ટૅગ્સ

, , , , , ,

Jina isi ka naam hai પુસ્તક વિશેની છેલ્લી પોસ્ટ છેક , 18મી ડિસેમ્બરે મૂકી હતી . . . ત્યારથી લઈને આજ સુધી બુક સંબંધિત કોઈ પોસ્ટ મુકવાનું એટલા માટે નથી થયું કે તે દરમ્યાન હું એકસાથે પાંચ – પાંચ પુસ્તકો વાંચતો હતો ❗ . . . અને તેનું એક માત્ર કારણ એ કે હું ક્યારેય કોઈ એક બુક સળંગ પૂરી નથી કરી શકતો 😦 અને એકસાથે ઘણીય બુક્સમાં મારી ચાંચ ડુબોળતો રહું છું 😉 . . . પણ , તેનો એક આડફાયદો એ કે , જયારે બધું પૂરું થાય છે ત્યારે છપ્પર ફાડકે . . . નીતનવીન જાણકારી અને વહેંચવા લાયક સામગ્રીનો ઢગલો થાય છે 🙂 . . . તો હવે વધુ સમય નહિ લઉં , કારણકે આજની પોસ્ટ જ સ્વયં ખુબ લાંબી છે [ અગાઉથી જ ક્ષમા કરવા વિનંતી 😉 હાં એક વાત જરૂર કે . . . ત્રણેય કિસ્સાઓ જરૂર વાંચજો , ભલે પછી બે વાર આવું પડે , મારા બ્લોગ પર ! ] . . . આજના આ પુસ્તકમાંથી , મેં મને અંગત સ્તરે ખુબ જ સ્પર્શી ગયેલા એ ત્રણ કિસ્સાઓનું વર્ણન કરેલું છે . . . જે કોઈની મદદ કરવાના તમારા [ અને મારા તો ખરા જ ] દ્રષ્ટિકોણને નવી ઊંચાઈ આપશે . . . અને આંચકો પણ ! . . . કુલ્લે પચાસ કિસ્સાઓ એકબીજાથી લેશ પણ ઉતરતા નથી અને તમને ઝકઝોળીને રાખી દેશે . . . મોટાભાગે તો ઘણાબધા આ પુસ્તકથી માહિતગાર હશે જ અને વાંચેલું પણ હશે . . . તો પણ , કરો શુભારંભ 🙂

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

1} કુછ તો લોગ કહેંગે , page 79

રામુ ઉર્ફે રામ સ્નેહી દસ વર્ષનો હતો ત્યારે એના બાપે એને મુંબઈ મોકલી દીધો – એના કાકાની દીકરી બહેનને ત્યાં રહેવા . રામુને મુંબઈ આવીને મજા પડી ગઈ . પગમાં નવા ચંપલ , ટ્રેનમાં મુસાફરી , નવું શહેર આંખોમાં આંજવાનું . પણ થોડા દિવસોમાં એનો મુંબઈનો નશો ઉતરી ગયો . એને ખ્યાલ આવી ગયો કે એની બહેન ધંધો કરતી હતી ! શરીર વેચવાનો ! બહેને રામુને ગામથી બોલાવી લીધો હતો કે જેથી ઘરની બહાર જઈને એ છોકરીઓ માટે સવાર સાંજ જમવાનું , ચા – પાણી વગેરે લાવી આપે . અહી રહેતી છોકરીઓને મકાનની બહાર પગ મુકવાની મનાઈ હતી . અહીની કેટલીય છોકરીઓ રામુના જ ગામની હતી . લગભગ બધી જ છોકરીઓ એની પોતાની જ જાતિની હતી – મધ્ય પ્રદેશની બેડીયા જાતિની . આ જાતિમાં માન્યતા છે કે એમની સ્ત્રીઓ મૂળ અપ્સરા હતી ! એટલે મૃત્યુલોકમાં જન્મીને એમણે પુરુષોને રીઝવવાનો વ્યવસાય જ કરવાનો હોય . બેડીયા જાતિની બધી જ સ્ત્રીઓ વેશ્યા બનતી . એમના ભાઈઓ અને બાપાઓ દલાલ બની જતા !!!

થોડા સમયમાં આમાંની એક છોકરી સાથે રામુને સારાસારી થઇ ગઈ . સુમિત્રા એનું નામ . એ રામુના જ ગામની હતી . સુમિત્રાનું કામ વેશ્યા ગૃહની બહાર બેસીને ઘરાકોને આકર્ષવાનું . દરેક ઘરાક આ વેશ્યા ગૃહના માલિકને બે રૂપિયા કમાવી આપતો . સુમિત્રાની જવાબદારી માલિક માટે રોજના ઓછામાં ઓછા સો રૂપિયા કમાવી આપવાની . કમાણી ઓછી થાય એ દિવસે એને ઢોર માર પડતો . રામુ રોજ રાત્રે સુમિત્રાને એકાંતમાં રડતા જોતો . રામુને પોતાની જાતિના પુરુષો માટે ધિક્કાર જન્મવા લાગ્યો , ઘરાકો જે સમાજમાંથી આવતા તે સમાજ માટે તિરસ્કાર છુટવા લાગ્યોદિવસો / અઠવાડિયા / મહિનાઓ વીતી ગયા . પણ રામુની અને તેની આસપાસની દુનિયામાં કોઈ ફર્ક પડતો નહોતો . રામુ સુમિત્રાને સમજાવતો કે ચાલ ભાગીને પાછા ગામ જતા રહીએ . . . પણ સુમિત્રાની હિંમત ચાલતી નહોતી . રોજ રાત્રે માલિકના હાથનો માર ખાતી સુમિત્રા છેવટે એક દિવસ માની ગઈ . એક વહેલી સવારે હામ ભીડીને બેઉ જણ પોતાને ગામ જતી ટ્રેનમાં ચડી ગયા . ટ્રેનમાં જ રામુએ નક્કી કરી લીધું કે ભવિષ્યમાં એણે શું કરવું છે .

રામ સ્નેહીએ પોતાની જાતિમાંથી વેશ્યાગીરીની બદી દુર કરવાનો સંકલ્પ કરી લીધો હતો . રામુની જાતિના બીજા પુરુષો જે કામ કરતા તેનાથી તદ્દન વિરુદ્ધ કામ રામુ કરવા ધારતો હતો . એક પછી એક વેશ્યાઓને એ મળતો થયો . . . દલાલ તરીકે નહિ , મિત્ર તરીકે . એને ખ્યાલ આવ્યો કે દરેક સ્ત્રીને બહુ નાની ઉંમરે ધંધામાં ધકેલી દેવામાં આવે છે ! કુમળી વયે એમને ભાન પણ હોતું નથી કે શું સારું કહેવાય અને શું નઠારું ? સહેજ મોટી થયા પછી સમજણ આવે કે પોતે કેવી પરિસ્થિતિઓમાં મુકાઈ ગઈ છે ત્યારે એમાંથી બહાર નીકળવાનું ઘણું મોડું થઇ ચુક્યું હોય છે . . . એ પછી એમની જિંદગીમાં એક જ સપનું બચ્યું હોય છે – મારું નહિ તો કમસેકમ મારા સંતાનોનું ભવિષ્ય સુધરે . રામુ ઘણી વખત આ સ્ત્રીઓ સાથે એમના સંતાનો વિષે વાતો કરતો . પોતાના જ સંતાનો માટેની એમની લાગણીઓ જોઇને રામુ મૂંઝાઈ જતો – કેટલીક માતાઓ પોતાના બાળકોને ખુબ ધિક્કારતી તો કેટલીકને આ બાળકો જીવ કરતા પણ વધારે વ્હાલા હતા . જોકે , એક વાતમાં આ બધી માતાઓ સમાન હતી . કોઈ પણ માં પોતાની દીકરીને દેહવ્યવહારનાં વ્યવસાયમાં જવા દેવા માંગતી નહોતી . અહીના વાતાવરણમાં નાની દીકરીઓ કેવું ભવિષ્ય પામશે એની ચર્ચા કરતી વખતે માતાઓ જેટલી જ ચિંતા રામ સ્નેહીને થતી . રામુએ વિચાર્યું કે આ સ્ત્રીઓને તો કીચડમાંથી કાઢવી અશક્ય છે પણ એમના સંતાનોનું ભવિષ્ય બદલી શકાય એમ છે . પણ આ કામ ધાર્યા કરતા ઘણું કપરું હતું . રામુને ધમકીઓ મળી , એની મારપીટ થઇ , એને ગામ બહાર તગેડી મુકવામાં આવ્યો .

પોતાના ગામથી શહેરમાં ગયેલી વેશ્યાઓનો વિશ્વાસ સંપાદન કરતા રામુને બે વર્ષ લાગ્યા . એ પછી એનું ખરું કામ શરુ થયું . એણે આ કમનસીબ સ્ત્રીઓને સમજાવી કે તમારા સંતાનો મને સોપી દો , હું એમને ઉછેરીશ . અને આમ રામુના આશ્રમનો પાયો નખાયો . આજે આ આશ્રમમાં 300 બાળકો છે . બહારથી આ ઘર કોઈ પુરાણી અવાવરું હવેલી જેવું લાગે . પણ અંદર આવો તો માસુમ બાળકોના કલબલાટથી ધમધમાતું જણાય . રામુએ આ બાળકોના સપનાઓને ઉછેરવાનું વાતાવરણ ઘરમાં જ ઉભું કર્યું છે . તમામ બાળકોની શારીરિક ચુસ્તી અને એમના માનસિક વિકાસ પર પૂરેપૂરું ધ્યાન અપાય છે . રોજ સવારે આ ઘર શાળા બની જાય છે . બાળકોને પદ્ધતિસરનું શિક્ષણ આપવામાં આવે છે . રોજ સાંજે એમને જુડો અને કરાટે શીખવવામાં આવે છે , જાત જાતની રમતો રમાડવામાં આવે છે . રામુ કહે છે , આ બાળકોને , ખાસ કરીને દીકરીઓને સ્વ-રક્ષણની તાલીમ મળે તે ખુબ જરૂરી છે . અને છોકરાઓને મારે એવી તાલીમ આપવી છે કે તેઓ સ્ત્રીઓનો દેહ વેંચીને પોતાનો જીવન નિર્વાહ ન ચલાવે પણ જાત મહેનતની કમાણી કરતા થાય કે જેથી બેડીયા જાતિને ભવિષ્યમાં એક નહિ પણ ત્રણસો રામ સ્નેહી મળે .

રામ સ્નેહીની જીવનભરની મહેનત ફળી રહી છે . આ બાળકો પોતાના બહેતર ભવિષ્ય વિષે કલ્પના કરતા થયા છે . કેટલાકને ડોક્ટર બનવું છે , કેટલાકને શિક્ષક તો કેટલાકને એન્જીનીયર . કેટલાક રમતગમતનાં ક્ષેત્રે આગળ વધવા માગે છે . એક છોકરી તો માનસ શાસ્ત્રી બનવા માગે છે જેથી લોકોને સમાજની સમસ્યાઓ વિષે જાણકારી આપી શકે . રામ સ્નેહી આ સૌના સપના સાકાર કરવા આતુર છે . આશ્રમ માટે રામ સ્નેહીએ અંગત જિંદગી નયોચ્છાવાર કરી દિધી છે અને એની સામે એને સેંકડો જીંદગીઓને પોતાનું નસીબ પલટાવવાની તક આપ્યાનો સંતોષ મળ્યો છે .

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

2} સાવધાની હતી , દુર્ઘટના ઘટી , Page 89

જુવાનીમાં તિલક ચૌહાણની એક જ મહત્વકાંક્ષા હતી – મેનેજમેન્ટનું ભણીને સરસ કમાણી કરવી અને પોતાનું ઘર ખરીદી , મોટી ગાડી વસાવી , આનંદથી જીવવું . એને લાગતું કે બસ , થોડા જ વર્ષોમાં એનું આ સપનું સાકાર થઇ જશે . દિવસ -રાત એ આ સપનું સાકાર કરવામાં લાગી પડ્યો હતો . પણ નિયતીએ એમાં માટે કઈક જુદું જ વિચાર્યું હતું . તિલકની સામાજિક જિંદગી ખુબ વ્યસ્ત હતી . ક્યારેક આમાંથી સમય મળે ત્યારે એ નાટકો જોવા જતો . કોલેજના પાંચ વર્ષો દરમ્યાન એ નાટ્ય પ્રવૃતિમાં ગળાડૂબ હતો અને પછી રંગભૂમિની પ્રવૃતિઓ એના માટે વ્યસન બની ગઈ . ધીમે ધીમે નાટ્ય કલાકારો અને કસબીઓની સાથે એને ઘરોબો થવા માંડ્યો અને એ સ્ટ્રીટ થીયેટરની ચળવળમાં જોડાઈ ગયો . મેનેજમેન્ટ પ્રોફેશનલ તરીકે લક્ઝરી કારમાં ફરવાના સપના વિખેરાઈ ગયા . હવે શ્રીમંતોને બદલે આમ આદમીઓ એના જીવનનું કેન્દ્ર બની ગયા . સમાજસુધારણાઓનાં મુદ્દાઓ લઈને એ નાટકો લખવા લાગ્યો , એમાં ભાગ પણ લેવા માંડ્યો . આમાંનું એક સ્ટ્રીટ પ્લે ટ્રક ડ્રાઈવરોમાં એઇડ્સનાં જોખમો સામે લાલ બત્તી ધરતું હતું . એક દિવસ એના ગ્રુપે આ શેરી નાટક હાઈવે પર ભજવ્યું . તે દિવસથી તિલકને લાગ્યું કે હવે એ બીજા કોઈ વિષય પર નાટક નહિ લખે . નાટક દ્વારા કઈક નક્કર ઉકેલો લાવવા એ વારંવાર હાઈવેના ઢાબાઓ પર જતો અને ટ્રક ડ્રાઈવરો સાથે ઉઠબેસ કરતો .

એમની સાથે એમના કુટુંબ પરિવારો વિષે , એમના સંઘર્ષ અને સપનાઓ વિષે અને એમની જિંદગી વિષે વાતો કરતો . ટ્રક ડ્રાઈવરો પણ મોકળા મને એની સાથે વાતો કરતા પણ જેવી સેક્સ લાઈફની વાત નીકળતી કે એમના મોઢા સિવાઈ જતા .તિલકના ખુબ આગ્રહ પછી પણ કોઈ ડ્રાઈવર આ વિષે એક શબ્દ બોલવા તૈયાર નહોતો . પછી એણે જુદો રસ્તો પકડ્યો . એમની સાથે આ વિષય દુનિયાભરની વાતો કરતો . થોડા વર્ષો સુધી એણે દરેક ટ્રક ડ્રાઈવર સાથે અંગત ઘરોબો કેળવ્યો . એને લાગતું કે હવે એટલી આત્મીયતા કેળવાઈ છે કે આ નાજુક વિષય છેડી શકાય એમ છે ત્યારે એ હળવેકથી આ વાત કાઢતો . ધીમે ધીમે ટ્રક ડ્રાઈવરો તિલક સાથે મન મુકીને વાત કરતા થઇ ગયા . આજે તેઓ કાઈ ક્ષોભ સંકોચ વિના તિલક સાથે પોતાની અંગત લાગણીઓ વિષે નિરાંતે વાત કરે છે . છેલ્લા પાંચ વર્ષથી તિલક હાઈવેના ટ્રક ડ્રાઈવરો ને અસુરક્ષિત સેક્સ નાં જોખમો વિષે , સેક્સ પાર્ટનરોને બદલ્યા કરવાના ભય સ્થાનો વિષે , એઈડ્સની ખતરનાક અસરો વિષે અને એને કારણે એમની પોતાની તથા એમના પરિવારની જિંદગી સામે ઉભા થતા જોખમો વિષે માહિતી આપતો રહ્યો છે . કેટલાક ટ્રક ડ્રાઈવરોએ તો એઇડ્સ વિષે સાંભળ્યું પણ નહોતું . ડ્રાઈવરો માટે એમના ફર્સ્ટ એઇડ બોક્સમાં કોન્ડોમના પેકેટ રાખવા ફરજીયાત છે , પણ બહુ ઓછા ડ્રાઈવરો ને આનું મહત્વ સમજાતું હતું . તિલકને તેઓ કહેતા , ” મરદને વળી કોન્ડોમની મદદની શું જરૂર પડે ? “

ડ્રાઈવરોની આવી માનસિકતા બદલવાનું કામ પથ્થરમાંથી પાણી કાઢવા જેવું હતું , પણ તિલકે ધીરજ રાખીને આ અશક્ય કામ કરી બતાવ્યું . પાંચ વર્ષના ગાળામાં એણે સમાજસેવકો , ડોકટરો અને ડ્રાઈવરોની માનસિકતા સમજીને એમને સલાહ સૂચનો આપી શકે એવા લોકોની એક મજબુત ટીમ ઉભી કરી છે . તિલક હવે શેરી નાટકો દ્વારા , ગીતો અને નૃત્ય દ્વારા તેમ જ ડ્રાઈવરોને જેમાં ભાગ લેવાની મજા પડે એવી રમતો દ્વારા પોતાનો સંદેશ પહોંચાડી શકે છે . આટલું કર્યા પછી મેડીકલ ચેક અપ થાય છે . પાણી પહેલા પાળ બાંધવા માટે તિલકની ટીમ હાઈવે ના દરેક ઢાબા પર જઈને કોન્ડોમના બોક્સ મૂકી આવે છે જેથી ટ્રક ડ્રાઈવરો વિના સંકોચે કોઈને પૂછ્યા વગર એમાંથી પોતાની જરૂરિયાત મુજબ પેકેટ લઇ શકે . અત્યર સુધી આવા ખોખામાંથી લગભગ 15 લાખ જેટલા કોન્ડોમ ટ્રક ડ્રાઈવરો લઇ ગયા છે . છેલ્લે બે વર્ષમાં 1400 જેટલા ડ્રાઈવરોએ તિલકના મોબાઈલ કલીનીકોમાંથી ડોક્ટરોની સલાહ અને દવાઓનો લાભ મેળવ્યો છે .

હાઈવેના પરના મેડીકલ કેમ્પ હવે કોઈનાય માટે નવી નવાઈની વાત રહ્યા નથી . એઇડ્સપીડિત ટ્રક ડ્રાઈવરો આ કેમ્પની મદદ લેતા થઇ ગયા છે . તિલક અને એની ટીમ જાણે છે કે એઇડ્સનાં દર્દીઓને સંપૂર્ણપણે સજા કરવા અશક્ય છે પણ એમને જીવવા માટે નવું માનસિક જોર પૂરું પાડી શકાય છે , એમની વ્યથાની વીતક કથાઓ સાંભળીને એમનો બોજ હળવો કરી શકાય છે આવા ટ્રક ડ્રાઈવરોનું માનસિક સ્વાસ્થ્ય પૂરે પૂરું પાછું ન આવે ત્યાં સુધી એમને પોતાના કામ ધંધા પર પાછા જવા દેવામાં નથી આવતા .રાત્રે હાઈવે પર ફૂલ સ્પીડમાં રોડ સાઈન્સને ગણકાર્યા વિના વાહન ચલાવતા ડ્રાઈવરો અકસ્માતને આમંત્રણ આપે છે , પણ અસુરક્ષિત સેક્સ જેવા અકસ્માતો તો જીવલેણ નીવડતા હોય છે . અહી ચેતવણી માટેના કોઈ પાટીયા હોતા નથી . અહી તિલક ચૌહાણ જેવા લોકોની પ્રવૃતિઓ જ સુરક્ષિત અને તંદુરસ્ત જિંદગી માટેની રોડ સાઈન બની જાય છે .

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

3} માસિકધર્મ અને માનવધર્મ , Page 119

ફિરોઝાબાદ ઉત્તરપ્રદેશનું એક નાનકડું શહેર . અંશુ ગુપ્તાને ખબર નહોતી કે આ શહેરની બે જ દિવસની મુલાકાત એની જિંદગીને નવો મોડ આપી દેશે . આ પ્રવાસ દરમ્યાન અંશુએ એક કિસ્સો સાંભળ્યો . રાબીયા નામની કોઈ ઔરતે માસિકધર્મ સમયે કોઈ કપડું ન મળવાથી પોતાનું જુનું બ્લાઉઝ વાપર્યું . બ્લાઉઝમાં કાટ ખાધેલા હુક હતા . રાબિયાને ધનુર્વા થઇ ગયો . નાનકડો હુક રાબિયાના મોતનું કારણ બની ગયો . અંશુએ વધુ જાણકારી મેળવવાનું શરુ કર્યું . એને જે માહિતી મળી તેનાથી કોઈ પણ માણસનું મસ્તક શરમથી ઝુકી જાય .

આખો દિવસ ટીવી પર સેનીટરી નેપ્કીનની જાહેરાતો જે દેશમાં દેખાયા કરતી હોય તે ભારતમાં મોટી સંખ્યામાં મહિલાઓ પીરીયડ દરમ્યાન ઘાસફૂસ , પોલીથીનની વપરાયેલી કોથળીઓ તો ક્યારેક રેતીની પોટલીઓ વાપરતી હોય છે . અંશુની જેમ કોઈનેય આ જાણીને ધક્કો લાગે , પણ આનો ઉપાય શું ? જે દેશમાં તન ઢાંકવાને પુરતું કપડું નથી મળતું તે દેશમાં સ્ત્રીઓના એ પાંચ દિવસની સ્વચ્છતા જાળવવા માટે કપડું ક્યાંથી મળે ? અંશુનાં દિમાગમાં આ સવાલ ગુંજતો રહ્યો અને એણે નોકરી છોડીને એક સંસ્થા શરુ કરી . નામ રાખ્યું , ” ગુંજન ” . સંસ્થાનું કામ ઘરઘરથી લોકોના જુના નકામા કપડા એકઠા કરીને જરૂરતમંદોને પહોંચાડવાનું . અંશુનું એક સપનું છે , દેશમાં દરેક તન પર પુરતું કપડું હોય . આ કપડાને કારણે જ સ્ત્રીઓના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાનો ઉકેલ પણ મળી ગયો . અંશુએ વિચાર્યું કે કોઈક રીતે જો આ તન ઢાંકવાના કપડાની સાથે સુતરના હાથવણાટનાં નેપ્કીન પહોંચાડી શકાય તો ગરીબ ઔરતો પોતાની ઈજ્જતની સાથોસાથ સેહતને પણ સાચવી શકશે .

આ કામ માટે કેટલીક મહિલાઓને ખાસ તાલીમ આપવામાં આવી . એમનું કામ હતું દાનમાં આવેલા કપડામાંથી કોટનના કપડા અલગ તારવી એને કાપી , ધોઈ , સુકવી એમાંથી નેપ્કીન તૈયાર કરવાનું . દુર સીમાડાઓનાં ગામો સુધી પહોંચાડવા માટેના નેપ્કીન તૈયાર તો થઇ ગયા , પણ સૌથી મોટી સમસ્યા જે સામે દેખાઈ રહી હતી તે એ કે શું ગ્રામીણ મહિલાઓ પોતાના માસિકધર્મ જેવી તદ્દન અંગત બાબત વિષે કોઈની સાથે ખુલીને વાત કરશે ? અંશુએ ડરતા ડરતા ગામની મહિલાઓ સાથે વાતો કરવાની શરૂઆત કરી . અંશુનાં આશ્ચર્ય વચ્ચે સૌએ આ બાબતે માઠું લગાડ્યા વિના , નિસંકોચે પોતાની સમસ્યા વિષે ચર્ચા કરી અને અંશુએ આપેલા નેપ્કીન વાપરવાની હા પાડી .

11 વર્ષની લાંબી સફર . દેશના તમામ મોટા શહેરમાં ” ગુંજન “નાં કલેક્શન સેન્ટર છે , જ્યાં દર મહીને 20,000 કિલો કપડા દાનમાં આવે છે અને જરૂરતમંદો સુધી પહુંચે છે . દેશના 21 રાજ્યોમાં ફેલાયેલા અંશુનાં 300 સાથી કાર્યકરો ગરીબ મહિલાઓ સુધી નેપ્કીન પહોંચાડે છે . કાપડના આ નાના ટુકડાઓ સ્ત્રીઓના સન્માનનું પ્રતિક બની ગયા છે . પણ અંશુ માટે આ તો હજુ યાત્રાનો માત્ર આરંભ છે . એક સમય હતો જયારે અંશુ લેખક બનવા માંગતો હતો . પણ લખવાને બદલે અંશુએ જે કામ કર્યું છે તેની અસર દેશભરમાં ઊંડે સુધી ઉતરી છે . શરમ અને અંધવિશ્વાસનો વિષય ગણાતી બાબત હવે સ્વાસ્થ્ય સાથે સંકળાતી થઇ છે . ” ગુંજન “નાં કાર્યથી દેશની લાખો સ્ત્રીઓને તંદુરસ્તીનું વરદાન મળ્યું છે .

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

જયારે હું પોસ્ટ સંબંધિત , યોગ્ય ઈમેજની તલાશમાં હતો , ત્યારે મને છેક એક વર્ષ પહેલાંની , શ્રી શિશિર રામાવતની આ જ પુસ્તક પરની પોસ્ટ મળી આવી . . . તો ભેગા ભેગું , તે પણ થઇ જાય 🙂

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

લેખક : ઉમેશ અગ્રવાલ   , અનુવાદક : સૌરભ શાહ [ Link 1 ] , [ Link 2 ] , [ Link 3 ]

પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા. લિ. , કિંમત : 85 / –

” દ્વારકેશ ” રોયલ એપાર્ટમેન્ટ પાસે , ખાનપુર

અમદાવાદ 380001 , Tel : (079) 25506573 , ISBN : 978-93-81315-36-1

http://rrsheth.com/ { અનંત સમય બાદ , વેબસાઇટ હવે કાર્યરત છે ;)}

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

લટકામાં . . !

મૂળમાં તો વર્ષો પહેલા , દુરદર્શન પર આવતી મીની-ડોક્યુમેન્ટ્રી સીરીઝ ” કિરણ ” માં ,  દર્શાવેલ કિસ્સાઓ પરથીઉમેશ અગ્રવાલેઆ પુસ્તકને જન્મ આપ્યો હતો . . . જે ત્યારબાદ , ગુજરાતીમાંસૌરભ શાહ ” દ્વારા અનુવાદ પામ્યું છે . . . યુ-ટ્યુબ પર ખાંખાખોળા કરતા માંડ બે , એપિસોડસ મળ્યા કે જે અહી આપી રહ્યો છું 🙂

1} રાજસ્થાનઅને હરિયાણાના દુરદરાજના અત્યંત રૂઢીચુસ્ત ગામડાઓમાં જઈને , ત્યાની પછાત અને બાહ્ય દુનિયાથી બેખબર છોકરીઓને ભણાવવા માટે બેંકની નોકરીને છોડી ચુકેલા , સંઘર્ષરત ” વિનોદભાઈ ”

2} અને વિકલાંગ તરીકે પોતે કરેલા સંઘર્ષ અને ખાવા પડેલા બેસુમાર ધક્કાઓમાંથી એક નવી જ દિશા મેળવીને , અન્ય વિકલાંગોને મદદરૂપ થઇ રહેલા , ” કપિલ અગ્રવાલ ” . . . ” વિકલાંગ સહારા સમિતિ , દિલ્હી દ્વારા ”

Advertisements