ટૅગ્સ

, , , , , ,

પાંદડે પાંદડે રવિ – મહેશ દવે

જેમકે મેં ” ચાલો રવીન્દ્ર સફરે ” સીરીઝમાં કહ્યું હતું તેમ , એક દિન મેં વાપિસ આઉંગા ઓર . . ઓર ચુન ચુન કર મારુંગા 🙂 [જેમ ‘કરણ અર્જુન’માં , રાખી આખા પિકચરમાં એક નો એક હથોડો ઝીક્યે રાખે છે કે મેરે કરણ અર્જુન આયેંગે . . મેરે કરણ અર્જુન આયેંગે 😀 ], અરે બીજું  કાઈ નહિ , બીજે ભાગ પર લે જાઉંગા ઓર ચુન ચુન કર દિખાઉંગા ,બીજું શું ! { ક્યારેક બાવાહિન્દીમાં પણ બોલવું જોઈએ , કે જેથી કરીને રાષ્ટ્રભાષા અને બાવા બેય નું માન રહી જાય અને ખાસ તો બાવાના બેય ન બગડે 😀 } અને ક્યારેક આવો વાણી વિલાસ પણ કરવો જોઈએ કે જેથી  કરીને વાણીનું મુલ્ય સમજાય , માટે વ્યર્થ વાણી વિલાસ ન કરતા { વાણી વિલાસ જ વ્યર્થ કહેવાય , એમાં ” વ્યર્થ વાણી વિલાસ ” આવો શબ્દ ક્યાંથી આવ્યો હશે ! 😉 } લઇ જાઉં તમને ” રવીન્દ્રનાથ ટાગોર ” ના જીવનની અવનવી પ્રસંગઝરમર માં ભીંજાવા અને રસ તરબોળ થવા . . .પાંદડે પાંદડે રવિ

માનનીય લેખક મહેશ દવે દ્વારા અઢળક રવીન્દ્ર સાહિત્યને ફંફોસી , અસંખ્ય માહિતી સ્ત્રોતોને ધ્યાનમાં રાખી તૈયાર થયું છે આ પુસ્તક , પાંદડે પાંદડે રવિ . . . પ્રથમ તો ગુજરાતી ભાષામાં જેટલું પણ ટાગોર વિશેનું સાહિત્ય ઉપલબ્ધ હતું એ ભારે ભરખમ ભાષામાં અને ઘણું ઓછું હતું કે જે માટે કાં તો કોઈએ કોઈક યુનીવર્સીટી લાઈબ્રેરી માં જવું પડે અથવા તો તેને અંગ્રેજી ભાષામાં વાંચવું પડે , પણ છેલ્લા ત્રણ ચાર વર્ષોમાં ગુજરાતી ભાષામાં આ ક્ષેત્રે સારું એવું સાહિત્ય નજરે ચડી રહ્યું છે . શ્રી મહેશ દવે એ ગુજરાતી જનતાને રવીન્દ્રનાથ ટાગોર વિષે સારા એવા પ્રમાણમાં ખેડાણ કરી આપ્યું છે . આ પૂર્વે તેઓએ ” કવિતાનો સૂર્ય : રવીન્દ્ર્ચરિત ” નામનું અત્યંત અદભુત પુસ્તક આપેલ હતું .

અને છેક , ૨૦૦૯મા આવેલ શ્રી મહેશ દવેના સરદાર પટેલ વિશેના પુસ્તક ” બરફમાં જવાળામુખી ” વિષે તો આપને ખ્યાલ જ હશે .

મહેશ દવેના રવીન્દ્રનાથ ટાગોર પરના આ બે પુસ્તક ઉપરાંત રવીન્દ્રનાથ ટાગોર ની ‘વિજયા’ સાથેની પત્રાવલી , ” રવીન્દ્ર – ઓકામ્પો  પત્રાવલી ” પણ માણવા જેવું સાહિત્ય છે . તેમણે ઘણા અન્ય પ્રકારમાં પણ અદભુત પ્રદાન આપેલ છે , જેમ કે નવલકથા , વાર્તાસંગ્રહ , કાવ્યસંગ્રહ , ચરિત્રલેખન , પરિચય પુસ્તિકા , પ્રવાસકથા , ધર્મ ચિંતન , દ્રષ્ટાંત કથા શ્રેણી , અનુવાદ અને સંપાદન  { મુખ્યત્વે સુરેશ દલાલ સાથે  } .

{ Update : http://sureshbjani.wordpress.com/2006/09/11/mahesh_dave/ }

તો દુર દુર ઉભા રહીને સાગરના મોજાઓ નિહાળીને શું હરખાવું , મારો ધુબાકો + છલાંગ આ રવીન્દ્રસાગરમાં . . . મુખ્યત્વે તો મેં સાત પ્રસંગો અહી વર્ણવ્યા છે પણ અન્ય મનનીય પ્રસંગોમાં બંગાળના બાઉલ , આવશે ક્યારે મારો કાગળ , ભારત : વૈવિધ્યમાં એકતા , ગીતાંજલિ અને નોબેલ પુરસ્કાર , ઘરે બાહિરે અને શાંતિ નિકેતન :રવીન્દ્રનાથનું વન – ઉપવન – તપોવન પણ જબરા અસર છોડનારા છે , તો ચાલો પાંદડે પાંદડે રવિ નીરખવા . . . 

લાખ જોજન દુરનો તારો પણ એનું નામ જાણે 

1} રવીન્દ્રનાથ લંડનમાં હતા તે દરમ્યાન ઓગષ્ટ , ૧૯૨૦ માં સુસાન ઓવન નામના બહેને રવીન્દ્રનાથને એક પત્રમાં લખ્યું ; સૈનિક તરીકે યુધ્ધમાં જોડાતા પહેલા મારો પુત્ર વિલ્ફ્રેડ મને ” ગુડ બાય ” કહેવા આવ્યો . તે વખતે મારા કવી પુત્રે મારી સમક્ષ તમારું એક કાવ્ય વાંચ્યું , તેના પ્રારંભના  શબ્દો હતા;

અહીંથી જયારે જાઉં ચાલ્યો ત્યારે હજો આ મારા વિદાય વચનો ”

તેના મૃત્યુ બાદ એની ખિસ્સા ડાયરી મને મોકલી આપવામાં આવી . તેમાં પણ તેના વહાલસોયા અક્ષરોમાં એ જ પંક્તિ ઉતારી હતી . તે પંક્તિ નીચે તમારું નામ લખ્યું હતું . . .એ પંક્તિવાળી  તમારી આખી કવિતા મને ક્યાં પુસ્તકમાંથી મળશે એ જણાવવાનું કષ્ટ તમને આપી શકું ?

2} પ્રથમ વિશ્વ યુધ્ધમાં બ્રિટન વતી લડતો એક ભારતીય સૈનિક મરણતોલ ઘવાયો અને યુધ્ધકેદી તરીકે જર્મનોના હાથમાં પડ્યો . એક પગ કાપી નાખવામાં આવે તો જ તેનો જીવ બચે તેમ હતો . તેનો પગ કાપવા જર્મન ડોક્ટરને તેની સંમતિ જોઈતી હતી . સૈનિક બહુ ગભરાયેલો હતો , કારણકે યુદ્ધકેદીઓ પર જર્મનોના ક્રૂર જુલ્મની વાતો એણે સાંભળી હતી . જર્મન ડોક્ટર વિમાસણમાં હતા : સૈનિકનો વિશ્વાસ સંપાદન કરી પગ કાપવા તેની સંમતિ કેવી રીતે મેળવવી ? ડોક્ટર અંગ્રેજી જાણતા નહોતા અને ભારતીય   સૈનિક જર્મન જાણતો ન હતો . જર્મન ડોકટરે બહુ વિચાર કર્યો : કયો શબ્દ બોલું તો આ ભારતીય સૈનિકના મનમાં વિશ્વાસ પેદા થાય અને એ ડોકું હલાવી પગ કાપવા સંમતિ આપે ? અંતે ડોક્ટરને રસ્તો સુઝ્યો . ડોકટરે સૈનિકના કાનમાં ત્રણ વાર મોટેથી શબ્દોચ્ચાર કર્યો ; ‘ રવીન્દ્રનાથ ટાગોર , રવીન્દ્રનાથ ટાગોર , રવીન્દ્રનાથ ટાગોર ‘ . સૈનિકના મોં પર ચમક આવી .અને તેણે ડોકું હલાવી યોગ્ય હોય તે કાપકૂપ કરવા સંમતિ આપી .

3} જર્મનોના પ્રતિબંધ છતાં અનાથાશ્રમના યહૂદી બાળકોનો સાથ લઇ કોરઝાક નામના પોલેન્ડના સાહિત્યકારે ટાગોરનું નાટક ‘ પોસ્ટઓફીસ ‘ આશ્રમમાં ભજવ્યું . કોરઝાકને જયારે પૂછવામાં આવ્યું કે શા માટે તેણે આ નાટક ભજવવા માટે પસંદ કર્યું હતું ? તેમણે કહ્યું : આ નાટક શીખવે છે કે પ્રત્યેક જણે આખરે મૃત્યુના ફરીસ્તાને ધીર – સ્થિર શાંતિથી સ્વીકારવાનો છે . એકાદ મહિના પછી જ જર્મન ફાસીવાદી સૈનિકોએ ગેસ ચેમ્બરમાં કોર્ઝાક અને અનાથાશ્રમના યહૂદી બાળકોની હત્યા કરી નાખી .

આવી હતી રવીન્દ્રનાથની વિશ્વકીર્તિ , પ્રતિષ્ઠા અને લોકોત્તરતા .

દેવેન્દ્રનાથ અને બ્રહ્મોસમાજ

દેવેન્દ્રનાથ ( રવીન્દ્રનાથના પિતાજી ) ના મતે મૂળ વેદધર્મ સરળ એકેશ્વરવાદી હતો .ક્રિયાકાંડ , અંધશ્રદ્ધા , મૂર્તિપૂજા જેવા દૂષણ પાછળથી પ્રવેશ્યા . એકેશ્વર વાદી વૈદિકધર્મ પાલન માટે તેમણે બ્રહ્મસભા શરુ કરી .તેમાંથી પછી બ્રહ્મોસમાજ વિકસ્યો . દેવેન્દ્રનાથ ક્રિયાકાંડ , ધર્મ ઉત્સવો વગેરેથી દુર રહ્યા . પુત્ર પુત્રીઓના લગ્ન સાદી બ્રહ્મોસમાજની વિધિથી કર્યા ,આ બધા કારણે એમને જ્ઞાતિજનોનો ખોફ અને બહિષ્કાર પણ સહેવો પડ્યો . જોકે બધી જ સંસ્થાઓની જેમ વખત જતા બ્રહ્મોસમાજ પણ જડ ચોકઠામાં બંધાતો ગયો ; જેમ કે

બ્રહ્મોસમાજના કોલેજના આચાર્યને રસ્તે જતા યુવાને પૂછ્યું ; મહાશય , સ્ટાર થીયેટર ક્યાં આવ્યું ? મનોરંજનના વિરોધી આચાર્યે કહ્યું ; મને ખબર નથી . થોડે દ્દુર ગયા પછી તેમને લાગ્યું કે પોતે જુઠ્ઠું બોલ્યા કહેવાય . એ પાછા ફર્યા અને યુવાનને કહ્યું ; સ્ટાર થીયેટર ક્યાં આવ્યું એની મને ખબર છે , પણ હું તમને રસ્તો બતાવીશ નહિ ! આવા ચોખલીયાવેડાથી સમયના કાંટા પાછા ફેરવી શકાતા નથી .

નવસખ્ય

બાળ રવીન્દ્રને મોટા ભાઈ જ્યોતીરીન્દ્ર્નાથ પાસેથી ઘણું ઘણું શીખવા મળ્યું હતું . સાહિત્ય , સંગીત , નાટક , કલા , અને કસબ  એ સર્વ મોટા ભાઈની દેણ હતી . જ્યોતીરીન્દ્ર્નાથના પત્ની કાદમ્બરી દેવી એ રવીન્દ્રનાથને નોખા જ પ્રકારનો ઉપહાર આપ્યો . તેમની પાસેથી રવીન્દ્રને સ્નેહની ભીનાશ , ઉષ્મા અને હુંફનો હૃદય વૈભવ સાંપડ્યો . મોટી ઉંમરે રવીન્દ્રનાથે લખ્યું છે , ” પ્રકાશ અને તાજી હવા જેટલી જ બાળકને સ્ત્રીઓના સ્નેહભીના લાડ – પ્યારની જરૂર હોય છે . ”

બાળ રવીન્દ્ર નોકરોની કેદમાં ઉછરતા હતા . લગભગ આ જ સમયે કાદમ્બરી ‘ બાલીકાવધુ ‘ રૂપે ટાગોર કુટુંબમાં દાખલ થયા . તે વખતે કાદ્મ્બરીની ઉમર નવ વર્ષની . રવીન્દ્ર તેનાથી એકાદ વર્ષ નાના . નાક – નકશે કાદમ્બરી નમણા ને સોહામણા . ‘ ઘઉંવર્ણા કુમળા હાથમાં સોનાના નાજુક કંકણ ધારણ કરેલી ‘ આ બાલિકાને સખી બનાવવાનું , તેની સાથે રમવાનું બાળ રવીન્દ્રને બહુ મન . ‘ તેમનાથી થોડું અંતર રાખીને તેમની આસપાસ આંટા – ફેર મારવાનું ગમતું ‘ .

દેવેન્દ્રનાથ સાથે હિમાલય પ્રવાસ કરી આવ્યા પછી રવીન્દ્રને નારીવૃંદમાં પ્રવેશ મળ્યો હતો . કાદમ્બરી ભાભી સાથે હવે બોલવા – ચાલવાનું વધ્યું હતું . રવીન્દ્રના સંકોચની દીવાલ તૂટી ગઈ હતી . ભાભીની સાથે નવસખ્ય પાંગર્યું હતું . એકબીજા વગર બેઉને ચાલતું નહિ . રવીન્દ્ર વાંચે અને કાદમ્બરી સાંભળે એવો સાહિત્ય – સહવાસ રચાયો હતો .

કાદમ્બરી ફૂલ , બગીચા , પક્ષીઓ , સંગીત અને સાહિત્યના ચાહક હતા . સારા ભાવક હતા . એમનું વાંચન સમય પસાર કરવા માટે નહોતું . એ ખરા રસાનંદ્થી  વાંચતા . રવીન્દ્ર બંકિમચંદ્રની  ધારાવાહિક નવલકથાનો હપ્તો સામાયિકમાંથી વાંચે . કાદમ્બરી આરામખુરશીમાં બેઠા બેઠા , હાથ પંખાથી પોતે હવા ખાતા જાય અને કથા સાંભળતા જાય એવો તાલ થતો .

પોતાના પ્રિયજનને બધા બોલાવે એ નામે બોલાવવાનું રવીન્દ્રને ગમતું નહિ . તેથી તેમને પરિચયમાં આવેલી અને સ્મરણીય બની રહેલી એના તુરખડ  નામની કિશોરીને “ નલિની ” નામ આપેલું . પાછલી ઉમરે નાજુક – ગાઢ સંબંધમાં આવેલી યુવતી વિક્ટોરિયા ઓકામ્પોને ” વિજયા ” નામ આપેલું , તેમ કાદ્મ્બરીને રવીન્દ્રનાથે સૌન્દર્યની ગ્રીક દેવી ” હેક્ટે ” નામ આપેલું .રવીન્દ્રનાથે તેમના છએક જેટલા પુસ્તકો ” હેક્ટે “ને અર્પણ કર્યા છે .

ભાભીને દિયરની કવિતા અને સંગીતનો સારો સાથ હતો . રવીન્દ્રનાથનું લખેલું બધું કાદમ્બરી વાંચતા . જોકે રવીન્દ્રનાથની પ્રશંસા કરવામાં સહેજ કૃપણ રહેતા . રવીન્દ્રના કંઠ અને દેખાવની ટીકા કરતા . એની પાછળ કાંઈક અંશે દિયરને ચીડવવાનો ભાવ હતો તો કાંઈક અંશે રવીન્દ્ર ચગી ન જાય તે માટેની સાવધાની હતી .દિયર – ભોજાઈનો સંબંધ રસિક અને રમતિયાળ હતો .

અધ – ખીલ્યો ને અધ -ખુલ્યો રોમાન્સ ?

રવીન્દ્રનાથની સતરેક વર્ષની ઉંમરે તેમને બેરિસ્ટર થવા ઇંગ્લેન્ડ મોકલવાનું કુટુંબે વિચાર્યું .અંગ્રેજી વાંચન અને બોલચાલમાં એ પાવરધા થાય તે માટે તેમને થોડો વખત મોટા ભાઈ સત્યેન્દ્ર્નાથને ત્યાં અમદાવાદ મોકલ્યા . સત્યેન્દ્રનાથ અમદાવાદમાં ન્યાયાધીશ તરીકે કામ કરતા હતા .સરકારે તેમને રહેવા માટે શાહીબાગનો શાહજહાં માટે બનાવેલો મહેલ આપેલો . સત્યેન્દ્ર્નાથે વિચાર્યું કે રવીન્દ્રને અંગ્રેજી – એટીકેટ એટલે કે શિષ્ટાચાર પણ શીખવવો જોઈએ . મુંબઈ રહેતા તેમના એક ડોક્ટર મિત્ર આત્મારામ તરખુંડને ત્યાં રવીન્દ્રને મોકલ્યા . ડોક્ટરની દીકરી અન્નપુર્ણા લાંબો વખત લંડન રહીને હમણા જ મુંબઈ આવી હતી . અન્નપુર્ણા ને બધા ” એના ” ના ટૂંકા નામથી બોલાવતા .

એના બિન્ધાસ્ત હતી . ઉંચો , ગૌર , કસાયેલા દેહવાળો , રૂપાળો કિશોર રવીન્દ્ર એને ગમી ગયો . રવીન્દ્ર પોતાની કવિતા એનને ગાઈને સંભળાવતો .એના કવિતાનો અંગ્રેજી અનુવાદ કરી આપતી . દાદ મળે એટલે કવિ અને ગાયક ખુશ . એમ સમય આનંદમાં વીત્યે જતો હતો . એનાએ રવીન્દ્રને વિનંતી કરી , કવિ , મને ” એના ” કહીને તો બધા બોલાવે છે , તું મને કોઈ આગવું , તારું પોતાનું આપેલું એવું નોખું નામ આપી મને બોલાવ ! રવીન્દ્રે વિનંતી સ્વીકારી .રવીન્દ્રે પોતાની લખેલી કાવ્યકથા ” કવિકાહીની ” ની નાયિકા ” નલિની “નું નામ એનાને આપ્યું , પછી એનાને રવીન્દ્ર ‘નલિની ‘ કહી સંબોધતા .

એક વાર એનાએ રવીન્દ્રને કહેલું ; રવીન્દ્ર , આ તારા ચહેરાની રેખાઓ બહુ સુંદર છે . એ રેખાઓ કદી દાઢી વધારીને ઢાંકિશ નહિ . મોટી ઉંમરે રવીન્દ્રે દાઢી વધારેલી ખરી , પણ ત્યારે ” એના ” મૃત્યુ પામી ચુકી હતી . ‘નલિની ‘ પર રવીન્દ્રે ગીતો પણ રચેલા . એક વાર આવું એ ગીત ભૈરવીમાં ગાઈ રવીન્દ્રે એનાને મંત્ર મુગ્ધ કરી દીધી હતી . એણે કહેલું ; કવિ તારું ગીત સાંભળીને તો હું મૃત્યુલોકમાંથી પણ પછી આવી જાઉં .

બિન્ધાસ્ત ‘ નલિની ‘એ એક વાર રવીન્દ્રની કસોટી કરી . એણે રવીન્દ્રને કહ્યું કે ; ઈંગ્લેન્ડમાં એવી એટીકેટ છે કે કોઈ સ્ત્રી ઊંઘી ગઇ હોય તે વખતે પુરુષ સ્ત્રીના મોંજાં ચોરી લે તો તે પુરુષને એ સ્ત્રીને ‘ કિસ ‘ કરવાનો અધિકાર મળે છે . આવી વાત કર્યા પછી થોડી વારે ‘નલિની ‘આરામખુરશીમાં સુઈ ગઇ . તેના મોજા બાજુમાં જ પડ્યા હતા . રવીન્દ્ર એ ચોરી શક્યા હોત , પણ ‘ નલિની ‘જાગી ત્યારે મોંજાં ત્યાના ત્યાં જ પડ્યા હતા ! બિચારો સતર વર્ષનો શરમાળ કિશોર !

વૃદ્ધાવસ્થામાં રવીન્દ્રનાથને કોઈએ એના તરખુંડ વિષે પૂછેલું . રવીન્દ્રનાથે જવાબ આપેલો ; સમયની સાથે તેના ફૂલગજરા કરમાઈ ગયા હશે , પણ તેની સુગંધની સ્મૃતિ કદી જ વિખરાવાની નથી .

ડૂબી ગયો , તારો એકલ ડૂબી ગયો 

રવીન્દ્રનાથ બાવીસ વર્ષના થયા હતા . કુટુંબની પરંપરા પ્રમાણે તેમના લગ્ન ક્યારના થઇ ગયા હોત .પરંતુ લગ્નની બાબતમાં રવીન્દ્રનાથ ભારે નિરુત્સાહી હતા .ઘરના બધા લગ્ન કરવા આગ્રહ કરે ત્યારે બોલતા નહિ .નીચું જોઈ મૂંગા મૂંગા બેસી રહેતા .પ્રેરણા આપે એવો નાજુક રસિક સંબંધ ગમે . પણ અત્યંત સંકુચિત – મર્યાદિત બ્રાહ્મણ – ગોળમાંથી જ પરણવાની પરંપરા , નાની અબુધ – અભણ ” બાલીકાવધુ “ને પરણવાનો રીવાજ , સાહિત્ય – સંગીતરસિક જીવનસાથી હોય એ લગભગ અસંભવ .

ઘરનાઓના આગ્રહ અને ખાસ તો પિતા દેવેન્દ્ર્નાથના આદેશને કારણે અંતે બાવીસ વર્ષના રવીન્દ્રનાથે દસ વર્ષના દુબળા -પાતળા , દેખાવે સામાન્ય અને લગભગ નિરક્ષર એવા મૃણાલીનીદેવી સાથે લગ્ન કર્યા .લગ્ન ઝડપથી લેવાયા અને સાદાઈથી આટોપાયા . ‘ જીવનસ્મૃતીમાં ‘ કેટલીય બાબતો અંગે વિસ્તારથી લખાણ છે . લગ્ન વિષે ફક્ત એક જ વાક્ય છે : થોડા જ સમયમાં ૯-૧૨-‘૮૩ના દિવસે મારા લગ્ન થયા , ત્યારે મારી ઉંમર બાવીસ વર્ષની હતી .એ સિવાય લગ્ન કે મૃણાલીનીદેવી વિષે કશો ઉલ્લેખ નથી . ચારેક મહિનાથી કાદમ્બરી ભાભી વિષાદ અને મનોદબાણથી પીડાતા હતા . લગ્નમાં એ ભાગ લઇ શક્યા નહોતા . પતિ જ્યોતિરીન્દ્ર્નાથ નો તેમને ખાસ સાથસહવાસ નહોતો . જમીનદારી – વહીવટના કામો અને નાટકો લખવા – ભજવવામાં એ ગળાડૂબ હતા . નટીઓ સાથે એમને મીઠા સંબંધો હતા .હમણા વળી એ સત્યેન્દ્ર્નાથના પત્ની જ્ઞાનદાનંદીના સહકારથી ‘ સ્ટીમશીપ   ‘ કંપની ઉભી કરવાના કારભારમાં પડયા હતા .

કાદંબરીદેવીના સાહિત્ય અને સંગીતના શોખનો ઘરના બીજો સાથે મેળ નહોતો . તે અતડા હતા , રવીન્દ્રનાથ સાથે મેળ જબરો ,પણ રવીન્દ્રનાથ લગ્નમાં પડયા હતા . કદાચ એ કારણે શરમ -સંકોચના માર્યા મળતા પણ ઓછું હશે . લગ્ન પછી મૃણાલીનીદેવી  ને ભણાવવાના – કેળવવાના બહાને જ્ઞાનદાનંદીની રવીન્દ્ર – મૃણાલીની દંપતીને પોતાને ઘેર રહેવા લઇ ગયા .કાદંબરીને કોઈ સંતાન નહોતું .તેમણે ઉર્મિલા નામની નણંદની દીકરીને પોતાની કરીને ઉછરેલી .તેને એ ખુબ ચાહતા . પાંચ વર્ષની ઉર્મિલા તેમના ખંડમાંથી નીચે ઉતરીને જતી હતી ત્યારે ગબડી પડી ને અવસાન પામી .કાદંબરીદેવી નો એકલતા અને કરુણતા નો પ્યાલો છલોછલ થઇ ગયો . અને એમણે અફીણ ઘોળી આપઘાત કર્યો !

રવીન્દ્રનાથે જબરો વ્રજઘાત અનુભવ્યો .જીવનભર એ ઘા કોરતો રહ્યો .પાછલી ઉંમરે રવીન્દ્રનાથે ચિત્રો દોરવાનું શરુ કર્યું ત્યારના તેમના સ્ત્રીઓના ચિત્રોમાં કાદંબરીદેવી ની રેખાઓ દેખાય છે .

પત્રે પત્રે લખી પ્રેમલિપી

૧૯૨૫માં રવીન્દ્રનાથનો કાવ્યસંગ્રહ ‘ પૂરબી ‘ પ્રગટ થયો . એ કાવ્યસંગ્રહ એમણે ‘ વિજયા ‘ નામની સ્ત્રીને અર્પણ કરેલો . આ વિજયા કોણ તેની એ વખતે કોઈને ખબર નહોતી . ઉડતી ઉડતી એવી વાતો થતી હતી કે આર્જેન્ટીનામાં કવિ જેમના મહેમાન થઈને રહેલા તે રહસ્યમય સન્નારી એ જ ‘ વિજયા ‘ . એવી પણ વાયકા હતી કે કવિના જીવનના છેલ્લા સતર વર્ષમાં એ ‘વિજયા ‘ જ એમના પ્રેરણા મૂર્તિ હતા . અને એમણે જ કવિને ચિત્રો દોરવા પ્રોત્સાહિત કરેલા .કવિએ દોરેલા કેટલાક ચિત્રોમાં તેમની છાયા છે .

રવીન્દ્રનાથના મૃત્યુ પછી ચાલીસ વર્ષે ૧૯૮૦મા કેતકી કુશારી ડાયસન નામના વિદુષી એ સંશોધન કરી ‘વિજયા ‘ વિષે પૂરો રહસ્યસ્ફોટ કર્યો છે . અમેરિકાની દક્ષીણે આવેલા રમણીય પ્રદેશ લેટીન અમેરિકાના ઘણા દેશો છે .તેમાં પેરુ અને મેક્સિકોમાં રવીન્દ્રનાથે વ્યાખ્યાન આપવા જવાનું હતું . રસ્તામાં તેમની તબિયત બગડી . ડોકટરો એ સંપૂર્ણ આરામ લેવા ફરમાવ્યું .તેથી તેમણે આર્જેન્ટીના ઉતરી જવું પડ્યું . અજાણ્યા પ્રદેશમાં , અજાણી ભાષા અને લોકો વચ્ચે ક્યાં રહેવું , શું કરવું એની મૂંઝવણ હતી .પણ કવિની જાણ બહાર એમના એક જબરા ‘ ફેન ‘ આર્જેન્ટીના ના બ્યુએનોસએરીસ માં રહેતા હતા . તેમનું નામ હતું ” વિક્ટોરિયા ઓકામ્પો ” .પોતાના પ્રિય પાત્રને પોતીકું લાડકું નામ આપવાની કવિને ટેવ . તે મુજબ એમણે વિકટોરિયાને નામ આપ્યું , ” વિજયા ” .

વિક્ટોરિયા તે વખતે ચોત્રીસ વર્ષના અને રવીન્દ્રનાથ ત્રેસઠ વર્ષના . પણ બંને વચ્ચે ઉત્કટ લાગણી નો નાજુક સંબંધ બંધાયો જે છાનો ન રહ્યો . વિક્ટોરિયા રવીન્દ્ર- સાહિત્યના પ્રેમ અને પ્રભાવમાં હતા .એમણે સાનઇસીદ્રોમાં પ્લેટ નદીને કિનારે આવેલો ” વિલા મીરાલરીયો ” નામનો બંગલો રવીન્દ્રનાથ માટે રાખ્યો અને પોતે નજીકમાં પોતાના માતા-પિતાને ત્યાં રહેવા ચાલ્યા ગયા .રવીન્દ્રનાથને લગભગ દોઢ મહિનાથી વધારે સમય ત્યાં ગાળવો પડ્યો .” વિજયા ” રોજ ‘ વિલા ‘માં આવતા , રવીન્દ્રનાથની અનેક રીતે સેવા કરતા . એક જ બંગલામાં હોવા છતાં એ દરમ્યાન નવ જેટલા પત્રોની તેમની વચ્ચે આપ લે થઇ .તેમના કેટલાક ખંડો :

એકલતાનો ભારે બોજ લઇ હું જીવી રહ્યો છું . . . મારા અંતરને કોઈ

પામે એવી મારી અભિલાષા સ્ત્રીના પ્રેમ વડે જ સંતોષાય .”

તું મને ચાહે છે એટલે જ આ બધી વાતો તને કહી શકું છું .’

રવીન્દ્રનાથે આર્જેન્ટીના છોડ્યું ત્યાર પછી પણ બંને વચ્ચેનો સંબધ અને પત્ર વ્યવહાર ચાલુ રહ્યો . તેમની વચ્ચે પચાસથી વધારે પત્રો લખાયા છે . આ પત્રો વિષે આપણા એક વિદ્વાને લખ્યું છે , ‘ પત્રે પત્રે લખી પ્રેમ લિપી ‘.

રવીન્દ્રનાથના જીવનમાં આવેલી સ્ત્રીઓમાં ” વિજયા ” કદાચ સૌથી વધુ બુદ્ધિમાન , રસિક , સાહિત્યપ્રેમી , સાહિત્યકાર અને રવીન્દ્રનાથ ના રસ – રૂચી સાથે તાલ મિલાવી શકે તેવા હતા .

લીટા દોરતા ચિત્રો થયાં

રવીન્દ્રનાથ વ્યવસ્થિત રહેનારા , ટાપટીપ કરનારા , ઠાઠ -ઠસ્સો રાખનારા શોખીન મિજાજના સૌન્દર્યલક્ષી જીવ હતા . એમના હસ્તાક્ષર સુંદર અને મરોડદાર .એમની હસ્તપ્રતો પણ એ ચીવટથી સુંદર રીતે બાંધતા . કાવ્યપંક્તિઓ ચિત્ર – લીપી હોય તેમ સુંદર રીતે ઉતારતા . કાવ્યને પોતાનું લીપી – રૂપનું બાહ્ય સૌન્દર્ય હોય છે . રવીન્દ્રનાથ એ જાળવતા . તે એટલે સુધી કે કવિતામાં જે છેક-છાક થાય એના લીટા , ટપકા વગેરેને જોડી એ ચિત્રરૂપ આપતા . આવી છેક-છાકમાંથી કોઈક અજબ ચિત્ર ઉપસતું . રવીન્દ્રનાથની આ ખાસિયત ૧૯૨૪મા આર્જેન્ટીનામાં વિક્ટોરિયા ઓકામ્પોના { વિજયા } ધ્યાન પર આવી . એમણે કહ્યું કે એમની છેક-છાક વગેરેમાંથી અનાયાસે સ્વપ્નોમાં જોતા હોઈએ એવા પ્રાણીઓ કે પક્ષીઓની આકૃતિઓ નીખરી આવે છે . એ એક પ્રકારનું ચિત્રકામ જ છે . એમણે રવીન્દ્રનાથને ચિત્રકલા પર હાથ અજમાવવા પ્રોત્સાહન આપ્યું .

રવીન્દ્રનાથે લખવા દરમ્યાન કરેલ છેક્છાકમાંથી ઉપસાવેલ ભાત : Image Sorce : – sotheby’s

તે પછી ચારેક વર્ષે ૬૮ વર્ષની ઉંમરે રવીન્દ્રનાથે ચિત્રકામ શરુ કર્યું .એમને માટે એ પણ કવિતાની જેમ લય અને સૌષ્ઠવનું કામ બની રહ્યું .એ ચીતરતા ગયા .તેમની ગતિ ઝડપી હતી . હાથ સ્થિર હતો .ચિતમાંથી વહેતો પ્રવાહ અસ્ખલિત હતો . જીવનના છેલ્લા બારેક વર્ષમાં તેમણે અસંખ્ય ચિત્રો કર્યા. તેમાંથી ૨૫૦૦ જેટલા ચિત્રો જળવાયા છે . ૬૮ વર્ષની ઉંમરે એમણે લખ્યું છે :

હું પહેલા જેટલો મુક્ત હોત તો પદ્માના કિનારે બેસી ફક્ત ચિત્રોનો

ફાલ ઉતારતો રહેત અને કાળની સુવર્ણ નૌકાને તેનાથી ભરી દેત .”

શરૂઆતમાં રવીન્દ્રનાથે તેમની ચિત્ર -પ્રવૃત્તિ પોતા પુરતી જ ગોપિત રાખી . શાંતિનિકેતન આવતા વિદેશી કલાકારોને જ તે ચિત્રો બતાવતા . એ બધાએ તેમના ચિત્રકામની ખુબ પ્રશંસા કરી .પછી તો વિક્ટોરિયા ઓકામ્પોની મદદથી પેરિસમાં અને રોધેનસ્ટાઇન ની મદદથી લંડનમાં એમના ચિત્ર – પ્રદર્શનો યોજાયા . ત્યાં એમના ચિત્રોની ભારે બોલબાલા થઇ .

એમના સમયમાં અને આજે પણ ચિત્રકાર તરીકે ભારતમાં રવીન્દ્રનાથની ગણના બહુ મોડેથી થઇ અને પ્રમાણમાં ઓછી થાય છે . પશ્ચિમ માં એથી અવળું થયું છે . ત્યાં કવિ અને સાહિત્યકાર તરીકે એ લગભગ ભૂંસાઈ ગયા છે , પણ ચિત્રકાર તરીકે આજે પણ જીવે છે . તેમના ચિત્રોનો અભ્યાસ થાય છે , પ્રદર્શનો ગોઠવાય છે .રવીન્દ્રનાથની ચિત્રશૈલી અરૂઢ અને પોતીકી છે . એમના ચિત્રોમાં ખાસ્સું વિષય વૈવિધ્ય છે . તેમાં દ્રશ્ય ચિત્રો { Landscapes } , રેખાચિત્રો { Portraits } , ત્વરીતચિત્રો { Sketches }, મનુષ્યાકૃતિઓ , આકૃતીજુથો , ચહેરાઓ , મહોરાઓ , પ્રાણીઓ , પક્ષીઓ , ફૂલો , વનપ્રદેશો , ભૂમિદ્રશ્યો  અને સ્વચિત્રો { Self-portraits }નો સમાવેશ થયો છે . ચિત્રકાર તરીકે તેઓ અમર રહેશે .

My Pictures { Collection of paintings }

Landscape 1

Landscape 2

Landscape 3 {Source : Google Images }

એક મુલાકાત અહી પણ . . . { રવીન્દ્રનાથ ટાગોરના ચિત્ર સંગ્રહમાંથી }

આ વખતે પોસ્ટ બનાવવામાં વચ્ચે વચ્ચે એવી તો વાટ લાગી કે કેટલાયય્ય્યય્ય દિવસોના વહાણા વીતી ગયા અને હવે ઠેઠ ઘી ના ઠામમાં ઘી પડ્યું { શુધ્ધ ‘ગાય’નું ઘી 😉 } , તમારી સાથે આવું ક્યારેય થયું છે કે પોસ્ટ શરુ તો થઇ જાય , પણ કેમે કરી ઝીલ અને મંઝીલ સુધી પહોચાય જ નહિ 😦

પ્રકાશકસ્વમાન પ્રકાશન

આલ્ફા ભવન , ૧૨ , સુહાસનગર , સેલ્સ ઇન્ડિયા ની પાછળ

ઓફ આશ્રમ રોડ , દિનેશ હોલ રોડના છેડે , સંકલ્પ રેસ્ટોરાં સામેની ગલીમાં

, અમદાવાદ – ૩૮૦૦૦૯ M : ૯૪૨૭૬૦૬૯૫૬

ISBN : 93-80983-16-5

લટકામાં . . !

હૃદયસ્થ ” સુરેશ દલાલ “ના શબ્દોમાં લેખક ‘ મહેશ દવે ‘ { પુસ્તકના અંતિમ પૃષ્ઠ પરથી }

મહેશ દવેમાં અનેક મહેશ છે .સહૃદય વાચક , નાટક ને સંગીતનો શોખીન , કેળવણીકાર , નવલકથાકાર , વાર્તાકાર , કવિ અનુવાદક – આવા અનેક પાસા હોવા છતાં લેખક તરીકે મહેશ જુદો છે .એ લાંબી લેખણે પણ લખી શકે છે અને લાઘવ પણ સાધી શકે છે .અખબારની કોલમમાં પ્રગટ થતી તેની ” પાંદડે પાંદડે . . .  ” શ્રેણીમાં બારેક પુસ્તિકાઓ થઇ છે .

મહેશે ” રવીન્દ્ર ચરિત ” { કવિતાનો સૂર્ય } લખ્યું ત્યારે ઘણું બધું વાંચ્યું ,ફંફોસ્યું અને અભ્યાસ કર્યો .તેની પાસે ટાગોરની પ્રસંગ કથાઓનો ખજાનો છે .કેટલાક પ્રસંગો તો એવા છે કે જે ટાગોરના અભ્યાસી ચાહકો પણ નહિ જાણતા હોય .એવા પ્રસંગોની બારીમાંથી મહેશે ટાગોરના વિવિધ ચહેરાઓ , પાસાઓ , સંબંધો , અહી ” પાંદડે પાંદડે રવિ ” માં રસપ્રદ રીતે રજુ કર્યા છે .

ઈચ્છું છું કે વૃક્ષ પર વધુ ને વધુ પાંદડા પ્રકટયા કરે અને એના પર મહેશની લીપી અંકાતી રહે .

Advertisements