ટૅગ્સ

, , , , , , , , , , , ,

Nagvansh મેલુહા ટ્રાયોલોજીમાનું બીજું પુસ્તક ” નાગવંશ “ની શરૂઆત કઈક આમ થાય છે . . . શિવ’નાં નજીકના એક મિત્ર / સ્વજનની હત્યા થઇ ચુકી હોય છે ( પ્રથમ ભાગમાં જ ) અને હવે દુષ્ટ ” નાગ ” લોકો સતી’ની પાછળ પડી ગયા છે અને સતત તેનો પીછો થઇ રહ્યો છે . . .

શિવ ” કે જે તિબેટનો એક બરછટ યોધ્ધા હતો અને સહસા જ તેને એક મહાન ઈશ્વરીય અવતાર ( નીલકંઠ – કે જે આવનારા સમયમાં સત્ય અને ન્યાયની સ્થાપના કરશે ) હોવાની માન્યતામાંથી પસાર થવું પડે છે . . . . તેની યાત્રા હવે મેલુહાં અને સ્વદ્રીપ’થી આગળ વધીને કાશી , મગધ , બ્રંગ , પંચવટી અને અયોધ્યા જેવા નગરો અને નર્મદા , પદ્મા , કાવેરી , ગંગા , ગોદાવરી , મધુમતી અને બ્રહ્મપુત્રા જેવી નદીઓના કિનારે પણ ચાલે છે . . . . સમય જતા અવનવા રહસ્યો તેની આગળ ઘટસ્ફોટ થયા કરે છે . . . દિનબદિન નવા સાથીઓ જોડાતા જાય છે અને તે પરિવાર ઉપરાંત તેનું ખુદનું પરિવાર પણ આગળ વધે છે . . . તે સાથે જ કોઈ અણજાણ્યા જ શત્રુઓ / અનિષ્ટ સામી ક્ષિતિજે ઉદય પામી રહ્યું છે કે જેનું રૂપ / અણસાર કેવું હશે તેનો ખ્યાલ સુધ્ધા શિવ’ને નથી . . . તે તૈયાર છે તો બસ લડવા . . . અને જે પણ કાઈ સત્ય હોય તે સ્વીકારવા અને તેમાંથી એક નવું સત્ય જાણવા . . . કેમકે જેમ વિસ્મયનો કોઈ પાર નથી તેમ સત્ય પણ નિતાંત છે .

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

મારા બ્લોગ’ની શરૂઆત જ થઇ હતી , ” મેલુહા ” શ્રેણીના પુસ્તકના પહેલા મણકાથી . . . ” મેલુહા ” . અને સમય જતા બીજો ભાગ પણ વંચાઈ ગયો ( ખરેખર તો આ ભાગ મારી પાસે પાંચ મહિનાથી પડ્યો છે . . . પણ છેક હવે તેને વાંચવાનો મેળ પડ્યો . . . તેના કારણોમાં એક તો એ કે હું એકસાથે ત્રણથી ચાર પુસ્તકો વાંચતો હોઉં છું અને તે પણ ક્યારે અધૂરું મુકાઈ જાય તેની ખાતરી નહિ 😉 )

મેલુહાનો બીજો ભાગ ” નાગવંશ ” પણ અત્યંત રોચક અને અદભુત વર્ણનોથી સુસજ્જ છે . કે જ્યાં પહેલા ભાગમાં નીલકંઠ વિશેની માન્યતાઓ , તેમનું મેલુહામાં આગમન , ત્યાની વ્યવસ્થા , નીતિનિયમો અને સમાજવ્યવસ્થાનું વર્ણન હતું . . . . . ત્યાં અહીંયા તેઓની યાત્રા હવે મેલુહાની સરહદો વટાવીને આગળ વધે છે અને શરુઆત થાય છે , ” નાગલોકો “નાં રહસ્ય અને તેમની નગરી શોધવાની કવાયત તરફે . . . . .

નાગવંશ એક સ્વતંત્ર પુસ્તક તરીકે પણ એટલું જ રોચક છે . કે જ્યાં ” મેલુહાં ” પ્રથમ મણકો હતો માટે તેના તરફનું ખેંચાણ હંમેશા વધારે જ રહેવાનું પણ તે પ્રથમ ભાગે જે રીતે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું અને બીજા ભાગ તરફ લોકોની જે અપેક્ષા હતી તેની કસોટીએ આ પુસ્તક ખરું નીવડ્યું છે . તે જ પૌરાણિક કથાનક’ને એક અલગ અંદાજથી રજુ કરવા બદલ . હર પ્રકરણ પર એક નવું જ રહસ્ય . ધર્મ અને વિજ્ઞાનનું અદ્ભુત સમન્વય કરીને એક ધર્મવિજ્ઞાન કથાનું નિર્માણ .

આ ભાગમાં પણ પહેલા ભાગની જેમ જ પૌરાણિક પાત્રોનાં નામથી સુસજ્જ પાત્રોની ભરમાર છે . . . અહીંયા પ્રવેશ થાય છે . . . દિલીપ , ભૃગુ , પરશુરામ , ગણેશ , કાલી , કાર્તિક , આનંદમયી , ભગીરથ , અથીથીગ્વ , દ્ર્પકું , ચંદ્ર્કેતું , માયા , ગોપાલ , મોહિની અને દિવોદાસ જેવા રસાળ અને રહસ્યમય પાત્રોનો .

પૌરાણિક કથાઓના એ જ જુના અને જાણીતા મણકાઓને ફરી એક નવી કથામાં પરોવાઈને અપાયેલા અલગ જ સ્પર્શથી સમગ્ર કથા એક નવો કલેવર ધારણ કરે છે . . . અને તે પણ એક પણ તથ્ય અને પુરાણા સંદર્ભો મરોડ્યા વગર . ( જેમ કે : પરશુરામ’નું પાત્ર અને તેમના જીવન સાથે જોડાયેલી કથાને એક નવો જ સ્પર્શ અને એક અલગ જ દ્રષ્ટિકોણ અપાયો છે . ) ( તે જ રીતે ગણેશ અને કાલી’ની કથા પણ એક અનોખો જ આકાર ધારણ કરે છે . )

પુસ્તકમાં જે તે ઘટના કે પછી પાત્રો કે અન્ય નગરો’નાં નામકરણ પણ ખુબ જ સરસ અને તર્કસભર રજુ કરાયા છે . . . જેમકે ગણેશ’નું એક અન્ય નામ ગૌરીનંદન જ કેમ ? પંચવટી નગરી અને બ્રંગ નગરીનાં નામ પાછળનું તથ્ય અને તેનું રહસ્ય / વિવરણ .

પુસ્તકમાં મુખ્ય કથા ઉપરાંત અન્ય નાની અને રોચક પટકથાઓ પણ સુંદર રીતે કંડારાઈ છે ; જેમકે . . . બ્રંગજનોની રહસ્યમય બીમારી , કાલી અને ગણેશનો કથાનાં સમાંતર પ્રવાહમા પ્રવેશ , સિંહ અને વાઘ’નાં મિશ્રણ સમા ” સિંઘ ” ( LIGER ) પ્રાણીની રહસ્યમય શિકારની કથા , મગધના પંડિત અને નૃસિંહ મંદિરની કથા , બ્રંગનાં પૂર્વીય કિનારે સચવાયેલું રહસ્ય અને આખીરનું ” મૈક “નું રહસ્ય .

પુસ્તકમાં ઘણી જગ્યાએ બે પાત્રો વચ્ચેના પ્રસંગો અને તેમના સંબંધોની છણાવટ અને સંવાદ દર્શાવાયો છે કે જે ઘણી જગ્યાએ એક અલગ દ્રષ્ટિકોણ , અલગ કથા અને અલગ જ વિષયવસ્તુ રચે છે ; જેમ કે . . . શિવ અને દક્ષ , શિવ અને ગણેશ , શિવ અને પરશુરામ , શિવ અને દિલીપ , કાર્તિક અને ગણેશ , કાર્તિક અને કૃતિકા , કાલી અને ગણેશ , સતી અને ગણેશ , સતી અને કાલી અને આખરે પર્વતેશ્વર અને આનંદમયી વચ્ચે .

પુસ્તકનું છેલ્લું પ્રકરણ ખરેખર રોચકતા અને રહસ્યથી ભરપુર છે . . . કે જે માણસજાતની કેટલીયે એષણાઓ / મુશ્કેલીઓ અને તેના સહજ ઉપાયોનું પણ વિવરણ કરે છે ; જેમ કે . . . . ઈચ્છા . . . તેમાંથી સર્જાતું સર્જન . . . તેના કારણે જ રોપાતું વિસર્જનનું બીજ . . . અને ફરી તે જ બીજમાંથી રોપાતી ઈચ્છાઓ . . . . . નિતાંત ઘટતી ઘટનાઓ અને તેના અલગ અલગ દ્રષ્ટિકોણેથી જોવાયેલ તથ્યો . . . અને છેલ્લે , ” કેળવાતો સાક્ષીભાવ ” . . . . . . . પછી ભલે તે મુર્ખનો ” મૂઢ ” ભાવ હોય કે પછી જિજ્ઞાસુ’નો “ દિગ્મૂઢ ” ભાવ !

Source : CallLibrary.com

Source : CallLibrary.com

પુસ્તકમાં ધાર્મિક કથા અને તેના પાત્રો ઉપરાંત , વિજ્ઞાન અને દર્શનશાસ્ત્ર‘નો પણ સુંદર મેળાપ થયો છે . . . કે જેમાંથી પુષ્ઠ 38 પર આલેખાયેલો શિવ અને વાસુદેવ વચ્ચેની ગહન ચર્ચાનો એક અંશ અહીંયા રજુ કરું છું કે જે સુંદર છણાવટ’થી સુસજ્જ છે અને અંગત સ્તરે મને ખુબ જ પસંદ પડેલ છે . તમે પણ માણો , નિરવની નજરે . . !

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

માણસ અને પશુ વચ્ચેનો ભેદ જાણો છો ? પંડિતે સવાલ કર્યો . , , , શું ? શિવે સામે પૂછ્યું .

આપણે માનવો સાથે મળીને કામ કરીએ છીએ , સહિયારું લક્ષ્ય નક્કી કરીને ત્યાં સુધી પહોંચવા માટે આપણે એકબીજાનો સાથ સહકાર લઈએ છીએ . પેઢીઓથી ઉતરી આવતા જ્ઞાનની વહેંચણી આપણે એકબીજા સાથે કરીએ છીએ , જેથી કોઈને એકડે એકથી શરૂઆત નથી કરવી પડતી .

પણ એમ તો હાથી અને સિંહ પણ ટોળામાં રહે છે તોયે આપણે એમનાથી વધુ સિદ્ધિ મેળવી છે ” શિવ બોલ્યો .

હાં , પણ સાથે જીવવું એટલે માત્ર સંપ – સહકાર નહિ . આપણે સાથે હોવા છતાં એકબીજા સાથે હરીફાઈ પણ કરતા રહીએ છીએ . ક્યારેક આપણી વચ્ચેની સ્પર્ધા યુદ્ધનું રૂપ પણ ધારણ કરી લે છે . કહેવાનો અર્થ એટલો કે માણસ એકલો કશું નથી . સારા ખરાબ દરેક કાર્ય માટે એકથી વધુ માણસની જરૂર રહે છે . અસ્તિત્વની ઉર્જાનો પ્રવાહ આપણા દરેકમાંથી વહેતો રહે છે અને એટલે જ આપણે સાથે મળીને જીવી શકીએ છીએ . , , , , ,  ” બરાબરશિવે હકાર ભણ્યો .

કહેવાય છે કે વિશ્વમાં સેંકડો પ્રકારની જીવનશૈલીઓ છે . જુદી જુદી સંસ્કૃતિના લોકો જુદી જુદી રીતે જીવતા દેખાય છે અને બધા માને છે કે અમે બીજાથી જુદા છીએ . શિવે પાછું માથું હલાવીને સંમતિ દર્શાવી . પરંતુ દરેક જીવનશૈલીનો ઝીણવટથી અભ્યાસ કરીએ , ગાળીએ તો છેવટે એમાંથી એટલું તારણ નીકળે કે મૂળ તત્વ બે જ છે , જેના આધારે લોકો જીવે છે – – પુરુષ અને પ્રકૃતિ . કોઈ સમાજમાં પુરુષ તત્વ વધુ જોવા મળે તો ક્યાંક સ્ત્રીતત્વ .

પણ એ કઈ રીતે ઓળખાય ?

પૌરુષી જીવનશૈલી કડક કાયદા અને નીતિનિયમોને આધારિત હોય છે . રામચંદ્રના રૂપમાં આવેલા વિષ્ણુ જેવા કોઈ મહાન શક્તિશાળી નેતાએ ઘડેલા કાયદાને અહીં આખો સમાજ અનુસરે કે પછી ધાર્મિક માન્યતાઓ અને બહુમતીએ નક્કી કરેલા નિયમો બધાએ સ્વીકારવા પડે . એકવાર સ્થાપિત થઇ ગયેલા નિયમો સ્પષ્ટ હોય છે . પોતપોતાની રીતે તેનું અર્થઘટન કરવાની છૂટ કોઈને નથી હોતી . દરેક જણ એકસરખી રીતે , એક સરખા નીતિનિયમોનું પાલન કરે છે . કોઈ અનિશ્ચિતતાને સ્થાન નથી હોતું , આનું સૌથી મોટું ઉદાહરણ છે ” મેલુહાં ” ! વર્ષોથી નક્કી કરેલા માર્ગ પર ત્યાનો આખોયે સમાજ જીવે છે . સ્વાભાવિક રીતે જ ત્યાં સફળ થવા માટેવ્યક્તિએ સત્ય , કર્તવ્ય અને આત્મસન્માનના સિધ્ધાંત સાથે ચાલવું પડે .

અને જે સમાજમાં પ્રકૃતિ એટલે કે સ્ત્રીતત્વનો પ્રભાવ હોય ત્યાં ?

અહી કોઈ કાયમી કાયદા કે નિયમ નથી હોતા . શું થઇ શકે ? શું બનવાની શક્યતા વધુ છે ? એ જોઈ વિચારીને લોકો પોતાના વાણી વ્યવહારમાં પરિવર્તન કરે છે . ઉદાહરણ તરીકે આવા સમાજમાં કોઈ એક રાજા કે નેતા પછી એના ઉતરાધિકારી તરીકે અમુકતમુક જ આવશે એ નક્કી નથી હોતું . કઈ વ્યક્તિ વધુ સમય સતાસ્થાને રહેશે કે રહી શકે એ જોઇને લોકો એને ટેકો આપે છે . કાયદા ભલે હોય , પણ જુદા જુદા સમયે , જુદી જુદી રીતે એનું અર્થઘટન થતું રહે છે . ક્યાંક વિરોધાભાસ દેખાય તોયે લોકો અકળાતા નથી . સમય અને સંજોગોની સાથે બધી વસ્તુમાં ફેરફાર થતા રહે છે . સ્વદ્રીપની જીવનશૈલી આવી છે . અહી એ લોકો સફળ થાય છે કે જે સૌન્દર્ય , સ્વાતંત્ર્ય અને તીવ્ર આવેશ કે ઉત્કટ ઝંખનાઓને પૂજે છે .

એનો અર્થ એવો થયો કે બંને જીવનશૈલી એકમેકથી સાવ જુદી છે . એમાંથી કોણ વધુ સારી કે ચઢિયાતી એ નક્કી કરવાનું શક્ય નથી અને એવી જરૂર પણ નથી

હાં . ” સૃષ્ટિમાં સંતુલન જાળવી રાખવા માટે બેઉની જરૂર છે ” , , , , એ કઈ રીતે ?

પૌરુષી સિદ્ધાંતો પર ઉભી થયેલી સંસ્કૃતિ જ્યાં સુધી સ્થિર , મજબુત , શક્તિશાળી હોય ત્યાં સુધી એને વાંધો નથી આવતો . દરેક વ્યક્તિ એકસરખા કાયદાને માન આપે છે અને સમાજમાં શિસ્ત જળવાઈ રહે છે , પણ આવી સંસ્કૃતિ નબળી પાડવા લાગે ત્યારે ભયાનક પરિસ્થિતિ સર્જાય છે . લોકો બદલાવા તૈયાર નથી થતા . . જૂનીપુરાણી માન્યતાઓને જડ્તાભેર વળગી રહે છે અને બીજાઓ પાસેથી પણ આવી અપેક્ષાઓ રાખે છે . પરંપરાથી જુદો અવાજ ઉઠાવનારી વ્યક્તિને ગમે તે ભોગે દબાવી દેવાનો પ્રયાસ થાય છે . સંજોગો અને સમયની સાથે પરિવર્તન લાવવાની વાત એમને સ્વીકાર્ય નથી હોતી . અસુરો સાથે આવું જ થયું .

અને આવા સમાજમાં હતાશ થઇ ગયેલા , ગૂંગળાવા લાગેલા લોકો બળવો પોકારે ત્યારે પ્રકૃતિલક્ષી જીવનશૈલી એમને મુક્તિની લાગણીનો અનુભવ કરાવે છે ! ”

હાં . જે સંસ્કૃતિમાં પ્રકૃતિ એટલે કે નારીતત્વ વધુ સબળ હોય ત્યાં જડતાને સ્થાન નથી હોતું . દરેક પ્રકારની આસ્થા અને માન્યતા ધરાવતા લોકો શાંતિથી સાથે રહી શકે છે . અહી વિવિધતામાં એકતા હોય છે . કોઈ જૂથ બીજા પર પોતાનો મત લાદવાનો પ્રયત્ન નથી કરતુ . અસુરોને પરાજિત કરનારા દેવો આ પ્રકારની જીવનશૈલી લઇ આવ્યા , પરંતુ વધુ પડતી સ્વતંત્રતા ક્યારેક સ્વછંદતામાં પલટાઈ જાય છે . સ્વાતંત્ર્ય , સર્જનશીલતાનાં ઓઠા હેઠળ આ સમાજમાં વધુ પડતા ભોગવિલાસ , પ્રમાદ , અનીતિ , ભ્રષ્ટાચારનો પગ પેસારો થવા લાગ્યો . ભગવાન રામના સમયમાં દેવોની આ જીવનશૈલીનાં પતનનો આરંભ થઇ ગયેલો . દુરંદેશી રામે જોઈ લીધેલું કે સમાજને ટકાવી રાખવા અને લોકોને એકસૂત્રે બાંધી રાખવા માટે ફરીથી સુનિશ્ચિત કાયદા અને નીતિનિયમો લાવવાની જરૂર હતી . જોકે બુદ્ધિશાળી હોવા ઉપરાંત એ વ્યવહારદક્ષ પણ હતા . લોકો પર જબરદસ્તી નિયંત્રણો લદાય તો બળવો ઉભો થાય અને દેવોની જીવનશૈલીને ખરાબ ગણાવે તો બધા નારાજ થાય એટલે રામે એક નવા પ્રકારની સમાજરચના ઉભી કરી અને એને ” સૂર્યવંશી માર્ગ “નું નામ આપ્યું .

તમને નથી લાગતું કે સમાજની જેમ જ દરેક વ્યક્તિની અંદર પણ પુરુષ અને પ્રકૃતિ , નર અને નારી , ચંદ્રવંશી અને સૂર્યવંશી જેવા તત્વો હોય છે ? શિવે પૂછ્યું .

હાં . દરેક માણસમાં આ બંને તત્વો થોડા થોડા પ્રમાણમાં હોય જ છે , પણ કોઈમાં પુરુષતત્વ વધુ હોય તો કોઈમાં સ્ત્રીતત્વ . તમને આ બંને પ્રકારની જીવનશૈલી વિષે કહેવા પાછળ મારો હેતુ એ જ છે કે અનિષ્ટ સામેના યુધ્ધમાં તમે જુદા જુદા પ્રકારના લોકોને એમની ભાષામા સમજાવી શકો . લડાઈ શરુ કરતા પહેલા તમારે અશુભ અને દુષ્ટતા સાથેનું લોકોનું વળગણ છોડાવવા માટે મથામણ કરવી પડશે .

કોઈને અનિષ્ટ કે અશુભ સાથે વળગણ પણ હોઈ શકે ? શિવે આશ્ચર્યથી પૂછ્યું .

પંડિતે જવાબમાં માત્ર સ્મિત કર્યું . શિવે ઊંડો શ્વાસ ભર્યો .

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

લેખકઅમીશ ત્રિપાઠી  [ Link ]    અનુવાદક : વર્ષા પાઠક     કિંમત : 195 રૂ.

પ્રકાશક : આર.આર.શેઠ , અમદાવાદ     ISBN : 978-93-82503-56-9

LINKS : Flipkart | Booksonclick | Gujaratibooks | Infibeam | Godelite

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

લટકામાં . . !

મેલુહામાં આલેખાયેલા શિવ’નું પાત્ર એક સતત શીખતા અને વિસ્મય પામેલા વિદ્યાર્થી જેવું છે . . . જ્યાં કશું જાણવા મળ્યું નથી કે પલોઠી વાળીને બેસ્યા નથી . . . . પછી ભલે તે કોઈ પ્રકાંડ પંડિત હોય કે પછી સામાન્ય સૈનિક હોય . . . આખરે કોઈ દુશ્મન જ કેમ ન હોય ! . . . .

બીજું , તે જરાય ધર્માંધ કે કટ્ટર નથી . વાર્તાના પ્રવાહમાં ઘણી એવી ક્ષણો છે કે જ્યાં તે આશ્ચર્ય અને વિસ્મય પામે છે ક્યારેક તો ગજબના અચંબિત થઇ જાય છે . . . પણ , આખરે સત્ય ગમે તેવું બિહામણું અને કુરૂપ કેમ ન હોય તેનો પ્રેમથી સ્વીકાર કરે છે . . . જાણે કે પરિવર્તન તેના જીવનનો ભાગ બની ગયું છે અને આખરે તે જ વ્યક્તિ પરિવર્તન લાવી શકે કે જે ખુદ પરિવર્તનને સમજી અને માણી શકતો હોય અને તેના કડવા ઘૂંટડા પણ ગળે ઉતારી શકતો હોય . માટે જ તે નીલકંઠ છે .

અમીશ ત્રિપાઠીએ આ પુસ્તક પોતાની પત્ની ( પ્રીતિ ) અને પુત્રને ( નીલ ) અર્પણ કરતા લખ્યું છે કે ,

એ લોકો અભાગિયા છે , જે સ્વર્ગની શોધમાં સાત સમંદર ખુંદી વળે છે .

પણ સદભાગી એ લોકો છે , જે એકમાત્ર અને સાચેસચા સ્વર્ગનો અનુભવ અહીંયા જ કરે છે , એમના પ્રિયજનોના સહવાસમાં . . .

હું ખરેખર સદભાગી છું .

{ અને હું પણ 🙂 }