‘ એમ્મા સ્ટોન ‘ તો મારી ફેવરીટ 🙂 ]

3] પીટર અને આંટ મે’નાં સુંદર લાગણીભર્યા દ્રશ્યો 4] હ્યુમરસ સાઈડ અને મોજીલા ડાયલોગ્સ 5] સ્પાઈડરમેન’ની મોઢામાં આંગળા નાખી જવાય તેવી ઝક્કાસ અદભુત સ્વીંગ’નાં દ્રશ્યો – ખાસ આઈમેક્ષ સ્ક્રીન માટે બનેલા અનહદ અદભુત કે આપણેય હાથમાંથી સુસ સુસ કરીને ઝાળા બનાવવા માંડીએ 😉

6] અને આ જ અદભુત દ્રશ્યોની સુપર્બ સીનેમેટોગ્રાફી કરનારા ‘ Daniel Minder ‘ ( જ્હોન કાર્ટર અને સ્ટાર ટ્રેક : ઇન્ટુ ધ ડાર્કનેસ ફેઈમ ) 7] આ નવી સ્પાઈડરમેન સીરીઝ મહદ અંશે કોમિકબુક પર આધારિત છે કે જ્યાં જૂની સીરીઝ મહતમ મૌલિક હતી  . . માટે એક કોમિકબુક’ની જે સરળ મજા અને મસ્તી હોય છે તે અહીંયા જોવા મળી 🙂 8] અને સાવ અંત’માં રહીનો સાથે સ્પાઈડરમેન’ની લડાઈ’નાં જે એંધાણ મંડાય છે , તે તો તમે જોઇને સીધા સીટ’માં જ ઉભડક થઇ જાય તેવી માઈન્ડ-ગોબલીંગ છે

અને હવે કેટલીક ન ગમેલી વાતો !!

1] ઘણા બધા વિલન . . અને સરવાળે સ્ક્રીપ્ટ’ની પથારી ફરી જવી . . કે જ્યાં એક પણ વિલન’નું થોડુક પણ ડેવલપમેંટ નથી બતાવાયું ( બસ થોડું આમતેમ મથ્યા અને વિલન થઈને ઉભા રહી ગયા ! ) – – – મુખ્ય વિલન ઇલેક્ટ્રો અને ગ્રીન ગોબ્લીન જરા પણ ટેરીફાયિંગ નથી લાગતા ! અને ગ્રીન ગોબ્લીન તો સાવ દીધાદિધ’ની માફક બસ ક્યારે એક સામાન્ય વ્યક્તિમાંથી બિહામણો ગ્રીન ગોબ્લીન બની જાય છે કે ઘડીક તો આપણને થાય કે આને શું ઉતાવળ હશે ? 😉

2] અત્યંત સામાન્ય અને ઘોંઘાટીયો બેકગ્રાઉન્ડ સ્કોર ! અને એ પણ બેટમેન સીરીઝ’નો અદભુત સ્કોર આપનારા ‘ હાન્સ ઝીમર ‘પાસેથી !!! 3] ઘણા બધા પ્લોટ્સ એક સાથે જ સ્ટોરી પર ચાલતા હોવાથી ક્યાય ફોકસ ન થાવું [ જેમકે ઘણા બધા વિલન’નું ઉદય , આવનારી સીરીઝ’માં આવનાર વિલન’ની હિન્ટસ ] 3] કે જ્યાં પહેલો ભાગ એક મસ્ત સોલો ટ્રીટમેન્ટ ધરાવતો હતો ત્યાં આ ભાગ એક ગ્રાન્ડ સિકવલ બનાવવા’નાં ઉધામા જેવો લાગે છે ! 4] સ્ટેન લી’નો ઢીલો ઢફ કેમિયો [ પહેલા ભાગમાં મસ્ત હતો 🙂 ]

આ ભાગમાં એટલું બધું ઇન્ટ્રોડયુસ કરાયું છે કે ઘડીક તો માથું ભમી જાય ! જો ઝીણી આંખ કરીને જોઈએ તો [ તેના માટે આંખ પણ જોઈએ અને ઝીણી પણ કરતા આવડતું હોવું જોઈએ ] ઢગલાબંધ વિલન’નાં આર્મસ્યુટ્સ અને ગેજેટ્સ’વાળી સિક્રેટ લેબ , ભવિષ્યમાં આવનાર કિરદાર  . . રહીનો , ફેલીશ્યા [ કે જે મારકણી ‘ બ્લેક કેટ ‘ બનવાની છે ! ] , મેરી જેન વોટસન’ની સંભવિત એન્ટ્રી , , J.Jonah.Jameson મતલબ કે પેલો અખબાર’નો લબાડ માલિક , સ્પાઈડર સ્લેયર નામક એક ઔર કિરદાર [ કે જે ઇલેક્ટ્રો બનતા મેક્ષ’નો ખડૂસ બોસ હોય છે . . યાદ આવ્યું ? ] , રેવનક્રાફ્ટ ઇન્સ્ટીટ્યુટ [ કે જ્યાંથી ભવિષ્ય’નાં વિલન નીકળવાના છે ] અને પેલો રહસ્યમય ટોપીધારી કે જેનું નામ હોય છે ‘ ગુસ્તાવ ફીયર્સકે જે નજીકના ભવિષ્ય’માં જ સ્પાઈડરમેન’નાં સૌથી ખતરનાક છ વિલન’ને ભેગો કરીને એક ખૂંખાર ટોળકી બનાવવાનો હોય છે કે જેનું નામ હોય છે ‘ સીનીસ્ટર સિક્સ ‘ !! કે જેના આધારિત એક મૂવીનું પ્લાનિંગ પણ થઇ ચુક્યું છે !!! [ જુઓ અહીંયા , ફિલ્મ’ની આખરી ક્ષણોમાં . . ]

સ્પાઈડરમેન એટલા માટે આટલો અપીલિંગ છે , કારણકે સ્યુટ ઉતર્યા બાદ પણ તેને તેની રોજબરોજ’ની રોજીરોટી’ની ચિંતા કરવી પડતી હોય છે અને ફરીથી એ જ સંઘર્ષ ચાલુ રાખવો પડે છે કે જે પહેલા હવામાં કરવો પડતો હોય છે અને હવે રસ્તાઓ પર કરવો પડે છે !! [ તેની માં સમાન આંટીની ચિંતા , ગર્લફ્રેંડ સાથેના મુદ્દાઓ , રોજગારી , વિલન , ટીકાઓ  . . . એક ટીપીકલ કોમન મેન’નો સંઘર્ષ ]

આ વખત’નો આ બીજો ભાગ થોડો વધુ ઝંઝાળ’વાળો અને લાંબો લાગી શકે પણ છતાં પણ તમને એ ગમશે તો તેમાં ફાળો હશે મોજીલા સ્પાઈડરમેન’નો અને હોંશિયાર એવી રૂપકડી ગ્વેન’નો [ ગ્વેન’વાળો ટ્વિસ્ટ મને ન ગમ્યો 😦 – પણ તે ઓફીશીયલ કોમીક્બુક પરથી લેવાયેલો ! ] , મજબુત એવી ઈમોશનલ સ્ક્રીપ્ટ’નો અને ફરીથી ધાંસુ એવી સ્પાઈડરમેન’ની આડા અવળી ઉડાન’નો 🙂

Me :  8 / 10 > Theater <

IMDb : 7.4 / 10 by 1,08,000 + People { by May 2014 }

Any Theater moment ?

ફિલ્મ’નાં એક દ્રશ્ય’માં ખરેખર ભાવવિભોર થઇ જવાયું 😥 . . નવાઈભર્યું એ પણ રહ્યું કે મેં અને મિત્ર અંકિતે વચ્ચે વચ્ચે ઘણી વાતો કરી !!! અંકિત તારી ભલી થાય . . આભાર 🙂


4} X-Men: Days of Future Past , 2014

1960’દશકના એ ઠંડા વિગ્રહે અમેરિકા અને રશિયા વચ્ચેની ટકરાવ’થી નવી નવી ટેકનોલોજી ઉપરાંત હજુ એક અનન્ય ઘટના’ને જન્મ આપ્યો અને એ હતી , માર્વેલ’ની કોમિકસ સીરીઝધ એક્સ-મેન ” કે જેને ” Uncanny X-Menપણ કહેવાતું હતું અને જેના ક્રિએટર હતા , ‘ સ્ટેન લી ‘ અને આર્ટીસ્ટ ‘ જેક કર્બી ‘ . . તે દહાડા’ની આ અલાયદી કોમ’એ [ Mutants ] જે મનમોહિની લગાડી છે કે ઢગલાબંધ કોમિક્સ એડીશન બાદ આ એક્સ-મેન સીરીઝ’ની સાતમી ફિલ્મ છે , અને ડીરેક્ટર બ્રાયન સિંગર’ની ત્રીજી ફિલ્મ [ તે રીતે ઘણા વર્ષો બાદ તેઓ બેક વિથ બેંગ થયા છે 🙂 ] એક્સ-મેન સીરીઝ પહેલી બે ફિલ્મો બાદ ઢીલી પડી રહી હતી અને ઘણા લોકોના મતે ત્રીજી અને ફાઈનલ ઇન્સ્ટોલમેન્ટ જેવી ” એક્સ-મેન : ધ લાસ્ટ સ્ટેન્ડ ” અપેક્ષાઓ પર ખરી ઉતરી ન હતી ! ત્યારબાદ આવી , વુંલ્વરીન’ની બે સોલો ફિલ્મો કે જે પણ આવી તેવી ભુલાઈ પણ ગઈ અને ધીમે ધીમે લોકોનો આ સીરીઝ’માંથી રસ ઓસરવા માંડ્યો  . . . પણ  જયારે એવો સળવળાટ થયો કે પ્રોફેસર એક્સ અને મેગ્નેટો’નાં જુવાની’નાં પરાક્રમો’ની ગાથા માંડતો  ભાગ ડેવલપમેન્ટ’માં છે . [ X-Men : First Class ] ત્યારે ફરી લોકોની નજર એ તરફ મંડાઈ અને એ ભાગે ખરેખર સીરીઝ’માં પ્રાણ ફૂંકી દીધો . . અને સીરીઝ’નાં બે નવા કલાકારો ” James McAvoyMichael Fassbender “ને વધુને વધુ જોવાની ચાહના વધતી ચાલી અને એ જ ઘટના’ઓને એનકેશ કરી લેવા આ સાતમાં ભાગ’નું નિર્માણ થયું કે જ્યાં ભવિષ્ય’નું ભૂતકાળ સાથે મિલન થાય છે અને એક નવા જ ભવિષ્યનું નિર્માણ થાય છે !

x14

પહેલા તો સંક્ષિપ્ત’માં વાર્તા રે વાર્તા માંડીએ તો . . કદાચિત 2023’નો ગાળો ચાલી રહ્યો છે અને મહાકાય અને તેવા જ આધુનિક રોબોટ’સ [ સેન્ટીનલ ] મ્યુટંટ’સને શોધી શોધીને મારી રહ્યા છે , તે ત્યાં સુધી કે તેઓ એવા માણસ’ને પણ મારી રહ્યા છે કે જેઓ ભવિષ્ય’માં કોઈ મ્યુટંટ બાળકને જન્મ આપી શકે ! હવે થોડાક જ ધુરંધર મ્યુટંટ વધ્યા છે કે જેઓ આ વિનાશને રોકવા આપણા અજર-અમર એવા વુલ્વરીન’ને ભૂતકાળમાં મોકલે છે કે જે ત્યાં જઈને એક એવી ઘટના’ને ઘટતી રોકી શકે કે જેના કારણે આ ભયંકર ઘટમાળ’નો પ્રારંભ થયો હતો  . . મતલબ કે ભૂત અને ભવિષ્ય’નાં બે સમાંતર ચાલતા ટ્રેકસ’ની ટ્રીક અને જબ્બર તાણ અપાવી દેતી ખેંચતાણ એટલે આ ધાંસુ ભાગ ” ડેય’સ ઓફ ફ્યુચર પાસ્ટ

ઓકે તો હવે સીધું શું ગમ્યું અને શું અ’ગમ્યુ [ મતલબ કે ન ગમ્યું 😉 ]

1] ફરીથી તે સીતેર’નો દશકો અને તેને અપાયેલ ક્લાસિક ટ્રીટમેંટ 2] જેમ કે મેં કહ્યું હતું , તેમ ” James McAvoy ” અને ” Michael Fassbender “એ રીતસર આ આખી સીરીઝ કબજે કરી લીધી છે [ ખરેખર તેઓએ તેમના જ પ્રૌઢ અવતાર’ને માઈલો પાછળ છોડી દીધા છેઅમેરિકામાં માઈલ છે , કિલોમીટર નહિ 😉 ]

3] આ ફિલ્મ’ને જો અસામાન્ય’માંથી અતિ-અસામાન્ય કોઈએ બનાવી છે તો તે છે , ક્વિકસિલ્વર’ની પેલી અલ્ટ્રા સ્લો-મોશન સીક્વન્સે કે જેણે થીયેટર’માં બેઠેલા એકેએક બચ્ચા-બુઢ્ઢા’ને [ અને મુજ જવાનીયા’ને પણ ] મોજેમોજ કરાવી દીધી અને ખરેખર બાલ્કની’નાં પૈસા વસુલ કરી દીધા . . . ખરેખર એ સિક્વન્સ જોઇને મને તો મજા આવી ગઈ પણ તેને ભજવતા ‘ ઇવાન પીટર્સ ‘ને પણ જે આનંદ આવ્યો છે કે ખરેખર તેના મોઢા પર નિજાનંદ’ની અનુભૂતિ થઇ ગઈ હશે 🙂

4] મેગ્નેટો’ની આખે’ને આખા ફૂટબોલ સ્ટેડીયમ ઉપાડી લેવાની સિક્વન્સ5] આખું મુવી શરૂઆત’ના સંહાર’નાં દ્રશ્યોને બાદ કરતા છેક છેલ્લે સુધી એક હળવી ફીલગુડ ફીલિંગ્સ અપાવે છે [ કે જેવી એવેન્જર્સ’માં હતી ! ] મતલબ કે ફિલ્મ’નાં ભારેભરખમ આઈડીયા’ને અમલમાં લાવતા લાવતા તેઓએ અઘરું મુવી ન બનાવ્યું તે સારું થયું 6] ટાઇમટ્રાવેલ’નો કન્સેપ્ટ . . યસ  આઈ જસ્ટ લવ ધીસ [ યાદ કરો ” બેક ટુ ધ ફ્યુચર ” સીરીઝ – જેઓએ ન જોઈ તેઓ તાત્કાલિક નાસી છૂટો ! ] મનેય મારા અંગત જીવનમાં ટાઈમટ્રાવેલ કરવાનો ભારે ઉમળકો , પણ મમ્મી નાં પડે 😉

x6

7] ઘણા બધા મ્યુટંટ’ને સ્ક્રીન પર દેખાડવાનો મોકો હોવા છતાં , જે થોડાક જ મ્યુટંટ’ને વધુ સ્ક્રીન-સ્પેસ અપાઈ છે તે બદલ – હેટ્સ ઓફ [ ટોપીઓ નીચે ] 8] ધાંસુ ડાયલોગ્સ અને વન-લાઈનર્સ [ સ્ક્રીન’રાઈટર : Simon Kinberg ] 9] ટાઈમ-ટ્રાવેલ’નાં કન્સેપ્ટ સાથે તે સમયની ઘણી વાતો મસ્ત સંકળાઈ લેવાઈ છે ; જેમકે વિયેતનામ યુદ્ધ , કેનેડી’ની હત્યા , નવા પ્રમુખ નીક્ષન અને ઘણું બધું . .

x11

10] આકાશમાંથી ટોળે’નાં ટોળા ઉતરી આવતા સેન્ટીનલ’ની ફૌજ 11] ફરી પાછુ સાવ અંત’માં કૈક નવીન જ એન્ડ [ મતલબ કે જેનાથી હવે વુલ્વરીન’નું ભાવી કૈક નવીન જ બનશે !12] ચાર્લ્સ ક્ષેવિયર [ પ્રો. એક્સ ] અને એરિક [ મેગ્નેટો ] વચ્ચે જુદી જુદી વિચારધારા’ઓને લઈને ટકરાવ [ એક સહજીવન’માં માને છે અને એક આધિપત્ય’માં ]

13] એક દ્રશ્ય’માં જુવાન પ્રો.એક્સ ઘરડા પ્રો.એક્સ’ને મળે છે અને એક નવીન જ ચિંતન છેડાય છે કે જેનું નામ છે ” આશા / પ્રયત્ન ” . . આખડો , પડો અને ઉભા થાવ  . . આપણી પાસે કઈ નહિ જ હોય ત્યારે પણ બે વસ્તુ આપણી પાસેથી કોઈ નહિ છીનવી શકે અને તે છેહિંમત અને આશા ” ! . . તે દરમ્યાન જે દર્દ તમે સહન કરો છો તે જ તમારો માર્ગદર્શક બનશે  . . અનંત પીડા કે જ્યાં આંસુઓ સુકાઈ જાય છે , તે આંખોમાં આશા’રૂપી આંજણ આંજવું પડશે !! પીડા જ તમને વધુ મજબુત બનાવશે અને એક અંતિમ સત્ય સુધી દોરી જશે .

x5

14] ઘણા વર્ષો બાદ જોવા મળતી ” શોલે ” જેવી રીચ સ્ટારકાસ્ટ . . Hugh Jackman , James McAvoy , Michael Fassbender , Jennifer Lawrence , Nicholas Hoult , Halle Berry , Ellen Page , Peter Dinklage , Evan Peters , Anna Paquin ! 15] લોગન’ને એક કુલ અંદાજ’માં હળવા ટોન’માં દર્શાવવાનો પ્રયાસ 16] અને પોતાની જ આખરી એક્સ-મેન મુવી [ X -2 ]’નાં પ્રખ્યાત દ્રશ્ય કે જેમાં મેગ્નેટો’ને પેલી પ્લાસ્ટિક’ની જેલમાંથી છોડાવાય છે , તેને જ તર્પણ અર્પતા હોય તેમ અહીંયા પણ મેગ્નેટો’ને પેન્ટાગોન’માંથી છોડાવવા’નો પ્લાન’નું દ્રશ્ય ઉમેરતા દિગ્દર્શકબ્રાયન સિંગર ” [ અને સરવાળે ક્વિકસિલ્વર’ની પેલી મહા’આનંદી સિક્વન્સજે લોકોને ફરી જોવી હોય તેમના માટે અડધી-પડધી કલીપ 🙂 ]

અને હવે થોડુક શું ન ગમ્યું , તેના પર જો આખેઆખા પ્રકાશ’ને પાડીએ તો

[ વિથ સ્પોઈલર . . માટે જરા સંભાળીને  ]

1] આ ભાગ હમણાં જ આવેલ ” ધ વુલ્વરીન ” પછીનો જ ભાગ છે , તો પછી વુલ્વરીન’નાં હાથોમાં પેલી સ્ટીલ’ની બ્લેડ ક્યાંથી આવી ??? બોલો બોલો , ટેલ  ટેલ।  . . 2] ઓય  . . આ પ્રોફેસર તો ત્રીજા ભાગમાં જ સ્વર્ગે સિધાવી ગયા હતા , તો આ પાછા કેવી રીતે આવી ગયા ? [ જાણકારો’નાં કહેવા મુજબ પ્રોફેસરે મરતા પહેલા પોતાની ‘ પ્રજ્ઞા ‘ અન્યત્ર ખસેડી લીધી હતી  . . તો પછી અન્ય કોઈ વ્યક્તિ’નાં શરીરમાં પ્રોફેસર’ની પ્રજ્ઞા હોવી જોઈએ ને ? તો વળી તેઓ કહે છે કે પ્રોફેસર’ને એક જુડવા ભાઈ પણ હતો ! તો હજુ તેમના માટે એક સવાલ  . . પ્રોફેસર હજુ વ્હીલચેર પર શું કામ છે ? તે તો ચાલતા હોવા જોઈએ ને ? મતલબ કે દાલ’મેં કુછ સોલીડ કાલા હૈ બાપ 😉 ]

3] મેગા સ્પોઈલર : ખરેખર આ ભાગ’માં મિસ્ટિક કરતા વધુ ખતરોરોગથી નહોતો હોવો જોઈતો ? હે બોલો બોલો  . . કારણકે મિસ્ટિક પાસે તો બીજા’નું રૂપ ધારણ કરવાની શક્તિ છે , નહિ કે તે લોકોના પાવર્સ !!! જયારે અહીંયા તો સેન્ટીનલ બીજા મ્યુટંટ’ની શક્તિઓ જ અપનાવી લે છે ! [ કેમ બાકી ! એમ તો અમનેય થોડી ઘણી ખબર પડે છે , હોં 🙂 ] 4] બીજું , કે આ સેન્ટીનલ પર કંટ્રોલ કોણ રાખે છે [ 2023’માં ] અને તેઓ આટલા બધા બેકાબુ કેવી રીતે થયા કે ભેગાભેગ માણસો’ની એ એક-બે ને ત્રણ કરવા માંડ્યા ? ટેલ ટેલ  . . 5] Peter Dinklage જેવા મહા’ધાંસુ અને મહા’પોપ્યુલર કલાકાર પાસેથી આવું કામ લેવાનું ? સાવ વેડફાઈ ગયો છે , બિચારો ! અને , યંગ મિસ્ટિક પણ ખુબ ઓછી દેખાયી ! [ પણ જેનીફર લૌરેન્સ’નું કામ સોલીડ છે , હોં ]

About End Credit : અને હવે થોડુક , એન્ડ ક્રેડીટ વિષે : કે જે હંમેશ’ની જેમ ગેલેક્ષી’માં ગપચાવી જવાયેલી।  . . પણ અમે યુ-ટ્યુબ’માં શોધીને જ જંપ્યા  . . લો જુઓ અને હવે તેની સમજુતી : આ પીરામીડ’ની ગોઠવણી કરતો વ્યક્તિ તે પૃથ્વી પર’નો સૌપ્રથમ મ્યુટંટ હોય છે , જેનું નામ છે : એપોકેલીપ્સ  . .  કે જેને લોકો ” En Sabah Nur ” કહેતા હોય છે , જેનો મતલબ થાય છે ” The First One ” . . કે જે અનહદ શક્તિશાળી હોય છે અને હજુ પણ તે વધુ ને વધુ શક્તિશાળી બને છે , ” Celestials ” નામક બહારીય અંતરીક્ષ’નાં પરિબળોથી  . . . કે જે 5000 વર્ષો પહેલા ઈજીપ્ત’માં થયેલો અને છેક હવે કદાચિત વુલ્વરીન’ની ટાઈમટ્રાવેલ કરવાની ઘટનાથી જાગી ઉઠ્યો છે [ હજુ સુધી તે ક્યાંક સુશુપ્તાવસ્થા’માં હતો ]

Apocalypse

કે જે પોતાનું બોડી મોલેક્યુલર લેવલે બદલી શકે છે અને તેની પાસે ટેલીકાઈનેસીસ , અજર-અમરતા , હિલીંગ પાવર , પોતાના જ શરીરમાંથી હથિયાર બનાવવાની શક્તિ , જીનેટિક શક્તિઓ છે . [ કે જેનાથી તે માણસો અને મ્યુટંટ’ની આખેઆખી શરીરરચના જ ફેરવી શકે !! ] . . . કે જેનો ઈરાદો તો મેગ્નેટો કરતાયે ભયંકર છે અને તે છે , માણસ તો છોડો નબળા મ્યુટંટ’ને પણ મારી નાખી માત્ર બળુકા મ્યુટંટ જ જીવતા રહેવા જોઈએ !! . . . અને અંત’માં જે ચાર ઘોડેસવાર બતાવ્યા છે , તે છે તેના ચાર મુખ્ય શક્તિશાળી માણસો ઉર્ફે મુખ્ય મ્યુટંટ વિલન્સ !! Death , Famine , Pestilence , War

Me :  8.5 / 10 > Theater <

IMDb : 8.6 / 10 by 95,000 + People { by May 2014 }

IMDb Top 250 : Currently midst of 50 to 100 stack .

Any Theater moment ?

માણસો ઓછા હતા [ મંગળવાર ] સરવાળે અવાજો ઓછા હતા . . અને એય ને બાલ્કનીમાં છેક છેલ્લી સીટ પર પલાંઠી વાળીને મુવી જોયું  . . થોડીક વેફર્સ ખાધી અને સરવાળે ખાધું પીધું ને રાજ કર્યું 🙂


Winner

X-Men: Days of Future PastCaptain America: The Winter Soldier

Pleasant Watch

The Amazing Spider-Man 2

Not so Winner

– – – 


at Last . . !

} Big Hero 6 , 2014 [ Teaser ]

zz6