ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

આજે છે અંતિમ પ્રયાસ , પુસ્તક’નો અર્ક તારવવાનો . . . અને તે પણ કોઈ આખું પ્રકરણ લઈને નહિ પણ અલગ અલગ પ્રકરણોમાં’થી અલગ મુદ્દાઓ અને અલગ જ ફિલસુફીઓ સંયોજિત કરીને . . . આશા છે કે આજનો આ ભાગ પણ આપ સૌને પસંદ પડશે . . .

સાહિત્ય અને સર્જન ” પુસ્તક અંતર્ગત શ્રેણી લાંબી ચાલી પણ કદાચિત તે સારું જ થયું કારણકે આવનાર થોડાક સમય સુધી પુસ્તક સંબંધિત પોસ્ટ્સ આવવાની શક્યતાઓ ઓછી છે , કારણકે હું એક ભારતીય વિભૂતિ અંગે લાંબી શ્રેણી શરુ કરવા વિચારી રહ્યો છું . . . જોઈએ , શું થાય છે ?

ત્યાં સુધી માણો અને જાણો 🙂

Previous Installments : [ Link 1 ] [ Link 2 ] [ Link 3 ]

Disclaimer on Images : Sourced from Wikipedia , Wikimedia & Rest of Web-World ( i.e – Google Images 🙂 ).

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

આર્કેડીઆ : આંખો બંધ કરીને જ જોઈ શકાય છે !

Chapter 4 : Page 19

{ Noteઆર્કેડીઆ મતલબ ? . . . રોમન કવિ વર્જીલે ( Greek Poet Virgil ) ગ્રીસ’ની દિશામાં એક ” આર્કેડીઆ “ની ( Arcadia ) કલ્પના કરી હતી , આર્કેડીઆ એટલે એક સ્વપ્નભૂમિ . . . આપણા બાળપણ’ની સ્વચ્છ આંખોથી સ્વ્પ્નેલી એક દુનિયા કે જે સ્મૃતિમાં દફન થઇ ચુકી છે . વર્જીલ બાવન વર્ષે અવસાન પામ્યો અને ક્યારેય આર્કેડીઆ ગયો ન હતો . એ લખતો ગયો કે પ્રેમ બધું જ જીતી લે છે ! પછી લેખકો , કવિઓ , ચિંતકો એ આર્કેડીઆ’ને તલાશતા રહ્યા . આર્કેડીઆ એક પ્રતિક છે મનુષ્યના શુભ ઉદ્દેશ્યનું . }

ઈરાની કાફલાઓ હિન્દુસ્તાન’ની દિશામાં કુચ કરતા રહેતા હતા અને સમસ્વરે બોલતા રહેતા હતા : હનોજ દેહલી દુર અસ્ત ! ( હજી દિલ્હી દુર છે ) બુદ્ધિમાન મનુષ્યનું આર્કેડિઆ પણ દુરથી દુરબતર થતું જાય છે . દરેકનું આર્કેડીઆ પોતાના મન’ની અંદર છે માટે કસ્તુરીની ખુશ્બુની પાછળ દોડતા કસ્તુરી મૃગની જેમ એની અનવરત તલાશની પાછળ જિંદગી ખતમ થઇ જાય છે અને આર્કેડીઆ અસાધ્ય રહી જાય છે . . .

The Course of Empire - The Pastoral or Arcadian State (1834) - Thomas cole

The Course of Empire – The Pastoral or Arcadian State (1834) – Thomas cole

એક તમિલ કહેવત છે : ” આંખો બધું જ જોઈ શકે છે , ફક્ત પોતાની સામે ફરકતી પાંપણો’ને જ નથી જોઈ શકતી ! ” અને આ પૃથ્વી પરનું દરેક ફૂલ , દરેક વૃક્ષ અને દરેક જંતુ , દરેક પક્ષી , દરેક પશુ સંપૂર્ણ નિર્વસ્ત્ર અને નગ્ન છે , માત્ર મનુષ્ય જ વસ્ત્ર પહેરે છે , શરીરને ઢાંકે છે ! અને આંખ ઈશ્વરના વિશ્વની ‘ નગ્નતા ‘ને ક્યારેય જુએ છે ? આર્કેડીઆ આત્માની નગ્નતાનો વૈભવ છે . . .

આર્કેડિઆ છે અને નથી ! આર્કેડિઆ એક આદર્શ ભ્રમ છે . ક્ષિતિજ દેખાય છે અને પકડાતી નથી . જે ક્ષિતિજ દુરથી દેખાતી હતી , એ ક્ષિતિજ પર પહોંચો છો અને એ ક્ષિતિજ અલોપ થઇ જાય છે અને નવી ક્ષિતિજ જન્મી જાય છે . આંખો જે જોઈ રહી છે એ સત્ય છે કે જુઠ ? એ સત્ય અને જુઠ’ની વચ્ચેનો એક ભ્રમ છે . મેઘધનુષ્યને વરસાદ પર પડતો તડકો જન્મ આપે છે , મેઘધનુષ્ય દેખાય છે પણ મેઘધનુષ્ય’ને હજી સુધી મનુષ્ય પકડી શક્યો છે ? મેઘધનુષ્ય એક ખુબસુરત ભ્રમ છે . સૌન્દર્યને માટે દુરી , અંતર , અંતરાલ જરૂરી છે . પર્વતો , સ્ત્રીના હોઠ , બાળપણ’ની યાદો દર્શનીય , ભોગનીય અને સ્મરણીય લાગે છે કારણકે એ દુર છે . . . આર્કેડિઆ પણ દુર છે , બહુ દુર . . . આપણા મન’ની અંદર , ગુપ્ત કે લુપ્ત કે સુષુપ્ત એવી કોઈ અવસ્થામાં . . . કદાચ કોઈ અંધ પ્રજ્ઞાચક્ષુ એ વધારે આસાનીથી જોઈ શકે છે !

સંગીત એટલે . . .

Chapter 6 : Page 27

સંગીત . શું હોય છે સંગીત ? એક સંવાદ મૌન’નો . . ગાયક અને ભાવક’ની વચ્ચે . સંગીત ઈલેક્ટ્રોનિક થઇ ગયું છે , અત્યંત લાઉડ ! ઈલેક્ટ્રોનિક અવાજોએ નવી પેઢીને બહેરી કરી નાખી છે . કોમલ ગાંધાર કે કોમલ ધૈવત આ બહેરા કાનોવાળી પેઢી સમજી શકશે ? આપણી પગની આંગળીઓ વાંદરાઓની પગની આંગળીઓની જેમ કામ કરી શકતી નથી , કદાચ એમ જ આવતી પેઢીના કાન કામ નહિ કરી શકે . ઓશો રજનીશ’નું કહેવું હતું કે ગીતો બજારોમાં વેંચાતા નથી અને પક્ષીઓ ગાવાનું શીખવા કોલેજોમાં જતા નથી !

Luciano Pavarotti

Luciano Pavarotti

સંગીત શું છે ? સંગીત’ની મજા એ છે કે સંગીત ટોર્ચર કરે છે , તમને કબીર’ના શબ્દોમાં ‘ અનહદ’નો આનંદ ‘ આપે છે . . . સંગીત ‘ મેસોક્રિસ્ટીક પ્લેઝર ‘ આપે છે ! સંગીતકાર એના અવાજ દ્વારા તમારા આત્માને સ્પર્શ કરે છે . સંગીત’ની કઈ ભાષા છે ? અર્થ પ્રકટ કરવાની વાત નથી , ભાવ પ્રકટ કરવાની વાત છે . સંગીત દુશ્મનીઓને આંસુઓથી ભીંજાવી શકે છે . . .

કલા સર્વત્ર છે . મહાન સંગીતજ્ઞ પાવારોટ્ટી ( Luciano Pavarotti ) કહે છે : હું બાળકના રુદન’ને જોઉં છું , બાળક લય’માં રડે છે , રાતભર રડે છે પણ સવારે એનું ગળું ખરાબ થતું નથી કારણકે એ લય’માં રડે છે ! . . . રુદન’નું સંગીત ? સવારનું વૃક્ષ પક્ષીઓના ચહચહાટ’થી ભરેલું હોય છે . . . કલા શું છે ? તમે રડો છો એ આંસુઓનું નૃત્ય છે ! પ્રકૃતિમાં સર્વત્ર કલા છે . અગ્નિ સ્થિર નથી , નાચે છે . ધુમાડો સ્થિર નથી , એ નૃત્ય કરતો રહે છે . ધુમાડો અંગડાઈઓ લેતો ઉપર ઉઠતો રહ્યો છે , એ એનો સ્વભાવ છે , ધર્મ છે , એનું નૃત્ય છે . અગ્નિ , વરાળ , ધુમાડો સતત નાચતા રહે છે . હું લખું છું ત્યારે કાગળ પર કાળા અક્ષરો નાચે છે ! સંગીત શું છે ? રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું છે : સંગીત વિનાના મારા ગીત , પાંખો વિનાના પતંગિયા જેવા છે . . .

કટ્ટર સત્તા બે મોઢાવાળો એક ચહેરો છે

Chapter 36 : Page 156

{ Noteદ્રિતીય વિશ્વયુદ્ધ 1945માં સમાપ્ત થઇ ચુક્યું હતું . હિટલર’નાં નાઝીવાદ અને મુસોલીનીના ફાસીવાદ’ની સમાપ્તિ થઇ ચુકી હતી અને ક્ષિતિજ પર રશિયાના સામ્યવાદનો ઉદય થઇ ચુક્યો હતો . શીતયુદ્ધ’નો આરંભ હતો . મૂડીવાદ અને સમાજવાદ’ની કશ્મકશ શરુ થઇ ચુકી હતી . એ વખતે 1949માં અંગ્રેજ લેખક જ્યોર્જ ઓરવેલ‘નું ( George Orwell ) ‘ 1984પુસ્તક પ્રકટ થયું . લેખક ઓરવેલ’નું બીજે જ વર્ષે 1950માં અવસાન થઇ ગયું , પણ નવલકથા ‘ 1984 ‘ જે ભવિષ્યના સમાજવાદ’ના વ્યંગ્ય રૂપે લખાઈ હતી તે વિશ્વપ્રસિદ્ધ થઇ ગઈ . ‘ 1984એ ભવિષ્યના સમાજો’નું ભયાવહ બ્લ્યુ-પ્રિન્ટ હતું . }

ઓરવેલે 1949’માં એક ટેલીસ્ક્રીન’ની કલ્પના કરી હતી . એમાંથી બીગબ્રધર તમને સતત વોચ કરતા હોય અને આજે ટીવીની સ્ક્રીન ઘરમાં પરિવારના કોઈ પણ એક સદસ્ય કરતા વધારે બોલ બોલ કરે છે અને આપણે આપણા જ ઘરમાં ચુપ બેઠા રહીએ છીએ ! સામાન્ય માણસો , જે નાગરિકોમાંથી પ્રજાજનો અને રૈયત / તાબેદારો બની ગયા છે , એમને માટે ઓરવેલે ‘ પ્રોલ્સ ‘ ( Prole ) શબ્દ વાપર્યો છે કે જે પ્રોલેતેરીએત‘નું ( Proletarian ) ટૂંકું રૂપ છે . પ્રોલ્સ એ નિમ્ન મધ્યમવર્ગીય લોકો છે કે જે મજુરી કરે છે , આખો દિવસ શારીરીક પરિશ્રમ કરે છે અને ઓરવેલ’નું વિધાન છે કે એ લોકો મજુરીયા છે , માટે એમને પશુઓથી એક કક્ષા ઉપર રાખવાના છે . એમને ઘર અને સંતાનો હોવા જોઈએ . . પાડોશીઓથી ઝઘડતા રહેવા જોઈએ . . ફિલ્મો અને ફૂટબોલ અને જુગારમાં એમને રસ પડાવવો જોઈએ કે જેથી એમનું વિચારતંત્ર વપરાયા વિના બંધ રહે . મૂડીવાદનો એકમેવ આશય એ હોવો જોઈએ કે પ્રોલ્સ એ પાળેલા પશુ જેવા બની જવા જોઈએ અને નવો નારો સર્વત્ર મશહુર થઇ જવો જોઈએ : પ્રોલ્સ અને પશુઓ આઝાદ છે !

Proles & Big brother

સત્તા બહુમુખી રાક્ષસ છે . ઓરવેલની નવલકથાનું એક સત્તાધીશ પાત્ર કહે છે : અમે સત્તાના ધર્મગુરુઓ છીએ . ઈશ્વર સત્તા છે અને ભૂલશો નહિ કે સત્તાનો એક મદ હોય છે , એક નશો હોય છે . . . એ સત્તાનો વ્યાપ સતત વધતો રહેવો જોઈએ અને બહુ સુક્ષ્મ રીતે વધતો રહેવો જોઈએ . જો તમારે ભવિષ્યનું ચિત્ર જોવું હોય તો કલ્પના કરો , એક ચહેરો ધૂળમાં છે અને એક ફૌજી બુટ એ ચહેરા પર પછડાતું રહે છે , એ ચહેરાને પિસતુ રહે છે , રગદોળતુ રહે છે . અને આ પ્રક્રિયા અંતહીન છે ! ઓરવેલે કલ્પના કરી છે , દરરોજ બે મિનીટ માટે પૂરી પ્રજા બસ નફરત કરતી રહેશે , દરેક ઓફિસમાં , દરેક કર્મચારીએ રોજ નિયત સમયે ફરજના અંશરૂપે નફરત કરવાની ડ્યુટી નિભાવવી પડશે . અંતે , ઓરવેલ લખે છે એમ અંકુશિત પાગલપણાનો પુરા દેશમાં જયજયકાર થઇ જશે . . .

ગુજરાતી જીવશે ? સોરોકીન , ડેનીલેવ્સકી , સ્પેન્ગ્લર , ટોયન્બી’નું કહેવું છે કે . . .

Chapter 48 : Page 204

{ Note : પિટીરીમ સોરોકીન હાર્વર્ડ યુની.ના સમાજશાસ્ત્રનાં પ્રોફેસર હતા . નિકોલાઈ ડેનીલેવ્સકી પ્રમુખત: સમાજશાસ્ત્રી છે તથા ટોયન્બી અને સ્પેન્ગ્લર વિશ્વના શ્રેષ્ઠ ઈતિહાસકારોમાં સ્થાન પામે છે . આ ચારેય નામોએ સંસ્કૃતિઓના ઉત્થાન અને પતન વિષે વિસ્તૃત લખ્યું છે . }

જુલાઈ , 1918માં સ્પેનગ્લર‘નાં ( Oswald Spengler ) ” Decline of the West ” એટલે કે ‘પશ્ચિમનું પતન‘ પુસ્તક પ્રકટ થયું અને એક અનામ હાઈસ્કુલ’નો માસ્તર વિશ્વકક્ષાના ફિલસૂફ તરીકે સ્વીકારાઈ ગયો .મનુષ્યજાતિ ‘ એ તો પ્રાણીશાસ્ત્ર કે ઝૂ – લોજી ‘નું એક લેબલ માત્ર છે . સંસ્કૃતિઓ ફૂલોની જેમ જ કોઈ આશય વિના ખીલી ઉઠે છે ! જયારે સંસ્કારની આગ ખતમ થવા લાગે છે ત્યારે સંસ્કૃતિ એના અંતિમ ચરણ’માં પ્રવેશે છે . જયારે સંસ્કૃતિ બુઝાવા માંડે છે ત્યારે સર્ગશક્તિ બહુમુખી તેજસ’થી ઝળહળી ઉઠે છે ( 19મી સદી’નું લખનૌ : ખસ’નું અત્તર , કઢાઈકામ , કથક નૃત્ય , ઉર્દુ કવિતા , બાવર્ચીખાનાનું વૈવિધ્ય , તવાઈફો , સંબંધનો’ની નજાકત , તેહઝીબ’ની મુલાયમિયત આદિ . . આ લક્ષણો એક મરી રહેલી સંસ્કૃતિના અંતિમ દિવસોના ઝળહળાટ’ના હતા .)

સ્પેનગ્લર’ની પતનાભિમુખ સંસ્કૃતિના લક્ષણો 20મી સદીમાં આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ . આત્માહીનતા જેવો શબ્દ સ્પેનગ્લરે વાપર્યો છે . માણસ’ની અંદર એક શતરંજ’નું બોર્ડ છે , જેમાં કાળા-સફેદ ચોરસ ખાનાઓ છે . ક્રમશ: નપુંસકતા આવતી જાય છે . જૂની ગ્રામ્ય સ્ત્રી માટે માતૃત્વ આશય અને સિદ્ધિ હતું , નવી આધુનિકા સંતાનહીન સ્વતંત્ર સ્ત્રી છે અને પુરુષ મશીનગામી  બની ગયો છે , પૃથ્વીનો માલિક પુરુષ જડ યંત્ર’નો નોકર બની રહ્યો છે . મહાનગરો અથવા વિશ્વકેન્દ્રો પૂરી માતૃભુમી’ને ચૂસીને એનું અવમુલ્યન કરી રહ્યા છે . સ્પેનગ્લર કહે છે કે ધર્મનો પુનર્જન્મ થઇ રહ્યો છે . ‘ પૈસા ‘ અને ‘ લોકશાહી ‘ને કારણે સંસ્કૃતિ અંદરથી ખવાઈ રહી છે .

સ્પેનગ્લર’ની ઈતિહાસવિષયક ફિલસુફી સંસ્કૃતિના વિનાશની પ્રક્રિયાનું પૃથક્કરણ કરે છે . નેતૃત્વ આદર્શ બૌદ્ધિક પાસેથી લુચ્ચા ધનિક પાસે ચાલ્યું જાય છે , લોકશાહી સમાચારપત્રો અને સામયિકો દ્વારા પુસ્તકને મનુષ્યના માનસિક જીવનમાંથી બહાર મૂકી દે છે . સત્ય એ છે કે જે છાપાઓ ( અને રેડિયો / ટીવી ) પ્રસ્તુત કરે છે . લોકશાહીમાં બોલવાનું સ્વાતંત્ર્ય છે પણ છાપાઓ પાસે ચુપ રહેવાનું , ખામોશ રહીને સત્યને દફન કરી નાખવાનું સ્વાતંત્ર્ય છે . ભયાનક ચુપકીદી . સત્યનો માપદંડ સાબિતી નથી , સફળતા છે . સંસદ , સભાઓ ,ચુંટણીઓ એ એક પૂર્વઆયોજિત ફારસ છે . સંસ્કૃતિ મૃત:પ્રાય થવા લાગે છે ત્યારે આ કુરુપતાઓ સંસ્કૃતિ’ની સપાટી પર આવી જાય છે .

આર્નોલ્ડ ટોયન્બી ( Arnold.J.Toynbee ) વિશ્વ’નાં પ્રમુખ ઈતિહાસકારોમાં અગ્રણી સ્થાન પામે છે . એમનું ‘  A Study of History ‘ નવ ગ્રંથોમાં ફેલાયેલું છે અને બહુ આદરથી એનો ઉલ્લેખ થાય છે . ટોયન્બી માને છે કે રાજ્યો નહિ પણ સમાજો . . . દેશ અને કાલ’ની દ્રષ્ટિએ દીર્ઘતરજીવી હોય છે . સંસ્કૃતિ એ સમાજનો જ એક અંશ છે . ટોયન્બી’નું મંતવ્ય છે કે સંસ્કૃતિ બે કારણોસર પનપે છે . એક , સમાજમાં એક તેજસ્વી સર્જનશીલ લઘુમતી હોવી જોઈએ અને બીજું , વાતાવરણ . . . જે માફક કે નાંમાફક ન હોય પણ મધ્યમમાર્ગી હોય . સમાજ હંમેશા ગતિશીલ રહેવાનો છે , નવી ચેલેન્જો ઉપસ્થિત થતી રહેશે અને આ તેજસ્વી લઘુમતી આ નવી ચેલેન્જો’નો મુકાબલો કરતી રહેશે . તાંત્રિક  વિકાસ’ને લીધે સંસ્કૃતિ’ની પ્રગતી થાય છે એવું ટોયન્બી માનતા નથી . ટોયન્બી માને છે કે સંસ્કૃતિઓ’નો નાશ હત્યાથી થતો નથી પણ આત્મહત્યા’થી થાય છે . જયારે તેજસ્વી લઘુમતી નિષ્ફળ જાય છે અને બહુમતીમાં સ્વાર્થી ઉદાસીનતા જામી જાય છે ત્યારે સમાજ એની સંગીની ખોઈ નાખે છે અને નાપાયાદાર બનતો જાય છે . સમાજની અંદર જ એક સ્ફોટક વર્ગવિગ્રહ ભડકે છે .

21મી સદી’નું સત્ય : ધુમાડા પહેરીને ગાયબ થઇ ગયેલા ચહેરાઓ

Chapter 60 : Page 253

વીસમી સદીમાં સાત દશકો જીવીને હવે આઠમા દશકમાં પ્રવેશ કરતી વખતે મને ( ચંદ્રકાંત બક્ષી’ને ) ફિલસૂફ નિત્શે’એ કહેલી એક વાત કુરેદતી રહે છે : મને એક જ ચિંતા કોરી રહી છે કે આ લોકો કોઈક દિવસ મારા વિષે આદરથી બોલવા લાગશે ! અને બીજા ધ્રુવ પર ઉર્દુ શાયર મુનીર નિયાઝી’ની એક પંક્તિ થોડી તસલ્લી આપી જાય છે : कुछ शहर के लोग भी ज़ालिम थे / कुछ मुजे मरने का भी शौक था . જ્ઞાન વધે છે અને ઉંમર વધે છે એમ જે સમજાય છે એની સામે જે નથી સમજાતું એનો ઢગલો મોટો થતો જાય છે . સંવાદિતા’થી વિસંવાદિતા તરફ રુઝાન થતી જાય છે . સર્જન’ને ધર્મ સમજનાર કલાકાર’ને સમજ પડતી નથી કે પૃકૃતિમાં કરોળીયાના પગથી વધારે બદસુરત બહુ ઓછું છે અને કરોળીયાના બદસુરત પગ જે સર્જન કરે છે એ કરોળિયાનું જાળું પ્રકૃતિની સૌથી ખુબસુરત ચીજોમાં સ્થાન પામે છે .

. . . . . ઈશ્વર’ને પેટ હશે ? પાગલ નિત્શે‘એ ( Friedrich Nietzsche ) લખ્યું હતું કે માણસ ઈશ્વર બની શકતો નથી કારણકે માણસને પેટ છે ! ઈશ્વરને બીજા ઈશ્વર સાથે જીવવું પડતું નથી !! માણસને બીજા માણસ સાથે જીવવાની સજા છે અને એ સજા આજીવન છે .

. . . . . 20મી સદી લેખક માટે આવેદન અને સંવેદન’નો સંધિકાળ હતો અને હું મારો ભૂતકાળ બદલી શકતો નથી . એ ઈશ્વર કેવો શયતાન છે , કે જે મમ્મી’ને મારી નાખે છે !મમ્મી ” . . ઈશ્વર પછીનું સૌથી મોટું સાતત્ય . ચિત્રકાર મોનેં‘ને ( Claude Monet ) પૂછવામાં આવ્યું : તે શું ચીતર્યું છે ? ચિત્રકાર મોનેં‘એ ઉત્તર આપ્યો : મેં પ્રકાશ ચીતર્યો છે ! આપણા જીવનરૂપી ચિત્રમાં મમ્મી માત્ર પ્રકાશ છે , એક ધૂપછાંહી અહસાસ . . .  જે ચિત્રને ત્રિ-પરીમાણી બનાવે છે .

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Sahity ane Sarjan સાહિત્ય અને સર્જન

( ઇ.સ 2000 સુધીના ચંદ્રકાંત બક્ષી’નાં અપ્રકટ લેખો’નું સંકલન )

કિંમત : 175 રૂ.

લેખક : ચંદ્રકાંત બક્ષી

પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર

[ Gujaratibooks ] [ Booksonclick ]

[ Booksforyou ] [ Infibeam  ] [ Crossword ]

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

લટકામાં . . !

1} આપણા દ્વારા જ ઈશ્વર નવું નવું શીખતો રહે છે . . ! : જર્મન કવિ રેઈનીઅર મારિઆ રિલ્કે

Page 18

2} કવિતા એ રીતે સ્ફૂરવી જોઈએ કે જે રીતે વૃક્ષોને પાંદડા આવે છે : જ્હોન કીટ્સ

Page 113

3} યુદ્ધ ખરાબ અને ધૃણાસ્પદ છે , પણ યુધ્ધના મોરચા પરના લોકો ક્યારેક દૈનિક જીવન જીવતા લોકો કરતા વધારે સારા હોય છેએક યહૂદી કહેવત

Page 166

4}In the words of Nelson Mandela ” પુસ્તકમાંથી નેલ્સન મંડેલાના થોડા વાક્યો ,

a) હું ઈચ્છું છું , મારી કબર ઉપર એક સામાન્ય પત્થર હોય અને ઉપર ફક્ત લખ્યું હોય , ” મંડેલા

b) હું રોજ મારી પથારી સ્વયં કરું છું . મારા ઘરની સ્ત્રીઓને હું એ કરવા દેતો નથી . હું સરસ રસોઈ કરી શકું છું , હું પોતા મારી શકું છું . . .

c) જો એક માણસ પરાજય સ્વીકારવાને બદલે પ્રતિકાર કરે , લડતો રહે તો એને વધારે આદર મળે છે ( 27 વર્ષના જેલનિવાસમાંથી મુક્ત થયા પછી . . )

d) અમને રોટી વિનાનું સ્વાતંત્ર્ય જોઈતું નથી અને સ્વાતંત્ર્ય વિનાની રોટી પણ જોઈતી નથી ( 1962નાં મુક્દ્દમાં વખતે કહેલું )

e) એક પહાડ ચડી લીધા પછી માણસને ખબર પડે છે કે હજી બીજા ઘણા પર્વતો ચડવાના બાકી છે !

Page 235

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –