Tags
જીના ઇસી કા નામ હૈ, સૌરભ શાહ, Doordarshan, Jina isi ka naam hai, Kiran - Documentary, Saurabh Shah, Umesh Agrawal
પુસ્તક વિશેની છેલ્લી પોસ્ટ છેક , 18મી ડિસેમ્બરે મૂકી હતી . . . ત્યારથી લઈને આજ સુધી બુક સંબંધિત કોઈ પોસ્ટ મુકવાનું એટલા માટે નથી થયું કે તે દરમ્યાન હું એકસાથે પાંચ – પાંચ પુસ્તકો વાંચતો હતો
. . . અને તેનું એક માત્ર કારણ એ કે હું ક્યારેય કોઈ એક બુક સળંગ પૂરી નથી કરી શકતો
અને એકસાથે ઘણીય બુક્સમાં મારી ચાંચ ડુબોળતો રહું છું
. . . પણ , તેનો એક આડફાયદો એ કે , જયારે બધું પૂરું થાય છે ત્યારે છપ્પર ફાડકે . . . નીતનવીન જાણકારી અને વહેંચવા લાયક સામગ્રીનો ઢગલો થાય છે
. . . તો હવે વધુ સમય નહિ લઉં , કારણકે આજની પોસ્ટ જ સ્વયં ખુબ લાંબી છે [ અગાઉથી જ ક્ષમા કરવા વિનંતી
હાં એક વાત જરૂર કે . . . ત્રણેય કિસ્સાઓ જરૂર વાંચજો , ભલે પછી બે વાર આવું પડે , મારા બ્લોગ પર ! ] . . . આજના આ પુસ્તકમાંથી , મેં મને અંગત સ્તરે ખુબ જ સ્પર્શી ગયેલા એ ત્રણ કિસ્સાઓનું વર્ણન કરેલું છે . . . જે કોઈની મદદ કરવાના તમારા [ અને મારા તો ખરા જ ] દ્રષ્ટિકોણને નવી ઊંચાઈ આપશે . . . અને આંચકો પણ ! . . . કુલ્લે પચાસ કિસ્સાઓ એકબીજાથી લેશ પણ ઉતરતા નથી અને તમને ઝકઝોળીને રાખી દેશે . . . મોટાભાગે તો ઘણાબધા આ પુસ્તકથી માહિતગાર હશે જ અને વાંચેલું પણ હશે . . . તો પણ , કરો શુભારંભ
- – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - -
1} કુછ તો લોગ કહેંગે , page 79
રામુ ઉર્ફે રામ સ્નેહી દસ વર્ષનો હતો ત્યારે એના બાપે એને મુંબઈ મોકલી દીધો – એના કાકાની દીકરી બહેનને ત્યાં રહેવા . રામુને મુંબઈ આવીને મજા પડી ગઈ . પગમાં નવા ચંપલ , ટ્રેનમાં મુસાફરી , નવું શહેર આંખોમાં આંજવાનું . પણ થોડા દિવસોમાં એનો મુંબઈનો નશો ઉતરી ગયો . એને ખ્યાલ આવી ગયો કે એની બહેન ધંધો કરતી હતી ! શરીર વેચવાનો ! બહેને રામુને ગામથી બોલાવી લીધો હતો કે જેથી ઘરની બહાર જઈને એ છોકરીઓ માટે સવાર સાંજ જમવાનું , ચા – પાણી વગેરે લાવી આપે . અહી રહેતી છોકરીઓને મકાનની બહાર પગ મુકવાની મનાઈ હતી . અહીની કેટલીય છોકરીઓ રામુના જ ગામની હતી . લગભગ બધી જ છોકરીઓ એની પોતાની જ જાતિની હતી – મધ્ય પ્રદેશની બેડીયા જાતિની . આ જાતિમાં માન્યતા છે કે એમની સ્ત્રીઓ મૂળ અપ્સરા હતી ! એટલે મૃત્યુલોકમાં જન્મીને એમણે પુરુષોને રીઝવવાનો વ્યવસાય જ કરવાનો હોય . બેડીયા જાતિની બધી જ સ્ત્રીઓ વેશ્યા બનતી . એમના ભાઈઓ અને બાપાઓ દલાલ બની જતા !!!
થોડા સમયમાં આમાંની એક છોકરી સાથે રામુને સારાસારી થઇ ગઈ . સુમિત્રા એનું નામ . એ રામુના જ ગામની હતી . સુમિત્રાનું કામ વેશ્યા ગૃહની બહાર બેસીને ઘરાકોને આકર્ષવાનું . દરેક ઘરાક આ વેશ્યા ગૃહના માલિકને બે રૂપિયા કમાવી આપતો . સુમિત્રાની જવાબદારી માલિક માટે રોજના ઓછામાં ઓછા સો રૂપિયા કમાવી આપવાની . કમાણી ઓછી થાય એ દિવસે એને ઢોર માર પડતો . રામુ રોજ રાત્રે સુમિત્રાને એકાંતમાં રડતા જોતો . રામુને પોતાની જાતિના પુરુષો માટે ધિક્કાર જન્મવા લાગ્યો , ઘરાકો જે સમાજમાંથી આવતા તે સમાજ માટે તિરસ્કાર છુટવા લાગ્યો . દિવસો / અઠવાડિયા / મહિનાઓ વીતી ગયા . પણ રામુની અને તેની આસપાસની દુનિયામાં કોઈ ફર્ક પડતો નહોતો . રામુ સુમિત્રાને સમજાવતો કે ચાલ ભાગીને પાછા ગામ જતા રહીએ . . . પણ સુમિત્રાની હિંમત ચાલતી નહોતી . રોજ રાત્રે માલિકના હાથનો માર ખાતી સુમિત્રા છેવટે એક દિવસ માની ગઈ . એક વહેલી સવારે હામ ભીડીને બેઉ જણ પોતાને ગામ જતી ટ્રેનમાં ચડી ગયા . ટ્રેનમાં જ રામુએ નક્કી કરી લીધું કે ભવિષ્યમાં એણે શું કરવું છે .
રામ સ્નેહીએ પોતાની જાતિમાંથી વેશ્યાગીરીની બદી દુર કરવાનો સંકલ્પ કરી લીધો હતો . રામુની જાતિના બીજા પુરુષો જે કામ કરતા તેનાથી તદ્દન વિરુદ્ધ કામ રામુ કરવા ધારતો હતો . એક પછી એક વેશ્યાઓને એ મળતો થયો . . . દલાલ તરીકે નહિ , મિત્ર તરીકે . એને ખ્યાલ આવ્યો કે દરેક સ્ત્રીને બહુ નાની ઉંમરે ધંધામાં ધકેલી દેવામાં આવે છે ! કુમળી વયે એમને ભાન પણ હોતું નથી કે શું સારું કહેવાય અને શું નઠારું ? સહેજ મોટી થયા પછી સમજણ આવે કે પોતે કેવી પરિસ્થિતિઓમાં મુકાઈ ગઈ છે ત્યારે એમાંથી બહાર નીકળવાનું ઘણું મોડું થઇ ચુક્યું હોય છે . . . એ પછી એમની જિંદગીમાં એક જ સપનું બચ્યું હોય છે – મારું નહિ તો કમસેકમ મારા સંતાનોનું ભવિષ્ય સુધરે . રામુ ઘણી વખત આ સ્ત્રીઓ સાથે એમના સંતાનો વિષે વાતો કરતો . પોતાના જ સંતાનો માટેની એમની લાગણીઓ જોઇને રામુ મૂંઝાઈ જતો – કેટલીક માતાઓ પોતાના બાળકોને ખુબ ધિક્કારતી તો કેટલીકને આ બાળકો જીવ કરતા પણ વધારે વ્હાલા હતા . જોકે , એક વાતમાં આ બધી માતાઓ સમાન હતી . કોઈ પણ માં પોતાની દીકરીને દેહવ્યવહારનાં વ્યવસાયમાં જવા દેવા માંગતી નહોતી . અહીના વાતાવરણમાં નાની દીકરીઓ કેવું ભવિષ્ય પામશે એની ચર્ચા કરતી વખતે માતાઓ જેટલી જ ચિંતા રામ સ્નેહીને થતી . રામુએ વિચાર્યું કે આ સ્ત્રીઓને તો કીચડમાંથી કાઢવી અશક્ય છે પણ એમના સંતાનોનું ભવિષ્ય બદલી શકાય એમ છે . પણ આ કામ ધાર્યા કરતા ઘણું કપરું હતું . રામુને ધમકીઓ મળી , એની મારપીટ થઇ , એને ગામ બહાર તગેડી મુકવામાં આવ્યો .
પોતાના ગામથી શહેરમાં ગયેલી વેશ્યાઓનો વિશ્વાસ સંપાદન કરતા રામુને બે વર્ષ લાગ્યા . એ પછી એનું ખરું કામ શરુ થયું . એણે આ કમનસીબ સ્ત્રીઓને સમજાવી કે તમારા સંતાનો મને સોપી દો , હું એમને ઉછેરીશ . અને આમ રામુના આશ્રમનો પાયો નખાયો . આજે આ આશ્રમમાં 300 બાળકો છે . બહારથી આ ઘર કોઈ પુરાણી અવાવરું હવેલી જેવું લાગે . પણ અંદર આવો તો માસુમ બાળકોના કલબલાટથી ધમધમાતું જણાય . રામુએ આ બાળકોના સપનાઓને ઉછેરવાનું વાતાવરણ ઘરમાં જ ઉભું કર્યું છે . તમામ બાળકોની શારીરિક ચુસ્તી અને એમના માનસિક વિકાસ પર પૂરેપૂરું ધ્યાન અપાય છે . રોજ સવારે આ ઘર શાળા બની જાય છે . બાળકોને પદ્ધતિસરનું શિક્ષણ આપવામાં આવે છે . રોજ સાંજે એમને જુડો અને કરાટે શીખવવામાં આવે છે , જાત જાતની રમતો રમાડવામાં આવે છે . રામુ કહે છે , આ બાળકોને , ખાસ કરીને દીકરીઓને સ્વ-રક્ષણની તાલીમ મળે તે ખુબ જરૂરી છે . અને છોકરાઓને મારે એવી તાલીમ આપવી છે કે તેઓ સ્ત્રીઓનો દેહ વેંચીને પોતાનો જીવન નિર્વાહ ન ચલાવે પણ જાત મહેનતની કમાણી કરતા થાય કે જેથી બેડીયા જાતિને ભવિષ્યમાં એક નહિ પણ ત્રણસો રામ સ્નેહી મળે .
રામ સ્નેહીની જીવનભરની મહેનત ફળી રહી છે . આ બાળકો પોતાના બહેતર ભવિષ્ય વિષે કલ્પના કરતા થયા છે . કેટલાકને ડોક્ટર બનવું છે , કેટલાકને શિક્ષક તો કેટલાકને એન્જીનીયર . કેટલાક રમતગમતનાં ક્ષેત્રે આગળ વધવા માગે છે . એક છોકરી તો માનસ શાસ્ત્રી બનવા માગે છે જેથી લોકોને સમાજની સમસ્યાઓ વિષે જાણકારી આપી શકે . રામ સ્નેહી આ સૌના સપના સાકાર કરવા આતુર છે . આશ્રમ માટે રામ સ્નેહીએ અંગત જિંદગી નયોચ્છાવાર કરી દિધી છે અને એની સામે એને સેંકડો જીંદગીઓને પોતાનું નસીબ પલટાવવાની તક આપ્યાનો સંતોષ મળ્યો છે .
- – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - -
2} સાવધાની હતી , દુર્ઘટના ઘટી , Page 89
જુવાનીમાં તિલક ચૌહાણની એક જ મહત્વકાંક્ષા હતી – મેનેજમેન્ટનું ભણીને સરસ કમાણી કરવી અને પોતાનું ઘર ખરીદી , મોટી ગાડી વસાવી , આનંદથી જીવવું . એને લાગતું કે બસ , થોડા જ વર્ષોમાં એનું આ સપનું સાકાર થઇ જશે . દિવસ -રાત એ આ સપનું સાકાર કરવામાં લાગી પડ્યો હતો . પણ નિયતીએ એમાં માટે કઈક જુદું જ વિચાર્યું હતું . તિલકની સામાજિક જિંદગી ખુબ વ્યસ્ત હતી . ક્યારેક આમાંથી સમય મળે ત્યારે એ નાટકો જોવા જતો . કોલેજના પાંચ વર્ષો દરમ્યાન એ નાટ્ય પ્રવૃતિમાં ગળાડૂબ હતો અને પછી રંગભૂમિની પ્રવૃતિઓ એના માટે વ્યસન બની ગઈ . ધીમે ધીમે નાટ્ય કલાકારો અને કસબીઓની સાથે એને ઘરોબો થવા માંડ્યો અને એ સ્ટ્રીટ થીયેટરની ચળવળમાં જોડાઈ ગયો . મેનેજમેન્ટ પ્રોફેશનલ તરીકે લક્ઝરી કારમાં ફરવાના સપના વિખેરાઈ ગયા . હવે શ્રીમંતોને બદલે આમ આદમીઓ એના જીવનનું કેન્દ્ર બની ગયા . સમાજસુધારણાઓનાં મુદ્દાઓ લઈને એ નાટકો લખવા લાગ્યો , એમાં ભાગ પણ લેવા માંડ્યો . આમાંનું એક સ્ટ્રીટ પ્લે ટ્રક ડ્રાઈવરોમાં એઇડ્સનાં જોખમો સામે લાલ બત્તી ધરતું હતું . એક દિવસ એના ગ્રુપે આ શેરી નાટક હાઈવે પર ભજવ્યું . તે દિવસથી તિલકને લાગ્યું કે હવે એ બીજા કોઈ વિષય પર નાટક નહિ લખે . નાટક દ્વારા કઈક નક્કર ઉકેલો લાવવા એ વારંવાર હાઈવેના ઢાબાઓ પર જતો અને ટ્રક ડ્રાઈવરો સાથે ઉઠબેસ કરતો .
એમની સાથે એમના કુટુંબ પરિવારો વિષે , એમના સંઘર્ષ અને સપનાઓ વિષે અને એમની જિંદગી વિષે વાતો કરતો . ટ્રક ડ્રાઈવરો પણ મોકળા મને એની સાથે વાતો કરતા પણ જેવી સેક્સ લાઈફની વાત નીકળતી કે એમના મોઢા સિવાઈ જતા .તિલકના ખુબ આગ્રહ પછી પણ કોઈ ડ્રાઈવર આ વિષે એક શબ્દ બોલવા તૈયાર નહોતો . પછી એણે જુદો રસ્તો પકડ્યો . એમની સાથે આ વિષય દુનિયાભરની વાતો કરતો . થોડા વર્ષો સુધી એણે દરેક ટ્રક ડ્રાઈવર સાથે અંગત ઘરોબો કેળવ્યો . એને લાગતું કે હવે એટલી આત્મીયતા કેળવાઈ છે કે આ નાજુક વિષય છેડી શકાય એમ છે ત્યારે એ હળવેકથી આ વાત કાઢતો . ધીમે ધીમે ટ્રક ડ્રાઈવરો તિલક સાથે મન મુકીને વાત કરતા થઇ ગયા . આજે તેઓ કાઈ ક્ષોભ સંકોચ વિના તિલક સાથે પોતાની અંગત લાગણીઓ વિષે નિરાંતે વાત કરે છે . છેલ્લા પાંચ વર્ષથી તિલક હાઈવેના ટ્રક ડ્રાઈવરો ને અસુરક્ષિત સેક્સ નાં જોખમો વિષે , સેક્સ પાર્ટનરોને બદલ્યા કરવાના ભય સ્થાનો વિષે , એઈડ્સની ખતરનાક અસરો વિષે અને એને કારણે એમની પોતાની તથા એમના પરિવારની જિંદગી સામે ઉભા થતા જોખમો વિષે માહિતી આપતો રહ્યો છે . કેટલાક ટ્રક ડ્રાઈવરોએ તો એઇડ્સ વિષે સાંભળ્યું પણ નહોતું . ડ્રાઈવરો માટે એમના ફર્સ્ટ એઇડ બોક્સમાં કોન્ડોમના પેકેટ રાખવા ફરજીયાત છે , પણ બહુ ઓછા ડ્રાઈવરો ને આનું મહત્વ સમજાતું હતું . તિલકને તેઓ કહેતા , ” મરદને વળી કોન્ડોમની મદદની શું જરૂર પડે ? ”
ડ્રાઈવરોની આવી માનસિકતા બદલવાનું કામ પથ્થરમાંથી પાણી કાઢવા જેવું હતું , પણ તિલકે ધીરજ રાખીને આ અશક્ય કામ કરી બતાવ્યું . પાંચ વર્ષના ગાળામાં એણે સમાજસેવકો , ડોકટરો અને ડ્રાઈવરોની માનસિકતા સમજીને એમને સલાહ સૂચનો આપી શકે એવા લોકોની એક મજબુત ટીમ ઉભી કરી છે . તિલક હવે શેરી નાટકો દ્વારા , ગીતો અને નૃત્ય દ્વારા તેમ જ ડ્રાઈવરોને જેમાં ભાગ લેવાની મજા પડે એવી રમતો દ્વારા પોતાનો સંદેશ પહોંચાડી શકે છે . આટલું કર્યા પછી મેડીકલ ચેક અપ થાય છે . પાણી પહેલા પાળ બાંધવા માટે તિલકની ટીમ હાઈવે ના દરેક ઢાબા પર જઈને કોન્ડોમના બોક્સ મૂકી આવે છે જેથી ટ્રક ડ્રાઈવરો વિના સંકોચે કોઈને પૂછ્યા વગર એમાંથી પોતાની જરૂરિયાત મુજબ પેકેટ લઇ શકે . અત્યર સુધી આવા ખોખામાંથી લગભગ 15 લાખ જેટલા કોન્ડોમ ટ્રક ડ્રાઈવરો લઇ ગયા છે . છેલ્લે બે વર્ષમાં 1400 જેટલા ડ્રાઈવરોએ તિલકના મોબાઈલ કલીનીકોમાંથી ડોક્ટરોની સલાહ અને દવાઓનો લાભ મેળવ્યો છે .
હાઈવેના પરના મેડીકલ કેમ્પ હવે કોઈનાય માટે નવી નવાઈની વાત રહ્યા નથી . એઇડ્સપીડિત ટ્રક ડ્રાઈવરો આ કેમ્પની મદદ લેતા થઇ ગયા છે . તિલક અને એની ટીમ જાણે છે કે એઇડ્સનાં દર્દીઓને સંપૂર્ણપણે સજા કરવા અશક્ય છે પણ એમને જીવવા માટે નવું માનસિક જોર પૂરું પાડી શકાય છે , એમની વ્યથાની વીતક કથાઓ સાંભળીને એમનો બોજ હળવો કરી શકાય છે આવા ટ્રક ડ્રાઈવરોનું માનસિક સ્વાસ્થ્ય પૂરે પૂરું પાછું ન આવે ત્યાં સુધી એમને પોતાના કામ ધંધા પર પાછા જવા દેવામાં નથી આવતા .રાત્રે હાઈવે પર ફૂલ સ્પીડમાં રોડ સાઈન્સને ગણકાર્યા વિના વાહન ચલાવતા ડ્રાઈવરો અકસ્માતને આમંત્રણ આપે છે , પણ અસુરક્ષિત સેક્સ જેવા અકસ્માતો તો જીવલેણ નીવડતા હોય છે . અહી ચેતવણી માટેના કોઈ પાટીયા હોતા નથી . અહી તિલક ચૌહાણ જેવા લોકોની પ્રવૃતિઓ જ સુરક્ષિત અને તંદુરસ્ત જિંદગી માટેની રોડ સાઈન બની જાય છે .
- – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - -
3} માસિકધર્મ અને માનવધર્મ , Page 119
ફિરોઝાબાદ ઉત્તરપ્રદેશનું એક નાનકડું શહેર . અંશુ ગુપ્તાને ખબર નહોતી કે આ શહેરની બે જ દિવસની મુલાકાત એની જિંદગીને નવો મોડ આપી દેશે . આ પ્રવાસ દરમ્યાન અંશુએ એક કિસ્સો સાંભળ્યો . રાબીયા નામની કોઈ ઔરતે માસિકધર્મ સમયે કોઈ કપડું ન મળવાથી પોતાનું જુનું બ્લાઉઝ વાપર્યું . બ્લાઉઝમાં કાટ ખાધેલા હુક હતા . રાબિયાને ધનુર્વા થઇ ગયો . નાનકડો હુક રાબિયાના મોતનું કારણ બની ગયો . અંશુએ વધુ જાણકારી મેળવવાનું શરુ કર્યું . એને જે માહિતી મળી તેનાથી કોઈ પણ માણસનું મસ્તક શરમથી ઝુકી જાય .
આખો દિવસ ટીવી પર સેનીટરી નેપ્કીનની જાહેરાતો જે દેશમાં દેખાયા કરતી હોય તે ભારતમાં મોટી સંખ્યામાં મહિલાઓ પીરીયડ દરમ્યાન ઘાસફૂસ , પોલીથીનની વપરાયેલી કોથળીઓ તો ક્યારેક રેતીની પોટલીઓ વાપરતી હોય છે . અંશુની જેમ કોઈનેય આ જાણીને ધક્કો લાગે , પણ આનો ઉપાય શું ? જે દેશમાં તન ઢાંકવાને પુરતું કપડું નથી મળતું તે દેશમાં સ્ત્રીઓના એ પાંચ દિવસની સ્વચ્છતા જાળવવા માટે કપડું ક્યાંથી મળે ? અંશુનાં દિમાગમાં આ સવાલ ગુંજતો રહ્યો અને એણે નોકરી છોડીને એક સંસ્થા શરુ કરી . નામ રાખ્યું , ” ગુંજન ” . સંસ્થાનું કામ ઘરઘરથી લોકોના જુના નકામા કપડા એકઠા કરીને જરૂરતમંદોને પહોંચાડવાનું . અંશુનું એક સપનું છે , દેશમાં દરેક તન પર પુરતું કપડું હોય . આ કપડાને કારણે જ સ્ત્રીઓના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાનો ઉકેલ પણ મળી ગયો . અંશુએ વિચાર્યું કે કોઈક રીતે જો આ તન ઢાંકવાના કપડાની સાથે સુતરના હાથવણાટનાં નેપ્કીન પહોંચાડી શકાય તો ગરીબ ઔરતો પોતાની ઈજ્જતની સાથોસાથ સેહતને પણ સાચવી શકશે .
આ કામ માટે કેટલીક મહિલાઓને ખાસ તાલીમ આપવામાં આવી . એમનું કામ હતું દાનમાં આવેલા કપડામાંથી કોટનના કપડા અલગ તારવી એને કાપી , ધોઈ , સુકવી એમાંથી નેપ્કીન તૈયાર કરવાનું . દુર સીમાડાઓનાં ગામો સુધી પહોંચાડવા માટેના નેપ્કીન તૈયાર તો થઇ ગયા , પણ સૌથી મોટી સમસ્યા જે સામે દેખાઈ રહી હતી તે એ કે શું ગ્રામીણ મહિલાઓ પોતાના માસિકધર્મ જેવી તદ્દન અંગત બાબત વિષે કોઈની સાથે ખુલીને વાત કરશે ? અંશુએ ડરતા ડરતા ગામની મહિલાઓ સાથે વાતો કરવાની શરૂઆત કરી . અંશુનાં આશ્ચર્ય વચ્ચે સૌએ આ બાબતે માઠું લગાડ્યા વિના , નિસંકોચે પોતાની સમસ્યા વિષે ચર્ચા કરી અને અંશુએ આપેલા નેપ્કીન વાપરવાની હા પાડી .
11 વર્ષની લાંબી સફર . દેશના તમામ મોટા શહેરમાં ” ગુંજન ”નાં કલેક્શન સેન્ટર છે , જ્યાં દર મહીને 20,000 કિલો કપડા દાનમાં આવે છે અને જરૂરતમંદો સુધી પહુંચે છે . દેશના 21 રાજ્યોમાં ફેલાયેલા અંશુનાં 300 સાથી કાર્યકરો ગરીબ મહિલાઓ સુધી નેપ્કીન પહોંચાડે છે . કાપડના આ નાના ટુકડાઓ સ્ત્રીઓના સન્માનનું પ્રતિક બની ગયા છે . પણ અંશુ માટે આ તો હજુ યાત્રાનો માત્ર આરંભ છે . એક સમય હતો જયારે અંશુ લેખક બનવા માંગતો હતો . પણ લખવાને બદલે અંશુએ જે કામ કર્યું છે તેની અસર દેશભરમાં ઊંડે સુધી ઉતરી છે . શરમ અને અંધવિશ્વાસનો વિષય ગણાતી બાબત હવે સ્વાસ્થ્ય સાથે સંકળાતી થઇ છે . ” ગુંજન ”નાં કાર્યથી દેશની લાખો સ્ત્રીઓને તંદુરસ્તીનું વરદાન મળ્યું છે .
- – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - -
જયારે હું પોસ્ટ સંબંધિત , યોગ્ય ઈમેજની તલાશમાં હતો , ત્યારે મને છેક એક વર્ષ પહેલાંની , શ્રી શિશિર રામાવતની આ જ પુસ્તક પરની પોસ્ટ મળી આવી . . . તો ભેગા ભેગું , તે પણ થઇ જાય
- – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - -
લેખક : ઉમેશ અગ્રવાલ , અનુવાદક : સૌરભ શાહ [ Link 1 ] , [ Link 2 ] , [ Link 3 ]
પ્રકાશક : આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા. લિ. , કિંમત : 85 / -
” દ્વારકેશ ” રોયલ એપાર્ટમેન્ટ પાસે , ખાનપુર
અમદાવાદ 380001 , Tel : (079) 25506573 , ISBN : 978-93-81315-36-1
http://rrsheth.com/ { અનંત સમય બાદ , વેબસાઇટ હવે કાર્યરત છે
}
- – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - – - -
લટકામાં . . !
મૂળમાં તો વર્ષો પહેલા , દુરદર્શન પર આવતી મીની-ડોક્યુમેન્ટ્રી સીરીઝ ” કિરણ ” માં , દર્શાવેલ કિસ્સાઓ પરથી ” ઉમેશ અગ્રવાલે ” આ પુસ્તકને જન્મ આપ્યો હતો . . . જે ત્યારબાદ , ગુજરાતીમાં ” સૌરભ શાહ ” દ્વારા અનુવાદ પામ્યું છે . . . યુ-ટ્યુબ પર ખાંખાખોળા કરતા માંડ બે , એપિસોડસ મળ્યા કે જે અહી આપી રહ્યો છું
1} રાજસ્થાનઅને હરિયાણાના દુરદરાજના અત્યંત રૂઢીચુસ્ત ગામડાઓમાં જઈને , ત્યાની પછાત અને બાહ્ય દુનિયાથી બેખબર છોકરીઓને ભણાવવા માટે બેંકની નોકરીને છોડી ચુકેલા , સંઘર્ષરત ” વિનોદભાઈ “
2} અને વિકલાંગ તરીકે પોતે કરેલા સંઘર્ષ અને ખાવા પડેલા બેસુમાર ધક્કાઓમાંથી એક નવી જ દિશા મેળવીને , અન્ય વિકલાંગોને મદદરૂપ થઇ રહેલા , ” કપિલ અગ્રવાલ ” . . . ” વિકલાંગ સહારા સમિતિ , દિલ્હી દ્વારા ”
ખુબ જ સરસ પોસ્ટ. મનને એકદમ વિચારતું કરી દીધું. સૌરભ શાહ વિશે સૌપ્રથમ કાર્તિકભાઈ ના બ્લોગ પર વાંચ્યું હતું. ત્યાર બાદ નેટ પર ખાંખાખોળા કરતા એકાએક એમનો બ્લોગ મળી આવ્યો, અને તમારા બ્લોગ ની જેમ તેમના બ્લોગ નો પણ અઠંગ બંધાણી થઈ ગયો છું. ફ્યુચર વિશલીસ્ટ માં તેમના પુસ્તકો મંગાવવાનો વિચાર છે.
1} જી હાં , પુસ્તકમાં એક થી એક ચડિયાતા અથવા કહીએ તો હૃદયસ્પર્શી કિસ્સાઓ છે . . . કે જે સાંભળીને ભલે આજે નહિ તો કાલે પણ, એક દિવસ આપણે અને તમે , કોઈ નવી શરૂઆત ચોક્કસ કરીશું . . . .
2} સૌરભ શાહ , હમણાં ઘણા સમયથી બ્લોગ પર એક્ટીવ ન હતા , પણ હમણાં હમણાં તેમની પોસ્ટસ શરુ થઇ છે , માટે આપણે સૌ વાંચકો માટે એ સારા સમાચાર કહેવાય
. . . આવતા રહેશો અને ફાવતા રહેશો
અને ક્યારેક હંફાવતા પણ રહેશો
તમારું ફ્લિપકાર્ટનું વિશલિસ્ટ હોય તો ‘શેર’ કરવા વિનંતી!!
અને, સરસ પુસ્તકનો પરિચય કરાવવા બદલ થેન્ક્સ!
એનું સાટું તમે , એક નાનકડી [ મારા કરતા વિપરીત
] પાણીપુરી જેવી તમતમતી અને રસગુલ્લા જેવી મીઠી અને રસતરબોળ પોસ્ટ આપીને ચૂકવી દેજો
સોરી , કાર્તિકભાઈ . . . ઘણી બુક્સના મેં બુકમાર્ક્સ રાખ્યા છે [ એ પણ , અલગ અલગ સાઈટસમાંથી . . . બુક્સ ઓન ક્લિક , ગુજરાતી બુક્સ , ફ્લિપકાર્ટ વગેરે ! ], પણ ફ્લિપકાર્ટનું વિશલીસ્ટ બનાવવાનું દર વખતે રહી જાય છે
. . . { કારણકે ફ્લિપકાર્ટમાં ઘણી વખત સારું ડિસ્કાઉંટ નથી આપતા . . . જયારે , અહીંયા રાજકોટમાં ” પ્રવીણ પ્રકાશનમાં ” , બારેમાસ મિનીમમ 10% વળતર તો આપે જ છે . }
પણ , જ્યાં પણ કોઈ સારા પુસ્તકની વાત સાંભળું ત્યારે . . . મેં બનાવેલી એક નાનકડી ડાયરીમાં જરૂર ટપકાવી લઉં છું . . . ત્યાં અંદાજે , 350 + બુક્સની વિગતો ભેગી થઇ છે
તો એ ડાયરીમાંથી એક પાનું બ્લોગ પર બનાવી દો, જેથી અમારા જેવાં જીવો આનંદ પામે! ફ્લિપકાર્ટ તો અમારા જેવા આળસુ લોકો માટે ભગવાન સમાન છે, કારણ કે એટલિસ્ટ શિપિંગ તો ફ્રી આપે છે
(હા, ઇન્ફિબિમમાં ગુજરાતી બુક્સ પ્રમાણમાં વધુ મળી રહે છે, એટલે આજ-કાલ ત્યાં ધામા નાખવામાં આવ્યા છે..)
મને પણ ઘણા દિવસોથી કોઈ આવું જ બુક્સ રીલેટેડ પેઈજ અને ” અદભુત એનીમેશન મુવીઝ અંગેની માહિતી આપતું પેઈજ “બનવવાની ઈચ્છા થાય છે . . . પણ , આળસમાં હું પણ લેટેસ્ટ વર્ઝન છું
કે જે વર્ઝન સતત અપગ્રેડ થયા રાખે છે
. . .
મેં બહુ ઓછી બુક્સ ઓનલાઈન મંગાવી છે . . . છેલ્લે , ” ટુ સ્ટેટ્સ ” અને ” ભાત ભાત કે લોગ ” ‘ બુક્સ ઓન ક્લિક ‘માંથી મંગાવી હતી અને તેનો અનુભવ ઘણો સારો રહ્યો હતો
થોડો સમય કાઢી બનાવી દો. ભગવાન તમારું ભલું કરશે
સુંદર પ્રેરણાદાયી વાતોથી ભરપુર પોસ્ટ માણી આનંદ
‘રાબિયાને ધનુર્વા થઇ ગયો . નાનકડો હુક રાબિયાના મોતનું કારણ બની ગયો . ‘માનવામા ન આવે તેવી વાત…ધનુરનું .કારણ કદાચ બીજું પણ હોય પણ મોતતો હકીકત છે અને આ પ્રકારની સેવાઓ બદલ વંદન
હકીકતે , મહતમ લોકો એમ માને છે કે ધનુર્વા / ધનુર કાટ્વાળા લોખંડ વડે થયેલ ઈજાથી થાય છે . . . એ તો ખરું જ પણ સાથે સાથે મુખ્ય હકીકત એ પણ છે કે ધનુર્વા માટેના જવાબદાર બેક્ટેરિયા [ Clostridium tetani ]માટીના ઉપલા થરમાં પણ વિપુલ પ્રમાણમાં હોય છે , એટલે ક્યારેક સામાન્ય પણે માટી અથવા તો ખરબચડી સપાટી સાથે છોલાવાથી પણ . . . ધનુર્વા થઇ શકે છે !
પણ , હાં છેલ્લે મોત નામની હકીકત જ સાચી ઠરે છે
જૂની ટેલીફિલ્મસ ખુબ શોધી , પણ મળવાથી રહી ! સ્ટાર વન પર “સ્ક્રીન વન ” , ડી ડી ૨ પર “ડાયરેક્ટરસ કટ ” અને ઝી ટીવી પર ” રિશ્તે ” નામથી ટેલિફિલ્મ્સ આવતી – આ ત્રણેવ સીરીઝ મારી ફેવરીટ છે અને સૌથી ફેવરીટ સ્ટાર વનની સીરીઝ . દુર્ભાગ્યે ટોરેન્ટ પર આ ત્રણમાંથી એક પણ સીરીઝ અવેલેબલ નથી. કિસ્સા વાંચવા ગમ્યા , પહેલા કિસ્સામાં જે વાર્તા છે, બિલકુલ એવી જ વાર્તા વાડી એક ફિલ્મ હમણાં થોડા સમય પહેલા જ આવેલી – ” રીવાઝ ” !
હાં , રિશ્તે મને યાદ છે . . . પણ તેની યાદો થોડી ધૂંધળી પડી ચુકી છે . . . દુરદર્શન પર આવતી આ સીરીઝ ” કિરણ ” તો મને યાદ નથી , પણ તેનું શરૂઆતનું પેલું મીણબત્તી સમયનું સંગીત હજી મને યાદ છે
અને , યુવરાજભાઇ આ ” રીવાઝ ” કઈ ફિલ્મ ? મને કેમ યાદ નથી ? કલાકારો કોણ હતા ? . . . છેલ્લે , આવો પ્લોટ સંજય દત અને પૂજા ભટ્ટવાળી ફિલ્મ ” સડક “માં હતો . . . પણ , તે પણ માત્ર પૂજા ભટ્ટને ભગાડી જવા પુરતો જ ! . . . પછીની સેવાપ્રવૃત્તિનું કાઈ નામોનિશાન જ ન્હોતું !!
અરે બંધુ સંજુબાબા ની “સડક ” માં ખાલી દેહ વ્યાપારનો જ પ્લોટ હતો , જયારે “રીવાઝ ” માં આ વાર્તા માં છે એ મુજબ છોકરી ના બાપ જ તેને આ ધંધામાં ધકેલે ! આખા ગામની બધી સ્ત્રીઓ આ ધંધામાં અને ગામના બધા પુરુષો એટલે કે છોકરીના બાપ , ભાઈ , પતિ બધા તેમની દલાલી કરે . અને આખા ગામનો આ એક જ ધંધો , ફિલ્મમાં મેઘના નાયડુ મુખ્ય પાત્ર માં હતી , અને અનએક્સ્પેકટેડલી મેઘના એ સારો અભિનય કરેલો.
સડક ની જેવી જ બીજી ઘણી ફિલ્મો મહેશ ભટ્ટે બનાવી , એમાં સ્ત્રીને એ ધંધામાંથી બહાર લાવવાની વાત આવે એ મને ગમે પણ ખાસ એ દરેક ફિલ્મમાં( અને બોલીવુડની બીજી ફિલ્મો માં પણ ) હિરોઈન તે ધંધામાં હોય ખરી , પણ તોય હીરો તેને ભગાડી ને લઇ જાય ત્યાં સુધી પવિત્ર જ હોય. એ આપડી ભારતીય પુરુષોને ટીપીકલ માનસિકતાને પોષે છે , જે મને બિલકુલ નથી ગમતું. અરે હિરોઈન પવિત્ર હોય તો કોઈ પણ તેને ભગાડે , એમાં શી નવાઈ , હિરોઈન પણ એ કાદવમાં ખરડાયેલી હોય છતાં હીરો તેને અપનાવે – તો એ સરાહનીય કહેવાય અને એથી સમાજમાં પણ પરિવર્તન આવે ,અને એ જોઇને , એથી પ્રેરિત થઇ ને સમાજ માં એવા બનાવો પણ બને! બરાબર ને ?
હંમમ . . . હવે થઇ ને કાઈ વાત
. . . એક દિવસ એવો આવશે કે જયારે આ કોચલું તૂટશે .
શ્રી નીરવભાઇ,
તમારો બ્લોગ તો જ્યારે આવે છે ત્યારે વાંચુંજ છું, અભિપ્રાય આજે આપું છુ. બહુ સુંદર વાર્તાઓ આપી છે. હમણાં ઝી ટીવી ઉપર “ફીર સુબહા હોગી” સીરિયલ આવે છે, તેમાં બેડીઆ જાતની વાર્તા “કુછ તો લોગ કહેંગે” જેવુંજ આવે છે.
હાં , મેં પણ તે સીરીયલ વિષે કદાચ સાંભળેલું . . . કદાચિત તેમાં વરુણ બડોલા અભિનય કરે છે . . . તે જ હોવી જોઈએ . . . પણ , લોચો ત્યાં વાગે છે કે જયારે કોઈ સામાજિક સમસ્યાને કેન્દ્રમાં રાખીને કોઈ સીરીયલ શરુ કરાય છે . . . અને થોડા મહિનાઓ બાદ જ તે સીરીયલ અન્ય બધી જ ઘસાઈ ગયેલા રોના- ધોના જેવા [ સાસ - બહુ ટાઈપ ] ડ્રામાઓમાં ફેરવાઈ જાય છે . . . કદાચ અહી પણ , એવું જ થયેલું છે
આપ સૌના અભિપ્રાય માટે હું હંમેશા રાહ જોતો હોઉં છું
કારણકે તેનાથી જ આગળ બ્લોગીંગ કરવામાં રસ જળવાઈ રહે છે
આપણી સંવેદનાઓ બરકરાર રાખીએ ત્યારે જ આપણો માનવ ધર્મ નિભાવી શકીએ છીએ. થેંક્સ ફોર શેરીંગ.
બુક્સની તો હું પણ કીડી કહેવાઉ.
સમગ્ર બક્ષી વાંચ્યા છે બાકી તો ગમે એટલુ વાંચતી રહુ છુ. એટલે સારી બુક્સ શેર કરતા રહેજો.
સાચી વાત છે ; સાચું સંવેદન જ આપણને એક ડગલું આગળ વધારે છે અને વિચારવા અને ક્રમશ:. . . આચરણમાં મુકવા પ્રેરે છે .
તમે “બક્ષી”ને વાંચી લીધા જયારે મેં તો હજી શરૂઆત જ કરી છે
. . . થોડુક મોડું !!! . . પણ કદાચ , તેનો સમય અત્યારે જ લખાયો હશે
હા, દરેક વાતનો એક સમય હોય છે જ.
બક્ષીને વાંચી લીધા એટલુ જ નહિં પણ પચાવ્યા પણ છે.
એમણે ઘણું શીખવાડ્યુ જિંદગીમાં, એ ય લખવુ છે ક્યારેક…
ધ “બક્ષી” વિષે આપના વિચારો જાણવાની ઇન્તેઝારી રહેશે
. . . પાછા બહુ રાહ ન જોવડાવતા
ચોક્કસ
ek j post ma tame pan vachak varg sudhi sevana bhekhdhario ane samaj na achhut ganata ane manataa vishayo nu sankalan karine ek seva j kari chhe …
abhinandan ….koi suvicharne vaheto mukvo e pan ek satkary j chhe …
હાં , હવે આ વહેતો મુકેલ વિચાર . . . જયારે અમારી અંદરથી ઉગી નીકળે ત્યારે આ વર્તુળ પૂરું થશે અને અમે અમારો જ કોઈ આવો કિસ્સો અહીં મુકી શકીએ તેવી આશના
આભાર પ્રીતિ મેમ .
આવી જ પાયાની પ્રવૃતિઓ સમાજમાં ઠેક્ટેકાણે નજરે પડી શકે છે, જરૂર છે માત્ર તે માટેની દ્રષ્ટિ.
આવા જ એક યજ્ઞ સમાન મહાપ્રયાસની વાત થોડા સમય પહેલાં શ્રી બીરેન કોઠારીના બ્લૉગ પર વાણ્ચી હતી, તેનો સંદર્ભ અહીં રજૂ કરૂં છુંઃ “યે કહાની હૈ દીયે કી ઔર તૂફાન કી ”
આશા કરીએ કે શ્રી ઉત્પલ ભટ્ટના પ્રયાસને ‘સક્રિય’ મદદ મળતી રહેતી હશે. આવા ‘અનામી’ કાર્યકર્તાઓને શત શત સલામ.
જી હાં , જે સાચા અને સંવેદનશીલ લોકોને પાયાનું કામ કરવું જ હોય છે , એ ક્યારેય કોઈની મદદની રાહ નથી જોતા અને જોતજોતામાં તેમની જ સુગંધ , તેમના જેવા બીજા સેવાર્થીઓને ખેંચી લાવે છે અને આ સેવા અને શ્રમનો યજ્ઞ સદા પ્રજ્વલતો રહે છે .
મેં , ” યે કહાની હૈ દીયે કી ઔર તૂફાન કી ” પોસ્ટ તો નથી વાંચી , પણ જરુરથી એ બાજુ જઈશ અને વાંચીશ અને વંચાવીશ .
આભાર અશોકભાઈ
આ પોસ્ટ ગમી, નિરવભાઈ. Social Welfare નું કામ જ્યારે સરકાર નથી કરતી/ કરી શકતી, ત્યારે આવું જ કોઈ નીકળી પડે છે. લોકો કહે છે કે ભારત રામભરોસે ચાલે છે, પણ ખરેખર તો ભારત આવા પરગજુ સેવકોને ભરોસે વધારે ચાલે છે.
ડીટ્ટો , આવા જ શબ્દો સૌરભભાઈએ પુસ્તકમાં લખ્યા છે કે આઝાદીના આટઆટલા વર્ષો બાદ પણ આટલી પછડાટ વિધ-વિવિધ ક્ષેત્રે ખાધા બાદ અને સેંકડો કૌભાંડ બાદ પણ , આ દેશ શાને લીધે હજી મસ્તક ઊંચું રાખીને દોડી રહ્યો છે . . . જવાબ કદાચ , માત્ર એક જ છે . . અને , તે છે આવા સેવાનો ભેખ ધારણ કરેલા સાચા અને સો ટચના સંતો
. . . . પુસ્તકના એક કિસ્સામાં તો , કોલકત્તાનો એક યુવાન સંસાર માંડ્યા વિના તેની પુરેપુરી કમાઈ વાપરીને ,આજુબાજુના વિસ્તારોમાં ઘણા વર્ષોથી હજારોને લેખે વૃક્ષો વાવી રહ્યો છે અને તેમને પોતાના બાળકની જેમ ઉછેરી પણ રહ્યો છે . . . કે અત્યારે તો એટલા વૃક્ષો છે કે જેટલા તો તેના પોતાના બાળપણના સમયમાં પણ નહોતા !
આભાર ચિરાગભાઈ
નીરવભાઈ
) ખુબજ મજા આવેલી પરંતુ આ પુસ્તક તો જાણે દરેક શબ્દે મગજમાં સસોરાવો ઉતારી ગયો અને હદય ને હચમચાવી નાખ્યું. આભાર તમારો પુસ્તક ખુબજ સુંદર હશે.
આ પુસ્તક પેહલા “મારું સત્ય” (મારું પોતાનું સત્ય ના સમજતા
સામાન્ય અને છતાં પણ અસામાન્ય તો ખરા જ એવા એકથી એક ચડે તેવા એવા કુલ પચાસ કિસ્સાઓમાંથી મેં આ ત્રણ કિસ્સાઓ એટલા માટે લીધા કે તેઓએ કઈક અલગ જ કેડી ચીતરી હતી . . . અને , સમાજ માટે એક નવો જ આદર્શ પ્રસ્થાપિત કર્યો કે આવા પણ અનેક ક્ષેત્ર બાકી છે કે જ્યાં ખેડાણ બાકી છે .
મળીએ આવતી પોસ્ટમાં , પ્રશાંતભાઈ
માસિકધર્મ અને માનવધર્મ
અને આ ગુંજને તો ખુબજ સરસ કામ કર્યું છે.તેને બિરદાવવા માટે શબ્દો નથી।
હાં , આ કિસ્સો તો ખરેખર અદભુત અને અનન્ય છે . . . કે , એક પુરુષ એક સ્ત્રીના આટલા નાજુક સમય દરમ્યાન તેની દરકાર કરે છે અને તેને સન્માનની નજરે જુએ છે . . . કે જે લોહીમાંથી આળોટીને જ જયારે આપણે સૌ બહાર આવીએ છીએ . . . તેજ લોહી તેનું મોતનું કારણ ન બને !
. . અ ગ્રાંડ સેલ્યુટ . . ટુ . . . અંશુ & ગુંજન . .
સત્યની ધમાલ પછી ઘણા વખતે આહીં આવવાનું થયું.
‘સાચી’ સામાજીક સેવાના પ્રયત્નો બહું આકરા અને બાંધછોડવાળા હોય છે. રીટાયર્ડ થયા પછી મારા જ ફીલ્ડમાં સમાજ સેવા માટે એનજીઓ ઉભી કરી, જરુરી ફંડ મેળાવવાના પ્રયત્ન કર્યા ત્યારે ‘ભીખારી’ હોઊં તેવા એવો વ્યવહાર થયો અને સમાજસેવાનો નશો ઉતરી ગયો. ફંડ વગર કાર્યો કેવી રીતે થઈ શકે એ ખબર નથી અને ખાસ તો ઉપરોક્ત કિસ્સાઓની ધીરજ રાખી ન શક્યો.
ખુબ મનનીય પોસ્ટ અને એવો જ કોમેન્ટ આપનારાઓનો ઉત્સાહ જોઈ, ‘જીવન’ હજુ ધબકે છે એવી ખાત્રી થઈ.
લગે રહો !
હાં , જગદીશ અંકલ . . . જયારે આપણા આદર્શો અને ધગશની બાહરી સંજોગો સમક્ષ ચકાસણી થાય છે ત્યારે તો ઠીક પણ જયારે મુખ્યત: આપણા ઉદ્દેશ અને નીતિમત્તાને એવા લોકો અને સમાજ સામે સાબિત કરવા પડે છે કે જેઓ તેમને હસી કાઢતા હોય છે અને તેમને મન આ બધું તમાશા જેવું જ છે ત્યારે સ્વમાનને ઘણી ઠેંસ પહોંચતી હોય છે . . . અને નાણાના પ્રવાહ વગર તે ધ્યેય અને લક્ષ્ય પણ ઝાંઝવાના નીર સમાન ભાસે છે . . . . .
અને મુખ્યત્વે તો આ પુસ્તકે મને જે આપ્યું અને શીખવાડ્યું , તે આપ સૌ સાથે વહેંચવાનો પ્રયાસ મહદઅંશે સફળ રહ્યો , એમ કહી શકાય , તેવું સૌ મુલાકાતીઓ પરથી લાગે છે
બ્લોગ હેડરના ફોટાની માસુમીયતના અભિનંદન આપવાના બાકી રહી ગયા, અભિનંદન
બ્લોગના હેડરનું , તે પ્યારું અને જીજ્ઞાસાથી ભરપુર બાળક કદાચ એમ જ કહેતું હશે કે દરેક પુસ્તક આવી જ જીજ્ઞાસાથી વાંચજો . . . ભલે પછી તમે ગમે તેટલા મોટા થઇ જાઓ
સરસ પ્રેરણાદાયક પોસ્ટ… પોસ્ટ વાંચીને એક જ વાત કહી શકાય કે મૂઠ્ઠી ઉંચેરા માનવીઓ…
મારા અંગત અનૂભવો પરથી કહુ છું કે દુનિયામાં ગરીબીનો પાર નથી. લોકો એટલી હદે કચડાયેલી અવસ્થામાં જીવતા હોય છે કે આપણને એમ થાય કે આ લોકો માણસ તરીકે જીંદગી જીવી છે કે પશુ તરીકે. લોકો એમ કહેતા હોય છે કે રૂપિયામાં સુખ નથી પણ “વસુ વિના નર પશુ” એ કહેવત પણ એટલી જ સાચી છે.
દેહ વ્યવસાયથી માંડીને બાળ મજૂરી જેવી બદીઓને મેં નિહાળી છે અને દરેક સમસ્યાની જડ છે ગરીબી, પેટનો ખાડો પૂરવાની મજબૂરી અને અશિક્ષા.
શિશીર રામાવત ભાઇની પોસ્ટ પણ સરસ છે.
પુસ્તકમાં અન્ય પણ કેટલાક અદભુત કિસ્સાઓ છે , પણ રોટી , કપડા અને મકાન અને શિક્ષણનાં પ્રાથમિક ક્ષેત્રથી કઈક અલગ જ ચીલો પાડતા આ ત્રણ કિસ્સાઓ , મને ખરેખર ઝક્ઝોળી ગયા અને મને તેમની ધીરજ અને પ્રતિબદ્ધતા અંગે ખરા દિલથી માન થયું . . . . તેઓએ ખરેખર સામા પવને બાથ ભીડી છે . છેલ્લા કેટલાય દિવસોથી ગાજતા અહેવાલો મુજબ [ મોટાભાગે પ્રમાણભૂત જ હશે ] , ભારતની મહતમ આવક કેટલાક ગણ્યાગાંઠ્યા લોકો અને જૂથ પાસે છે , અંદાજે 85 થી 90% મિલ્કત , 7 થી 10% લોકો પાસે ! . . . અને , બાકી વધ્યું હોય એમ . . . ભ્રષ્ટાચારનાં ડુંગર ખડકી સરકાર સામાન્યજનોનું લોહી પીવે છે . . .
તેવામાં ગાંઠના પૈસે સેવા અને પુરુષાર્થની જ્યોત જગાવનારા , આ લોકો જ સાચા સંત છે અને આપણી ભાવી પેઢી અને વિદ્યાર્થીઓને આવા લોકોમાંથી પ્રેરણા મળે , તે હેતુ સબબ તેમના દ્રષ્ટાંતો અને તેમને કરવો પડતો સંઘર્ષ , પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમમાં દાખલ કરવા જોઈએ . અને લોકો તરફથી છૂટોછવાયો અને થોકબંધ વહેતો , ધાર્મિક ક્ષેત્રો [ જેમ કે , એક પછી એક ખડકાયે જતા કરોડોના તોતિંગ મંદિરો ] તરફનો નાણાપ્રવાહ , આ ભેખધારીઓ તરફ વાળવો જોઈએ .
ઘણા સમયે , આપને જોઇને આનંદ થયો
ખરેખર “જીના ઇસીકા નામ હૈ” ના ત્રણે પ્રસંગો ખૂબજ ગમ્યા. કબૂલ કરુકે કરી શકુ એવી ઉમરમાકાઇ કર્યુ નહી, જગતમાની વિષમતા જોઇને અંતર બહુ કકળતુ હતુ પણ સમય અને સંજોગોએ સાથનથી આપ્યો એનો વસવસો આજેય આવુ કાઇક વાચીએ કે જોઇએ ત્યારે થયા વગર નથી રહેતો.આ મારી પલાયન વૃત્તિ નથી પણ મનની મનમા રહી ગઇ તેનુ દુ:ખ આ વાચ્યાપછી વ્યકત થયા વગર નરહ્યુ. પ્રતિભાવ આપવા બોક્સ ખોલીને દસ્મિનીટ વિચાર કરતી બેસી રહી, થયુકે નથી લખવુ પણ છેવટે હૈયાવરાળ ઠાલવી દીધી.{ આપને જેવુ લાગે તેવુ.} એટલુતો ચોક્કસજ કે બૂક ગમે ત્યાથી મેળવીને જ્યા સુધી નહી વંચાય ત્યાસુધી ચેન નહીજ પડે.
કોઈ પણ ઘટના કે હૃદયસ્પર્શી કિસ્સાઓ પણ જો આપણા માંહ્યલાને દ્રવિત કરી મુકવાની તાકાત રાખતા હોય , તો સમજવાનું કે આપણે હજુ પણ અંદરથી ધબકીએ છીએ અને ક્યારેક તે સંવેદન આપણને એક પગલું આગળ વધારશે અને તે કેડી કંડારશે
. . . આજે નહિ તો કાલે નહિ તો અઠવાડિયે નહિ તો મહીને નહિ તો વર્ષે . . . પણ ક્યારેક ને ક્યારેક જરૂર , આપણા વિચારો કર્મમાં પરિવર્તિત થશે અને આપણી હૈયાવરાળને ઠારશે
અને છેલ્લે ; અમને ઘણું સારું લાગ્યું કે આપે આપનો ખરો અને સુંદર પ્રતિભાવ આપ્યો