ટૅગ્સ

, , , , , , , , ,

પુસ્તકના આ અંતિમ ચરણમાં , પાંચ જાણીતી અને ” માણીતી ” પ્રતિભાઓનું સત્ય , કવિતાની સાક્ષીએ રજુ કરાયું છે , તો વધીએ આગળ . . .

કવિતાની સાક્ષીએ મારું સત્ય

Harsh Brahmbhatt

Harsh Brahmbhatt

1} શબ્દથી શિવ ભણીની યાત્રાહર્ષ બ્રહ્મભટ્ટ

મારા કવિ મિત્ર યોગેશ જોશીએ ‘પરબ’માં એક તંત્રી લેખમાં લખેલું તેમ , અંદર જો અધ્યાત્મ સંચિત થયેલું ન હોય તો તે વ્યક્તિ સાચો કવિ થઇ ન શકે . કવિને એકાદ પંક્તિ ઈશ્વર આપે છે અને પછી કવિ એ પંક્તિની આસપાસ એની પ્રતિભા મુજબ , કળા-કસબ મુજબ કવિતા રચી કાઢે . કળા-કસબ-કારીગરી – Skill તમે અભ્યાસ દ્વારા વિકસાવી શકો , પણ કવિની ભીતર જે ‘સર્જકતા’ છે એ ઈશ્વરનું વરદાન છે , ઈશ્વરની કૃપા છે , ઈશ્વરનો પ્રસાદ છે અને આ પ્રસાદ કવિ સમાજને વહેંચે છે . ઈશ્વર દ્વારા કવિને મળી હોય એવું સહૃદય ભાવકને પણ પ્રતીત થાય એવી કેટલીક પંક્તિઓ યાદ આવે છે –

નિરખને ગગનમાં , કોણ ઘૂમી રહ્યો ,

‘ તે જ હું , તે જ હું ‘ શબ્દ બોલે .

– – – – – – – – – – – – – – – – – – – – – –

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરી , જુજવે રૂપે અનંત ભાસે ;

દેહમાં દેવ તું , તત્વમાં તેજ તું , શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે .

– – – – – – – – – – – – – – – – – – – – – –

મીરા કહેતા જ યાદ આવે – –

ઉંચે ઉંચે મહેલ બનવું , બીચબીચ રાખું બારી ,

સાંવરિયા કે દર્શન પાઉં , પહીર કુસુંબી સારી .

– – – – – – – – – – – – – – – – – – – – – –

તરણા ઓથે ડુંગર રે , ડુંગર કોઈ દેખે નહિ .ધીરો

– – – – – – – – – – – – – – – – – – – – – –

ગગનમંડળની ગાગરડી , ગુણ ગરબી રે – ભાણદાસ

– – – – – – – – – – – – – – – – – – – – – –

મારા નયણાંની આળસ રે , ન નીરખ્યા હરિને જરી ;

એક મટકું ન માંડ્યું રે , નજરિયા ઝાંખી કરી .ન્હાનાલાલ

– – – – – – – – – – – – – – – – – – – – – –

અમે રે સુકું રૂનું પૂમડું , તમે અતર રંગીલા રસદાર

તરબોળી દ્યોને તારેતારને , વીંધો અમને વ્હાલા , આરંપાર . –  મકરંદ દવે

– – – – – – – – – – – – – – – – – – – – – –

પગલું માંડું હું અવકાશમાં ,

જોઉં નીચે હરીવરનો હાથમકરંદ દવે

– – – – – – – – – – – – – – – – – – – – – –

હું તો ડુંગર ચડું ને આભ ઉતરું રે . . . – સુન્દરમ

– – – – – – – – – – – – – – – – – – – – – –

ઉના રે પાણીના અદભુત માછલાવેણીભાઈ પુરોહિત

– – – – – – – – – – – – – – – – – – – – – –

પાન લીલું જોયુંને તમે યાદ આવ્યાહરીન્દ્ર દવે

– – – – – – – – – – – – – – – – – – – – – –

લીલ લપાઈ બેઠી જળને તળિયે .

સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીયે .સુરેશ દલાલ

– – – – – – – – – – – – – – – – – – – – – –

ઉણાં-અધૂરા મેલી કામ , ભાઈ મારે જળમાં લખવા નામ .હરિકૃષ્ણ પાઠક

– – – – – – – – – – – – – – – – – – – – – –

અમે બરફના પંખી રે ભાઈ , ટહુક ટહુકે પીગળ્યાઅનીલ જોશી

– – – – – – – – – – – – – – – – – – – – – –

કો કાગળ હરી લખે તો બને

અગર લખે તે એકે અક્ષર નથી ઉકલતા મનેરમેશ પારેખ

– – – – – – – – – – – – – – – – – – – – – –

આવી તો અનેક પંક્તિઓ મળી આવે , જે વાંચતા જ લાગે કે આ પ્રભુ પંક્તિ . . . આથી જ તો કહી શકાય કે સાચા કવિઓ ઈશ્વરની વધારે નજીક , ઈશ્વરને વધારે વ્હાલા – કવિને પંક્તિ દઈને કવિની કલમ થકી ઈશ્વર કદાચ પોતાનેય લાડ લડાવતો હોય !

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Gunvant shah - Credit : Readgujarati

Gunvant shah , Credit : Readgujarati

2} કવિનો શબ્દ અનંતને ઓવારેગુણવંત શાહ

સિગ્મંડ ફ્રોઈડ જેવો મનોવિજ્ઞાની આપણી ભીતર રહેલા અર્ધ જાગૃત અને અજાગૃત મનના ગહન પ્રદેશમાં આંટો મારનારો સંશોધક હતો . વિયેનામાં મ્યુઝીયમ તરીકે જળવાયેલા એના ઘરે હું જઈ આવ્યો છું . ફ્રોઈડ કહે છે : હું જ્યાં જ્યાં જાઉં છું , ત્યાં જોઉં છું કે કવિ ત્યાં પહોચી ચુકેલો હોય છે . કવિ “ક્રાંતિદર્શી” કહેવાયો છે કારણકે એની ચેતના ક્ષિતિજવ્યાપી હોય છે . ઉપનિષદમાં કહ્યું છે , સત્ય જ્ઞાનં અનંત બ્રહ્મ . એક અપૂર્ણ માણસ તરીકે મને જે સત્ય લાધે છે એ અપૂર્ણ જ હોવાનું એટલે સત્ય ભલે અનંત હોય , પણ મારે મુખેથી જયારે એ પ્રગટ થાય ત્યારે તેની મર્યાદા રહેવાની . મારી મર્યાદા એ જ મારું આશ્વાસન છે . માનવી હોવાની સૌથી વિશ્વસનીય સાબિતી અપૂર્ણતા છે .

એક નાની બાળકીને પૂછવામાં આવ્યું કે : પ્રેમની વ્યાખ્યા શી ? પ્રેમ એટલે શું ? ત્યારે એ નાની દીકરીએ એમ કહ્યું કે : મારા અત્યંત વૃદ્ધ દાદીમાને આખા શરીરે વા છે અને મારા અત્યંત વૃદ્ધ દાદા પોતાના ધ્રુજતા હાથે એ દાદીમાના પગના નખ કાપી આપે એનું નામ પ્રેમ . જયારે હું મારું સત્ય રજુ કરું છું ત્યારે મારું સત્ય એટલે પ્રેમનું સત્ય એમ કહેવાની ગુસ્તાખી કરું છું .

શું છે પ્રેમનું સત્ય ? થોડાક શબ્દોમાં વાત કરું . ચકલીની ચાંચમાં કેટલું આકાશ સમય ? સુગરીના માળામાં તે વળી કેટલું આકાશ સમાય ? વડની ઘટામાં કેટલું આકાશ સમાય ? પણ આકાશ તો અખંડિત છે . ઉપનિષદમાં ઋષિ કહે છે કે આ બ્રહ્મનું શરીર આકાશ છે અને બ્રહ્મનો આત્મા સત્ય છે . તો પછી ચકલીની આંખમાં કેટલું સત્ય સમાય ? મને સમજાય છે કે ચકલીની ચાંચમાં જે આકાશ છે એ જ આકાશ ચકલીની ચાંચ બહાર છે . આકાશ અનંત છે , અખંડ છે . પ્રિયજનના હૃદયમાં કેટલો પ્રેમ સમાય ? માતાના ખોળામાં કેટલો પ્રેમ સમાય ? મહાત્મા ગાંધીના બોખા સ્મિતમા કેટલો પ્રેમ સમાય ? પ્રેમ એટલે શું ? જે ખંડિત હોય , તેને પ્રેમ અખંડિત કરે છે . જે અપૂર્ણ હોય તેને પૂર્ણ કરે અને જે સીમિત હોય તેને નિ:સીમ સુધી તાણી જાય એનું નામ પ્રેમ .આપણી બધી જ અપૂર્ણતાઓ આપણને પજવે છે . પ્રેમનું મારું અર્થઘટન એવું છે કે આપણી અપૂર્ણતાની પીડાઓમાંથી મુક્ત થવા માટે આપણે પ્રેમ કરીએ છીએ , આપણી ગરજે પ્રેમ કરીએ છીએ , ઉપકાર કરવા માટે નહિ . Love is no Obligation . પ્રેમનો સંબંધ અખિલાઈ સાથે છે તેથી પ્લેટોએ કહ્યું . Love is a pursuit of the wholeઅખિલાઈની આરાધના , એનું જ નામ પ્રેમ .

વડ્ઝવર્થને પૂછ્યું કે , ‘ તમને આ બધી પંક્તિઓ સુઝે છે ક્યાંથી ? વડ્ઝવર્થનો જવાબ ભારતીય ઋષિને છાજે તેવો છે . કવિઓને કોઈ સરહદ નથી હોતી અને તેથી આપણી પરંપરામાં ઋષિ અને કવિ બંનેને સાથોસાથ બેસાડયા છે . વડ્ઝવર્થ કહે છે કે , A presence that disturbs me with the joy of elevated thoughts  ( એક એવી ઉપસ્થિતિ , જે મને ઊંચા વિચારોથી આનંદ થકી ખલેલ પહોચાડતી રહે છે ) .

રોબર્ટ ફ્રોસ્ટ કહે છે : જો લખનારની આંખમાં આંસુ નહિ હોય તો વાંચનારની આંખોમાં પણ આંસુ નહિ હોય . લખતી વખતે સર્જકને થતી ઝંકૃતિ વાચકોમાં સંક્રાંત થતી હોય છે . પદાર્થ વિજ્ઞાનમાં ઇલેક્ટ્રો – મેગ્નેટિક ઇન્ડકશન ( વીજ ચુંબકીય ઉપપાદન ) હોય તેવું મનો – આધ્યાત્મિક ઉપપાદન , ( સાઈકો – સ્પિરિચ્યુઅલ ઉપપાદન ) સાહિત્યના ક્ષેત્રે પણ થતું હોય છે .

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

3} પંથ વિનાનો પંથસુરેશ દલાલ

Suresh Dalal Credit : Heenaparekh.com

Suresh Dalal , Credit : Heenaparekh.com

સત્ય એક જ વાક્યમાં માનવું હોય તો સત્ય માટેની એવી કોઈ વસ્તુ નથી , એ પંથ વિનાનો પંથ છે .સત્ય એ નીતિ નથી , પણ માનવધર્મ છે અને બીજી વાત એ છે કે સત્ય ભીરુ ન હોય . સત્ય આંતરમનની ઘટના છે . બહુ અંદરની વાત છે . એના ઢંઢેરા શું કામ પીટવા જોઈએ ?

મને એક નામ વિનાની અનુભૂતિ થાય છે .હું નળ સરોવર ગયો હતો ત્યાં પહેલી વારનો સવારનો પહોર હતો .પારદર્શક જળ હતું .એમાં લીલ લપાઈને બેઠી હતી . આ દરેકના ઉન્માદ અંદર લીલ લપાઈને બેઠી હોય છે , પણ એ શું હોય છે ? પંક્તિ છે : { મારી પ્રિયતમ રચનાઓ પૈકીની એક }

લીલ લપાઈ બેઠી જળને તળિયે ,

સૂર્યકિરણને થયું કે લાવ જઈને મળીયે .

સૂરજનું કિરણ પણ શું છે ? સુરજના કિરણને પણ એક અદબ છે . એ આક્રમક નથી . કારણકે એને જળ જોડે સંબંધ જોડવાનો છે . જળ પાસે ભીનાશ છે અને સૂર્યના કિરણ પાસે તેજ છે અને જ્યાં આર્તતા અને તેજ એ બંનેનો સમન્વય થાય એટલે શું થાય ? સંપૂર્ણ જળનું રેશમ પોત . જાણે સૂર્યના કિરણનો સ્પર્શ થયો અને . . .

કંપ્યું જળનું રેશમપોત

કિરણ તો ઝૂક્યું થઇ કપોત .

મારી જો અંગત વાત કરું તો મારું સત્ય એ કવિતાનો શબ્દ છે , પણ હું અહીંયા બોલું છું એ શબ્દ નહિ , મૌનથી મંજાયેલો શબ્દ . આખી રાતના મૌન પછી હું સવારે જાગું છું ત્યારે મારી આસપાસ કવિતા સિવાય કશું જ નથી હોતું અને જ્યાં સુધી હું કવિતા વાંચું નહિ ત્યાં સુધી બેચેન થઇ જાઉં છું . મારી ગરજે વાંચું છું . કોઈ રખેને એમ કહે કે , એવોર્ડ લેવા માટે વાંચું છું . એવોર્ડ તો અલ્ટીમેટલી સાહિત્યની હોસ્પીટલનો   A-વોર્ડ છે !

પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર

202 , પેલીકન હાઉસ , આશ્રમ રોડ , અમદાવાદ – 380009

Tel : (079) 26580365 , 26583787

http://www.navbharatonline.com

કિંમત – 225 , ( Link )

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

લટકામાં . . !

કાવ્યમાં માત્ર સત્યમ , શિવમ , સુંદરમનું જ , સત , ચિત , આનંદનું જ દર્શન નથી .

કાવ્યમાં ભિન્ન ભિન્ન અને પરસ્પર વિરોધી ભાવો અને લાગણીઓ , ઉર્મીઓ અને વિચારો , અનુભવો અને અનુભૂતિએ પર્વેશ પામે છે .

એમાં બે અર્ધસત્યોના સરવાળારૂપે કે બે અસત્યોની બાદબાકીરૂપે એક સંપૂર્ણ સત્ય પ્રગટ થતું નથી , પણ બે અર્ધ સત્યોની સહોપસ્થિતિથી કે બે અસત્યોના સહઅસ્તિત્વથી એક સંપૂર્ણ સત્યનું સુચન થાય છે .

નિત્શેએ કહ્યું છે કે સત્યથી આપણો નાશ ન થાય માટે આપણે કાવ્ય સર્જ્યું છે .

નિરંજન ભગત ( સ્વાધ્યાયલોકમાંથી )

સાચો છું તોય હું મને સાબિત નહિ કરું ,

હું સત્યને એ રીતથી લજ્જિત નહિ કરું . – રઈશ મણિયાર

Nirav’s Truth / નિરવસત્ય : સંવેદન , સહજતા અને આનંદ એ મારા માટે હવા , પાણી અને ખોરાક જેટલા અમુલ્ય છે અને એ જ દિન – પ્રતિદિન મારું સત્ય બનીને ઘૂંટાતા જાય છે અને મારો રંગ નિખારતા જાય છે અને એ જ તત્વોને કારણે હું અરીસામાં મારી આંખોમાં આંખો નાખીને જોઈ શકું છું . . . . જ્યાં હું કોઈની સાથે સાચું સંવેદન ન અનુભવી શકું , ત્યાં મારું જીવન દુષ્કર છે . . . . . આપણી ચોતરફની પ્રકૃતિ આટલી સુંદર અને સહજ છે , તો આપણે સૌ આટલા અસહજ કેમ છીએ ? જીવન અઘરું છે તો આપણે શું કામ સહજ બનીને તેની સાથે Contrast Matching ન કરીએ 😀

અને આનંદ , એ તો સ્વયંભુ છે , એના તો ઝરણા ફૂટતા હોય છે  . . . એમાં ભીંજાવું હોય તો , મુકો દોડ અને મારો ધુબાકો અથવા તો ખાલી કિનારે ઉભા રહો , ઝય્ણ ઉડશે તો યે દિલ ગાર્ડન ગાર્ડન થઇ જશે . . તેનું વહન તો માત્ર એક જ રીતે થાય છે , તે છે બસ આગળ વધો  , ને ચેપ લગાડો 😉 . . એ તો એક કોશીય અમીબા છે , જે સતત એકમાંથી બે , અને બેમાંથી ત્રણ થયા જ કરે છે . . . એક એવો અણુ કે જેની નાભી તૂટી નથી ને આનંદની હેલી જેવી અણુપ્રક્રિયા શરુ થઇ નથી  . . . આ વસ્તુ તો છીંક ખાવા કરતા પણ સરળ છે 🙂 ,

જે દિવસે તમને મારા દ્વારા કે મારા બ્લોગમાંથી કોઈ ” આનંદ ” ન મળે તો સમજી લેજો કે ‘દાળ‘ માં કઈ કાળું છે અથવા તો તમે જે પી ( Drink ) રહ્યા છો , તે દાળ નથી , પણ કઢી છે  😀 અને છેલ્લે સો વાતની એક વાત . .

🙂  आनंद मरा नहीं , आनंद मरते नहीं 🙂

Aanand – A Boy with a Joy

તો બોલો હવે તમારું સત્ય શું છે , કહેવાની ઈચ્છા થાય તોકહી નાખો ને નાહી નાખો ” 😉

Advertisements