ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

કે જ્યાં પહેલા પગલામાં ખલિલ જિબ્રાન’નું સહજ અને ગહન ચિંતન હતું , ત્યાં હવે બીજા પગલામાં . . . આપનો પરિચય બર્ટ્રાન્ડ રસેલ’નાં દર્શનશાસ્ત્ર તથા જ્યોર્જ બર્નાર્ડ શો’નાં તિક્ષ્ણ અને તત્ક્ષણ અવલોકનથી થશે . તો માણો , અંગ્રેજી જગતના બે દિગ્ગજ લેખકોનો પરિચય . . . ચંદ્રકાંત બક્ષી’ની કલમ વડે .

Disclaimer on Source of Images : ( commons.wikimedia ) , ( Wikipedia.org ) & rest of Web world .

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

બર્ટ્રાન્ડ રસેલ‘નું સ્થાન 20મી સદીના અત્યંત મેઘાવી અને પ્રખર તેજસ્વી દાર્શનિકોમાં છે . એ ગણિતજ્ઞ હતા , તર્કશાસ્ત્રી હતા , સામાજિક બંધનો’નું ખંડન કરનારાઓમાં સૌપ્રથમ હતા . જીવન’નાં અંતિમ વર્ષોમાં ( 90 વર્ષે ) પણ અણુબોમ્બ’ના વિરોધી અને શાંતિદૂત હતા . ધર્મ , રાજનીતિ , વિજ્ઞાન , તર્ક ગણિત , ફિલસુફી , નીતિ શિક્ષણ , યુદ્ધ , મનસ ( Mind ) , સમાજવાદ . . . અગણિત વિષયો પર બર્ટ્રાન્ડ રસેલે ગહનતાથી લખ્યું છે .

ગુજરાતીમાં બર્ટ્રાન્ડ રસેલ’નું લખાણ ખાસ આવ્યું નથી , દર્શનશાસ્ત્રની અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ અને પર્યાયવાચી ગુજરાતી વિભાવનાની સમજ , આ બેનો સંગમ ન થાય ત્યાં સુધી બર્ટ્રાન્ડ રસેલ ગુજરાતી વાચકો માટે અસ્પૃશ્ય અને અદ્રશ્ય જ રહેશે . ગુજરાતી ભાષામાં ફીટીંગ કરી આપનારાઓની કમી નથી , ઉઠાંતરીઆઓની મહેરબાની રહી છે , પણ તરજુમા કરનારા નથી અથવા બહુ ઓછા છે . તરજુમા મૂળ ફારસી શબ્દ છે . . . તર+ઝબાન શબ્દોના સંયોગ’થી બન્યો છે . તર એટલે તાજું , ભીનું , લીલું ( સુકાયેલું કે ડી-હાઈડ્રેડેટ નથી એવું ) અને ઝબાન એટલે ભાષા . મુળની ખુશ્બુ , ભીનાશ અને તાજગી જેમાં કાયમ રહે છે એવી ‘ તરજુમાની ‘ ગુજરાતી ભાષામાં અપેક્ષિત છે . બર્ટ્રાન્ડ રસેલને ગુજરાતીમાં લાવવા કઠીન છે .

Mysticism and Logic એમનું એક પુસ્તક ” Mysticism and Logic and other essays  ” વાંચવામાં આવ્યું , જેમાં મુખ્ય નિબંધ રહસ્યવાદ અને તર્ક વિષે છે : બર્ટ્રાન્ડ રસેલશરુ કરે છે : રહસ્યવાદ અને વિજ્ઞાન’ની યુતિ અને ઘર્ષણમાંથી જે જન્મે છે એ મેટા-ફિઝીક્સ અથવા પરા-ભૌતિકશાસ્ત્ર છે . એક જ વસ્તુમાં બે તત્વોની યુતિ પણ થાય અને ઘર્ષણ પણ થતું રહે એ વિચાર જ વિપ્લાવક છે ! બર્ટ્રાન્ડ રસેલ એમના તર્ક’ને આગળ વધારવામાં ફિલસૂફો હેરાક્લિટ્સ અને પ્લેટોના અવતરણો આપે છે .

હેરાક્લિટ્સ Empiricist છે , એટલે કે જે સ્વયં જુએ છે એને જ સત્ય માને છે . સત્ય’ની બીજી કોઈ ગેરંટી નથી . રોજ ઉગતો સૂર્ય નવો છે . અગ્નિ એક જ સનાતન છે . અન્ય બધી જ દ્રશ્ય વસ્તુઓ પસાર થઇ રહેલો ક્રમાંક છે . પ્લેટો‘નું કહેવું હતું કે એક જ નદીમાં તમે બે વાર પગલાં ભરી શકતા નથી , કારણકે તાજું પાણી તમારી નીચેથી સતત વહેતું રહેતું હોય છે . આપણે કદમ ભરીએ છીએ ત્યારે એ નદી બદલાઈ ગઈ હોય છે . . .

હેરાક્લિટ્સ રહસ્યવાદના પાયામાં વિરોધીતાઓને પ્રાધાન્ય આપે છે . એ કહે છે કે સારું અને ખરાબ એક જ છે ! અન્યત્ર એ કહે છે કે ઈશ્વરને માટે બધી જ વસ્તુઓ ન્યાયસંગત , સારી અને બરાબર છે , પણ માણસને કેટલીક વસ્તુઓ ખોટી અને કેટલીક સાચી લાગે છે . હેરાક્લિટ્સમાંથી બર્ટ્રાન્ડ રસેલ વારંવાર ઉદાહરણો આપતા રહે છે . વિરોધી વિચારો સાથે સાથે મુકાય છે ત્યારે એક વિચિત્ર રહસ્યવાદ પરિણમે છે અને એમાંથી જ વૈજ્ઞાનિક નિર્ણયવાદ ( Scientific Determinism ) પ્રગટે છે . હેરાક્લિટ્સ લખે છે કે મનુષ્યનું ચારિત્ર્ય એ જ એની કિસ્મત છે . પછી બીજો વિચાર આવે છે : ઢોર’ને લાકડી ફટકારીને જ ઘાસના મેદાન તરફ લઇ જવામાં આવે છે . ફિલસુફીની તીવ્રતા એ પછીના અવતરણ’માં છે : દિલની ઈચ્છા સામે લડતા રહેવું બહુ અઘરું છે , હૃદય’ને જે પ્રાપ્ત કરવું છે એ આત્માને વેચીને પણ પ્રાપ્ત કરી લે છે . . .

Parmenides

Parmenides

પ્લેટો રહસ્યને પામવા માટે તર્ક’નો પ્રયોગ-ઉપયોગ કરે છે . વસ્તુઓને જોવી/સમજવી કેવી રીતે ? પ્રથમ પડછાયાઓના ભેદ-અભેદ સમજાવા લાગે છે . પછી માણસો અને વસ્તુઓના પાણીમાં પડતા પ્રતિબિંબો જોવાય છે . પછી વાસ્તવ ફોકસમાં આવે છે . સૂર્યને પાણીમાં પડેલા પ્રતિબિંબ પરથી જોઇને એની પ્રકૃતિ સમજવી એ માત્ર આંશિક માયા છે . ઋતુઓ અને વર્ષોના સર્જનહાર સૂર્યનો પાણીમાં ઠરી ગયેલો પ્રતાપ એ રહસ્યનો એક પ્રકાર છે , જેને તર્કથી તપાસવો પડે છે .

સોક્રેટીસ ( socrates ) જવાન હતો ત્યારે એક વાર પારમિનીડીઝ ( Parmenides ) સાથે ચર્ચામાં ઉતરી પડ્યો હતો એવું પ્લેટો નોંધે છે અને બર્ટ્રાન્ડ રસેલ એનો ઉલ્લેખ કરે છે . સોક્રેટીસ કહે છે કે : ‘ સારુંએ એક વિચાર છે , પણ વાળ કે કાદવ કે ગંદકીમાં સારું શું છે ? પારમિનીડીઝ જવાન સોક્રેટીસને સલાહ આપે છે કે ક્ષુદ્રમાં ક્ષુદ્ર વસ્તુની પણ ધૃણા ન કરવી . આ સલાહની પાછળ વૈજ્ઞાનિક અભિગમ નિહિત છે . પ્લેટો રહસ્યને તર્કથી સમજવા આયાસ કરતો રહે છે . પારમિનીડીઝ રહસ્યને અક્ષુણ્ણ રાખવાનો પુરસ્કર્તા છે . એના વિચારોમાં અત્યંત આશ્ચર્યકારક લાગે એ કક્ષાએ હિંદુત્વ’નો પ્રતિઘોષ સંભળાય છે . યથાર્થ શું છે ? પારમિનીડીઝે કહેલા શબ્દો અંગ્રેજીમાં આપણી પાસે આ રીતે આવ્યા છે : . . . Un-Created , Indestructible , Unchanging , Indivisible , Without beginning , and without end ! આ શબ્દો હિંદુત્વની આધારશીલાઓ સમાન છે અને દરેક હિંદુ આ અંગ્રેજી શબ્દોના સંસ્કૃત પર્યાયોને ઓળખે છે : અજન્મા , અવધ્ય , અનિર્વચનીય , અભેદ્ય . . . અનાદી અને અનંત ! ગ્રીક ફિલસુફી પર હિંદુદર્શનની અમીટ અસર રહી છે એવું એક વિધાન ઘણી વાર કરવામાં આવે છે અને પારમિનીડીઝની ભાષા અને વિચારધારા પરથી એ ફલિત થાય છે .

રહસ્ય અને તર્ક વિષે બર્ટ્રાન્ડ રસેલ ચર્ચા આગળ વધારે છે . પરિવર્તન એના તાત્વિક અર્થમાં અને કુશાગ્ર તર્કદ્રષ્ટિથી જોવામાં આવે તો ક્યારેય થતું હોય છે ? સ્વરૂપો બદલાય છે પણ તત્વ અવીનાશી છે , આત્મા અને દેહના તુલનાત્મક રુપકની જેમ . ભૂતકાળ કે અતીત , સૈદ્ધાંતિક રીતે સ્મૃતિ અને મૂલાધાર રૂપે સતત જીવતો જ હોય છે , માટે ‘ ભૂતકાળ છે ‘ એ વિભાવના સત્ય’ની નજીક છે . ભૂતકાળ મૃતક નથી , ભૂતકાળનું અસ્તિત્વ છે !

બાહ્ય પર્યવેક્ષણ કે માત્ર દર્શનથી સમજવું કે જાણવાનો અભિગમ કેળવવો એ શ્રધ્ધાનું ક્ષેત્ર છે . એ એકેન્દ્રિય અનુભવ પણ હોઈ શકે છે , જ્યાં પૃથક્કરણને અવકાશ નથી . એ રહસ્યની ભૂમિકા છે . વિજ્ઞાન જયારે પ્રવેશ કરે છે ત્યારે ઇન્દ્રિયોની અનુભૂતિ અને મનના તર્ક’નો વિસ્તાર થાય છે . રહસ્યમાં વિરોધીતાને વિશેષ અવકાશ રહેતો નથી , હેરાક્લિટ્સ કહે છે એમાં ઉપર જવાનો માર્ગ અને નીચે જવાનો માર્ગ એક જ છે ! સારું અને ખરાબ પણ સમયના વિરાટ ફલક પર એક જ બની જાય છે , માત્ર સમયના એક બિંદુ ઉપર એમની ભિન્ન વ્યાખ્યાઓ અલગ જામી જાય છે . ભૂતકાળ અને ભવિષ્યકાળનો ભેદ પણ માયાવી છે . બધી જ ખરાબીઓ માત્ર માયા છે .

બર્ટ્રાન્ડ રસેલ ઉમેરે છે કે હેગલ ( Georg Wilhelm Friedrich Hegel ) અને સ્પિનોઝાનાં ( Baruch Spinoza ) મત પ્રમાણે માત્ર ખરાબીઓ જ નહિ , પણ સારાઈઓ પણ માયા જ છે . તર્ક આગળ વધે છે અને રહસ્ય પર્દાફાશ થતું જાય છે . જ્ઞાનપ્રાપ્તિના બે માર્ગો છે : Reason મતલબ સમજ અને Intuition મતલબ સૂઝ . . . સત્ય શોધવા માટે , રહસ્યને પામવા માટે વિજ્ઞાન’ની ધારાઓ પર્યાપ્ત છે ? બર્ટ્રાન્ડ રસેલ ફિલસૂફ બર્ગસન‘નો ( Henri Bergson ) હવાલો આપીને લખે છે કે સૂઝ એ બુદ્ધિનો શત્રુ છે ! તો જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું ?

{ Chapter 21બર્ટ્રાન્ડ રસેલ : રહસ્ય અને તર્ક , page 87 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

અંગ્રેજી સાહિત્યમાં જ્યોર્જ બર્નાડ શો ( George Bernard Shaw ) રમૂજના , વ્યંગના , કટાક્ષનાં માસ્ટર ગણાતા હતા . એ સંગીતના તજજ્ઞ હતા , મહાન નાટ્યકાર હતા , વામપંથી વિચારધારામાં પ્રવૃત ચિંતક હતા . જન્મ 1856 , મૃત્યુ 1950 , જીવન 94 વર્ષનું અને 1949માં બર્નાડ શો’એ આત્મકથા પ્રકટ કરી : Sixteen Self-Sketches ! એમના વાક્યો વિચારોત્તેજક રત્નકણિકાઓ જેવા છે . બર્નાડ શો 90 વર્ષ પસાર કરી લીધા પછી આત્મકથાને અંતે લખે છે : હું સુવાચ્ય છું કે નહિ એ વિષે મને શંકા છે . { Find Bernard Shaw’s famous quotes here }

બર્નાડ શો જેવી રમુજ ઈંગ્લીશ ભાષામાં ઓસ્કાર વાઇલ્ડ‘ની ( Oscar Wilde ) ગણાય છે , જોકે બંનેની ધરી જુદી છે . ક્ષેત્રો જુદા છે . 1947માં બર્નાડ શો’એ લખ્યું કે 92મેં વર્ષે હું હજી શીખી રહ્યો છું . ઓસ્કાર વાઈલ્ડે બર્નાડ શો માટે કહ્યું હતું : એને દુનિયામાં એક પણ દુશ્મન નથી , અને એના કોઈ દોસ્ત’ને એ ગમતો નથી ! ઓસ્કાર વાઈલ્ડે લખ્યું કે સેક્સ’ની શરૂઆત 16મેં વર્ષે થાય છે . ફિલસૂફ ઝયાં ઝાક રુસોએ ( Jean Jacques Rousseau ) લખ્યું છે કે હું તો જન્મ્યો ત્યારથી જ મારું લોહી ગરમ થઇ ગયું હતું . બર્નાડ શો લખે છે કે નિષ્કલુષા કુમારિકાઓથી હું ક્યારેય આકર્ષાયો નથી , હું પરિપક્વ પરિણીતાઓ પસંદ કરું છું જે સમજે છે એ શું કરી રહી છે . સેક્સ એ કોઈ વ્યક્તિગત સંબંધ નથી . બીજો કોઈ સંબંધ એક દિવસ પણ નિભાવી ન શકે એ લોકો સેક્સ ભોગવી શકે છે .

બર્નાડ શો’ની આત્મકથા વિચારોથી છલકાતી રહે છે , એ લખે છે : મારા શ્રેષ્ઠ પ્રવચનોમાનું એક મેં હાઈડ પાર્કમાં આપ્યું હતું . સખત વરસાદમા મને આમંત્રણ આપનાર સોસાયટી’નો સેક્રેટરી મારા પર છત્રી પકડીને ઉભો હતો અને છ પુલીસો મારું ધ્યાન રાખવા આવ્યા હતા . મને સાંભળવાની એમની ડ્યુટી હતી . મેં એક કલાક સુધી એમને મજા કરાવી . હજી પણ હું આંખો બંધ કરું છું ત્યારે વરસાદમાં ચળકતા એમના ટોપાઓ જોઈ શકું છું . બર્નાડ શો લખે છે કે તમે ગરીબ હો કે પૈસાદાર એ મહત્વનું નથી , પણ તમે કોઈ પૈસાદાર માણસના ગરીબ સગા છો એ બહુ ગ્લાની આપે છે . 1947માં 92માં વર્ષે બર્નાડ શો આત્મકથામાં લખે છે : સુખ ક્યારેય મારો આદર્શ હતો જ નહિ . આઈનસ્ટાઇન’ની જેમ હું સુખી નથી , અને હું સુખી થવા માંગતો નથી . આવી મૂર્છા પ્રાપ્ત કરવા માટે મારી પાસે સમય પણ નથી અને મારો ટેસ્ટ પણ નથી . આ તો અફીણ’ની એક પાઈપ ફૂંકો કે એક ગ્લાસ વ્હીસ્કી પી લો તો પણ મળી જાય છે . જીવનકથાની દ્રષ્ટિ’એ મારું બહુ મહત્વ નથી , મેં કોઈની કતલ કરી નથી અને કઈ પણ અસામાન્ય ક્યારેય મારી સાથે બન્યું નથી ! આત્મકથા ન લખવા વિષે બર્નાડ શો દલીલ કરે છે : એકાદ બે હાડકાઓના ફર્ક સિવાય બે હાડપિંજરો હંમેશા સમાન જ લાગે છે ! એટલે બીજી વ્યક્તિઓ કરતા હું માત્ર અડધો ટકો જ જુદો પડું છું . આ ઓંટોબાયોગ્રાફર તરીકે મારી તકલીફ છે .

જ્યોર્જ બર્નાડ શો માટે ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુને ખુબ જ આદર હતો અને એ આદર નેહરુ કેમ્બ્રિજ’માં ભણતા હતા એ દિવસોથી હતો . નેહરુ પ્રધાનમંત્રી થઈને ઇંગ્લેન્ડ ગયા ત્યારે બર્નાડ શો’ને મળવા ગયા , બર્નાડ શો’ની લાંબી જિંદગીના છેલ્લા વર્ષોમાં . 1949માં બર્નાડ શો’ની આત્મકથા ” Sixteen Self-Sketches ” પ્રકટ થઇ હતી અને એ 93 વર્ષ સમાપ્ત કરી ચુક્યા હતા . અને નેહરુ પ્રધાનમંત્રી તરીકે બે વર્ષ પસાર કરી ચુક્યા હતા . બર્નાડ શો’એ એમની આત્મકથા નેહરુને ભેટ આપી અને અંદર લખ્યું : જવાહરી આલ ! (સ્પેલિંગમાં બર્નાડ શો’એ ભૂલ કરી હતી ) નેહરુ’એ જયારે બર્નાડ શો’ને આ ભૂલ બતાવી ત્યારે બર્નાડ શો’એ કહ્યું : એમ જ રાખો , સાંભળવામાં સરસ લાગે છે !

બર્નાડ શો’ને નેહરુ માટે માન હતું , પણ રવીન્દ્રનાથ ટાગોર માટે ધૃણાભાવ હતો . નોબેલ પારિતોષિક જીતી લીધા પછી ટાગોર 1915માં લંડનમાં નાઈટહુડ ( ‘સર’ની ખિતાબ ) લેવા આવ્યા હતા અને ડીનરમાં બર્નાડ શો અને રવીન્દ્રનાથ ટાગોર પાસે પાસે આવી ગયા હતા . લાંબી દાઢીવાળા ટાગોર પગ સુધીનો લાંબો ચોગો કે ગાઉન પહેરીને આવ્યા હતા . બર્નાડ શો’એ એમના પાડોશીને પૂછ્યું : આ મુખ્ય અતિથી આતંકવાદી છે ? પૂછો એમને કે કેટલી પત્નીઓ છે ? 1919માં જલિયાંવાલા બાગની ઘટના બની અને ટાગોરે ‘સર’નો ઈલ્કાબ બ્રિટીશ સરકારને પાછો આપી દીધો હતો .

જ્યોર્જ બર્નાડ શો વિષે અંગ્રેજ ફિલસૂફ બર્ટ્રાન્ડ રસેલે એમના પુસ્તક ” Portraits from Memory ” માં લખ્યું છે . રસેલે બર્નાડ શો વિષે પ્રથમ 1890માં સાંભળ્યું હતું અને એ એમને 1896માં મળ્યા હતા . રસેલે પોતાના પુસ્તકમાં બર્નાડ શો વિષે ઘણા પ્રસંગો લખ્યા છે . એક વાર બર્નાડ શો જયારે સાયકલ ચલાવતા શીખતા હતા ત્યારે બર્ટ્રાન્ડ રસેલ પણ સાઈકલ પર આવતા હતા અને બંનેની જોરદાર ટક્કર થઇ ગઈ . . . બર્નાર્ડ શો ઉછળીને વીસેક ફૂટ દુર પડ્યા . એ તો ઉભા થઇ ગયા પણ રસેલની સાઇકલ તૂટી-વળીને ખતમ થઇ ગઈ હતી . રસેલ’ને ટ્રેનમાં આવવું પડ્યું . દરેક સ્ટેશનના પ્લેટફોર્મ પર બર્નાર્ડ શો આવતા , ડબ્બામાં માથું નાખીને મજાક કરતા રહેતા હતા . એ ગઈ સદીની સ્લો ટ્રેન હતી ! બર્નાર્ડ શો વેજીટેરીયન હતા અને વેજીટેરીયનોનું પ્રભુત્વ બતાવવા એ આ પ્રમાણે કરતા હતા .

બર્નાર્ડ શો આજની દ્રષ્ટિએ  Cranky કે ચક્રમ’ની કક્ષાએ મુકવા પડે એટલા મૌલિક હતા . એમના વિષે જેટલી કિવદંતીઓ ચાલે છે એટલી ભાગ્યે જ કોઈ અંગ્રેજ લેખક વિષે છે ! નર્તકી ઇસાડોરા ડંકને ( Isadora duncan ) કહ્યું : શો ! હું અને તમે પરણીએ અને જે બાળક થાય એ કેવું અદભુત થાય ? મારું સૌન્દર્ય અને તમારી બુદ્ધિ ! બર્નાર્ડ શો’એ જરા પણ ખુશ કે અસ્થિર થયા વિના કહ્યું : મિસ ડંકન ! . . પણ એનામાં મારું સૌન્દર્ય અને તમારી બુદ્ધિ ઉતરે તો ? શું કરવું ?

બર્નાર્ડ શો પણ તોલ્સતોય’ની જેમ વિજ્ઞાન’નાં વિરોધી હતા . અંગ્રેજી ભાષાને સુધારવા માટે એ કોમિક’ની કક્ષાએ જઈ શકતા હતા . એ કહેતા હતા કે આ 8થી 20 સુધીની ગણતરી જ બરાબર નથી . આંકડા આ પ્રમાણે હોવા જોઈએ : એઈટ , નાઈન , ડેક , એલ્ફ , ટેન ! પછી 18/19 અને 20ની વચ્ચેની ગણતરી પણ આ પ્રમાણે હોવી જોઈએ : એઇટીન , નાઈન્ટીન , ડેકટીન , એલ્ફટીન અને ટ્વેન્ટી ! એ કહેતા કે પ્રણયત્રિકોણ એ નાટક માટે શુષ્કતમ વિષય છે . એમને ઇન્ટરવ્યુ’માં પૂછવામાં આવ્યું કે વિશ્વ’નાં શ્રેષ્ઠ 12 લેખકોના નામો આપો . ત્યારે તેમણે જ્યોર્જ બર્નાર્ડ શો’ને બાર જુદી જુદી રીતે લખીને લિસ્ટ મોકલ્યું હતું . . . અને ફિલસૂફ બર્ગસન પાસે જઈને કહ્યું હતું : My dear fellow ! તમારી ફિલસુફી તમારા કરતા હું વધારે સારી રીતે સમજુ છું ! આવું બર્ટ્રાન્ડ રસેલે નોંધ્યું છે .

બર્નાડ શો એમની આત્મકથામાં આરંભમાં પ્રસ્તાવના લખતા નથી , એક માફીપત્ર લખે છે : My Apology for this Book ! બર્નાર્ડ શો લખે છે કે શ્રેષ્ઠ આત્મકથાઓ એકરારનામાઓ હોય છે અને માણસ જો ગંભીર લેખક હોય તો એની બધી જ કૃતિઓ એકરારનામાઓ જ હોય છે . મેં કોઈ વીરત્વપૂર્ણ પરાક્રમો કર્યા નથી , ઘટનાઓ મને સ્પર્શી નથી , હું જ ઘટનાઓ બનાવતો રહ્યો છું અને એ ઘટનાઓ છે મારા પુસ્તકો અને નાટકો . એ વાંચો . . . એમાં જ મારી પૂરી જિંદગી આવી જાય છે . બાકી તો નાસ્તો કરવો , જમવું , ઊંઘવું , જાગવું , નાહવું , ધોવું આ બધું રૂટીન તો દરેકનાં જેવું જ છે . મોલીયેર’ની જિંદગી વિષે વોલ્તેયરે બે પાનામાં જે કહ્યું છે એ એક લાખ શબ્દોમાં પણ કહેવું શક્ય નથી . . .

{ Chapter 30 ~ બર્નાડ શો’ની આત્મકથા : હું જ ઘટનાઓ બનાવતો રહ્યો છું . . , page 128 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

લટકામાં . . . !

થોડી એશીયાઇ કહેવતો : ( Chap. 28 – Page 122 )

{ Non – The : જ્યોર્જ બર્નાડ શો’ની અસર હેઠળ થોડુક પ્રદાન હું પણ અહીં આપીશ 😉 }

1] સ્ત્રીઓના ટેકાથી અડધી દુનિયા ઉભી છે – ચીન

{ અને બાકીની અડધી દુનિયા ટેકા‘લેસ ટેકનોલોજીથી ચાલે છે ! }

2] તમારા પૂર્વજોની જાહેરાત તમારા કામો દ્વારા કરો – જાપાન

{ જો પૂર્વજોમાં માનતા હોય તો . . !! OR  જાહેરાત’નાં ભાવ સાંભળ્યા છે ? }

3] ડાહ્યા માણસો ડોબાઓ સાથે દલીલો કરતા નથી – જાપાન

{ મતલબ કે તમારી પાસે કા તો ડોબાઓ હોય છે અથવા તો દલીલ ! }

4] આકાશમાં એક મેઘગર્જના સાંભળી એટલે તમારું વાસણ ખાલી ન કરો – મલાયા

{ તા.ક : બહેરા લોકોએ આ વાત કાને ન ધરવી ! & અને નોન-બહેરાઓ’એ કાયમ બીજા વાસણનું બેક-અપ રાખવું !!}

5] જે સ્વચ્છ નથી એને ધોઈ નાખો , જે જાણતા નથી એ પૂછી નાખો – બર્મા < Just Awesome

{ છતાં પણ છોકરીઓને તેમની ઉંમર ન પૂછવી ! }

6] હોંશિયાર સમડીઓ એમના નહોર સંતાડી રાખે છે – જાપાન

{ મતલબ કે સમડી પણ બે પ્રકારની હોય છે : હોંશિયાર અને નખ વગર’ની ! }

7] એક પગ બે હોડીમાં કેવી રીતે ઉભો રહી શકે ? – ચીન

{ આ લોકો હજુ ગુજરાતી વેપારી’ને ઓળખતા નથી લાગતા ! }

8] પૈસાથી ગમે તે માણસ ડ્રેગન બની શકે છે – ચીન

{ પૂછો , આપણા સાંસદો’ને . . . }

9] કોઈ સસલું હરણના શીંગડા પર પગ મૂકી શકતું નથી – તિબ્બત

{ બે પ્રાણીઓની વાતમાં હું દખલ દેતો નથી ! }

10] ઘણા બધા કડીયાઓ ( ઇંટો મુકનારા ) કામ કરવા લાગશે તો ઘર વાંકું ઉભું થશે – ચીન

{ સમસ્ત કડીયા સમાજ દ્વારા આ કહેવત’ને વખોડી કાઢવામાં આવે છે ! }

11] દરેક ઝીંગા’ની એક વાસ હોય છે , દરેક માણસ’ની એક વિચિત્રતા હોય છે – મલાયા

{ સમસ્ત ઝીંગા સમાજ નારાજ . . . ગુલાબી ક્રાંતિ ખોરંભે ચડી ! & અહીંયા માણસ તરીકે ભારતના મહતમ બાવા અને રાજકારણીઓ’ને ગણવા નમ્ર વિનંતી !}

12] પૈસાદારો ભવિષ્યની ચિંતા કરે છે , ગરીબો વર્તમાન’ની ચિંતા કરે છે – ચીન

{ પૈસાદારો ભૂતકાળ‘માં ગરીબ હતા ! }

Advertisements