ટૅગ્સ

, , , , , , , , ,

અંદાજે ત્રણ મહિના બાદ Monthly Reviews ની સીરીઝ ફરી પાટે ચડાવતા મોજ અનુભવી રહ્યો છું 🙂 . . . છેલ્લે બાકી રહેલા માર્ચ / એપ્રિલ / મે / જુન મહિનાઓનાં રિવ્યુઝની હારમાળા હવે શરુ થશે . . . ચિંતા નાં કરશો , માત્ર બે જ ભાગ છે 😉 , અને આ બે ભાગમાં જ બધા રિવ્યુઝ કવર થઇ જશે . 

તો જોઈએ મુવીઝ શું કહે છે અને  હું શું કહું છુંઅને પહેલો ભાગ શું કહે છે ?

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

My Verdicts Ranging

😥 = 1 to 2 , 😦 = 3 to 4 , 😐 = 5 to 6 ,

🙂 = 7 , 😀 = 8 , 😎 = 9 , 😆 = 10

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Our Side { Bollywood }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

1a 1} Leela , 2002

લીલા કહાની છે , એક સ્ત્રીની . . તેના વિચારોની . . . તેની સ્વતંત્રતા તરફની ઉડાનની . . . કે જ્યાં તેના વિચારો અને નિર્ણયો માત્ર તે જ લ્યે છે અને તેનું ભવિષ્ય પણ તેના જ હાથમાં છે . લીલા ( ડિમ્પલ કાપડીયા ) , માતાના મૃત્યુ બાદ , થોડુક નવું અને કાઈક નોખું . . . જાણે અજાણે કઈક સ્થાનિક સંજોગોની પકડમાંથી મુક્ત થવા અને સ્વતંત્રતાની અલગ જ મહેક અનુભવવા અમેરિકા જવાનું નક્કી કરે છે . . . એક વીઝીટીંગ ફેકલ્ટી તરીકે . અને ત્યાં તેની ઓળખાણ થાય છે ચૈતાલી ( દીપ્તિ નવલ ) સાથે કે જે પણ તે જ કોલેજમાં ફેકલ્ટી હોય છે , અને તેઓ બંને મિત્રો બને છે . ચૈતાલીને તેના પતિ સાથે મતભેદ થતા તેણી તેના પુત્ર ક્રિશ ( અમોલ મ્હાત્રે ) સાથે અલગ રહેતી હોય છે . ક્રિશ પણ તેજ કોલેજમાં ભણતો હોય છે અને ઘણેખરે અંશે પોતાને એક ભારતીય કરતા એક અમેરિકન કહેવડાવાનું પસંદ કરે છે .

1d પહેલી જ મુલાકાતમાં તે લીલાથી ઘણેખરે અંશે અંજાય જાય છે અને મિત્રો સાથે ચડસાચડસીમાં શરત લગાવી બેસે છે કે તે લીલાને પોતાની તરફ આકર્ષિત કરીને જ રહેશે ! ક્રિશથી છોકરમતમાં થયેલી ઘણી ભૂલો લીલા મોટું મન રાખીને માફ કરી દ્યે છે અને તેઓ બંને ખરા અર્થમાં મિત્રો બને છે . પણ એક દિવસ જ્યારે ભારતમાં રહેતા પોતાના પતિ નાશાદ – પ્રખ્યાત શાયર ( વિનોદ ખન્ના ) વિષે લીલા જ્યારે કઈક જાણે છે ત્યારે તેણી ભાંગી પડે છે અને જાણેઅજાણે ક્રિશ તરફ ઢળતી જાય છે . સામે પક્ષે ક્રિશને પણ એવી જાણ થાય છે કે તેની મમ્મી પણ અન્ય કોઈ સાથે નવો સંબંધ બાંધવાની રાહમાં છે ત્યારે તે ગુસ્સે થઇ ઘર છોડી દે છે અને તે લીલાને ઘેર રહેવા ચાલ્યો જાય છે અને હવે શરુ થાય છે , મેચ્યોરીટીની અલગ દાસ્તાન કે જે તમને વિચારવા મજબુર કરશે અને સરવાળે મેચ્યોર બનવા પણ ❗ { Maturity નાં અર્થ તરીકે ‘ પુખ્ત ‘ શબ્દ મને નાનો લાગ્યો , માટે “મેચ્યોર” જ વાપરું છું . . હા , “સમજદાર” શબ્દ વાપરી શકું , પણ . . }

1c સદાબહાર કે પ્રૌઢ વયે પણ તેટલી જ સુંદર અને જીવંત લાગતી અભિનેત્રીની વાત આવે છે , ત્યારે લોકો હંમેશા રેખાની જ વાત કરે છે ( જન્મ – 1954 ). . . પણ , જાજરમાન અભિનેત્રીઓમાં મારા મતે ડિમ્પલ કાપડીયા ( જન્મ – 1957 ) ખુબ જ આગળ છે . વિનોદ ખન્ના અને અમોલ મ્હાત્રેનું પણ મસ્ત પરફોર્મન્સ . . . દીપ્તિ નવલ તો ખરી જ 🙂 . . . અને જગજીત સિંઘે ગયેલ તે અદભુત ગીત એટલે 🙂 🙂 { અત્યારે શબ્દો યાદ નથી ! } . . . અરે સંગીત પણ તેમનું અને શાંતનું મોઇત્રાનું જ છે . . . અને શબ્દો ગુલઝારના છે .

વિવરણાત્મક , નવા દ્રષ્ટિકોણ તરફ આંગળી ચીંધતી અને સંવાદ સાધે તેવી ફિલ્મોના શોખીન માટે , My Recommendation 🙂

Verdict : 😥 < 😦 < 😐 < 🙂 < [ 😎 ] < 😀 < 😆

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

2} Race 2 , 2013

2a રેસ 2 વિષે મારે કાઈ નથી કહેવું , બસ એટલું જ કે તેની પેરોડી ” ભેંસ 2 ” તરીકે રીલીઝ કરી શકાય . . . તદન ફાલતું અને ઘોંઘાટીયું મુવી અને તદન પ્રીડીકટેબલ 😉 ખાલી એક જ ઉદાહરણ કાફી છે ; જયારે સૈફ ઇશુની પેલી મુલ્યવાન ચીજ ચોરવા ચર્ચમાં કેટલા બધા પ્રયત્નો અને મુશ્કેલીઓથી ઘૂસે છે , ત્યારે થોડી વારમાં જ તો તે ચર્ચનાં જ એક નાળામાંથી થઈને શહેરની એક ગટરમાં નીકળે છે ❗ . . . અરે ભાઈ તો પહેલાં પણ ત્યાંથી જ જવું હતું ને 😀 ખોટો અમારો ને તારો ટાઈમ શું કામ બગાડે છે ?

સૈફ / જેકલીન / જ્હોન / અમીષા અને અનીલનાં વાહિયાત પરફોર્મન્સ ! અને અબ્બાસ મસ્તાન આટલી બોગસ ફિલ્મ બનાવવા બદલ એકબીજાને ઉઠક બેઠક કરાવી શકે છે 😉

જોયું નથી કહેવું – નથી કહેવું કરીને કેટલું બધું કહી નાખ્યું 😉 . . . રેસ તેવી ભેંસ . . મતલબ કે સંગ તેવો રંગ 😀

Verdict : [ 😥 ] < 😦 < 😐 < 🙂 < 😎 < 😀 < 😆

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

3} Matru ki Bijlee ka Mandola , 2013

3a હરિયાણાનાં એક ગામની સ્ટોરી છે . ગામમાં ચાલતું  હોય છે , એક ધનાઢય જમીનદારનું  . . . નામ હેરી મંડોલા અને તેણે ગામનું નામ પણ તેના જ નામ પરથી રાખી દીધુ હોય છે અને તે ગામની બધી જ જમીનોનું ઓદ્યોગિકરણ  માંગતો હોય છે . 3c સાથે તે Split Personality નો પણ ભોગ બનેલો હોય છે અને દારુ પીધા બાદ તે એક ખુદને જ ગાળો ભાંડ્નારો અને ગામ લોકોની તરફેણ કરનારો બની જાય છે . અને સાથે સાથે તેને દેખાય છે , એક ભેંસ અને તે પણ ગુલાબી ! . . . તેનો નોકર કમ ડ્રાઈવર હોય છે એક બેકાર ગ્રેજયુએટ મટરું . . . અને તેને એક જ દીકરી હોય છે , બીજલી કે જેને તે ભ્રષ્ટ મંત્રી દેવીજીના પુત્ર સાથે પરણાવવા માંગતો હોય છે . . . , આ બધાની વચ્ચે ગામમાં ઉદય થઇ રહ્યો હોય છે છુપી ક્રાંતિનો અને તેના નેતા ” માઓ “નો ! બસ , હવે આગળ તો તમારે જ ફિલ્મ જોવી પડશે 🙂

3b

આ બધી વિકાસની જ માથાકૂટ છે ને ! . . . { વિકાસ શબ્દ સાંભળીને કોનું નામ યાદ આવ્યું 😉 } . . . વિકાસ કે રકાસ ? . . . ફિલ્મની કથાવસ્તુ ચકરાવો લ્યે છે વિકાસ અને તેની પોકળ વાતો ફરતે . . . વિકાસ તો કોના ભોગે ? કોના સ્વાર્થે ? અને છેલ્લે , ખરેખર કાગળ પર દેખાય છે અને આંકડાઓ દર્શાવે છે . . . તેવું કશું છે ?

પહેલા જમીન શબ્દ સાંભળીને મનમાં “ખેતર“નું ચિત્ર ઉપજતું . . . અને હવે , “બિન“ખેતરનું , મતલબ કે “બિનખેતી“નું 😉 હવે હેક્ટર કે વીઘાને બદલે ” ચોરસવાર ” અને “ચોરસફૂટ” સંભળાય અને વિચારાય છે . . . . . ધીમે ધીમે એવો ખ્યાલ વિકસતો જાય છે કે જમીન એટલે કે , જેના પર ” કશું બાંધી શકાય ❗ ,  નહિ કે કશું ઉગાડી શકાય ❗ ❗ . . . અરે વૈજ્ઞાનિકોએ તો જમીન વગર જ ખેતી કરી શકાય તેમાં અદભુત સફળતા મેળવી બતાડી છે . . . માટે જ તો આટલા ટૂંકા સમયમાં ઈન્ડસ્ટ્રલાઈઝેશન / મોલ – કલ્ચર અને એપાર્ટમેન્ટસનાં રાફડા ફાટ્યા છે . . . રાફ્ડાઓ બનાવવાનું કામ ઉધઈઓ પાસેથી આપણે લઇ લીધું છે !

3d

શું છે આ બધું ? જમીન જમીન અને જમીન . . . એટલે , વિશાલ ભારદ્વાજની સેટાયર કમ રોમેન્ટિક કોમેડી . . . . ઘણી જગ્યાએ તેણે ભ્રષ્ટ વ્યવસ્થા અને  ભારતીય ઉદ્યોગીકોને સારા એવા લમધાર્યા છે ! એક જમીન માટે સમયસરનો વરસાદ , સારું બિયારણ અને સારા સ્ટોરેજની કેટલી આવશ્યકતા છે , તેની જાણ તો માત્ર ખેડૂતોને જ હોય છે 😦 અને તે સારું તે બિચારાઓ આઝાદીના 60માં વર્ષે પણ રીતસર ફાંફા મારે છે !

3e ફિલ્મની વાત કરીએ તો , વિશાલ ભારદ્વાજ એક જગ્યાએ માર ખાઈ ગયા કે તેમણે ફિલ્મને એક રોમેન્ટિક કોમેડી હોય તેવો પહેલેથી જ રંગ આપ્યો અને થીયેટરમાં જોવા ગયેલા લોકો ખરેખર તેને એક કોમેડી અને ટ્રેજેડી બનાવીને નીકળી ગયા 😐 . . . જયારે ફિલ્મ ખરેખર એક માસ્ટરપીસ બને તેવી પુરેપુરી શક્યતા હતી .

ફિલ્મમાં ઘણા દ્રશ્યો નક્કામાં છે , જેમ કે . . . અનુષ્કાનું ગામના તળાવમાનું દ્રશ્ય { જોકે ખોટું નહિ બોલું , પણ હુરપરી જેવી અનુષ્કાને જોવાની ખુબ મજા આવી }. . . શક્તીભોગ લોટની ફેક્ટરીનું દ્રશ્ય . . . ઝૂલું આદિવાસીઓનું દ્રશ્ય અને કેટલુય બીજું . . . કે જેનાથી ફિલ્મ થોડી વધુ લાંબી અને સરવાળે કંટાળાજનક બની છે . . .

3f પણ પણ પણ , પંકજ કપૂર / શબાના / અનુષ્કા અને બે કાલ્પનિક પાત્રએ ખરો રંગ રાખ્યો .

1] ગુલાબી ભેંસ { ગુલાબી ગાલ અને ગુલાબી ઠંડી સાંભળ્યા હતા , પણ વિશાલ ભારદ્વાજે ગુલાબી ભેંસ દેખાડીને મોજ પાડી દીધી 🙂 }    2] અને એક સામાન્ય ભારતીયની નિરાશામાંથી જન્મતું ક્રાંતિનું ચિન્હ , ” માઓ ”

ઇમરાન ખાનને હું ક્યારેય એક સારો એક્ટર નથી માનતો . . . નજીકના ભવિષ્યમાં બને તો સારું . . . ફિલ્મમાં પંકજ કપૂર અને અનુષ્કા સામેનાં દ્રશ્યોમાં ક્યારેક તો તે રીતસર ફાંફા મારે છે !

કેટલાક પ્રભાવશાળી દ્રશ્યોમાં :

1] મટરૂ અને મન્ડોલા કુવો ખેંચતા હોય છે એ દ્રશ્ય , 2] શબાના અને પંકજ કપૂરનું ખુલ્લા ખેતરોમાં ઇન્ડસ્ટ્રી અને મોલ્સનું ડ્રીમ વિઝ્યુંલાઈઝેશન વાળું દ્રશ્ય , 3] પંકજ કપૂર અને અનુશ્કાના પિતા / પુત્રીના દ્રશ્યો , અને 4] શબાનાની તેના પુત્ર ‘ આર્ય બબ્બર ‘ને રાહુલ ગાંધી / વરુણ ગાંધી / સચિન પાયલોટ / જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા બનવાની સલાહ આપતું દ્રશ્ય 😀

Verdict : 😥 < 😦 < 😐 < 🙂 < [ 😎 ] < 😀 < 😆

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

4} Mere Dad Ki Maruti , 2013

4a એક આપણા બધા જેવો જ છોકરો [ સમીર / સાકીબ સલીમ ] અને એનો એક લંગોટીયો યાર [ ગટ્ટુ / પ્રબલ પંજાબી ] { પછી ભલેને આપણને લંગોટ બાંધતા ન આવડે 😉 } અને બે વસ્તુમાં તરત જ આંખો ચકળવકળ થવા માંડે . . . 1 ] ગાડીનું મોડેલ અને 2] મોડેલ જેવી છોકરી 😀

4cc સ્ટોરી તો સૌને ખ્યાલ જ છે . . . સમીર,  છોકરીને ઈમ્પ્રેસ કરવા બાપાની ગાડી થોડી વાર માટે ઉધાર [ અહીંયા ચોરવું વાંચવું ! ] લ્યે છે અને ગાડી ખોવાઈ જાય છે અને તે ગાડી પાછી બહેનના લગ્નમાં જીજાજીને આપવા માટે લીધી હોય છે ! . . . પાત્રોમાં તો બધા જ પાત્રો ધબધબાટી બોલાવે તેવા છે . . . પછી તે સોણી શકીરા જેવી જેઝ્લીન [ રહિયા ચક્રવર્તી ] હોય કે પછી સામાન્ય ડફોળ સમીર [ સાકીબ સલીમ – હુમા કુરેશીનો ભાઈ – ચહેરાના હાવભાવમાં અવ્વલ 🙂 ] કે તેના હરેક કામમાં સાંભા જેવો ગટ્ટુ ,  કે પછી ખાધેલ પીધેલ ખુરાંટ જેવો બાપ [ રામ કપૂર ] હોય કે પછી પોતાના લગ્નમાં જ ગુલતાન અને બધું જ ભાન ભૂલી બેઠેલી બહેન તન્વી !

ઉભા રહો ઉભા રહો . . . ફિલ્મની જો સૌથી મોટી હાઈલાઈટ હોય તો તે છે , તન્વી [ બેનઝીર શેખ ] નો પોતાના જ લગ્નમાં બધાની બોબડી બંધ કરી દ્યે તેવો અને ડાચા ખુલા રાખી દ્યે તેવો ડાંસ 😀 . . . બાપ રે , શું નાચી છે ❗ ખરેખર , જો કોઈ ને પક્ષઘાતનો હુમલો થયો હોય તો તે પણ આ ડાન્સ જોઇને થીરકવા માંડશે 😉

4b

ચડ્ડી પહેન કે ફૂલ ખીલા હૈ – મોટા મોગલીને અર્પણ !

જુઓ તે સોંગ . . . અને પછી તેનું મેકિંગ . . . ગીત જરાય અશ્લીલ નથી , હા થોડું નોટી અને નૌટંકી કહી શકાય 😉

* * SongHip Hip Hurrah by lovely ” Benazir shekh ”

* * Making ofHip Hip Hurrah ”

પણ , ફિલ્મની સ્ટોરી વચ્ચે વચ્ચે હાંફવા માંડે છે . જે શરૂઆત થઇ હતી , તે મુજબ તેનો અંત નથી . પણ સરવાળે એક સ્ત્રી ડીરેક્ટરે [ આશિમા ચીબ્બર ] પોતાની પ્રથમ ફિલ્મથી જ ઝબરદસ્ત એન્ટ્રી પાડી છે . . . જોઈએ હવે આગળ શું થાય છે 😉

Verdict : 😥 < 😦 < 😐 < [ 🙂 ] < 😎 < 😀 < 😆

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

5} David , 2013

5a નાં , આ  ડેવિડ ધવનની આત્મકથા નથી 😉 , પણ ડેવિડ નામની ત્રિમૂર્તિની દાસ્તાન છે . ફિલ્મની કથા ત્રણ ડેવિડ ફરતે ચકરાવા લ્યે છે . . . 3 નામ ” ડેવિડ ” . . . ત્રણ સ્થળ અને ત્રણ સમયગાળા  : 1975 / લંડન , 1999 / મુંબઈ , 2010 / ગોવા . . . 3 જીંદગી અને 3 અસરો !

વાત છે . . . 1975માં લંડનમાં ઘની નામના એક ડોનની અને તેણે ઉછેરેલા દીકરા સમાન ડેવિડની . . . 1999માં મુંબઈનાં એક ખ્રિસ્તી પાદરીના એક સફળ ગીટારિસ્ટ બનવા માંગતા પુત્ર ડેવિડની . . . અને 2010માં ગોવામાં પોતાની માં સાથે રહેતા એક દારૂડીયા ડેવિડની , કે જેની પત્ની લગ્નના દિવસે જ ભાગી ગઈ હતી ! . . . ત્રણેય સ્ટોરીની સાથે ડીરેક્ટર બિજોય નામ્બીયારે જે તે સમયની લાક્ષણિકતાઓ અને માહોલ પણ મસ્ત રીતે દર્શાવ્યો છે { જેમ કે , લંડનમાંનું તે સમયનું મુસ્લિમ એક્સ્ટ્રીમીનીઝ્મ , મુંબઈનું તે દરમ્યાનનું હિંદુ ધર્મ પર ખેલાતું રાજકારણ અને ગોવાની બિન્ધાસ્ત અદા ! }

5b

ફિલ્મના એક મેસેજમાં કહેવાયું છે કે ; અત્યારે તો ધર્મ હોય કે રાજકારણ . . . માર્કેટિંગ જરૂરી છે , નહિ તો જુના થતા અને ફેંકાતા વાર નહિ લાગે ! . . . ફિલ્મ વિઝ્યુંઅલી અત્યંત રીચ છે અને જેમ જેમ સ્ટોરી આગળ વધતી જાય છે તેમ તેમ ઇન્તેઝારી વધતી જાય છે પણ , જ્યારે આખરી દસ મીનીટોમાં ત્રણેય કથાઓનું જોડાણ થાય છે અને ડેવિડ નામના “નામ”નો તંતુ બંધાય છે , ત્યારે જાણે એમ લાગે છે કે કઈક ફિયાસ્કો થઇ ગયો અને અચાનક ફિલ્મ પૂરી ❗ . . . અગાઉ કહેવાયેલી કથામાં કેટલીય વસ્તુઓ પરાણે ઘુસાડી દીધી હોય તેમ લાગી 😦 ફિલ્મ અંદાજે અઢી કલાક લાંબી છે , નહિ નહિ તોયે 30 થી 40 મિનીટ ફિલ્મ લંબાવાઈ ગઈ અને કેટલાય સબપ્લોટ ફિલ્મમાં શા કારણે રાખ્યા હતા તેની જાણ જ ન થઇ ! . . ફિલ્મ સ્ટાયલીશ છે પણ વધુ પડતી . . .

5c ત્રણેય ડેવિડમાંથી સૌથી મસ્ત કામ , ગોવાના ડેવિડનું પાત્ર ભજવતા ” વિક્રમ “નું છે , ફિલ્મમાં તેની અને તબ્બુની અને તેની અને તેના મૃત પિતાનો અભિનય કરતા સૌરભ શુક્લાની કેમેસ્ટ્રી અદ્ભુત છે 🙂 મુંબઈના ડેવિડ તરીકે વિનય વિરમાણીની સ્ક્રીન પ્રેઝન્સ પણ મસ્ત છે . હાં , નીલ નીતિન મુકેશ પણ સારો અભિનય કરે છે પણ આ બંને તેના પર હાવી થઇ જાય છે .

હા ફિલ્મમાં , ફિલ્મજગતની બે અદભુત નખશીખ સુંદર ભારતીય સ્ત્રીઓ છે કે જે ખરેખર અભિનય પણ કરી જાણે છે અને તે છે 1] તબ્બુ અને 2] મોનિકા ડોગરા . . . { મને સ્કેચ અને મુખાકૃતિઓ દોરવાનો શોખ છે . . હમણાં કઈ નથી દોરાતું  ,પણ જયારે એ બાજુ જવાશે ત્યારે પહેલો સ્કેચ મોનિકા ડોગરાનો હશે . તેણી એક ક્લાસિક ગાયક પણ છે . } હાં , ઇશા શર્વણી પણ ચહેરાના હાવભાવમાં અદભુત જીવ રેડી ગઈ છે . . . છેલ્લે , બધાએ સારું કામ કર્યું પણ ફિલ્મ જે ઉત્સુકતા જગાડે છે , તે પૂરી નથી કરી શકતી 😦

ફિલ્મનો અંતિમ સંદેશ છે { સંદેશ એટલે – છાપું પણ નહિ અને બંગાળી મીઠાઈ પણ નહિ અને હા દેશમાં રહેલો પુત્ર પણ નહિ : સન દેશ 😀 } :

Let Something Go “= શુદ્ધ ગુજરાતીમાં : કઈક જાતું કરો , હવે ભૈસાબ 🙂

Verdict : 😥 < 😦 < [ 😐 ] < 🙂 < 😎 < 😀 < 😆

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

6} Saheb Biwi Aur Gangster Returns , 2013

સિકવલનાં બીજ તો વવાઈ જ ગયા હતા અને રીટર્ન પણ થઇ ગયા . . . સાહિબ , બીવી એન્ડ ગેન્ગસ્ટર રીટર્ન્સ સાથે . . . કે જ્યાં , સ્ટોરી , સ્ક્રીનપ્લે અને ડાયલોગ્સ એક જ વ્યક્તિના હાથમાં અને દિમાગમાં હોય તો ત્યાં , વીજળી જેવો કાતિલ અને જીવલેણ કડાકો તો થવાનો જ ! . . . તિગ્માંશુ ધુલિયા , કે જેના નામનો જ અર્થ થાય . . . તેજ કિરણો વાળો  [ હાં , આપણી આજુબાજુ નામ પ્રમાણે ગુણ ધરાવતા ” ન ” હોય તેવા વ્યક્તિઓ પણ ઘણા છે ! ]

6a

પ્રથમ ભાગના અંત બાદ , સાહેબ [ જીમી શેરગીલ ] પગેથી નિષ્ક્રિય થઇ જાય છે . . . બીવી [ માહી ગીલ ] ફરીથી દારૂના નશામાં જ ડૂબેલી અને સતત અવગણનાનો ભોગ બનેલી રહે છે અને હવે ગેન્ગસ્ટર તરીકે રીટર્ન થાય છે , ઇન્દર [ ઈરફાન ] , એક હારી ગયેલા અને નામશેષ થઇ ગયેલા ભૂતપૂર્વ રાજવી કમ ગેન્ગસ્ટર તરીકે . . . 6d કે જે હંમેશા ફરીથી રાજા થવાના પ્રયાસમાં જ હોય છે અને તેને તે તક મળે છે કે જ્યારે એક રાજવીની પુત્રી રંજના [ સોહા ] નું બળજબરીથી સાહેબ સાથે બીજી વાર સગપણ કરાય છે અને તે પાછી ઇન્દરની પ્રેમિકા હોય છે અને હવે શરુ થાય છે . . . . રાજપાટ / સતા / રાજકારણ / પ્રેમ / વ્યભિચાર / વિશ્વાસ / વારસો અને ષડ્યંત્રોની રમત ! . . .

ફિલ્મનો પ્રથમ ભાગ અત્યંત ચુસ્ત પકડ ધરાવે છે કે જ્યારે બીજા ભાગમાં ઘણી જગ્યાએ તે ડચકા ખાતી હોય તેવું લાગે છે અને છેલ્લે પ્રથમ ભાગની સરખામણીએ થોડીક ઢીલી પડે છે . . .ફિલ્મનો કલાયમેક્ષ થોડો ઉતાવળિયો અને અનુમાન થઇ જાય તેવો છે , 6c પણ ફિલ્મમાં નાની ક્ષણો ખુબ છે ; જેમ કે પોતાના જ કપડાઓને ઈસ્ત્રી કરતો ઇન્દર , ઓફિસમાં લેપટોપ પર પોર્ન જોતો મુખ્યમંત્રી , લુંટારુઓ પાસેથી પૈસા ઉઘરાવતો સાહેબ , ઉતરપ્રદેશનાં ચાર ભાગ કરવાની વાતનો સમાવેશ , પોતાના પરદાદાનાં પૂતળાની સામે ડરતા ડરતા લોહીનું તિલક કરતો ઇન્દર . . .

6b

ફિલ્મની ખરી જાન છે , ફિલ્મના ડાયલોગ્સ . . . ખરેખર ગાભા કાઢી નાખે તેવા . . . અને ઘણી વાર ડાયલોગ્સમાં જીમી શેરગીલ ઈરફાન ખાનને વટી જાય છે અને ખરેખર એક એક્ટર તરીકે તેને હજી સારા રોલ્સ નથી મળતા , તેની દુખદ પ્રતીતિ કરાવે છે ! એક નમુનો :

સાહેબજીમ્મી શેરગીલ ] : पता है , मर्द ज्यादा गालिया क्यों देते है ? क्युकी वो रोते कम है !

Verdict : 😥 < 😦 < 😐 < [ 🙂 ] < 😎 < 😀 < 😆

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Winner / Looser & Pleasant Watch will be featured in next part .

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

લટકામાં . . !

ઝનુન . . . અને એક જ નામ યાદ આવે . . .  ઝેક સ્નાયડરનું  ” 300 ” ,  અને હવે આવે છે તેની સિકવલ . . . દરિયાઈ યુદ્ધનાં સ્વરૂપમાં !

300 : Rise of an Empire / 2014

વધુ ટ્રેઇલર્સ માટે અહીંયા ક્લિક કરો : [ Trailers are raining : 300 are back ! ]