ટૅગ્સ

, , , , ,

જયારે સૌ પ્રથમ મેટ્રીકસ રીલોડેડ જોયું ત્યારે કઈક ધૂન તાના ના ના . . .થયું અને લાગ્યું કે હજી આના જેવું બીજું કાંઇક જોવા મળે તો મજા આવી જાય , પણ ત્યાં તો ખબર પડી કે આતો બીજો ભાગ હતો ! પહેલો ભાગ તો ઓલરેડી આવી ચુક્યો હતો અને હવે ત્રીજો ભાગ પણ આવવાનો છે { અમથા મારી મમ્મી મને બોઘા જેવો નથી કહેતી 🙂 } , ત્યારે કાંઇક એવું લાગ્યું કે આપણે તો થીયેટરમાં બીજા ઘેંટાઓની જેમ જ જઈને બેસી જઈએ છીએ ! અને ખરેખર આપણને { એટલે કે મને } આગળ પાછળની કાઈ ખબર જ નથી પડતી ! !! !!! { બસ તબસે હમ ધૂલ મે સે ખડે હુએ ઓર ફૂલ ખિલાયા ! } હા હવે કહું કે આ વાત શું કામ તમારી માથે ઝીંકી 😀 કારણકે ત્યારે મને ય એવું થયું કે આવી કોઈ ટ્રાયોલોજી બનાય્વી હોય તો . . { વિચારવામાં ક્યાં કઈ જાય છે 😉 } તો લો બનાયવી નાખી અને બે ભાગ રીલીઝ ય કરી નાખ્યા . . ! હેં . . , ક્યાં થીયેટરમાં ? ક્યારે રીલીઝ થઇ ? ને ક્યારે ઉતરી ગઈ ? અને કેટલું નુકશાન થયું ? { આ છેલ્લો સવાલ માનહાની કરાવે તેવો છે 😉 }  હી હી અને ખી ખી {ખી ખી = હી હી નો પિત્રાઈ ભાઈ 😉 }, તો ભાઈ હા તમને ખબર જ છે તે સીરીઝ નું નામ . . . ” રવીન્દ્ર ટ્રાયોલોજી “, બીજી કઈ . . . પ્રથમ ભાગમાં વાત હતી ” રવીન્દ્ર નાથ ઠાકુરના સંસ્મરણો “પુસ્તકની , બીજા ભાગમાં વાત હતી ” પાંદડે પાંદડે રવિ ” પુસ્તકની અને હવે ફાઈનલી { ‘લી’ નો સારો ભાઈ = ફાઈન લી 🙂 } ત્રીજા ભાગમાં વાત છેડું છું , ત્રીજા પુસ્તક ” રવીન્દ્ર સાથે વાંચનયાત્રા ” ની . . .કે જેમના સંપાદક છે ગુજરાતી જગતના લોક લાડીલા મહેન્દ્ર મેઘાણી દાદા અને પુસ્તકની રચના થઇ છે આપણા શિરમોર ગુજરાતી સર્જકોએ કરેલા રવીન્દ્ર સાહિત્યના કેટલાક ઉત્તમ અનુવાદ થકી . . પણ તે માણતા પહેલા “ મેઘાણીદાદા ” શું કહે છે તે જોઈ લઈએ . . .

શ્રી મહેન્દ્ર મેઘાણી

સંપાદક શ્રી મહેન્દ્ર મેઘાણીની નજરે . .

ભારતના સાહિત્યમાં ને ઇતિહાસમાં રવીન્દ્રનાથ ઠાકુરનું સ્થાન શું છે તેનો વિદ્યાર્થીઓ તથા સામાન્ય નરનારીઓને ખ્યાલ આપવા માટે પોતે લખેલા અંગ્રેજી પુસ્તક ” સ્ટોરી ઓફ રબીન્દ્રનાથ ટાગોર ” ( ૧૯૭૬ )માં અંગ્રેજ સન્નારી મારજરી સાઈકસ કહે છે તેમ , ” જગતભરમાં સૌથી વધુ જાણીતા ત્રણ હિંદીઓ પૈકી રવીન્દ્રનાથ એક હતા , બીજા બે તે મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુ { ! }.

એક સાહિત્યકાર તરીકે , સંગીતકાર , અભિનયકર  , ચિત્રકાર , કેળવણીકાર , સમાજસુધારક , દેશભક્ત અને માનવતાવાદી તરીકે રવીન્દ્રનાથે આપેલા ફાળાએ એમના દેશના બૌદ્ધિક અને સાંસ્કૃતિક જીવનને બીજી કોઈપણ વ્યક્તિ કરતા વધારે સમૃદ્ધ બનાવ્યું છે .

“સામાન્ય ગુજરાતી વાંચકોને રવીન્દ્રનાથના પદ્ય અને ગદ્યનો જરાક પરિચય મળી રહે તે માટે વિવિધ લેખકોએ કરેલા નેવું જેટલા અનુવાદો અહી નમૂનારૂપે એકત્ર કરેલા છે . સામો કિનારો જેનો દેખાય નહિ એવા , સાગર જેટલા વિશાળ રવીન્દ્ર સરોવરમાંથી ભરેલું ખોબા જેટલું જળ આ છે . તેનું આચમન કરનારને ગુજરાતીમાં પ્રાપ્ય રવીન્દ્રનાથના પુસ્તકોનું  પાન કરવાની હોંશ થશે .

ગુજરાતના સદભાગ્યે ઉત્તમ અનુવાદ કરનારા લેખકો આપણને મળ્યા છે . એ બધામાં શિરમોર એવા તપસ્વી ” શ્રી નગીનદાસ પારેખ “નું સ્મરણ આ સંચય સાથે જોડતા ધન્યતા અનુભવું છું .

તો હવે માણો , કેટલાક ચુનંદા અનુવાદિત રત્નો . . આખે ને આખા . . . અરે એક વાત તો કહેવાની રહી જ ગઈ કે , આ પુસ્તકની એક અદભુત આભા તેમાં વચ્ચે વચ્ચે ઝબકી જતા તારલાઓ જેવી નાનકડી કાનુંડીયુંની છે કે જે બે લીટીમાં કઈક એવું કહી દે છે કે જેની સામે ભલભલા નિબંધોની પીપુડી બંધ થઇ જાય . . . !

જાણે કે ભારતની ટીમ ૪૦૦+ નો સ્કોર ચેઝ કરતા કરતા હર હંમેશની જેમ ધીમે ધીમે ફસકવા માંડે અને નજીક પહોંચતા પહોંચતા જયારે હાર સામે દેખાવા માંડે ત્યારે અચાનક જ છેલ્લી ઘડીએ પૂંછડિયો બેટ્સમેન એક બોલમાં બાર રન ઠોકી દ્યે [ એ કેવી રીતે ? ૧) વાઈડના ૫ રન ૧) નો બોલ સાથે સિક્સ 🙂 ] એવી ખુશીની લાગણી આ નાનકડી રચનાઓ વાંચીને થાય છે , અલબત તે રચના ને શું કહેવાય તે મને ખ્યાલ નથી 😦 જો આપ કોઈને ખ્યાલ હોય તો જણાવશો .

કાકાસાહેબ કાલેલકરની નજરે . . . { અનુ : નગીનદાસ પારેખ }

એકવાર હું શિલોંગથી ગૌહાટી બસમાં મુસાફરી કરી રહ્યો હતો .બસમાં ઠીક ઠાક ભીડ હતી . સાથેના મુસાફરો ખાસ સંસ્કારી હોય એમ લાગતું ન હતું .એમનો સહવાસ સહન જ કરવાનો હતો ,એટલે મનમાંથી એ બધાને ભૂંસી કાઢી બહારની કુદરતની ભવ્યતા નિહાળતો તદાકાર થવાનો પ્રયત્ન કરતો હતો . હું શાંતપણે ઉપાસના કરતો હતો , એટલામાં મારી પડખે બેસીને ઝોલા ખાતા એક મજુર જેવા દેખાતા યુવાનના હાથમાંથી રવિ ઠાકુરની અંગ્રેજી ‘ ગીતાંજલિ ‘ નીચે પડી ! ‘ ગીતાંજલિ ‘ જોઈ અને તરત મારા મનમાં અનેક ભાવો પેદા થયા . હું જે ચોપડીમાંથી છેલ્લા પચ્ચીસ – ત્રીસ વર્ષોથી અસાધારણ આનંદ મેળવું છું , એ જ ચોપડીનો રસ આ ગરીબ વિદ્યાર્થી પણ મેળવે છે ! જે ગીતોએ મારા હૃદયમાં ઘૂસીને મને અનેક વાર અસ્વસ્થ કર્યો હતો , એ જ ગીતો આ અજ્ઞાત યુવકના હૃદયમાં એ જ જાતનું મનોમંથન ચલાવતા હશે ! ‘ ગીતાંજલિ ‘ મેં પ્રથમ હરદ્વાર કે દહેરાદુનમાં વાંચેલી , ત્યાર પછી વિદ્યાપીઠના સ્વરાજ્ય પ્રેમી વિદ્યાર્થીઓને ભણાવેલી . એ જ ‘ ગીતાંજલિ ‘ અહી , હિન્દુસ્તાનના ઇશાન ખૂણામાં , એક જુવાન – જેની પાસે પુરતા કપડા પણ નથી અને જેના મોઢા પર ભણતરની છાપ પણ પડી નથી , તે રસતરબોળ થઈને વાંચે છે ! બસમાં જોયેલું એ દ્રશ્ય મને સ્મરણમાં તરત ‘ ગીતાંજલિ ‘ ના પ્રસ્તાવના લેખક કવિ યીટ્સના વચન તરફ લઇ ગયું :

I have carried the manuscript about with me for days , reading it in railway trains , or on the top of omnibuses , and in restaurants and i have often had to close it lest some stranger would see how much it moved me !

સુદૂર આયર્લેન્ડનો કવિ યીટ્સ , મુંબઈ તરફનો હું અને કામરૂપ દેશનો એ વિદ્યાર્થી બંગ કવિના આ ગીતોને લીધે એક હૃદય થયા હતા ! હવે મારા મનનું દ્વૈત નીકળી ગયું . બસની અંદર નરી અરસિકતા મુસાફરી કરતી હતી અને બહાર ભગવાન રસેશ્વર પોતાના દર્શનના અનેક પાસા રજુ કરતો હતો , એવી જે સંકુચિત કલ્પના મનમાં જામી હતી તે હવે ઓગળી ગઈ , અને તેથી મારો જુનો અભિપ્રાય ફરી એકવાર દ્રઢ થયો કે ‘ ગીતાંજલિ ‘ જીવનદેવતાની ઉપાસના કરવાની દીક્ષા આપતું ધર્મકાવ્ય જ છે . ‘ગીતાંજલિ ‘ ભારતીય સંતસાહિત્યની પરંપરાની હોઈ દરેક ભારતીય હૃદયને સ્વાભાવિક પણે લાગે છે કે , અમારા હૃદયનું જ આ આબેહુબ અને ઉત્કૃષ્ઠ પ્રતિબિંબ છે . ભારતીય હૃદયવાણીમાં  જે કાઈ સારરૂપ અને વિશ્વજનીન છે , તે જ રવીન્દ્રનાથે પારખ્યું , અપનાવ્યું અને આધુનિક બુદ્ધિ અને હૃદયને સંતોષે એવા રૂપમાં રજુ કર્યું .આમાંની એકેએક વસ્તુ ચિરપરિચિત હોવા છતાં બિલકુલ નવી ,તાજી શુદ્ધ અને સમૃદ્ધ છે .

{ હંમ મ મ . . આપણા ભારતની સુખ્યાત એવી ” ભીડ અને ગંદગીયુક્ત ” બસોમાનો આવો અનુભવ કોઈની સાથે થયો છે ? કે જ્યાં ચિંથરે વીટયુ કોઈ રતન મળ્યું હોય ? કોઈ એવા કાનજી મળી ગયા હોય કે જે આપણા મનમાં મુરલી વગાડી ગયા હોય ! મને તો આવો સુખદ અનુભવ હજી સુધી નથી થયો 😦 તમને ? ?? ???}

કાનુડી

Not hammer-strokes ,

but dance of the Water

sings the pebbles into perfection .

ઘણ ના ઘા નહિ ,

પણ નાચતા – કુદતા જળનું સંગીત

કાંકરાને સુંવાળા બનાવે છે . { અનુ : નગીનદાસ પારેખ }

રવીન્દ્રનાથ ચિત્ર દોરતા સમયે

હું કવિ છું . { અનુ : સુરેશ . હ. જોશી }

પોતાનો સાચો પરિચય પામવો એ સહજ નથી . વિધાતાએ જો મારું આયુષ્ય દીર્ઘ ન કર્યું હોત તો મારા સંબંધે સ્પષ્ટ ખ્યાલ પામવાનું પણ ન બની શક્યું હોત .જીવનના એ દીર્ઘ ચક્ર્પથની પ્રદક્ષિણા કરતા કરતા આજે વિદાયની વેળાએ એ ચક્રને જયારે સમગ્ર રીતે જોઈ શકું છું ત્યારે એક વાત મને સમજાય છે કે મારા પરિચયમાં હું કવિ છું એ સિવાય બીજું કશું કહેવાનું નથી . હું તત્વજ્ઞાની , શાસ્ત્રજ્ઞાની , ગુરુ કે નેતા નથી . માનવને ગમ્ય સ્થાને પહોચાડવાનો દાવો અમે કરતા નથી .પથીકોની યાત્રાના સહ્ચારી બનવું એ જ અમારું કામ . માર્ગની બંને બાજુએ જે છાયા , હરિયાળીનું જે ઐશ્વર્ય , જે ફૂલ પાંદડા , પંખીના ગીત – એ રસના ભોજ્યમાં અભાવ પૂર્ણ કરવા અમે અહી આવીએ છીએ .

બસ આ જ અમારો પરિચય . જે લોકો શંખ વગાડીને મને ઉચ્ચાસને બેસાડવા ઈચ્છે છે તેમને હું કહું છું કે હું તો નીચલું સ્થાન લઈને જ જન્મ્યો છું . વૃદ્ધના કે પ્રમુખના સ્થાને બેસવાના કર્તવ્યમાંથી રમતના ઉસ્તાદે મને મુક્તિ આપી છે . આ ધૂળ , માટી , ઘાસ ને વનસ્પતિ ઔષધી – એ બધા  વચ્ચે હું મારું હૃદય બિછાવી લઉં છું . જેઓ માટીના ખોળાની પાસે છે , જેઓ માટીને હાથે ઉછર્યા છે , જેઓએ માટીમાં જ ઘૂંટણીયા કરી આખરે માટીમાં જ વિશ્રામ લીધો છે તે સૌનો હું મિત્ર છું . હું કવિ છું .

{ અદભુત . . અદભુત અને અદભુત . . વાત જ જવા દ્યો . . કાંઈ બાકી રહ્યું જ નથી હવે કહેવા માટે , શબ્દો હવે અહીં પોરો ખાય છે ! }

કાનુડી

Every child

comes with the message that

God is not yet discouraged of Man .

પ્રત્યેક બાળક

એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને

હજી માણસને વિષે આશા ગુમાવી નથી . { અનુ : નગીનદાસ પારેખ }


Life is given to us ,

we earn it by giving it .

જીવન આપણને આપવામાં આવ્યું છે ;

આપણે તેના હકદાર તે અર્પી દઈને બનીએ છીએ .

જીવન જવ સુકાઈ જાય { અનુ : મહાદેવ દેસાઈ }

જીવન જવ સુકાઈ જાય

કરુણા વર્ષન્તા આવો !

માધુરી માત્ર છુપાઈ જાય

ગીત સુધા ઝરન્તા આવો !

કર્મના જયારે કાણા વાદળ

ગરજી ગગડી ઢાંકે સહુ સ્થળ

હૃદય-આંગણે , હે નીરવનાથ

પ્રશાંત પગલે આવો !

મોટું મન જયારે નાનું થઇ

ખૂણે ભરાયે તાળું દઈ ,

તાળું તોડી , હે ઉદારનાથ !

વાજન્તા ગાજન્તા આવો !

કામ ક્રોધના આકરા તુફાન

આંધળા કરી ભુલાવે ભાન ,

હે સદા જાગન્ત ! પાપ ધ્રુવન્ત !

વીજળી ચમકન્તા આવો !

કાનુડી

The cloud stood humbly in a corner of the sky .

The morning crowned it with splendour

વાદળું વિનમ્ર ભાવે આકાશના એક ખૂણામાં ઉભું હતું .

પ્રભાતે તેના મસ્તકે વૈભવનો મુગટ પહેરાવ્યો . { અનુ : નગીનદાસ પારેખ }


The dust receives insult

and in return offers her flowers .

માટી અપમાન પામે છે ,

અને તેનો બદલો વાળે છે ફૂલો વડે{ અનુ : નગીનદાસ પારેખ }

પ્રવાસે ઉપાડતા પહેલા { અનુ : મહાદેવ દેસાઈ }

જવાનું પ્રયોજન ?

મને ઘણા પૂછે છે કે ‘ તમે યુરોપમાં ફરવા શા માટે જાઓ છો ? ‘ આનો મારે શો જવાબ આપવો એ મને સુઝતું નથી . ફરવું એ જ ફરવા જવાનો ઉદ્દેશ છે , એવો એક સરળ ઉતર જો આપું તો પ્રશ્ન પુછનારાઓને જરૂર એમ લાગે કે હું વાતને હસવામાં ઉડાવું છું . પરિણામનો વિચાર કરી નફાનુકસાનનો હિસાબ ગણાવ્યા વગર માણસને ટાઢા પડી શકાતા નથી !

ટાઈટેનીક ડૂબી તે ઘટનાના પ્રત્યાઘાત વિષે :

બે હજાર ઉતારુઓને લઈને એટલાંટીક સમુદ્રમાં એક આગબોટ { ટાઈટેનીક } જતી હતી ; તે આગબોટ મધરાતે જયારે બરફની શીલા સાથે અથડાઈ ને ડૂબી રહી હતી ત્યારે મોટા ભાગના યુરોપીય અને અમેરિકન ઉતારુઓએ પોતાનો જીવ બચાવવાની અધીરાઈ બતાવ્યા વગર સ્ત્રીઓ અને બાળકોને બચાવવાનો પ્રયત્ન કર્યો . આ ભયંકર અકસ્માતના આઘાતથી યુરોપનું બહારનું આવરણ ખસી જવાથી આપણે એક ક્ષણમાં તેના અંતરમાના માનવઆત્માનું એક સાચું સ્વરૂપ જોવા પામ્યા છીએ . એ જોતાવેત તેની આગળ માથું નમાવતા આપણને પછી લગારે શરમ આવી નથી . ‘ ટાઈટેનિક ‘ ડૂબવાની ઘટનામાં આપણે એક ક્ષણમાં અનેક માણસોને મૃત્યુના મોઢા આગળ ઉજ્જવળ પ્રકાશમાં જોવા પામ્યા . એમાં કોઈ એક માણસની જ અસામાન્યતા પ્રગટ થઇ છે એમ નથી .

સૌથી આશ્ચર્યની વાત એ કે , જેઓ લક્ષ્મીના ખોળામાં ઉછરેલા કરોડાધીપતિ હતા , જેઓ ધનના જોરે સદા પોતાને બીજા બધા કરતા ચડિયાતા માનતા આવ્યા હતા , જેમને ભોગ વિલાસમાં કદી કોઈ અડચણ આવી નહોતી અને રોગમાં અને આફતમાં જેમને પોતાને બચાવવાની તક બીજા બધા કરતા વધુ સહેલાઈથી મળી રહી હતી , તેઓએ સ્વેચ્છાએ દુર્બળ ને અશક્તને બચવાનો માર્ગ મોકળો કરી આપી મૃત્યુને વધાવી લીધું .એવા કરોડાધિપતિ તેમાં એક કે બે જ નહોતા !

અચાનક આવી પડેલા ઉત્પાત વખતે માણસની મૂળ વૃતિ જ સભ્ય સમાજના સંયમને તોડી નાખીને પ્રગટ થવા મથે છે , વિચાર કરવાનો વખત મળે તો તો , માણસ પોતાની જાતને રોકી શકે છે . ‘ ટાઈટેનિક ‘ જહાજ ઉપર અંધારી રાતે કોઈ ઊંઘમાંથી એકાએક જાગીને તો કોઈ આનંદ પ્રમોદમાંથી એકાએક બહાર આવીને પોતાની સામે આવી પડેલા મૃત્યુની કાળી મૂર્તિ જોવા પામ્યા હતા . એવે સમયે જો એવું જોવામાં આવે કે માણસ ગાંડા જેવો થઈને નબળાને હડસેલી મુકીને પોતાને બચાવવાનો પ્રયત્ન નથી કરતો , તો સમજવું કે એ વીરતા આકસ્મિક નથી ; આખી પ્રજાની લાંબા સમયની તપસ્યા આધ્યાત્મિક શક્તિ સાથે મળીને ભીષણ કસોટીમાં મૃત્યુ ઉપર વિજય મેળવવા પામી છે .

‘ટાઈટેનિક’ના સંદર્ભ થકી , દુ:ખો અને કષ્ટો વિષે વિચાર વિસ્તાર 

કોઈ પણ સમાજમાં એવી કોઈ સાચી ઉન્નતિ થઇ શકતી નથી , કે જેનો પાયો કષ્ટ સહન કરવા પર ન હોય . જેઓ જડ વસ્તુના દાસ છે , તેઓ એ કષ્ટ સહન કરી શકતા જ નથી . વસ્તુમાં જ જેને પરમ આનંદ હોય , તે કલ્યાણને ખાતર વસ્તુઓ ત્યાગ શા માટે કરે ? કલ્યાણ એટલે બેઠા બેઠા માળા જપવી એમ નહિ , કલ્યાણ એટલે લોકહિતના વ્રતને માનવસમાજમાં સાર્થક કરવું .

ભગવાન પ્રત્યેના પ્રેમને લીધે માણસના નાના મોટા બધા દુખો પોતે ઉઠાવી લેવાની શક્તિ અને સાધના આપણા દેશમાં વ્યાપક ભાવે જોવામાં આવતી નથી , એ વાત ગમે એટલી અપ્રિય હોય તોયે એનો સ્વીકાર કર્યા વગર આપણો છૂટકો જ નથી .પ્રેમ ભક્તિમાં જે ભાવનો આવેગ હોય છે , રસની લીલા હોય છે , તે આપણામાં પુરતા છે ; પરંતુ પ્રેમમાં જે દુખ:સ્વીકાર કરવાનો ભાવ હોય છે , જે આત્મત્યાગ હોય છે , સેવાની જે આકાંક્ષા હોય છે , જે વીર્ય દ્વારા જ સિદ્ધ કરી શકાય છે , તે આપણામાં ક્ષીણ છે . આપણે જેને ઠાકોર સેવા કહીએ છીએ તે દુ:ખપીડિત  માણસો મારફત ભગવાનની સેવા નથી .આપણે પ્રેમની રસલીલાને જ ઐકાંતિક રીતે સ્વીકારી લીધી છે , પ્રેમની દુ:ખલીલાને સ્વીકારી નથી . પ્રેમને ખાતર દુ:ખ વેઠવું એ જ સાચું ત્યાગનું ઐશ્વર્ય છે ; એના વડે જ માણસ મૃત્યુ ઉપર વિજય મેળવે છે .

શાસ્ત્રમાં કહ્યું છે કે नायमात्मा बलहीनेन लभ्य : | અર્થાત , દુ:ખનો સ્વીકાર કરવાનું બળ જેનામાં નથી તે પોતાને સાચી રીતે પામી શકતો નથી . એનો એક પુરાવો એ છે કે આપણે પોતાના જ દેશને પોતે પામી શક્યા નથી . આપણા દેશના માણસો કોઈ કોઈના પણ પોતીકા ન થઇ શક્યા .દેશ જેને પુકારે છે તે જવાબ દેતો નથી . અહીની જનસંખ્યા તેની શક્તિને બદલે તેની દુર્બળતાને જ પ્રગટ કરે છે . એનું મુખ્ય કારણ એ કે આપણે દુ:ખ દ્વારા એકબીજાને પોતાના કરી શક્યા નથી . આપણે દેશના માણસોને કશું મુલ્ય જ ચુકવ્યું નથી – મૂલ ચૂકવ્યા વગર મળે શી રીતે ? માં પોતાના પેટના સંતાનને પણ રાતદિવસ સેવા-દુ:ખનું મુલ્ય ચૂકવીને પ્રાપ્ત કરે છે .

તેના જ સંદર્ભને આગળ વધારતા , દારિદ્રય વિષે

આપણામાંના ઘણા અહંકારપૂર્વક કહેતા હોય છે કે , દારિદ્રય જ અમારું ભૂષણ છે .ઐશ્વર્યને પ્રાપ્ત કરવાની અને પોતાના કબજામાં રાખવાની જેમનામાં શક્તિ છે તેમનું જ દારિદ્રય ભૂષણ હોઈ શકે .જેમને પેટ ભરીને ખાવાનું મળતું નથી એટલા માટે જેઓ સદા અવસાદથી ફિક્કા પડી ગયા હોય છે , જેઓ કોઈ પણ ઉપાયે જીવ બચાવવા ઈચ્છે છે , છતાં જીવ બચાવવાના કઠીન ઉપાય લેવાની જેમનામાં શક્તિ નથી એટલે જેઓ વારંવાર ધૂળમાં આળોટી પડે છે , પોતે દરિદ્ર હોવાને કારણે જ જેઓ તક મળતા બીજા દરિદ્રનું શોષણ કરે છે અને પોતે અશક્ત હોવાને કારણે જ સત્તા મળતા જ બીજા અશક્તો ઉપર ઘા કરે છે , તેમનું દારિદ્રય ભૂષણરૂપ નથી જ .

Now towards the conclusion of Europe tour :

એટલે હું કહેતો હતો કે તીર્થયાત્રાની ભાવનાથી જ જો યુરોપના પ્રવાસે જઈએ તો તે નિષ્ફળ નહિ જાય .ત્યાં પણ આપણા ગુરુ છે – એ ગુરુ તે ત્યાના ” માનવસમાજની અંતરતમ દિવ્યશક્તિ “. બધે જ ગુરુને શ્રદ્ધા પૂર્વક શોધી લેવા પડે છે , આંખ ઉઘડતા જ કાઈ સામે જ મળતા નથી .ત્યાં સમાજના જે પ્રાણ- પુરુષ છે , તેમને આપણી અંધતા અને અહંકારને કારણે જોયા વગર જ પાછા આવી રહીએ એ સંભવિત નથી , અને એવી એક વિચિત્ર માન્યતા લઈને પાછા આવીએ એમાં પણ નવાઈ નથી કે , યુરોપનું ઐશ્વર્ય કારખાના પર આધાર રાખે છે અને પશ્ચિમ ખંડના સમસ્ત માહાત્મ્યના મૂળમાં યુધ્ધના શસ્ત્રો , વેપારના વહાણો અને બાહ્ય વસ્તુના ગંજ રહેલા છે .જે પોતાની અંદર સાચી શક્તિને અનુભવી શકતો નથી તે બહુ સહેલાઈથી એમ માની બેસે છે કે , શક્તિ બહારની વસ્તુઓમાં છે અને જો કોઈ પણ રીતે અમે પણ કેવળ એ બહારની વસ્તુઓ પર કબજો મેળવી શકીએ તો અમારું બધું દારિદ્રય ફીટી જાય . પરંતુ યુરોપ ચોક્કસ જાણે છે કે રેલ્વે , યંત્રો અને કારખાનાઓને લીધે તે મોટું નથી .એટલા માટે જ વીરની પેઠે તે સત્યને ખાતર ધન અને પ્રાણ સમર્પણ કરી રહ્યું છે .

{ હકીકતે ” પ્રવાસે ઉપડતા પહેલા ” , અત્યંત લાંબો વિચાર વિસ્તાર છે , પણ આંગળીઓ એ ના પડી હોવાથી ઘણું ઓછું આપી શક્યો , પણ તેનું Content એટલું તો જોરદાર છે કે એમાંથી આખી આખી એક નવી પોસ્ટ બની શકે 😉 , આજથી ૧૦૦ વર્ષ પહેલા તેમણે ભારતીય સમાજની કેવી તો નસ પકડી પાડી હતી કે વાત જ જવા ધ્યો ! }

કાનુડી 

If you shed tears when you miss the sun ,

you also miss the stars .

સૂર્યના વિયોગમાં જો આંસુ સારશો ,

તો તમે તારાઓનું દર્શન પણ ગુમાવશો . { અનુ : નગીનદાસ પારેખ }

જો તો ખરો !

ભજન , પૂજન , સાધન , આરાધના – બધું પડ્યું રહેવા દે . તું શું કરવા બારણા બંધ કરીને દેવાલયના ખૂણામાં પડી રહ્યો છે ? અંધારામાં છુપાઈને તું એકલો એકલો કોને પૂજી રહ્યો છે ? આંખ ખોલીને જો તો ખરો , ઓરડામાં દેવ તો છે જ નહિ ! તે તો ખેડૂતો જ્યાં માટી ભાંગીને ખેડ કરી રહ્યા છે , મજુરો જ્યાં પથ્થર ફોડીને રસ્તો બનાવી રહ્યા છે , ત્યાં ગયા છે , અને તડકામાં અને વરસાદમાં બારે માસ તેમની સાથે મહેનત – મજુરી કરે છે .તેમને બંને હાથે ધૂળ લાગી છે .તેમની પેઠે પવિત્ર વસ્ત્ર કાઢી નાખીને તું પણ ધરતીની ધૂળમાં ચાલ્યો આવ . મુક્તિ ! અરે મુક્તિ ક્યાં મળવાની હતી , મુક્તિ છે જ ક્યાં ? પ્રભુ પોતે જ સૃષ્ટિના બંધનથી આપણી સૌની સાથે બંધાયેલા છે . રહેવા દે તારું ધ્યાન , અને પડી રહેવા દે તારી ફૂલની છાબને . વસ્ત્ર ફાટે તો ભલે ફાટતા , ધૂળ-માટી લાગે તો ભલે લાગતી .તું તારે કર્મયોગમાં તેમની સાથે થઇ જા અને માથાનો પસીનો પગે ઉતારવા દે .

{ કેમ બાકી ગાભા કાઢી નાખ્યા ને , OMG ! જોયા વગર 🙂 તો ચાલો સૌ મારી સાથે ગાઓ : આમી છે તોમાર , તોમી છે અમાર 😀 }

કાનુડી

By plucking her petals

you do not gather the beauty of the flower .

પુષ્પની પાંદડીઓ ચૂંટી લઈને ,

આપણે તેનું સૌન્દર્ય ભેગું કરી શકતા નથી . { અનુ : નગીનદાસ પારેખ }

તો અહી ઠાકુર સાથેની યાત્રા પૂરી થાય છે , મારી અને તમારી પણ . . . મારી એક અંગત ઈચ્છા એવી હતી કે મારા જીવન પર પ્રભાવ પાડેલા ‘ત્રણ’ ભારતીય સપૂતોની વાત હું આપને હળવા અંદાજમાં કરી શકું તો કઈક જલસો પડે અને તે મહાપુરુષો વિષે ખરેખર કઈક જાણવા મળે , તેમના જીવનની પ્રસંગ ઝરમર આપ જાણી શકો કે ભવિષ્યમાં તે લોકોને જાણવા માંગતા લોકોને અહીંથી કાંઈ વિશેષ મળી શકે . . . બાકી રહેલા બે આદર્શોની વાત જે દિવસે આંખ અને આંગળી સાથ આપે તે દિવસે . . . હૃદયથી લખ્યું છે તો આંખોથી નહિ પણ હૃદયથી જ વાંચજો અને હૃદયથી જ પોરસ ચડાવતા રહેજો 🙂 :):)

પ્રકાશક :સંસ્કાર સાહિત્ય મંદિર

૫ , N.B.C.C હાઉસ , સહજાનંદ કોલેજ પાસે ,

પોલીટેકનીક , અમદાવાદ – ૩૮૦૦૧૫ Ph : ૦૭૯-૨૬૩૦૪૨૫૯

કિંમત – રૂ. ૬૦

લટકામાં . . !

God’s great power is in the gentle breeze , 

not in the storm .

પરમેશ્વરનું પ્રચંડ સામર્થ્ય

વાયુની મંદ લહરમાં છે – ઝંઝાવાતમાં નહિ . { અનુ : નગીનદાસ પારેખ }


I am the autumn cloud , empty of rain :

see my fullness in the field of ripened rice .

હું છું મેઘજળ વરસાવી ચુકેલી હેમંતની વાદળી :

મારો વૈભવ પરિપક્વ ડાંગરના ખેતરમાં નિહાળજો . { અનુ : નગીનદાસ પારેખ }


God loves man’s lamp-lights

better than his own great stars .

ઈશ્વરને પોતાના મોટા મોટા તારાઓના કરતા ,

માનવીએ પેટાવેલા કોળિયા વધુ વ્હાલા છે . { અનુ : નગીનદાસ પારેખ }


This world is the world of wild storms

kept tame with the music of beauty .

આ વિશ્વ તો ભયાનક ઝંઝાવાતોનું વિશ્વ છે ;

એને અંકુશમાં રાખેલા છે સૌન્દર્યના સંગીતે . { અનુ : નગીનદાસ પારેખ }


The hills are like shouts of children 

who raise their arms ,

trying to catch stars.

આ પહાડો જાણે કે

હાથ ઊંચા કરીને તારાઓને પકડવા મથતા

બાળકોના પોકારો છે . { અનુ : નગીનદાસ પારેખ }


Let this be my last word ,

that I trust in thy Love .

મારો અંતિમ શબ્દ એ હજો કે

તારા પ્રેમમાં મને વિશ્વાસ છે . { અનુ : નગીનદાસ પારેખ }