ટૅગ્સ

, , , ,

જી હા , આ શ્રેણી હેઠળ , આપણે પસાર થઈશું રવીન્દ્ર સરિતાને તીરે તીરે . . . અને આચમન કરીશું , પ્રથમ પુસ્તકનું . .  ” રવીન્દ્ર નાથ  ઠાકુરના  સંસ્મરણો ”

રવીન્દ્રનાથ ઠાકુરના સંસ્મરણો

આ  પુસ્તક  રવીન્દ્રનાથ ટાગોરના  પ્રથમ  25 વર્ષોના  સંસ્મરણો સંબંધિત છે  . જે  તેજ   સમયના  સાહિત્યરસિક  શ્રી  અંબાલાલ  બાલકૃષ્ણ  પુરાણી  વડે  કરાયેલા  ” Morden review ” માં  આવતા  ” My Reminiscences ” ના  અનુવાદિત  લેખોનો  સંગ્રહ  છે . અને તમને ને મને , એ વાત જાણીને ઘણો આનંદ થશે કે ઘણી યુનિવર્સીટીમાં અનુવાદના ભાગરૂપે My Reminiscences ભણાવવામાં આવે છે .

અંબાલાલ બાલકૃષ્ણ પુરાણી

આ પુસ્તક તે સમયે ( ૧૯૧૮ માં ) ” સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય ” { શ્રી ભિક્ષુ અખંડાનંદજી } તરફથી પ્રકાશિત થયું હતું .અને હવે આટલા સમય બાદ ૨૦૧૧ની સાલમાં , વડોદરા નિવાસી  શ્રી નિવ્યાબેન પટેલ દ્વારા પુન: સંપાદિત થયું છે .

આપણા ગુજરાતમાં પણ , શૈશવસંસ્મરણનો તબક્કો ખુબ સરસ ચાલ્યો છે , કે જેમાં કાકાસાહેબ કાલેલકરની ” સ્મરણયાત્રા ” , સ્વામી આનંદની ” બચપણ ના ૧૨ વર્ષ ” , જયંત પાઠકની ” વનાંચલ ” ,અને ઉશનસની ” સદમાંતાનો ખાંચો ” નો સમાવેશ થાય છે . ( હવે આ જાણીને , મને થોડોક સળવળાટ તો ઉપડ્યો જ છે , એમાંની કાકાસાહેબની બુક મારી પાસે છે , પણ એ ક્યાં હિમાલયના પ્રવાસે ઉપાડી ગઈ છે કે જડતી જ નથી ! )

અંદાજે ૫૫ વર્ષની ઉમરે ગુરુદેવ ટાગોર દ્વારા ,પ્રથમ ૨૫ વર્ષોની સંસ્મરણયાત્રા તેમણે એ હદે પ્રસ્તુત કરી છે કે આપણે તે સમયના તત્કાલીન બંગાળમાં પહોચી જઈશું ! , હજી તો માંડ ૨૦ – ૨૫ વર્ષો પહેલાની દુનિયા વિશે વિચારીએ તો કેવું જુનું જુનું લાગે , ત્યાં અહી તો ૧૮૬૧ થી ૧૮૮૬ ના સમયગાળાની વાત છે ! , તો ચાલો Air Pollution અને Noise pollution વગરની એ દુનિયામાં , મતલબ કે રવીન્દ્ર સફરે . . .

Sidetalk : જો કઈ મારા ૨૫ વર્ષનું સંસ્મરણ તૈયાર કરવા બેસું તો તો માંડ , એકાદું પાનું ભરાય , અને એ પણ કોઈને વાંચવા આય્પું હોય તો , એ તો એમાં ગરમા ગરમ ભજીયા નાખીને ખાવા મંડે , ને છેલ્લે હાથ લુછીને ડબ્બામાં નાખી દે ! )

તો ચાલો , હવે મારીએ સીધો ધૂબકો એ રવીન્દ્ર્સાગરમાં કે જ્યારથી એ નિર્માણ પામ્યો , તે ઠેઠ ૨૫ વર્ષો સુધી એ વિસ્તર્યો સુધીમાં . . . અને વીણી લાવીએ નીતનવીન મોતીડા ! !  એ હાલો . . . { દયાભાભી સ્ટાઈલમાં  : ) }

પ્રાથમિક બે બોલ :

સ્મૃતિપટ પર જીવનના વિવિધ ચિત્રો  કોણ ચીતરે છે તે તો હું જાણતો નથી ; પણ એટલી વાત તો ચોક્કસ છે કે તે ચિત્રકાર જે આલેખે છે તે બધી છબીઓ છે . અર્થાત તે ચિત્રકાર તેની આસપાસ જે કઈ બનાવો બને છે તેની નકલ કરવામાં રોકાયેલો નથી ;તે પોતાની મરજી પ્રમાણે કેટલીક વસ્તુઓ લે છે અને બાકીની છોડી દે છે . નાની વસ્તુઓ મોટી કરે છે અને મોટી વસ્તુઓ નાની કરી મુકે છે . ટૂંકમાં , ચિત્રકાર ચિત્રો ચીતરે છે , કઈ ઈતિહાસ લખતો નથી .

આ પ્રમાણે બાહ્યજીવનમાં કર્મની ઘટના થયા કરે છે , ત્યારે સાથે સાથે આંતરજીવનમાં ચિત્રો ચીતરતા જાય છે . બંને એકબીજાને મળતા આવે છે ખરા , પણ કઈ એક નથી . આપણા અંતરમાં આવેલા ચિત્રપટનું અવલોકન કરવાનો આપણને સંપૂર્ણ અવકાશ પણ મળતો નથી . કોઈ કોઈ વાર તેમના કેટલાક ભાગોની આપણને ઝાંખી થાય છે , પણ તેનો મોટો ભાગ તો અગાધ અંધકારમાં જ પડ્યો રહે છે અને આપની નજરે સુધ્ધા ચઢતો નથી . ચિત્રકાર આ પ્રમાણે સતત શા માટે ચિત્ર આલેખન કાર્ય કરે છે ? એ બધા ચિત્રો ક્યારે પુરા કરી રહેશે ? કઈ ચિત્રશાળામાં મુકવા માટે એ બધા તૈયાર થાય છે ? એનો પર કોણ પામી શકે ?

નિશાળ વિષે :

જયારે અન્ય બાળકો સ્કુલે જતા , ત્યારે રવીન્દ્રે જવાની ભારે જીદ કરતા , તેમના મહેતાજીએ એક તમાચો લગાવતા સમજાવ્યું ( આ ઈ વખતનું હલ્યું આવે છે કે પહેલે લાત ફિર બાત ! ) કે ” હમણા તો રડે છે , પણ આગળ જતા નીશાલથી છૂટવા તારે આનાથી વધુ રડવું પડશે ! ”

રવીન્દ્રનાથ : એ માસ્તરની આકૃતિ કે ચાલવાની ઢબનો પુરતો ખ્યાલ મને આવતો નથી ; પરંતુ તેની ગંભીર સલાહ અને તેથીએં વધારે ગંભીર તેના હાથની અસર હજી ગઈ નથી.

નિશાળમાં શિક્ષા કરવાની એક રીત મને હજીયે યાદ છે કે જે છોકરાને પાઠ ન આવડતો તેને પાટલી પર ઉભો કરી , તેના હાથ પહોળા કરી તેની બંને હથેળીઓ પર પાટી – સ્લેટ ખડકવામાં આવતી . આ પ્રકારનો પ્રયોગ છોકરા પર કરવાથી તેની ગ્રહણશક્તિ  વધે કે કેમ અને વધે તો તે કેટલી , એ તો માનસશાસ્ત્રીઓ જાણે !

પોલીસ વિષે :

મને એવું લાગતું કે ગુનેગાર માણસજો એક જ વાર પોલીસના હાથમાં આવે તો મગરની પકડમાં આવેલા માણસની પેઠે નીચે અદ્રશ્ય થઇ જાય અને ફરી પાછો દેખા દે જ નહિ !

{ અહીંથી જ ખબર પડી ગઈ ને કે પોસ્ટ ખતરનાક લાંબી થવાની છે ! પણ જો તે મુજ ચંચળને આટલું ટાઇપ કરાવી શકાતી હોય તો આપ કાનુંડાવ અને ગોપીયું ને તો આટલું વંચાવી જ શકેને બાપલીયાવ , તો બોલો તારા રા , અરે આ કોને દલેર મહેંદી યાદ આવી ગયો ?  અરે બોલો વાંચે ગુજરાત . . . ! }

ઘર અને બહાર વિષે :

અમે નોકરોના સામ્રાજયમાં ઉછર્યા હતા . ચાકરોએ એમની પોતાની સગવડ ખાતર અમારો સ્વેચ્છાએ વર્તવાનો હક્ક છીનવી લીધો હતો .અમારા ખોરાકમાં પણ સ્વાદ કે ચટાકા જેવું કઈ જ હતું નહિ . શિયાળામાં એક બદન પર એક વધારાની સુતરાઉ બન્ડીથી ચલાવી લેવાતું અને કપડા ઓછા મળવાને લીધે અમને કદી અસંતોષ થતો નહિ . જયારે અમારો ઘરડો દરજી અમારા બદનને ગજવા મુકવાનું ભૂલી જતો ત્યારે જ અમે બબડતા , કારણ કે જેને પોતાના ગજવામાં કઈ પણ મુકવાનું ન હોય એવો ગરીબ છોકરો અત્યાર સુધી કદી થયો જ નથી !

અમારા ચાકરોમાં એક શ્યામ કરીને હતો . તે રંગે કાળો , ગટ્ટો અને વાંકડિયા વાળવાળો હતો . તે ચાકર મને એક જગ્યાએ બેસાડીને મારી આસપાસ એક ચાકની આડ કરી લેતો અને પછી ગંભીર મો કરી આંગળી બતાવી એ કુંડાળું ઓળંગીને બહાર આવ્યા પછી થનારા અનિષ્ટ પરિણામોની મને બીક આપતો હતો . તે નુકસાન શારીરિક કે અધ્યાત્મિક હતું તેનો મને બરાબર ખ્યાલ નથી ; પરંતુ મારા મનમાં એક પ્રકારની બીક પેસી જતી . મારી આસપાસ કરેલી કુંડાળાની આડના સત્ય વિષે જરા પણ સંશય થતો નહિ ; કારણકે લક્ષ્મણજીએ  કરેલી આડનું ઉલ્લંઘન કરવાથી સીતાજી પર ગુજારેલી વિપત્તિઓ મેં વાંચી હતી .

{ આ જ પ્રકરણમાં , તેમના ઘરની પાછળ આવતા લોકોની સ્નાન કરવાની રીત ભાત તેમજ બાલ્યાવસ્થામાં ઉઠતા ચિત્ર વિચિત્ર તરંગોનું વર્ણન તથા પોતે સારાય દિન ઘરમાં જ કેદ રહેતા હોઈ ,  બહાર રખડતા ભિખારીની સાથે પોતાની તુલના ખુબ રસપ્રદ છે . }

સેવક સામ્રાજય :

મારા જીવનમાં જે સમયે નોકરોનું રાજ્ય ચાલતું હતું તે સમયનું અવલોકન કરતા . . . અમારા વાંસાઓ  જેમ તેમ કરી તેમના પર પડતા ફટકાઓ સહન કરી લેતા .તે સમયે અમને એમ લાગતું કે મોટાઓ દુખ દેવા માટે છે , અને નાનાઓ દુખ ખમવા માટે સર્જાયેલા છે  ; એવો જ વિશ્વનો અનાદી નિયમ હોવો જોઈએ . પણ મોટાઓ ખમે છે અને નાનાઓ દુખ આપે છે એ ઉલટો સિધ્ધાંત શીખવા માટે મને ઘણો લાંબો સમય લાગ્યો છે .

મને હમણા આશ્ચર્ય લાગે છે કે અમારા તરફ તે સમયે ચાકરો આવી સખત વર્તણુક શા માટે ચલાવતા હતા ? અમારું તે સમયનું વર્તન મનુષ્યના સામાન્ય માયાળુપણા માટે તો લાયક હતું જ , ખરું કારણ તો મને એ જ લાગે છે કે અમારો બધો ભાર ચાકરો પર જ નાખવામાં આવ્યો હતો , એ ભાર નજીકના સગાઓને પણ અત્યંત દુર્વાહ – અસહ્ય લાગે તો પછી ચાકારોનું તો પૂછવું જ શું ? જો બાળકોને બાળકોની પેઠે જ રહેવા દેવામાં આવે અને તેમને છૂટથી રમવા તથા કુદવા દઈ તેમની જીજ્ઞાસા તૃપ્ત કરવા દેવામાં આવે તો તેમને ઉછેરવાનું અને સાચવવાનું કામ ઘણું જ સરળ થઇ પડે છે !

{ ઠેઠ ઈ વખતે આ બધી માથાકુટુ હતી , તે ઠેઠ હજી સુધી છે અને હવે તો માત્ર અઢી વર્ષના પોરયાવને પ્લે હાઉસમાં ધબકાવી દેવામાં આવે છે ( અને ઈ ય એટલી બધી ફી માં કે એમાં તો અમે અમારું ગ્રેજ્યુએશન કરી લીધું હતું ! )  છોડી મુકો તમારા બાળકોને [ ૧ .જો હોય તો અને ૨ .વધારામાં જો પકડી રાયખા હોય તો ] , અને શરુ કરો ” છોડે ગુજરાત ”  : )  }

કવિતા કરવાની શરૂઆત :

આ વખતે મારી ઉંમર આઠ વર્ષ કરતા વધારે નહિ હોય . મારી બહેનનો દીકરો જ્યોતિ તે વખતે મારા કરતા ઘણો જ મોટી ઉંમરનો હતો .તેણે અંગ્રેજી સાહિત્યમાં પ્રવેશ કરવા માંડ્યો હતો . તે હેમ્લેટનું આત્મસંભાષણ ઘણી વખત અમને લાગણીભરી રીતે ગાઈ – બોલી બતાવતો . મારા જેવા બાળક પાસે કવિતા લખાવવાનું એના મનમાં કોણ જાણે શાથીએ આવ્યું હશે તે હું કહી શકતો નથી . એક દિવસ તેણે એની ઓરડીમાં મને બોલાવ્યો . અને એક કવિતા બનાવવા કહ્યું તથા ચૌદ પદનું પ્રેયર રાગનું બંધારણ તેને મને સમજાવ્યું .

અત્યાર સુધી મેં કવિતા માત્ર છપાયેલા પુસ્તકોમાં જ જોઈ હતી , એટલે તે બધી એક પણ ભૂલ વગરની , સંશય કે મહેનતની જરા પણ નિશાની વગરની જ જોઈ હતી . મારા પ્રયત્નથી એવી કવિતા થઇ શકે એવી કલ્પના સુધ્ધા કરવાની મેં હામ ભીડી નહોતી . એક દિવસ અમારા ઘરમાં ચોર પકડાયો હતો . જીજ્ઞાસા અને કુતુહલથી વ્યાકુળ થઇ થથરતા બીકમાં પણ તેના તરફ એક વખત જોઈ લેવાનો વિચાર કરી જ્યાં તેણે પકડી રાખ્યો હતો ત્યાં જવાનું મેં સાહસ કર્યું . જયારે હું ત્યાં ગયો ત્યારે તે ચોર માણસના જેવો જ માણસ નીકળ્યો ! જયારે અમારા ઘરના દરવાને તેના તરફ કઠણ વર્તણુક ચલાવી ત્યારે મને ઘણી દયા આવી . કવિતા જોડેનો મારો પ્રથમ અનુભવ પણ એવો જ હતો . મારી મરજી પ્રમાણે મેં કેટલાક શબ્દો ગોઠવ્યા અને તે બધાએ ‘ પ્રેયર ‘ રાગમાં ગોઠવાઈ ગયા ત્યારે કવિ થવાની મહાન પદવીની ઈન્દ્રજાળ મારા મનમાંથી ઉડી જ ગઇ ! જયારે જયારે કવિતા તરફ સખત અને અણછાજતી વર્તણુક ચલાવવામાં આવે છે ત્યારે ત્યારે હજી પણ પેલા ચોરની પેઠે મને તેની દયા આવે છે . છતાં પણ તેના ઉપર હુમલો કરવાને ચળવળતા  હાથને રોકી શકવાને હું સમર્થ થયો નથી . ચોરોએ કવિતાના જેટલા દુખો ભાગ્યે જ સહન કર્યા હશે અને તે પણ આટલા બધા માણસો તરફથી !

અંગ્રેજીના શિક્ષક ” અઘોર બાબુ “ :

અમારા એ વિધાગુરુની તબિયત અમારે કમનસીબે એવી તો સારી રહેતી કે અમે ત્રણ વિધાર્થીઓની અંત : કરણપૂર્વક આશાઓ અને પ્રાર્થનાઓ હોવા છતાં , તે એક પણ દિવસ ગેરહાજર રહી શકતા નહિ .

સાંજ પડી હોય , વરસાદની ધારાઓ ભાલાના ઝાપટાની પેઠે ઝડીઓબંધ  પડી રહી હોય , અમારી ગલીમાં લગભગ ઘૂંટણભેર   પાણી વહી રહ્યું હોય , અમારું નાનું તળાવ છલોછલ ભરાઈને બાગમાં વહેવા માંડ્યું હોય , અમારો આખો આત્મા કદમ્બના પુષ્પની પેઠે વરસાદમાં પોતાની કળીઓને આસપાસ પ્રસારી આનંદથી ઉભરાઈ જતો હોય  , સમય વીતી ચુક્યો હોય અને માસ્તર આવશે કે નહિ તે હજી ખાતરીથી અમે કહી શકતા ન હોય અને અમે તે ગલી તરફ દયાપાત્ર થઈને નજર નાખ્યા કરતા હોઈએ એટલામાં ઓચિંતી અમારા હૃદયને ધક્કો આપતી , રોજની પરિચિત છત્રી , આવી ઋતુમાં પણ હાર્યા વગર દ્રઢ થઇ અમારા ઘર તરફ આવતી જણાતી ! અમારા હૃદયો તે જોઇને તમતમી રહેતા . અમને સંદેહ થતો કે ” કદાચ કોઈ બીજું તો નહિ હોય ? ” પરંતુ તેમ બનતું જ નહિ .આ વિશાળ જગતમાં તેના જેવો ચીવટવાળો  બીજો કોઈ મળી આવે , પણ  અમારી ગલીમાં તો તેનો જોટો ક્યાંથી જ હોય !

લટકામાં . . !

આજે બહુ લટકા મટકા નથી કરવા , પણ ” ટાગોર “ની કૃતિઓની નાની ને નાજુકલી ઝલક લેવી હોય તો . .

http://thankibabu.wordpress.com/tag/tagore/

અને તેમના જ શિષ્ય એવા શાંતિનિકેતનના ” સત્યજીત રે ” , તરફથી બનેલ આ ડોક્યુમેન્ટ્રી { થોડીક ઝાંખી છે , પણ જોવાની મજા આવશે . }

અને હવે હું જાઉં છું , બીજું પગલું ભરવા . . મળ્યા આવતે અઠવાડિયે , વધુ કિસ્સાઓ સાથે . .

Advertisements