ટૅગ્સ

, , , ,

રવીન્દ્રનાથ ટાગોર { શાંતિનિકેતનમાં , ૧૯૨૫ } , Source : Google Images

તો હવે આ મગલું { હેરી પોટર ફેઈમ } તરફથી નવું ડગલું , ઉફ્ફ પગલું . તો મારો ધૂમકો અને વહો રવીન્દ્ર્સરીતામાં . .

બહાર યાત્રા :

એક વખત જયારે કલકતામાં તાવનો ઘણો વાવર હતો ત્યારે અમારા બહોળા કુટુંબમાંના કેટલાક માણસો છાત બાબુના નદી પર આવેલા બંગલામાં રહેવા ગયા . હું પણ તેમની સાથે ગયો હતો .

આ વખતે હું પહેલવહેલો ઘરની બહાર નીકળ્યો . ગંગાનો કિનારો જાણે પૂર્વજન્મનો સાથી હોય તેમ પોતાના ખોળામાં બેસવાને મને આમંત્રણ કરતો હોય તેમ લાગ્યું . એ બંગલામાં ચાકરોની ઓરડીઓની સામે જમરુખીઓના વૃક્ષોનું ઝુંડ હતું અને એ જમરુખીઓની છાયાના ઓટલા પર બેસીને ઝાડના થડની વચ્ચેથી આઘે વહેતી ગંગાનો પ્રવાહ નિહાળતા નિહાળતા મારા દિવસો વહી જતા .

પ્રત્યેક નવો દિવસ જાણે સોનેરી કોરવાળું અને કાઈ નવાઈભર્યા  સમાચાર લઈને આવેલું પરબીડિયું હોય નહિ એવો મને લાગતો ! કાગળ ઉઘાડતા વારમાં જ તે સમાચાર મળશે એમ મનમાં થયા કરતુ . તેમાંથી રખેને કાઈ રહી જાય એવી બીકે હું મારું ન્હાવા – ધોવાનું જેમ તેમ આટોપી લઈને બહારની ખુરશી પર ઝડપથી દોડી જતો . દરરોજ એની એ , ગંગાના પ્રવાહની રમણીય ભરતી અને ઓટ . દરરોજ એની એ જુદી જુદી જાતના વહાણોની ભિન્ન ભિન્ન ગતિ ! રોજ જમરુખીના ઝુંડના પડછાયાઓનું પશ્ચિમથી પૂર્વ તરફ અપસરણ . રોજ ગંગાના સામા કિનારા પર આવેલા વૃક્ષોની હારોની અંધકારવાળી  ટોચ ઉપર સાયંકાળના આકાશની ભેદાયેલી છાતીમાંથી સુવર્ણ રંગના શોણિતની રેલમછેલ . વળી કેટલાક દિવસો તો સવારથી જ વાદળથી છવાયેલા રહેતા . સામે કિનારે આવી રહેલા વૃક્ષો પણ કાળા દેખાતા અને નદીના પટ પર પણ કાળા પડછાયાઓ ઝુલતા . જોતજોતામાં તો ઓચિંતી સુસવાટ સાથે વરસાદની ઝડીઓ આવવા માંડતી અને દ્રષ્ટિમર્યાદાને  છેક ઝાંખી કરી નાખતી અને સામા કિનારાની અસ્પષ્ટ કોર સજલ નયનથી દેખાતી બંધ થતી . નદીની છાતી ડુસકા ખાતી ઊંચીનીચી થતી અને ભીનો પવન ઊંચા ઊંચા વૃક્ષોના ઝુંડની   ટોચ સાથે ભળી તેમની સાથે છૂટથી રમતો !

{ છેલ્લે હું ક્યાં દિવસે આટલી શાંતિથી બેઠો હતો ,એ મને યાદ નથી . [ મારા માટે શબ્દ છે , ” નવરો ” ! – અને નવરો નખ્ખોદ વાળે , પણ મેં તો આજ સુધી એક પરબીડિયું પણ નથી વાળ્યું , ત્યાં આનો તો કોઈ સવાલ નથી . ! ] , અને છેલ્લે મારા નામે કોઈ ટપાલ આવી હોય એવું તો . . .}

આપ જોઈ શકો છો કે ભારતના આ ઋષિ બહારથી તો ખરા , પણ અંદરથી પણ કેટલા શાંત હતા ! નાના નાના અવલોકનોનો તો એમને કોઈ પાર જ નથી રાખ્યો , ક્યાંક આ જ શાંતિમાંથી જ ” શાંતિનિકેતન ” નો ઉદભવ નહોતો થયો ને !

શ્રી કંઠબાબુ :

આ વખતે કવિતાનો એક શ્રોતા મને મળ્યો હતો .તેના જેવો બીજો એક પણ મને કદી મને મળ્યો નથી અને મળવાનો પણ નથી એવી મારી ખાતરી છે .તેનામાં ખુશ થવાની શક્તિ એવી તો વૃદ્ધિ પામેલી હતી કે કોઈ પણ માસિકમાં આલોચક થવાને તો તે તદન નાલાયક જ ગણાત ! તે વૃદ્ધ ડોસો પાકી આફૂસની કેરીના જેવો હતો .તેનામાં ખટાશનો તો અંશ પણ મળે નહિ .તેના મુખની અંદર તેને તસ્દી આપવાને એક પણ દાંત રહ્યો નહતો અને તેની મુદ્રા પર એક પણ કરચલીની નિશાની સુધ્ધા હતી નહિ .તેનો વાળ વગરનો મૃદુ ચહેરો તેના ટાલ વાળા માથાને મળી જતો હતો .તેના વિશાળ અને આનંદથી પ્રફુલ્લિત નેત્રો સતત હાસ્યથી ચળકતા જ રહેતા .અસલના ઘરડાઓની પેઠે તેને ફારસી આવડતું હતું અને અંગ્રેજીનો તો છાંટો સુધ્ધા તેને આવડતો નહિ .તેના ખોળામાં ડાબી બાજુએ સિતાર હંમેશા હોય જ . તેના કંઠમાંથી અવિરત સંગીતની ધારા વહ્યા જ કરતી . શ્રી કંઠબાબુને  કોઈ પણ અજાણ્યા માણસ જોડે ઓળખાણ કરવાને લાંબી ખટપટ કરી બાહ્યોપ્ચારથી એકબીજાને પરસ્પર મેળવવા જેટલી વિધિ કરવાની જરૂર પડતી જ નહિ . કારણકે તેના આનંદી સ્વાભાવિક આકર્ષણ સામે કોઈ પણ ટકી શકતું નહિ .

{ રવીન્દ્રનાથ = એક મૃદુ વિવેચક , મતલબ કે કોકને એમ કેહવું હોય કે તું તો જાડી છે , તો એના ગાલે ચીટીયો ભરીને એમ કહેવું કે તારા ગાલે ચીટીયો ભરવાની બહુ મજા આવે છે : ) }

{ અને તમારી આજુબાજુ આવું કોઈ આનંદી [ બાલિકાવધુની નહિ ! ] મગલું હોય તો , જલદીથી જાદુની ઝપ્પી પા લો , બાદશાહો !!! }

” મેઘનાદ “કવિતા વિષે :

અમે મેઘનાદ કાવ્ય પૂરું કર્યું , પણ તે અમને બહુ આનંદદાયક નીવડ્યું નહિ . સ્વાદિષ્ટમાં  સ્વાદિષ્ટ વસ્તુ પણ માણસના માથા પર પછાડવામાં આવે તો તેમાં તેને મઝા પડે જ નહિ ! વીરરસપ્રધાન કાવ્યનો ” ભાષા શીખવવામાં ” પ્રયોગ કરવો તે તલવારને હજામત કરવા માટે વાપરવા સરખું છે .તલવારને માટે તે કાર્ય ઘણું જ શોકજનક અને માથાને માટે તો અસહ્ય થઇ પડે .કવિતા ” લાગણી ” ના દ્રષ્ટિબિંદુથી શીખવવામાં આવવી જોઈએ , પણ કવિતાને વ્યાકરણ અને શબ્દકોશ વગેરેના કાર્યો કરી લેવામાં યોજી દેવાથી સરસ્વતીદેવી કદી પ્રસન્ન થાય જ નહિ .

{ કવિતા – કવિતા – કવિતા !!! હં . . હાંફી ગ્યો , હવે ખબર પડી કે કવિતા કેમ યાદ નહોતી રહેતી , આ તો બધો મારા ટીચરનો જ વાંક હતો , પ્રભુ એમને લાગણીશીલ બનાવે . }

માતૃભાષામાં શિક્ષણ :

ખરેખર ! હવે તે કિંમત મને બરાબર જણાઈ છે ! અમને માતૃભાષામાં શિક્ષણ મળેલું હોવાને લીધે જ અમારા મગજ જલદી ગ્રહણ કરતા શીખ્યા . કેળવણીનું કાર્ય જેમ બને તેમ ખાવાના કાર્યની પેઠે થવું જોઈએ . જયારે પહેલવહેલો કોળીયો ખાતા સ્વાદ આવે ત્યારે જઠર પર પચાવવાનો ભાર જઈ પડે ત્યાર પહેલા જ તે પોતાનું કાર્ય શરુ કરે છે , એટલે તેમાંથી ઝરતા પાચક રસો સંપૂર્ણ રીતે ઉપયોગમાં આવે છે .પણ જયારે બંગાળી વિદ્યાર્થીને અંગ્રેજીમાં શિક્ષણ આપવામાં આવે છે ત્યારે ઉપર જણાવ્યા પ્રમાણે સ્વાભાવિક કાર્ય કરતુ નથી .

પ્રથમ કોળીયો લેતા વારમાં જ તેના દાંતની બન્ને હારો ભાંગી જાય છે . તેને તો જાણે મોઢામાં જ ધરતીકંપ થયો હોય એમ લાગે છે . જયારે તેને એમ માલુમ પડે છે કે તેના મોઢામાં પથરો નથી પણ કાઈ પચી શકે એવો પદાર્થ છે તે પહેલા તો અડધી જિંદગી વ્યતીત થઇ ગઈ હોય છે . જયારે બાળક જોડણી અને વ્યાકરણથી મોઢામાં ડૂચો આવવાને લીધે ગૂંગળાઈ ગયેલું હોય છે ત્યારે તેના પેટમાં લાગેલી ભૂખ મરી જાય છે અને જયારે તેને સ્વાદ લાગવા માંડે છે ત્યારે રૂચી જણાતી નથી . પહેલેથી જ જો માણસના મગજની બધી શક્તિઓને ખોરાક મળતો નથી તો પછી છેવટ સુધી તેની શક્તિઓ કાચી જ રહી જાય છે . ચારે બાજુએથી જયારે બધા અંગ્રેજી શીખવવાની બુમો પડી રહ્યા હતા , ત્યારે મારા ત્રીજા ભાઈએ હિંમતથી અમને બંગાળી જ શીખવવાનું જારી રાખ્યું .તેના આત્માને સ્વર્ગમાં મારા નમ્ર પ્રણામ !

{ આ તો સ્પેશિઅલ મારા માટે જ તેમને , એ સમયે ટેલીપથી થઇ હોય એવું લાય્ગું ! { મૂળ શબ્દ =  લાગ્યું , પણ અમારે સૌરાષ્ટ્રમાં છેલ્લે આવતો ‘ ય ‘ , આગળ લઈને બોલાય છે , જેવી રીતે abcd માં y , z ની પહેલા ઉભો રહી જાય છે : )  } , માત્ર આ મુદ્દા પુરતું તો તમારે ઉભા થઈને સેલ્યુટ મારવી જ પડે , અંદાજે ૧૦૦ વર્ષ પહેલા તેમણે કેવી તો દુખતી રગ પકડી પાયડી [ જો આયવું ને પાછું : ) ] અને એમાય કેવા કેવા , ઈંગ્લીશ મીડીયમ માં આપણને ભણાવવા ચડી બેઠા હોય એ તો માત્ર ત્રણ જણા જ જાણે [ આપણે , ભગવાન , અને ખુદ ભણાવનાર પોતે ! { જોવા જેવું ઈ કે , આપણે અને ભગવાન તો બધેય હોઈએ જ ! જાણે કેમ બીજો કોઈ ધંધો ન હોય } ] , અને અમારી એન્જીનીયરીંગ કોલેજમાં તો હરામ બરાબર કોઈએ એક આખો લેકચર ઈંગ્લીશમાં પૂરો કયરો હોય તો તો . .  }

આ તો હારું , ” ઇન્સેપ્શન ” જેવું થઇ ગયું , જેમ એમાં સપનાની અંદર સપનું એમ આમાં કમેન્ટ ની અંદર કમેન્ટ !!! !!!

ઈંગ્લીશ મીડીયમ ના શિક્ષકોની ગુણવતા વિષે ” કાર્તિકભાઈના ” શબ્દોમાં :

PS: કવિનને કાલથી પરીક્ષાઓ છે. કવિનને સ્કૂલમાં કેવું ભણાવવામાં આવે છે? કવિનની નોટબૂકમાં ટીચરે નોંધ લખી, ‘Don’t write’. કારણ? કવિનને ડિક્ટેશનમાં શબ્દો લખ્યા નહોતા. હવે, અમારે આને શું સમજવાનું? ટીચર, M.A. (English) છે. મુઆઆઆઆઆ…

બાળક વિષે :

હવે મને જણાય છે કે છોકરાઓને મોટા લોકોની દ્રષ્ટિએ જોવામાં આપણી ભૂલ થાય છે . બાળક એક નદીના પ્રવાહ જેવું ગતિમાન અને ચંચળ હોય છે તે સત્ય આપણે વિસરી જઈએ છીએ . એવા બાળકો કદાચ અપૂર્ણ હોય તો તે તેમાં આપણે ચિંતા કરવા જેવું કાઈ જ નથી , કારણ કે પ્રવાહની ગતિથી જ પાણીની શુધ્ધતા – શુદ્ધિ સચવાય છે , જયારે પાણી વહેતું બંધ થાય ત્યારે ખરી હાની થવાનો સંભવ છે , એટલે શિષ્યના કરતા શિક્ષકે પોતે નુકશાન ન કરી બેસે તેને માટે ખાસ સાવચેત રહેવું જોઈએ .

બાળકો અને જે લોકો કેળવાયેલા નથી હોતા તે લોકો જ્ઞાનના એવા કોઈ પ્રાથમિક સ્વર્ગીય પ્રદેશમાં રહે છે કે જ્યાં માણસ સમજણની   ક્રિયા કર્યા સિવાય જ્ઞાન મેળવી શકે છે . જયારે તે ભાગ્યવાન દિવસ જતો રહે છે ત્યારે જ કમનસીબે બધું સમજાવવાની જરૂર પડે છે . તે ઉંમરે હું ગાયત્રીનો અર્થ સમજી શક્યો ન હતો , છતાં મને એમ લાગતું કે આપણામાં એવું કંઈક છે કે જેને સંપૂર્ણ અર્થ જાણવાની જરૂર નથી .

{ હવે તમારે બીજી વાર ઉભા થવું પડશે , Grand salute !!!  [ અરે મિથુનની DID વાળી નહિ , ઈ તો ખાલી ચડી જતી હતી એટલે વારે વારે ઉભો થતો હતો ! ]  }

મારા મતે ,સૃષ્ટિમાં માનવજાતિ પાસે બચેલો એકમાત્ર નિર્દોષ + નિર્ભેળ + સહજતા અને આનંદથી છલકાતો ખજાનો = બાળક !

ફાધર ડી પેનરીન્ડા :

એ યાદગીરી ફાધર ડી પેનરીન્ડાની છે .તેનો અને અમારા વર્ગનો સંબંધ તો નહિ જેવો જ હતો અને ઘણુંખરું થોડા સમય માટે જ અમારા એક શિક્ષકની જગાએ તે આવ્યો હતો .તે જાતનો સ્પેનિયાર્ડ હતો અને અંગ્રેજી બોલતા અચકાતો હતો . એ કારણને લીધે જ ઘણું ખરું છોકરાઓ તે કહે તો તેના પર ધ્યાન આપતા નહિ . મને લાગે છે કે છોકરાઓની એવી બેદરકારીથી તેને ઘણું લાગી આવતું , પણ તે રોજ નમ્રતાથી બધું સહન કરતો . કોણ જાણે શાએ કારણથી મારું હૃદય પહેલેથી જ તેના પ્રત્યે દિલસોજી ધરાવતું હતું . તેની મુખમુદ્રા કાઈ સુંદર ન હતી , છતાં તેના તરફ મારું હૃદય આકર્ષાતું. જયારે જયારે હું તેના તરફ જોતો ત્યારે તેનો આત્મા પ્રાર્થના કરતો હોય એમ મને લાગતું અને ગંભીર શાંતિ તેના અંતરમાં છવાયેલી જણાઈ આવતી .

અમારે અડધો કલાક કોપી લખવાની હતી . આ વખતે હાથમાં પેન રાખીને હું તદન બેધ્યાન થઇ જતો અને મારું મન અહીતહી રખડતું . એક દિવસ  ફાધર ડી પેનરીન્ડાએ વર્ગ લેવાને આવ્યા હતા . તે અમારી પાટલીની પાછળ ડગલા ભરતા હતા .તેમણે  મારી પેન બિલકુલ હાલતી નહોતી તે જોયું જ હશે . તે ઓચિંતા જ મારી બેઠકની પાછળ અટકયા અને મારા ઉપર નમીને ખભા પર હાથ મૂકી તેમણે મૃદુતાથી પૂછ્યું , ” ટાગોર ! તારી તબિયત સારી નથી કે શું ? ” તે માત્ર સાદો જ પ્રશ્ન હતો , છતાં હું તે કદી પણ વિસરી શક્યો નથી !

હું બીજા કોઈ વિદ્યાર્થીઓની વાત જાણતો નથી , પણ મને તેમનામાં કોઈ મહાન આત્મા રહેતો હોય એમ લાગતું . આજે પણ તેની યાદગીરી ઈશ્વરના શાંત અને મૌન મંદિરમાં મારા મનને પ્રવેશ કરાવે છે .

{ વાત રહી આવા , ફાધર ડી પેનરીન્ડા જેવા કાનુડા શિક્ષકની તો એવા તો માત્ર એક બે શિક્ષકો જ સ્મરણમાં છે બાકી આ જનજાતિ તો કે દિવસની લુપ્ત થતી જાય છે [ Endangered Species ] અને હવે તો બધે જ ભૂરાયા ખુંટીયા  જેવા વધી પયડા છે જે પહેલા હાથ સાફ કરી લે છે , પહેલે લાત – ફિર મુલાકાત [ તિરંગામાં નાના પાટેકર ! ] }

{ અને વાત રહી , ઇંગ્લીશમાં થતા miss communication ની તો એ તો મુદ્દો છે જ , પણ અમારે કોલેજમાં એવા પણ ચમન હતા કે જે ઈંગ્લીશ / ગુજરાતી મીડીયમ ને ઠેકી ને હિન્દીમાં વાતો કરતા        : ) }

બાળસાહિત્ય :

આજકાલ સાહિત્યરૂપી અમૃત , પાણી જોડે મેળવીને જે પદાર્થ બાળકોને આપવામાં આવે છે તે બાળકોના બાળકત્વનો  હિસાબ – ગણતરી નજરમાં રાખે છે ખરું ; પણ બાળક એટલે વિકાસ પામતો મનુષ્ય . એ વાત ધ્યાનમાં રાખવામાં આવતી નથી . બાળકોના પુસ્તકો એવા થવા જોઈએ કે જે તેમને થોડા થોડા સમજાય અને થોડા થોડા ન સમજાય .મારી બાલ્યાવસ્થામાં જે મળે તે ચોપડી હું વાંચતો અને તેમાં પણ જે અમે સમજી શકતા અને નહિ સમજી શકતા તે બધું અમારા અંતરમાં કાર્ય કરતુ . બાહ્યસૃષ્ટિ બાળકની ચિતશક્તિપર પણ ઉપર કહ્યા પ્રમાણે કાર્ય કરે છે . બાળકને જે સમજણ પડે છે તે , તે પોતાનું કરી લે છે અને જે નથી સમજાતું તે બાળકને આગળ પગલું ભરાવે છે .

{ No Comments – fully agreed }

ભારતી અને પ્રથમ લેખ :

મારા મોટાભાઈના તંત્રીપણાના હેઠળ આ સમયે ” ભારતી ” નામનું માસિક કાઢવાનો વિચાર મારા ભાઈ જ્યોતીન્દ્રે કર્યો તેને લીધે અમારા ઉત્સાહને પુષ્ટિ મળી . હું તે વખતે સોળ વર્ષનો જ હતો પણ તંત્રીવાર્ગમાં સામેલ થઇ ગયો .થોડા સમય પહેલા મારી જુવાનીના તોરમાં અને મિથ્યાભિમાનમાં તણાઈને મેં ” મેઘનાદવધ ” ઉપર એક ટીકા લખી હતી . કાચી કેરીમાં જેમ ખટાશ વધારે હોય છે તે પ્રમાણે ઉગતા ટીકાકારમાં ગાળો દેવાની ટેવ પણ વધારે જણાય છે . જયારે બીજી બધી શક્તિઓનો અભાવ હોય છે ત્યારે પણ કટુ લખવાની અને બીજાને છંછેડવાની શક્તિ સૌથી વધારે તીક્ષ્ણ હોય છે .એ અમર કાવ્ય ઉપર મારા નખના ઉઝરડા પાડીને મેં પણ અમર થવાનો પ્રયત્ન કર્યો હતો . એ મૂર્ખતા ભરેલી ટીકા ” ભારતી “માં મારો પ્રથમ લેખ હતો .

જે ઉંમરે મેં ” ભારતી “માં લેખો આપવા માંડ્યા તે ઉંમર પુસ્તક પ્રસિદ્ધ કરવા માટે ભાગ્યે જ યોગ્ય ગણી શકાય . બહુ નાની ઉંમરે બહાર પડવાની ટેવ છે તે મોટી ઉંમરે પસ્તાવો કરવાનો એક સહેલો માર્ગ છે . પોતાના લખાણને છપાયેલા પુસ્તકના રૂપમાં જોવાની તીવ્ર ઈચ્છા પહેલી ઉંમરમાં જ સંતોષાઈ થાકી જાય છે . વાચકવર્ગ કોણ હશે ?  તેઓ શું કહે છે ? છાપવામાં કઈ કઈ ભૂલો રહેલી છે ? વગેરે ઘણી બાબતો નાનપણના રોગોની પેઠે જતી રહે છે ને મોટી ઉંમરમાં સાહિત્યનુ કામ કરવા એ અનુભવો વધારે સમય તથા સ્વચ્છ મન આપે છે .

{ મારા ખ્યાલે , ટીકા એ એક જ એવું ફિલ્ડ છે કે જેમાં કોઈ જવાબદારી ઉપાડવી પડતી નથી , તમે બેફામ [ બરકત વીરાણી , નહિ ભાઈ ! ] બકવાસ કરી શકો છો અને પાછા બકવાસ કરતા સમયે શબ્દો ધાણીની જેમ ફૂટે છે અને એ ધાણીમાં મરીમસાલા નાખીને વચેટીયાઓ મસ્ત ઉજાણી કરે છે ! }

અમદાવાદ :

જયારે ” ભારતી “નું બીજું વર્ષ શરુ થયું ત્યારે મારા બીજા ભાઈએ મને ઇંગ્લેન્ડ લઇ જવાનું નક્કી કર્યું . મારા પિતાએ જયારે એ વાતની સંમતિ આપી ત્યારે મને ઘણો જ આનંદ થયો .

પ્રથમ હું મારા ભાઈની જોડે અમદાવાદ ગયો , કારણકે ત્યાં મારા ભાઈ જજ નિમાયા હતા . મારા ભાઈ છોકરાઓ સાથે વિલાયત ગયેલા હતા . એટલે અમારું ઘર તદન સૂનું જ હતું .

અમદાવાદમાં જજને રહેવાનો બંગલો શાહીબાગમાં છે . તે અસલ બાદશાહોને રહેવાનું સ્થળ હતું .તે બંગલાની વિશાળ અગાસીની ભીંતની તળેટીમાં સાબરમતી નદીનું નાનકડું ઝરણું રેતીના કિનારાની એક જ બાજુએ વહેતું હતું . મારા ભાઈ તો રોજ કચેરીમાં જતા

એટલે ઘરમાં હું એકલો રહેતો .ત્યાં બપોરની શાંતિ કબૂતરના કુન્જાનથી ભંગ થતી હતી . તે વિશાળ ઘરના ખાલી ઓરડાઓમાં કોઈ વિલક્ષણ પ્રકારનું કુતુહુલ મારા મનમાં રમ્યા કરતુ .એક મોટા ઓરડામાં એક ગોખલો હતો , તેમાં મારા મોટાભાઈ એમના પુસ્તકો મુકતા હતા . તેમાં ટેનીસન કવિના કાવ્યોની એક મોટા અક્ષરે છાપેલી સચિત્ર આવૃત્તિ હતી . વીશાળ શાહીબાગના જેવું તે પુસ્તક પણ મૂંગું હતું અને હું પણ વગર વાંચ્યે તેમાં આપેલા ચિત્રો જોયા કરવામાં વખત ગળતો .

{ રવીન્દ્રનાથ ટાગોરની અમદાવાદ મુલાકાત વિષે , રુપેનભાઇની આ પોસ્ટ ઉપયોગી રહેશે .}

{ અને અમદાવાદ વિષે બહુ જાજુ ન કહેવાય , કારણ કે મહતમ બ્લોગર્સ અમદાવાદી છે અને છેલ્લે હું કોઈ ” વાદ ” માં નથી માનતો , પણ ” અમદાવાદ ” માં માનું છું ! }

યુરોપીય સંગીત / ભારતીય સંગીત :

જયારે હું બ્રિટનમાં રહેતો હતો ત્યારે ત્યાની સંગીતશાળામાં આવેલી એક પ્રખ્યાત ગાનારીને સાંભળવા હું ગયો હતો . હમણા તેણીનું નામ હું ભૂલી ગયો છું .કદાચ મેડમ નીલ્સન કે મેડમ અલ્બાની હશે .પોતાના કંઠ ઉપર મનુષ્યનો આવો અસાધારણ કાબુ મેં પહેલા કદી જોયો નહતો .આપણા દેશમાં સારામાં સારા ઉસ્તાદ ગવૈયાઓ પણ પોતાના સંગીતમાં પ્રયાસ અને કૃત્રિમતાને દુર રાખી શકતા નથી , એટલે નૈસર્ગિકપણું  તેમના સંગીતમાં જણાતું જ નથી . તેઓ પોતાના ગજા ઉપરાંત ભાર સ્વરો અને કોમલ સ્વરો કાઢવાને માથે છે અને તેમ કરતા તેમને કઈ પણ નવી લગતી નથી . આપણા દેશમાં સામાન્ય રસજ્ઞ શ્રોતાઓ પોતાની કલ્પનાશક્તિથી જલસાને સારો માની લે છે અને તેથી સારા સારા ગવૈયાના સુર કે આવજની કર્કશતા ઉપર કે તેના હાવભાવની વિચિત્રતા ઉપર ધ્યાન અપાતું નથી . ઘણીવાર તો શંકર – મહાદેવની બાહ્ય દરિદ્રતામાં તેમનું એઈશ્વર્ય વધારે દીપે છે , તે પ્રમાણે ગવૈયાઓની બાહ્ય ખામીઓને લીધે તેનું સંગીત વધારે દીપે છે . યુરોપમાં ઉપર જણાવી તે લાગણી નો તદન અભાવ છે . ત્યાં બાહ્ય ભપકો અને શણગાર ઝીણામાં ઝીણી બાબત સુધી સંપૂર્ણ સજાયેલો જ જોઈએ . એ બાબતમાં જરા પણ ખામી જણાય તો તે લોકોની દ્રષ્ટિ આગળ  ઉભી રહે શકે તેમ જ નથી .આપણે અહીના જલસાઓમાં તમ્બુરાનો સુર મેળવવામાં કે નરઘાને ઠોકાઠોક કરવામાં  અડધો કલાક ગાળી નાખવો એ કઈ મોટી વાત ગણાતી નથી , પણ યુરોપમાં એ બધા કર્યો પહેલેથી પડદા પાછળ કરી લેવામાં આવે છે , કારણકે રંગભૂમિ ઉપર તો સંપૂર્ણ વસ્તુ જ આવી શકે ! આપણા દેશમાં રાગની કલાયુક્ત સમજણ અર્થાત – ચીજ – ગાયન એ જ જલસો સાંભળવા જનારનો હેતુ હોય છે , પણ યુરોપના લોકો અવાજ ઉપર વધારે લક્ષ આપે છે અને અવાજને અસાધારણ રીતે કેળવણી સાંભળનારને હેરત પમાડે છે . આપણા લોકો ગાયન સાંભળ્યું એટલે સંતોષ મને છે ; યુરોપના લોકો ગવૈયાને સાંભળવા જાય છે .

યુરોપીય સંગીતનો આત્મા હું સંપૂર્ણ રીતે સમજી શક્યો છું એમ તો કહી શકતો નથી , છતાં પણ તેના બાહ્ય અવલોકનમાં જેટલું હું જોઈ શક્યો તેટલાથી હું ઘણો જ આકર્ષાયો એ તો નિર્વિવાદ છે . યુરોપનું સંગીત મને હંમેશા રોમેન્ટિક લાગતું . રોમેન્ટિક શબ્દનો ચોક્કસ અર્થ આપવો ઘણો અઘરો છે , પરંતુ રોમેન્ટિક શબ્દ વાપરીને હું તેની વિચિત્રતા , પ્રચુરતા , ત્યાના જીવન સમુદ્રની તરંગલીલા , જીવનના સમુદ્ર પર મોજાઓની અસંખ્યતા અને તે મોજાઓ પર સૂર્યના કિરણો પડવાને લીધે થતો તેજ તિમિર – છાયાનો ચમકાર કહેવા માંગું છું . જીવનની એક બીજી બાજુ પણ હોઈ શકે – વિશુદ્ધ વિસ્તાર , તરંગલીલા વગરનો અનંત વિસ્તાર – આકાશનો ભૂરો નિસ્તબ્ધ વિસ્તાર – દ્રષ્ટિમર્યાદાના ગોળ વર્તુળની રેખામાં થતું અનંતતાનું મુક સુચન . ગમે તેમ હો , પણ જયારે જયારે મેં યુરોપીય સંગીતને સાંભળ્યું છે ત્યારે ત્યારે હું મારી જાતને કહેતો કે , ” આ સંગીત રોમેન્ટિક છે .” જીવનની ક્ષણિક વિવિધતા રાગમાં ઉતારવાનો પ્રયત્ન એ યુરોપીય સંગીત છે .

આપણા સંગીતના કેટલાક ભાગોમાં પણ એવો જ પ્રયત્ન કરવામાં આવ્યો છે , પણ તે યુરોપના જેવો સફળ થયો નથી . આપણું સંગીત તારા અને નક્ષત્રથી જડેલી રાત્રીને તથા નવ પ્રભાતના આરક્ત વર્ણને સંગીતમાં ઉતારે છે . આપણું સંગીત ઘનઘોર વર્ષાની વિશ્વવ્યાપી વિરહવેદના અને નવવસંતનો બહાર સૂચવે છે . આપણું સંગીત મેઘ ના વાદળોની સાથે વરસતી અંધકારની ઝડીનો વિશ્વવ્યાપી શોક દર્શાવે છે અને આપણું સંગીત જંગલમાં ભટકતા સંન્યાસીનો વાચારહિત ગાંડપણનો નશો દર્શાવે છે !

{ તો ભારત માં મોડા આવવાની પ્રથા પહેલેથી જ છે , હં . . }

એક સામાન્ય ઉદાહરણ હેઠળ શું રોકસ્ટાર ના મોહિત ચૌહાણને કંઠ પરની અદભુત પકડ ઉપર આ    કેટેગરી હેઠળ લઇ શકાય ? }

{ ભારતનું સંગીત તમને કેવું લાગે છે ? [ આ કોણ સનેડો સનેડો બોલ્યું ! ] }

અરે આ બધું તમારે કહેવાનું છે , હું તો ક્યારનો સ્પીકું છું અને સંગીત વિષે ના આ મુદ્દા પર મારે તમે શું વિચારો છો , એ વિશેષ જાણવું છે .

મળીએ તૃતીય પગલામાં . . . હા , ” રવીન્દ્રનાથ ઠાકુરના સંસ્મરણો ” પુસ્તકના આખરી પડાવ તરફ  : )

લટકામાં . . !

ટાગોર પરિવારના સર્વે સદસ્યોની મુલાકાતે , કવિતાબેન જાનીના બ્લોગ થકી . . .

http://madhuvan1205.wordpress.com/2010/12/02/%E0%AA%AD%E0%AA%BE%E0%AA%B5%E0%AA%A8%E0%AA%97%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%B8%E0%AA%82%E0%AA%B8%E0%AB%8D%E0%AA%95%E0%AB%83%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%AF%E0%AA%BE%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0/

{ થોડીક લીંક લાંબી થઇ ગઈ નહિ ! [ ક્ષમાદાન એ જ મહાદાન ] }