ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , , ,

તો ફાઈનલી ગુરુવારે હું આંગળી કરતો આવ્યો 😉 . . . મતલબ કે ટપકું મુકતો આવ્યો 🙂 . . . અરે મતલબ કે મારો પવિત્ર મત આપતો આવ્યો અને ત્યાં ઉભેલા તેત્રીસ કરોડ દેવતાઓએ પુષ્પોની વૃષ્ટિ કરીને જે મારૂ સ્વાગત કર્યું છે કે હું તો ગળગળો થઇ ગયો 😀 . . . તો મારા પ્યારા રાજકોટમાં મતદાન એય મજાનું શાંતિથી પૂરું થયું અને શાહી લગાડવાવાળા બહેને એય ને મારી આંગળી પર શાહી નું ટપકું કરવાને બદલે . . બિન્ધાસ્ત મારી આંગળીનો રીતસર શાહીથી અભિષેક કરી નાખ્યો . . જાણે કે હું છેલ્લો બચ્યો હોઉં ને તેણી એમ કહી રહ્યા હોય કે હવે ઓમેય શાહી ફેંકી દેવી , એના કરતા તમનેય લાગેને કે મજા આવી ગઈ , તો લ્યો કરો કંકુના , મતલબ કે શાહીના . 😉  ” બસ ત્યારે મારું નાનકડું સત્ય પૂરું થયું અને હવે ચાલુ કરીએ આગળની કડીથી . . પુરાની રાહો સે !

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Tushar Shukl

Tushar Shukl

 9} મારું સત્ય સ્નેહ છેતુષાર શુક્લ

સત્ય એ ચિરંજીવ હોય , અવિચલ હોય અને સાતત્યપૂર્ણ સથવારો હોય – એ અર્થમાં મારું સત્ય સ્નેહ છે . પ્રેમ અને સ્નેહ વચ્ચે મેં ફેર અનુભવ્યો છે . પ્રેમ માંગે છે , સ્નેહ આપે છે . માંગ્યા વગર જ વરસાવે છે . દરિયાના પાણી સૂર્યના તાપે બાષ્પ બનીને આકાશે ચડે છે ત્યાં એના વાદળા બંધાય છે . બાષ્પનું આ ઘનીભૂત થવું એ વરસાદના આગમન માટે આવશ્યક છે . સ્નેહ એ પ્રેમનું માત્ર ઉર્ધ્વીકરણ નથી , ઘનીભવન પણ છે અને જે વરસી જાણે એ મારા-તારાના ભેદ પણ ન જાણે . એ તો બસ , વરસી રહે ! ક્યારે ક્યાં શું ઉગી નીકળશે એના આયોજન વગર જ , પણ વરસેલું નિરર્થક નથી જાતું . વાવેલું નહિ , વરસેલું જ ઉગી નીકળતું હોય છે .પ્રેમ આંખથી આરંભાય છે , આંગળીઓમાં અટકે છે . શબ્દથી શરુ થાય છે અને સ્પર્શમાં વિરમે છે . સ્નેહનો પ્રદેશ તે પછી શરુ થાય છે . પ્રેમને અંધકાર ગળે છે . સ્નેહ સ્વયં પ્રકાશ છે .

મેં પણ પ્રેમને પાંગરતા અનુભવ્યો છે – કોલેજના બાંકડા પર , વાહનની કે થીયેટરની સીટ પર , બળતી બપોરે શિરીષ વૃક્ષને છાંયે , એનો રમતુડો ચહેરો જોયો છે . શિયાળાની સવારે એના ચહેરાને ગુલાબી નીખરતો નિહાળ્યો છે . ઉનાળી ઢળતી સાંજે એની આંખમાં ઉદાસી અનુભવી છે . ચોમાસાની રાતે એને ગોરંભાતો , વરસવા માટે તરસતો અનુભવ્યો છે . મેં પ્રેમને ગુલમહોર અને ગરમાળામાં મહોરતો જોયો છે , પારીજાત કે મધુ માલતીની સુગંધરૂપે નથી માણ્યો .

વાતો કરતા કરતા રસ્તાની ધાર પર ચાલ્યો છે મારો પ્રેમ . એણે એકાધીકારના આગ્રહની કડવાશ પણ અનુભવી છે . ધસી આવતા મોજાને પાછા ખાળ્યા છે ને રુક્ષ ખડકને પંપાળયા છે . મેં પણ પ્રેમના પતંગિયા પાળ્યા છે . હથેળીઓમાં સસલા નિહાળ્યા છે , પણ મારો પ્રેમ પારધી ન બની શક્યો . જાત ને જાળ બનાવતા ન શીખ્યો . મને એનું દુખ નથી . આવીને ઉડી ગયેલા કે વસી ગયેલા તમામ ટહુકાથી હું સમૃદ્ધ થયો છું . મારે એને સંતાડવા નથી પડ્યા કારણકે મારો પ્રેમ સ્નેહ થઈને વિસ્તર્યો છે . સ્નેહની સ્નીગ્ધતા ઘર્ષણની ઉષ્ણતા ને ટાળે છે . સ્નેહ સંબંધમાં ઉંજાય છે . સ્નીગધતા આણે છે . મુલાયમતા રચે છે .

અગ્નિપરીક્ષા થી શુદ્ધ બનેલું હિરણ્યપાત્ર સત્યના ચહેરાની આગળ રહે છે . શ્રેષ્ઠનું સાનિધ્ય પામવા સિદ્ધ બનવું રહ્યું . સત્યનો ચહેરો સંતાડી શકતો નથી . સત્ય ગર્ભિત રહે . ગોપિત ન રહે . સંતાઈ રહેવું એ સત્યનો સ્વભાવ નથી . સત્ય પોતાની ઉપસ્થિતિની નોંધ લેવાય તેવી અપેક્ષા પણ રાખતું નથી અને એની ઉપેક્ષા કરવી યે કોઈને પોસાય તેમ નથી . જળમાં કાંકરી પડે કે ફૂલની પાંખડી ખરે , વલય તો રચાવાના જ , પણ કાંકરી અને પાંખડીનો ફેર જળની જાણમાં તો હોય જ છે . સ્નેહથી રચતા સ્પંદનની ઓળખ સંવેદનશીલ મનને થયા વગર રહેતી નથી . મારી કુંડળીના ગ્રહયોગો મને ‘ અતિ સંવેદનશીલતા ‘નાં અવગુણનાં ખાનામાં મુકે છે . { છેલ્લે તેમણે , જે કાંકરી અને પાંખડીનાં ઉદાહરણ દ્વારા સમજાવ્યું , તે તો બસ હૃદયને થાપો દઈ ગયું 🙂 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Bhupat Vadodariya

Bhupat Vadodariya

 10} આખરે સત્ય શું છે ?ભૂપત વડોદરિયા

ભગવાને માણસને જિંદગીનું જે વરદાન આપ્યું છે તેને બરાબર માણવું – તેના આનંદ , પીડા , સૌંદર્ય અને કુત્સિતતાને ઈશ્વરની અકળ લીલા તરીકે જોવા અને તેની જ પ્રેરણા છેવટનું તથ્ય પામવા માટે યાચવી એ જ સુખનો – સાર્થકતાનો સાચો માર્ગ છે . સુફી એટલે જ ગાય છે કે : બંધ કર , મારા ભાઈ , આ રુદન , આ રડારોળ ! સુરજના આ ઝળહળતા પ્રકાશને માણી લે .આપણે બધા મૃત્યુની હિમશીખા પર નાચીએ છીએ , પણ તેથી શું આ નૃત્યની મસ્તી – મજા કઈ કમ છે ?

{ ઓહો હો હો , હૃદયમાંથી ધબકારા ચોરી ગયા . . તમે તો આ વાત કરીને , બસમજા , મજા ને મજા ” આવવી જોઈએ ! }

સુફી સંતોની રૂપક કથાઓમાં માણસના સૈકાઓના શાણપણનો સંગ્રહ છે . એમાં એક રૂપક કથા ખુબ જ સુંદર છે .

એક ઝરણું ઉછળતું – કૂદતું આગળ વધ્યું અને રણ પાસે આવીને થંભી ગયું . ઝરણાને લાગ્યું કે પોતે આ રણ તો ઓળંગી નહિ જ શકે . ઝરણું રણમાં એક જ કદમ આગળ વધ્યું ત્યાં પાણી રેતમાં અદ્રશ્ય થવા માંડ્યું . ઝરણાને થયું કે મારાથી આ રણ પાર કરી શકાશે નહિ . હું જો રણમાં ચાલુ તો આ સુકી -તરસી રેતીમાં હું ગાયબ જ થઇ જાઉં . ઝરણું મોટેથી બોલ્યું , મારે આ રણ ઓળંગી જવું છે , પણ તેને કઈ રીતે પાર કરવું તેનો કોઈ રસ્તો મને સૂઝતો નથી .

પ્રકૃતિની મૂંગી ઝબાનમાં રણનો અવાજ ઝરણાને સંભળાયો . રણે કહ્યું , પવન મને ઓળંગી જાય છે . તું પણ મને ઓળંગી શકે છે . ઝરણાએ કહ્યું , પણ હું જયારે પ્રયત્ન કરું છું ત્યારે રેતી મને ચૂસી જાય છે . હું સહેજ પણ આગળ વધી શકતું નથી . રણે કહ્યું , રેતી પવનને તો કઈ કરતી નથી . ઝરણાએ કહ્યું , પવન તો ઉડી શકે છે , હું ઉડી શકતું નથી .

રણે કહ્યું કે , આ રીતે વિચારવાનો તારો ઢંગ ખોટો છે . તું ભલે ઉડી શકતું ન હોય પણ પવનની મદદ લે . પવન તને રેતીની પાર પહોચાડી દેશે . ઝરણાએ દુખી થતા કહ્યું , અરે , એ તો મરવાનો જ રસ્તો છે કે બીજું કઈ ? આ રીતે મારું અલગ અસ્તિત્વ , મારું પોતાનું વ્યક્તિત્વ ગુમાવવું નથી . રેતીને બદલે પવન મને શોષી લે પછી મારું શું બચ્યું ? રણે કહ્યું , આ એક તર્ક છે , પણ તેને સાચી વાસ્તવિકતા સાથે કઈ જ નિસ્બત નથી . પવન પાણીને શોષી લે છે અને તેને રણની પાર પહોચાડી દે છે . પછી એ જ ભેજવાળી હવાના વાદળ વરસાદરૂપે વરસે છે અને વરસાદથી ઝરણા અને નદી બને છે .

પણ ઝરણાની મૂંઝવણ એ છે કે એ નવું ઝરણું તો બીજા નામે ઓળખાતું હશે ! એ ઝરણું હું જ છું તેની ખાતરી કઈ રીતે કરવી ? રણ જવાબ આપે છે કે તેની પ્રતીતી તમારા અંતરમાં જ તમને થઇ શકે . લોકો તમને ભલે ગમે તે નામે ઓળખે પણ તમે તમારી અસલિયત – તમારું મૂળતત્વ જાણતા હશો તો તમને પ્રતીતિ થશે જ કે હું જળ છું . મારું બાહ્યરૂપ ઝરણાનું હોય કે નદીનું હોય . હવે આ બધા તત્વો – સત્વોને જયારે તમે ‘સર્વોપરી‘ના જ અંશ રૂપ પીછાનો ત્યારે પછી પેલી નામ અને રૂપની ઓળખાણ ભૂંસાઈ જવાનો ખેદ રહેશે નહિ .

{ ઓહોહોહો , હવે તો હદ થાય છે , ત્રણ બોલમાં ત્રણ સિક્સર ( કાંકરી/પાંખડી , નૃત્ય , રણ/ઝરણું ) !!! , આતમરામ ખુશ થઇ ગયા 🙂 }

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

11} સત્યમ શિવમ સુંદરમમહેશ દવે

પશ્ચિમના દેશોમાં તત્વજ્ઞાનને ફિલોસોફી કહેવાય છે . અંતિમ સત્ય શું છે એ જાણવા મથતી વિચારધારા એટલે ફિલોસોફી . પશ્ચિમની એ વિચારધારામાં રેને દેકાર્ત { અથવા ડેકાર્ત } બહુ મોટું નામ છે . ઘણા એને પશ્ચિમની આધુનિક ફીલોસોફીનો જનક પણ ગણે છે . દેકાર્ત એક વાર માંદા પડયા , એવા કે બે દિવસ સુધી બેભાન રહ્યા . તાવ હોય ત્યારે સ્વપ્ન- દુસ્વપ્ન ની ભૂતાવળ વધારે સતાવે . બેભાનાવસ્થામાં દેકાર્ત આવા સારા-નરસા સપનાઓની ઘટમાળ નિહાળતા રહ્યા . ત્રીજે દિવસે એ જાગ્યા , તેમના નોકરે કહ્યું , સાહેબ , તમે તો બે દિવસ બેભાન હતા ! દેકાર્તને આશ્ચર્ય થયું , હું બેભાન હતો ? મને ખબરેય ન પડી કે હું બેભાન છું ? સપનામાં દેખાતું તું એ સાચું માનતો હતો ! તો પછી શી ખાતરી કે અત્યારે હું ‘હું’ છું , શી ખાતરી કે આ નોકર ને ઘર એ બધું સ્વપ્ન નથી ? પ્રશ્ન થયો , ‘ સત્ય આ કે પેલું ? હું અસ્તિત્વ ધરાવું છે કે નહિ ? { કોને Matrix યાદ આવી ગયું , ચાલો હાથ ઉંચો કરે 😉 } બહુ વિચાર કર્યા પછી દેકાર્તને થયું ‘ Cogito ergo sum ‘ ; ” I exist because I thinkહું છું , મારું અસ્તિત્વ છે કારણકે હું વિચાર કરી શકું છું . વિચારવાની શક્તિ પરથી દેકાર્ત આગળ ચાલ્યા . તેથી તે – બુદ્ધિવાદી તત્વજ્ઞાનના જનક ગણાય . દેકાર્ત અને એમના અનુયાયીઓના જીવનમાં બુદ્ધિ એ જ સત્ય છે

અહી હું મારા સત્ય વિષે વાત કરું છું ત્યારે મારા જીવનમાં આદર્શ કે ધ્યેય શું છે એ અર્થમાં સત્ય શબ્દનો ઉપયોગ કરી રહ્યો છું . જન્મે છે ત્યારથી બાળકને કૈક જાણવું હોય છે . તેનામાં કુતુહુલ છે તેથી જ તે હાથ પગ આમતેમ ફંગોળે છે . જે કઈ હાથમાં આવે તેને મો માં મુકે છે જેથી તે વસ્તુને પામી શકાયકુતુહુલમાં થી વિસ્મય , વિસ્મયમાંથી જીજ્ઞાસા એ માણસના જ્ઞાન મેળવવાના માર્ગની વિકાસ યાત્રા છે . એ જીજ્ઞાસા મને સત્ય – સાચું શું છે નાં દર્શન કરાવે છે . બીજું મુલ્ય છે કલ્યાણ , મારું કલ્યાણ જ નહિ સૌનું કલ્યાણ . જંગલના માણસનું સૂત્ર હતું , ‘ મારીને જીવો ‘ . સંસ્કૃત માણસનું સૂત્ર બન્યું , ‘ જીવો અને જીવવા દો  ‘ . સુસંસ્કૃત માનવીનું સૂત્ર હશે , ‘ જીવાડવા માટે જીવો ‘ ત્રીજી વાત એ છે કે વિશ્વ સુંદર છે . તેને અતિ સુંદર બનાવો – રૂપ , રંગ , ગંધ સર્વ રીતે આહલાદક અને આંખ – આંજક . મારું સત્ય છે આ ત્રણે ય મુલ્યો : સત્યમ , શિવમ , સુન્દરમ .

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Varsha Adalja

Varsha Adalja

 12} મૂંગી ઉડાલી આકાશીવર્ષા અડાલજા

ખરી વાત તો એ છે કે સૌએ પોતપોતાના સત્યની શોધ કરવાની રહે છે . પોતાની નીચેની ભૂમિ પર જ પગ ટેકવી એણે ઉભા રહેવાનું છે તોય એક વાત તો પાક્કી છે , સર્જનના કેન્દ્રમાં હંમેશા માણસ છે . કોઈ પણ સર્જન માણસની બાદબાકી કરીને કશું નીપજાવી શકે નહિ . લેખકની નિસ્બત માણસ સાથે છે . ભક્ત ચંડીદાસ કહે છે કે – તેમ સબાર ઉપરે માનુષ સત્ય તાહાર ઉપરે નાઈ . સર્વેની ઉપર મનુષ્ય છે , તેની ઉપર કોઈ નથી . માણસનો પર્યાય માણસ છે અને લેખકની નિસ્બત આ માણસ સાથે છે . નિસ્બત નહિ , પણ લગાવ . અગનપથારી જેવી ધગધગતી સડક ઉપર વજનદાર ગાડી ખેંચતો મજુર કે ફેંકેલા એઠવાડમાંથી ખાવાનું શોધતું બાળક એ દ્રશ્યોથી આપણું હૈયું ખાસ કંપી ઉઠતુ નથી . બળાત્કાર , પરિણીતાનું અગ્નિસ્નાન , અન્યાય કે શોષણ એ બધાનું મહત્વ આપણે મન સવારની ગરમ ચા સાથે વંચાતા અખબારને છેડે ટૂંટિયું વાળીને પડેલા બે લીટીના સમાચાર જેટલું જ રહ્યું છે !

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

માણસનું અસ્તિત્વ પથ્થર જેવું સઘન નથી . એમાં ચેતનાની તિરાડ છે . મારે મન, મારું સર્જન આંતરશોધની યાત્રા બની રહ્યું છે . સફરથી શરુ થયેલી જીંદગી યાત્રા બને એથી વિશેષ જીવનમાં બીજું શું જોઈએ ? આ છે ‘ મારું સત્ય ‘ . મારા સર્જનનું સત્ય . સાચું – ખોટું જે હોય તે પણ તે મારું છે . એ મારો જીવવાનો ટેકો છે .મારી સર્જનયાત્રાએ જીવનના અનેક નવા મુકામ બતાવ્યા . મને આંતર – બાહ્ય સમર્થ કરી . ચીલાચાલુ જિંદગીથી મને ઉગારી લીધી .

{ વર્ષાબેન અડાલજાનો લેખ ઘણો લાંબો છે , પણ મેં એટલા માટે વધુ નથી આપ્યું કે જયારે તમે તે પૂરેપૂરો વાંચશો ત્યારે તે લખાણ એકવાર તો તમને હચમચાવી જ મુકશે !}

મુકતા બાઈનો અભંગ છે :

મૂંગી ઉડાલી આકાશી

તીને મીળીલે સુર્યાંશી .

કીડી જે સાવ ક્ષુદ્ર જંતુ છે , એણે આકાશમાં છલાંગ મારી અને સૂર્યને ગળી ગઈ !

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Shahbuddin Rathod

Shahbuddin Rathod

 13} સત્ય એટલે જે છે તે જોવુંશાહબુદ્દીન રાઠોડ

જ્યારે તમે સત્યને અનુસરવાનું શરુ કરશો ત્યારે કોઈને અનુસરી નહિ શકો અને જયારે તમે કોઈને અનુસરવાનું શરુ કરશો ત્યારે સત્યને અનુસરવાનું બંધ થઇ જશે .

– – – – –  ખુબ મનોમંથન કરીને મેં શોધી કાઢ્યું છે . ઉકરડામાંથી સોદર્ય અને સુગંધ જરૂર પ્રગટે . શરત એક જ છે , ઉકરડાએ ચુપચાપ કોઈ ગુલાબ , મોગરો , ચંપો કે ચમેલી , રાતરાણી જેવા ફૂલ છોડના ક્યારામાં ખાતર બની પોતાની જાતનું સમર્પણ કરી દેવું પડે . ગુલાબની સુગંધ એ ઉકરડાનું સમર્પણ છે . મોગરાની મહેક એ ઉકરડાનું આત્મબલિદાન છે . ચંપો , ચમેલી કે રાતરાણીની નજાકતના પાયામાં ઉકરડાનો ત્યાગ છે .

હું જાણું છું કે હાસ્ય કલાકારને દુ:ખી થવાનો અધિકાર નથી . તેને તો પોતાની વ્યથામાંથી પણ સર્જવાનું તો હાસ્ય જ હોય છે .

વેરાન થયેલા ઉપવનની હું યાદ બનીને જીવ્યો છું ,

હર પાનખરે હું વસંતની ફરિયાદ બનીને જીવ્યો છું .

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Salil dalal

Salil dalal

 14} ભ્રમ સત્ય . . . જગત મીઠ્ઠા ! – સલીલ દલાલ

સત્ય દરેકનું અલગ હોય છે અને એક વ્યક્તિનું પોતાનું પણ સમય સમયના અંતરે સત્ય જુદું હોય એવું પણ બને . એક ઉંમરે પિંપરમીંટ જ જીવનનું સત્ય લાગે અને ઉંમરના અન્ય પડાવે બંગલા કે ગાડી પણ સત્ય નાં લાગે ! પણમારું સત્યભ્રમણા નું સત્ય છે . સિનેમાના હાલતા – ચાલતા દ્રશ્યોમાં મારા જીવનના સત્યો મને લાધ્યા છે અને ફિલ્મ એ ભ્રમણા નહિ તો બીજું શું છે ? ચલચિત્ર પૂર્ણ થતા સફેદ પડદો માત્ર રહી જાય છે ત્યારે ત્રણ કલાક સુધી જે જોયું એ શું હતું ? ભ્રમણા જ ને ?

સિનેમાના પડદે આકાર પામતી કે ફોર ધેટ મેટર , નવલકથા વાંચતા માનસપટલમાં રચાતી વાર્તાની છબીઓ એક આગવું વિશ્વ રચી આપે છે અને તેમાંથી તો લાધ્યા છે મારા સત્યો ! ત્યાંથી જ તો જાગ્રત થયું છે મારું સંવેદનાનું તંત્ર .

રાજેશ ખન્ના અને અમિતાભની ઋષિદાની ‘નમકહરામ‘માં પણ જે પાત્ર ‘કાકા’એ કર્યું હતું , તેણે જે સચ્ચાઈના દર્શન કરાવ્યા અને એ ‘સત્યદર્શન’ને જે પરિપ્રેક્ષ્યમાં મૂકી આપ્યું , એ ખરેખર આંખ ઉઘાડનારું હતું . ” You can not live on an island of Luxury . . . “ચારે તરફ ગરીબીનો મહાસાગર હોય ત્યારે તમે સમૃદ્ધિના ટાપુ ઉપર ના રહી શકો . આ સત્ય ‘નમકહરામ’માં જાણ્યા પછી સમાજ પ્રત્યેની આખી દ્રષ્ટિ ( સુખ રીતે ) બદલાઈ ગઈ . . . કાર્લ માર્કસ કે માઓ-ત્સે-તુંન્ગને વિગતવાર વાંચ્યા વગર !

સિનેમા અને તેના ગીતોએ વધુ મજબુત રીતે પ્રસ્થાપેલા સત્યોને કારણે આધ્યાત્મિક કરતા સાંસારિક ઝુકાવ વધુ રહ્યો છે . તેને જ કારણે પૃથ્વી ઉપર ચારે તરફ મને મીઠાશ જ મીઠાશ દેખાય છે . સંતો કહી શકે કે “ જગત મિથ્યા . . . ” મારે માટે તો ભ્રમ સત્ય , જગત મીઠ્ઠા !

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Harshad trivedi

Harshad trivedi

 15} મારું સત્ય : મૃત્યુહર્ષદ ત્રિવેદી

હું જયારે સત્ય વિષે વિચાર કરું છું ત્યારે મને માત્ર અને માત્ર બે સત્યો જ દેખાય છે . એક છે જીવન અને બીજું છે મૃત્યુ . બાકીના સત્યો આ બે સત્યોને આધારિત છે . આપણું જન્મવું જેટલું સાચું છે એટલું જ સાચું મૃત્યુ છે

જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી ક્ષણેક્ષણમાં જીવી લેવાનું મને કદાચ મૃત્યુએ જ શીખવ્યું હશે . અંતિમ સત્ય મૃત્યુ છે એ જાણવા છતાં કદી મેં એની કામના કરી નથી . બલકે , એ આવે તે પહેલા પંચેન્દ્રીયથી આ જગતને જેટલું અંદર ઉતારી શકાય એટલું ઉતારી લેવું છે . વર્ષો પહેલા એક ગઝલ લખી હતી , એનો શેર :

એટલે હર્ષદ બધે બનતી ઉતાવળ હું કરું ,

શું ખબર કે કેટલા છે શ્વાસ મારા હાથમાં ! “

મારા હાથમાં ગમે એટલા શ્વાસ હોય , એની કશી પરવા કે દરકાર નથી . પણ જેટલા શ્વાસ લેવાય છે એમાં બને એટલી સુગંધ એકઠી કરી લેવાની , પ્રયત્ન વિનાની ઈચ્છા છે .પ્રત્યેક કાર્યમાં ઉતાવળ એ જાણે સ્વભાવ થઇ ગયો છે , પરંતુ એ ઉતાવળ હડબડી કે અકરાંતિયા પ્રકારની નથી , ખાવું છે તો કોળીયે કોળીયાનો સ્વાદ અનુભવવો છે .ઊંઘવું છે તો નિર્વિકલ્પ ઊંઘવું છે .સાયુજ્યમાં પળ વાર માટે પણ અલગ અસ્તિત્વ રહેવા દેવું નથી , ઓગળી જવું છે .આવી ક્ષણોમાં જ કદાચ જીવનનો પૂર્ણ અનુભવ છે ને એ પૂર્ણ અનુભવની પછવાડે ક્યાંક મૃત્યુનો વિચાર પડેલો છે .

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

લટકામાં . . !

હું ભીંત પર માથું પછાડું ? રોજ છાતી કુટુ ? રોવું ? શું કરું ?

હું એક એવું સત્ય છું જે કોઈ દી સાચ્ચું જ પડવાનું નથી . અનીલ ચાવડા

રમુજ કરવાની મારી રીત સત્ય કહેવાની છે ,

દુનિયામાં એથી બડી રમુજ બીજી કોઈ નથી . જ્યોર્જ બર્નાડ શો

એક જ હતું સાચ એક જ હતું

થાપ્યા કર્યું ને ઉથાપ્યા કર્યું . રાજેન્દ્ર શુક્લ

માનવીને સત્ય કોઈ શીખવી શકતું નથી

તેની અનુભૂતિ તો સ્વયંભુ હોય છે . જે . કૃષ્ણમૂર્તિ

Advertisements