ટૅગ્સ

, , , , , , , , , , , , , , , , , ,

ચાલો આટલા દિવસો સુધી તમારી માથે મુવીઝ ઝીંક્યા ઝીંક કર્યા બાદ મને સત્ય લાધ્યું અને હું મારું સત્ય લઈને હાજર થયો 🙂 તો બ્લોગર મિત્રો અને વડીલો આજે ફરી વળીએ પુસ્તકને ખોળે મસ્તક રાખીને શબ્દયાત્રાની અદભુત કેડી પર . . .

તો હવે આવનારા થોડાક દિવસો વાતો થશે , અદભુત કવિ અને વક્તા શ્રી અંકિત ત્રિવેદી અને શ્રી હર્ષ  ભટ્ટ સંપાદિત અદભુત એવી સત્યની સફરે લઇ જનારા પુસ્તક , ” મારું સત્ય “ની . . . અને હા , હું મોટાભાગે આ પુસ્તકના ત્રણ ભાગ કરવાનું વિચારી રહ્યો છું તો બસ આવનારા દિવસોમાં મજા જ મજા 🙂

39 જેટલા ગુજરાતી સાહિત્ય અને સમાજક્ષેત્રે દિગ્ગજોના જીવનનું સત્ય અથવા તો એમ કહો કે તેમનું સત્ય , તેમની લાગણી , તેમનો ઝુકાવ , તેમની માન્યતા , તેમના સંઘર્ષો અને તેમાંથી બંધાતું તેમનું સત્ય . . . એક રીતે કહીએ તો તેમનું જીવન તેમના ક્યાં સત્યને લીધે બંધાયું છે , જીવાયું છે અને હજી પણ આગળ તેની જ મદદથી તેઓ આગળની કેડી કંડારશે . તે આ પુસ્તકમાં અનન્ય રીતે ઝીલાયું છે . . . મોટાભાગે તો મેં તેમની વાતોમાંથી મને કઈક જે અડી ગયું છે { સ્પર્શી ગયું છે 🙂 } તેનો અહી ઉલ્લેખ કર્યો છે અને પહેલા 17 લેખકોમાંથી થોડાક મહાનુભાવોની વાતો અહી રજુ કરી રહ્યો છું . . . બાકીના દિગ્ગજોની વાતો બાદમાં 🙂

શરૂઆત કરીએ ભૂતકાળની હવાઓમાથી આપણા દિલો-દિમાગને ઝંકૃત કરી નાખતા ઝબરદસ્ત શબ્દોથી . . .

Maru Saty - Source : Readgujarati

Maru Saty – Image Source : Readgujarati

 સત્યની શોધના સાધનો જેટલા કઠણ છે તેટલા જ સહેલા છે . એ અભિમાનીને અશક્ય લાગે અને એક નિર્દોષ બાળકને તદ્દન શક્ય લાગે . સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે . જગત આખું રજકણને કચડે છે , પણ સત્યનો પુજારી તો રજકણ સુધ્ધા તેને કચડી શકે એવો અલ્પ ન બને ત્યાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે !

અને એ લેવાયા છે . . ” સત્યના પ્રયોગો “ની પ્રસ્તાવનામાંથી . . By one & onlyGandhi Bapu

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Ankit trivedi

Ankit trivedi

 1}છે ” અને ” રહેશે ની વચ્ચેઅંકિત ત્રિવેદી 

અનુભવને જો ઉંમર સાથે જ લેવાદેવા હોય તો મારું સત્ય – ‘ પાશેરામાં પહેલી પુણી ‘ – જેવું લેખાશે અને અનુભવ તથા ઉંમરને જુદા જુદા પલ્લામાં રાખીએ તો ઉમાશંકર જોશીની કવિતાને શ્વાસમાં ભરીને કહી શકું કે માઈલોના માઈલો મારી અંદર પ્રવાસ ચાલે છે . . ” હું તો એ પ્રવાસના રસ્તે પડેલી મારી પગલીઓની લીપી ઉકેલવાનો પ્રયાસ કરું છું . પ્રત્યેક પગલી મને વિસ્મયથી જુએ છે અને રસ્તો વધુ લાંબો થતો જાય છે . છતાય મુંઝાતો નથી . મારી મૂંઝવણને શબ્દમાં ઉતારીને ઉજવું છું .

આ સત્ય ક્યારેક મારી પાસે પ્રશ્નો પુછાવડાવે છે અને જવાબો પણ મારી પાસેથી જ અપાવડાવે છે . વાંચવાનો શોખ છે છતાય એવું શું છે જે મારી પાસે કવિતા લખાવડાવે છે ? વેદ , ઉપનિષદ , ઋચાઓ આટલું બધું લખાઈ ગયું છે . નરસિંહ , મીરાં , કબીરે લખ્યું છે . પછી મારે શું કામ લખવું જોઈએ ? અને ‘ મારું સત્ય ‘ ઘૂંટાતું જાય છે . ગીતનો લય મારી પીઠ થાબડે છે . ગઝલના છંદો મને હુંફ આપે છે . એ માધ્યમથી એકાંત મુખર નથી થતું વધુ શાંત પ્રશાંત બને છે . એને કોઈના આધાર કે અવલંબનની જરૂર નથી રહેતી . . . બ્રહ્માંડના અલૌકિક નાદને આહલાદી શકું છું . એમ કરતા હું મને સાંભળી લેતો હોઉં છું અને મારા સત્ય પરથી ધૂળ ઉડતી જાય છે .

કુદરતની જેમ વધુ નજીક જવાનો પ્રયત્ન કરું છું તેમ દુનિયા વધુ પાસે આવતી જાય છે . હું સંકોચાતો જાઉં છું , પેલો તડકો જે બારી પાસે આવીને મારો થઇ જાય છે , તેની સાથે વાતો કરું છું અલકમલકની . . . પછી દુનિયાને જોવાનું સત્ય બદલાઈ જાય છે . ‘ મારું સત્ય ‘ મારા પુરતું સીમિત થઇ જાય છે અને હાં , પેલો ‘ માઈલોનો માઈલોનો પ્રવાસ ‘ મારું મનોબળ વધારતો રહે છે .

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Kajal Oza vaidya

Kajal Oza vaidya

2} શૂન્ય થઈને પામવાનો પ્રયાસકાઝલ ઓઝા વૈધ

જેને પોતાનો કોઈ આકાર કે સ્વરૂપ નથી , જે કોઈ વ્યક્તિ કે વસ્તુ નથી , જે કોઈ વિચાર કે મન:સ્થિતિ નથી , જેને કોઈ ચહેરો – નામ કે ઓળખાણ નથી એવા સત્યનું આટલું મહત્વ કેમ છે ?

અહી એક ઝેન કથા યાદ આવે છે ; એક ઝેન સાધુને એક દીવો લઇ જતા બાળકને કઈક શીખવાડવાનો સંકલ્પ થયો અને તેમણે તેને રોકીને પૂછ્યું ; ‘ તને ખબર છે કે આ જ્યોતિ ક્યાંથી આવે છે ? ‘

છોકરાએ સાધુ સામે જોઇને બીજી જ ક્ષણે ફૂંક મારીને દીવો ઓલવી નાખ્યો અને કહ્યું કે જ્યાં આ જ્યોતિ જતી રહી , ત્યાંથી જ તે આવે છે ! { મેં અગાઉ પણ સાંભળેલી , આ મારી અત્યંત પ્રિય કથા છે 🙂 }

મને બાળપણથી જ એક વાત શીખવવામાં આવી છે કે સત્ય ક્યારેય કશું મેળવવા માટે ન આચરવું . સત્યનું આચરણ તમારી લાગણીની કે જીવનની લેવડદેવડનો ભાગ હોઈ જ ન શકે . સત્ય તો એટલા માટે હોઈ છે કે એ છે જ !

સમયની સાથે મારામાં ઉગેલા સત્યે મને શીખવાડ્યું કે હું ‘કોઈ’નાં માટે કઈ ન કરું . જે કાઈ કરું તે મારા પોતાના માટે જ કરું . સાચું બોલું તો એટલા માટે , કારણ કે મને સાચું બોલીને સારું લાગે છે .કોઈના દુ:ખમાં એના પડખે ઉભી રહું , તો એટલા માટે , કારણ કે એમ કરીને મને સંતોષ થાય છે . ઈમાનદારી રાખું તો એટલા માટે , કારણ કે મને ઈમાનદાર હોવાથી મારા પોતાના પરત્વે માન જાગે છે .

જિંદગીનું ગણિત કોઈ પણ સમયે , કોઈ પણ ઉંમરે ફરી ગણી શકાય એવું મને લાગ્યું છે અને એને માટે શુન્યથી જ શરુ કરવું પડે . શૂન્યતા ખાલીપો નથી . શૂન્યતા અધુરપ પણ નથી . શૂન્યતા કોઈ એવી ચીજ નથી , જેમાં કોઈ વ્યક્તિએ પોતાની આસપાસ કશું ન હોવાની લાગણી અનુભવવી પડે . શૂન્યતા તો ખરેખર છલોછલ હોવાનો એક નવઅનુભવ છે . જેમાં પહેલું પગથીયું કદાચ ખાલી થવાનું છે . નવા જન્મતા બાળકના કે મૃત્યુ પામેલી વ્યક્તિના ખાલી હાથની મુઠ્ઠી , સત્યનો અનુભવ છે . ખાલી મુઠ્ઠીમાં કશું જ નથી અથવા હવા છલોછલ ભરેલી છે  . એવી હવા , જેને આપણે જોઈ નથી શકતા , પણ અનુભવી શકીએ છીએ – સત્યની જેમ .

મને બાઈબલ નું એક વાક્ય મારા સમગ્ર સત્યની ઓળખ તરીકે કહેવાનું મન થાય છે ; ” તમને પ્રાર્થના કરવાનો અને તમારી માંગણી મુકવાનો પુરેપુરો અધિકાર છે , પણ સામે એટલી તૈયારી જરૂર રાખજો કે પ્રાર્થનાનો જવાબ ક્યારેક નાં પણ હોઈ શકે ”

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Kanti bhatt 3} મારું સત્ય શું છે ?કાંતિ ભટ્ટ

ફ્રેંચ લેખક માઈકલ મોન્ટે એ 1580નાં એક નિબંધમાં લખેલું કે માણસ પોતે એક ઉંદર બનાવી શકતો નથી , પણ ડઝન બંધ ઈશ્વર અને સેંકડો ધર્મ પેદા કરે છે .જાણે બધા માટે સત્ય અલગ અલગ હોય ! સત્ય બોલો અને ધર્મનું આચરણ કરો એ જ સૂત્ર હોવું જોઈએ . મેં મારો ધર્મ 40 વર્ષથી નક્કી કર્યો તે પત્રકારત્વ મારે માટે ધર્મ-કર્મ અને સત્ય છે , પણ તે પહેલા 4 વર્ષનો હતો ત્યારથી સખત કામ કામ કામ એ જ મારે માટે સત્ય હતું . આજે પત્રકારત્વમાં હું બની શકે તેટલું સત્ય જાળવી શકું તે મારું સત્ય છે – ધર્મ છે .

ઈશ્વર પણ તમામ સમયે ભેરે આવતો નથી .ત્યાર પછી આપણે પોતે જ આપણી જાતને ઈશ્વર બનીને તારવાનું હોય છે . તે માટે મેં કવિ પ્રહલાદ પારેખની કવિતા પસંદ કરી છે :

આપણે ભરોસે આપણે હાલીએ

ઓ ભેરુ મારા

બળને બાહુમાં ભરી હૈયામાં હામ ધરી

સાગર મોઝારે ઝુકાવીએ

કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે

કોણ લઇ જાય સામે પાર

એનો કરવૈયો કો આપણી બહાર નહિ

આપણે જ આપણા છઈએ હો ભેરુ .

બચપણમાં બીજાનો ધર્મ અમારે માટે ત્રાસરૂપ હતો . પરીક્ષામાં વહેલા ઉઠીને વાંચવાનું હોય ત્યારે નજીકના શંકરના મંદિરમાં ઘણા ભક્તો જોર જોરથી ઘાંટા પડે . બે હોઠ વચ્ચે આંગળી નાખીને જોરજોરથી હરરરર કરીને જાણે શંકર ભગવાન બહેરા હોય તેમ ઘંટ વગાડે . આજે પણ કેટલાક વિદ્વાનો તેમના કહેવાતા ધર્મનો અતિરેક કરે છે ! પલાંઠી મારીને અડધો કે એક કલાક ધ્યાનમાં બેસવામાં હું માનતો નથી . આ ક્ષણે હું લેખ લખું છું તે પણ મારી પૂજા જ છે .

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Kudanikaben Kapadia 4} સત્યને હજુ સુધી આંચ નથી આવીઈશા – કુન્દનિકા

સત્ય એક સુંદર શબ્દ છે – પ્રિય લાગે તેવો અને પવિત્ર . આખા શબ્દકોશમાંથી જુજ શબ્દો જ એવા મળે જેમની પવિત્રતા અને સુંદરતા હજુ અકબંધ રહ્યા હોય . પ્રેમ શબ્દનો દાખલો લઈએ – એ કેવો તો નિમ્ન , સ્થૂળ , દૈહિક ક્ષણિક આકર્ષણોની ધૂળમાં રજોટાઈને મેલો ને ગંદો થઇ ગયો છે ! એવા શબ્દો છે – પ્રગતિ , વિકાસ અને કદાચ બીજાઓ કબુલ ન કરે , પણ એવો મેલો , અતિ મેલો થઇ ગયેલો શબ્દ છે “સુખ”  !

ગીતા મારું એક પ્રિય પુસ્તક છે , તેનો પાઠ નિયમિત કરું છું , પણ તેમાં સ્ત્રી અને ક્ષુદ્ર વિષે જ્યાં અરુચિકર ઉલ્લેખ છે તેના પર મેં ચોકડી મૂકી છે . આ ન્યાય મારું સત્ય છે . સમાનતાની આ વિભાવના મારું સત્ય છે . સમાજે પોતાના સ્વાર્થી હિતની રક્ષા કાજે ઘણા તુત સર્જ્યા  છે . ‘ અખંડ સૌભાગ્યવતી ‘ વાળી વાત પણ એક મહાતુત છે . કયું સૌભાગ્ય ? કોનું સૌભાગ્ય ? સુભાગ્યમાંથી સૌભાગ્ય શબ્દ કેવી રીતે ઉદભવ્યો અને એનો સ્ત્રી માટે આવો સાંકડો , ક્ષુદ્ર અર્થ કોણે પ્રચલિત કર્યો ?

મારી એક વાર્તા ‘ જવા દઈશું તમને ‘માં મેં લખેલું કે આનંદથી મરી શકવું તે મોટું સૌભાગ્ય છે . હું તો એમ ઈચ્છું કે આ અ.સૌ . શબ્દને વ્યવહારમાંથી જ નહિ , શબ્દકોશમાંથી પણ રદ કરવા આવે . આવા બીજા પણ થોડા તુત છે ‘ મંગલ સૂત્ર ‘ – અને તરેહ તરેહના વ્રતો . જે માત્ર સ્ત્રીઓ કરે છે અને પતિ મેળવવા કે પતિના રક્ષણ માટે કરે છે . કોઈ પતિએ શું પત્ની માટે ક્યારેય વ્રત કર્યું છે ? ભાઈ , બધી જ બાબતો સ્ત્રીને જ લાગુ પડવાની ? પુરુષ સાવ છુટો , નફકરો , પોતાનું બધું અકબંધ સાચવી રાખનારો ?

ઈચ્છા રાખીએ કે કોઈ દિવસ સત્યનો સૂર્ય ઝળહળે અને લેભાગુ રાજકારણીઓ , જુઠ્ઠા નેતાઓ , લાંચિયા અમલદારો , હિંસકતાને વરેલા ધર્માંધોની જમાત અંધકારમાં ઓગળી જાય અને સામાન્ય નિર્દોષ મનુષ્યો માટે પૃથ્વી પરનું જીવન સહજ આનંદમય બની રહે . મનુષ્યજાત શું કદી સત્ય નીરખશે ?

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Chandrakant bakshi

Chandrakant bakshi

5} તેરી મહેફિલ મેં લેકિન હમ ન હોંગેચંદ્રકાંત બક્ષી

સત્યનો જાય હો , સત્યમેવ જયતે , સત્યનો જ જય થાય છે , નાનૃતમ , અસત્યનો નહિ , સત્ય જીવનનો એકમાત્ર આધાર છે , મૂલાધાર છે . સત્યનો માર્ગ શ્રેષ્ઠ છે . અસત્ય તજો . સત્ય નિદ્રંદ છે , નિર્વિકલ્પ છે . સત્ય વિધેયક છે . અસત્ય વિનાશક છે . ગાંધીજીએ કહ્યું કે સત્ય એ જ ઈશ્વર છે ! આનાથી ઉપર કોઈ વ્યાખ્યા નથી .

વર્ષો પહેલા મુરારિદાસ હરિયાણી AKA મુરારિબાપુ મુંબઈમાં મારે ઘરે આવ્યા હતા , મને તલગાજરાડાના તેમના સાહિત્યોત્સવમાં પ્રવચન આપવાનું આમંત્રણ આપવા . એ મને ‘ બક્ષી બાબુ ‘ કહે અને હું તેમને ‘ મુરારીબાપુ ‘  કહું . ઘણી બધી બાબતો પર સપ્રેમ અને સાદર અમે એકબીજાની વાત પર અસહમત થઈએ છીએ અને ઘણા મુદ્દાઓ પર અમારું બંનેનું શાલીન અને શિષ્ટ મતૈક્ય હોય છે . મેં નાં પડી , હું વક્તાઓના કાફલામાં કે ભક્તોના ટોળામાં ઘૂસીને હજાર ડોલરની સખાવત ખિસ્સામાં સરકાવનારો લેખક નથી , મને માત્ર મારી ગુજરાતી પ્રજાના ગુલામ થવાનો ગર્વ છે . જે દિવસે ગુજરાતી પ્રજા મને ફેંકી દેશે , હું ખુશીથી કલમ તોડી નાખીને , મારા સોફા પર બેસીને , વ્હીસ્કીનો ગ્લાસ લઈને મહેંદી હસનની કેસેટ સાંભળતો રહીશ ; મુહબ્બત કરનેવાલે કમ ના હોંગે / તેરી મહેફિલમે લેકિન હમ ન હોંગે . . !

કબર છેલ્લી અદાલત છે . ભૂતકાળના ધુમાડામાં બધી જ સિધ્ધિઓ ના-પાયાદાર બનતી જાય છે , પણ માણસને માટે અંતિમ આશીર્વાદ સર્જનહારે બનાવી દીધો છે : મૌત ! મારું સત્ય મને જીસસ અને મહાવીર અને રામ અને કૃષ્ણ અને બુદ્ધ અને મહંમદ અને મોઝીઝ્નો સમકક્ષ બનાવી દે છે . . .

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Chandrkant topiwala

Chandrkant topiwala

6} સત્ય તો શોધનો પર્યાય છે . . – ચંદ્રકાંત ટોપીવાળા

બાઈબલમાં કહ્યું છે કે ‘ તું સત્ય જાણશે અને સત્ય તને છોડાવશે . ‘ અરે ભાઈ , અહી તો ખાલી ‘સત્ય’ બોલું છું અને આભાસી સત્ય , કામ ચલાઉ સત્ય , પરમ સત્ય , પૂર્ણ સત્ય , આંશિક સત્ય , અર્ધ સત્ય , નગ્ન સત્ય , કેવળ સત્ય , શુદ્ધ સત્ય , બહારનું સત્ય , અંદરનું સત્ય , ગહન સત્ય – એમ જાણે કે સત્યની અક્ષૌહોણી સેના મારી સામે ખડી થઇ જાય છે . મને પરસેવો છૂટવા માંડે છે , મારા ગાત્રો ગળવા ચાલુ થઇ જાય છે . ખાલી સત્ય બોલવાથી હું આ સ્થિતિમાં મુકાતો હોઉં તો મારું સત્ય તું હું કેમનું સહન કરીશ ? મારું સત્ય એમ કહું ત્યારે તમારું , તેઓનું , બીજા બધાનું સત્ય બહાર રહી જાય છે . એ લોકોના સત્યનું શું ?

આથી જ કહેવાયું છે કે જે સત્યની શોધમાં છે તેમાં શ્રદ્ધા રાખો . જેને સત્ય મળી ગયું છે , એના તરફ શંકાથી જુઓ , કારણ મળી ગયેલું સત્ય તો નર્યું જુઠ્ઠાણું છે . સમજી લેવાની જરૂર છે કે ડુંગળીના પડોને ઉખેડી ઉવેખીને ડુંગળીના સત્યને શોધવા જનારા છેવટે ભોંઠા જ પડે ! સત્ય તો શોધનો પર્યાય છે . કેવેફીના ‘ઇથાકા’નીજેમ એનું કોઈ મુલ્ય નથી . મુલ્ય તો શોધનું છે , શોધના પ્રવાસનું છે , શોધની પ્રક્રિયાનું છે . ક્ષિતિજની જેમ એ પડકારે છે , ક્ષિતિજની જેમ એ આકર્ષે છે પણ ક્ષિતિજની જેમ એ આઘું ને આઘું જ રહે છે . સત્ય તો બહાનું છે . શોધ આનંદ છે . “મારું સત્ય” મારી શોધ છે .

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Chinu Modi

Chinu Modi

7} કવિતાની સાક્ષીએ સત્યચિનુ મોદી

બહુ વરસો પહેલા એક લાંબી કવિતા લખેલી . એની પહેલી પંક્તિઓ હતી :

કહી ગયા છે ઓચ્છવલાલ

જે નર નારી ખાય બગાસું

એના મુખમાં આવી પડશે એક પતાસું .

આ ઓચ્છવલાલને ન ઓળખ્યા ? આપના પદ્મશ્રી કવિ સિતાંશુનાં મગનના કઝીન , લાભશંકર ઠાકરના લઘરાનો માસીયાઈ ભાઈ , રમેશ પારેખના આલા ખાચરનો પૂર્વજ . મતલબ કે હું ! નાયક ચિનુ મોદી તો વી-નાયક ઓચ્છવલાલ . મારો ઓલ્ટર ઈગો .

તો સત્ય શબ્દ દ્વારા , ખાસ ગઝલના શેરમાં :

સત્યનો સંગ્રામ છે , રામ સામે રામ છે .

મારી નવલકથા ‘ કાળો અંગ્રેજ ‘માં મેં સત્યને ‘ સાકરની એક કટકી ‘ કહી છે અને એનું ગીત છે , જેનું મુખડું આમ છે .

ખીસ્કોલા નાં ટોળા વચ્ચે , ધૂળને ઢગલે ,

વણચાખેલી પડી રહી છે , સાકરની એક કટકી રે ;

રણની વચ્ચે ફંગોળાઈ , હડસેલાઈ , હિલ્લોળા લે ,

હિલ્લોળા લે એક નદી , તે વાત સદાયે ખટકી રે – સાકરની એક કટકી રે .

સત્યને આપણે સાકરની કટકી કહીએ છીએ અને આપણે ભૂલી જઈએ છીએ કે આપણને તો વારસામાં ડાયાબીટીસ મળેલો છે !

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

Jay vasavada

Jay vasavada

8} સત્યની  શરૂઆત એ જીવનનો અંત છેજય વસાવડા

જુના ધર્મગ્રંથો પછી આ શબ્દની ‘બ્રાંડ’ બનાવી દેનાર ગાંધીજીને સરવાળે ન સત્ય સાંપડ્યું , ન સ્વપ્ન સિદ્ધિ , ન સુખ . મહાત્માજી મૃત્યુ પર્યંત મંતવ્યને સત્ય સ્થાપિત કરતા રહ્યા , પણ કમસે કમ સત્યની વ્યાખ્યા બાબતે એ જડ નહોતા , એ મોકળાશ માટે એમને સલામ . એમના પછી એટલો સત્યનિષ્ઠ નાગરિક જાહેરજીવનમાં જોવો મુશ્કેલ છે . સત્ય એટલે સનાતન જીવનમુલ્યો વાળી વ્યાખ્યા હવે ઘસાઈ ચુકી છે . સત્ય એટલે વ્યક્તિગત અનુભવો , આદતો અને આસપાસના સંબંધો , વાતાવરણ , સંદર્ભોમાંથી ઘડાતી માન્યતાઓ – એ કદાચ વધુ વાસ્તવિક છે , પણ એ ય સત્ય છે કે ભ્રમ ? આપણે  જીવીએ , જાણીએ , અનુભવીએ છીએ એ જ સત્ય છે કે એ માયા છે અને સત્ય એને પેલે પાર છે ?

Any way , મારું સત્ય આવા તત્વ જ્ઞાનમાંથી મને કદી જડ્યું નથી . આવી ઉપદેશાત્મક ફિલસૂફીમાંથી મને કંટાળો જ આવ્યો છે . મારી સત્યની વ્યાખ્યાનું ઘડતર કોઈ ચિંતન કે ધર્મના ગ્રંથોને બદલે મજાની વૈશ્વિક બાળ વાર્તાઓથી થયું છે . મમ્મી પપ્પા પાસે ઘરે ભણ્યાની ગહેરી અસર તરીકે એ ઘડાઈ અને વધતા જતા ફિલ્મો , સાહિત્ય , માનવસંબંધોના સંપર્કથી ઘૂંટાઈ પણ ખરી . જાણીને કોઈનું પણ કરવા તો શું ઈચ્છવાની પણ વિરુદ્ધ એવી સિધ્ધાંતનિષ્ઠ માનસિકતા મજબુત બની .

ખોટા શબ્દો ચાલે , પણ કોઈનેય છેતરવાના ખોટા ઈરાદા ન ચાલે ‘ની દ્રઢ વૃતિને લીધે મને ફાયદા કરતા હંમેશા નુકશાન વધુ થયું છે . અને જેવું છે તેવું – મારું એ સત્ય મારાથી છૂટતું નથી . એ છે : પારદર્શકતા . . . કહો કે દંભ મુક્તિ . એમાં ‘ કાણાને કાણો ‘ કહેવાની તોછડાઈ પ્રયત્નપૂર્વક દુર રાખી છે , પણ અંતરત્માની અદાલતને હર પળ , હર હંમેશ મોજુદ રાખી છે .

પારદર્શકતાનાં અંગત સત્યની સાથે જીવનને જાણવા-માણવા માટે વિસ્મય, પ્રેમ, આનંદને સત્યરૂપે સ્વીકાર્યા છે . અંતે તો બધી જ ક્રિયાઓની સુખાનુભૂતિ આ ત્રીવેણીમાં જ સમાયેલી છે . આ છે તો જીંદગી છે અને પછી પ્રગટે છે પ્રકૃતિનું સત્ય – જેમાં મારા-તમારા તમામ સત્યો અને એના શબ્દો ઓગળી જાય છે . જેનું નામ છે : “મૃત્યુ” . કદાચ સત્યની શરૂઆત એ જીવનનો અંત છે !

– – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – – –

લટકામાં . . !

બધાનો હોઈ શકે છે સત્યનો વિકલ્પ નથી ,

ગ્રહોની વાત નથી સૂર્યનો વિકલ્પ નથી .મનોજ ખંડેરિયા

Awakened to the meaning of my heart

That to feel love & oneness is to live

and this the magic of our golden change

is all the truth i know or seek , O sage .             Shri Aurobindo

મારા હૃદયનો અર્થ મારામાં જાગ્રત થયો ત્યારથી મને જ્ઞાન થયું છે કે પ્રેમ અને એકતાનો અનુભવ કરવો એ જ જીવન છે , આપણા સુવર્ણમય રૂપાંતરનું એ જાદુ છે . એટલામાં , હે ઋષિ! હું જાણું કે શોધું છું તે બધું સત્ય સમાઈ જાય છે .                 શ્રી અરવિંદ .

में सच कहूँगी फिर भी हार जाउंगी

वो जूठ बोलेगा और लाजवाब कर देगा  परवीन शाकिर